Dil A story of friendship - 4 in Gujarati Fiction Stories by Dr Jay Raval books and stories PDF | દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-4: સંઘર્ષની શરૂઆત

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-4: સંઘર્ષની શરૂઆત

ભાગ-4: સંઘર્ષની શરૂઆત


વર્ષ:2012

પુરપાટ દોડતી ટ્રેન ધીમી પડી અને પ્લેટફોર્મ નં.3 ઉપર આવીને ઉભી રહી. એક હાથમાં સૂટકેસ અને પોતાની પાછળ કોલેજ બેગ ભરાવીને દેવ ટ્રેનમાંથી નીચે ઉતર્યો. આંખોમાં અનેક સપના અને જુવાનીના જોશ સાથે પોતાની કારકિર્દી બનાવવા માટે દેવ સુરત આવી પહોંચ્યો. પ્લેટફોર્મ પરની માનવમેદની માંથી પોતાની જગ્યા બનાવતા જેમ તેમ કરીને તે રેલવેસ્ટેશનની બહાર આવી પહોંચ્યો. આજે પહેલી વખત તે પોતાના ઘરથી દૂર એકલો આવ્યો હતો.
આટલી બધી ભીડ તેણે આજે પ્રથમ વખત જોઈ. એક ગામડામાં રહેલો કિસાનપુત્ર આજે આટલા મોટા મહાનગરની જમીન પર ઉભો હતો. ભણવામાં તેજસ્વી હોવાથી તેને સુરતની ખૂબ જ પ્રતિષ્ઠિત કોલેજમાં સ્કોલરશીપ સાથે એન્જીનિયરિંગમાં એડમિશન મળી ગયું. એક મધ્યમ વર્ગના છોકરા માટે આ સ્કોલરશીપનું ખૂબ મહત્વ હોય છે એ વાત દેવ સારી રીતે જાણતો હતો. દેવ તેજસ્વી હોવાની સાથે સાથે મહેનતુ પણ હોય છે. દેવ સ્ટેશનનાં ગેટ પાસે ઉભો રહ્યો, સામાન નીચે મુક્યો અને આંખ બંધ કરીને તેણે તેના પિતા સાથેનો ઘર છોડતી વેળાનો સંવાદ યાદ કર્યો, " દીકરા, જા અને કંઇક કરી બતાવ. હવેનો સમય તારો હશે. હું નથી ઈચ્છતો કે તું મારાથી દૂર જાય પરંતુ તારા ઉજ્જવળ ભવિષ્ય માટે તારે જવું પડશે. હું નથી ઈચ્છતો કે તું પણ મારી જેમ ખેતી કરીને આ નાના ગામડામાં જ પોતાનું જીવન વિતાવી નાખે. નવા શહેરમાં ઘણી બધી તકલીફો પડશે, મુશ્કેલીઓ આવશે, નવા નવા લોકો મળશે, સારા અને ખરાબ લોકો મળશે, પણ તારે એ તમામ પડકારોનો સામનો કરવાનો છે. બેટા, જીવનમાં સફળતાનાં શિખરો સર કરવા માટે અનેક જાતના સંઘર્ષોનો સામનો કરવો પડે છે. જા, અને તારા માતા પિતાનું નામ રોશન કર." કહીને તેના પિતા પોતાના બચત કરેલા પૈસામાંથી લાવેલો મોબાઈલ ફોન દેવને આપે છે.

દેવ આંખો ખોલે છે. તેણે મનમાં કહ્યું," આ મારા જીવનનાં નવા અધ્યાયની શરૂઆત છે. અહીંથી હું કંઇક બનીને જ પાછો જઈશ. મારે મારા પિતાને મદદરૂપ થવાનું છે. મારા સંઘર્ષની આ શરૂઆત છે." તે જમીન ઉપરથી ચપટી ધૂળ ઉઠાવે છે અને માથે લગાવે છે.
તે સ્ટેશનની બહાર નીકળ્યો અને રિક્ષાને ઉભી રાખવા હાથ કર્યો.
એક રિક્ષા ઉભી રહી. તેણે કોલેજનું સરનામું બતાવ્યું અને રિક્ષામાં બેસી ગયો. રિક્ષામાં બેઠા બેઠા તેણે મોટી મોટી ઇમારતો જોઈ, બ્રિજ જોયા. આ બધું તે પોતાના જીવનમાં પહેલી વખત જોઈ રહ્યો હતો. પહેલી જ નજરમાં દેવને આ શહેર સાથે પ્રેમ થઈ ગયો. તેણે ત્યાંના લોકોને જોયા, મોટી મોટી ગાડીઓને જોઈ. શહેરની સુંદરતાને માણતા માણતા તે પોતાની કોલેજ પહોંચી ગયો.

કોલેજમાં જઈને તેણે હોસ્ટેલ શોધવા માટે બાજુમાંથી નીકળતા એક વ્યક્તિને પૂછ્યું, "હેલો, આ હોસ્ટેલ ક્યાં છે?"

"ફર્સ્ટ યર?" પેલા વ્યક્તિએ દેવને ઉપરથી નીચે જોઈને આંખના ભવા ઊંચા કરતા પૂછ્યું.

"હા." દેવે ખુશ થઈને જવાબ આપ્યો.

"ખબર નથી પડતી સિનિયરને ભાઈ કહીને બોલાવાનું અને ગુડ મોર્નિંગ કહેવાનું?" પેલા વ્યક્તિએ ગુસ્સાભર્યા સ્વરમાં કહ્યું.

"સોરી, ભાઈ. મને નહોતી ખબર. હું અહીં હજી નવો નવો આવ્યો છું." દેવ ડઘાઈ ગયો અને માથું નીચું કરીને ઉભો રહી ગયો.

"નવો છે તો શું થઈ ગયું. તારામાં એટલી મેનર તો હોવી જોઈએ ને. તારા ઘરવાળાએ એટલું પણ નથી શીખવ્યું?" પેલા વ્યક્તિએ કહ્યું.

એટલામાં વોચમેન દંડો લઈને દોડ્યો,"એય, લવ. સાલા નાલાયક. બે દિવસથી લોકોને ઉલ્લુ બનાવતો ફરે છે."

પેલો વ્યક્તિ દેવની સામે આંખ મારીને ભાગવા માંડે છે. વોચમેન દેવની પાસે આવીને કહે છે,"આ કોઈ સિનિયર બીનીયર નથી. એ પોતે ફર્સ્ટ યરમાં જ છે. એનું નામ લવ છે. બે દિવસથી બધા જેટલા ફર્સ્ટ યરના સ્ટુડન્ટસ આવે છે એમનું રેગીંગ લે છે અને હેરાન કરે છે. બિચારા કોઈને ખબર હોય નહીં એટલે ગભરાઈ જાય. તું ઠીક છે ને? કહી દઉં અહીંયા રેગીંગ એવું કશું થતું નથી હો તું ચિંતા ના કરતો."

દેવ આશ્ચર્ય ભરી નજરે લવને ભાગતા જોઈ રહે છે. "હા, કાકા. મને જરા બતાવશો આ હોસ્ટેલ કઈ બાજુ છે?" દેવે વોચમેનને પૂછ્યું.

"હા, અહીંથી સીધા સીધા જતા રહો અને પછી ત્યાંથી ડાબી બાજુ એટલે હોસ્ટેલ આવી જશે." કહીને વોચમેન ગેટ પાસે જતો રહ્યો.

દેવે પોતાનો સામાન ઉપાડ્યો અને હોસ્ટેલ તરફ પ્રયાણ કર્યું. તેણે રસ્તામાં કોલેજની ઇમારત, કેન્ટીન અને મોટું ગાર્ડન જોયું.
તે પોતાના રૂમમાં પહોંચ્યો. રૂમમાં પહેલેથી કોઈ વ્યક્તિ હોય છે.

"એક્સકયુઝ મી, શુ હું અંદર..." દેવ દરવાજા પર ટકોરા મારતા કહ્યું.

"યસ, યસ. આવ આ..." કહીને લવ અટકી ગયો.

"તું? તું હમણાં મળ્યો એજ છે ને?" દેવે પૂછ્યું.

"આવ, આવ. આ આપણો જ રૂમ છે. બેસ અને ચીલ કર." લવે દેવને આવકારતા કહ્યું.

"મારુ નામ છે લવ. તારો રૂમ પાર્ટનર." હાથ લંબાવતા લવે કહ્યું.

"દેવ. આવતાની સાથે જ તે બહુ સારું સ્વાગત કર્યું મારું." દેવે હાથ મિલાવતા કહ્યું.

"અરે વેલકમ, એના માટે હું સોરી નહીં બોલું. તું બહુ સિરિયસ ટાઇપનો માણસ દેખાય છે. થોડી મજાક મસ્તી કર. સુરતની હવાને માણ. અહીંની હવામાં કંઇક અલગ જ મજા છે. ચાલ આજથી બાબા લવના સાનિધ્યમાં આવ્યો છે ને એ તને જિંદગીની મજા લેતા શીખવાડી દેશે." લવે હોંશિયારીમાં કહ્યું.

"હું થોડો અંતર્મુખી માણસ છું. મને મિત્રો બનાવવા ઓછા પસંદ છે. અહીં મારું માત્ર એક જ કામ છે ભણવું." દેવે સામાન ગોઠવતા કહ્યું.

આ સાંભળીને લવે તાળીઓ પાડી અને પછી બે હાથ જોડીને કહ્યું,"પ્રભુ! ધન્ય છે તમને અને તમારા જેવો રૂમ પાર્ટનર પામીને હું ધન્ય થઈ ગયો છું. પણ આ માણસને તો તારે રોજ ફેસ કરવો પડશે. તારા લમણે આ જ માણસ લખાયો છે." લવે મસ્તીમાં કહ્યું અને હસવા લાગ્યો.

"ઓકે, ઓન એ સિરિયસ નોટ, કંઈપણ મદદની જરૂર હોય તો મને ફોન કરી દે જે. આ મારો નંબર છે. હું અહીંનો લોકલ જ છું, ખાલી રૂમ રાખ્યો છે મેં અહીં હોસ્ટેલમાં. આ શહેરના વિશે કંઈપણ જાણવું હોય, ક્યાંય ફરવા જવું હોય, પાર્ટી કરવી હોય, તો બંદા હાજીર હૈ આપકી સેવા મેં. એક કોલ કરજે ખાલી તું." લવે નંબર લખેલી ચિઠ્ઠી આપતા કહ્યું અને રૂમની બહાર નીકળવા લાગ્યો.

"થેન્ક્સ, લવ." દેવે આભાર માનતા કહ્યું.

સામાન ગોઠવતા ગોઠવતા દેવે લવ વિશે મનમાં વિચાર્યું,"થોડો મસ્તીખોર છે, પણ સારો માણસ લાગે છે. એની સાથે એક પોતાનાપણાંની ફીલિંગ આવે છે." અને હસવા લાગ્યો.

******************************

દેવ સામાન ગોઠવીને બેડમાં આડો પડે છે અને મનોમન વિચારે છે," હું બહાર થોડા કલાકો માટે જોબ કરું તો? મારો ખર્ચો તો નીકળી જાય. એટલું પૈસાનું ટેનશન પપ્પા ઉપર ના આવે."

તે હોસ્ટેલમાંથી બહાર લટાર મારવા નીકળે છે. કોલેજ કેમ્પસમાંથી બહાર નીકળી તે આજુ બાજુ નજર ફેરવે છે. એવામાં એની નજર એક કેફે ઉપર પડે છે, જેની બહાર બોર્ડ માર્યું હોય છે 'જોઈએ છે! વેઈટર. પાર્ટ ટાઈમ જોબ. ચાર કલાક ડ્યુટી.' દેવને અચાનક મનમાં સુજ્યું," કોલેજની પાસે જ આ કેફે છે, એક પ્રયત્ન કરી જોઉં કદાચ મને અહીં જોબ મળી જાય તો! જેટલો પગાર મળે એટલો મારા માટે તો ફાયદો જ છે."

તે કેફેમાં ગયો. તેણે ચારેબાજુ નજર ફેરવી. એક ટેબલ પર ત્રણ ચાર મિત્રો હતા, તો એક ટેબલ પર એક વ્યક્તિ લેપટોપ પર પોતાનું કામ કરતો હતો, એક ટેબલ પર પ્રેમીઓ ગુફતેગુ કરી રહ્યા હતા, તો એક ટેબલ પર એક છોકરી ગિટાર લઈને તેને વગાડી રહી હતી.
દેવ ધ્યાનથી આ બધું જોતો હતો, એટલામાં કેફેનો મેનેજર આવ્યો,
"એક્સકયુઝ મી, મે આઈ હેલ્પ યુ?" મેનેજરે કહ્યું.

"યસ, સર. આ બહાર વેઇટરની જોબ માટેનું બોર્ડ વાંચ્યું એના માટે પૂછવા આવ્યો હતો." દેવે સામો જવાબ આપ્યો.

"ઓકે. શું કરો છો તમે?" મેનેજરે ફરી સવાલ કર્યો.

"હું આ અહીંથી થોડે આગળ એન્જીનીયરીંગ કોલેજ છે ને એમાં સ્ટુડન્ટ છું" દેવે ફરી જવાબ આપ્યો.

"ઓહ, આર યુ સ્યોર તમે આ જોબ કરશો?" મેનેજરે આશ્ચર્યથી પૂછ્યું.

"હા, પણ તમે કેમ આવું પૂછો છો?" દેવે સામો જવાબ આપ્યો.

"એટલા માટે કે એ કોલેજમાંથી રોજ કેટલાયે સ્ટુડન્ટસ અહીં આવે છે અને તને અહીં કામ કરતા જોઈને તારી મજાક ઉડાવે, તારા ઉપર ખરાબ કોમેન્ટ કરે એ બધી વસ્તુઓની તારા કામ પર અસર પડવી ના જોઈએ. એ લોકો અહીં આવશે ત્યારે તારે એમને સર અને મેડમ કહીને બોલાવવા પડશે, કદાચ કોઈ વ્યક્તિ તને ઠપકો પણ આપશે, શું આ બધી વસ્તુઓ માટે તું તૈયાર છે? તને કંઈ વાંધો ના હોય તો મને કોઈ તકલીફ નથી." મેનેજરે કહ્યું.

"સર, મારું માનવું છે કે કોઈ કામ નાનું કે મોટું નથી હોતું, બસ એ કામ કરવાની તમારી દાનત હોવી જરૂરી છે. અને ભલે લોકો આવે, મને જોવે, મારી મશ્કરી કરે પણ જે વસ્તુની મારે જરૂર છે એ વસ્તુ હું બીજા લોકોના વિચારવાને લીધે કેમ જતી કરું." દેવે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો.

મેનેજર દેવના જવાબથી ખુશ થઈ જાય છે અને તેને કામ પર રાખી લે છે. "કાલથી રોજ સાંજે કોલેજ પત્યા પછી ચાર કલાક તારી ડ્યુટી. અભિનંદન."

"થેન્ક યુ, સર." કહીને ફરી એકવખત ટેબલ ઉપર બેઠેલા તમામ ચહેરાઓને જોઈને હસતા હસતા કેફેની બહાર નીકળ્યો.

દેવ રસ્તામાં વિચારે છે,"શું મેં કોઈ ભૂલ તો નથી કરી ને આ જોબ લઈને. એક ટ્રાયતો કરી લઈએ."

દેવ હસતા હસતા હોસ્ટેલ પહોંચ્યો. રૂમમાં પ્રવેશતાં જ,
"ઓહો, મિસ્ટર સિરિયસ કેમ અત્યારે આટલા મલકાઈ રહ્યા છે? શું વાત છે? કોઈ સુકન્યા જોઈ લીધી કે શું?" લવે દેવની ટાંગ ખેંચતા કહ્યું.

"ના ભાઈ ના. મને અહીં કોલેજથી આગળ જે કેફે છેને એમાં વેઇટરની જોબ મળી ગઈ છે. રોજ સાંજે કોલેજ પત્યા પછી ચાર કલાક માટે જવાનું ખાલી." દેવે હસતા હસતા જવાબ આપ્યો.

"આર યુ સિરિયસ? તું ખરેખર એ કેફેમાં જોબ કરવાનો છે? તને ખબર છેને કે એ કેફે આપણી કોલેજથી એકદમ નજીક છે અને બધી નવરી પબ્લિક ત્યાં જ પડી રહે છે." લવે આશ્ચર્યચકિત થઈને જવાબ આપ્યો.

"હા, પણ વાંધો શું છે આ કામ કરવામાં?" દેવે અકળાઈને કહ્યું.

"મને શું વાંધો હોય! મને તો મફતની કોફી પીવા મળશે." લવે મજાકમાં કહ્યું.

"હા, હોં." દેવે સુર પુરાવ્યો.

"હવે સમજણ પડી તેં ત્યાં જોબ કેમ લીધી. તારે જલસા બાકી, રોજ રોજ તને સુરતની ખૂબસુરતીઓને નિહાળવાનો લહાવો મળશે." લવે આંખ મારતા કહ્યું.

"તારું ધ્યાન એન્જીનીયરીંગ કરતા છોકરીઓ પર વધારે હોય એવું લાગે છે." દેવે ટોન્ટ માર્યો.

"હાસ્તો, એ પણ જરૂરી છે ને. અહીં એન્જીનીયરીંગ કોલેજમાં તો છોકરીઓના દર્શન પણ દુર્લભ છે. 80-20 નો રેશિયો છે અહીં છોકરા-છોકરીઓનો. બહુ કોમ્પિટિશન છે અહીં. કંઈ નઈ મારા માટે ધ્યાનમાં રાખજે તું કોઈ, બસ." કહીને લવ હસવા માંડ્યો.

"સલામ છે ગુરુજીને!" દેવે હસતા હસતા હાથ જોડતા કહ્યું.

"તથાસ્તુ." લવે મસ્તીમાં આશીર્વાદ આપતા કહ્યું.

******************************

દેવ પાણી પીવા માટે અટક્યો.
"આ મારી લવ સાથેની પહેલી મુલાકાત હતી. એકદમ બિન્દાસ્ત, મસ્તીખોર, પણ એની સાથે હોવ ત્યારે તમે ખુશખુશાલ જ રહો, એની સાથે રહેતી વખતે ઘર જેવી ફીલિંગ આવતી હતી જાણે મને મારો ભાઈ મળી ગયો હોય. તેને એન્જીનીયરીંગનાં મશીનો કરતા છોકરીઓમાં વધારે રસ હતો. યુ નો હું પહેલા શરૂઆતમાં ત્યાં પહોંચ્યો ત્યારે તેનાથી સાવ વિરુદ્ધ હતો. ડરી ડરીને રહેવાવાળો, કોઈનામાં ભળવું મને ગમે નહીં. પણ પછી લવ સાથે મારી દોસ્તી થઈ અને મારામાં ધીમે ધીમે પરિવર્તનો આવવા માંડ્યા."

કાવ્યા આંખો પહોળી કરીને દેવની સામે જોઈ રહી,"આર યુ સિરિયસ? તું કેફેમાં વેઇટરનું કામ કરતો હતો? અને આ વાત મને આજે ખબર પડે છે. એ પણ પાછું સુરત આવ્યાના પહેલા જ દિવસથી તું એ કામમાં લાગી ગયો." કાવ્યાએ દેવને સલામ ઠોકતા કહ્યું.

"એ વખતે પરિસ્થિતિ જ કંઇક એવી હતી. હું પપ્પાને બોજ આપવા નહોતો માંગતો. મારી જાતે હું મારો ખર્ચો ઉપાડી લઉ તો એમની ઉપર થોડો ભાર તો હળવો થાય. પણ પછી મને પણ લાગ્યું હતું કે હું કંઇક વધારે જ વિચારી રહ્યો હતો." દેવે પ્રત્યુતર આપ્યો.

"જે દેવનું તે અત્યારે વર્ણન કર્યું એના કરતાં અત્યારે સાવ અલગ જ દેવ સાથે હું રહું છું. શું પર્સનાલિટીમાં પરિવર્તન કર્યું છે. વાહ! કહેવું પડે બાકી. આ લવને મળવું પડશે મારે એકવાર." કાવ્યાએ વ્યંગમાં કહ્યું.

દેવનાં ચહેરા પર અણગમાનાં ભાવ જોઈને,
"ઓકે. અને આ લવ તારો રૂમ પાર્ટનર હતો એમને. પછી શું થયું? આ તારા કામના લીધે કંઈ પ્રોબ્લેમ્સ થયા હતા? અને હા ઇશીતા સાથે કેવી રીતે તારી દોસ્તી થઈ?" કાવ્યાએ ફરી સવાલો કર્યા.

"યાર, તું સવાલો બહુ પૂછે છે. તારી એક્સાઇટમેન્ટને કાબુમાં રાખ જરા. કહું છું શાંતિ તો રાખ. ધીમે ધીમે બધી જ વાતો તને ખબર પડશે." કહીને દેવે ફરી આગળની વાર્તા કહેવાનું શરૂ કર્યું.

(ક્રમશઃ)