Madhurajni - 11 in Gujarati Moral Stories by Girish Bhatt books and stories PDF | મધુરજની - 11

Featured Books
Categories
Share

મધુરજની - 11

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ – ૧૧

મેધને ખ્યાલ આવ્યો કે માનસી કેટલું રડી હતી. સાવ સરળ સ્વભાવનો મેધ એક દુર્ગમ માર્ગ પર અટવાયો હતો.દુન્યવી હિસાબ અહીં છળે તેમ નહોતું.

જે છોકરી તેને હસતા મુખે કોફી આપતી હતી, ક્યારેક ચર્ચા પણ કરતી હતી, એ કાંઈ અજાણી તો નહોતી, અને તો પણ કેટલી અજાણી હતી?

તે બધું જ. મનના આવેગો, તરંગો અને નકારાત્મક હકીકતોને એક તરફ મૂકીને માનસીના દેહમાં ખોવાઈ ગયો.

અને માનસીએ પણ...એમ જ કર્યું. અશબ્દ મિલન. શરીર, મન થાક્યા તો હતાં જ, મેધ ને નિદ્રા વળગી હતી. અને વરસાદ પણ તેજ ધારે વરસવા લાગ્યો હતો.

એક નવતર રાત, લગભગ મધરાતે શરૂ થઈ હતી.

મેધ ખૂબ વિલંબથી જાગ્યો. માંડ માંડ ઘેરાયેલાં પોપચાં ...જંપી ગયાં. તે જાગ્યો ત્યારે તે પલંગમાં એકલો જ હતો. ખીણ તરફ પડતી અટારીમાં તે ઊભી હતી.

મેધના ચિત્તમાં આખી ગઈકાલ ભમતી હતી. ઉફ! આ મધુરજની ! કશું યાદગાર બનવું તો જોઈએને ? તે અટારીમાં આવ્યો. સાવ અસ્પષ્ટ દધામાં. માનસી તો સ્નાનાદીથી નિવૃત્ત થઈ ચૂકી હતી. દેહ પર નવાં વસ્ત્રો હતાં. આંખોમાં અધૂરી ઊંઘની રતાશ હતી, લજ્જાય હતી પારવગરની

. ‘ તમે નારાજ હશો જ ‘ તે ધીમેથી બોલી. આંખોમાંથી ઝળજળીયા વહેવા લાગ્યાં

બહાર...આખી ખીણ સવારના કુમળા તડકાથી ભરી હતી. વૃક્ષો પરનાં જલબિંદુઓ ચકચકિત બનીને તગતગતા હતાં. શ્યામ વાદળો હવે વિખેરાતા જતાં હતાં. પવન સુસવાતો હતો.

સામે ખીણ હતી અને બીજી તરફ પહાડી હતી. એ બેયની વચ્ચે માનવ વસાહત હતી. માનવીય શોરબકોર અને સૃષ્ટિના કોલાહલો વાતાવરણને બોલકું કરી દેતા હતાં.

પણ મેધ તો મૌન જ રહ્યો. શો ઉત્તર આપવો માનસીને? એ સત્ય જ હતું કે તે નારાજ હતો. તેની આંખો કહી આપતી હતી, તેનો ગંભીર ચહેરો કહી આપતો હતો કે તે નારાજ હતો.

સુંદર દૃશ્યો પણ નકામાં હતાં. અરે, આ પર્વતીય શહેર કશા જ કામનું નહોતું. તે અહીં આવ્યો જ શા માટે ?

‘ મેધ,...મને પણ સમજાતું નથી કે ...આમ કેમ ...’ તે બોલી.

તે બોલી તો ખરી પણ પછી ખુદ તેને જ લાગ્યું કે એ અર્ધસત્ય હતું કશું કારણ તો હતું જ આવા વર્તન પાછળ. તેનો અતીત તેને આ રીતે નડશે તે ક્યાં જાણતી હતી?

મેધ જેવો તેના પર ધસતો હતો ને તેને લાગતું કે એ મેધ નહોતો, એ તો ...એ તો પેલો અધમ પુરુષ હતો ! એ દ્રશ્ય ખડું થઈ જતું હતું. એ સમયનો આતંક તેના તન-મન પર સવાર થઈ જતો હતો અને તે ચીસ પાડી દેતી હતી.

પણ આ વાત મેધને કહેવાય? એ કરતાં તો મનને મજબૂત કરીને ...એ પુરુષને હડસેલી જ દેવો. એ જ બહેતર હતું.

મેધ ...ક્ષમા માંગું છું...આ વર્તન માટેય અને હવેથી...કોશિશ કરીશ કે ...આમ ક્યારેય ના બને !

માનસી મક્કમતાથી બોલી. મેધે કશો જવાબ ન વાળ્યો. અસંમત થતો હોય તેમ તે હસ્યો પણ ખરો.

માનસીનું હૃદય બળીને ખાક થઈ ગયું. આમાં મેધનો દોષ પણ શો ? આ બધી વાત તે કેવી રીતે સ્વીકારી શકે ?

આ સ્થિતિ અસહ્ય હતી. કયો પુરુષ આ સહી શકે ?

અને સત્યનો રહસ્યસ્ફોટ પણ ઓછો ભયંકર નહોતો. આ વિષયમાં કોઈ પુરુષ ઉદાર બની શકે તો કેટલો બને ? શંકા તો જન્મે જ, અને શંકા વિસ્તર્યા જ કરે, વિસ્તર્યા જ કરે.

સોનલદે શું કહેતી હતી ? તેને તો કશો અનુભવ પણ નહોતો- આ પુરુષ જાતનો.

‘મેધ...હું સમજું છું કે મારું કહેવું તમને સ્વીકાર્ય નહીં જ બને. પણ મારી ભૂલ....મારે જ સુધારવી જોઈએ ને ? મારે તમને સુખ આપવું જ જોઈએ. મારી જિંદગીનો હવે એજ અર્થ રહ્યો છે. અને એમ કરીશ જ.....’

તે રડી પડી, એ મેધે જોયું. કેટલું રડી હતી, તે રાતભર ? અને હવે રુદનથી જ.....દિવસનો પ્રારંભ કરવો ?

મેધ નરમ થયો, કોમળ બન્યો, તેણે બે હાથ પ્રસાર્યા ને માનસી તરત જ તેના અવલંબનમાં આવી ગઈ.

‘સરસ સવાર એળે નથી જવા દેવી. ચાલ.....કશેક ફરી આવીએ.’ મેધ બોલ્યો.

સવાર ઉઘડતી જતી હતી. ધુમ્મસ....ઓગળતું જતું હતું. ખીણ હવે સ્પષ્ટ દેખાતી હતી, વૃક્ષો અને કેડીઓ સહિત. બે-પાંચ ઝૂંપડાઓના સમૂહો દેખાતા હતા, ઢોળાવો પર. પાતળી પગદંડીઓ પર અવરજવર થતી હતી.

અને જમણી તરફના ઢોળાવ પર ઊંચે એક-બે લાલ ધજાઓ ફરફરતી દેખાતી હતી. સફેદ ઘુમ્મટ અને સાવ ટપકાં જેવી પગથીઓ પણ નજરે પડી, માનસીને.

‘ચાલો ને, પેલાં મંદિરે જઈ આવીએ.’ તે ડરતાં ડરતાં બોલી. હજી મનમાં કંપ હતો.

‘હા.....એ કામાક્ષીમાતાનું મંદિર છે. ચાલ.....જઈ આવીએ.’ મેધ હસ્યો. હવે શ્રદ્ધાનો વિસ્તાર શરૂ થતો હતો. તે મનોમન વિચારવા લાગ્યો. ‘ચાલો....માની લઈશ કે તીરથ કરવા આવ્યો છું, કોઈ અજાણી સ્ત્રી સાથે.’

ચોકમાંથી માહિતી પણ મળી ગઈ. એ મંદિર વિશે.

‘ખૂબ મહિમા છે એ દેવીનો. દર્શન કરી આવો. આપણી ઇચ્છાઓ પરિપૂર્ણ કરશે એ દયાળી માતા.’ એક વૃદ્ધે મહિમા વર્ણવ્યો હતો. અલબત મેધને તો સમય પસાર કરવામાં જ રસ હતો. પહેલી મુલાકાત સમયે પણ તે દર્શન કરવા ગયો હતો- એ પહાડી પર.

ઊંચાઈ થકવાડી દે એવી હતી. ત્યારે તો માત્ર પગથિયાં જ હતા, અને એ પણ અવ્યસ્થિત, વાંકાચૂંકા અને જર્જરિત. હર પળે ખ્યાલ રાખવો જ પડે, સંતુલન જાળવવું પડે. માતાના દર્શન માટે તપ તો કરવું જ પડે એમ સહયાત્રીએ કહેતા હતા. તેને દરિદ્રતાનાં દર્શન પણ થયા હતા- સ્થળે સ્થળે.

અત્યારે તો ત્યાં રોપ-વે હતો.

લોકો એને ઉડન- ખટોલા પણ કહેતા. પગથિયાં તો પહેલાં જેવાં જ હતાં પણ એનો ઉપયોગ પણ ક્યાં થતો હતો ?

માનવ- ચલિત રિક્ષામાં બેસતા માનસીનો જીવ બળી ગયો. ‘શું આ આપણને આમ ખેંચીને....?’

એ પ્રશ્ન મેધના ચહેરા પર પણ હોત પરંતુ તેનું મન અટવાયેલું હતું. મનમાં ગડમથલ ચાલતી હતી.

રિક્ષા ખેંચાતી હતી. મન બધી દિશામાં રહેંસાતું હતું.

બસ, કાલે અરે, કાલે શા માટે આજ સાંજે જ આ સ્થળ છોડી દેવું. પણ સાંજે બસ- સેવા બંધ રહેતી હતી. બધી બસો....સવારે જ ઊપડતી. અપવાદરૂપે.....ક્યારેક એ રાતે ચાલતી.

મેધ- માનસી રાત્રિ- બસમાં જ આવ્યા હતા. દિલ્હીના ડ્રાઇવરમાં કેટલી હિંમત હતી, એ તો તેણે જોયું હતું. પણ અહીંથી નીકળવાનો નિયમ જુદો હતો. એનો અર્થ એ થયો કે હજી એક રાત.....તેણે ઊંડી વ્યથામાં ગુજારવાની હતી.

શું થયું હતું. તેની જિંદગીમાં ? લોકો તો લગ્નની વાતોમાં દિવસો સુધી ઝૂમતાં હોય, મધુરજની શબ્દ પર મલકતાં હોય, જ્યારે ?

માનસીના ખ્યાલમાં આ વાત હતી. તેની, માંડ માંડ જાળવેલી સ્વસ્થતા તૂટી ગઈ, પ્રસન્નતાની આછી લકીર વિખરાઈ ગઈ. એ ક્ષણે જ થઈ આવ્યું કે તે પતિને બધી જ વાત કહી દે. બધીજ....! તોતિંગ બંધના દરવાજા, એક સામટા ખોલી નાખે.

તે પતિને ગુમાવવા નહોતી ઈચ્છતી. તેણે આ વાત કહેવા હોઠ ખોલ્યાં પણ ખરાં. એ તક આવી પણ ખરી. રિક્ષા ચાલકે રિક્ષા રોકી હતી. તે પાસેની એક ગલ્લા જેવી દુકાને બીડી ખરીદવા ગયો હતો. તેણે એમાંથી એકને ઝટપટ સળગાવી અને બે ચાર ઉતાવળા દમ લીધાં. તેની દ્રષ્ટીમાં લાચારીને ચિંતા વ્યક્ત થતી હતી.

‘બાબાજી...બસ, એક મિનિટ ...’ તે બીડીના કસ વચ્ચે બોલ્યો હતો. કદાચ તાજગી કે ઉષ્મા મળી હશે, એ થોડા કસોમાં. તેણે તરત જ રીક્ષાને ખેચવાનું શરૂ કર્યું હતું.

હવે ઢાળ ચડવાનો હતોપણ તે સ્ફૂર્તિમાં આવી ગયો હતો.તાનમાં આવીને તેણેભજનની એક કદી પણ લલકારી હતી.

વાટ પર હવે ભીડ હતી. કેટલાંક તો પાછાં ફરી રહયાન હતાં. બીજી રિક્ષાઓ આવતી જતીહતી.

જાય માતા દી..એવા ભાવભર્યા પોકારો પણ સંભળાતા હતાં. ‘મેધ, મારે તમને કશું કહેવું છે.’ તે ધીમેથી બોલી હતી.

બરાબર એ સમયે જ રિક્ષા ઊભી રહી હતી. એ સ્થળે સમથળ જગ્યા હતી. થોડી રિક્ષાઓ, ગાડીઓ...હારબંધ ખડી હતી.

‘ બસ...સા’બ આગે પૈદલ જાના પડેગા. ઊડન –ખટોલા દો મીનટકી દૂરી પર મિલેગા.’ તેણે વ્યાવસાઈક તોરમાં કહ્યું.

મેધ- માનસી નીચે ઉતર્યા. મેધે...પૈસા ચૂકવ્યા. એક સલામ ઝીંકી એ ચાલકે કારણ મેધે...નક્કી કર્યા હતાં એ કરતાં વિશેષ ચૂકવ્યા હતાં માનસીને એ ગમ્યું. થોડો કોલાહલ પણ હતો.

એ માહોલમાં માનસીનું વાક્ય ઓગળી ગયું.

તે બંને લગોલગ આગળ ચાલ્યા. એક હાટમાંથી માનસીએ ચુંદડી, શ્રીફળ...પૂજાપો ખરીદ્યા.મેધે સસ્મિત ..તેને જોયા કરી. તેના મનનું ચિત્ર સ્વચ્છ થતું હતું. તે પવિત્ર સ્થળે જઈ રહ્યો હતો એ ભાન જન્મ્યું હતું તેનામાં.

માનસીએ ભાવપૂર્વક સામગ્રી ખરીદી હતી. તે પણ એ ભાવ જગતમાં ભળી ગયો. તેને યાદ આવ્યું કે માનસી તેના કાનમાં કશુંક ગણગણી હતી પણ કશું ...સ્મૃતિમાં નહોતું.એ સમયે તો તે ક્યાંય નહોતો.

આખો માહોલ...બદલાઈ ગય્પ. હવે માનસી તેની પત્ની હતી. ઊડન—ખટોલામા થોડી મિનિટોમાં જ ઊંચાઈ પર પહોંચી જવાયું. ખાસ ભીડ પણ નહોતી.

માનસીએ તેની સામે જોયું હતું. આ તેનો, આ રીતે વિહરવાનો પ્રથમ અનુભવ હતો. તે પાસે બેઠેલા પતિની નીકટ સરી હતી.

‘મેધ મને સંભાળજો.’ એમ કહીને લગભગ વળગી જ પડી હતી.પછી ઝીણી આંખે પતિને નિહાળતી હતી. બહાર દ્રષ્ટીપાત કરવાથી બચવાનું પસંદ કર્યું હતું તેણે.

મેધે પણ સ્પર્શથી હુંફ પહોચાડી હતી.

‘આ તો સાવ બાળક જેવી જ છે. જે થયું એ બાળકવેડા જ હશે!’ મેધ વિચારતો હતો..

‘ક્યારેક એવું પણ બને.’ તે તર્ક કરતો હતો. નાનકડું પાંદડું હતી જાય ને આખેઆખો પર્વત મળી આવે. મારે આ પાંદડું હટાવવું જ પડશે.’ તે મલક્યો પણ ખરો.

બન્નેએ ભાવપૂર્વક દર્શન કર્યા. માનસીએ પૂજાની સામગ્રી અર્પણ કરી દેવીને .

મંદિર પ્રાચીન હતું. જિર્ણોધ્દ્ધારનું કામ પણ ચાલતું જ હતું. ઊંચાઈ હતી. પર્વતના એક ઢોળાવ પર ધજાઓ ફરકતી હતી. ઠંડી પણ હતી.

માનસીએ દુપટ્ટાને માથા પર મૂક્યો.. શ્રદ્ધાપૂર્વક નમી. આંખો ભીની હતી. યાચના કરતી બોલી હતી—‘દેવી...મારે મારા પતિને સુખી કરવા છે. મને વરદાન આપો કે હું એમ કરી શકું.’

મેધે કહ્યું હતું –‘મારે આ છોકરીને પામવી છે. તેના હૃદય સુધી પહોંચવું છે. દેવીમાં...કશો અંતરાય છે.એની અને મારી વચ્ચે. દેવી...સહાય કરો.’

અને ત્યાજ ઘંટારવ થયો હતો. માનસી તો આંખો મીંચીને બેઠી હતી. એકાકાર થઈ ગઈ હતી દેવીમાં સાથે કેટલું વલોવાતી હતી, તે જાણે કે જીદ કરીને બેઠી હતી કે તે તેનું વરદાન પ્રાપ્ત કરીને જ જંપશે. ભીડ આવતી હતી, જાતિ હતી. પણ તે તો અડીખમ બેઠી હતી. આસપાસનું કશું ભાન જ નહોતું.

થરથરી ગયો મેધ. આ કેવી સ્ત્રી હતી? આટલી એકાકાર? શું યાચતી હશે દેવી પાસે...?

‘માનસી..’ તેણે હળવેથી તેને સ્પર્શી. જાગી ગઈ સમાધિમાંથી જાણે! ચાર આંખો ભેગી થઈ. અને હસી પડ્યા ચાર હોઠો.

મેધ વિચારતો હતો-બસ, આ રીતે જ તેને પમાશે. પુષ્પ જેવાં હૈયાને પામવા માટે શૂળ તો નાં જ બનાય ને? એ માટે તો કોમળ પતંગિયું જ બનવું રહ્યું.

એ રાતે મેધે જ કહ્યું હતું... ‘ચાલને..ગઈ રાતની માફક જ જંપી જઈએ. અરે, હીટર ચાલુ કરવાની પણ શી જરૂરત?'

અને હસી પડી માનસી હળવાશથી.

ભીતરમાં કોરાવા લાગ્યો અપરાધભાવ. ગઈ રાતનું પુનરાવર્તન ન થઈ શક્યું.