Angat Diary - Prasang in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - પ્રસંગ

Featured Books
  • बड़े दिल वाला - भाग - 5

    अभी तक आपने पढ़ा कि अनन्या वीर के पत्र को पढ़कर भावुक हो गई औ...

  • Age Doesn't Matter in Love - 24

    आन्या कमरे में थी ।   आन्या ने रेड कलर का लहंगा पहना हुआ था...

  • मझधार

      प्रेमी युगल अपने-अपने घरों में करवटें बदल रहे थे, नींद किस...

  • The Book of the Secrets of Enoch.... - 5

    अध्याय 22, XXII1 दसवें स्वर्ग पर, {जिसे अरावोथ (Aravoth) कहा...

  • रामेसर की दादी

    रामेसर अब गाँव का भोला-सा लड़का नहीं रहा। समय ने उसे माँजा,...

Categories
Share

અંગત ડાયરી - પ્રસંગ

અંગત ડાયરી
============
શીર્ષક : પ્રસંગ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૧૮, ઓક્ટોબર ૨૦૨૦, રવિવાર

"આમ જરીક મળતા રહો, તો સંબંધ જેવું લાગ્યા કરે,
તમારી હાજરીથી અમ આંગણે, પ્રસંગ જેવું લાગ્યા કરે."

પ્રસંગ એટલે લાલ, લીલા, પીળા રંગબેરંગી વસ્ત્રોમાં મ્હાલવાનો દિવસ. પ્રસંગ એટલે ઉંધિયું, પૂરી, કટલેસ, ગુલાબજાંબુ જમવાનો દિવસ, પ્રસંગ એટલે ઉમંગ, ઉત્સાહ, થનગનાટ, મઘમઘાટથી છલકાઈ જવાનો દિવસ. પ્રસંગ એટલે કોઈ પરિવારના આંગણે આવીને ઉભેલા મનગમતા ચહેરાઓ અને ગમતીલા અવાજોની એક આખી હસતી - રમતી ટોળકી.

માણસવલા માણસને માણસનો ચહેરો જોવાની તલબ લાગતી હોય છે. લગ્ન પ્રસંગે મુંબઈથી માસા-માસી આવે તો બેંગ્લોરથી મામા-મામી, રાજકોટથી કાકા-કાકી અને જુનાગઢથી દીકરી-જમાઈ. એક વડીલે મસ્ત સમજાવેલું : છેક મુંબઈ, બેંગલોરથી સગાંઓ આવે, તે શું થાળી ભરીને જમવા માટે? શું એ થાળી મુંબઈમાં નથી મળતી? બે પાંચ હજાર રૂપિયા માત્ર ટ્રાવેલિંગ પાછળ ખર્ચીને, પાંચ-પંદર દિવસનો ધંધો રોજગાર ખોટી કરીને શું દોઢસો-અઢીસોની થાળીના મોહે એ લોકો આવે? માણસને માણસની ભૂખ હોય છે. અમુક ચહેરાઓ, અમુક અવાજો એક સાથે સાંભળવા માણસ તડપતો હોય છે. પ્રસંગની સાંજે ભરાતી આવી મહેફિલો અને એ મહેફિલોમાં વાગોળાતા પ્રસંગો એટલે માનવીય સંવેદનાઓનાં ચાર્મિંગ અને ચાર્જીંગ પોઈન્ટ્સ.

પ્રસંગમાં ચાર પ્રકારના લોકો હોય. એક, બે-પાંચ મહિનાથી કામે લાગી ગયા હોય, બીજા, પ્રસંગના બેક દિવસ પહેલા એક્ટિવ થાય, ત્રીજા, પ્રસંગની આગલી સાંજે એક્ટિવ થાય અને ચોથા-છેલ્લા માત્ર જમવાના સમય પૂરતી હાજરી આપે. કેટલાક લોકો અગાઉથી ફોન કરે : ખૂબ આનંદ થયો, કંઈ કામકાજ હોય તો ચોક્કસ કહેજો. અમુક લોકો ઘરે જ પહોંચી જાય : બોલો હું શું મદદ કરું? આવા સમજુ, પરિપક્વ કે અંગત સ્વજનોના ચહેરાઓ અને અવાજો જ પ્રસંગની સાચી શોભા હોય છે.

આપણને જે કંકોત્રી મળી હોય છે, એ કંકોત્રીનું વિચારબીજ છ-બાર મહિના પહેલા નંખાયું હોય છે. વરસ પહેલા કોઈ માંગુ લઈને આવ્યું હોય, એકાદ મહિના સુધી જોવા-વિચારવા-તપાસવાનો પિરીયડ ચાલે, કુળદેવીની કૃપા અને વડીલોના આશીર્વાદથી મીઠી જીભ અપાય, સગાઈ થાય, લગ્નની તારીખ નક્કી થાય, વાડી-મહારાજ અને રસોઈયાનું બુકિંગ થાય, ઢગલા મોઢે ખરીદી થાય, કંકોત્રી છપાય, મેનુ નક્કી થાય અને છેક છેલ્લે મંડપ રોપણ થાય. તમે જયારે કોઈ પ્રસંગમાં હાજરી આપો છો અને એને વખાણો છો ત્યારે યજમાન પરિવારની આખા વર્ષની મહેનતનો થાક ઉતરી જતો હોય છે. કોણ જાણે કેમ કેટલાક લોકો પ્રસંગમાં ખામીઓ શોધવાના શોખીન હોય છે. આવા કબજિયાત વાળા નાસમજ લોકો ‘દાળમાં મીઠું સહેજ ઓછું છે’ કે ‘રૂપિયાનો ધુમાડો’ કે ‘દીકરીના બાપા પહેલા કેવા ગરીબ હતા’ એવી કડવી વાણીની દુર્ગંધ ફેલાવતા ફરતા હોય છે. આવા ‘વિઘ્નો’થી બચવા જ ‘વિઘ્નહર્તા ગણેશજી’નું સ્થાપન પ્રસંગોમાં કરાતું હશે!

જીવનની કેટલીક ઘટનાઓ, ચહેરાઓ, અવાજો એવા તો મીઠા, મધુર અને પાવરફુલ હોય છે કે એને કેવળ યાદ કરવાથી વર્તમાનમાં ગરમાવો, હૂંફ અને ઊર્જાનો અનુભવ થાય છે. બાળપણમાં શેરીમાંથી નીકળતો ફૂગ્ગાવાળો, બિસ્કીટ આપતા અજાણ્યા કાકા અને પ્રસાદ આપતા પૂજારીદાદા, યુવાનીમાં ભાઈબંધના સ્કૂટરનું હૉર્ન, આદર્શ શિક્ષકના શબ્દો અને ગમતીલી યુવતીની સાયકલની ઘંટડીનો રણકાર યાદ કરતા જ વર્તમાન ગુલાબી અને તાજગીસભર બની જાય છે. ઉંમરના એક પડાવે, આખું કુટુંબ કુળદેવીના દર્શને જાય કે પૌત્ર-પુત્રીઓ વાર્તા સાંભળવા જીદ કરે કે દીકરાની વહુ વ્હાલથી ભાવતો શીરો પીરસે કે દીકરો મળેલા પ્રમોશન બદલ માતા-પિતાની પૂજા-પ્રાર્થનાને યશ આપે કે દીકરી અને જમાઈ, બાળકો સાથે પિયરે મળવા આવે એ પ્રસંગ જેવું લાગતું હોય છે.

શું તમારો ચહેરો, તમારો અવાજ કોઈ અંગત પરિવાર માટે મનપસંદ છે? ગમતીલો છે? તો તમારો એક ફોન એમને ‘કુળદેવીની અસીમ કૃપા’નો અનુભવ કરાવી શકે એમ છે. બસ, તમારી કુળદેવી તમારા પર અસીમ કૃપા ક્યારે કરે એની રાહ જોવી રહી.

આ ધરતીના મંડપમાં પણ જીવન નામનો બહુ વિરાટ પ્રસંગ ચાલી રહ્યો છે. સૂરજદાદાથી શરુ કરી ચાંદામામા સુધીના સૌ યજમાન બની આપણી સરભરા કરી રહ્યા છે. હવે આપણે વિચારવાનું છે કે આપણે મનપસંદ, ગમતીલા થવું કે કાળી બળતરા કરતા કબજિયાત વાળા થવું.

બાકી, સમજદાર કો ઈશારા કાફી હૈ...

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)