વહેલી સવારના 5.45 વાગે મુંબઈ થી ઉપડતી ગુજરાત એક્સપ્રેસ ટ્રેન બોરીવલી થી ફૂલ થઇ જતી. ગુજરાત એક્સપ્રેસ માં ભલે રિઝર્વેશનના કોચ હોય પણ મોટાભાગે આ ટ્રેન અપડાઉન કરનારા માટે સ્પેશિયલ હતી. તમામ કોચ માં અપ ડાઉન કરવાવાળા ઘૂસી જતા અને ક્યારેક ઉપરની બર્થ ઉપર પણ સામાન ખસેડી બેસી જતા. કોઈ સ્ટેશને પેસેન્જરો ઉતરે તો એનાથી બમણાં ઉપર ચડતાં હતાં.
હું મુંબઈ થી સૂરત જઈ રહ્યો હતો. વિન્ડો સિટનું રિઝર્વેશન હોવાથી આ બધી ભીડથી હું અલિપ્ત હતો. વાપી થી એક ખૂબસૂરત યુવતી મારા કોચમાં ચઢી અને પોતાનો સીટ નંબર શોધતી મારા જ કમ્પાર્ટમેન્ટમાં આવી અને મારી સામે ખાલી પડેલી બેઠક ઉપર બેસી ગઈ.
ઉંમર લગભગ 24 25 ની હશે. દેખાવે એકદમ ખૂબસૂરત આ યુવતી જાણે કોઈ મોડેલ હોય એવી એની ડ્રેસ સેન્સ અને હેર સ્ટાઈલ હતી. એના પર્ફ્યુમ ની માદક સુગંધ આખા કમ્પાર્ટમેન્ટમાં મહેકી રહી હતી. જો કે ચહેરા ઉપરથી થોડી નાદાન અને ભોળી દેખાતી હતી. બરાબર મારી સામેની સીટ ઉપર હતી એટલે જાણે-અજાણે એના ઉપર વારંવાર નજર પડતી. યુવતી કોઈ ભયંકર ટેન્શનમાં હોય એમ સતત બેચેની અનુભવતી હતી.
દર પંદર વીસ મિનિટે એના મોબાઈલ ઉપર મેસેજ ઉતરતા હતા અને દરેક મેસેજ વાંચી એ બેચેન બની જતી હતી. એની બોડી લેંગ્વેજમાં ગભરાટ હતો. વલસાડ પહોંચતા સુધી એના ઉપર ત્રણ ફોન આવી ગયા દરેક વખતે એણે કાપી નાખ્યા.
મને એના ઉપર દયા આવી એટલે વાત કરવાનું મન થયું પણ આટલી બધી ભીડ વચ્ચે એ કોઈ જવાબ નહીં આપે એટલે હું ચૂપ રહ્યો.
સૂરત આવવાનું થયું એટલે એ યુવતી ઊભી થઈ. મારે પણ સુરત જ ઉતરવાનું હતું. સુરતમાં પ્લેટફોર્મ ઉપર મેં એની બાજુમાં જઈ ચાલતા ચાલતા પૂછી લીધું.
" મેડમ હું કઈ મદદ કરી શકું ? છેક વાપીથી હું તમને સતત ટેન્શન માં જોઈ રહ્યો છું. તમારી ચિંતાનું કારણ હું જાણી શકું ઇફ યુ ડોન્ટ માઈન્ડ ?"
" નો નો ઇટ્સ ઓકે. નથીંગ સિરિયસ."
" મેડમ વાત છૂપાવવા થી તમને કોઈ ફાયદો નથી. હું તો ચાલ્યો જઈશ. જ્યારે વાત જણાવશો તો એનું સોલ્યુશન પણ આવશે. વાત ગંભીર છે એ હું વાપી થી જોઈ રહ્યો છું. યૂ કેન ટ્રસ્ટ મી ."
થોડીવાર એ યુવતી કંઈ બોલી નહીં પણ પછી એણે મારામાં વિશ્વાસ મૂકવાનું નક્કી કર્યું
" મારું નામ પ્રિયા. વાપીમાં જ રહું છું. અમે લોકો કચ્છી છીએ. વાત થોડી પર્સનલ છે એટલે ક્યાંક બેસવું પડશે."
" હું સમીર ગણાત્રા. નવસારી મારું વતન અને સુરતમાં મારી જોબ છે. મુંબઈ એક કામ થી ગયેલો. ચાલો, અહીં સ્ટેશનની સામે એક સારી રેસ્ટોરન્ટ છે ત્યાં બેસીએ."
અને 15 મિનિટ પછી અમે બંનેએ રેસ્ટોરન્ટ માં પ્રવેશ કર્યો. ખૂણામાં એક ખાલી ટેબલ ઉપર બેઠક લીધી અને 2 કપ ચાનો ઓર્ડર આપ્યો.
પ્રિયા થોડી વાર કંઈ બોલી નહીં. વાત કરવી કે ના કરવી એની અસમંજસમાં હતી એવું લાગ્યું.
પછી એણે વાત કરી.
" મને મારી મુંબઈ ની એક ફ્રેન્ડ છેલ્લા કેટલાક દિવસોથી બ્લેકમેલ કરે છે. મારી કેટલીક અંગત વિડિયો ક્લિપ્સ એની પાસે છે અને એ ક્લિપ્સ સોશિયલ મીડિયામાં ફરતી કરી દેશે એવી એણે ધમકી આપી છે. એક લાખ રૂપિયા માંગે છે અને આજે છેલ્લો દિવસ છે "
" ઓકે... તમને એણે એ વીડિયો ક્લિપ્સ બતાવી છે ? તમારા મોબાઇલમાં ફોરવર્ડ કરી છે ? તમારી વચ્ચે કઈ બાબતે દુશ્મનાવટ છે ?" મેં એક સાથે ઘણા પ્રશ્નો પૂછી લીધા.
" નિશા શર્મા એનું નામ છે. મુંબઈમાં મીરા રોડ રહે છે. મારે તો એ વીડિયો ક્લિપ્સ જોવી પણ નથી. મને તો ગભરાટ થાય છે. એની ચાલ ચલગત સારી નથી એટલે મેં ફ્રેન્ડશીપ તોડી નાખેલી. મારો એક કૉલેજ ફ્રેન્ડ એના ચક્કરમાં હતો તો મેં એને ચેતવી દીધેલો ત્યારથી એ મારી દુશ્મન બની ગઈ છે "
" તમે જોયા વગર કઈ રીતે માની લીધું કે તમારી જ અંગત વીડિયો ક્લિપ્સ નિશા પાસે છે ?
" અમારી કોમન ફ્રેન્ડ અનિતા નો પણ મારા ઉપર ફોન આવેલો. એણે મને કહ્યું કે મારી કેટલીક ગંદી વિડિયો ક્લિપ્સ નિશા પાસે છે. એણે તો મને સામેથી ફોન કરેલો કે જે હોય તે પતાવી દે નહીં તો બદનામ થઈ જઈશ."
" હું સારા ઘરની સંસ્કારી છોકરી છું. મને એ સમજાતું નથી કે મારી વીડિયો ક્લિપ્સ કઈ રીતે બની ગઈ ? ત્રણ વર્ષ પહેલા હું મારા બોરીવલી માં રહેતા બોયફ્રેન્ડ જૈનમ સાથે રિલેશનસીપ માં હતી અને અમે માત્ર એકજ વાર થોડા કલાકો માટે બપોરના સમયે હોટલમાં ગયેલા. નિશાને એ ખબર હતી. ત્યારે હું મુંબઈમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહી કૉલેજમાં ભણતી. નિશા મારી સાથે કોલેજ માં હતી અને બધી વાતો હું એને કરતી "
" હમ્... તમે તમારા બોયફ્રેન્ડને વાત કરી ?"
" અમારું તો અઢી વર્ષ પહેલાં જ બ્રેકઅપ થઈ ગયું. અને બે વર્ષથી જૈનમ અમેરિકામાં છે. એનો કોઈ કોન્ટેક્ટ નંબર પણ મારી પાસે નથી."
મને થોડું થોડું સમજાતું ગયું કે આ નિર્દોષ ગભરુ છોકરીને નિશા ફસાવી રહી છે.અનિતા ને પણ થોડા પૈસા આપી એણે ફોન કરાવ્યો.
" ઓકે.. તમે સુરત કેમ આવ્યા છો ? તમે સુરત રહો છો કે વાપી ? "
" હું વાપી માં રહું છું. મારા પપ્પા એક ફેક્ટરીમાં મેનેજર છે. નિશા એ જ મને સુરતનો એક કોન્ટેક નંબર આપ્યો છે. અહીં સુરતમાં મારે કોઈ મોટવાણી અંકલને મળવાનું છે. એ મને એક મહિના માટે વગર વ્યાજે એક લાખ રૂપિયા આપશે. જે મારે આજે ને આજે નિશાને મોકલવાના છે પણ....." કહેતાં કહેતાં પ્રિયા રડવા જેવી થઈ ગઈ.
પર્સમાંથી રૂમાલ કાઢીને એણે આંખો લૂછી અને થોડું પાણી પીધું.
" ટ્રેનમાં નિશા ના જ ફોન અને મેસેજ આવતા હતા. "
અને પ્રિયાએ નિશાના વોટ્સએપ મેસેજ ખોલી એનો મોબાઇલ મારા હાથમાં જ મૂકી દીધો.
# જો પ્રિયા આજે કોઈ પણ હિસાબે કામ થવું જોઈએ. તને છેલ્લો ચાન્સ આપું છું.
# તને એક અઠવાડિયા નો ટાઇમ આપ્યો તેમ છતાં એક લાખ રૂપિયા તને કોઈએ ના આપ્યા એટલે મારે તને સુરત મોકલવી પડી છે.
# તને વગર વ્યાજે એક લાખ મળી જશે. થોડા પ્રેકટિકલ થઈ જવાનું. જમાનો બહુ જ ખરાબ છે. અત્યારે કોઈ દશ હજાર પણ નથી આપતું. જ્યારે આ તો એક લાખ ની વાત છે. થોડું તો કોમ્પ્રોમાઇઝ કરવું પડે ને ?
# અને તારે ક્યાં રોજ રોજ જવાનું છે ? એક લાખ તારા હાથમાં આવી ગયા એટલે તું ટેન્શન ફ્રી. તું એમને ફોન કરી દેજે અને જ્યાં બોલાવે ત્યાં પહોંચી જજે.
# તને એક સરસ ઓળખાણ કરાવું છું. બાકી બધું તારા હાથમાં છે. મને તો માત્ર એક લાખથી મતલબ છે. મોટવાણી અંકલ રાજા માણસ છે. સાંજે 5 વાગે તને ફ્રી કરી દેશે.
# આંગડિયા 6 વાગ્યા સુધી ચાલુ હોય છે. તું આજે ને આજે મને એક લાખનો હવાલો કરી દેજે. મને પૈસા મલે કે તરત તારી તમામ ક્લિપ્સ ડિલીટ થઈ જશે. આંગડિયા નું એડ્રેસ પણ તને મેસેજ કરું છું.
નિશા ના બધા જ મેસેજ મે વાંચી લીધા. એણે આ ભોળી છોકરી ને ફસાવવાનો જબરદસ્ત પ્લાન બનાવ્યો હતો. એની કોઈ વીડીયો ક્લિપ્સ નિશા પાસે નહોતી પણ આ ખૂબસૂરત છોકરીની નવી વિડિયો ક્લિપ્સ આજે ચોક્કસ બનવાની હતી. અત્યારે 10:30 વાગ્યા છે. છ કલાક માટે એ મોટવાણી એને ક્યાંક હોટલમાં લઈ જશે !! વાહ નિશા વાહ !!
" પ્રિયા" .. બોલતા બોલતા મેં પ્રિયાના હાથ ઉપર હાથ મૂક્યો. મેં લાગણીથી કહ્યું. " તું ખરેખર આજે બચી ગઇ છે. ઈશ્વરે જ મને તારી મદદે મોકલ્યો છે. હું પોલીસ સબ ઇન્સ્પેક્ટર છું. છેલ્લા ત્રણ મહિનાથી સુરતમાં મારું પહેલું પોસ્ટિંગ થયેલું છે . કુદરતે જ આપણી મુલાકાત કરાવી દીધી છે. તારી કોઈ વીડિયો ક્લિપ્સ એની પાસે નથી. હું શું કરું છું તે તું જોયા કર. તને પણ મજા આવશે. આજ પછી તારા ઉપર નિશાનો એક પણ ફોન કે મેસેજ આવશે નહીં એની ગેરેંટી. અત્યારે એક ફોન પેલા મોટવાણી ને મારી હાજરીમાં કરી દે અને તને ક્યાં બોલાવે છે તે તું સમજી લે. થોડો ડ્રામા આપણે કરવો પડશે."
પ્રિયાની આંખોમાં થી આંસુ વહી રહ્યા હતા. મેં એને રડવા દીધી. થોડીવાર પછી વોશરૂમમાં જઈ એ ફ્રેશ થઈ આવી અને મારી સામે જ મોટવાણી ને ફોન જોડ્યો.
" હેલ્લો અંકલ હું પ્રિયા.... સુરત પહોંચી ગઈ છું.... નિશાએ મને આપનો કોન્ટેક નંબર આપ્યો છે.... મારે આપને ક્યાં મળવાનું છે ? મને એડ્રેસ આપો તો હું રિક્ષા લઈને અત્યારે જ આવી જાઉં." મારી સૂચના પ્રમાણે પ્રિયાએ ખુબ જ સરસ રીતે વાત કરી. મોટવાણી એ એને એક હોટલ ના રીસેપ્શન હોલમાં બેસીને રાહ જોવાનું કહ્યું હતું.
મેં પોલીસ સ્ટેશનથી મારી ગાડી મંગાવી લીધી અને પ્રિયાને લઈને હું હોટલ પાસે પહોંચી ગયો. મેં એને બધું સમજાવી દીધું.
" જો પ્રિયા તારે ગભરાવાની કોઈ જરૂર નથી. બિન્દાસ એની સાથે તું રૂમ માં જજે. દશ મિનિટમાં હું અને મારા બે કોન્સ્ટેબલ રૂમમાં પહોંચી જઈશું. "
પ્રિયા ને ઉતારી ગાડી પોલીસ સ્ટેશન લીધી અને ત્યાંથી બે કોન્સ્ટેબલને લઈને અમે લોકો હોટલથી થોડે દૂર મોટવાણી ની પ્રતીક્ષા કરવા લાગ્યા.
થોડીવારમાં સફેદ પેન્ટ શર્ટ માં પોતાની મર્સિડીઝ ગાડી લઈને મોટવાણી આવી ગયો. એ હોટેલમાં પ્રવેશ્યો એ પછી 10 મિનિટ બાદ અમે હોટલમાં પ્રવેશ કર્યો.
" પોલીસ ..." મેં રિસેપ્શનમાં ઓળખાણ આપી. જોકે સાથે 2 કોન્સ્ટેબલને જોઈને રિસેપ્શનિસ્ટ સમજી ગયો હતો.
" મોટવાણી કયા રૂમમાં ગયો ? એ રૂમમાં સીસીટીવી કેમેરા છે ? જલ્દી જવાબ આપ નહીં તો તું ફસાઈ જઈશ "
" હા સાહેબ માત્ર 309 નંબર ના એક જ રૂમમાં સીસીટીવી કૅમેરા છે અને મોટવાણી સાહેબ માટે જ આ વ્યવસ્થા કરવામાં આવી છે. એમના ફોરેનર્સ ગેસ્ટ અહીંયા ઉતરે છે એટલે એમના ઉપર જરૂર પડે વોચ રાખી શકાય એટલા માટે એ રૂમ માં એમણે કેમેરા સેટ કરાવ્યા છે. અમે આ રૂમ બીજા કોઈને પણ આપતા નથી "
" વેરી ગુડ. તો તમે બધા એમના આ ગોરખધંધામાં સામેલ છો એમને ? "
" ના સાહેબ. આ એમની પર્સનલ એરેન્જમેન્ટ છે. અમે અહીં બેઠા બેઠા જોઈ શકતા નથી. એમના રૂમમાં જ મોનિટર છે. "
મારે પ્રિયા ને બચાવવી હતી એટલે રિસેપ્શનિસ્ટ સાથે વધારે માથાકૂટ કર્યા વગર કોન્સ્ટેબલ ને લઈને રૂમ પર ગયો અને દરવાજો ખખડાવ્યો.
" કોણ છે અત્યારે ? "
" મોટવાણી દરવાજો ખોલ જલ્દી... પોલીસ "
મોટવાણી એ દરવાજો ખોલ્યો. અમે ત્રણે જણા અંદર ઘૂસી ગયા.
" પોલીસની રેડ છે મોટવાણી. નિશા સાથે મારી બધી વાતચીત થઈ ગઈ છે. તારા તમામ કરતૂત ખુલ્લા પડી ગયા છે એટલા માટે જ હું તારી સાથે આ રીતે વાત કરું છું. થોડી વારમાં મીડિયાવાળા ને પણ અહીં બોલાવી લઉં છું." મેં ચલાવ્યું
" ના ના સાહેબ તમારી ભૂલ થાય છે. આ બેનને પૈસાની જરૂર હતી અને મારે આજે અહીંયા મીટીંગ છે એટલે મેં એમને અહી બોલાવી લીધાં છે. "
અને મેં મોટવાણી ના ગાલ ઉપર કચકચાવીને એક થપ્પડ મારી.
" તારે જે કહેવું હોય તે મીડિયા સામે અને કોર્ટ માં કહેજે. તારું આખું રેકેટ ખુલ્લું પડી ગયું છે. નિશાએ તારા તમામ ધંધા ખુલ્લા પાડ્યા છે અને મેં બધું મોબાઈલ માં રેકોર્ડ કર્યું છે. "
હવે મોટવાણી ખૂબ જ ઢીલો થઇ ગયો હતો. બે હાથ જોડી માફી માગવા લાગ્યો.
" મને બચાવી લો સાહેબ તમે કહો તે પતાવટ કરવા તૈયાર છું."
" કેટલા પૈસા ની તૈયારી છે તારી ? "
" તમે કહો તે સાહેબ. મારી ઈજ્જત બચાવી લો."
મારે પણ બહુ લાંબુ ખેંચવાની ઈચ્છા નહોતી. કોઈ અધિકારીની પરમિશન વગર જ મેં આ સાહસ કર્યું હતું.
" તારી પેલી મુંબઈની રખાત સાથે વાત કરી લેજે કે એ પ્રિયા નો રસ્તો છોડી દે નહીં તો તમને બંનેને હું જેલ ભેગા કરી દઈશ. પ્રિયાના મોબાઇલમાં તમામ પ્રૂફ છે. તારી પાસે અત્યારે કેટલા પૈસા છે ? "
" જી સાહેબ અત્યારે મારી બેગ માં પાંચેક લાખ જેટલા હશે."
" પાંચ લાખ પ્રિયાને આપી દે. અને હવે કાલ સુધીમાં તમામ કૅમેરા દૂર કરી દેજે. દર મહિને પોલીસ આવીને ચેકિંગ કરી જશે. છોકરીઓને ફસાવવાના કાળા ધંધા બંધ કરી દે નહીં તો કુદરત નહીં છોડે તને. આ છોકરી ટ્રેન માં રડતી રડતી આવી છે "
" જી સાહેબ"
" અને પ્રિયા આજ પછી તારી ઉપર નિશાનો કોઈ પણ ફોન કે મેસેજ આવે કે તરત જ મને જાણ કરી દેજે. અને આ પાંચ લાખ રૂપિયા ઘરે લઈ જા. ભવિષ્યમાં કામ આવશે. તારા ઉપર બહુ જ ટોર્ચર થયું છે એટલે આટલું વળતર તો મળવું જ જોઈએ "
પ્રિયા ને લઈ અમે નીચે ઉતર્યા. બે કોન્સ્ટેબલને પોલીસ સ્ટેશન ઉતારી ગાડી રેલ્વે સ્ટેશન તરફ લીધી.
" સુરત નું જમણ બહુ જ વખણાય છે . તમે મને ભૂખી જ મોકલશો ? સવારથી ખાલી ચા ઉપર છું. "
" અરે સોરી સોરી. ભૂખ તો મને પણ લાગી છે પણ આ ધમાલ માં બધું ભુલાઈ ગયું. ચાલો કોઈ સરસ ડાઇનિંગ હોલ માં જઈએ. "
જમતા જમતા પ્રિયાએ અચાનક મારો હાથ પકડી લીધો. " તમારો કયા શબ્દોમાં આભાર માનું તે સમજાતું નથી. તમે આજે દેવદૂત બનીને મારા જીવનમાં આવ્યા છો. તમે જે રીતે મારી સુરક્ષા કરી છે, મને બચાવી છે તો જિંદગીભર મારો હાથ ના પકડી શકો ? "
" પ્રિયા મેં મારી ફરજ બજાવી છે. કોઈ સ્વાર્થ થી મેં આ કામ કર્યું નથી. "
" હું જાણું છું અને એટલે જ કહું છું. હું મનોમન તમને મારા પોતાના માની ચૂકી છું. તમે આજે મને જીતી લીધી છે અને હું તમને મારું દિલ દઈ ચૂકી છું. તમે મારા હીરો છો. પ્રિયા આજથી તમારી છે સમીર . મને સ્વીકારી લો પ્લીઝ. "
મારી પાસે કોઈ જવાબ નહોતો આજે મારી જિંદગી માં એક નવો જ સૂરજ ઊગ્યો હતો. એક ખૂબસૂરત નવયૌવના આજે મને દિલ દઈ ચૂકી હતી. એક અદ્ભુત રોમાંચ નો હું અનુભવ કરી રહ્યો હતો.
મેં પ્રિયાની સામે જોયું. એની આંખો માં આંખો પરોવી માત્ર એટલું જ બોલ્યો.
" મારા નસીબમાં આટલી ખૂબસૂરત કન્યા લખેલી હશે એની ખબર મને આજે પડી."
અને પ્રિયા શરમાઈને નીચું જોઈ ગઈ.
અશ્વિન રાવલ