book review 'stories we never tell' in Gujarati Book Reviews by SUNIL ANJARIA books and stories PDF | પુસ્તક પરિચય 'stories we never tell'

Featured Books
  • जंगल - भाग 12

                                   ( 12)                       ...

  • इश्क दा मारा - 26

    MLA साहब की बाते सुन कर गीतिका के घर वालों को बहुत ही गुस्सा...

  • दरिंदा - भाग - 13

    अल्पा अपने भाई मौलिक को बुलाने का सुनकर डर रही थी। तब विनोद...

  • आखेट महल - 8

    आठ घण्टा भर बीतते-बीतते फिर गौरांबर की जेब में पच्चीस रुपये...

  • द्वारावती - 75

    75                                    “मैं मेरी पुस्तकें अभी...

Categories
Share

પુસ્તક પરિચય 'stories we never tell'

બુક રિવ્યુ- stories we never tell.
*****
હાલમાં જ બુક 'stories we never tell' - savi sharma વાંચી. આપણાં સુરત શહેરની જ લેખિકાએ લખેલી.

જીવન માટે પ્રેરણાત્મક સંદેશ બે સમાંતર રોચક આખ્યાનો સાથે આપતી આ નવલકથાના મુખપૃષ્ઠ પર જ લખ્યું છે, 'story of hope, light and recovery'. આધુનિક જીવનના અતિ કપરા પડકારો સામે લડતાં હતાશામાં ગરકાવ થઈ જતી યુવાન પેઢી માટે ખાસ સંદેશ.

અંગ્રેજી એકદમ સરળ, બોલચાલની ભાષા જેવું જ લાગ્યું. અગાઉ એક રિવ્યુમાં મેં કહેલું તેમ તમિળ લેખકની, કેરાલીની, બંગાળીની અલગઅલગ અંગ્રેજી ભાષા અને શૈલી હોય છે. અમુક સમજવી મુશ્કેલ પડે છે. આ પુસ્તકમાં માંડ એક બે જગ્યાએ ડીક્ષનેરી લેવી પડી.

નવલકથા કહેવાની સ્ટાઇલ એકદમ નવી હતી. બે અલગ મુખ્ય પાત્રોનું એક એક alternative પ્રકરણ આવતું જાય જાણે બે અલગ નવલકથાઓ એક એક કરી અલગ પ્રકરણ આપતી હોય. અંતે જેમ દિલ્હી તરફથી રતલામ, કોટાના રસ્તે આવતી ગાડી અને આબુ અમદાવાદ થઈ આવતી ગાડી વડોદરાને બદલે છેક બોરીવલી એક પાટે ચડે. હા. અંતે બેય પાત્રોની વાત એક થઈ જાય છે.

ચેતન ભગતની વાર્તાઓ કદાચ એ જ કારણે બેસ્ટ સેલર બની હશે તેવાં સેક્સને લાગતાં ઉઘાડાં વર્ણનોને બદલે એ જ વસ્તુ શિષ્ટ રીતે કહેવાઈ છે. થીમમાં આવતાં વર્ણનો અને ઘટનાક્રમ 30 વર્ષ નીચેની વયજુથને પસંદ પડે તે રીતે કહેવાયાં છે. અંતે એ શાશ્વત સંદેશ અપાયો છે કે કોઈ સંપૂર્ણપણે પરફેક્ટ બની શકે નહીં, બનવું જોઈએ પણ નહીં. અને બિનશરતી પ્રેમ કોઈ પણ રૂપમાં જીવન માટે ખોરાક, પાણી કે શ્વાસ જેટલો જ જરૂરી છે.

નવલકથા માટે કહેવાય છે કે 'create chaos and solve it' તેમ આ કથા ઓચિંતા અણધાર્યા વળાંકો લે છે, હૃદયદ્રાવક પ્રસંગો ખડા કરી તેનો સારો ઉકેલ પણ બતાવે છે.

એક સ્ત્રીએ લખી હોઈ માનવીય લાગણીઓએને સ્પંદનોનું ખૂબ સરસ વર્ણન છે અને એ લાગણીઓ કથાનો પ્રવાહ બની વાચકને પણ ભાવુક બનાવી દે છે.

તો ટૂંકમાં એ 200 પાનાંની, 34 નાનાં પ્રકરણોમાં વહેંચાયેલી કથાનો ટુંકસાર કહું.

આશ્રય એક હોંશિયાર, જાત પ્રત્યે સભાન યુવાન છે. જાહેરાતની અને માર્કેટિંગની કંપનીમાં ઇન્ટરવ્યૂ વખતે શું પહેરવું, ક્લાયન્ટ મીટિંગ વખતે કેવા દેખાવું , ક્યાં કઈ તૈયારી કરવી એ બધું બરાબર સમજે છે. નોકરીમાં ઝડપી પ્રગતિ કરે છે. તેને તેની મા ઉપર અપાર પ્રેમ છે અને તેને ખુશ રાખવા જ કારકિર્દી ઘડવા માંગે છે. કારણકે, તે મા દ્વારા દત્તક લેવાયેલો છે. પોતે અનાથાશ્રમની બહાર છોડી અવાયેલો હતો. મા તેને બધી જ મહત્વની બાબતમાં સલાહ આપે છે અને તેનાં શાણપણ મુજબ તે સાચી હોય છે એટલે આશ્રય તેને અનુસરે છે.

જ્હાનવી પુરી સ્વતંત્ર મિજાજની યુવતી છે. તે નવા જમાનાની કારકિર્દી, influencer તરીકે છે. સતત પોતે સોશિઅલ મીડિયા ઉપર વિચારી વિચારીને હેશ ટેગ, વાક્યો, એડીટ કરીને પોતાના ફોટાઓ મૂકે છે અને જે સંસ્થાઓ તેને એ માટે પૈસા આપે તેની જાહેરાત કરી ખૂબ કમાય છે. પોતાના ફોલોઅર કાઉન્ટ ઉપર સતત નજર રાખે છે.

તેની બહેનપણી કાવ્યા તેને સાચી સલાહ આપે છે પણ ક્યારેક જ્હાનવીને આ મારી મમ્મી જેવું વર્તન કરે છે તેમ લાગે છે. જ્હાનવીને તેના બે બે બોયફ્રેન્ડ તરછોડીને ચાલ્યા જાય છે. એક મોટા ધમાકેદાર મેળાવડા (જે આશ્રયની કંપનીએ કર્યો છે)માં તે ગોવા જાય છે ત્યાં એક બોયફ્રેન્ડને નવી ગર્લફ્રેન્ડ સાથે ફરતો જુએ છે. બોયફ્રેન્ડ તેને અપમાનિત કરે છે. આઘાતમાં તે એટલું પીવે છે કે વૉશરૂમની સીંકમાં ઉલ્ટી કરવા જાય છે ત્યાં તેના ફોટા લેવાઈ જાય છે. સોશિઅલ મીડિયામાં તો સતત અપટુડેટ અને ખુશ દેખાવું પડે. તેના ફોલોઅર કાઉન્ટ ઘટી જાય છે. તેને એ બોયફ્રેન્ડની ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થાય છે અને આઘાતમાં પીને એકાંતમાં પડી જાય છે જ્યાંથી આશ્રય તેને ઉઠાવીને પોતાના ટેન્ટમાં મૂકી આવે છે અને તેની ક્યારેક નર્સ રહી ચૂકેલી ગર્લફ્રેન્ડની મદદથી કપડાં બદલે છે. સવારે પોતે પોતાને અર્ધનગ્ન જુએ છે.

પાછી આવીને પણ પોતે સોશિઅલ મીડિયા કાઉન્ટની પાછળ જ છે. એ વર્ચ્યુઅલ દુનિયાને સાચી માની એમાં જ મગ્ન રહે છે અને હતાશામાં એટલું પીવે છે કે ઘરના રૂમમાં ઊંધે માથે પડે છે. મરવાની અણી ઉપર હોય છે ત્યાં તેણે ઝગડો કરી ગેટ લોસ્ટ કહેલી કાવ્યા તેના અટકી ગયેલા મેસેજ પરથી સમજી લઈ, તેને હવે જ્હાનવીએ જિંદગીમાંથી દૂર કરી છે તો પણ દોડી આવી તેની જિંદગી બચાવે છે.

આ બાજુ બસમાં આવતાં આશ્રયને એક યુવતી સાક્ષી મધુર સ્મિત આપે છે. તેણી આશ્રયને ગમી જાય છે. તેઓ સાથે હરે ફરે છે. આશ્રય, હવે મા ને સારો સમય આવશે એમ માને છે અને સાક્ષી તથા મા સાથે પોતે સુખી સંસારનાં સપનાં જોવા લાગે છે. ત્યાં સાક્ષી પોતાના મા બાપને સમજાવી શકતી નથી અને તેને બીજા કોઈ સાથે લગ્ન કરવાં પડે તેમ હોઈ ઓચિંતો સંબંધ તોડી નાખે છે. આ હાર્ટબ્રેક આશ્રય સહન કરી શકતો નથી. તેની મા તેને માટે બીજી કોઈ ઈશ્વરે ઘડી હશે કહી મુશ્કેલીમાં તેની સાથે રહે છે. આશ્રયનો કલીગ અને મિત્ર ઋષિ તેની સાથે દરેક મુશ્કેલીમાં ઉભો રહે છે.

જ્યારે મા અને પોતાની પત્ની સાથે સારી રીતે રહેવા આશ્રય નવું મકાન શોધી મા ને સરપ્રાઈઝ આપે છે ત્યારે જ મા ને ઓચિંતો બાથરૂમમાં એટેક આવે છે. હોસ્પિટલ સુધી મા જીવે છે પણ આખરે મૃત્યુ પામે છે. ઉપરાઉપરી આઘાત આશ્રયનું મન સહન કરી શકતું નથી. તેને ઓચિંતા ફાસ્ટ હાર્ટબીટ્સ, શ્વાસ રૂંધાવો જેવી તકલીફના એટેક આવવા લાગે છે. તેને ઋષિ સાઈકીયાટ્રીસ્ટ પાસે લઈ જાય છે જ્યાં મરતાં બચેલી જ્હાનવી પણ ટ્રીટમેન્ટ માટે પરાણે મોકલાઈ છે. તે જવા તૈયાર નથી પણ કાવ્યા તેને હાથ પકડી દોરી જાય છે.

ટ્રીટમેન્ટ દરમ્યાન બે સાવ ભાંગેલાં હૈયાં કોઈ સહારો શોધતાં હોઈ એક બીજા તરફ ઢળે છે. સાવ ઉત્તર દક્ષિણ ધ્રુવ જેવાં વ્યક્તિત્વો આખરે નજીક આવી એક બીજાનો સહારો બને છે.

એક પ્રકરણ આશ્રય બોલે તો એક જ્હાનવી બોલે.

જ્હાનવીની વાતો દ્વારા કેવા ડ્રેસ ક્યાં પહેરવા, સેલ્ફી કેવા એંગલથી લેવી, ક્યા ડ્રેસ સાથે કઈ એક્સેસરી રાખવી, મીડિયા પર પોસ્ટ કરતા પહેલાં શું ધ્યાન રાખવું, પોતાને વધુમાં વધુ ફોલોઅર્સ કેવી રીતે મળે એ બધી ટ્રિક સારી રીતે વર્ણવી છે. કદાચ સાચી હોઈ શકે. સોશિઅલ મીડિયામાંથી કમાણી કરવા શું કરવું પડે તે પણ વર્ણવ્યું છે. દેખાવ અને મેકઅપ તથા ફોટા લેવા અને પોસ્ટ કરવા માટે ખૂબ સરસ સમજાવ્યું છે.

આખરે એ બધું વ્યર્થ અને આત્મઘાતક છે એ સમજાવ્યું છે.

પુરુષના બાહ્ય દેખાવ માટે પણ આશ્રયની વાતોમાં ઘણું જાણવા મળે છે.

સાઈકિયાટ્રીસ્ટની કેટલીક વાતો- જેમ કે ઓએનિક એટેક આવે ત્યારે ધ્યાન ભટકાવવા (distract થવા) નજીક દેખાતી પાંચ વસ્તુનાં નામ બોલવાં, પાંચ અવાજો કહેવા, પાંચ વસ્તુઓને સ્પર્શી તે કેવી લાગે છે તે કહેવું વગેરે બાહ્ય ઇન્દ્રિયોને આગળ કરી શોકાતુર મનને તાત્કાલિક રાહત આપવી કે બહુ આઘાતની અવસ્થામાં કુશન કે પીલો જેવી ચીજ હૃદય પાસે છાતીને ચિપકાવી રાખવી જેવી ખરેખર કામ લાગે તેવી છે.

કેટલાંક વાક્યો જેમ કે 'આપણે બરાબર રમતા હોઈએ પણ ભાગ્ય પાસો ઓચિંતો ફેંકી આપણી બાજી પલટી નાખે છે જે રમવી જ પડે છે', ' અપૂર્ણતામાં જ પૂર્ણતા છે', 'જેવા હોઈએ તેવા દુનિયાને બતાવવાથી દુનિયા પર વધુ પ્રભાવ પડે છે', 'દુનિયામાં સહુથી શાશ્વત સત્ય છે પ્રેમ અને બિનશરતી પ્રેમ' ખૂબ સ્પર્શી જાય તેવાં છે.

પુસ્તક બેસ્ટ સેલર છે પણ મેં પ્રથમ વાર નામ સાંભળ્યું અને મોલમાંથી ખરીદ્યું. હાથમાંથી મુકવાનું મન ન થાય તેવો કથાપ્રવાહ અને રસાળ વર્ણનો. રોમેન્ટિક વાતો પણ શિષ્ટ રીતે કહેવાયેલી અને સંદેશ પણ હકારાત્મક.

લેવા જેવું અને વાંચવા જેવું.
Publisher: West land publications, chennai

***