Angat Diary - Shikshak kabhi sadharan nahi hota in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - શિક્ષક કભી સાધારણ નહીં હોતા

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

અંગત ડાયરી - શિક્ષક કભી સાધારણ નહીં હોતા

અંગત ડાયરી
============
શીર્ષક : શિક્ષક કભી સાધારણ નહીં હોતા..
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ :૧૩, સપ્ટેમ્બર ૨૦૨૦, રવિવાર

શિક્ષક કભી સાધારણ નહિ હોતા..
તમે શું માનો છો?હોતા હૈ? કે નહીં હોતા? જરા આસપાસ નજર ફેરવો. શેરીમાં કે સોસાયટીમાં રહેતા દસ શિક્ષકોને યાદ કરો અને પછી જવાબ આપો. કેટલા સાધારણ છે અને કેટલા અસાધારણ?

સાધારણ એટલે શું? હાઈસ્કૂલમાં સમીકરણ ઉકેલતા ત્યારે સાહેબ સમજાવતા: આપેલ પદાવલીમાં જે સભ્ય દરેક પદમાં હોય તેને સામાન્ય (સાધારણ કે કોમન) કહેવાય. આખા ટોળામાં હોય એવા સંસ્કાર કે લક્ષણ ધરાવતા વ્યક્તિને સામાન્ય (કોમન) કે સાધારણ વ્યક્તિ કહેવાય. ખાઈ-પીને જલસા કરવા એ આજકાલ આપણી કોમન જીવનશૈલી છે. શિક્ષક પણ જો એ જ શૈલીથી જીવતો હોય તો એ પણ કોમન કહેવાય, સાધારણ પણ..

શિક્ષક કભી સાધારણ નહીં હોતા...
આ વાક્ય સિદ્ધ છે, અફર છે કારણ કે આ વાક્ય કોઈ ફિલ્મનો ડાયલોગ નથી, આ વાક્ય ચાણક્ય જેવા સિદ્ધ પુરુષનું છે. એને તમે ‘ટાઢા પોરનું ગપ્પું’ સમજવાની ભૂલ ન કરી શકો. સાધારણ વ્યક્તિ સત્તા અને સંપત્તિ પાછળ દોડતો હોય તો શિક્ષક સત્ય અને ઈમાનદારીની ઉપાસના કરતો હોવો જોઈએ. જો શિક્ષક પણ સત્તા અને સંપત્તિ માટે નમી પડતો હોય તો કાં એણે ફેરવિચારણા કરવી પડે અને કાં પછી એ શિક્ષક ન કહેવાય કારણ કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા...

વળી, યાદ રહે આ વાક્ય શિક્ષક માટે કહેવાયું છે. વાલીઓ, વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીઓ કે વકીલો, ડોકટરો કે પોલીસો માટે નહીં. ચાણક્યએ ઝીણવટભરી તપાસ કરી, પોસ્ટમોર્ટમ કર્યું, બધી જ રીતે સમજી - વિચારીને પછી કહ્યું છે કે ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા...’

તમને ભલે આસપાસની શાળાઓમાં શિક્ષકોને તતડાવતા પ્રિન્સીપાલ કે ટ્રસ્ટી સામે રડમસ ચહેરે ઉભેલા ટીચરનો કે એમની ચમચાગીરી-બટરપોલીસ કરતા ટીચરનો કે પછી કોઈ ફિલ્મ કલાકારને પણ શરમાવે એવા લટકા-મટકા-નખરા કરતા ટીચરનો ચહેરો યાદ આવતો હોય છતાં ચાણક્યના આ વાક્ય ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા...’ ને કોર્ટમાં પડકારવાનો એક પણ કિસ્સો હજુ બન્યો નથી. કારણ કે હજુ પણ ક્યાંક ખૂણે ખાંચરે લોહીનું પાણી અને હાડકાનું ખાતર કરતા ચાણક્ય કુળના શિક્ષકો વર્ગમાં બેઠેલા ચંદ્રગુપ્તોનુ સર્જન કરવા મથી રહ્યા છે. એકનો એક દાખલો, પ્રશ્ન કે પ્રયોગ પાંચ કે પચ્ચીસ વાર સમજાવતા, અઘરામાં અઘરા કન્સેપ્ટ કે ફોર્મ્યુલા ને સાવ સહેલી અને સરળ બનાવવા પુસ્તકોના ઢગલા કે ગુગલ-યુ ટ્યુબ-વીકીપીડીયાના પાનેપાના ઘોળી નાખતા ચાણક્યના અસાધારણ માનસ સંતાનો આજે પણ આપણા સમાજમાં છે એ સચ્ચાઈ સમજદારોને ટાઢકારો આપનારી છે. (આ વાંચીને કદાચ તમને તમારા ફેવરીટ ટીચર યાદ આવી ગયા હશે)

શું ચાણક્ય આ વાક્યમાં શિક્ષકનું ક્વોલિફીકેશન કહેવા માંગતા હતા? એટલે કે ‘સાધારણ મનુષ્ય કભી શિક્ષક નહીં હો સકતા’ એમ કહેવું જોઈતું હતું? સાધારણ મનુષ્ય શાકવાળા, પાનવાળાથી શરુ કરી સંત્રી, મંત્રી બનવા માટે ભલે ક્વોલિફાય ગણાય પણ શિક્ષક બનવા માટે તો નહીં, નહીં અને નહીં જ એમ ચાણક્ય કહેવા માંગતા હશે? તમે શું માનો છો?

ગંભીર વાત તો હજુ ચાણક્યની આ ઉક્તિના ઉત્તરાર્ધમાં આવે છે.
‘પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમેં પલતે હૈ’. બેહદ ચોકાવનારું લાગ્યું મને આ વાક્ય. નિર્માણ તો હજુ સમજી શકાય પણ પ્રલય? પ્રલય કેમ? આપણી સોસાયટીમાં કે શહેરમાં પોઝીટીવ, કન્સ્ટ્રકટીવ કામ કરતા અનેક લોકો હોય છે. મસ્ત મજાના રોડ રસ્તા, બાગ બચીચાથી શરૂ કરી ડેમ કે ફેકટરીઓ કે ગગનચુમ્બી ઇમારતોનું નિર્માણ કરનારા એન્જીનીયર્સ (તેમજ રાજ્યનું ઘડતર કરતા રાજનેતાઓ અને સમાજનું ઘડતર કરનારા મહાપુરુષો) એની બાલ્યાવસ્થા કે કિશોરાવસ્થામાં શિક્ષકના પગ પાસે બેસી એકડો, બગડો શીખ્યા હોય એટલે નિર્માણ કરનાર નિર્માતા તો શિક્ષકના ખોળામાં ઉછરતા હોય છે એ સમજાય એવી વાત છે, પણ પ્રલય!

શું કહેવા માંગતા હશે ચાણક્ય આ ‘પ્રલય’ શબ્દ દ્વારા? શું એમણે શિક્ષકો પર આરોપ મૂક્યો છે? પ્રલય એટલે વિધ્વંસ કરનારી, ડીસ્ટ્રકટીવ એક્ટીવીટી. ચોરી, લૂંટફાટ, દંગા, ફસાદથી શરુ કરી જાપાનના હિરોસીમા - નાગાસાકી પર પરમાણુબોમ્બ ફેંકવા સુધીના કૃત્યો, વિચારો અને નિર્ણયો કરનાર (ભણેલા) બદમાશોના માનસની ગંદકી માટે પણ (તેઓની સ્કૂલના) શિક્ષકને ગુનેગાર ઠેરવી શકાય? તમારું શું માનવું છે?

સમાજ આખો શિક્ષકને માનથી જુએ છે. કારણ કે એ સમાજનો નિર્માતા છે. એ નગરો કે ઇમારતો નથી નિર્માણ કરતો પણ એ ઇમારતોમાં વસનારા નાગરિકો, મનુષ્યોનું નિર્માણ કરવાની બહુ મોટી જવાબદારી એના પર છે. શિક્ષક મજુર નથી. મજુર કે કારીગર નિર્જીવ મશીન પર કામ કરે છે, શિક્ષક સજીવ મનુષ્ય પર કામ કરે છે. કહે છે કે વિચારો જ કર્મ (એક્શન) બને છે. અત્યારની પેઢી જે કર્મોનો પાક લણી રહી છે એના વિચાર બીજનું વાવેતર એની બાલ્યાવસ્થામાં, એ જયારે શિક્ષકોના ખોળામાં રમતી હતી ત્યારે થયેલું છે.

જે સમાજનો શિક્ષક સાધારણ હોય તે સમાજમાં કલિયુગની એટલે કે પ્રલયની અને જે સમાજનો શિક્ષક અસાધારણ હોય તે સમાજમાં સતયુગનું કે સ્વર્ગનું નિર્માણ થાય એની ગેરેંટી એવું મહાન ચાણક્ય કહેવા માંગતા હોય એવું મારું માનવું છે. તમને શું લાગે છે?

હે અસાધારણ શિક્ષકો, કદાચ અમે તમને સમજી ન શક્યા હોઈએ, કદાચ અમારાથી વિવેકચૂક થઈ હોય, કદાચ તમારી કિંમત અમે બહુ ઓછી આંકી હોય પણ તમારી સામે વર્ગખંડમાં અમારું જે બાળક (સ્વરૂપે ભવિષ્ય) બેઠું છે એની આંખો તો તમારામાં ઈશ્વરદર્શન જ કરી રહી છે. સમાજના જે ‘સાધારણ નથી’ એ તમામ (મહાપુરુષ ચાણક્ય જેવા) શિક્ષકોને કૃતજ્ઞતા પૂર્વક વંદન.

અંતમાં શિક્ષક વંદના કરતું ડૉ. રંજન જોષીનું કાવ્ય માણીએ.
આંગ્લ, માતૃ, દૈવ ભાષા શીખવી જેણે તેને વંદન
ગણિતને ગમ્મત, વિજ્ઞાનને રમત બનાવ્યા તેને વંદન વંદન
સમાજનો ઈતિહાસ શીખવ્યો તેને સદૈવ વંદન વંદન
રમતની રમત, કમ્પ્યૂટરની મમત જેણે કરાવી તેને વંદન
સાહિત્ય, સંગીત, ચિત્રકલાથી મનુષ્ય બનાવ્યો તેને વંદન
જેણે શીખવ્યું શ્રેષ્ઠ આચરણ તે શિક્ષકને શત શત વંદન
જગ આપે મુજને અભિનંદન, ગુરૂ ચરણમાં મારા વંદન.


હેપી સન્ડે, આવજો.
(મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...! અને હા, ફેસબુક પર કમેન્ટ કરતી વખતે જો શક્ય હોય તો આપના જીવનના આદરણીય ચાણક્ય સમાન માનનીય શિક્ષકશ્રીને ટેગ પણ કરજો.)