VAHUE VAGOVYA MOTA KHORDA - 11 in Gujarati Classic Stories by Arvind Gohil books and stories PDF | વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૧

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૧

' શ્રીરામ જય રામ, જય જય રામ ' આવી ધૂન સાથે સુલતાનપુર ગામની શેરીઓ ગૂંજતી હતી. એક ટેલિયા મહારાજ આ ધૂન જગાવતા હાથમાં ઝાલર લઈને ગામમાં ફરતા હતા. લગભગ સાંઠેક વર્ષની ઉંમર હશે. સફેદ ઝભ્ભો અને ધોતી પહેરેલા સાથે ખભા પર લાલ સાફી નાંખેલી હતી. એમની ધૂન ગાવાની ઢબ એક અલગ જ પ્રકારની હતી. સૂર્યોદય હજુ થયો નહોતો પણ ભગવાન ભાસ્કરને શરમમાં નાંખી દે એમ પૂરું ગામ એમના પહેલા જાગી ગયું હતું. કોઈ ખેડૂત સાથે જતું હળ નિરાશ લાગતું હતું કારણ કે એને આજ આ ધરતીની છાતી ચિરવાની હતી. તો બીજી બાજુ સાંતી પાછળ રહેલી રાંપ રાજી થતી કારણ કે એને આજ ચિરેલી છાતી પર મલમ લગાવવાનો હતો. કોઈ ખેડુ પોતાના બળદના શીંગડે તેલ ચોપડતા હતા અને પીઠ પર શાબાશી આપતા બોલતા હતા. " ખમ્મા મારા બાપ ! હવે આ વરહે સમય હાચવી લેજે. પસી જો તને લીલાલેર કરાવું " સામે બળદીયો પણ ડોકું હલાવી આ ધરતીપુત્રને દિલશો દેતો હતો. એક અભણ અને બીજો અબોલ આ બેય ભોળિયાનો વાર્તાલાપ બહુ નિરાલો લાગતો હતો. વળી કોઈ નવા પરણેલા દંપતીમાંથી ખેતરે જતો પુરુષ પોતાની પત્ની સામે એક મીઠી નજર નાંખતો જતો હતો. અને એ સ્ત્રી નાગરવેલનાં પાનની જેમ શરમાઈ જતી હતી. ક્યાંક આંગણા પર ફરતા સાવરણાથી ઊડતી ધૂળ ચંદનના વરસાદ જેવી લાગતી હતી. કોઈ છાણના ભરેલા સુંડલા ઉકરડે નાંખવા જતા હતા. દાડીયા-દપાડીયા પણ ખેતર જવા નીકળી ગયા હતા. ટૂંકમાં પુરુ ગામ જાગી ગયું હતું.

એમાં આ વિષ્ણુરામ ધૂન ગાતા ગાતા બધાને હાથ ઊંચા કરી સીતારામ કરતા જતા હતા. વિષ્ણુરામ એક નિવૃત શિક્ષક હતા. અને બીજું કે એ સેજકપરના હતા. એની પણ એક કથા હતી. જ્યારે કરણુંભા અને હમીરભાના બાપ-દાદાનું વેર ચાલુ થયું ત્યાર પછીના થોડા વર્ષોમાં પંચાયતે એક ફેંસલો કરેલો કે બંને ગામમાંથી એક-એક મહારાજ બાર મહિને એકબીજાના ગામમાં એક અઠવાડિયું રહે અને ટેલ માંગે. જેથી વેર ધીમે ધીમે ઓછું થઇ જાય અને એકતા જળવાઈ રહે. આ નિર્ણયને આજે બસો વર્ષ થઈ ગયા હતા અને વેર પણ ઓછું થઈ ગયું હતું પણ પરંપરા હજુ ચાલુ હતી. એટલે જ બન્ને મહારાજ વર્ષમાં એકવાર એકબીજાના ગામમાં જતા હતા. આ પરંપરાને કારણે જ વિષ્ણુરામ સુલતાનપુર આવ્યા હતા.

પુરા ગામની સાથે છેલ્લા પહોરે જાગેલી ઝમકુ હવે બધું કામ પૂરું ચુકી હતી. વિઠલ તો શિરામણ કરીને મજૂરીએ જવા નીકળી પણ ગયો હતો. ઝમકુ પણ હવે પોતાના તૂટેલા ચપ્પલ પહેરી અને જર્જરિત ખડકી આડી કરીને મજૂરીએ જવા નીકળી ગઈ હતી. બીજી બાજુ વિષ્ણુરામ ગામમાં ફરીને ચોરા તરફ પાછા ફરતા હતા એટલામાં ઝમકુ એમને ખેતરે જતી સામે મળી. એ તો વિષ્ણુરામને જોતા જ એમના પગમાં પડી ગઈ. વિષ્ણુરામે પણ ઝાલર બંધ કરીને માથે હાથ મુક્યો. પણ ત્યાં તો ઝમકુની આંખો હરખથી ભરાઈ ગઈ હતી. આગલી રાતનું દુઃખ ભૂલી ગઈ. અત્યારે તો બહુ ઓછું જોવા મળે છે પણ પહેલાના સમયમાં દૂર સાસરિયામાં રહેતી છોકરી માટે ગામનું કૂતરું પણ ભાઈ જેવું લાગતું. એમાં આ તો જીવતો જાગતો માણસ હતો. એની ખુશીની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. બીજું કે ઝમકુના થોડા અભ્યાસકાળમાં આ જ માસ્તર એને ભણાવતા હતા. એને માટે તો ખારા સમુંદરમાં મીઠો વીરડો હતો. એનો એ આનંદ કદાચ હું શબ્દોમાં પણ નહીં વર્ણવી શકું.
" બેટા ! ઝમકી ચમ રોવેશ ? "
" કંઈ નઇ સા'બ ઇ તો તમને જોયાને અટલે. ચારે આયા ? "
" હું કાલ હાંજે આયો અને આજ હાંજે તારા ઘર કોરેય આવેત. પણ હવે તું આયાં મળી જઇ અટલે હવે ધક્કો નઈ કરું. "
" લે ! એવું થોડું હાલે. એક ટંકનું ખાવાનું તો મારા ઘરે રાખવું જ પડશે. "
" તો હું ચાં ના પાડું સુ ! કાલે હાંજનું તારા ન્યાં રાખીશ. "
" પણ જો સા'બ દર વખત જેવું નઈ. એક ચપટી મીઠું ખઈને ઊભા થઈ જાવ સો એવું. "
" ઇ તારે ચાં જોવાનું સે. હું એટલામાં જ ધરઈ રવ સુ. "
" મારું ઘર નાનું અટલે તમે આવું કરો સો ને ? " બસ આ શબ્દોએ એની મર્યાદા મુકાવી દીધી, ભરબજારે એ રોઈ પડી. એને કંઈક તો ખોટું લાગ્યું હતું. પોતાની ગરીબી આજે એને મૃત્યુ સમાન લાગતી હતી. મન જાણે એક ઊંડા જ વલોપાતમાં વલોવાઈ રહ્યું હતું. " ભલે હું બત્રી ભાતના ભોજન નઈ બનાવું પણ જે બનાવું ઇ તો ખાજો. પણ આ વખતે મીઠું નઈ. સા'બ હું મા બનવાની સુ. તમે મારા એવા પહેલા પિયરીયા સો જેની આગળ હું આ હરખ ઠાલવી રઇ સુ. " આંસુનું વહેણ વધતું જતું હતું. અને હવે આવતા આંસુમાં ગજબનો સંગમ હતો એક તરફ ગરીબીના દુઃખના તો બીજી તરફ ખુશીના આંસુ હતા.
" અરેરે ! આથી મોટી ખુશી તો મારા માટે બીજી ચઇ હોય. મારો રામ તને એવું સંતાન આપે કે આટલા પંથકમાં તારું નામ ઉજાળે. તું ચિંતા ના કરીશ હું કાલે હાંજે તારા ન્યાં જ ખાઈશ અને ઇ પણ તું બનાય ઇ. બસ રાજી. " માથે હાથ ફેરવી એ મહારાજ એટલું જ બોલ્યા. ઝમકુ પણ ભીની આંખે મહારાજ સામે હસી પડી. " જા બેટા કામે જા, હું કાલે હાંજે તારા ન્યાં વ્યાળું કરવા આવીશ. "

એ સાડીના પાલવથી આંખો લૂછતી ચાલતી થઈ ગઈ. " મારા ગામના સે. મારા સા'બ સે. હું નાની હતી ...ને તારે આમની પાંહે ભણતી. " સાથે કામે આવતી બધી સ્ત્રીઓ આ વાત જાણતી હતી છતાં ખેતર પહોંચ્યા ત્યાં સુધી ઝમકુ એ જ વાત કરતી રહી. આવું બોલી એને કંઈક તો ખુશી મળતી હતી. મન જાણે પોતાનો બાપ મળ્યો હોય એવી અનુભૂતિ કરતું હતું. ખેતરે કામ કરતા કરતા પણ એ જ વિચાર કરતી હતી કે ' કાલ સા'બને હું શું બનાવીને ખવડાવું ? ' આ વિચાર એના મનને પ્રસન્ન કરતો હતો. એનો આ હરખ એના કામ પરથી દેખાઈ આવતો હતો. મનનો બધો ઉત્સાહ કામ ઠાલવી રહી હતી. એકવાર તો ખેતરની ધણીયાણી બાઈએ કહ્યું પણ ખરું, " ઝમકુ વવ ! તમારા પગ ભારે સે બવ ઉતાવળ ના કરશો. કામ ઓસુ થાશે તો હાલશે. " પણ આજે એ સમજે એમ નહોતું. આજે જે ખુશીનો અનુભવ થયો એ ઘણા સમય પછી થયો હતો. સમય પૂરો થયો બપોરે બધા દા'ડિયા છૂટી ગયા. ઝમકુ બપોર સુધી કામે જતી જ્યારે વિઠલ સાંજ સુધી કામે જતો હતો. ઘેર જતા સમયે ઝમકુને વિચાર આવ્યો કે સા'બને જમાડવા માટે થોડી સમગ્રી તો લાવવી પડશે.આથી જ એને દા'ડીના રૂપિયા એ ધણીયાણી બાઈ પાસે સીધું લાવવા માટે માંગી લીધા. ગામડામાં દા'ડી(મજૂરી) પર જતાં લોકોને રોજ મજૂરી નથી આપવામાં આવતી. જ્યારે પણ એ લોકોને જરૂર પડે ત્યારે અથવા તો વધુ દા'ડી ભેગી થાય ત્યારે આપવામાં આવે છે. આજે ઝમકુને જરૂર હોવાથી એને રૂપિયા માંગ્યા. એટલે સામેથી એવો જવાબ મળ્યો કે સાંજે ઘેર આવી લઈ જજે.

ઝમકુ પોતાના ઘેર પહોંચી, કામ કરી અને જમી લીધું. વિઠલ તો સાંજે જ ઘેર આવતો એટલે એની રાહ જોવાની નહોતી. આથી એ ઘરને સાફ કરવા લાગી ગઈ. એને મનમાં હશે કે મારા ગામના સાહેબ આવે તો થોડું વ્યવસ્થિત તો લાગવું જોઈએ ... ને. સાંજ પડતા જ એ જમીનદારના ઘેર ગઈ સાથે એક નાનકડી થેલી પણ લેતી ગઈ. ત્યાંથી પૈસા લઈ એ દુકાને ગઈ અને થોડું સીધું ખરીદ્યું. જેમાં વેજીટેબલ ઘી, રવાનો લોટ, થોડા બટાટા, થોડો કાચો મસાલો, ટૂંકમાં કોઈ દિવસ ઘેર જરૂર ન પડતી વસ્તુ જે મેં'માન હોય ત્યારે જરૂર પડે એવી દરેક ચીજ થોડા થોડા પ્રમાણમાં ખરીદી. હરખ જરાય ઓછો નથી થયો. ઘેર પહોંચી એ તો રોજની જેમ રોટલા ઘડવા બેસી ગઈ. આજે ખીચડી બનાવવાની નહોતી કારણ કે ગરીબીમાં જીવતા ગામડાના લોકો ખીચડી માટે પણ સમય નક્કી કરતા હોય છે. બે દિવસ ના હોય અને ત્રીજા દિવસે હોય છે. એટલે કે ખીચડી પણ મોટા ભોગ જેવી લાગે છે. એ તો રોટલા ઘડતી જાય છે અને વિઠલની રાહ જોતી જાય છે. એને આજે ઉતાવળ હતી એના સાહેબ વિશે કહેવાની; એટલામાં વિઠલ આવ્યો પણ નશામાં ચકચૂર અને ગુસ્સાથી લાલ-પીળો હતો. ઝમકુ તો માસ્તરવાળી વાત કરવાની તૈયારીમાં જ હતી પણ વિઠલ આજે અલગ દેખાયો. એની બોલવાની હિંમત જ ના થઇ. એની નજર આજે અલગ લાગી. એની આંખોમાં હમેંશા રહેતો હમીરભાનો ભય આજે લુપ્ત થઈ ગયો હતો.

બારણાંના ટેકે ઊભેલો વિઠલ અચાનક જ ડગમગતા અને ઉતાવળા પગલે સીધો જ ઝમકુ તરફ ધસી આવ્યો. કોઈ જ પ્રકારના સવાલ જવાબ વગર મારનો વરસાદ વરસાવવા લાગ્યો. બહાર શું બન્યું હતું એ તો ભગવાન જાણે પણ આજે એનો હાથ ફરી ઉપડી ગયો. એક બાજુ રોટલો તાવડીમાં બળતો રહ્યો અને બીજી બાજુ ઝમકુને માર પણ પડતો રહ્યો. એ નશામાં ન સમજાય એવી ભાષામાં બોલતો હતો " રાંડ ! તે તો મારું જીવતર બગાડી નાખ્યું. આજે તને નહિ સોડું. " ઝમકુ તો ઊભી થઈ ખાલી બચાવ જ કરતી રહી. આજુબાજુના ઘરવાળા પણ કદાચ આ લડાઈનો આનંદ લઈ રહ્યા હતા. ઝમકુને ચોટલેથી પકડીને ઘરની બહાર ધકેલી દીધી. એ સગર્ભા સ્ત્રીની શું દશા હશે ? એ ચાર મહિનાનો ગર્ભ શું વિચારતો હશે ? આવા કોઈ સવાલ એ સમયના સમાજને નહોતા. વિઠલે બારણું બંધ કરી દીધું. છતાં ઝમકુ કશું ન બોલી. એ પણ એક એ સમયની મર્યાદા હશે. ચૂપચાપ એક ઓટલા પર બેસી ગઈ. બસ ખાલી આવતા વિચારો અને આંસુને રોકતી રહી. એવામાં કોઈએ આવી સલાહ આપી કે એકવાર કરણુંભાને કહી દે તો એ વિઠલને સીધો કરી દેશે. આ વિચાર પણ માંડી વાળ્યો અને થોડીવાર રાહ જોઈ. એકવાર તો ખડકી પણ ખખડાવી જોઈ. ઘરમાંથી કોઈ જવાબ ન મળ્યો. પછી નાછૂટકે એના પગલાં એક સમયના ગામધણીની ડેલી તરફ ચાલી નીકળ્યા. એ આશાએ કે પોતાને કંઈક તો ન્યાય મળશે.

ક્રમશ: .....
લેખક : અરવિંદ ગોહિલ.