Khali bakado in Gujarati Short Stories by Darshita Babubhai Shah books and stories PDF | ખાલી બાકડો

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ખાલી બાકડો

ખાલી બાકડો

ઓફિસ જવા જલ્દી તૈયાર થવા લાગી, ત્યાં તો અગત્યનાં બે ફોન આવ્યાં. તેમાં પંદર મિનિટ પસાર થઈ ગઈ. ઉતાવળમાં પર્સમાં મોબાઈલ, ચાર્જર, રૂપિયા, હાથ રૂમાલ, નાસ્તો, ડબ્બો, વોટર બોટલ મૂકી અને લેપટોપની બેગ લઈ રીતસર ની ભાગીને ગાડીમાં બેઠી. ઓફિસમાં મોડું થઈ ગયું હતું. ગાડી ચાલતી હતી પરંતુ મારું મગજ કાંઈક બીજે જ હતું. રસ્તો ક્યાંય ખૂટી ગયો ખબર ના પડી. ઓફિસ આવી ગઈ. ગાડીમાંથી ઉતરી ને બેગ અને પર્સ લઈ ઝડપથી અંદર જવા લાગી ત્યાં મારી નજર ઓફિસની બહાર રહેતા બાકડા પર પડી અને નજર જતાં જ અટકી ગઈ.

એકાદ મિનિટ બાકડાને તાકતી રહી. ત્યાં કોઈનો બોલવાનો અવાજ આવ્યો એટલે તરત જ ખ્યાલ આવ્યો કે હું કંઈ શોધી રહી છું. મે જ ઓફિસના મેઈન ગેટ પરના સિક્યોરિટી ગાર્ડ ને ઈશારો કરી બોલાવ્યા અને પૂછ્યું કે બાંકડો ખાલી કેમ છે? સિક્યોરિટી ગાર્ડ એ જવાબ આપવામાં લોચા માર્યા એટલે મેં તેમને ગેટ પર જવા કહી ઓફિસ તરફ વળી. ઓફિસમાં જઈ મારી કેબિનમાં બેઠી. ત્યાં તો મોબાઈલ રીંગ વાગી અને તેમાં ૨૦ મિનિટ પસાર થઈ ગઈ. ઓફિસમાં આવી પાણી પણ ન્હોતું પીધું ને કામ ચાલુ થઈ ગયું. ફોન પતાવી લેપટોપ ચાલુ કર્યું ઈમેઈલ ચેક કરવામાં વ્યસ્ત થઈ ગઈ ત્યાં તો પટાવાળા ભાઈ પાણી લઈને આવ્યા ને કહ્યું બેન ૫:૪૫ વાગ્યાં છે, ઓફિસ બંધ કરવાનો સમય થઈ ગયો છે. ઘરે નથી જવું? જાણે કોઈએ ઊંઘ માંથી ઉઠાડી હોય તેમ ઝબકીને ઘડિયાળ સામે જોયું અને ફટાફટ લેપટોપ બંધ કરી અને પર્સ લઈને ઉભી થઇ ગઈ અને ચાલવા માંડ્યું. બહાર આવીને ફરી નજર બાંકડા પર ગઈ તે ખાલી હતો. મનમાં વિચાર્યું કે કાલે ઓફિસ આવીને તરત જ પૂછપરછ કરીશ. અને ઘરે જવા નીકળી ગઈ. ઘરે આવીને પાછી કામની વ્યસ્તતા માં બાંકડાની ની વાત મગજમાંથી નીકળી ગઈ છતાં કઈ અજુગતી ઘટના બની છે તેમ વાગ્યાં કરતું.

બીજે દિવસે સવારે ઉઠી ને પૂજાપાઠ કરતાં ફરી ખાલી બાંકડો યાદ આયો અને મન પાછું વિચલિત થઈ ગયું. જેમ તેમ ઘરનું કામ પરવારીને ઓફિસ જવા નીકળી. ગાડી જેવી ગેટની અંદર પ્રવેશી તેવી પહેલી નજર બાકડા પર ગઈ, અને આજે ફરી તે કાલની જેમ ખાલી હતો. મન આકુળવ્યાકુળ થઇ ગયું. અને ઓફિસ માં અંદર જઈને પૂછ્યું કે ઓફિસ બહારનો બાંકડો બે દિવસ થી ખાલી કેમ છે?

પાંચ મિનિટ કોઈ બોલ્યું નહી અને ત્યાં તો એકદમ હિસાબનીશ બોલ્યાં કે બાકડા પર જે બહેન બેસે છે તેમના પતિ એ આત્મહત્યા કરી છે. મારા મોઢા માંથી ચીસ નીકળી ગઈ. હું હતપ્રત થઈ ગઈ. ૨૦ મિનિટ સન્નાટો છવાઈ ગયો. મારું મગજ સુનમુન થઈ ગયું. વધારે ત્યાં રોકાત તો હું ચોધાર આંસુ એ રડી પડત. આથી હું ઊભી થઈને વોશરૂમ માં જતી રહી. પાંચ મિનિટ માં સ્વસ્થ થઈને પાછી મારી સીટ પર આવીને બેસી ગઈ. મગજ તો કામ જ નહોતું કરતું છતાં લેપટોપ ચાલું કરીને વિચારવા લાગી, આ શું થઈ ગયું? કોઈ વ્યક્તિ આત્મહત્યા કેવી રીતે કરી શકે? મારા ગળે આ વાત ઉતરતી ન્હોતી. પરંતુ તે સત્ય હતું અને તે સ્વીકારે જ છૂટકો. કામ કર્યું તો કર્યું અને ૬:૦૦ વાગે ઘરે જવા ઓફિસ થી નીકળી અને ગાડી સીધી હનુમાન મંદિર લીધી. ત્યાં જઈને ભગવાન ને પ્રાર્થના કરી. " મરનારની ની આત્માને શાંતિ આપો અને તેનાં કુટુંબને આ આઘાત સહન કરવાની શક્તિ આપો". મંદિરથી નીકળી અને ઘરે પહોંચતા સુધીમાં મરનારનાં કુટુંબની હાલત હું વિચારતી હતી. એવું તો કયું મોટું કારણ હશે કે આત્મહત્યા કરવી પડી? ત્યાં ઘર આવી ગયું. ઘરે આવ્યા પછી પણ ક્યાંય ચેન નહોતું પડતું. પછી વિચાર્યું કે બાકડા વાળા બહેન જ્યારે સ્કૂલે આવશે ત્યારે તેમની પાસે વિગતે વાત જાણીશ. બીજું કશું કરવું મારા હાથમાં ન્હોતું? હું કઈ કરી શકું તેમ નહોતી.

આમને આમ પંદર દિવસ વીતી ગયાં. સોળમાં દિવસે ઓફિસના ગેટમાં મારી ગાડી પ્રવેશી અને મારી નજર બાકડા પર પડી આજે બાંકડો ખાલી ન્હોતો. તેના પર પેલાં બહેન અને તેમની દિકરી બેઠાં હતાં. બહેન તેમની દિકરી ને નાસ્તો ખવડાવતા હતા. તેમને જોઈ મારી આંખમાં પાણી આવી ગયો. તેમનું મોઢું સાવ ઉતરી ગયું હતું. આંખો ઊડી ગઈ હતી. તેમની સામે વધારે વખત ન જોતા ગાડી માંથી ઉતરીને અંદર ચાલી ગઈ. આજ સિલસિલો બીજા ૬ દિવસ ચાલ્યો . મારા માં તેમની સાથે વાત કરવાની હિંમત જ ન્હોતી ચાલતી તે બહેન ની હાલાત દિવસે દિવસે વધારે દયાજનક લાગતી હતી.

ખાલી બાકડા જોયે આજે લગભગ પચ્ચીસ દિવસ થઈ ગયા હતાં. હું ઓફિસ કલાક વહેલી આવી હતી. કોઈ કારણ તો ન્હોતું. આજે થયું ચલો જરા વહેલી જાઉં. કામ પણ થોડું વધારે ભેગું થયું હતું. ઓફિસમાં આવીને બેઠી જ હતી ને પટાવાળા ભાઈ પાણી લઈને આવ્યા અને કહેવા લાગ્યા બહેન બાકડા પર જે બહેન બેસે છે. તેમને તમને મળવું છે તો બહેનને અંદર મોકલું? મેં ઘડિયાળ સામે જોયું અને પછી કહ્યું ૧૦ મિનિટ પછી અંદર મોકલજે. મારે તાત્કાલિક એક ફોન કરવાનો છે. પટાવાળો સારું એમ કહી પાણીનો ગ્લાસ લઈ ચાલ્યો ગયો અને હું ફોન પર વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ. લગભગ ૨૦ મિનિટ પછી પેલા બહેન મારી કેબિન પાસે આવ્યા. મે ઈશારાથી અંદર બોલાવ્યાં અને મારી સામેની ખુરશીમાં બેસવા જણાવ્યું. તેણી ખુરશીમાં બેઠા મે જલ્દીથી ફોન પર વાત પતાવી અને તેમની સામે જોયું.

બહેન બે મિનિટ બેસી રહ્યાં કેવી રીતે મારી સાથે વાત કરે તેવી અવઢવ માં હતાં મેં બેલ મારી પટાવાળા ભાઈ ને બોલાવ્યો.ને ફરી પેલાં બહેન સામે જોયું. પરંતુ હજુ તે વાત કરી શકે તેવી હાલતમાં નહોતાં. ત્યાં પટાવાળા ભાઈ અંદર આવ્યાં બે ગ્લાસ પાણી સાથે. પાણીનો ગ્લાસ હાથમાં લેતાં મે તેમને બે ચા અને એક બિસ્કીટ નું પેકેટ લાવવા કહ્યું. તેઓ જલ્દી થી ચા લેવા જતાં રહ્યાં. હવે મારી ધીરજનો અંત આવ્યો હતો ને મેં બોલવાનું ચાલું કર્યું .

બહેન તમારે મારું કામ છે? પેલા બહેને હકારમાં માં માથું હલાવ્યું. અને તેમની આંખો માંથી પાણી નીકળવા માંડ્યા. મે તેમને પાણી પીવા જણાવ્યું અને પૂછ્યું તમારું નામ શું છે? તેમણે કહ્યું સુનિતા. મે પૂછ્યું આખું નામ? તેણી બોલ્યાં સુનિતા અજયકુમાર ત્રિપાઠી. બહાર જે બાંકડા પર મારી દીકરી બેઠી છે તેનું નામ ખુશી છે. તે અહીં ધોરણ-૮ માં ભણે છે. અને તે અપંગ છે. મારી બીજી બેબી છે તે ઘરે છે તે ધોરણ-૬ માં ભણે છે. હું ધ્યાનથી સાંભળી રહી હતી. તેમને બોલવા દેતી હતી.સુનિતાબેન બે મિનિટ વિરામ લીધો અને ફરી પણ બોલવા લાગ્યાં. મારા પતિએ થોડા દિવસો પહેલાં આત્મહત્યા કરી છે . આટલું જ બોલતાં જ તેમની આંખો માંથી ફરી આંસુની ધારા ઘોડાપૂર ની જેમ વહેવા લાગી. તે ઊભા થઈને તેમને પાણી પાયું અને ફરી હું પાછી મારી ખુરશીમાં ગોઠવાઈ. ત્યાં તો પટાવાળા ભાઈ ચ્હા અને બિસ્કીટ લઈને આવ્યા અને મે સુનિતાબેનને ચ્હા અને બિસ્કીટ ખાવા જણાવ્યું પરંતુ તેમણે ખાલી ચ્હા પીધી મે બિસ્કીટ પટાવાળા ભાઈ સાથે તેમની દીકરીને મોકલાવ્યું.

ચ્હા પીધા બાદ તેણી વધારે સ્વસ્થ થયા. આમેય ઓફિસ છૂટવાનો સમય થઈ ગયો હતો. એટલે મેં તેણીને જણાયું હું કાલે ઓફિસ વહેલી આવી જઈશ અને આપણે નિરાંત વાતો કરીશું. તને કોઈ વાતનિ ચિંતા કરશો નહીં. આજ પછી તમને કોઈ તકલીફ નહી પડે . મારું જ્યારે કંઇ પણ કામ હોય મને એક ફોન કરી દેજો. આ સાંભળી તેમનાં મોંઢા પર ખુશી આવી ગઈ. જાણે તેણીને બહુ મોટો સહારો મળી ગયો એમ . તેણી જય શ્રી કૃષ્ણ કહી કેબીનની બહાર નીકળી ગયાં. હું તેણીને જતાં જોઈ રહી. સત્વતા નાં બે શબ્દો કોઈના નિરાશ જીવનમાં આશા નું ગુલાબ ખીલવી દે છે. અને તેનું જીવન હર્યુંભર્યું અને મહેકાવી દે છે. તેની આજે આંખ સામે પ્રતિતી જોઈ. હું પણ ખુશ સામે અને મારી બેચેની દૂર થઈ ગઈ હળવીફૂલ થઈને હું ઘરે જવા નીકળી અને રસ્તામાં મંદિર આવતું જ હતું તેથી ગાડી તે તરફ વાળી. ભગવાનની સામે જોયું તો તેઓ પણ ખૂબ ખુશ લાગ્યાં. દર્શન કરીને સીધી ઘરે પહોંચી. ઘરે આવીને ચા પીતા વિચારવા લાગી કે કેટકેટલી વેદના, દુઃખ અને નિરાશામાંથી આ બહેન પસાર થયાં હશે. નાં છૂટકે તેણીએ મને મળવાનું વિચાર્યું હશે.

બીજે દિવસે દરરોજ કરતાં વહેલી ઓફિસ પહોંચી ગઈ. ગેટ પાસેથી જ બાકડા પર નજર કઈ અને જોયું કે સુનિતા બેન મારી કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જલ્દી થી ગાડી માંથી ઉતરી તેણી પાસે જઈને બાકડા પર બેસી ગઈ. હજુ રીસેશ ચાલું હતી એટલે તેમની દીકરી સ્કૂલમાં ભણતી હતી. મે સીધું જ પુછી લીધું. કેમ કે કાલે તમે કંઈ વાત કરવા માગતા હતા. શું વાત હતી. કઈ કહેવું છે? કઈ કામ હતું? બે મિનિટ ફરી પસાર થઈ ગઈ અને ફરી તેણીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા મે એમને પાણી આપ્યું અને શાંત રહેવા જણાવ્યું. થોડી પળોમાં તેણી સ્થિરતા દાખવી અને બોલવા માંડ્યું "આજથી મહિના પહેલા હું દીકરીને લઈને અહીં સ્કૂલે આવી હતી અને બે કલાક માં જ ઘરે થી ફોન આવ્યો જલ્દી ઘરે આવી જાઓ. અને હું રીક્ષા કરીને મારી બે દીકરી સાથે ઘરે પહોંચી.ઘર નજીક માણસોનું ટોળું હતું. કંઈ જ ખબર ના પડી ત્યાં ટોળામાંથી એક જણ બોલ્યું અજયભાઈએ આત્મહત્યા કેમ કરી? અને મને ચક્કર આવી ગયા. હું અને મારી બંને દીકરીઓ બેભાન થઈ ગયાં. દસ મિનિટ પછી અમને ભાન આવ્યું ત્યારે હકીકતની જાણ થઈ કે મારા પતિએ આત્મહત્યા કરી છે ટ્રેન ની નીચે પડતું મૂકીને.મારું મગજ સુ્ન થઈ ગયું. આ શું થઈ ગયું? કેમ થયું? કેમ આત્મહત્યા કરી? પ્રશ્નો નાં જવાબ જ મળતાં ન હતાં. દીકરીઓ મુક થઈ ગઈ હતી. મારા સાસુ-સસરા બધાં જ બેહાલ હતાં. કોણ કોને સાંભળે? સત્વના આપે. જેમ તેમ અંતિમક્રિયા ની વિધિ મારા સસરા અને સગા વ્હાલાઓ એ પતાવી પોલીસ પંચનામુ કર્યું. આત્મહત્યા કરતાં પહેલાં મારા પતિ એ ચિઠ્ઠી લખી હતી કે હું મારી મરજીથી આત્મહત્યા કરું છું. મારી જિંદગી થી કંટાળી ગયો છું. આટલું બોલી તેણી મૂંગા થઈ ગયા. મને શું બોલવું તેની ખબર જ ન પડી. હું થોડી સ્વસ્થ થઈ અને તેણી ને દિલાસો આવવા લાગી. મે કહ્યું જે થયું તે થઈ ગયું. હવે આગળ તમારે તમારી બે દીકરીઓ માટે જીવવાનું છે. " આ સાંભળી સુનિતા બેન બોલ્યાં કેવી રીતે? મારી પાસે રૂપિયા જ નથી. છોકરી ઓને ભણાવવા નાં કે તેમને ઉછેર કરવા મારે. મારું હદય દ્ભવી ગયું. હું અંદરથી હચમચી ગઈ. શું બોલવું તે સૂઝતું જ નથી અને હું બાકડા પરથી ઊભી થઈ ઓફિસ માં અંદર જતી રહી. પટાવાળા ભાઈ ચા અને પાણી લાવ્યા. તો તે પણ મે સુનિતા બેન ને મોકલી આવ્યા અને મારી માટે બીજા મંગાવ્યા. પટાવાળા ગયા બાદ આંખ બંધ કરી વિચારવા લાગી. માણસની જિંદગી માં ક્યારે શું બની જાય તેની ખબર જ નથી પડતી. હસતું રમતું ઘર વેરાન બની ગયું. ઓફિસમાં કામ કરવામાં મન લાગ્યું નહી. અને જેમ તેમ કરી ૫:૩૦ સુધી કામ ખેચ્યું. કામ પતાવી ઘરે આવી ગઈ. ઘરમાં પણ એજ વિચાર આવતાં. સુનિતા બેન કેવી રીતે બે દીકરીઓને મોટી કરશે. તેણીએ જણાવ્યું હતું તે પ્રમાણે ઘરમાં આર્થિક તંગી હતું.

સુનિતાબેન ના પતિ નાનું મોટું કામ કરીને કમાઈ કરતાં હતાં. છેલ્લા એક વર્ષથી બેરોજગાર હતાં. સસરા સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં હતાં. તેમાં એક દીકરી અપંગ. ઘરનો ખર્ચો જેમ તેમ ચાલતો. એટલે જ તો તેમના પતિએ આત્મહત્યા કરી હતી. રાત ના ઊંઘ નાં આવી અને શાંત ચિત્તે રસ્તો વિચારવા લાગી. જાણે રસ્તો મળી ગયો. અને હું ખુશ થઈ ને આરામ થી સુઈ ગઈ. બે દિવસ સુધી હું ઓફિસ નાં ગઈ કારણ કે શનિવાર અને રવિવાર હતો. હું સોમવાર થી શુક્રવાર સુધી ઓફિસ જતી હતી. બે દિવસ બધું જ મનમાં ગોઠવી દીધું. અને બધી વ્યવસ્થા કરી લીધી. ત્યાં તો સોમવાર આવી ગયો. હું ઓફિસ પહોંચી ત્યાં સુનિતા બેન અધ્ધર જીવે બાકડા પર બેઠા હતાં. મને જોઈને દોડીને મારી પાસે આવ્યા. બેન મને મદદ ની જરૂર છે. મારી નાની દીકરીની સ્કુલ ફી ભરવાની છે. આજે નહી ભરાય તો સ્કુલ માં કાઢી મૂકવાનું કહ્યું. અને દીકરીને નાં કહેવાતા શબ્દો કીધાં છે. મારું મગજ તપી ગયું. મે તે જ ઘડી એ સ્કુલનો નંબર લઇ લીધા અને તેણીને ચિંતા ના કરશો એમ કહી. ઓફિસ માં ગઈ. પાણી પીધું અને મોબાઈલ પરથી સ્કુલ નો જોડ્યો અને પ્રિન્સિપાલ સાથે વાત કરવી છે તેમ કહ્યું સામેના છેડે થી પૂછવામાં આવ્યું કે કોણ બોલો છો? મે કહ્યું તમારે જાણીને કામ નથી પ્રિન્સિપાલ ને આપો. સામેના છેડે થી ફોન મુકાઈ ગયો . હું સખત ગુસ્સામાં આવી ગઈ અને બીજીવાર ફોન કર્યો. અને કહ્યું કે પ્રિન્સિપાલ ને આપો. પ્રિન્સિપાલ ચાર દિવસ નથી આવવાના. જે કામ હોય તે મને કહો.મેં કહ્યું " હું ઉન્નતિ ત્રિપાઠી" જે તમારી સ્કૂલમાં ભણે છે તેનાં અંગે વાત કરવા માગું છું." સામે છેડે થી કંઈ બોલે તે પહેલાં જ મે તેમની વાત કાપતાં કહ્યું કે કોઈ વ્યક્તિ ને ફી ભરવામાં થોડું મોડું થઈ જાય તો અપશબ્દો બોલાય કે સ્કૂલમાંથી કાઢી મુકીશું તેમનાં કહેવાય થોડી માનવતા રાખો. હું તે દીકરીની દાદી બોલું છું. તેની ફી નો ચેક મારા સમયે મોકલી આપીશ. અને આજ પછી તેનું નામ ન લેતા. મેં મારો મોબાઈલ નંબર આપ્યો અને બે સારા શબ્દો માં માનવતા સમજાઈ. સામે છેડે ક્લાર્ક ભાઈ હતા. તેઓ થોડી નરમાશ પછી વાત કરવા લાગ્યા. મને મસ્કો મારવા લાગ્યા. મેં કડકાઈ થી કહ્યું આજ પછી આવું નાં થવું જોઈએ. સ્કુલ ફી નો ચેક તમને મોકલી દઈશ અને ફોન કાપી નાખ્યો અને પટાવાળા ભાઈ ભાઈ ને બહાર બાંકડા પર બેઠેલાં સુનિતા બેન ને અંદર બોલાવી લાવવા કહ્યું. સુનિતાબેન તરત જ ઓફિસમાં આવ્યાં. અને મે ફોન અંગેની વાત તેણીને કરી. તેણીની આંખોમાં ચમક આવી ગઈ. અને હું તેણીની સાથે છું મારો સહારો છે તેમ તેણીને દ્રઢપણે લાગ્યું. મે દીકરીઓ માટે નોટબુક, ફૂલ સ્કેપ બુકર , ચોપડીઓ વગેરે લાવી આપવાનું પણ કહ્યું. દીકરી ઓને જેટલું ભણવું હશે તેટલું ભણાંવજો. મારી સામે શિવજીનો ફોટો બતાવીને કહ્યું બાકી નું કામ ઉપરવાળો કરશે.મારો ભોળો કરશે. અને અમે બંને ભગવાનને પગે લાગ્યા. અને મે તેણીને પૂછ્યું તો તેમને સિલાઈ મશીન આવડે છે. તેની હકારમા માથું ધુણાવ્યું અને કચવાતા જવાબ આપ્યો બેન તમે આટલું બધું કરશો અમારા માટે મે કહ્યું હું નથી કરતી આ ભોળો કરે છે. હું તો માત્ર નિર્મિત છું. અને તેણીને કહ્યું તમે ચિંતા છોડો અને બસ તમારું અને તમારી દીકરી ઓનું ધ્યાન રાખજો બાકી બધું પાર પડી જશે. તેણી જોશભેર અને હિંમતપૂર્વક મારી કેબીનની બહાર ગઈ. મને પણ આનંદ થયો. ચલો હું કોઈને મદદરૂપ તો થઈ. તેણી ગયાં પછી હું વિચારવા લાગી સ્કુલ ફી, ચોપડીઓ, સિલાઈ મશીન ની જવાબદારી લીધી છે પરંતુ રૂપિયા ક્યાંથી આવશે. વિચારતા વિચારતા આંખો બંધ કરી દીધી ને અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી ભોળા નાથ મને રસ્તો બતાવ. અને તરત જ વિચાર સૂઝ્યો. મોબાઈલમાં વોટસએપ માં દિલીપભાઈ નું નામ શોધી તેમને વોટસએપ કર્યો. બધી વાત વિગતે લાવી અને સુનિતા બેન માટે રૂપિયા જોઈએ છે તો મહેરબાની કરી મદદ કરશો. અને હું તે પતાવી ઓફિસ નાં કામે વળગી.

લગભગ ૬:૧૫ હું ઓફિસ થી ઘરે પહોંચી. થોડી સ્વસ્થ થઈ ને ચા પીતી હતી ત્યાં મોબાઈલમાં મેસેજ નો બેલ વાગ્યો. મેં તરત જ મોબાઈલ ચાલું કર્યો અને ભગવાન જાણે કૃપા વરસાવી હોય તેમ જે દિલીપભાઈ પાસે રૂપિયા માંગ્યા હતા તેમણે મારા ટ્રસ્ટ માં ટ્રાન્સફર પણ કરી દીધા હતાં. અને તેની વિગત જોઇ મારી આંખમાં હરખના આંસુ આવી ગયાં. મનોમન ભોળાનાથને પગે લાગી થેક્યું કહ્યું. અને ફરી મોબાઈલ ખોલી દિલીપભાઈ ને થેંક્યું કહ્યું. ભગવાને બધું જ ગોઠવેલું હોય છે. આપણને માત્ર નિમિત્ત બનાવે છે. આજે મને પૂરેપૂરા આ વાત માં વિશ્વાસ બેસી ગયો.

બીજે દિવસે તરત જ સ્કુલ ફી ચૂકવી દીધી. ચોપડીઓ મંગાવી લીધી અને સિલાઈ મશીન નો ઓર્ડર પણ અપાઈ ગયો. ઓફિસ જઈને પહેલા સુનિતા બેન ને મળી ને બધા સમાચાર આપ્યા. તેણીનાં આંખોમાંથી ઘોડાપૂર વહેવા લાગ્યો. મે તેણીને શાંત પાડ્યા. તેણીએ જે કહ્યું તે અક્ષર સરું અહી ખુલ્લું લખું છું. પહેલી વાત કે તેણીનાં પતિ અજય ભાઈએ આત્મહત્યા કરી હતી તે સાત દિવસ પહેલાં સુનિતા બેન ને કહ્યું હતું કે તારા ઓફિસના પેલા બેન છે. તેમને વાત કર તે મને ચોક્કસ નોકરી અપાવશે. અને સુનિતા બેન એ તેમના પતિને કહ્યું હતું કે "બેન બહું મોટા માણસ છે આથી વાત એમને નાં કરાય" જ્યારે મને આ વાત સુનિતા બેને કરી મારું હદય રડી ઉઠ્યું અને મોટા અવાજે સુનિતા બેન કહેવાય ગયું કેમ તમે તમારા પતિની વાત નાં માની? હું ચોક્કસ તેમને માટે નોકરીની સગવડ કરત તેણી અફસોસ પૂર્વક મારી સામે જોવા લાગી.

બીજી વાત જ્યારે તેણી મને સ્કુલ ફીની વાત કરી ત્યારે તેણી એ જણાવ્યું કે સ્કુલ ફી બેન તમારી પાસે એટલે માગુ છું કે જે સાતમાં ધોરણમાં ભણે છે. તેણી એ નોકરી કરવાની જીદ કરી છે. કે મમ્મી આપણી પાસે રૂપિયા નથી હું નોકરી કરું. આ વાત સાંભળી મારું મગજ બહેર મારી ગયું. મે સખતાઇ થી સુનિતા બેન ને જણાવ્યું કે આવી ફૂલ જેવી છોકરીને નોકરી કરવા નાં મોકલાય. જમાનો ખરાબ છે.અને મે કહ્યું હું બધી વ્યવસ્થા કરી દઈશ. ત્રીજી વાત આ વાત કરતાં સુનિતા બેન ધ્રુજવા લાગ્યા હતા. જ્યારે તેમની દીકરીઓ માટે રૂપિયાની જયારે બહારનાં લોકો પાસે મદદ માંગી ત્યારે બે એક લોકોએ એ કહ્યું મારા ઘરે રહેવા આવી જા. બધી વ્યવસ્થા થઈ જશે. આ સાંભળી મારું લોહી ઉકળી ગયું. છતાં જલ્દી સ્વસ્થતા મેળવી સુનિતા બેન ને ઘરપત આપી તમે ચિંતા કરશો નહીં. ભગવાન બધું જ સારું જ કરશે. અને જયારે તમારે મદદ જોઈતી હોય ત્યારે મને કહેજો.

આમ સુનિતા બેન અને તેમની દિકરી ઓના દિવસો સારી રીતે પસાર થવા લાગ્યાં. સિલાઈ મશીન માં કામ પણ મળવા લાગ્યું. એક દિવસ તેમની અપંગ દીકરીનો ફોન આવ્યો કે બેન મને કેલીપર્સ બનાવવા છે. મે તેણીને ધરપત આપી અને ફરીથી દિલીપભાઈ પાસે દાન માગ્યું અને ફરીથી દિલીપભાઈ નાં દાન થી કામ પત્યું. અને તેમની દિકરી એ કેલીપર્શ પહેરવાના ચાલુ કર્યા. બહુ જ જલ્દી તે પોતાના પગ ઉપર ઊભી થશે . તેણીને પગ ઉપર ઊભી જોવા માટે હું અને દિલીપભાઈ ખૂબ આતુર છીએ. થોડા થોડા અંતરે હું તેઓના ખબર અંતર લઉં છું. અને તેમને ભણવામાં અને ચિત્ર કામમાં ઓનલાઇન મદદ કરુ છું. સુનિતા બેન પાસે મહિલાઓ વાપરે તેવા કપડાના નાના પર્સ બનાવડાવું છું. આમ તેમનો સંસાર સુખેથી ચાલવા માંડ્યો છે .

આ બધું કામ પાર પાડવામાં ભગવાન ભોળાનાથ, દિલીપભાઈ નો ખુબ ખુબ આભાર.