What is Free in Freelance in Gujarati Business by Mahendra Sharma books and stories PDF | ફ્રીલાન્સમાં ફ્રી શું છે?

Featured Books
Categories
Share

ફ્રીલાન્સમાં ફ્રી શું છે?

ફ્રીલાન્સમાં ફ્રી શું છે?

આ અંગ્રેજી શબ્દમાં ફ્રી જરૂર આવે પણ આ એક એવી સેવા છે જે ફ્રી તો નથી જ.
આજે જ્યારે વિશ્વમાં લગભગ બધાંજ ધંધાકીય ક્ષેત્રોમાં મંદી દેખાઈ રહી છે ત્યારે સૌથી વધુ અસર નોકરિયાત વર્ગને થઈ છે, કારણ કે કોઈપણ સર્વિસ ક્ષેત્રમાં સૌથી મોટા ખર્ચા કર્મચારીઓનાં પગાર અને એમને રાખવાની જગ્યા એટલે સ્પેસ એટલે ઓવરહેડનાં હોય છે. જ્યારે ધંધો ઓછો થઈ જાય ત્યારે માર્કેટમાં ધંધો ટકાઈ રાખવા સૌથી પહેલાં કર્મચારીઓની સંખ્યા અને પગાર ઓછા કરવા પડે. ત્યારે કર્મચારીઓની આજીવકા પર ખૂબ મોટો પ્રશ્ન ઉભો થઇ જાય, એમની વ્હારે આવે એમનું સેવિંગ અને સ્કિલ એટલે એમની આવડત. એ આવડતનો સદુપયોગ કરતા આવડે તો બેરોજગારી બહુ નડે નહીં. એ આવડતના સદુપયોગને જ કહીએ ફ્રીલાનસિંગ.

નાના ધંધાઓ કે જેઓને પગારદાર કર્મચારીઓ નથી પોસાતાં કે મોટા ધંધાઓ કે જેઓ પાસે એવા નાના કામ છે જે કરવા એમને પૂર્ણકાલીન કર્મચારીઓ રાખવા નથી તેઓ ફ્રીલાન્સર પસન્દ કરે છે. અત્યારનાં મંદીનાં માહોલમાં એવી ઘણી તકો ઉભી થઇ છે.
ફ્રીલાનસિંગ એક કળા છે જે સ્વરોજગારીનું પહેલું પગથિયું ગણી શકાય. એક એવી વ્યવસ્થા છે જે તમને પોતાના સમયનો મલિક બનાવી શકે પણ સાથેજ આ કામ સાથે પણ રિસ્ક એટલે જોખમ તો ખરું જ. એટલે અહીં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે.

1. કામની સ્પષ્ટતા : તમે શું કામ કરી આપશો અને એની ખરાઈનાં માપદંડ શું હશે એ સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરી છે. આ સ્પષ્ટતાનાં અભાવે તમારું મનોબળ તૂટી શકે છે અથવા કામ આપતી સંસ્થા સાથે સબંધો બગડી શકે. કામની સંખ્યા અને ગુણવત્તાની અપેક્ષાઓ અગાઉથી જાણી લેવી.

2. મહેનતાણું કે વેતનની સ્પષ્ટતા: આ બાબતે સૌથી વધુ સ્પષ્ટતા જોઇએ છે. પ્રોફેશનલ ફીસ પ્રતિ કલાકે લેવી એવું વિદેશમાં ચલણ છે, ત્યાંના વકીલો કે ડોક્ટરો પણ કેટલા કલાક કામ કરશે એ રીતે ફીસ નક્કી કરે છે, પણ ભારતમાં કલાક પર ફીસ મળવી થોડીક અઘરી છે. તેમ છતાં કેવી રીતે ચાર્જ કરવું એની ફોર્મ્યુલા તમને કહું.

જે કામ મળે તે પહેલાં તો એનું એસ્ટીમેટ કાઢો. કામનું એસ્ટીમેટ દિવસોમાં નહીં કલાકોમાં કાઢવાનું રાખો એટલે વધુ સરળતા રહેશે. એ એસ્ટીમેટ કાઢવામાં તમારા જુના કરેલાં કામનું ઉદાહરણ લો કે જેથી વધુ સચોટ એસ્ટીમેટ કરી શકો. કલાકોના એસ્ટીમેટને આપણે "X" કહીએ.

હવે એ કામમાં અનિશ્ચિતતા એટલે અનસર્ટેનિટી માટે અવકાશ રાખો કે કોઈ કારણસર રીવર્ક થયું કે કામ ધાર્યા કરતાં વધુ કરવું પડ્યું તો શું કરવું, એને આપણે "Y" કહીએ કે જે "X" નાં અમુક ટકા હોય ધારોકે 10% કે લમસમ કલાકો ગણી શકો.

હવે આવે છે એની કવોલિટી ચેક એટલે ગુણવત્તા તપાસવા થતી મેહનત. અહીં કરેલા કામને કવોલિટી સાથે કરી આપવાના સારા પૈસા મળે છે એટલે એ સંખ્યા તમે "Z" ગણો કે જે પણ "X" નાં અમુક ટકા અથવા લમસમ કલાકો ગણી શકો.

છેલ્લે આવે છે તમારા કલાકની કિંમત. એ કેટલી રાખવી. આ કિંમત મેળવવા પહેલાં તો તમે એ ફિગર લાવો કે જો તમારા જેવો અનુભવી સ્કિલ વાળો કર્મચારી એક મહિનો કામ કરે તો મહિને કેટલો પગાર મળે. હવે એ પગાર ધારો કે રૂ 10, 000 મહિને છે, કોઈપણ પગારદાર માણસ મહિને એક સંસ્થાને 23 કે 24 દિવસ કામ આપે છે ( પાંચ રજાઓ અને એક હક રજા ગણીને). એટલે અહીં સૈદ્ધાંતિક સરળતા ખાતર મહિને 180 કલાક ગણી લઈએ. તો રૂ 10,000 ભાગ્યા 180 કલાક કરો એટલે 55.55 દર કલાકે પગાર થયો કહેવાય. આ કલાકના પગારને "A" કહીએ.

એટલે હવે ફોર્મ્યુલા જુઓ
Cost of Project = A x ( X Y Z)

સરળ ભાષામાં કહું તો કલાકના પગારને ઉપર મુજબ એસ્ટીમેટ કરેલા કલાકો સાથે ગુણકાર કરો એટલે સચોટ કામની કિંમત નક્કી થશે.

કામ કરાવનાર સંસ્થાને પણ આ રીતે ગણતરી આપશો તો એમને ગમશે અને તમને એક પ્રોફેશનલ તરીકે તેઓ જોશે.
હા એમાં બાંધછોડ માટે અવકાશ ખરું પણ જેટલી સ્પષ્ટતા વધુ હશે એટલી રકમ નક્કી કરવામાં સરળતા થશે.

3. કામ માટે શિસ્ત : ફ્રીલાન્સ કામ કરનારા મોટાભાગે ઘરેથી કામ કરતાં હોય છે એટલે શિસ્ત ખુબજ મહત્વનું છે. કામ લેતી વખતે તમે કામ ક્યારે પૂરું કરીને પાછું આપશો એ નક્કી કરી લેવું. અહીં બેઉ પક્ષે અપેક્ષાઓ સ્પષ્ટ કરવી. તમે એકલા દિવસે 10-12 કલાક જ કામ કરી સારી ગુણવત્તા આપી શકો સિવાય કે કામ રોબોટિક હોય અથવા તમે બીજા કોઈની મદદ લઇ રહ્યા હોવ. એટલે કામ પૂરું કરવાની જલદીમાં ગુણવત્તા બગડે તો સબંધ બગડે.
વ્યક્તિગત શિસ્ત જાળવવી કે જેથી એક દિવસ ઓછું કામ ને એક દિવસ વધુ કામ કરવાથી પણ સાતત્ય બગડશે. કોઈ એક ચોક્કસ સમય કામ માટે નક્કી કરી લેવું કે જેથી એ સમયે બીજા સામાજિક કાર્યોની અપેક્ષા નહીંવત થઈ જાય.

એકથી વધુ કામ લઈને બેઠા હોવ તો દરેક કામને યોગ્ય ન્યાય આપવું. એવું નહીં કરવું કે એક વધુ પૈસા આપનારને ન્યાય આપી ઓછી ફીસ વાળાને રખડાવવું. એવું કરવાથી સબંધ બગડે અને નવા કામ મળતા ઓછા થઈ જશે.

4. ફીસ કેવી રીતે લેશો : અહીં પૈસા માટે જ આપણે કામ કરીએ છીએ એટલે એ બાબતે સ્પષ્ટતા લેતાં અચકાવવું નહીં.
તમારી સગવાડતાએ આપજો એવું સાંભળવું સારું લાગે છે પણ જો તમારી આજીવકા આ કામ પર નિર્ભર છે તો સ્પષ્ટતા કરી લેવી. અમુક લોકો થોડું એડવાન્સ લે છે જ્યારે કામ આપનાર સાથે સબંધ સારા હોય તો કામ પત્યા પછી અથવા પાર્ટ પેમેન્ટની વ્યવસ્થા ગોઠવવી.
કામનું બિલ બનાવવા વર્ડ ફાઇલ અથવા ઓનલાઈન સોફ્ટવેર શોધી લેવા કે જેથી કામ પૂરું કરીને, આપવાની સાથે પ્રિન્ટ અથવા સોફ્ટ કોપી બિલ મોકલી આપવું. યોગ્ય સમયે અને સારી ભાષામાં પેમેન્ટ માટે ફોલોઅપ લેવામાં કોઈજ વાંધો નથી. બહુજ લાંબા સમય સુધી પૈસા નથી મળતા તો વાતચીત કરી કારણ જાણવું, સામે કામ લેનારને પૈસાની તકલીફ હોય તો પૈસા પાર્ટ પેમેન્ટ કરાવીને લેવા તૈયારી બતાવવી.

5. વાર્તાલાપ કે વાતચીતમાં સ્પષ્ટતા : કામ ટૂંકાગાળા અને લાંબા ગાળાના હોઈ શકે, એમાં વાતચીતનો દોર ચાલુ રહે તો કામમાં સફળતાની શક્યતાઓ વધે. કામ મળ્યાના કલાકો કે બીજાજ દિવસે વોટ્સએપ ગ્રૂપ કે ઇમેઇલ મારફતે ચર્ચા શરૂ કરી દેવી અથવા અઠવાડિયે અમુક દિવસો ઓનલાઈન કોલ કોંફ્રેન્સ માટે રાખવા, એટલે સબંધો પણ સચવાશે અને કામ પણ સરળ બનશે.

6. કામનાં સ્થાન અને સાધનોમાં રોકાણ : આપણને ખબર હોય છે કે ફ્રીલાન્સ કામ કરવા કેવા સાધન સામગ્રીની જરૂર પડશે, એવા સાધન સામગ્રી જેવા કે કમ્પ્યુટર, ઈન્ટરનેટ, હેડફોન કે બીજી કોઈ પણ વસ્તુ કે જે કામને ઝડપી અને સરળ બનાવે એ વસાવવામાં એકપણ દિવસ બગડ્યા વગર વસાવી લેવી. ઘણી વખત સારા સાધનો નહીં હોવાથી તમારી કુશળતા કામમાં દેખાશે નહીં અને એમાં કામ જેટલી ગુણવત્તાનું કે સમયમર્યાદામાં થવું જોઈએ એવું થશે નહીં. પરિણામે કામ બીજા કોઇ પાસે જતાં વાર નહીં લાગે.

અને છેલ્લે ફ્રીલાન્સ હોય કે પ્રોફેશનલ સર્વિસ, વાયદો ઓછો કામ વધુની નીતિ સૌથી વધુ કારગર નીકળી છે. પ્રોમિસ લેસ ગિવ મોર.

હાલનાં સમયમાં ફ્રીલાન્સ એક ખુબજ ઉપયોગી આવકનું માધ્યમ છે કે જે કામ આપનાર અને કરનાર બેઉ માટે વિન વિન સિચુએશન એટલે કે આપણે બધા જીતીએ જેવી પરિસ્થિતિ ઉભી કરી શકે. બસ એને એક અસરકારક માધ્યમ તરીકે સ્વીકારીને આગળ વધીએ, આગળ જતાં મોટા ધંધા તરીકે પણ ફ્રીલાન્સ એક પ્રાથમિક પગલું બની શકે. આત્મનિર્ભર ભારત માટે ફ્રીલાન્સ એક જોરદાર વિકલ્પ છે.

- મહેન્દ્ર શર્મા 21.9.2020