Pishachini - 24 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | પિશાચિની - 24

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પિશાચિની - 24

(24)

‘...હું આજે માહીનું લોહી પીવા માંગું છું.’ અદૃશ્ય શક્તિ શીના ઘસઘસાટ ઊંઘી રહેલી માહી તરફ જોતાં બોલી ગઈ, એટલે જિગર કાંપી ઊઠયો, થરથરી ઊઠયો.

‘તું...? !’ તે થરથરતા અવાજે બોલ્યો : ‘...તું શું બોલી ? !’

‘તેં બરાબર જ સાંભળ્યું છે, જિગર !’ શીના બોલી : ‘હું આજે માહીનું લોહી પીવા માંગું છું.’

જિગર શીના સામે જોઈ રહ્યો. ‘તું...,’ તે કંપતા અવાજે બોલ્યો : ‘...તું મારી સાથે મજાક તો નથી કરી રહી ને, શીના ? !’

‘ના !’ શીના ભારપૂર્વક બોલી : ‘હું તારી સાથે આવી મજાક શું કામ કરું ? ! હું ખરેખર જ માહીનું લોહી પીવા માંગું છું. મને ખાતરી છે કે, મને માહીનું લોહી પીવાની ખૂબ જ મજા આવશે.’

‘શીના !’ હવે જિગર એકદમથી જ ગુસ્સે થઈ ગયો : ‘...બંધ કર, તારી આ બકવાસ !’

‘તું આમ ગુસ્સે કેમ થાય છે, જિગર ? !’ શીના હળવું હસીને બોલી : ‘હું માહીનું લોહી પીવા માટે તૈયાર થઈ છું, એને ખતમ કરવા માટે તૈયાર થઈ છું, એ બદલ તારે ખુશ થવું જોઈએ.’

‘મારે...મારે ખુશ થવું જોઈએ ? !’ જિગરની આંખોમાં મૂંઝવણ તરી આવી : ‘...તું મારી પત્ની માહીને ખતમ કરે એ બદલ તે વળી મારે શા માટે ખુશ થવું પડે ? !’

શીના હસી : ‘પહેલાં તું મને એ કહે, તું મને પ્રેમ કરે છે કે, નહિ ? !’

જિગર શીના સામે જોઈ રહ્યો. તે તુરત જવાબ આપી શકયો નહિ.

‘મને જવાબ આપ, જિગર !’ શીનાએ સહેજ સખત આવજે પૂછયું : ‘તું મને પ્રેમ કરે છે કે, નહિ ? !’

‘હા, શીના ! હું તને પ્રેમ કરું છું.’ જિગર બોલ્યો : ‘પણ તો...’

‘...તો તું આટલા દિવસથી જોઈ જ રહ્યો છે અને અનુભવી જ રહ્યો છે કે, આપણાં બન્નેના પ્રેમ વચ્ચે માહી એક અડચણ જેવી છે. આપણે એનાથી સાવચેત રહીને પ્રેમ કરવો પડે છે. માહી મરી જશે પછી આપણાં પ્રેમ વચ્ચે કોઈ અડચણ નહિ રહે. આપણે મન-મરજી હશે ત્યારે કોઈ પણ ડર ને ગભરાટ વિના પ્રેમ કરી શકીશું.’

‘શીના ! તું માહીની ખોટી ચિંતા કરી રહી છે.’ જિગરે હવે શીનાને સમજાવવનો પ્રયત્ન કર્યો : ‘માહી આપણાં માટે કોઈ અડચણરૂપ નથી. તું જેમ ચાલે છે એમ ચાલવા દે. હું માહી સાથે પણ રહીશ અને...અને તારી સાથે પણ રહીશ. હું....’

‘ના !’ શીના મોટેથી બોલી ઊઠી. એના અવાજમાં ગુસ્સો પણ હતો : ‘જિગર ! હવે તું મારો છે. તું મારી એકલીનો છે. કોઈ તારામાં ભાગ પડાવે એ હું હરગિઝ-હરગિઝ સહન નહિ કરી શકું.’

‘...પણ, શીના !’ જિગર બોલી ઊઠયો : ‘તું કંઈ વિચાર તો ખરી, માહી મારી પત્ની છે !’

‘...તો..? !’ શીના રોષથી થરથર કાંપવા માંડી : ‘...તો હું તારી કોણ છું ? ! આપણે લગ્નના ફેરા નથી ફર્યા તો શું થયું ? ! મેં તને મનથી મારો પતિ માની લીધો છે, તો શું તું મને તારી પત્ની નહિ માને ? !’

જિગરે શું બોલવું એ સમજાયું નહિ. અદૃશ્ય શક્તિ શીનાએ ખરેખર તેને ખતરનાક સ્થિતિમાં મૂકી દીધો હતો. તે શીનાનો સાથ ઈચ્છતો હતો, પણ માહીની મોત તો નહોતો જ ઈચ્છતો. તે શીના માટેે કંઈ માહીને મોતના મોઢામાં થોડી ધકેલી શકે ? !’ અને તે માથું પકડીને પલંગ પર બેસી પડયો.

‘જિગર !’ શીના તેની બાજુમાં બેઠી : ‘તારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. તારે માહીને...’

‘ના, શીના !’ જિગર બોલી ઊઠયો : ‘હું માહીને કોઈ હાલતે નહિ મરવા દઉં. એવું હોય..એવું હોય તો તું મને છોડીને ચાલી જા. હું તારા સાથ વિના ભલે પાછો ગરીબ બની જાઉં એની મને કોઈ ચિંતા નથી. હું ગરીબીમાં જીવી લઈશ, પણ હું માહીને તો હરગિઝ મરવા નહિ દઉં.’ અને જિગરે હાથ જોડયા : ‘પ્લીઝ, શીના ! જા, તું મને મારા હાલ પર છોડીને ચાલી જા.’

અને જિગરની આ વાત સાંભળીને પહેલાં શીનાની આંખોમાં રોષ આવ્યો, પછી વિશાદ આવ્યો અને પછી જાણે એની આંખોમાં શયતાનિયત તરવરી ઊઠી. ‘જિગર ! હવે હું તને કદિ છોડીને નહિ જાઉં. હવે તું મારો છે, મારી એકલીનોે.’ શીના મકકમ અવાજે બોલી : ‘અને તારે હું કહું એમ જ કરવાનું છે. તારે માહીને ખતમ કરવાની છે અને પછી હું એનું લોહી...!’

‘નહિ.’ જિગર મોટેથી બોલતાં ઊભો થઈ ગયો : ‘હું નહિ મારું, માહીને ! તારાથી થાય એ કરી લે, જા !’

‘...તો જોવું છે તારે, હું શું કરી લઈશ...? !’

‘હા-હા ! મારે જોવું છે તું શું કરી લઈશ ? !’ જિગર બોલ્યો : ‘બહુ-બહુ તો તું મને મારી નાંખીશ, બીજું શું ? !’

‘ના !’ શીના લુચ્ચાઈભર્યું હસતાં બોલી : ‘હું તને નહિ મારું. તું તો મારો રાજ્જા છે. હું મારીશ તો માહીને જ !’ અને આ સાથે જ શીના એકદમથી જ ધુમાડામાં ફેરવાઈ.

‘શીના ! તું આ રીતના આપણી વાત અધૂરી મૂકીને ન જા. મારી વાત સાંભળ...’ પણ તેની આ વાત પૂરી થાય એટલી વારમાં તો જાણે ધુમાડો બની ગયેલી શીના હવામાં વિખરાઈ ગઈ અને દેખાતી બંધ થઈ ગઈ.

‘શીના !’ જિગરે આસપાસમાં-હવામાં આમતેમ જોવા માંડતાં કહ્યું : ‘શીના ! પ્લીઝ, પાછી આવ. મારી વાત સાંભળ !’ પણ તેને શીનાનો અવાજ સંભળાયો નહિ. શીના પાછી આવી નહિ.

તે પલંગ પર ફસડાતો હોય એવી રીતના બેસી પડયો. તેણે બાજુમાં પલંગ પર સૂતેલી માહી સામે જોયું.

માહી પડખું ફરી. માહીના ચહેરા પર જાણે એ કોઈ સોનેરી સપનું જોતી હોય એવી મુસ્કુરાહટ રમતી હતી.

જિગરની આંખોમાં આંસુ આવ્યા.

અત્યારે તેના મનમાં પહેલી વાર જ શીના તેના માથા પર સવાર થઈ હતી એ બદલ અફસોસ જાગ્યો.

માહી કહેતી જ હતી કે, શીના જેવી અદૃશ્ય શક્તિનો-શીના જેવી બલાનો કોઈ ભરોસો નહિ. અને માહીની વાત સાચી પડી હતી. શીના બીજા કોઈનું નહિ અને માહીનું લોહી પીવા માટે જિદે ચઢી હતી. એ માહીને જીવતી છોડવા માંગતી નહોતી.

શીના માહીનું લોહી પીને જ રહેશે એવું એ કહીને ગઈ હતી ?

શીના હવે શું કરશે ? એ માહી પર કેવી રીતના ત્રાટકશે ? એ જિગરની સમજની બહાર હતું !

ડીંગ-ડોંગ ! ડીંગ-ડોંગ !

અચાનક ડૉરબેલ વાગી ઊઠી.

જિગરે ઘડિયાળમાં જોયું.

રાતના સાડા બાર વાગ્યા હતા.

‘અત્યારે કોણ હશે ? !’ જિગરના મગજમાં સવાલ જાગ્યો, ત્યાં જ પલંગ પર બેઠી થતાં માહીએ અડધી ઊંઘમાં તેને પૂછયું : ‘અત્યારે તે વળી કોણ આવ્યું ? !’

‘શી ખબર ! હું જોઉં છું.’ જિગરે કહ્યું, એટલે માહી પલંગ પરથી ઊઠીને બાથરૂમ તરફ આગળ વધી ગઈ.

જિગર મેઈન દરવાજા પાસે પહોંચ્યો, ત્યાં જ ફરી ડૉરબેલ વાગી. ડીંગ-ડૉંગ ! ડીંગ-ડૉંગ !

‘કોણ ? !’ તેણે પૂછયું.

‘સિકયુરિટી !’ બહારથી અવાજ આવ્યો.

‘આ ફલેટના ચોકીદાર-સિકયુરિટીમેનને તે અત્યારે શા માટે આવવાનું થયું ? !’ વિચારતાં જિગરે દરવાજો ખોલ્યો.

સામે ઊંચો-તગડો ચોકીદાર ઊભો હતો.

‘શું હતું ? !’ જિગરે પૂછયું અને જવાબમાં ચોકીદારે તેને પોતાના મજબૂત હાથનો જોરદાર ધકકો માર્યો. અચાનક થયેલા આ હુમલાથી જિગર ત્રણ-ચાર પગલાં પાછળ ધકેલાયો અને એટલી વારમાં તો ચોકીદારે અંદર આવીને સ્ટોપર વાસી દીધી.

‘આ...આ તું શું કરી રહ્યો છે ? !’ જિગર ચિલ્લાયો, પણ જવાબમાં કંઈ પણ બોલવાને બદલે ચોકીદારે તેની નજીક આવીને તેને બોચીમાંથી પકડીને જાણે તે કોઈ મગતરૂં હોય એમ અધ્ધર કર્યો અને તેને દીવાલ તરફ ફંગોળ્યો. દીવાલ સાથે ટકરાઈને જિગર જમીન પર પટકાયો.

જિગરેે પીડાને દબાવતાં ચોકીદાર સામે જોયું. આ ચોકીદારમાં તે વળી કોઈ રાક્ષસ જેવી શક્તિ આવી કયાંથી ? ! અને વળી એ શા માટે આમ અંદર ધસી આવ્યો છે અને તેને આમ માર મારી રહ્યો છે ? !

‘...શું...? !’ જિગરે ઊભા થતાં, રૂમમાં નજર ફેરવી રહેલા ચોકીદાર સામે જોતાં પૂછયું : ‘...શું જોઈએ છે, તને ? !’

‘મને તારી પત્ની માહી જોઈએ !’ ચોકીદાર બોલ્યો.

‘શું બકે છે, તું !’ જિગર ગુસ્સાથી લાલ-પીળો થતાં ધ્રુજવા માંડયો.

‘મને તારી પત્ની જોઈએ !’ ચોકીદાર હસ્યો. કોઈ શયતાનની જેમ હસ્યો : ‘મને તારી પત્નીનું ગળું જોઈએ. હું એનું ગળું ભીંસી દઈશ.’

અને ચોકીદારની આ વાત સાથે જ જિગરના મગજમાં એકદમથી જ ઝબકારો થઈ ગયો. ‘આ તો..આ તો શીનાનું કામ ! શીના જેમ તેને અમુક માણસોને ખતમ કરવા માટે મોકલતી હતી એમ શીનાએ અત્યારે ચોકીદારને માહીને ખતમ કરવા માટે મોકલ્યો છે. જેથી કરીને માહી ખતમ થાય એ પછી એે માહીનું લોહી પી શકે !’ અને જિગરના મગજમાંનો આ વિચાર પૂરો થયો, ત્યાં જ તેના કાને બાથરૂમની સ્ટોપર ખૂલવાનો અવાજ સંભળાયો. તે બાથરૂમ તરફ જોતાં ચિલ્લાઈ ઊઠયો : ‘બહાર ન આવતી માહી, અંદર બાથરૂમમાં જ રહે !’

અને એ જ વખતે બાથરૂમનો દરવાજો ખૂલ્યો. માહી ડોકાઈ અને એની સાથે જ ચોકીદાર માહી તરફ-બાથરૂમ તરફ ધસ્યો.

આમ ચોકીદારને પોતાની તરફ ધસી આવતો જોઈને માહીએ ગભરાટથી એક ચીસ પાડી અને પાછો દરવાજો બંધ કરી દેતાં અંદરથી સ્ટોપર ચઢાવી દીધી.

એ જ પળે બાથરૂમ નજીક પહોંચેલા ચોકીદારે રોષભેર બંધ દરવાજા પર મુકકો માર્યો. ધમ્‌ ! અવાજ થયો.

‘બહાર નીકળ !’ ચોકીદાર ગર્જ્યો.

‘નહિ !’ જિગર બૂમ પાડી ઊઠયો : ‘અંદર જ રહેજે માહી, દરવાજો ખોલીશ નહિ !’

ચોકીદાર જિગર તરફ ફર્યો અને તેની તરફ ગુસ્સાભરી આંખે જોઈ રહેતાં તેની તરફ આવવા માંડયો. ચોકીદારની આંખોમાં જાણે કોઈ શયતાની ચમક હતી. તેની આંખોમાં ખૂની ભાવ હતા.

જિગર હવે હિંમત હારી ગયો. શીનાના ઈશારે આવેલો આ ચોકીદાર હવે તેને ખતમ કરી નાંખશે અને પછી માહીને...

ત્યાં જ તેના કાને ડૉરબેલનો અવાજ સંભળાવાની સાથે જ સવાલ સંભળાયો : ‘શું થયું, જિગર બેટા !’

અને આ અવાજ સાથે જ જિગરથી બે પગલાં દૂર સુધી આવી પહોંચેલો ચોકીદાર રોકાઈ ગયો.

ચોકીદાર અને જિગર બન્નેએ એકસાથે જ ચહેરો ફેરવીને મેઈન દરવાજા તરફ જોયું. મેઈન દરવાજો અંદરથી બંધ હતો. બહાર ઊભેલું દેખાતું નહોતું, પણ જિગર અવાજ પરથી પારખી ગયો. બંધ દરવાજાની પેલી તરફ તેના પાડોશી નવિનકાકા ઊભા હતા.

હવે ચોકીદાર દરવાજા તરફ આગળ વધ્યો.

જિગરના મનમાં ફફડાટ જાગ્યો. આ ચોકીદાર નવિનકાકાને તો નુકશાન નહિ પહોંચાડે ને ? !

‘જિગરબેટા ! દરવાજો ખોલ તો !’ બંધ દરવાજા બહારથી ફરી નવિનકાકાનો અવાજ સંભળાયો. દરવાજા નજીક પહોંચેલા ચોકીદારે સ્ટોપર ખોલી, દરવાજો ખોલ્યો અને બહાર ઊભેલા નવિનકાકા તરફ જોયા વિના જ બહાર નીકળી ગયો.

બીજી જ પળે લિફટનો નીચે જવાનો અવાજ સંભળાયો.

‘હમણાં મને બૂમાબૂમ જેવું કંઈક સંભળાયું, જિગરબેટા !’ નવિનકાકાએ દરવાજે ઊભા-ઊભા જ જિગર તરફ જોતાં પૂછયું : ‘અને આ ચોકીદાર કેમ આવ્યો હતો ? !’

જિગર નવિનકાકાને સાચી વાત, અદૃશ્ય શક્તિ શીનાએ મચાવેલી આ ધમાલ વિશે કહી શકે એમ નહોતો. તેણે નવિનકાકા તરફ આગળ વધતાં વાર્તા વિચારી લીધી.

‘કંઈ નહિ, નવિનકાકા !’ જિગરે બહાર હજુ ચોકીદાર છે નહિ ને, એ લિફટમાં નીચે ચાલ્યો જ ગયો છે ને, એની ખાતરી કરી લેતાં કહ્યું : ‘એ તો નીચે રાઉન્ડ પર નીકળેલા ચોકીદારને નીચેથી એવું લાગ્યું કે, કોઈ ચોર પાઈપ મારફત મારા રૂમની બારી પાસે પહોંચીને અંદર દાખલ થઈ ગયો. અને એટલે એ ઉપર દોડી આવ્યો. પણ હું જાગતો જ બેઠો હતો. ચોકીદારને એવો વહેમ જ ગયો હતો, બાકી અસલમાં એવું કંઈ જ નહોતું.’

નવિનકાકાના ચહેરા પર ચિંતા આવી ગઈ : ‘ચાલો ત્યારે, હું જાઉં. મારા રૂમની બારી ખુલ્લી છે.’ અને તેઓ પોતાના ફલેટના દરવાજા તરફ આગળ વધતાં બોલી ગયા : ‘ભલે ચોકીદારને ચોરનો વહેમ જ ગયો હોય, પણ તું હવેથી રાતના બારી બંધ જ રાખજે, જિગરબેટા !’

‘હા, નવિનકાકા !’ કહેતાં જિગરે દરવાજો બંધ કરીને સ્ટોપર ચઢાવી.

શીનાએ જે રીતના ચોકીદારને અહીં માહીને ખતમ કરવા માટે મોકલ્યો હતો એના ગભરાટને પરાણે ખંખેરતાં જિગરે બાથરૂમ તરફ જોયું, અને ત્યારે જ જિગરને એ ખ્યાલ આવ્યો કે, બાથરૂમમાંથી માહીનો કોઈ અવાજ નહોતો.

ચોકીદાર માહી તરફ ધસી ગયો હતો એ પછી એક ચીસ પાડતાં માહીએ બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને એ પછી ચોકીદાર તેની તરફ આવ્યો હતો અને ત્યાં જ નવિનકાકા આવી પહોંચ્યા હતા. આ દરિમયાન બાથરૂમમાંથી માહીનો કોઈ અવાજ સંભળાયો નહોતો.

તે માહીની ચિંતા સાથે બાથરૂમ તરફ ધસી ગયો.

‘માહી !’ જિગરે બાથરૂમના દરવાજા પાસે પહોંચતાં કહ્યું : ‘હવે ડર નહિ. એ ચોકીદાર ચાલ્યો ગયો, હવે તું દરવાજો ખોલીને બહાર આવી જા.’

ખટ્‌ !

જિગરને એમ કે સ્ટોપર ખૂલવાનો અવાજ સંભળાશે, પણ એવો અવાજ સંભળાયો નહિ.

‘માહી !’ તેણે વધુ મોટેથી બૂમ પાડતાં કહ્યું : ‘ડર ને ગભરાટ ખંખેરી નાંખ. એ ચોકીદારને મેં મારીને ભગાવી દીધો.’ માહીના મનમાંથી ડર જવાની સાથે જ હિંમત આવે એ માટે તેણે કહ્યું, પણ બાથરૂમની અંદર એ જ રીતના ચુપકીદી છવાયેલી રહી. અંદરથી માહીનો કોઈ અવાજ-કોઈ જવાબ સંભળાયો નહિ.

‘કયાંક ડર ને ગભરાટથી માહી બેહોશ તો નથી થઈ ગઈ ને ? !’ જિગરના મગજમાં વિચાર દોડી ગયો.

ખટ્‌ ! ત્યાં જ દરવાજાની સ્ટોપરનો અવાજ તેના કાને પડયો.

તેના જીવમાં જીવ આવ્યો.

ધીરેથી બાથરૂમનો દરવાજો ખૂલ્યો અને માહી દેખાઈ.

‘....એ ગયો !’ જિગરે કહ્યું, પણ જવાબમાં માહીએ જિગર તરફ એક નજર નાંખી અને કંઈ પણ બોલ્યા વિના પલંગ તરફ આગળ વધી ગઈ.

‘કદાચ માહીને ચોકીદારે અચાનક કરેલા હુમલાનો આઘાત-આંચકો લાગ્યો હોય એવું લાગે છે.’ વિચારતાં જિગર માહી માટે પાણી લઈ આવવા માટે રસોડા તરફ આગળ વધી ગયો.

તેણે માટલામાંથી ગ્લાસમાં પાણી લીધું.

તે પાછો રૂમમાં આવ્યો.

રૂમમાં-પલંગ પર માહી સૂતી હતી. એની આંખો ખુલ્લી હતી ને છત તરફ તકાયેલી હતી.

‘લે, માહી ! પાણી પી લે.’ કહેતાં જિગર પલંગ નજીક પહોંચ્યો, ત્યાં જ માહીએ એક ચીસ પાડી અને એ સૂતેલી હાલતમાં જ હવામાં-છ-સાત ફૂટ અધ્ધર ઊંચકાઈ અને પછી પાછી જોશભેર પલંગ પર પટકાઈ.

જિગરના હાથમાંથી પાણીનો ગ્લાસ પડી ગયો.

તે ડરી ગયો. તે ગભરાઈ ગયો. અવાચક્‌ બની ગયો.

‘આ તે વળી શું થઈ ગયું ? ! ! ! ! ! ! ! ! ! ! !’

( વધુ આવતા અંકે )