Morden Dragg in Gujarati Science-Fiction by Parth Toroneel books and stories PDF | મોડર્ન ડ્રગ

Featured Books
  • પ્રેમ અને મિત્રતા - ભાગ 2

    (પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને...

  • સ્વપ્ન્સમ - ભાગ 2

    ગત. અંકથી શરુ......અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં...

  • Dear Love - 3

    એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી...

  • લવ યુ યાર - ભાગ 74

    રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડ...

  • સોલમેટસ - 7

    અદિતિના મૃત્યુનો આજે તેરમો દિવસ હતો. પરિવારજનો વિધિ પતાવી અન...

Categories
Share

મોડર્ન ડ્રગ

પુસ્તક પરિચય

જાહેરમાં સૌથી ઓછો ચર્ચાતો અને ખાનગીમાં સૌથી વધુ જોવાતો જો કોઈ વિષય હોય, તો એ છે ‘પોર્નોગ્રાફી’.

લગભગ બે વર્ષ પહેલાં આ પુસ્તક લખવાની શરૂઆત એક લેખથી થઈ હતી. ત્યારે પોર્ન વિષય પરનો લેખ લખતી વખતે હું તેની વાસ્તવિકતાથી વાકેફ નહોતો. પોર્ન વિષયક વૈજ્ઞાનિક સંશોધનો અને અભ્યાસોનો એક પણ લેખ ત્યારે વાંચ્યો નહોતો. મારી ઈચ્છા હતી કે લેખમાં હું સંસ્કૃતનું એક પ્રચલિત વાક્ય ‘अति सर्वत्र वर्जयेत्’ મૂકીશ, અને પછી લખીશ કે ‘કંઈપણની અધિકતા ઝેર સમાન છે.’ – આવું લખીને હું પોર્નનું અમુક અંશે સમર્થન કરી લેવા ઈચ્છતો હતો. –

જ્યારે મેં એ લેખ લખવા ઇન્ટરનેટ પર સંશોધન કરવાનું અને વાંચવાનું શરૂ કર્યું, ત્યારે ખ્યાલ આવ્યો કે પોર્ન જોતી વખતે મનુષ્યનું બ્રેઇન કુદરતી લેવલ કરતાં સેક્સ્યુઅલી કેટલું વધુ ઉત્તેજિત થઈ જતું હોય છે, અને ત્યાર બાદ તે કેવું રીએક્ટ કરે છે, અમુક સમય બાદ એમાં કેવાં બાયોલોજિકલ બદલાવ આવે છે, અને એમાંથી કેવી સેક્સ્યુઅલ સમસ્યાઓ ઊભી થાય છે – આ વિશેના તમામ વૈજ્ઞાનિક અભ્યાસો અને સંશોધનો મને અત્યંત દિલચસ્પ લાગ્યાં. મારા મનમાં અનેક પ્રશ્નો કીડિયારાની જેમ ઉભરાવા લાગ્યાં, અને એ દરેક પ્રશ્નનો જવાબ શોધવા મેં ઇન્ટરનેટ પર અસંખ્ય લેખો, પોર્નોગ્રાફી વિષયક નોન-ફ્રિક્શન પુસ્તકો, યુટ્યુબ વિડિયોઝ, ડોક્યુમેન્ટરીઝ, અને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં સફળ રહી ચૂકેલી પોર્નસ્ટાર્સની બાયોગ્રાફિસ વાંચતો ગયો એમ એમ હું વધુ આશ્ચર્યચકિત થતો ગયો. હું આ વિષયમાં જેમ જેમ ઊંડો ઊતરતો ગયો એમ એમ વાસ્તવિકતાનો બિહામણો ચહેરો મારી સમક્ષ રૂબરૂ થવા લાગ્યો. પોર્ન વિશેના મારા વિચારો 180° (ડિગ્રીએ) ફરી ગયા!

આ પુસ્તક લખ્યા પહેલાં પોર્ન વિશે હું જે વિચારતો હતો એ ઉપરછલ્લું હતું. પોર્ન જોવાનો આછો-પાતળો સ્વાર્થ ભીતરમાં ક્યાંક ઝમતો હતો. હું પહેલાં જેવું ઉપરછલ્લું વિચારતો હતો એવું આજે પણ ઘણા લોકો વિચારતા હશે. લોકોના મનમાં આ વિષય અંગેની ઘણી ગેરમાન્યતાઓ ગંઠાઈ ગયેલી છે. મોટા ભાગના લોકો—ઈવન એજ્યુકેટેડ લોકો પણ પોર્ન જોવું બિલકુલ ‘નોર્મલ’ માનતા હોય છે. સામાન્ય રીતે, તેમને ફક્ત એટલી જ જાણકારી હોય છે કે, ‘આ સ્ક્રીન પર રજૂ થતાં સેક્સ સીનને જોઈને હું સેક્સ્યુઅલી વધુ ઉત્તેજના અનુભવું છું. ઇરોટિક ફોટો કે કોઈ વ્યક્તિને ફેન્ટસાઈઝ કરીને જો હું હસ્તમૈથુન કરું, એના કરતાં પોર્નની ‘રેડીમેડ ફેન્ટસી’નો ઉપયોગ મને સેક્સ્યુઅલ આવેગ રિલીઝ કરવામાં વધુ આનંદોત્તેજના આપે છે.’ – મોટા ભાગના લોકો પાસે પોર્ન વિશે આટલી જ ઉપરછલ્લી માહિતી હોય છે.

પોર્નની તરફેણમાં કેટલાક પોર્ન-પ્રેમીઓ તેમની માન્યતાઓ અને પોકળ દલીલો જાણે વ્યાસપીઠ પર બેસી અંતિમ સત્ય ઉચ્ચારતા હોય એવી રીતે બોલતા હોય છે, ‘પોર્ન જોઈને વધુ ઉત્તેજના લેવી એમાં કશું જ ખોટું નથી. સેક્સ માટે પોર્ન જોવાની ઈચ્છા થવી એ બિલકુલ કુદરતી છે! આખી દુનિયાનાં લોકો પોર્ન જોતાં હોય છે એ શું કંઈ ગાંડા હશે! એમને શું સારાં ખોટાની સમજ નહીં પડતી હોય! ખરેખર તો પોર્ન દરેકે જોવું જ જોઈએ – સ્ત્રીઓએ પણ! પોર્ન તો સ્ત્રીઓને તેમની સેક્સ્યુઆલિટી એક્સપ્લોર કરવા સશક્ત કરે છે! જો પોર્નને સારા હેતુથી લઈએ તો એ તરુણો માટે સેક્સ એજ્યુકેશન માટેનું માધ્યમ પણ બની શકે છે. પહેલાંના સમયમાં ખજૂરાહો જો ઉત્તેજના અને સેક્સ એજ્યુકેશનનું માધ્યમ હતું, તો આજે પોર્નોગ્રાફી તેની જગ્યા લે એમાં ખોટું શું છે? પોર્ન હવે સોશિયલી દરેકે સ્વીકારી લેવું જોઈએ. સમયના વહેણમાં પરિવર્તનનો જે સ્વીકાર કરે એ મનુષ્ય જ ટકી શકે છે...’ –

આવી તો અનેક પ્રકારની ગેરમાન્યતાઓ ધરાવતા પોર્ન-પ્રેમીઓની તમામ દલીલો નપુંસક હોય છે. પોર્નનું સમર્થન કરવા તેઓ પાણીમાંથી પોરા કાઢતા હોય છે. તેમની પાસે કોઈ ઠોસ સંશોધનો કે અભ્યાસોનો પુરાવો હોતો નથી. આ પુસ્તક તમારી સમક્ષ પોર્નોગ્રાફી વિશેનું નગ્ન સત્ય – વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા, અભ્યાસો દ્વારા, પ્રયોગો દ્વારા, અને વાસ્તવિક જીવનના કિસ્સાઓ દ્વારા રજૂ કરીને તમારી તમામ દલીલોને જડમૂળમાંથી ઝંઝોળી મૂકશે. ગેરમાન્યતાઓના અંધકારમાં આ પુસ્તક તમારી માટે ટોર્ચ અને ગાઈડ સાબિત થઈ શકે છે.

આ પુસ્તકમાં મૂકેલાં તમામ લોકોના અંગત અનુભવો 100% સાચાં છે. મોટા ભાગની વ્યક્તિઓના અનુભવો ઇન્ટરનેટ પરની guystuffcounseling.com, reddit.com, fightthenewdrug.org અને yourbrainonporn.com વેબસાઇટ્સ પરથી, તથા અન્ય પોર્નોગ્રાફી વિષયક પુસ્તકોમાંથી અને યુટ્યુબ પરથી પણ લીધેલા છે.

આ પુસ્તક મેં બિલકુલ બેબાક બની બોલ્ડ શૈલીમાં લખ્યું છે. પોર્ન સંબંધિત દરેક વિષય પર બધી જ વાતોનો વિસ્તારથી ખુલાસો કર્યો છે. આ પુસ્તક એટલું બોલ્ડ છે કે વાંચતી વખતે કદાચ વાંચકોના ડોળા વિસ્મયથી પહોળા થઈ જશે! જોકે, આ વિષય જ એવો છે કે એમાં જો બોલ્ડ ન લખું તો પોર્નોગ્રાફીની વાસ્તવિકતાનું નિરૂપણ રજૂ કરવામાં અન્યાય થઈ જાય.

પોર્નોગ્રાફી એ વ્યક્તિના બ્રેઇન પર, સેક્સ્યુઅલ ક્ષમતા પર, સેક્સ્યુઆલિટી પર, નવી જનરેશન પર, અને કલ્ચર પર કેવી નેગેટિવ અસર પાડે છે એની કોઈ જ સ્પષ્ટ જાણકારી લોકોમાં હોતી નથી. આ પુસ્તક લખવા મેં પોર્નોગ્રાફિક વિષયોના સમુદ્રમાં મરજીવાની જેમ ખૂબ ઊંડી ડૂબકી લગાવીને લગભગ બે વર્ષ અભ્યાસ કર્યો છે; અને ત્યાં તળિયામાં લોકોથી જે કંઈ છુપાયેલું પડ્યું હતું એ બધું જ આ પુસ્તકમાં પીરસ્યું છે. હવે તમારે એ સમુદ્રમાં ઊંડી ડૂબકી લગાવવી નહીં પડે. પૂરી પ્રામાણિકતાથી જે સત્ય હતું એ તમારી સમક્ષ યથાર્થ રૂપે રજૂ કર્યું છે.

આ પુસ્તક લખવામાં હું જેટલો પ્રામાણિક રહ્યો છું એટલો કદાચ ક્યારેય કોઇની સામે રહ્યો નથી. પૂરી શિદ્દતથી આ પુસ્તક લખ્યું છે.

પુસ્તકના કુલ 6 પ્રકરણો વિશેનો ટૂંકમાં પરિચય:

પ્રકરણ – 1 [બ્રેઇન અને મોડર્ન ડ્રગ] –

મનુષ્યના શરીરનું સૌથી મોટું અને અગત્યનું સેક્સ ઓર્ગન કયું? ઉત્તેજના ક્યાંથી શરૂ થતી હોય છે? ઉત્તેજના બે પગ વચ્ચે નહીં, પણ બે કાન વચ્ચે હોય છે—બ્રેઇનમાંથી શરૂ થતી હોય છે. આલ્કોહોલ, ડ્રગ્સ, કોકેઇન, મેરીજુઆના, અને મેથામ્ફેટામાઇન જેવા નશાકારક પદાર્થોની જેમ જ પોર્ન પણ શું બ્રેઇનની કુદરતી રીતે કાર્ય કરવાની મિકેનિઝમ (પદ્ધતિ) અસંતુલિત કરી શકે છે?

જો સૌથી મોટા અને અગત્યના સેક્સ ઓર્ગન—બ્રેઇનની કુદરતી રીતે સંપૂર્ણ ઉત્તેજિત થવાની મિકેનિઝમમાં સમસ્યા આવી જાય, તો બે પગ વચ્ચેનો સેક્સ્યુઅલ રિસ્પોન્સ કેવો મળે? કેવાં પ્રકારની સેક્સ્યુઅલ સમસ્યાઓ ઊભી થાય? શું માત્ર પુરુષોની જ સેક્સ્યુઅલ ક્ષમતા પર અસર થાય કે સ્ત્રીઓની પણ? તેનાં પરિણામો કેવાં આવે? શું એની અસર જીવનસાથી સાથેના સેક્સજીવનમાં પડે? પણ... પણ પોર્ન એ ડ્રગ કેવી રીતે કહેવાય..?!? પોર્નને સ્મોક નથી કરાતું, ડ્રિંક નથી કરાતું, નાકથી સૂંઘી શકાતું નથી કે નથી ઈન્જેક્શનથી શરીરમાં ઇન્જેક્ટ કરી શકાતું! તો પછી પોર્ન એ ડ્રગ કહેવાય કેવી રીતે..??’ –

વેલ, આવા તો અનેક દિલચસ્પ પ્રશ્નોના ખુલાસા અને માઇન્ડ બ્લોઇંગ વિષયોની સરળ રજૂઆત અહીં વાંચવા મળશે. મોડર્ન ડ્રગ—અર્થાત પોર્નોગ્રાફીની કેવી અસરો વ્યુઅર્સના બ્રેઇન પર પડતી હોય છે અને એમાંથી કેવાં પરિણામો સર્જાતાં હોય છે એ વિશે મોટા ભાગના લોકો બિલકુલ બેખબર હોય છે. આ પ્રકરણમાં મૂકેલાં શૉકિંગ અભ્યાસો, સંશોધનો, પ્રયોગો, અને કેટલીક વ્યક્તિઓના વાસ્તવિક જીવનના કિસ્સાઓ તમને આશ્ચર્યમાં ડૂબાડી મૂકશે. જે જિજ્ઞાસુ વાંચકોને વિજ્ઞાનમાં થોડોક પણ રસ હશે એમને આ પ્રકરણ અત્યંત રસપ્રદ લાગશે.

પ્રકરણ – 2 [લોકોની માનસિકતા અને પોર્નોગ્રાફીનો પ્રભાવ] –

આ પ્રકરણમાં લોકોની પોર્ન વિશેની માન્યતાઓ, સેક્સ્યુલાઇઝેશનનું થઈ રહેલું નોર્મલાઇઝેશન, ખજૂરાહો, Fifty Shades of Grey trilogy નોવેલ/ફિલ્મની ફિલોસોફી, મેરી બેટી સની લિયોની બનના ચાહતી હૈ શોર્ટ ફિલ્મ વિશેની ઉગ્ર ચર્ચા, સિરિયલ કિલર Ted Bundy વિશે, અને અન્ય દિલધડક વિષયો વિશે તમે જાણશો ત્યારે તમારું દિમાગ ચક્કર ખાઈ જશે! ક્યારેય વિચારી નહીં હોય એવી વાસ્તવિકતા વાંચી તમારા રૂંવાડાં ખડાં થઈ જશે!

પ્રકરણ – 3 [પોર્નસ્ટાર્સ, પોર્ન ઇન્ડસ્ટ્રી અને ત્યાંની નગ્ન વાસ્તવિકતા] –

પોર્નસ્ટારનું જીવન પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યા પહેલાં કેવું રહ્યું હતું? શા માટે પોર્નસ્ટારનું કેરિયર જ પસંદ કર્યું? પોર્ન ઇન્ડસ્ટ્રીમાં તેમનું જીવન કેવું હોય? પોર્ન ઇન્ડસ્ટ્રી છોડ્યા બાદ તેમને જીવનમાં કેવાં સંઘર્ષોનો સામનો કરવો પડતો હોય છે? અને એમના અંગત જીવનની વાસ્તવિકતાઓ પણ અનેક વિષયોમાં આવરી લેવામાં આવી છે. આ પ્રકરણ ગ્લેમરસ પોર્ન ઇન્ડસ્ટ્રી વિશે, મેલ/ફીમેલ પોર્નસ્ટાર્સ વિશે, પોર્ન ડિરેક્ટર્સની માનસિકતા વિશે, અને ફેમિનિઝમ વિશેની તમારી માન્યતાઓ જડમૂળમાંથી બદલી નાખશે. ત્યાંની નગ્ન વાસ્તવિકતા અને કિસ્સાઓ તમને અંદરથી બેશકપણે ધ્રુજાવી મૂકશે.

પ્રકરણ – 4 [નવી જનરેશન, સોશિયલ મીડિયા અને મિરર ન્યુરોન] –

આજની (અને ભવિષ્યની) જનરેશન સામે સેક્સ એજ્યુકેશનનો પહેલો પરિચય પોર્ન જોઈને જ થતો હોય છે. પુખ્તવયના લોકો કરતાં ચાર ગણું વધુ સંવેદનશીલ બાળકોનું અપરિપક્વ બ્રેઇન કિશોરાવસ્થાએ પોર્નોગ્રાફી જુએ, ત્યારે તેમના બ્રેઇનમાં, સેક્સ્યુઅલ ક્ષમતામાં અને સેક્સ્યુઅલ અભિગમમાં કેવો ફેરફાર આવે છે? સેક્સ્યુઅલી પુખ્તવયે કેવી સમસ્યાઓ ઊભી થતી હોય છે? પોર્નોગ્રાફીનો સ્વીકાર લોકોના જીવન પર, સંબંધો પર, સમાજ પર અને સ્ત્રીઓ પર કેવી અસર પાડશે? પોર્ન એ આજની જનરેશનની સેક્સ્યુઆલિટી અને કલ્ચરને કેવી રીતે બદલી રહ્યું છે એ ખરેખર દુનિયાની દરેક વ્યક્તિએ જાણવું જરૂરી છે. આ ઉપરાંત, સેક્સટિંગ અને જાપાનનાં મુગ્ધ કરી મૂકે એવા સંશોધન સાથે પોર્નોગ્રાફી પરના કેટલાક વિચારો તમને અવશ્યપણે વિચારવા મજબૂર કરી મૂકશે.

પ્રકરણ – 5 [હાર્ટ અને રિલેશનશિપ] –

આ પ્રકરણ કમિટેડ રિલેશનશિપ પર સંપૂર્ણ સમર્પિત છે. લગ્નજીવનમાં પોર્નોગ્રાફીનો ઉપયોગ શું યુગલોના સેક્સજીવનને ‘સ્પાઇસ અપ’ કરી શકે છે? પોર્નોગ્રાફી શું બંને પ્રેમીઓ વચ્ચેનો ‘ઘનિષ્ઠ સંબંધ’ જોખમમાં મૂકી શકે છે? શું પોર્ન જોવાથી વ્યક્તિ બેડમાં ‘ગુડ લવર’ બની શકે? જે હેતુથી સાથે પોર્ન જોવાનું શરૂ કર્યું હોય એ હેતુ શું અંત સુધી બરકરાર રહી શકે છે? શું પોર્ન એ યુગલોના છૂટાછેડા માટે કારણરૂપ બની શકે? શું પોર્નોગ્રાફી વિના સેક્સજીવનને એક્સાઈટિંગ અને એડવેન્ચરસ બનાવી શકાય? –

આવા અનેક પ્રશ્નોના શૉકિંગ ખુલાસા જેમ જેમ તમે પુસ્તક વાંચતાં જશો એમ એમ થતા જશે. આ પ્રકરણમાં તમને અનેક કમિટેડ યુગલોના વાસ્તવિક જીવનના અનુભવો વાંચવા મળશે. જે તમને બતાવશે કે પોર્નની લોભામણી જાળમાં ફસાઈ જવું કેટલું એક્સાઈટિંગ અને સાહજિક હોય છે. તેમના અનુભવો રજૂ કરતા કિસ્સાઓમાંથી તમને સેક્સ, સંબંધ, અને લગ્નજીવન વિશે ઘણું શીખવા-જાણવા ચોક્કસ મળશે. કદાચ તમે તમારા લગ્ન અને સેક્સજીવનને આ પ્રકરણમાં રજૂ કરેલા કિસ્સાઓમાં પ્રતિબિંબાતું જોઈ શકશો. જે યુવક-યુવતીઓ લગ્નજીવનમાં હવે જોડાવાનાં છે એમને તો આ પ્રકરણ અત્યંત ઉપયોગી અને ઈન્સાઈટફૂલ સાબિત થશે.

જો તમે, અથવા તમારો જીવનસાથી કે કોઈ પણ વ્યક્તિ માટે પોર્ન એ સમસ્યા બની ગઈ હોય, તો આ પુસ્તક ખાસ તેમના માટે જ લખાયું છે. આ પુસ્તક માત્ર પોર્ન-યુઝર્સ માટે જ નથી, જે વ્યક્તિ પોર્ન જોવું પસંદ નથી કરતી એને પણ ઉપયોગી સાબિત થશે. કદાચ તેનો જીવનસાથી પોર્ન જોવું પસંદ કરતો હોય, પણ એને સમજાવવા કોઈ સંવાદ કરી સમજાવી શકાતી ન હોય, તો આ પ્રકરણ તેમને ચોક્કસ મદદરૂપ થશે.

પ્રકરણ – 6 [પોર્ન-મુક્ત, હિલિંગ સેક્સ્યુઆલિટી અને રિગેઇન ઇન્ટિમસી] –

જો તમે પોર્ન સાથે જોડાયેલા હોવ, અને નિરાશા, એકલતા કે અસહાયતા અનુભવતા હોવ, તો આ પ્રકરણ તમને સફળતાપૂર્વક પોર્ન-મુક્ત થવા માટે, સેક્સ્યુઅલ હિલિંગ માટે, અને જીવનસાથી સાથેનો ભાવનાત્મક સંબંધ ખીલવવા ચોક્કસ મદદરૂપ થશે. પોર્ન-મુક્ત થવું બિલકુલ શક્ય છે અને એના વિના પણ જીવન આનંદોલ્લાસથી જીવી શકાય છે. તમારી પોર્નજર્નીના અસ્ત માટે આ પ્રકરણ તમારા જીવનમાં આશાનો સૂર્યોદય ચોક્કસ કરશે...

ટૂંકમાં કહું તો આ પુસ્તકના તમામ પ્રકરણો તમને કોઈ થ્રિલર નવલકથા વાંચતાં હોવ એવો રોમાંચક અનુભવ કરાવશે. અદ્યતન સંશોધનો, અભ્યાસો, પ્રયોગો, યુગલોના વાસ્તવિક જીવનના કિસ્સાઓ, ઇન્ટરવ્યૂઝ અને સત્યઘટનાઓ તમને શૉક ઉપર શૉક આપશે. કદાચ કેટલાક પોર્ન-પ્રેમીઓને આ પુસ્તકમાં રજૂ કરેલા કડવા સત્યનો ઘૂંટડો ગળા નીચે ઉતારવો જરાયે નહીં ગમે. તેમને આ પુસ્તકમાં મૂકેલાં વિષયો એક પછી એક એવા વસમા ઘા કરશે કે આ પુસ્તક તેમને બારી બહાર ફેંકી દેવાની કે ફાડી નાંખવાની ઈચ્છા થશે. –

જો ખરેખર આવું બન્યું, તો હું એ જાણીને અત્યંત ખુશખુશાલ થઈ ઊઠીશ કે મારે જ્યાં ઘા કરવો હતો બરાબર ત્યાં જ વાગ્યો છે! તેઓ જેમ જેમ આગળ વાંચતા જશે એમ એમ વધુ ભયભીત થતાં જશે, અને છેલ્લું પ્રકરણ વાંચશે ત્યારે ચોક્કસપણે ભયમુક્ત થઈ જશે. પોર્ન-મુક્ત થવા તેમને આ પુસ્તકમાં આશાનું સોનેરી કિરણપૂંજ દેખાશે એવું હું માનું છું. સંપૂર્ણ વૈજ્ઞાનિક સંશોધનો પર આધારિત માહિતીથી લખાયેલું આ પુસ્તક તમને ચોક્કસ કંઇક નવું આપીને પૂરું થશે એનું હું અત્યારથી તમને વચન આપું છું.

જોકે, આ પુસ્તક તમને પોર્ન જોતાં બંધ કરી દેશે કે નહીં એ હું નથી જાણતો, પરંતુ એક વાત હું પૂરેપૂરા વિશ્વાસથી કહું છું કે, તમે આ પુસ્તક વાંચવાની શરૂઆત કરશો એ વખતે તમારા જે વિચારો અને માન્યતાઓ આ વિષય પર હશે એ આ પુસ્તકનું છેલ્લું પેજ વાંચ્યા પછી નહીં જ રહે! આ પુસ્તકના કેટલાક ઈન્સાઈટફૂલ વિષયો તમને વાંચતાં વાંચતાં પણ વિચારતા કરી મૂકશે અને પુસ્તકનું આખરી પેજ વાંચ્યા બાદ પણ તમારું મન આ પુસ્તકના વિચારોમાં જ ચકરાતું રહેશે. આ પુસ્તક તમારો દ્રષ્ટિકોણ ફક્ત પોર્નોગ્રાફી તરફ જ નહીં, બલ્કે જીવન તરફ, સંબંધ તરફ અને ભવિષ્યની જનરેશનના ભાવિ તરફ જોવાનો અભિગમ પણ ઘણાખરા અંશે ચોક્કસ બદલી મૂકશે!

જો તમે પોર્ન-મુક્ત થવા ઇચ્છતા હોવ અને ઘનિષ્ઠ લગ્નજીવન તથા સંતોષકારક સેક્સજીવન અપનાવવા ઇચ્છતા હોવ, તો આ પુસ્તક તમારી સમક્ષ હાથ લંબાવીને તમને મદદ કરવા તૈયાર ઊભું છે. હવે તમારા પર નિર્ભર છે કે તમે એની મદદ લેવા ઈચ્છો છો કે નહીં. આ પુસ્તક અત્યાર સુધીનાં પોર્ન વિષયક અંગ્રેજી પુસ્તકો કરતાં પણ સૌથી અદ્યતન સંશોધનો, અભ્યાસો અને પોર્ન-મુક્ત થવાની અસરકારક ટેકનિક્સ સાથે લખાયેલું છે.

આ પુસ્તક વાંચીને તમારે નક્કી કરવાનું છે કે પોર્નોગ્રાફી તમારા માટે, તમારા પરિવાર માટે, સમાજ માટે, દેશ-દુનિયા માટે તથા ભવિષ્યની જનરેશન માટે સારું, ખરાબ કે બદતર? કોઈને બદલવા કે શિખામણ આપવાના હેતુ માટે આ પુસ્તક નથી લખ્યું. વાંચકો સમક્ષ પોર્નોગ્રાફીની નુકસાનકારક અસરો વિશેની વાસ્તવિકતા ખુલ્લી કરવા અને તેમને આ વિશે વિચારતા કરી મૂકવા માટે લખ્યું છે!

કુરુક્ષેત્રમાં અર્જુનને યુદ્ધ માટે તૈયાર કરવા ભગવાન શ્રીકૃષ્ણે અઢાર અધ્યાયના સાતસો શ્લોક કહ્યા બાદ પણ, તેમણે અંતિમ શ્લોકમાં યુદ્ધ કરવા અર્જુને ગાંડીવ ઉપાડવું કે નહીં એ નિર્ણય તેના પર છોડ્યો હતો. બસ, આવો જ ઉદ્દેશ આ પુસ્તકનો છે. ફરક માત્ર એટલો જ છે કે, ત્યાં યુદ્ધ માટેની વાત હતી અને અહીં પોર્ન માટેની વાત છે. Choice is up to you…

– પાર્થ ટોરોનીલ

Email Id: parthtoroneel@gmail.com

Website: www.parthtoroneel.com

પુસ્તક એમેઝોન પર 'Kindle' અને 'Paperback' સ્વરૂપે ઉપલબ્ધ થઈ ચૂક્યું છે.

Kindle unlimited subscribers માટે આ પુસ્તક તદ્દન 'FREE' છે!

વધુ માહિતી મેળવા મને ઈ-મેઈલ કરો...