Pishachini - 12 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | પિશાચિની - 12

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પિશાચિની - 12

(12)

‘શીના, એકવાર હું મરવા તૈયાર છું, પણ તારી જુદાઈ હું સહન કરી શકું એમ નથી.’ જિગર જુસ્સાભેર કહેવાની સાથે, વડના ઝાડ નીચે મંત્રનો જાપ કરી રહેલા પંડિત ભવાનીશંકર તરફ આગળ વધી ગયો હતો.

તે બે પગલાં આગળ વધ્યો, ત્યાં જ અત્યારે જિગરના માથે સવાર અદૃશ્ય શક્તિ શીના બોલી ઊઠી : ‘જિગર ! પાગલપણું ન કર. ઊભો રહે. તું મંડળની અંદર ન જઈશ, નહિતર ભસ્મ થઈ જઈશ !’

જિગર પંડિત ભવાનીશંકરની ચારે બાજુ ખેંચાયેલી સફેદ રેખા-મંડળથી બે પગલાં દૂર ઊભો રહી ગયો. તે ભવાનીશંકર તરફ જોઈ રહ્યો. ભવાનીશંકર હજુય બંધ આંખે, ઝડપભેર મંત્રનો જાપ કરી રહ્યો હતો.

જિગરે ભવાનીશંકરના આ જાપમાં ખલેલ પહોંચાડવાની હતી. જો ભવાનીશંકર પળવાર માટે પણ મંત્ર જપતો રોકાઈ જાય તો ભવાનીશંકરનો શીનાને વશમાં કરવાનો એકસો એક દિવસનો જાપ તૂટી જાય. અને તો શીના સલામત થઈ જાય, એ ભવાનીશંકરના વશમાં ન જાય અને તેની પાસે જ રહે.

ટૂંકમાં જિગરે મંત્રનો જાપ કરી રહેલા ભવાનીશંકરને રોકવાનો હતો.

‘ભવાનીશંકર !’ જિગરે જોરથી બૂમ પાડી : ‘તારા આ મંતર-વંતર બંધ કર.’’

જિગરને એમ હતું કે, તેની આ બૂમથી ચોંકીને ભવાનીશંકર આંખો ખોલી નાખશે. પણ એવું બન્યું નહિ. તેની બૂમ ભવાનીશંકરના કાનના પડદા સાથે અથડાઈને પાછી ફરી હોય એમ ભવાનીશંકરના મંત્રનો જાપ ચાલુ રહ્યો.

‘તું બહેરો થઈ ગયો છે કે શું, ભવાનીશંકર ? !’ જિગર જાણી જોઈને એવા શબ્દો બોલ્યો કે ભવાનીશંકર ગુસ્સામાં ભાન ભૂલીને, મંત્રો જપવાનું છોડી દે અને તેની સાથે જીભાજોડીમાં ઊતરી જાય.

પણ ભવાનીશંકરના કાન ઊંચા થયા નહિ. એણે એ રીતના જ મંત્રનો જાપ ચાલુ રાખ્યો.

‘ભવાનીશંકર, આંખો ખોલ અને મારી સામે જો.’ જિગર

ચિલ્લાયો : ‘હું તારું મોત બનીને અહીં આવ્યો છું. જો તારામાં હિંમત હોય તો એકવાર મંડળની બહાર નીકળ, પછી જો, હું તને કેવો સબક શીખવાડું છું !’

અને આ વખતે એકદમથી ભવાનીશંકરની બંધ પાંપણો ઊંચકાઈ ગઈ. ભવાનીશંકરે જિગર સામે ઘૂરીને જોયું, પણ એના મંત્રનો જાપ તો ચાલુ જ રહ્યો !

‘ભવાનીશંકર !’ જિગર બોલ્યો : ‘તું મારી શીનાને ભૂલી જા. તારું આ નાટક બંધ કરીને ઘરભેગો થઈ જા, નહિતર તારે પસ્તાવાનો વારો આવશે.’

ભવાનીશંકરે એ જ રીતના મંત્રનો જાપ ચાલુ રાખ્યો ને જમણા હાથને અદ્ધર કરીને એ રીતના હલાવ્યો કે, જાણે એ જિગરને અહીંથી ચાલ્યા જવાનું કહેતો હોય.

જોકે, ભવાનીશંકરના હોઠ હવે વધુ ઝડપે ફફડવા માંડયા. એવું લાગતું હતું કે, જાણે ભવાનીશંકર જિગર વિરુદ્ધ પોતાની બધી જ શક્તિ કામે લગાવી રહ્યો હતો.

જિગરને ખ્યાલ આવી ગયો. ‘ભવાનીશંકર પહોંચેલી માયા હતો. તેણે ભવાનીશંકરના મંત્રના જાપમાં ખલેલ પહોંચાડવા માટે કોઈક બીજો જ રસ્તો અપનાવવો પડે એમ હતો. પણ તો હવે કરવું શું ?’ અને ત્યાં જ જિગરના મગજમાં એક વિચાર આવ્યો. તેણે જમીન પરથી પથ્થર ઊઠાવ્યો. તેના મગજમાંની વાત શીના પામી ગઈ હોય એમ શીનાનો ધીમો અવાજ સંભળાયો : ‘જિગર ! આવું બચપનું કરવાનું રહેવા દે !’

પણ શીનાનું આ વાકય પૂરું થાય એ પહેલાં જ જિગરે ભવાનીશંકરના કપાળનું નિશાન લઈને એ પથ્થર જોરથી ફેંકી દીધો. પળવારમાં એ પથ્થર મંડળની અંદર દાખલ થયો, પણ જિગરની નવાઈ વચ્ચે એ પથ્થર ભવાનીશંકરના કપાળથી બે-ત્રણ વેંત દૂર જ રોકાઈ ગયો અને જાણે એ મીણનો બનેલો હોય એમ પીગળી ગયો !

જિગરને પોતાની આંખો પર વિશ્વાસ ન બેઠો. કોઈ અજબ-ગજબની વાર્તા કે ફિલ્મમાં બને એવું કંઈક બન્યું હતું ! એક પથ્થર મીણની જેમ પીગળી ગયો હતો ! !

જિગરે બીજો મોટો પથ્થર ઉઠાવીને ભવાનીશંકરના કપાળ તરફ ફેંકયો. આ બીજો પથ્થર પણ મંડળની અંદર દાખલ થઈને, ભવાનીશંકરથી બે-ત્રણ વેંત દૂર હવામાં રોકાઈને પળવારમાં મીણની જેમ પીગળી ગયો.

જિગરે ધૂંધવાટભેર

ભવાનીશંકર

તરફ જોયું તો ભવાનીશંકરના

મંત્રનો જાપ એ રીતે જ ચાલુ હતો.

‘જિગર !’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો. જિગરે કલ્પનાની આંખે જોયું તો શીના જાણે ભયથી કાંપી રહી હતી. ‘મેં તને કહ્યું ને કે, તું ભવાનીશંકરનો સામનો નહિ કરી શકે !’ શીનાએ કહ્યું : ‘ચાલ, અહીંથી ઘરે પાછો ચાલ !’

‘ના, શીના ! હું આમ પાછો નહિ ફરું.’ અને જિગર ભવાનીશંકર તરફ આગળ વધ્યો.

‘નહિ, જિગર ! મૂરખામી ન કર.’ શીના બોલી ઊઠી : ‘તું મંડળની અંદર દાખલ ન થઈશ.’

પણ જોશમાં ને જોશમાં જિગરના હોશ ગુમ થઈ ગયા હતા. તે ભવાનીશંકરની ચારે બાજુ દોરાયેલી સફેદ રેખા-મંડળની નજીક પહોંચ્યો. તેણે આગળ-પાછળનું વિચારવા રોકાયા વિના જ જમણો પગ અદ્ધર કર્યો અને એ સફેદ રેખા પાર કરીને એની અંદર મૂકયો, અને આ સાથે જ જિગરને એવું લાગ્યું કે, કોઈ વજનદાર વસ્તુ તેના બન્ને ખભા પર સવાર થઈ ગઈ હતી, અને તેના ખભા પર દબાણ આપી રહી હતી. અને સાથે જ જિગરના કાનમાં એવા અવાજો આવવા માંડયા કે, જાણે એકસાથે અસંખ્ય વરૂ ચીસો પાડી રહ્યા હોય. અને આની સાથે જ જાણે તેના શરીરમાં વીજળીનો કરન્ટ દોડી રહ્યો હોય એમ એના શરીરમાં ઝણઝણાટી આવવા માંડી.

જિગરે કલ્પનાની આંખે જોયું તો થોડીક પળો પહેલાં સુધી તેના માથા પર રહેલી શીના અત્યારે નહોતી. તેણે જે પળે મંડળની અંદર પગ મૂકયો હતો, બરાબર એની આગલી પળે શીના તેના માથા પરથી ઊતરી ગઈ હતી.

જિગરે હવે સફેદ રેખાની-મંડળની અંદર રહેલો પોતાનો પગ ઉઠાવ્યો અને મંડળની બહાર ખેંચી લીધો. અને આ સાથે જ તેના ખભા પરનું દબાણ ચાલ્યું ગયું. તેના કાનમાં ગૂંજી રહેલી અસંખ્ય વરૂની ચીસો બંધ થઈ ગઈ, અને કરન્ટ લાગ્યાની ઝણઝણાટી પણ ચાલી ગઈ.

જિગરે પાછા પગલે મંડળથી બે પગલાં પાછળ હટતાં ભવાનીશંકર તરફ જોયું તો ભવાનીશંકર એ જ રીતે ઝડપભેર મંત્રનો જાપ કરી રહ્યો હતો અને જાણે હોઠના ખૂણે જીતભર્યું મલકી રહ્યો હતો.

જિગરને હવે બરાબર સમજાઈ ગયું. તેના માટે મંડળની અંદર દાખલ થઈને ભવાનીશંકરનો જાપ તોડવાનું શકય નહોતું. અને ભવાનીશંકર આ જાપના એકસો એક દિવસ પૂરા કર્યા વિના-શીનાને વશમાં કર્યા વિના મંડળની બહાર નીકળે એમ લાગતું નહોતું.

ત્યાં જ જિગરના માથે પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને માથે પંખીની અણીદાર ચાંચ વાગી હોય એવું લાગ્યું. તેણે કલ્પનાની આંખે જોયું તો શીના તેના માથા પર પાછી આવી ગઈ હતી.

‘જિગર !’ શીનાએ કહ્યું : ‘મેં તને પહેલાં જ કહ્યું હતું કે, તું ભવાનીશંકરથી દૂર રહે, પણ તું માન્યો નહિ. જ્યાં સુધી ભવાનીશંકર મંડળની અંદર છે, ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ એનો વાળ પણ વાંકો કરી શકે એમ નથી. ભવાનીશંકર ખૂબ જ પુરાણો અને અનુભવી પંડિત છે. એની અંદર ખૂબ જ હિંમત અને સહનશક્તિ છે. તું એને ગમે એટલો ગુસ્સો અપાવવાનો-એનું ધ્યાનભંગ કરવાનો-જાપ તોડવાનો પ્રયત્ન કરે, પણ એ પોતાનો જાપ ચાલુ જ રાખશે.’

‘હા, પણ એમ તો ભવાનીશંકર એના જાપના એકસો એક દિવસ પૂરા કરી નાખશે. તારે એના વશમાં ન જવું પડે એ માટે આપણે કંઈક તો કરવું જ પડશે ને !’

‘હું એની કયાં ના પાડું છું.’ શીના બોલી : ‘પણ હું તને ખોટી ઉતાવળ અને આંધળુકિયા કરવાની ના પાડું છું. હું ઈચ્છું છું કે તું ભવાનીશંકરથી મને બચાવવા માટે જે કંઈપણ કરે એ સમજી-વિચારીને કરે. ભવાનીશંકરનો જાપ પૂરો થવાને હજુ સોળ દિવસ બાકી છે. આ દરમિયાન આપણે ભવાનીશંકરથી પીછો છોડાવવાની કોઈ તરકીબ શોધી કાઢીએ.’

‘ઠીક છે.’ જિગરે કહ્યું અને ભવાનીશંકર તરફ જોયું તો ભવાનીશંકરે એનો જાપ ચાલુ જ રાખતાં-હાથના ઈશારાથી તેને ચાલ્યા જવાનું કહ્યું અને પોતાની આંખો પર પાંપણનો પડદો પાડી દીધો.

જિગર ધૂંધવાટ અનુભવતો સ્મશાનની બહાર નીકળી ગયો. તે કારમાં બેઠો અને કારને ઘર તરફ હંકારી.

થોડીક મિનિટો પછી તે ઘરમાં દાખલ થયો ત્યાર સુધી તેની અને શીના વચ્ચે કોઈ વાતચીત થઈ નહિ. તે નિરાશા સાથે પલંગ પર બેઠો એટલે તેના માથેથી શીનાનો અવાજ સંભળાયો : ‘જિગર, હવે તું નિરાંતે સૂઈ જા. હું જાઉં છું. હું એક-બે દિવસમાં જ ભવાનીશંકરના મંત્રનો જાપ તોડવા માટેનો કોઈક રસ્તો શોધી કાઢીશ.’ અને આ સાથે જ જિગરનાા માથા પરનો ભાર હળવો થઈ ગયો. જિગરે કલ્પનાની આંખે જોયું તો શીના ચાલી ગઈ હતી.

જિગર એક નિશ્વાસ સાથે પલંગ પર લેટયો. પંડિત ભવાનીશંકરની શક્તિ જોયા પછી જિગરને ખ્યાલ આવી ગયો હતો કે, ભવાનીશંકરથી શીનાને બચાવવી એ કંઈ ખાવાના ખેલ નહોતા !

દૃ દૃ દૃ

જિગરની આંખ ખૂલી, ત્યારે સવારના દસ વાગ્યા હતા. ગઈકાલ રાતે જિગર ‘ભવાનીશંકરનો જાપ પૂરો થઈ જશે અને શીના ભવાનીશંકરના વશમાં ચાલી જશે,’ એ ચિંતામાં જાગતો પડયો રહ્યો હતો. છેક વહેલી સવારના સાડા ચાર વાગ્યે તેની આંખ લાગી હતી તે અત્યારે ખુલી હતી.

જિગરે પલંગ પર બેઠા થતાં કલ્પનાની આંખે જોયું તો તેના માથા પર શીના નહોતી. તે ઊભો થયો અને બાથરૂમમાં પ્રવેશ્યો. તે તૈયાર થઈને ચા-નાસ્તો લઈને ડાઈનિંગ ટેબલની ખુરશી પર બેઠો. છાપું વાંચતા-વાંચતાં તેણે ચા-નાસ્તો કર્યો, ત્યાં જ તેના માથા પર પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને જાણે માથે પંખીની અણીદાર ચાંચ વાગી.

જિગરે કલ્પનાની આંખે જોયું તો તેના માથા પર શીના આવી ચૂકી હતી. શીનાના ચહેરા પર ચમક હતી. ‘જિગર !’ શીનાએ કહ્યું : ‘મને એવું લાગે છે કે, આપણે ભવાનીશંકરનો જાપ તોડવામાં સફળ થઈ શકીશું.’

‘જલદી બોલ, કેવી રીતના ?’ જિગર બોલી ઊઠયો : ‘ભવાનીશંકર મંત્રનો જાપ પૂરો કરીને તને મારાથી દૂર ખેંચી જશે એ ચિંતામાં હું અધમૂઓ થઈ ગયો છું.’

‘દીપંકર સ્વામી નામે એક જૂનો પંડિત છે. એ કાળા જાદૂનો નિષ્ણાત છે. મને લાગે છે કે, એની પાસે ભવાનીશંકરના તોડનો મંત્ર હોવો જ જોઈએ.’ શીનાએ કહ્યું : ‘જિગર ! તું દીપંકર સ્વામીને જઈને મળ. જો એ તારી મદદ કરવા માટે રાજી થઈ જાય તો મને ખાતરી છે કે, એ ભવાનીશંકરના મંત્રનો જાપ તોડીને એને મંડળની બહાર કાઢી શકશે.’ અને શીના રોષભર્યા અવાજે બોલી : ‘અને એકવાર ભવાનીશંકર મંડળની બહાર આવી જશે એ પછી હું ખૂબ જ સહેલાઈથી એને ઠેકાણે પાડી દઈશ.’

‘શીના !’ જિગર બોલ્યો : ‘શું તને વિશ્વાસ છે કે, દીપંકર સ્વામી મને મદદ કરવા માટે તૈયાર થશે. એ પેલા મલંગની જેમ મને એના ઘરમાંથી હાંકી નહિ કાઢે.’

‘તું એની પાસે ચાલ તો ખરો.’ શીનાએ કહ્યું.

‘ભલે !’ કહેતાં જિગર ઊભો થયો.

તે કારમાં બેઠો અને શીનાએ કહ્યા પ્રમાણેના સરનામા તરફ કાર દોડાવી.

થોડીક વારમાં જ તે દીપંકર સ્વામીના મકાન સામે પહોંચ્યો. દીપંકર સ્વામીનું મકાન નાનું પણ સુંદર હતું.

જિગર મકાનના દરવાજા તરફ આગળ વધ્યો, ત્યાં જ તેના માથા પરનો ભાર હળવો થઈ ગયો. તેણે કલ્પનાની આંખે જોયું, તો શીના તેના માથા પરથી ચાલી ગઈ હતી.

‘શીના સાથે રહેત તો સારું હતું !’ વિચારતાં જિગરે ડોરબેલ વગાડી. બીજી મિનિટે દરવાજો ખૂલ્યો અને એક ઊંચો-તગડો, ઝભ્ભો અને ધોતી પહેરેલો માણસ દેખાયો. ‘મારે દીપંકર સ્વામીને મળવું છે.’ જિગરે કહ્યું.

‘હું જ દીપંકર સ્વામી છું.’ દીપંકર સ્વામીએ પોતાના પ્રભાવશાળી અવાજમાં પૂછયું : ‘બોલ, શું હતું ? !’

‘મારું નામ જિગર છે. મારે તમારું એક ખૂબ જ અગત્યનું કામ છે.’ જિગરે કહ્યું.

‘અંદર આવ !’

જિગર મકાનમાં દાખલ થયો. ડ્રોઈંગરૂમમાં સોફા પડયા હતા.

‘બેસ !’ કહેતાં દીપંકર સ્વામી સોફા પર બેઠા.

જિગર એમની સામેના સોફા પર બેઠો.

‘બોલ !’ દીપંકર સ્વામીએ કહ્યું.

‘સ્વામીજી !’ જિગર બોલ્યો : ‘પહેલાં તમે મને એ વચન આપો કે, તમે મને ચોક્કસ મદદ કરશો !’

‘જો હું મદદ કરી શકું એમ હોઈશ તો ચોક્કસ મદદ કરીશ.’ દીપંકર સ્વામીએ કહ્યું.

જિગરે તેના માથા પર અદૃશ્ય શક્તિ શીના સવાર છે અને તે શીનાને પંડિત ભવાનીશંકરના વશમાં જતી રોકવા માટે પંડિત ભવાનીશંકરનો જાપ તોડાવીને એને મંડળમાંથી બહાર કાઢવા માગે છે, એ વાત છૂપી રાખી. તેણે દીપંકર સ્વમીને ફકત પંડિત ભવાનીશંકરનો જાપ તોડાવવાની અને એમને મંડળની બહાર લાવી દેવા માટેની વાત કરી.

‘પણ, જિગર !’ દીપંકર સ્વામીએ પૂછયું : ‘તું મને એ તો કહે કે, તું ભવાનીશંકરને શા માટે મંડળની બહાર લાવવા માગે છે ? !’

‘એ ખૂબ જ મોટી કહાણી છે, સ્વામીજી !’ જિગરે કહ્યું : ‘તમે બસ એટલું જાણી લો કે, ભવાનીશંકર મને નુકસાન પહોંચાડવા માગે છે. જો એના મંત્રનો જાપ પૂરો થઈ જશે તો હું બરબાદ થઈ જઈશ.’

‘હં...,’ કહેતાં દીપંકર સ્વામીએે છત તરફ નજર નાખી અને પછી આંખો મીંચી. તેઓ થોડીક મિનિટો સુધી એવી રીતના જ બેસી રહ્યા અને પછી આંખો ખોલીને, હોઠ પર રહસ્યભરી મુસ્કુરાહટ ફરકાવતાં બોલ્યા : ‘જિગર ! શું તું જાણે છે, પંડિત ભવાનીશંકર એ મંડળમાં બેઠો-બેઠો શાનો જાપ જપી રહ્યો છે ?’

‘હા, સ્વામીજી !’ જિગર બોલ્યો : ‘એ મારી શાંતિનો ભંગ કરવા માગે છે.’

‘જુઠ્ઠું ન બોલ ! ભવાનીશંકર શીના નામની એક ખૂબ જ શક્તિશાળી અદૃશ્ય શક્તિને વશમાં કરવા માટેના મંત્રનો જાપ કરી રહ્યો છે.’ દીપંકર સ્વામી બોલ્યો : ‘તું શા માટે એનો આ જાપ તોડવા માગે છે એની પાછળનું સાચું કારણ કહે ! કયાંક...કયાંક એ શક્તિ શીના તારી પાસે તો નથી ને ? !’

જિગરને લાગ્યું કે, જુઠ્ઠું બોલવાનો હવે કોઈ મતલબ નથી. ‘હા !’ તે સાચું બોલ્યો : ‘એ શક્તિ મારા માથા પર આવતી-જતી રહે છે !’

‘ખરેખર !’ દીપંકર સ્વામીના ચહેરા પર આશ્ચર્ય આવી ગયું : ‘મને તારી વાત પર ભરોસો બેસતો નથી. શીના એક એવી રહસ્યભરી અને મહાન શક્તિ છે, જેને વશમાં કરવા માટે માણસે ખૂબ જ પાપડ વણવા પડે છે. પંડિત ભવાનીશંકર આ અદૃશ્ય શક્તિને પામવા માટે જ ધૂણી ધખાવીને બેઠો છે. એવામાં હું કેવી રીતના માની લઉં કે, એ તારા જેવા સાવ સામાન્ય માણસના માથા પર આવતી-જતી રહે છે ? !’

જિગર કોઈ જવાબ આપવા જાય એ પહેલાં જ તેને પોતાના માથા પર પાંખોનો ફડફડાટ સંભળાયો, અને પછી તેના માથા પર જાણે પંખીની અણીદાર ચાંચ વાગી હોય એવું લાગ્યું. જિગરે કલ્પનાની આંખે જોયું તો શીના તેના માથા પર આવી ચૂકી હતી.

‘લો, આ શીના આવી ગઈ !’ જિગર એવું કહેવા ગયો, ત્યાં જ તેના માથા પર જોઈ રહેલા દીપંકર સ્વામી એકદમથી જ બોલી ઊઠયા : ‘તારી વાત સાચી છે, જિગર ! ખરેખર શીના તારા માથા પર આવે છે. તું તો..., તું તો ખૂબ જ નસીબદાર છે.’

જિગર મનોમન ખુશ થતો દીપંકર સ્વામી જોઈ રહ્યો.

‘જિગર ! હું પંડિત ભવાનીશંકરના મંત્રનો જાપ તોડાવીને એને મંડળની બહાર લાવી દઈશ.’ દીપંકર સ્વામી બોલ્યા : ‘પણ તું વાયદો કર કે, બદલામાં તું મારું એક કામ કરી આપીશ.’

‘....એ કામ શું છે, સ્વામી ? !’

‘એ તો સમય આવશે ત્યારે હું તને જણાવીશ.’

‘ઠીક છે.’ જિગરે દીપંકર સ્વામીની વાત મંજૂર રાખી.

દીપંકર સ્વામીની આંખોમાં ખુશી આવી ગઈ. ‘તું અહીં જ બેસ. હું જોઉં છું કે, ભવાનીશંકરના મંત્રનો જાપ તોડવા માટે હું શું કરી શકું એમ છું.’ કહેતાં દીપંકર સ્વામી બાજુના રૂમમાં ચાલ્યા ગયા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો.

જિગરના માથા પરનો ભાર એકદમથી જ હળવો થઈ ગયો. જિગરે કલ્પનાની આંખે જોયું તો શીના ચાલી ગઈ હતી.

જિગર જે રૂમમાં દીપંકર સ્વામી ગયા હતા, એ રૂમના બંધ દરવાજા તરફ જોઈ રહ્યો- મનોમન વિચારી રહ્યો, ‘દીપંકર સ્વામી શું પંડિત ભવાનીશંકરના મંત્રનો જાપ તોડવાનો અને એને મંડળમાંથી બહાર ખેંચી લાવવાનો કોઈ તોડ લઈને બહાર આવશે ખરા ? !’

(વધુ આવતા અંકે )