taras - 11 in Gujarati Fiction Stories by Raaz Anjan books and stories PDF | તરસ - 11

Featured Books
  • શૂન્યની બહાર - 18

    ભાગ 18 : યાદનો દરવાજોસ્ક્રીન પર છેલ્લું વાક્ય હજુ પણ દેખાઈ ર...

  • કૃપણ-લીલા

    કૃપણ-લીલા મીઠાઈ લેવા ગયેલો દીકરો ત્રણ કલાક પછી ખાલી હાથે પાછ...

  • ધીરગંભીર - ૧

    અમદાવાદ.. હા અમદાવાદના પોશ એરિયા સેટેલાઇટમાં દસ માળના ફલેટના...

  • આનંદનગર : પ્રકરણ ૫૦

    પ્રકરણ ૫૦: આનંદનગર ગ્રાઉન્ડમાં ક્રિકેટ ફિવરદૈનિક ચબરાકિયાં:"...

  • અધૂરા શ્વાસ - ભાગ 3

    અધૂરા શ્વાસ - ભાગ 3 ઘરની દીવાલો વચ્ચે એક અદ્રશ્ય તણાવ ખેંચાઈ...

Categories
Share

તરસ - 11

 
અત્યારે રાત્રિના પોણા એક વાગ્યે ભરતપુર ગામની બહાર આવેલી નાનકડી પોલીસ ચોકીમાં ઇન્સ્પેક્ટર જયવીર સિગારેટ ફૂંકતો બેઠો હતો. જ્યારે કોન્સ્ટેબલ પવાર ચોકીના દરવાજાની બહાર નાનકડા લાકડાના સ્ટૂલ પર તમાકુ મસળતો બેઠો હતો.

પોલીસ ચોકીની નાનકડી ઓરડીની બહાર એક નાનકડો બલ્બ સળગી રહ્યો હતો, જેનું આછું આછું અજવાળું આસપાસ ફેલાયેલું હતું અને ત્યારબાદ આસપાસના મોટાભાગના વિસ્તારમાં ગાઢ અંધકાર છવાયેલો હતો.

આજ સવારથી જ ઝરમર ઝરમર વરસતા વરસાદે બપોર પછી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે ભરતપુર ગામમાં વહેલી સાંજથી જ લોકો પોતપોતાના ઘરોમાં ભરાઈ ગયા હતા.

અત્યારે જયવીરના મગજમાં રહીને એક જ વાત વારંવાર અથડાતી હતી.

“શું સમીરના કહેવા પ્રમાણે શર્લી અને ચાર્લીના મોત પાછળ ખરેખર કોઈ આત્માનો હાથ હશે..? કે પછી સમીરના યુનિટના કોઈ વ્યક્તિએ જ શર્લી અને ચાર્લીનો કાંટો કાઢી નાખ્યો હશે...?”

“ના, ના..! ભૂત-પ્રેત અને આત્માઓમાં નહીં માનતા જયવીરના મગજના વિચારોમાં પલટો આવ્યો.”

“જરુર સમીરે પોતે જ ચાર્લી અને શર્લીનો કાંટો કાઢી નાખ્યો હશે અથવા તો પોતાના યુનિટના કોઈ વ્યક્તિ પાસે આ કામ કરાવ્યું હશે અને તેને બચાવવા માટે સમીર આમ ભૂત-પ્રેતનું ગપગોળું ચલાવતો હોય..! જે હોય તે..!”

વળી જયવીરના વિચારો બદલાયા.

“સમીર જેવી સોનાનાં ઈંડાં આપતી મરઘી શું કરે છે એનાથી આપણે શું લેવા-દેવા..? આપણે તો આપણું ખિસ્સું ગરમ થતું રહે ત્યાં સુધી આ કેસમાં આંખ આડા કાન કરવામાં જ મજા છે..! અને વળી...”

આગળના વિચાર આવતા જ તેના શરીરમાં રોમાંચની એક લહેરખી દોડી ગઈ.

 

જયવીરનો આ વિચાર પૂરો થયો ત્યારે જ બહાર ધોધમાર વરસી રહેલા વરસાદે વધુ જોર પકડ્યું.

“પવાર..!”

આગળનો વિચાર પડતો મૂકીને જયવીરે થોડો આરામ કરવાના ઇરાદે ખુરશીમાંથી ઊભા થઈ કોન્સ્ટેબલને બૂમ પાડી.

“જી, સાહેબ..!”

કહેતા બહાર બેઠેલા કોન્સ્ટેબલ પવાર અંદર આવતા પૂછ્યું.

“હું થોડો આરામ કરું છું, પવાર..!”

નજીકમાં જ પડેલા નાનકડા સોફા પર લંબાવતા જયવીર બોલ્યો.

“ત્યાં સુધી તું ધ્યાન રાખજે..!”

“હા, સાહેબ..! તમે બેફિકર આરામ કરો. હું જાગતો જ બેઠો છું!”

કહેતાં કોન્સ્ટેબલ પવાર ફરી પાછો બહાર જઈને બેઠો.

પોલીસ ચોકીની બહાર બનાવેલા ગેલ્વેનાઈઝ્ડ પતરાના શેડ નીચે ચોકીના દરવાજાની લગોલગ સ્ટૂલ પર બેઠેલા કોન્સ્ટેબલ પવારે એકલતા દૂર કરવા માટે બીડી સળગાવી અને લાંબા લાંબા કસ ખેંચતા આસપાસ નજર દોડાવી.

પુરજોશમાં ખાબકી રહેલા વરસાદની સાથે ક્યારેક ક્યારેક સાપની જીભની જેમ આકાશમાં ઝબકતી વીજળી વરસતા વરસાદમાં આસપાસના અંધકારમાં પળભર માટે દૂધિયો પ્રકાશ પાથરી જતી હતી.

મુશળધાર વરસાદને કારણે અત્યારે પોલીસ ચોકીની આસપાસ પાણી ભરાવા લાગ્યું હતું.

અને અચાનક જ કાન ફાડી નાખે તેવો વીજળીનો કડાકો થયો અને એ સાથે જ ડર અને ગભરાટને કારણે પવાર પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો.

તેને લાગ્યું કે વીજળીના જોરદાર કડાકાને લીધે જાણે પોલીસ ચોકીની દિવાલો ધ્રુજી ઊઠી હતી.

“નક્કી નજીકમાં જ ક્યાંક વીજળી પડી હશે..!”

બબડતા પવારે બળીને ખતમ થઈ ગયેલી બીડીને ફેંકી દઈ નવી બીડી સળગાવીને મોઢામાં ભરાવી.

અને ત્યાં જ ફરી આકાશમાં વીજળીનો લિસોટો થયો અને દૂર દૂર સુધી ઘડીભર માટે અજવાળું છવાયું.

એ અજવાળામાં નજર પડતાં જ પવાર ચોંક્યો.

તેણે જોયું તો કોઈ સફેદ સાડી પહેરેલી યુવતી ધીમા પગલે પોતાની તરફ આવી રહી હતી.

પરંતુ વીજળીના ચમકારાના અજવાળામાં તે પેલી યુવતીની માત્ર ઝલક જ જોઈ શક્યો હતો.

તેણે ઝડપથી પોતાની પાસે રહેલી ટોર્ચ સળગાવીને તેનો પ્રકાશ દૂર રસ્તા પર ફેંક્યો તો પેલી યુવતી વરસાદમાં લથબથ ભીંજાઈને આ તરફ જ આવી રહી હતી.

કોણ હશે આ યુવતી..? અને આટલી રાત્રે અહીં શું કામ આવતી હશે..?

કોન્સ્ટેબલ પવારના મનમાં એક સાથે અનેક સવાલો ઊઠ્યા.

પણ પવારના મનમાં ચાલી રહેલા સવાલોનો જવાબ તેને મળે એ પહેલાં તો એ યુવતી તેની લગોલગ આવીને ઊભી રહી ગઈ.

પવારે જોયું તો વરસાદમાં ભીંજાઈ જવાને કારણે એ યુવતી કાંપી રહી હતી.

“મારે ઇન્સ્પેક્ટર જયવીરને મળવું છે..!”

પવાર કંઈ પૂછે એ પહેલાં જ એ યુવતી બોલી ઊઠી.

“પણ અત્યારે..? આટલી મોડી રાત્રે..?”

પવારે આશ્ચર્યભરી નજરે એ યુવતી તરફ જોતા પૂછ્યું.

એ જ સમયે હમણાં જ માંડ માંડ ઊંઘમાં પોઢેલા જયવીરના કાને પવાર અને પેલી યુવતીનો સંવાદ પડ્યો.

“આ પવાર અત્યારે કોની સાથે વાતો કરે છે..?”

મનમાં જ વાત કરતા જયવીર ઊભો થયો અને બહાર આવ્યો.

તેણે જોયું તો બહાર ચાલીસેક વર્ષની  યુવતી ઊભી હતી. વરસાદમાં ભીંજાઈ જવાને કારણે તેની સફેદ સાડી સંપૂર્ણપણે ભીંજાઈ ગઈ હતી અને તે ઠંડીથી ધ્રૂજી રહી હતી.

“શું થયું, પવાર..?”

જયવીરે પવાર સામે જોતા પૂછ્યું.

“સાહેબ..! ખબર નહીં આ બેન કોણ છે..? પણ અત્યારે અડધી રાત્રે તમને મળવા માંગે છે..!”

“હમ્મ... એમને અંદર મોકલ..!”

જયવીરે યુવતી તરફ એક તરસી નજરે જોતા પવારને કહ્યું.

પેલી યુવતી અંદર આવી અને સોફા પર બેઠી.

અંદર પોલીસ ચોકીની નાનકડી ઓરડીમાં જયવીર અને એ યુવતી વચ્ચે ધીમા અવાજે વાતચીત શરૂ થઈ.

“કામ્યા, તું તો કાલે આવવાની હતી ને..?”

જયવીરે આશ્ચર્યથી યુવતી તરફ જોતા પૂછ્યું.

“હા..! પણ  કામજ એટલું જરૂરી હતું કે મારે અત્યારે ને અત્યારેજ આવવું પડ્યું.

કામ્યાએ ધીમા અવાજે જવાબ આપ્યો.

ત્યારબાદ ઓરડીની અંદર શું વાતચીત થઈ અને શું બન્યું તેની કોઈને જાણ થઈ નહીં.

સમય પસાર થતો ગયો.

બહાર વરસાદનો અવાજ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો.

લગભગ અડધા કલાકની વાતચીત પછી કામ્યાનો જમણો હાથ ધીમેથી સોફાની નીચેની તરફ ગયો.

બીજી જ પળે એક ધારદાર લગભગ પોણો ફૂટ લાંબું ખંજર તેના હાથમાં ચમકી રહ્યું હતું.

“જયવીર..! 

કામ્યાએ ઊભા થતાં કહ્યું.

પણ આ અચાનક જ કામ્યાના અવાજની બદલે કોઈ અન્ય સ્ત્રીનો અવાજ કાને પડ્યો એટલે જયવીર ચોંક્યો.

કામ્યાનો અવાજ બદલાવાની સાથે તેનો ચહેરો પર બદલાઈ કોઈ ખોફનાક ચુડેલ જેવો થઈ ગયો 

તે સફાળો ઊભો થવા ગયો, પણ તેને લાગ્યું જાણે કોઈએ તેને બાંધી દીધો હોય.

અચાનકજ પોલીસ ચોકીનો દરવાજો આપમેળે બંધ થઈ ગયો.

તેણે બચવા માટે પવારને બૂમ પાડવા મોઢું ખોલ્યું, પણ તેની નવાઈ વચ્ચે તેનો અવાજ ગળામાં જ ઘૂંટાઈને રહી ગયો.

તેણે હતું એટલું જોર વાપરી બૂમ પાડવા માટે કોશિશ કરી, પણ તેની જીભ જાણે લકવાગ્રસ્ત થઈ ગઈ હોય તેમ સુન્ન થઈ ગઈ હતી.

પળભરમાં શું થઈ ગયું તે જયવીર સમજી શક્યો નહીં.

જયવીરની આવી હાલત જોઈ પેલી યુવતી ઝેરીલું હાસ્ય હસી અને બીજી જ પળે તેનો ખંજરવાળો હાથ હવામાં ઊંચકાયો.

જયવીરને હવે પોતાનું મોત હાથવેંતમાં દેખાવા લાગ્યું.

લાચારી અને બેબસીના કારણે અને મોતના ડરે તેની આંખોમાં આંસુ આવી ગયા.

પરંતુ પેલી યુવતીના મનમાં દયા જાગી નહીં.

તેણે પૂરા જોર અને જોશ સાથે જયવીરની છાતીના ડાબા ભાગે ખંજર હુલાવી દીધું.

“ખચ્..! ખચ્..!”

જયવીરની છાતીમાંથી લોહીનો ફુવારો છૂટ્યો.

દર્દ અને પીડાના કારણે તે તરફડવા લાગ્યો.

થોડી મિનિટો સુધી તે અસહ્ય પીડામાં તરફડતો રહ્યો.

અને અંતે...

તેનું શરીર શાંત થઈ ગયું.

ઇન્સ્પેક્ટર જયવીરનું મૃત્યુ થઈ ગયું હતું.

પેલી યુવતીની આંખોમાં જાણે વરસોની તરસ બુઝાઈ ગઈ હોય એવો અદમ્ય આનંદ દેખાઈ રહ્યો હતો.

તે ધીમે ધીમે પોલીસ ચોકીના દરવાજા તરફ આગળ વધી.

તેણે હળવેકથી દરવાજાની કળી ખોલી અને બહાર આવી.

બહાર વરસાદ હવે સાવ શાંત થઈ ગયો હતો.

તેણે દરવાજા પાસે બેસી ઊંઘમાં પોઢેલા કોન્સ્ટેબલ પવાર તરફ એક નજર નાખી.

પવારને કંઈ જ ખબર નહોતી.

તેને આમ જ ઊંઘતો રહેવા દઈ એ યુવતી અંધારી રાત્રિમાં આગળ વધી ગઈ.

થોડી જ ક્ષણોમાં તેનું સફેદ સાડીધારી શરીર ગાઢ અંધકારમાં ગાયબ થઈ ગયું.

પોલીસ ચોકીની અંદર ઇન્સ્પેક્ટર જયવીરની લોહીલુહાણ લાશ નિષ્પ્રાણ પડી હતી...

અને બહાર, જાણે કશું બન્યું જ ન હોય તેમ, રાત્રિ ફરી શાંત થઈ ગઈ.