Angat Diary - Pagathiyu in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - પગથિયું

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

અંગત ડાયરી - પગથિયું

અંગત ડાયરી
============
શીર્ષક : પગથિયું
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ: ૧૯, જુલાઈ ૨૦૨૦, રવિવાર

પગથિયું એટલે વર્ટીકલ ડિસ્ટન્સને નાના-નાના ટુકડાઓમાં વિભાજીત કરતું બાંધકામ. ડિસ્ટન્સ બે પ્રકારના હોય, હોરીઝોન્ટલ અને વર્ટીકલ. ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર વચ્ચેનું ડિસ્ટન્સ, વર્ટીકલ ડિસ્ટન્સ કહેવાય. જો લિફ્ટ ન હોય તો આપણે દાદરા કે સીડીની મદદથી ઉપરના માળે કે અગાશીએ જઈ શકીએ. ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શન કરવા સાતસો કે હજાર પગથિયાં ચઢવા પડે તો ગિરનાર જેવા પર્વતોની ટોચ પર પહોંચવા માટે દસેક હજાર જેટલા પગથિયાં ચઢવા પડે. જો આ પગથિયાં ન હોત તો ગિરનાર ચઢવાનું સાહસ મિશન ઈમ્પોસીબલ જેવું દુ:સાહસ બની જાત.

પગથિયું એટલે તળેટી છોડી દીધી હોય અને ટોચ પર પહોંચ્યા ન હો એવું તમારું લોકેશન. જે લોકો તળેટી છોડવાની હિમ્મત કરે એ જ લોકો ટોચ પર પહોંચી શકે, બાકીના લોકોએ ટોચને ખાલી સ્વપ્નોમાં જોઈને મન મનાવી લેવાનું. બીજી ઈમ્પોર્ટન્ટ વાત એ છે કે ઘણા લોકો પગથિયાના પ્રેમમાં પડી જતા હોય છે. ટોચ પર પહોંચવા માટે તમારે પગથિયાનો પણ ત્યાગ કરવો જરૂરી છે. જો ગિરનારના ટોચના છેલ્લા પગથિયે બેસી રહો તો તમે ટોચ પર ન પહોંચી શકો. ઈશ્વર પ્રાપ્તિ કંઈ સહેલી છે?

ટોચનો ફંડા પણ સમજવા જેવો છે. તળેટીથી શરૂ કરો ત્યારે હસતા - કૂદતા જતા હો, પણ જેમ જેમ ટોચ નજીક આવતી જાય તેમ તેમ થાક વધુ લાગે, શ્વાસ લેવામાં તકલીફ પડે. જીવનમાં પણ એવું જ બને છે ને! શરૂઆતના બાળપણના વર્ષો કેવા સડસડાટ પસાર થઇ જાય, યુવાની પણ ધસમસતી જતી રહે અને પછી થાક લાગવાનો શરૂ થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે. કોઈ પણ પ્રગતિ (કે ઊંચાઈ સર કરવી) આસાન નથી હોતી. તમે લિફ્ટનો કે રોપ-વેનો તર્ક આપતા હો તો સંઘર્ષ બાદ સાંપડતી સફળતાની જે મજા છે એનું આખેઆખું ચેપ્ટર તમે ચૂકી ગયા છો. એક મિત્રે મસ્ત કહ્યું, "લીફ્ટ અને રોપ-વે તો વૃધ્ધો અને બિમારો માટે હોય છે. હવે તો ડોક્ટર્સ પણ સલાહ આપે છે કે જો તંદુરસ્ત રહેવું હોય તો પગથિયા ઇસ ધી બેસ્ટ."

ટોચ અંગે ફંડા નંબર બે: તળેટીના ક્ષેત્રફળ કરતા ટોચનું ક્ષેત્રફળ બહુ ઓછું હોય. તળેટીએ હજારો માણસો ભેગાં થઈ શકે એવડો વિસ્તાર હોય તો પર્વતની ટોચ પર સો-બસો કે પાંચસો માણસોની જ જગ્યા હોય. બેંકમાં ક્લાર્ક ભલે દસ હોય પણ મેનેજર એક જ હોય, સ્કૂલમાં શિક્ષકો ભલે પચ્ચીસ-પચાસ કે સો હોય પણ પ્રિન્સીપાલ એક જ હોય, ઓલિમ્પિકની કોઈ રમતમાં ખેલાડીઓ ભલે અસંખ્ય હોય પણ ગોલ્ડ મેડલ એકને જ મળે, દેશમાં સાંસદો, મંત્રીઓ ભલે બસો, પાંચસો હોય પણ વડાપ્રધાન એક જ હોય. ટોચ પર પહોંચવું સહેલું નથી.

ટોચ પર પહોંચવા માટે પગથિયા બહુ ઈમ્પોર્ટન્ટ છે. બાળપણમાં મંદિરે જતા ત્યારે એક પ્રશ્ન બહુ સતાવતો. ભગવાન તો છેક મંદિરની અંદર ગર્ભગૃહમાં બિરાજમાન હોય અને વડીલો મંદિરની બહારના પગથિયાને પગે લાગવાનું કેમ કહેતા હશે? એક સંતે સમજાવ્યું: "પગથિયાં છે તો આપણે ભગવાન સુધી પહોંચી શકીએ છીએ. એ પગથિયાનો આપણા ઉપરનો બહુ મોટો ઉપકાર કહેવાય – એટલે કૃતજ્ઞતાપૂર્વક પગથિયાને આપણે પગે લાગવું જોઈએ."

માનવ તરીકેના આપણા વિકાસની યાત્રામાં આપણે, હું કે તમે, જે ટોચ પર પહોંચ્યા છીએ, એનું કારણ પરિવારજનો, મિત્રો, પરિચિતો, સ્નેહીજનો રૂપી અનેક પગથિયાઓ છે. કોઈએ કયો કોર્સ કરવો એની આંગળી ચીંધી, તો કોઈએ નોકરી માટેની ખાલી જગ્યા બતાવી, કોઈએ સુયોગ્ય પાત્ર બતાવ્યું તો કોઈએ સુંદર મકાન, કોઈએ દવાઓ આપી આપણને સાજા કર્યા તો કોઈએ બાગબગીચાઓ બંધાવી તાજગી આપી, કોઈએ જીવ આપી આપણને આઝાદી આપી તો કોઈ સંતે પોતાના વાણી, વર્તન અને વિચારોથી આપણને પરમાત્માની દિશા ચીંધી. કેટકેટલા માનવ-પગથિયા આપણે ચઢ્યા છીએ. જો આપણા જીવનમાંથી આવા માનવ-પગથિયાઓની બાદબાકી કરો તો મને લાગે છે કે જે વધે એ કેવળ શૂન્ય જ હોય, અ બીગ ઝીરો.

જો આવા સજ્જન-પગથિયાઓ પ્રત્યે કૃતજ્ઞતાપૂર્વક નમવું હોય તો કેવળ એક જ માર્ગ છે, આપણે પણ ઉન્નત જીવનની દિશામાં આગળ વધવા મથી રહેલાં નવા-આગંતુકો માટે એક પગથિયું બની જઈએ.

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)