"આવ જીયા જોઈ લે તારો રૂમ. આ તારો બેડ છે. અને આ.... " હાકુબેન જીયાને રૂમ બતાવતા બોલ્યા.
"હાય, હું છું સોનિયા અને તું?? " રૂમમાં રહેલ છોકરીએ જીયાને પોતાનો પરિચય આપતાં કહ્યું.
'હાય... હું જીયા. "
જીયાની સુંદરતા આંખે ઉડીને વળગે એવી હતી. ગોરો દૂઘ જેવો વાન, લાંબો તેલવાળો ચોટલો, ચહેરા પર કુદરતી સૌંદર્ય. કંઈજ કર્યું નાં હોવા છતાં તે મનમોહક લાગી રહી હતી.
"સારુ છોકરીઓ તમે વાતું કરો. હું જાઉં સુ. સોની આને બધું હમજાઇ દેજે હો ને. " આટલું કહીને હાકુબેન રૂમની બહાર નીકળી ગયા.
"તો તું અહીંયા ક્યાંથી આવી?? " સોનિયાએ પોતાના અવાજમાં રુક્ષતા દાખવતા પૂછ્યું.
"હું ભાવનગરથી આઈવી છું. અહીંની એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન મળ્યું છે.
હું ભણવામાં ખૂબ હોંશિયાર છું." જીયાએ ખુશ થતા કહ્યું.
"એ તો તારા લહેકા પરથી જ હું સમજી ગઈ કે તું કાઠિયાવાડી છું. તો મિસ ભાવનગરી આ મારો રૂમ છે અને એમાં કોઈ પણ વસ્તુ આઘી પાછી થાય એ મને જરાય પસંદ નથી, બરાબર!!"
જીયાએ હકારમાં ડોકું હલાવ્યું.
**********************
સોનિયાને જોબ હોવાથી તે વહેલી જ નીકળી ગઈ હતી.
જીયાએ ઉઠીને આ વાત નોંધી. તે પોતાના બેડ પરથી ઉભી થઇ અને સાચવીને ધીમા ડગ માંડતી સોનિયાના બેડની બાજુમાં રહેલ ડ્રેસિંગ ટેબલ પર પોતાનો સુંદર ચહેરો જોવા લાગી. તેની આંખોમાં એક અજીબ રમત દેખાઈ રહી હતી.
જીયાએ ટેબલ પરથી લાલ લિપસ્ટિક હાથમાં લીધી અને તેને પોતાના ગુલાબી હોઠો ઉપર ફેરવવા લાગી. પાઉટ જેવું મોઢું કરીને જીયા જોરજોરથી ખી ખી ખી કરતી હસવા લાગી.
"હું દુનિયાની સૌથી સુંદર છોકરી છું. " આટલું કહીને તે ફરી અટ્ટહાસ્ય કરવા લાગી.
ત્યારબાદ તે બાથરૂમમાં નાહવા માટે જતી રહી.
કોલેજમાં સૌ કોઈની નજર જીયા ઉપર આકર્ષાઈ હતી. દરેકના મોંઢામાંથી આ રૂપસુંદરીને જોઈને લાળ ટપકી રહી હતી. આકાશ નામે એક છોકરાની નજર એની ઉપર પડી. તે જીયા તરફ ડગ માંડવા લાગ્યો.
"હાય, આઈ એમ આકાશ એન્ડ યુ?? "
"હું જીયા... હું દુનિયાની સૌથી પ્રેમાળ વ્યક્તિ છું. " જીયાએ શરમાતા જવાબ આપ્યો.
"હું પણ!!" આકાશ પણ ખુશ થતા બોલી ઉઠ્યો.
"એક કપ કોફી?? " આકાશે અચકાતા પૂછ્યું.
"સ્યોર. "
જીયાની હામી મળતા બંને કોલેજના કેફેમાં ભેગા થયાં. કોર્નર પાસેના ટેબલ પર બંને ગોઠવાઈ ગયા. ઓર્ડર આપીને સમય પસાર કરવા આકાશ વાત કરવા જતો જ હતો ત્યાં જ તેના કાને પાસે રહેલ ટીવીમાં ન્યુઝ આપી રહેલ એન્કરનાં શબ્દો પછડાયા.
"રાજકોટથી અમદાવાદ આવતા એક કારનાં ડ્રાઈવરનું હાઇવે પર કરુણ મોત."
"પોલીસનું કહેવું છે કે આ ઘટના પાછળ કોઈનો હાથ છે, મતલબ કે આ કોઈ અકસ્માત નથી પણ કોઈએ તેની હત્યા કરી છે. "
"ક્યાં ખોવાઈ ગયો?? " જીયાએ આકાશ સામું ચપટી વગાડતા પૂછ્યું.
"સોરી...મારું ધ્યાન ન્યુઝમાં હતું. ચલ છોડ તું કહે તને શું ગમે છે?? "
"હું દુનિયાની સૌથી હોંશિયાર છોકરી છું."
"અચ્છા...તો આઈક્યૂ લેવલ કેટલો છે તારે?? "
"તું વિચારી પણ ના શકે એટલો." કહીને જીયા જોરજોરથી હસવા લાગી.
"એક વાત કહું જીયા, તું દુનિયાની સૌથી સુંદર છોકરી છું. તને જોઈને કોઈપણ તારા પ્રેમમાં પડી જાય. "
"હા, મારા પપ્પા પણ એમ કહે છે કે હું દુનિયાની સૌથી સુંદર છોકરી છું, સાચું કહે છે ને??"
"હા સાચું જ કહે છે. બાયધવે તું કયા ડિપાર્ટમેન્ટમાં છું?? "
"હું ઇસીમાં છું. "
"હું પણ ઇસીમાં છું. "
"સોરી હું ઇલેક્ટ્રિકલમાં છું." જીયા આટલું કહીને ઉભી થઈને ચાલવા લાગી.
આકાશે બે ત્રણ બુમ મારી પણ જીયા ત્યાંથી નીકળી ચૂકી હતી. તેને એમ લાગ્યું કદાચ લેક્ચરમાં લેટ થયું હશે એટલે જીયા જતી રહી હશે.
*****************
જીયા પોતાના રૂમ પર આવી. તેણે જોયું તો સોનિયા બાલ્કની પાસે ઉભી ઉભી સિગરેટ પી રહી હતી. જીયાને આવતા જોઈને સોનિયા બારીની બહાર કાઢવાની જગ્યાએ ધુમાડાનાં ગોટા અંદર કાઢવા લાગી.
સોનિયાએ જીયા સામું જોઈને જીયા તરફ ધુમાડો કાઢતા એને સિગરેટ ઓફર કરી.
જીયાએ પણ સોનિયા પાસે આવી અને તેના હાથમાં રહેલ સિગરેટને મોંઢામાં નાખીને કશ ખેંચતી ધુમાડાના ગોટા સોનિયાના ચહેરા પર ઉડાડ્યા.
"અરે વાહ, તું તો બહુ સરસ સ્મોકિંગ કરે છે!! તને જોઈને લાગતું નહોતું-"
"એમ કે આ ગવારને શું આવડતું હશે પણ હું દુનિયાની એકમાત્ર એવી છોકરી છું જે દરેક વસ્તુમાં શ્રેષ્ઠ છે. "
"અચ્છા તો એક એવી વાત કહી દે જે તે કરી હોય પણ મેં ના કરી હોય."
"ડ્રિન્ક?? "
"એતો કર્યુંજ હોયને બાઘી. " કહીને સોનિયા જોરજોરથી હસવા લાગી.
"ક્લાસબંક?? "
"અબે પાગલ તું સ્કૂલમાં હોય એવા સિલી સવાલ શું કરે છે!!
રહેવા દે તું જા તારું કામ કર. "
જીયાની આંખોમાં ક્રોધજવાળા ભભૂકી રહી હતી પણ અચાનક પોતાના ચહેરા પર ઠંડક પ્રસરાવતા તેણે સોનિયા સામું કાતિલ મુસ્કાન વેરતા જોયું.
"મર્ડર??
કસાઈની જેમ કાપવું!!
કોઈને તડપતા જોઈને ખુશી અનુભવવી!!"
"બસ બસ આ શું બોલી રહી છું?? " સોનિયાના ચહેરા પર ડરની લકીરો ખેંચાઈ આવી.
"શું થયું?? જવાબ આપને મેં પૂછ્યું તને કંઈક!!"
"તું સાચેમાં પાગલ જ છું. જા અહીંથી. " આટલું કહીને સોનિયા ત્યાંથી નીકળીને રૂમ બહાર જતી રહે છે.
જીયા હાથમાં રહેલ સિગરેટના કશ ખેંચીને બારી બહાર નજર કરતી જોરજોરથી અટ્ટહાસ્ય કરવા લાગે છે.
બીજા દિવસે સોનિયાની લાશ હોસ્ટેલનાં ધાબા ઉપરથી મળે છે. જીયાની પણ પૂછપરછ કરવામાં આવે છે પણ પોલીસને એવું કાંઈ પણ હાથ નથી લાગતું જેનાથી સોનિયાના કાતિલ વિશે ખબર પડે.
જીયા રોજની જેમ કોલેજ જાય છે. જીયાને આવતા જોઈને આકાશ તેની પાસે જાય છે.
"હેય કેમ આજે લેટ થઇ?? હું ક્યારનો તારી રાહ જોઈને બેઠો હતો. "
"મેં તને નોહતું કીધું કે રાહ જોજે મારી. " આટલું કહીને જીયા ચાલવા લાગી.
આકાશ પણ તેની પાછળ પાછળ જવા લાગ્યો.
"ઓયય જીયા ઉભી તો રહે. વાત તો કર. "
"મારો મૂડ નથી સારો પ્લીઝ મને એકલી છોડી દે."
"શું થયું પણ?? વાત કરીશ તો કંઈક રસ્તો નીકળશે. એકલી મૂંઝાયમાં. "
"કેન્ટીનમાં બેસીએ. "
જીયા અને આકાશ તેમના કાલવાળા જ ટેબલ પર ગોઠવાયા.
"બોલ હવે શું થયું??"
"ન્યુઝ જો. " જીયાએ ટીવી તરફ ઈશારો કર્યો.
"આજે સવારે ગર્લ્સ હોસ્ટેલમાં તરુણીની લાશ બહુ ભયાનક હાલતમાં મળી આવી.
પોલીસને હજુ સુધી કોઈ એવી જાણકારી નથી મળી કે જેનાથી કાતિલ વિશે જાણ થાય. ડોક્ટરનું કહેવું છે કે કાતિલે કોઈ ધારદાર હથિયાર વડે પ્રહાર કર્યો હોઈ શકે. "
"આતો તારી હોસ્ટેલ છે ને?? " આકાશે જીયા સામું નજર કરતા પૂછ્યું.
જીયાએ જવાબમાં માત્ર ડોકું હલાવ્યું.
"ઓહહ તો એમાં તારો મૂડ ખરાબ છે?? "
"એ મારી રૂમ પાર્ટનર હતી. પહેલો શક પોલીસને મારી ઉપર જ જાય એટલે મૂડ ઑફ છે."
"તું ચિંતા ના કરીશ. હું બેઠો છું ને. "
"વાત એમ નથી આકાશ. "
"તો?? "
"રાતે જયારે સોનિયાનું મર્ડર થયું ત્યારે હું ત્યાં હતી. "
"ઓએમજી આ શું બોલે છે?? કાંઈ તે તો -"
"ના ના મેં નથી મારી. રાતે મને અવાજ આવ્યો એટલે હું ઉપર ગઈ હતી. મેં જોયું તો સોનિયાને મારીને એ વ્યક્તિ ત્યાંથી ભાગી ગઈ હતી. હું ખૂબજ ડરી ગઈ હતી અને કોઈ પણ જોવે તો મારું નામ આવી જાય એટલે હું પાછી મારા રૂમમાં આવીને સુઈ ગઈ. "
"અરે રે!! હવે શું કરશું?? જે થઇ ગયું એ ભૂલી જા."
"બહુ ડર લાગે છે મને!! તને ખબર છે હું દુનિયાની સૌથી ડરપોક છોકરી છું. ખબર નથી પડતી કે શું કરું!!"
"તું દુનિયાની સૌથી બ્રેવ ગર્લ છું. ઓક્કે હવે બહુ ટેન્શન ના લઈશ. હું તારી સાથે છું."
જીયા પણ થોડી હળવી થઈને ત્યાંથી નીકળે છે.
સાંજે પોલીસ ઇન્સ્પેક્ટર રાણા હોસ્ટેલ પર આવીને જીયાની ધરપકડ કરે છે. જીયા અચાનક આવેલી આ આફતથી ખૂબજ ડરી જાય છે. તેને કસ્ટડીમાં રાખીને સવાલજવાબ કરાય છે પણ તે કોઈજ જવાબ નથી આપી શકતી. તે ખૂબજ ગભરાઈ જાય છે. તેનું વર્તન અજીબ થવા લાગે છે. તે પોલીસ પાસે પોતાની દવા માંગે છે પણ પોલીસ કડક વલણ અપનાવતા તેને આપવાની ના કહી દે છે.
"પાગલ છોકરી તારા નાટકો બંધ કર અને સાચું બોલ."
જીયાની આંખોમાં ક્રોધજવાળા ભભૂકે છે. થોડીવાર બાદ દવા ના મળતા જીયાને પાગલપનનો દોહરો આવે છે. તે ઉભી થઈને બધા પોલીસ સ્ટાફને મારવા લાગે છે. લેડી કોન્સ્ટેબલ તેના માથામાં દંડો મારીને તેને બેભાન કરી દે છે.
જીયાની આંખો બે દિવસ બાદ ખુલે છે ત્યારે તે જેલની અસાયલમમાં હોય છે. તે ઉભી થઈને આસપાસ નજર કરે છે તો તેની આસપાસ મહિલાઓ નાચતી કૂદતી ગાંડા કાઢી રહી હોય છે.
જીયાને ઉભી થયેલી જોઈને લેડી જેલર તેને ડોક્ટરની કેબિનમાં બેસાડે છે.
"આવ જીયા. બેસ " ડોક્ટર જીયાને બેસવાનો આગ્રહ કરતા ઈશારો કરે છે.
"કોણ છો તમે??"
"હું ડોક્ટર પરેશ રાવલ છું. મનોવિજ્ઞાનનો ડોક્ટર. તારી સારવાર માટે તને અહીંયા મોકલવામાં આવી છે. "
"મને બહુ ભૂખ લાગી છે. " જીયા આંખમાં આંસુ લાવતા બોલી.
ડોક્ટર ત્યાં ઉભેલ મહિલાને ઈશારો કરે છે. તે મહિલા પ્લેટમાં જમવાનું લાવીને પ્લેટને ડોક્ટરનાં હાથમાં આપે છે.
જીયા દયાભર્યા ચહેરે ડોક્ટર સામું જોવે છે.
"જો જીયા તું એકવાર તારો ગુનો કબૂલી લે. ત્યારબાદ તારી સારવાર કરીને હું તને એકદમ સાજી કરી દઈશ."
"મેં કોઈ ગુનો કર્યો જ નથી તો શું કબૂલું!!" જીયા રડમસ ચહેરે બોલી.
"જો જીયા પરમદિવસે તારી કોર્ટમાં સુનાવણી છે. એ પહેલા પોલીસ સ્ટાફ તારા રિમાન્ડ પેપર લઈને બેઠું છે એટલે તારી જોડે મારી મારીને પણ કબૂલાવશે એની કરતા તું જાતે કબૂલી લે. એમ પણ તારી માનસિક હાલતને જોઈને તને અસાયલમમાં જ મોકલશે એટલે અહીંયા તું સાજી થઈને જલ્દી બહાર જઈ શકીશ. " ડોકટરે જીયાને સમજાવતા કહ્યું.
"પહેલા ખાઉ પછી મને બહુ ભૂખ લાગી છે." કહીને જીયા પ્લેટ તરફ હાથ લંબાવતા બોલી.
ડોકટરે પ્લેટ પાછી ખેંચી લીધી.
"પહેલા કબૂલાત!!"
જીયા ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગી. તે અકળાઈને બોલી ઉઠી કે, "હા, મેં જ મારી છે સોનિયાને બસ મારી નાખો મને પણ."
"ગુડ જીયા. જલ્દી મળીશું. " આટલું કહીને ડોક્ટર પોતાની સીટથી ઉભા થયાં અને જીયાને જમવાની પ્લેટ પાછી આપતાં ત્યાંથી નીકળી ગયા.
જીયા વર્ષોની ભૂખી હોય એમ ભૂખ્યા વરુની માફક પ્લેટ પર તૂટી પડી. આખી પ્લેટ સાફ કર્યા બાદ હજુ પણ જીયાને ભૂખ લાગી હતી. તે બહાર નીકળીને ભોજન શોધવા નીકળી. ત્યાં જ તેની નજરે એક દ્રશ્ય આવ્યું. જેને જોઈને તેના પગની નીચેથી જમીન સરકી ગઈ હોય એમ એવા ભાવ જિયાના ચહેરા પર છલકાઈ રહ્યા હતા.
બીજે દિવસે તે ડોક્ટરની કેબિનમાં પ્રવેશે છે.
"હેલો જીયા. આવ બેસ. "
જીયા ખુરશી ઉપર ગોઠવાય છે.
"બોલ હવે શું કહેવું છે તારે?? "
"નાટકો બંધ કર તારા અને તારી નોટંકી કહેવા લાગ ચાલ. "
"આ શું બોલી રહી છું??"
ડોક્ટર રૂમમાં રહેલ મહિલાને બહાર જવાનો ઈશારો કરે છે.
હવે રૂમમાં માત્ર જીયા અને ડોક્ટર રાવલ જ હોય છે.
"તો કેવું લાગ્યું પોતાની છોકરીને મારીને?? " જીયા ડોક્ટર સામું સવાલ કરતા બોલી.
"ઓહહ તને એ પણ ખબર પડી એમ. "
"હા અને એ પણ કે આકાશ રાવલ તારો છોકરો છે. હવે બોલ મને આમાં કેમ ફસાવી?? "
ડોક્ટર ઉભા થઈને જિયાના હાથ ચેર પર રહેલ લોકથી બંધ કરી દે છે.
"વાહ એકજ દિવસમાં આટલી બધી ગુથ્થીઓ ઉકલી નાખી. મને એમ હતું કે તું દુનિયાની સૌથી મૂર્ખ છોકરી છું પણ તું તો હોંશિયાર નીકળી. "
"મારે તારો ફાલતુ બકવાસ નથી સાંભળવો. મારા સવાલનો જવાબ આપ. કેમ મને ફસાવી?? "
"તો સાંભળ. સોનિયા રાવલ મારી પોતાની પુત્રી નહીં પણ મારી સ્ટેપ ડોટર હતી. તેની હરકતો અને તેનાં ચાલચલગતથી હું કંટાળી ગયો હતો. તે મને બ્લેકમેલ કરતી હતી. તેને મારા એવા રાઝની જાણ હતી જે બહાર આવે તો મારી બદનામી થાય. માટે મેં અને મારા પુત્ર આકાશે એક પ્લાન કર્યો. તને શું લાગે છે તું ભાવનગરથી સંસ્થામાં અહીં અમદાવાદ એમનેમ આવી શકી ભણવા??!!! ના, અમે પહેલેથી બધી ગોઠવણ કરેલી હતી. તારી હિસ્ટ્રી કઢાવી અને ચેક કર્યું જેમાં જાણવા મળ્યું કે ગોધરાકાંડમાં તારા પેરેન્ટ્સ ઑફ થઇ ગયા હતા. મારે બસ એવું સાબિત કરતા જવું હતું કે દરેક મર્ડર પાછળ તું જ જવાબદાર છું. એટલે તારા માબાપને તે માર્યા એવા ખોટા પુરાવા અને તું જે કેબથી અહીંયા આવી હતી એ ડ્રાઈવરનું ખૂન કરાવ્યું મેં. સોનિયાનું ખૂન આકાશે કર્યું અને આમ અમે તને ફસાવી દીધી. હાહાહા "
"મારવા માટે તમે કોઈ બીજાને સોપારી પણ તો આપી સકતા હતા. હું જ કેમ??!!"
"પાગલ છોકરી... સોનિયાએ એવો કાગળ લખાવેલો હતો કે જો કોઈ એક્સીડેન્ટ થાય તો એમાં હું જવાબદાર હોઉં. મારે તેના મર્ડરને તારા પાગલપન સાથે જોડવું હતું જેમાં હું સફળ થયો. " ડોકટરે જીયાને ટેબલ પર બેઠા બેઠા જ શોક આપવા માટેની તૈયારી કરી દીધી. ડોક્ટર ચાલુ કરવા જ જતા હતા ત્યાં જીયાએ "એક મિનિટ " કહીને દરવાજા તરફ નજર માંડી.
"હવે સાબિત થઇ ગયું કે આ બધા પાછળ તું જ જવાબદાર છું. ખરેખર તું દુનિયાની સૌથી પાગલ છોકરી છું. " હાહાહા કહીને ડોક્ટર જોરજોરથી હસવા લાગ્યા.
ત્યાંજ ધડામ કરતો જોરથી દરવાજો ખુલ્યો. સામે ઇન્સ્પેક્ટર રાણા ઉભા હતા.
"આવો સાહેબ..." ડોક્ટરે ઇન્સ્પેક્ટરને આવકારતા કહ્યું.
"બસ રાવલ સાહેબ ખેલ પૂરો થયો. આગળ તું કહીશ ખ્યાતિ કે હું કહું?? "
"એક મિનિટ ખ્યાતિ?? કોણ ખ્યાતિ?? " ડોક્ટર અચરજ પામતા બોલ્યા.
"હું ખ્યાતિ. હું કોઈ જીયા નથી. એક સિક્રેટ એજન્સીની ટિમની મેમ્બર છું. તમારો સોનિયા માટેનો અસ્વીકાર સોનિયાએ અગાઉ જ જણાવી દીધો હતો અમને. માટે કોઈને પણ જાણ ના થાય એમ હું સોનિયાની સાથે રહીને તેને સેફ કરવા માંગતી હતી પણ મારી ભૂલ થઇ ગઈ અને સોનિયા ટેરેસ પર જઈ પહોંચી. સોનિયાને તો હું ના બચાવી શકી પણ હા તને અને તારા છોકરાને જેલની હવા જરૂર ખવડાઇશ હવે. " કહીને ખ્યાતિ ઉર્ફ જીયાએ ડોક્ટર શર્માને સણસણતો તમાચો ઠોકી દીધો.
ડોક્ટરને લઈને પોલીસ જતી હતી ત્યાં જ ખ્યાતિએ ડોક્ટરનો રસ્તો રોક્યો.
"હું દુનિયાની સૌથી સ્માર્ટ છોકરી છું. " આટલું કહીને અટ્ટહાસ્ય કરતી તે ત્યાંથી નીકળી ગઈ.
બે દિવસ બાદ ઇન્સ્પેક્ટર રાણા સોનિયાના કેસની ફાઈલ તપાસતા હતા. ત્યાં તેમની નજરે કંઈક ચડ્યું. તેમણે તરત સિબિઆઇમાં ફોન લગાવ્યો.
"હેલો ઇન્સ્પેક્ટર રાણા ફ્રોમ અમદાવાદ "
"હા બોલો સાહેબ. "
"મને તમારા ડેટામાં જોઈને કહી શકશો કે ખ્યાતિ શેઠ કરીને કોઈ મેમ્બર તમારી કોઈ સિક્રેટ એજન્સીમાં છે કે નહીં?? "
"વેઇટ સર... હું ચેક કરીને કહું. "
બે મિનિટ બાદ....
"ના સર એવું તો કોઈ જ નથી. "
"ઓહ માય ગોડ આ શું થઇ ગયું!!"
"સર અંદર આવું?? " કોન્સ્ટેબલ દરવાજે ઉભો રહીને પરવાનગી માંગે છે.
"આવ. "
"સર આ બહાર લોબી પાસે પડેલું હતું. તમારું નામ વાંચ્યું એટલે લાગ્યું તમારું હશે. "
ઇન્સ્પેક્ટર રાણાએ તરત કવર હાથમાં લીધું અને કાગળ ખોલીને વાંચવા લાગ્યા.
હાય, ઇન્સ્પેક્ટર રાણા
કદાચ જો તમે મારી જેમ દુનિયાના સૌથી હોંશિયાર વ્યક્તિ હશો તો તમને મારા વિશે એટલી ખબર પડી જ ગઈ હશે કે સોનિયાને વાગવાથી નહીં પણ ઝેર આપવાથી મૃત્યુ થયું હતું. મને પાગલ શબ્દથી ચીડ છે. મેં જે કર્યું એ તમારી દ્રષ્ટિએ ખોટું હોઈ શકે પણ મારી દ્રષ્ટિએ એ યોગ્ય થયું. સોનિયાએ મારી ઈન્સલ્ટ કરીને હાથે કરીને મોતને ભેટવાનું કારણ મને આપી દીધું હતું. ડોક્ટર રાવલે જે છોકરીને અહીંયા બોલાવી હતી એ જીયાને મેં ક્યારનીયે સ્વધામ પહોંચાડી દીધી. એની લાશ તમને બાવળા પાસે આવેલ ગોલ્ડન ફાર્મમાં મળી જશે. એ જીયાને મારવાનો મારો એકજ મકસદ હતો તેનું મને પાગલ કહેવું. તે મારી સાથે એ જ સંસ્થામાં રહેતી હતી. હું દુનિયાની સૌથી હોંશિયાર છોકરી છું છતાંય ખબર નહીં લોકોને એમ કેમ લાગે છે કે હું પાગલ છું. મને કોઈ "પાગલ" કહે એ મને જરાય મંજુર નથી. તો જલ્દી મળીશું ઇન્સ્પેક્ટર સાહેબ.... યાદ કરી લેજો તમે મને કદાચ પાગલ તો નથી કહી ને!!!"
ઇન્સ્પેક્ટર રાણાના શરીરમાં ભયનું લખલખું પસાર થઇ ગયું.