The Art of tying turban in Gujarati Motivational Stories by પ્રદીપકુમાર રાઓલ books and stories PDF | પાઘડી બાંધવાની કળા

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

પાઘડી બાંધવાની કળા

પાઘડી અને સાફા બાંધવાની લુપ્ત થતી કલાને દેશ તેમજ વિશ્વકક્ષાએ પહોંચાડનાર અને આ પારંપરિક કલા વારસાને જીવંત રાખનાર કસબી / એક્સપર્ટ એવા જામનગરના શ્રી વિક્રમસિંહજી માનસિંહજી જાડેજા સાથે એક અવિસ્મરણીય અને યાદગાર મુલાકાત :---

પાઘડી બાંધવાની શરૂઆત ક્યાંથી થઇ તે વિશે ઇતિહાસના પાને ડોકયું કરી લઈએ. માથા ઉપર કઈક વસ્ત્ર, આવરણ પહેરવાની પરંપરા ભારતમાં વર્ષોથી ચાલી આવી છે. જોકે વિશ્વભરમાં ગ્રીક , રોમન, ફારસી, મોંગલ અને મુગલકાળમાં ઘણાબધાં ફેરફાર જોવા મળ્યાં અને અંગ્રેજોના કાળમાં તો વેશભૂષા જ બિલકુલ બદલાઈ ગઈ.
માથા પર પહેરવામાં આવે છે તેને પાઘડી, સાફો, ફેંટો, ટોપી વગેરે કહે છે. દરેક વિસ્તારમાં પાઘડી અલગ અલગ પ્રકારની જોવા મળે છે, તેમના રંગ, આકાર, રૂપ, કલરમાં આકર્ષક વિવિધતા હોય છે. આજની પેઢી આનાથી બિલકુલ અજાણ છે. આમ જનતાની પાગડીઓમાં પણ ખૂબ વિવિધતા જોવા મળે છે. રાજા, મહારાજા અને ઠાકોરસાહેબની પાઘડીઓ વધુ આકર્ષક અને કોમ્પ્લિકેટેડ ડિઝાઇનવાળી બનતી. તેમાં અમૂલ્ય રત્નો, જરી વગેરે બેસાડવામાં આવતાં.
પાઘડી અને સાફાનો ઇતિહાસ ખાસ કરીને રાજપૂત સમુદાય સાથે જોડાયેલ છે. તેને પાઘ, સાફા અથવા પઘડી કહેવામાં આવે છે. સાફાની વાત કરીએ તો માળવામાં અને રાજસ્થાનમાં અલગ અલગ પ્રકારના બાંધવામાં આવે છે. મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, ગુજરાતમાં પણ ખૂબ વિવિધતા જોવા મળે છે. પ્રાચીનકાળમાં અને મધ્યયુગમાં લગભગ બધા ભારતીયો પાઘડી કે એવું કંઇક પહેરતાં હતા. આપણાં ગરમ પ્રદેશમાં માથાને ગરમીથી રાહત મળતી. રાજસ્થાનમાં પણ મારવાડી સાફો અલગ હોય છે. શીખ સમુદાયમાં અલગ રીતે પાઘડી બંધાય છે જે આજે એમના સમુદાયની પહેચાન બની ગઈ છે અને ઘણાં દેશમાં વિવાદનું કારણ પણ!
રાજસ્થાનમાં રાજપૂત સમાજમાં અલગ અલગ પ્રકારના , વિવિધ રંગોના સાફા સમય અને પ્રસંગ અનુસાર પહેરવામાં આવે છે. જેમકે યુદ્ધના સમયે રાજપૂત સૈનિક કેસરિયા સાફા પહેરતાં હતા. જેથી કેસરિયા રંગનો સાફો યુદ્ધ અને વીરતાનો પ્રતીક બન્યો. સામાન્ય દિવસોમાં રાજપૂત વયોવૃદ્ધ ખાખી કલરનો સાફો બાંધે છે. તેમજ જુદા જુદા અવસરોમાં પંચરંગી, ચૂંદડી, લહેરિયા, જરીવાળા, રંગ બે રંગી બાંધણીની ડિજાઇનનો સાફાનો ઉપયોગ થાય છે. સફેદ કલરનો સાફો રાજપૂતોમાં શોક સમયે પહેરે છે.
પુરુષના ડ્રેસમાં પાઘડી કે સાફો અતિ મહત્વનો હિસ્સો છે. એ ફક્ત કપડાનો ટુકડો નથી પરંતુ એનાથી પણ વિશેષ છે. આપણી સંસ્કૃતિમાં અને દુનિયાભરમાં પણ માથું શરીરના ભાગોમાં અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. "શર સલામત તો પઘડિયા બહોત" એમ કહેવાય છે. તેનો સીધો સંબંધ માણસની ઈજ્જત, સન્માન, આબરૂ, મોભા અને ડિગનીટી સાથે જોડાયેલ છે. "ભરી સભામાં પાઘડી ઉછાળી" એવો મુહાવરો છે, મતલબ કે એની આબરૂ છીનવાઈ ગઈ. આપ જાણતા હશો કે કોઈની આગળ માથું નમાવવું એ એક રિસ્પેક્ટ કે આદર આપવાની ભાવના છે. આપણે વડીલો અને મહાનુભાવો અથવા ઈશ્વર સામે માથું ઝુકાવીએ છીએ ત્યારે પાઘડી હાથમાં લઈએ છીએ, મતલબ આપણો મોભો, અભિમાન કોરાણે મૂકીએ છીએ. અગાઉના અને આજના સમયમાં પણ વ્યક્તિની ઓળખાણ એણે પહેરેલ પાઘડી પરથી થતી હતી. એનાથી એનું વતન, પ્રદેશ, જાતિ મોભો, કે સ્ટેટસ જાણી શકાતો હતો. આમ પાઘડી એક પરંપરાગત વેશભૂષાનો એક મહત્વનો ભાગ હોવાની સાથે સાથે એક ઓળખ, આઇડેન્ટિટી અને ગૌરવનું ચિન્હ પણ છે. એટલે જ આજે પણ જ્યારે કોઈક આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક સંમેલન, ઓલમ્પિક જેવા રમતોત્સવ કે અન્ય સભારંભો ને કાર્યક્રમોમાં ભારતીય પરંપરાગત વેશભૂષામાં પાઘડી અનેરું સ્થાન ભોગવે છે. આપણા ખેલાડીઓ સાફા પહેરી એન્ટ્રી મારે છે, સાથે હોય છે આપણો રાષ્ટ્રધ્વજ! એ નજારો અદભુત હોય છે. વરરાજા સાફા વગર જામે નહીં હોઁ! પાઘડી ધારણ કરેલ વ્યક્તિ પ્રભાવશાળી લાગે છે. આપણા નેતાઓ પણ અમુક પ્રસંગોએ સાફો બાંધી ભાષણ આપતા નજરે ચડે છે. ફક્ત ત્યારે જ એ સારા લાગતા હોય છે!! આ લુપ્ત થતી આર્ટને જાળવી રાખવી ખૂબ જરૂરી છે. હવે તો ગામડાઓમાં પણ જુવાનીયા માથે પાઘડી પહેરતા શરમ અનુભવે જ છે, પણ વાળ એવા કપાવે છે કે એક સાઈડ સાવ સફાચટ, કટ!!
આ કલાના જાણકાર નહિવત છે. મારી જાણમાં વિક્રમસિંહજી જાડેજા આપણા પંથકમાં એકમાત્ર છે. સ્વભાવે વિનમ્ર અને ઉત્સાહી એવા આ કલાના કસબીને મળવાનો સોનેરી અવસર રવિવારે મળ્યો અને એક અનેરો આનંદ થયો. ઘણું બધું જાણવા મળ્યું. જેમ જેમ પ્રશ્નો પૂછતો ગયો તેમ તેમ તેઓ કંટાળ્યા વિના શાંતિથી ઉત્તર આપતા રહ્યા. તેઓ પર્યાવરણના સંરક્ષણ સાથે પણ જોડાયેલ છે. આથી પર્યાવરણના બચાવ માટે અવેર કરતું મારું અને શ્રી પ્રકાશ વૈદ્યનું સર્જન - બુક "The Darkest Galaxy" (સાયન્સ ફિક્શન) એમને ગિફ્ટ આપતાં વિશેષ સુખની લાગણી અનુભવી.
આવા પાઘડી-સાફાના અજોડ કસબી વિક્રમસિંહ માનસિંહ જાડેજાને ગ્લોબલ રેકોર્ડઝ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ગ્લોબલ આઈકોન એવોર્ડ આપવામાં આવ્યો છે. રોયલ રાજપૂત પરંપરાના પાઘડી-સાફાના ક્ષેત્રમાં અજોડ પ્રદાન બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું છે. પાઘડી-સાફા બાંધવાની આ કલાને વધારવા છેલ્લા પચાસેક વર્ષથી આ કાર્યમાં માધ્યમિક શાળાના અંગ્રેજીના નિવૃત્ત શિક્ષક વિક્રમસિંહ જાડેજાને ગુજરાત સરકાર દ્વારા ‘પાઘડી અને સાફાના લોક કલાકાર’ તરીકે ઈ.સ. 2000માં માન્યતા આપવામાં આવી હતી. તેઓને વર્ષ-2015માં ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડઝ’ દ્વારા સમગ્ર ભારતમાં સૌથી વધુ સાફા-પાઘડી (વીસ હજારથી વધુ) બાંધવા બદલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ કક્ષાએ પહોંચાડી
ઈ.સ. 2017માં ભારત, નેપાલ, બાંગ્લાદેશ, મલેશિયા, ઈન્ડોનેશિયા અને વિએટનામ એમ છ દેશોનો સંઘ ‘વર્લ્ડ રેકોર્ડ યુનિયન - વર્લ્ડ કિંગ્ઝ’ દ્વારા સિટી ફોર્ટ, નવી દિલ્હીમાં યોજાયેલ, ‘ઈન્ડિયન રેકોર્ડ હોલ્ડર્સ એટ વર્લ્ડ સ્ટેજ’ નામક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારતના બે હજાર રેકોર્ડ હોલ્ડર્સમાંથી ‘ટોપ-100’ માં પસંદગી પામી આંતરરાષ્ટ્રીય કલાકાર તરીકે ‘પ્રિવિલેજ સર્ટીફિકેટ ઓફ ડીસટીન્કટ ઓનર એન્ડ પ્રેઈઝ ઓન વર્લ્ડ સ્ટેજ-2016-17’ સન્માન પણ મળ્યું છે.
વિક્રમસિંહજીએ આખા દેશમાં અસંખ્યવાર લગ્નપ્રસંગે સાફા બાંધવાની સેવા પૂરી પાડેલ છે. દિલ્હી, જયપુર, ભોપાલ, ઇન્દોર, ભુવનેશ્વર, મૈસુર, લખનૌ, હૈદરાબાદ, બેંગાલુરું, અમદાવાદ, મુંબઈ, પુના, જોધપુર... જેવા શહેરોમાં અલગ અલગ પ્રકારના સાફા, ફેટા બાંધી આપેલ છે. પાઘડી અંગેની સમજ ફેલાવવા અને પ્રચાર માટે તેઓ ઘણા વર્ષોથી સતત મહેનત કરી રહયા છે. તે અંગેની ડોક્યુમેન્ટરી બનાવી છે, ઓલ ઇન્ડિયા રેડીઓ પર ટોક શો "પાઘડી એન્ડ સાફા" આપેલ છે. ભારતના રજવાડાઓની મુલાકાત લઈ રાજાઓ, ઠાકોરસાહેબ અને ભાયાતોને સાફા બાંધી આપવાનું સાંસ્કૃતિક કાર્ય કરેલ છે. એ સિવાય પણ અનેક પ્રસંગોએ સેલિબ્રિટી સ્ટેટસ ધરાવતા મહાનુભાવોને પણ સાફા બાંધી એક કલચરને જીવંત રાખવાનો ભગીરથ પ્રયાસ કરેલ છે. આજ હકીકત દર્શાવે છે કે તેમની ધગશ અને મહેનત કેટલી ઉત્કૃષ્ટ છે! શ્રી વિક્રમસિંહજીને 2007માં "મેયર એવોર્ડ" દ્વારા પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા. એમણે ઘણા પાઘડી શો પણ આયોજિત કર્યા છે. સૌથી વધુ લોકોને(20225) પાઘડી બાંધવા માટે તેમને 2015માં ઇન્ડિયા બુક રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે. એમની પાસે 1500થી વધુ રાજા, મહારાજા, નિઝામ, નવાબો અને ઠાકોરસાહેબોના એન્ટિક ફોટાઓ છે!! જેમાં પ્રચલિત સાફા, મુગુટ જોવા મળે છે, આ વિરાસત અનોખી છાપ ઉભી કરે છે. વિક્રમસિંહજીને સાફા પાઘડીના આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટ તરીકેનું પણ બહુમાન પ્રાપ્ત થયેલ છે. જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. જૂની કળાની જાણવણી અને તેના પ્રસાર માટેના ભગીરથ કાર્યના કારણે તેઓ જામનગર, ગુજરાત અને દેશ માટે પણ ગૌરવ લેવા જેવી હસ્તી છે.