Angat Diary- Break in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - બ્રેક

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

અંગત ડાયરી - બ્રેક

અંગત ડાયરી
============
શીર્ષક : બ્રેક
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ :૧૪, જૂન ૨૦૨૦, રવિવાર

ગૅરેજવાળા કારીગર મિત્રે હોન્ડાની બ્રેક ચેક કરતા કહ્યું “બ્રેક જો જોરદાર હોય તો ગાડી વધુ ભાગે.” પ્રથમ દ્રષ્ટિએ સરળ-સાદું લાગતું વાક્ય થોડી જ ક્ષણોમાં મને આશ્ચર્ય જનક અને વિરોધાભાસી લાગ્યું. બ્રેક જો જોરદાર હોય તો તો ગાડી ભાગતી અટકે. બ્રેકનું કામ ગાડી અટકાવવાનું છે, જયારે કુશળ કારીગર કહેતો હતો કે બ્રેક સારી હોય તો ગાડી વધુ ભાગે. તમે બ્રેક વગરની ગાડી ચલાવી જોજો. ભગાવી નહીં શકો. જો બ્રેક વગરની ગાડી ભગાવશો તો એક્સિડેન્ટનો ખતરો છે. ગાડી ભગાવવા માટેની પહેલી શરત એ કે બ્રેક જોરદાર હોવી જોઈએ.

જે માણસમાં પોતાની જાતને રોકી શકવાની આવડત હોય એ વ્યક્તિ પોતાના વિકાસની રફતાર સો ટકા વધારી શકે છે. તમે પૈસા ભેગા કરવાની સ્પીડ વધારો એમાં વાંધો નથી પણ તમને ખબર હોવી જોઈએ કે ક્યાં અને ક્યારે બ્રેક મારી દેવી. એક ચિંતકે બહુ સરસ વાક્ય કહ્યું છે : જેટલું જરૂરી સમયસર બોલવું છે એટલું જ જરૂરી છે સમયસર ચૂપ થઈ જવું. ચૂપ થવાનો સમય થઈ ગયા પછી પણ જો બોલવામાં આવે તો એ એકેએક શબ્દ, એકે એક અક્ષરની કીંમત બહુ મોંઘી પડે છે.

સાયકલમાં બ્રેક માટે રબ્બરના દટ્ટા એની રીંગ સાથે ઘસાય એવી વ્યવસ્થા હોય છે. જિંદગીમાં બ્રેકની વ્યવસ્થા જરા જુદી હોય છે. સાસરે આવેલી કોડ ભરી કન્યાની, પિયરની ઉછળતી કૂદતી જિંદગી જીવવાની શૈલીને સામાજિક બ્રેક લાગી જતી હોય છે તો વડીલોના ખડખડાટ હાસ્ય પર કડવા અનુભવોની બ્રેક લાગી જતી હોય છે. કોઈના થનગનાટને જવાબદારીનો અહેસાસ બ્રેક મારે છે, કોઈના આકાશે ઉડવાના ઓરતાને સમજદારીની બ્રેક લાગી જતી હોય છે. મુંગેરીલાલ જેવા હસીન સ્વપ્નોને વાસ્તવિકતાની બ્રેક બહુ કરુણ લાગતી હોય છે.

બ્રેક પરથી બ્રેકિંગ શબ્દ આવ્યો છે. બ્રેકિંગ ન્યુઝ એટલે સમાચારોના ક્રમને બ્રેક કરી, કોઈ નવા અણધાર્યા સમાચારની રજૂઆત કરવી. અમુક ઘટના હાર્ટ બ્રેકિંગ હોય છે. નોકરીમાં મળતો બ્રેક કે લગ્નજીવનમાં મળતો બ્રેક હાર્ટ બ્રેકિંગ હોય છે.
પાક્કો ડ્રાઈવર એને જ કહેવાય જેને ક્યારે બ્રેક મારવી અને ક્યારે એક્સિલેટર એનો પરફેક્ટ ખ્યાલ હોય. શુભ પ્રસંગો, સેવા કાર્યો, પ્રભુ ભક્તિ અને મોટીવેશનલ એક્ટીવીટીઝ વખતે એક્સિલેટર દબાવતા આવા સમજદારો સૌથી આગળ હોય છે અને વેરઝેર - નિંદા - કુથલી જેવી બાબતોમાં આ લોકો સજ્જડ બ્રેક મારી દેતા હોય છે. કેટલાક બેવકૂફો એક્ઝેક્ટલી આનાથી ઉલટું કરતા હોય છે. જ્યાં બ્રેક મારવાની હોય ત્યાં એક્સિલેટર દાબે અને જ્યાં એક્સિલેટર દાબવાનું હોય ત્યાં બ્રેક મારે. જ્યાં પ્રોત્સાહન આપવાનું હોય ત્યાં ભૂલો કાઢે અને જે વખોડવાનું હોય ત્યાં તાળીઓ પાડે. આવા બેવકૂફોના અભિપ્રાયોને અવગણવાની કળા જેને આવડી ગઈ એની જિંદગીમાં સફળતાનો સોનાનો સૂરજ સો ટકા ઉગે જ.

અહંકારી દુર્યોધને શકુનિના પ્રોત્સાહનથી કુકર્મોનું એક્સીલેટર દાબ્યે જ રાખ્યું અને કૃષ્ણકનૈયાનો સમકાલીન હોવા છતાં એની સાથે યુદ્ધ કરી બેઠો. કૃષ્ણકનૈયો એટલે તમારી નજીકનો એવો મિત્ર કે જે તમને સચ્ચાઈનો માર્ગ બતાવે અને શકુનિ એટલે એવો મિત્ર કે જે તમારા ભ્રષ્ટ આચારોને પણ તાળીઓથી વધાવે. તમારી ભીતરે રહેલા દૈવી ગુણોને જે સત્કારે અને આસુરી અવગુણોને જે ધુત્કારે એ કૃષ્ણ. જો તમે તમારા આસુરી ગુણોના ચાહક શકુનિ છાપ મિત્રના રવાડે ચઢેલા હો તો તાત્કાલિક બ્રેક પર પગ મૂકવાનો આ પરફેક્ટ સમય છે. કારણ કે આ રસ્તે કૃષ્ણ તમારી સાથે નથી, અને જ્યાં કૃષ્ણ નથી ત્યાં જીત નથી.

મિત્રો વાહનસવારી કરતા હોઈએ ત્યારે આપણને ખબર છે કે સાંકડી શેરીઓ અને ટ્રાફિકમાં એક્સિલેટર કરતા બ્રેક વધુ લગાવવી પડે. ઘરમાં, પરિવારમાં, મિત્રો-પરિચિતો, અંગતોમાં બેઠા હો ત્યારે વ્યક્તિગત ઇચ્છાઓને બ્રેક મારવામાં જ વધુ શાણપણ છે. પરિવારની ઉન્નતિ થતી હોય તો હું મારી વ્યક્તિગત મહત્વાકાંક્ષા પર બ્રેક મારું એ જ મારું કૃષ્ણત્વ. જયારે હાઈવે પર મોટા રસ્તાઓ અને ઓછો ટ્રાફિક હોય ત્યારે બ્રેક કરતા એક્સિલેટરનો ઉપયોગ વધુ થતો હોય છે. સત્યના, ઈમાનદારીના અને ભક્તિના રાજમાર્ગ પર હું બ્રેક કરતા એક્સિલેટર વધુ દબાવું એ જ મારું કૃષ્ણત્વ.

ઈશ્વર આપણી જિંદગીને ઓચિંતી અંતિમ બ્રેક મારે એ પહેલાં આપણે આપણી જિંદગીની ગાડી ઈશ્વરની દિશામાં ફેરવી એક્સિલેટર પર પગ મૂકીએ તો કેવું?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)