ઈલાને છેલ્લા ચાર-પાંચ દિવસથી મનમાં મથામણ ચાલતી હતી.આજે વેકેશન પડયાને લગભગ ૧૫ દિવસ થવાં આવ્યાં તોયે નીતાનો ફોન આ વેકેશન માં કેમ ના રણક્યો? શું થયું હશે? નીતા ને કંઈ ખોટું લાગ્યું હશે??
ના ,ના , પણ એવું તો કંઈ જ બન્યું નથી ને... તુષાર ને નીતા વચ્ચે કંઈ અણબનાવ ?
ઈલાની મથામણ પણ સાચી હતી જ ને વળી...!!!
ઈલા અને નીતા સંબંધે જેઠાણી-દેરાણી પણ બંને વચ્ચે પ્રેમ તો સગ્ગી બહેનો થી ય વધારે હતો... નરેશ ભાઈ,ઈલા અને એક દિકરી નુપુર શહેરમાં રહેતા ને તુષાર , નીતા, ને બે દિકરા મનન અને સપન હજુ પણ બાપ-દાદા નાં વતન એજ ગામડામાં રહેતા હતાં.
બંને ઘર વચ્ચે બહુ બધાં તફાવતો હતાં જેમકે રહેણીકરણી , બોલવાની લઢણ , ખાનપાન, ભણતર ને તે છતાંય ઈલા અને નીતા વચ્ચે સંપ ને પ્રેમ વર્ષોથી એવો જ જળવાઈ રહ્યો હતો. ને એટલે જ દિવાળી કરવા માટે તુષાર સહ પરિવાર નરેશભાઈ ને ત્યાં આવી જતો ને સૌ ખૂબ ઉત્સાહથી દિવાળી મનાવતા ને પછી મનન/સપન આખું વેકેશન જલસા કરીને ગામડે પાછા જતાં.
એ જ રીતે ઉનાળું વેકેશન પહેલાં જ નીતા નાં ફોન આવવાના ચાલુ થઈ જાય કે ,"ભાભી , રજાઓ પડેને તરતજ તમે નુપુર ને અહીં રહેવા મોકલી દેજો...
એનાં બે ય ભાઈઓ એની કાગડોળે રાહ જોઈ રહ્યા છે હો." ને નુપુર પણ ગામડે જવા બહુ જીદ કરતી...
એને મનન સાથે બહુ બનતું ને ત્યાં જવા માટે એ રીતસર નો કકળાટ કરતી ને છેલ્લી પરીક્ષા તો પરાણે પતાવતી...
અને નરેશભાઈ ઈલા ને નુપુર ગામડે જતાં , બધાં સાથે ત્યાં બે દિવસ રોકાઈને બંને જણાં નુપુર ને મુકીને પાછાં ફરતાં. ને ત્રણેય છોકરાં આખાંય વેકેશન નો મોજમસ્તી થી આનંદ માણી ને છૂટાં પડતાં...
પણ....
પણ આ વખતે તો ના નીતાએ ફોન કર્યો કે ના નુપુરે જીદ કરી ગામડે જવાની....
ઈલાને નવાઈ સાથે અજુગતું પણ લાગતું હતું... આજે આખો દિવસ મથામણ માં પસાર કર્યો એણે..ને રાત્રે એણે નરેશ ને કીધું," સાંભળો છો, આ વખતે વેકેશન પણ પડી ગયું પણ તુષાર કે નીતા નો ફોન ના આવ્યો કે નુપુર ને મોકલો....તમે ફોન લગાવો ને વાત તો કરોને કે શું થયું છે ત્યાં."
નરેશે ઈલાને સમજાવતાં કહ્યું કે હશે કંઈક કામમાં એ લોકો અથવા તો નીતા એનાં પિયર રોકાવા ગઈ હશે...એમની અનુકૂળતા એ દર વર્ષ ની જેમ એ ફોન કરી જ દેશે....ચાલ, શાંતિથી સૂઈ જા, મને સખત થાક લાગ્યો છે આજે."...
બીજે દિવસે પણ ઈલાને કામમાં મન નાં લાગ્યું...એટલે બપોરે એણે જાતે જ નીતા ને ફોન લગાવ્યો.
૧૦-૧૫ રીંગો પછી નીતા એ જ ફોન ઉપાડ્યો.. બંને જણ વચ્ચે અડધો કલાક આડીઅવળી ને ગામ આખાની પંચાત થઈ પણ એ દરમિયાન એકપણ વાર નુપુર ને આ વેકેશન માં ગામડે રહેવા મોકલો એ વાક્ય જે ઈલાને સાંભળવાની આતુરતા હતી એ નીતા બોલી જ નહીં ને એણે વાત પતાવી દીધી...
બસ,
હવે ઈલાનું મન વધારે
ગભરાઈ ગયું.પણ એનાં સમાધાન માટે કોઈ કડી મળતી નહોતી....
બપોરે નુપુર ડ્રોઈંગ ક્લાસ માં ગઈ એટલે એણે ફરી નીતા ને ફોન કર્યો પણ સામે કોઈ સહકાર મળ્યો નહીં.
બે દિવસ પછી નીતા ની ફોઈ ને એટેક આવ્યો એટલે હોસ્પિટલમાં દાખલ ફોઈ ની ખબર જોવા શહેરમાં આવી એટલે એ રાત્રે નીતા નરેશભાઈ ને ઘરે રોકાઈ ગઈ.
સવારે ઈલા એ બધાં માટે ચા-નાસ્તો બનાવ્યાં.પણ એ નીતા સાથે બરાબર મનથી ના બોલી... એનું વર્તન થોડું અતડું લાગ્યું નીતા ને....
ઈલા સતત એની ઉપેક્ષા કરી રહી છે એવું લાગતું હતું એને... બપોરે જમવામાં પણ ખાસ કંઈ પહેલા જેવો ઉમળકો ઈલાએ ના દેખાડ્યો.
પરવારી ને બંને ચીલ્ડ એ.સી.માં આરામ કરવા બેઠા ત્યારે નીતા થી ના રહેવાયું એટલે એણે ઈલાને પુછ્યું," ભાભી , શું થયું છે તમને? કેમ નરેશભાઈ સાથે ઝઘડો થયો છે? તમે કેમ મારી સાથે સરખી રીતે વાત નથી કરતાં".?
ઈલા એ પણ તરતજ ભારેલો અગ્નિ ઠાલવતાં તાડૂકી નીતા ઉપર, "આ જ ને આવા જ સવાલો મારે પણ તને પૂછવા છે નીતા , કેમ ,તને મારી નુપુર ભારે પડી આ વર્ષે? કેમ તારો કે તુષારભાઈ નો એક પણ ફોન ના આવ્યો નુપુર માટે આ વેકેશન માં".?
કોઈ નદી બંધ તોડી ને ભરપૂર વહેવા લાગે એમ નીતા ચોધાર આંસુડે રડી પડી....
"આ શું બોલ્યાં ભાભી તમે આજે , અરે તમારી નુપુરે તો મને દિકરી નહીં હોવાનાં ઓરતાં પૂરા કર્યા છે...મને તો કાયમ એનામાં એક ઉડતી વ્હાલી પરી જ દેખાઈ છે , એ મને ભારે નો પડે કોઈ દિવસ .. ભાભી.."
"તો પછી કારણ કહે મને એ વ્હાલ ને ઓછું કેમ કર્યું તેં"? ઈલા એ નીતા નો હાથ પકડતા એકી શ્વાસે પૂછ્યું.
"ભાભી, મને ખબર છે તમે મને છેલ્લા બે ફોન પણ આના જ માટે કરેલા પણ મારી જીભ નથી ઉપડતી એ વાત કહેવા માટે, કેવી રીતે તમને કહું?"
નીતા એકદમ જ મૌન થઈ ગઈ...
"જો, નીતા તને મારા સોગંદ છે જે હોય તે મને આજે કહી દે મહેરબાની કરીને" ઈલાએ હાથ જોડ્યા.
રડતાં રડતાં નીતા : "ભાભી, ગયા વેકેશન માં નુપુર ગામડે આવી હતી ને ત્યારે , ત્યારે ખુદ તમારા દિયરે એની ઉપર ખરાબ નજર નાખવાની કોશિશ કરી હતી, પણ સમયસર હું ત્યાં પહોંચી ગઈ ને આપણી દિકરી બચી ગઈ." આટલું બોલતાં બોલતાં નીતા એ ઈલા ને ભેટીને હૈયાફાટ રુદન કર્યું.
ને ઈલા તો જાણે અહલ્યા બની ગઈ....!!!ફાટી આંખે નીતા ને તાકી જ રહી...!!
"શું બોલે છે એ તને ભાન છે અલી ??કે મગજ બ્હેર મારી ગ્યું છે"?? ઈલા તાડૂકી નીતા ઉપર...
" તો પછી નુપુર અહીં આવીને કોઈ દિવસ કંઈ બોલી કેમ નહીં??એણે તો ક્યારેય એક હરફ પણ ઉચ્ચાર્યો નથી તુષાર માટે"??
"તે એ ભોળું પંખી ક્યાંથી કશું તમને જણાવે?એ બિચારી ને અને મને પણ તુષારે એટલી ડરાવી ધમકાવી હતી કે હું પણ આખું વરસ ચૂપચાપ બેસી જ રહી હતી ને....તો એનું શું ગજું??
ભાભી, શું નુપુરે પણ આ વખતે જીદ કરી મારે ત્યાં આવવાની "?? ...
ઈલા એ તરત જ ના પાડી.."ના, નીતા એણે પણ કંઈ જીદ નથી કરી અને એટલે જ મને નવાઈ લાગી હતી પણ હવે મને સમજાયું કે આ ઘટનાથી મારી ફુલ જેવી દિકરીએ કેટલું સહન કર્યું હશે?? કેટકેટલી વીતી હશે એનાં માથે"??
નીતા:ઈલા ભાભી ,હા, મનેય એમ થાય છે કે એ નાનાં જીવે કેટલી યાતના ભોગવવી પડી હશે , તુષાર ની એ અમાનુષી આછી હરકતથી?? ભાભી, તમને નથી લાગતું કે આવા ભાન ભૂલેલા હવસખોર પુરુષો ને પાઠ ભણાવવો જોઈએ??
અવાચક બનેલી ઈલા આંસુ લૂછતાં મનમાં કંઈક નિર્ધાર કરીને બોલી ," હા, નીતા , તું સાવ સાચી છે...હવે આપણે એમ જ કરીશુ. આપણે નુપુર ને અન્યાય નહીં થવા દઈએ.."
ને પછી જાણે બંનેને પોતપોતાના બાળપણની યાતના નજર સામે તરવરી ઉઠી હોય એમ બંને ભેટી ને હૈયાફાટ અફાટ રડી પડી......!!!
💥તણખો💥
નારી શક્તિ......
રીઝે તો રંભા
રુઠે તો રણચંડી ...
- ફાલ્ગુની શાહ © ✍️