angat diary - niyam in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - નિયમ

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

અંગત ડાયરી - નિયમ

અંગત ડાયરી
============
શીર્ષક : નિયમ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૩૧, મે ૨૦૨૦, રવિવાર

ઇન્ડિયામાં ટ્રાફિક માટે સાદો નિયમ છે કે વાહન ડાબી બાજુ ચલાવવું. વિચાર કરો જો આ નિયમ ન બનાવ્યો હોય અને જેને જે બાજુ ગાડી ચલાવવી હોય એ બાજુ ચલાવવાની છૂટ આપી હોય તો કેવી સ્થિતિ સર્જાય? કોઈ કોઈની મંઝિલે પહોંચી શકે ખરું?

વ્યક્તિગત રીતે કોઈ એકાદ નિયમનું નિષ્ઠાપૂર્વક પાલન કરવામાં આવે તો જીવનમાં બહુ મોટો ટર્નીંગ પોઈન્ટ આવી જતો હોય છે. અમારા એક મિત્રને રોજ સવારે, ઉઘાડે પગે શિવ મંદિરે લોટી ચડાવવાનો નિયમ હતો, તો એક મિત્ર રોજ એક કલાક ધ્યાનમાં બેસતો, એક ચાના વેપારીને પહેલો ચાનો કપ ધરતીમાતાને અર્પણ કરવાનો નિયમ હતો તો એક બહેન હંમેશા ‘જય શિવ પાર્વતી’ બોલીને જ પાણી પીતા.

રમતમાં નિયમો છે તો જ રોમાંચ છે, ચેલેન્જ છે. ચેસમાં ઘોડો અઢી ડગલા જ ચાલી શકે. જો કોઈ તોફાની પોતાના ઘોડાને આડેધડ ચલાવે તો ચેસનો ચાર્મ ઉડી જાય. વાણી, વર્તન અને વિચારોને પણ આચાર સહિતા એટલે કે નિયમો લાગુ પડે જ છે.
તમે ઘરમાં જે રીતે વર્તતા હો એ રીતે જાહેરમાં વર્તી શકાતું નથી. ઓફિસમાં બર્મુડો પહેરી બોસ મિટીંગ લે અને લગ્નમાં કન્યા (દુલ્હન) જીન્સ ટીશર્ટ પહેરીને ફરતી હોય એ શોભે ખરું? યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય વાણી, વર્તન અને વિચારની અભિવ્યક્તિ જ આપણું મૂલ્ય નક્કી કરતી હોય છે. બગીચામાં ઊભો રહી ગણિતનો કોઈ શિક્ષક cos, sin અને cosecના નિયમો જોરજોરથી બોલે તો એને ગાંડો જ ગણવામાં આવે, પરંતુ એ જ નિયમો જો એ વર્ગખંડમાં બોલે તો તાળીઓના ગડગડાટથી એને સન્માનિત કરવામાં આવે. જે ઠહાકા હોટેલમાં કે મહેફિલમાં મિત્રો સાથે માણતા હો, એ જ મિજાજ મંદિર કે સ્મશાનમાં શોભે નહીં. સ્કૂલમાં જ્ઞાનની ઉપાસના કરવાની હોય અને ઉઠમણામાં મૌન, વૈરાગ્ય અને મૃત્યુની ગંભીરતા સમજવાનો પ્રયત્ન કરવાનો હોય.

માનવ સર્જિત નિયમોમાં બાંધછોડ શક્ય છે પરંતુ કુદરતના નિયમોમાં કોઈ ઊંચનીચ કે વ્હાલા-દવલાની નીતિ કામ કરતી નથી. માણસ ગમે તેટલો ધનાઢ્ય કે ભણેલો કે પૂજા પાઠ કરવાવાળો કે બહુ મોટો રાજકારણી હોય, જો બેલેન્સ નહીં રાખે તો ગુરુત્વાકર્ષણનો નિયમ તેને પછાડી જ દેશે. ન માનતા હો તો એકવાર નજીકની હોસ્પિટલની મુલાકાત લો.
દીર્ઘકાલ સુધી, સાતત્ય પૂર્વક થતું નિયમ પાલન સો ટકા ફળદાયી હોય છે. રઘુકુળમાં એક નિયમ હતો: વચનપાલન. એ વંશમાં જન્મેલા રામે વચનપાલનની પરંપરા એટલી હદ સુધી નિભાવી બતાવી કે ભારતીય સમાજના બુદ્ધિમાન લોકોએ એમની એ નિષ્ઠાને ઈશ્વરતુલ્ય દરજ્જો આપ્યો. આપણે પણ આપણા કોઈ ટેકીલા પૂર્વજની ‘ટેક’ની વાત કરતી વખતે ગર્વ અનુભવતા હોઈએ છીએ ને! એક મિત્રએ કહ્યું ‘મારા દાદા આખી જિંદગી ‘જમતી વખતે’ મૌન જ રહ્યા’, એકે કહ્યું ‘મારા એક કાકા છે પચ્ચીસ વર્ષથી દર પૂનમે દ્વારકા જાય છે.’ બોલતી વખતે બંનેની આંખોમાં દેખાતો ચમકારો જુદો હતો.
વૈજ્ઞાનિકો એ વિજ્ઞાનના નિયમો શોધ્યા એમ ઋષિઓ એ જીવનના નિયમો શોધ્યા છે. કૃષ્ણ કનૈયાએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જીવનને ખીલવતા નિયમોનું બહુ સ્પષ્ટ લિસ્ટ આપ્યું છે. ખેદ સાથે કહેવું પડે કે આપણે આ નિયમાવલીને માનવની વૃદ્ધાવસ્થા કે મૃત્યુ સમયનો સિલેબસ ગણી લીધો છે. આપણે અનેક રમતો રમી છે. ક્રિકેટ, ખોખો, કબ્બડી, અનેક. દરેક રમત રમતાં પહેલા આપણે એના નિયમો મિત્ર કે સ્પોર્ટ્સના સર પાસેથી જાણ્યા-સમજ્યા અને પછી રમતમાં જંપલાવ્યું છે. બસ એક જિંદગીની રમતના નિયમોની બુક આપણે રમત પૂરી થાય ત્યારે ખોલીએ છીએ એ કેવો ખતરનાક નિયમ સમાજમાં ચાલી રહ્યો છે, નહીં? જીવનને પૂર્ણ પણે ખીલવવાની, જીવવાની તમામ ટ્રીક્સ કાનુડાએ આપી રાખી છે. બંધ આંખોની બદલે ખુલ્લી આંખે એકવાર... બસ એક વાર આખે આખી શ્રીમદ્ ભગવદ્ ગીતા સમજવાની શરૂઆત કરીએ તો છેલ્લે આખરી વખત આંખો બંધ કરતી વખતે માનવ સમાજનું સ્ટેન્ડિંગ ઓવેશન મળે અને મેન ઓફ ધી મેચ પણ ડિક્લેર થઈએ એવી સંભાવના ખરી.
ખેર..
મિત્રો, આપના કે કોઈ પરિચિતના જીવનનો એવો કોઈ નિયમ જે આપને ઈમ્પ્રેસ કરી ગયો હોય, તો કમેન્ટમાં ચોક્કસ જણાવજો. સારી વાતો સમાજમાં મૂકવાથી અન્યોને પણ પ્રેરણા મળતી હોય છે. ‘લોકો નથી સમજતા’ એની ચિંતા ન કરશો, આપણે તો ‘જે સમજે છે એના માટે જ લખીએ છીએ ને!’
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)