Right Angle - 26 in Gujarati Moral Stories by Kamini Sanghavi books and stories PDF | રાઈટ એંગલ - 26

Featured Books
  • તલાશ 3 - ભાગ 39

    ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમ...

  • પરિવાર

    પરિવાર    "अयं निजः परो वेति गणना लघु चेतसाम् | उदारचरितानां...

  • જીવન પથ - ભાગ 15

    જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૧૫ ગતાંકથી આગળભાગ-૨ ઉત્થાનને યોગ્ય રી...

  • ગર્ભપાત - 5

    ગર્ભપાત - ૫(  ગર્ભપાતની એક ઘટના ઉપરથી એક સ્ટોરી લખવાનું વિચા...

  • લવ યુ કચ્છ - અદભૂત પુસ્તક

    પુસ્તક સમીક્ષાપુસ્તકનું નામ : Love You કચ્છ- રણમાં રોમેન્ટીક...

Categories
Share

રાઈટ એંગલ - 26

રાઈટ એંગલ

પ્રકરણ–૨૬

કૌશલે ઘરે પહોંચ્યોં અને મેઇન ગેટ હમેંશની જેમ બંધ હતો. એણે જોયું તો સકિયુરિટ ગાર્ડ એની કેબિનમાં ન હતો. એણે ધડાધડ હોર્ન માર્યા. એ સાંભળીને સિક્યુરિટિ ગાર્ડ દોડતો દોડતો આવ્યો,

‘ડયુટી ટાઈમે પે કહાં ચલા ગયા થા?‘ કૌશલ ચિલ્લાયો,

‘જી....સાબ બાથરુમ ગયા થા!‘

‘તુજે બોલા હેં ને કીસી કો બિઠાકે જાયા કર!‘ કૌશલનો રોષ જોઇને ગાર્ડે ચૂપ રહેવામાં જ સમજદારી જોઇ.

કૌશલે ગાડી ત્યાં જ છોડી દીધી.

‘ગરાજ મેં લગા દે..‘ એટલું બોલીને એ ફટાફટ પગથિયા ચડતો ડ્રોઇંગરુમમાં આવ્યો અને ત્યાં જ એણે સોફા પર પોતાનું બ્લેઝર ફેંક્યું.

‘બસ કોઇને કશી વેલ્યુ જ નથી...તમે ગમે તેટલું સાચવો...લોકો જાત પર ગયા વિના રહે જ નહી.‘

કૌશલે ડ્રોંઇંગરુમમાં જોશભેર આંટા માર્યા કર્યા. પણ એને લાગ્યું કે આમ ગુસ્સો શાંત નહીં થાય એટલે એ પોતાના રુમમાં ગયો અને ત્યાં જઇને પેન્ટ–શર્ટ કાઢીને એણે સ્પોર્ટસ શોર્ટસ અને ટી શર્ટ પહેરીને એ જીમરુમમાં ગયો. એ ટ્રેડમીલ પર દોડવા લાગ્યો. રોજની પ્રેકટિશે એના તનને થકવ્યું પણ મન શાંત થયું. જે થયું તે ખોટું થયું પણ હવે તે સુધારવાનો પ્રયત્ન કરવો પડશે. એને એને સૌથી પહેલાં ડેડ યાદ આવ્યા. જે ઘટના બની તે પછી ડેડ સાથે વાત કરવી જોઇએ. એમને શાંત કરવા જોઇએ. પણ જિંદગીમાં પહેલીવાર એને ડેડ સાથે વાત કરવામાં ભારે સંકોચ થતો હતો. પણ વાત કરવી જરુરી હતી. એણે નિ:સાસો નાંખ્યો અને ફોન લગાવ્યો, સામેથી હલ્લો સંભળાયું કે તરત એ બોલ્યો,

‘આઇ એમ સોરી ડેડ....‘

‘પહેલાં એ કહે કે કશિશે એના ભાઇ અને પપ્પા સામે કેસ કર્યો છે તે વાત કેમ અમારાથી છુપાવી? મને પેપરમાં છપાયા પછી ખબર પડે? ઇટસ એમ્બ્રેસિંગ! ડોન્ટ યુ થિન્ક કે આવડી મોટી ઘટના બની હોય મારા જ ઘરમાં અને મને જ ન ખબર હોય?‘ અતુલ નાણાવટીના અવાજમાં ભારોભાર નારાજગી હતી. કૌશલને કેમ બચાવ કરવો તે સમજાયું નહીં અને એણે બધો વાંક કશિશ પર ઢોળી દીધો.

‘ડેડ...મને એમ હતું કે કશિશ કેસ કરશે પછી બધી લીગલ પ્રોસેસ જોઇને એને અહેસાસ થશે કે એ ખોટું કરી રહી છે. એટલે કેસ પાછો ખેંચી લેશે...ઇનફેક્ટ મેં એને કેસ કરવાની ના જ પાડી હતી. પણ એ માની નહી! વ્હોટ કેન આઇ ડુ?‘

‘યુ શુડ કન્ટ્રોલ યોર વાઇફ! તારામાં એટલી પણ તાકાત નથી કે તું કશિશને અટકાવી શકે?‘

ડેડના આ શબ્દો કૌશલના દિલની આરપાર નીકળી ગયા. ડેડના મનમાં પોતાની કેવી છાપ છે એના ખ્યાલે એને શરમિંદો બનાવી દીધો.

‘ડેડ...એવું નથી પણ કશિશ...!‘

‘નો પણ ને બણ...તારી મોમ આટલાં વર્ષો થયા તો ય મારી ના હોય તે કામ કરતી નથી. અને કશિશ આટલી મોટી એક્શન લે ને તું ચૂપચાપ જોયા કરે? ડિસ્ગસ્ટિંગ!‘

કૌશલ ચૂપચાપ એમનો ઠપકો સાંભળતો રહ્યોં. પોતાનો બચાવ કરવા માટે હવે કશું બાકી રહ્યું ન હતું. જિંદગીમાં આવી શરમજનક પરિસ્થિતિ કદીનો એણે સામનો કર્યો ન હતો. એ કશું કહે તે પહેલાં સામેથી અવાજ આવ્યો,

‘લિસન કેરફૂલી! જે થઇ ગયું તે થઇ ગયું...હવે બીજે કશે મિડિયામાં આ વિશે કશું નહીં આવે તે હું મેનેજ કરી લઇશ...પરંતુ આજે જ કેસ પાછો ખેંચાઇ જવો જોઇએ. નાણાવટી ફેમિલિનું નામ અખબારમાં ઉછળે તે મને પસંદ નથી. બી અ મેન!‘

કૌશલે હા કે ના કહે તે પહેલાં સામેથી ફોન મુકાય ગયો. ડેડએ એના પુરુષત્વને લલકાર્યું તેનું કૌશલને બહુ લાગી આવ્યુ. ડેડ એના માટે આવા શબ્દ વાપરે‘બી અ મેન‘ તેમાં કૌશલને ભારોભાર પોતાનું અપમાન લાગ્યું. કશિશને કારણે એણે આજે આવું સાંભળવું પડ્યું. પોતે કશિશને વધુ પડતી માથે ચડાવી દીધી છે જેન પરિણામ એ ભોગવી રહ્યોં છે. એના મનમાં અતુલ નાણાવટીના શબ્દો ફરી પડાઘાયા,

‘બી અ મેન!‘ કૌશલે જોરથી મુક્કો ઊગામીને ટ્રેડમીલના હેન્ડલ પર માર્યો અને એની પ્રતિક્રયા રુપે એના જ હાથમાં વાગ્યું.

‘માય ફૂટ...! કૌશલે ફરી મુક્કો માર્ય અને ફરી એને વાગ્યુ. કશિશ સાથેના સંબંધ આવા જ છે જેમાં એને જ લાત વાગે છે. કૌશલ બરાબર ઉશ્કેરાય ગયો હતો અને તે જ સમયે કશિશ જીમમાં પ્રવેશી. એને જોઇને જ કૌશલને ડેડના શબ્દો યાદ આવ્યા, અને એ બરાડ્યો,

‘હજુ શું બાકી રહી ગયું છે તે અહીં તું મારી લોહી પીવા આવી છે? ગેસ્ટ લોસ્ટ!‘

‘લિસન...!‘ કશિશે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ કશું બોલે તે પહેલાં જ કૌશલે એને અટકાવી,

‘નો...હું કશું જ નહીં સાભંળુ.....પહેલાં કેસ પાછો ખેંચ પછી જ તું કહે તે સાંભળીશ! સમજી!‘ કૌશલના આવા તોછડા અને નિર્દય વલણથી કશિશની સ્થિતિ કફોડી થઇ ગઇ. એ સમજતી હતી કે જે થયું તે બહુ જ ખોટું થયું. પણ કૌશલ એનો પતિ છે, એનો હમસફર! એણે આવી ક્રૂર રીતે વર્તન કરવાના બદલે મુશ્કેલ સમયમાં મદદ કરવી જોઇએ. એના બદલે આવી ખોટી જીદ્દ પર અડી જાય તે કેવું?

થોડીવાર માટે નાસીપાસ થઇ ગયેલી કશિશે પાતાના મનને સમજાવવાની કોશિશ કરી. માણસને અણધાર્યું દુ;ખ ઝીલવાનું આવે તો એ કદાચ આટલો બેબાકળો થઇ જાય. આટલાં વર્ષોના અનુભવ છે, કૌશલે આવું વર્તન કદી કર્યું નથી તો એને ફરી સમજાવવાનો પ્રયત્ન કરી લેવો. કદાચ એ સમજી જાય.

‘ધ્યેયને હતું કે મારા કેસને હાઇપ મળે તો કેસને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એટલે એણે છાપામાં મેટર આપ્યુ હતું પણ એને ખ્યાલ ન હતો કે એડિટર આજે છાપશે.‘ કશિશને હતું કે એની ચોખવટથી કૌશલનો ગુસ્સો થોડો ઓછો થશે. પણ ધ્યેયના નામ અને કામે બળતાંમાં ઘી ઉમેરવાનું કામ કર્યુ.

‘ગ્રેટ.....વાહ...વાહ...દોસ્ત હો તો એસા!‘ કૌશલે જોર જોરથી તાલી પાડી. કશિશ ડઘાયને એને જોઇ રહી. ઘણીવાર સાચી હકીકત કસમય પર કહેવાય તો એની અસર વિપરિત જોવા મળે. બસ કશિશ સાથે આજે આ જ થઇ રહ્યું હતું. જે વાત અત્યારે ન કહેવી જોઇએ તે જ એણે કહી દીધી. વિપરીત કાળે વિપરીત બુધ્ધિ!

‘એક કામ કર! ધ્યેયને કહે કે ન્યુઝચેનલમાં પણ ખબર આપી દે. એટલે આખા દેશમાં તારો વટ પડી જશે. અને નાણાવટી પરિવારનું ય નામ મોટું થશે. ધ નાણાવટીસ ઓન ફ્રન્ટ પેઇજ!‘

કૌશલના કટાક્ષથી કશિશનું દિલ લોહીઝાણ થઇ ગયું. હા, એ જાણતી હતી કે આ ઘટનાથી કૌશલ હર્ટ થયો હશે પણ આવી રીતે વર્તશે એ એની કલ્પના બહારની વાત હતી. એને સમજ પડતી ન હતી કે કૌશલ આટલું બધું ઓવરરિએક્શન કેમ કરે છે? હવે શું કરવું?

આજ સમયે ધ્યેય આવ્યો. કર્ટસી પ્રમાણે ધ્યેય એ બન્નેની રજા લઇને આવ્યો હોત. વળી આમ તો બીજા કોઇ સંજોગ હોત તો ધ્યેયએ પતિ–પત્ની વચ્ચે પડવાનું મુનાસિબ માન્યું ન હોત. પણ આજની પરિસ્થિતિ માત્ર એને કારણે સર્જાય છે. એને કારણે એકબીજાને અપાર ચાહતા પતિ–પત્ની એકબીજા સામે શંકા કરી રહ્યાં છે. એટલે જ કશિશ અને કૌશલને પરિસ્થિતિ સમજાવવી જોઇએ તે એવું માનતો હતો. પણ એ કશું કહે તે પહેલાં એને જોઇને કૌશલ એને ય આવતાંવેંત અડફેટે લીધો.

‘પધારો પધારો વકીલ સાહેબ...તમે તો યાર આજની પાર્ટીમાં ચાર ચાંદ લગાવ્યા!‘ ધ્યેયને આવતાંવેંત કટાક્ષથી નવાજીને કૌશલ ગુસ્સા અને આવેશમાં એ ભાન ભૂલી ગયો હતો કે એ સમજદારીની લિમિટ ક્રોસ કરી રહ્યોં છે.

‘ઇનફ કૌશલ....આ રીતે તું ધ્યેયનું અપમાન કરે તે યોગ્ય નથી. એણે જે કર્યું તે મારા માટે કર્યું હતું.‘ પતિ–પત્નીની લડાયમાં ધ્યયેનું અપમાન થયું એટલે કશિશે એનો બચાવ કર્યો. પરિસ્થિતિ ઘણીવાર માણસને ભાન ભૂલાવી દેતી હોય છે પણ ઘણીવાર તે આત્મઘાતી પુરુવાર થાય છે.

‘અચ્છા! તારા માટે કર્યું પણ બદનામ તો અમે થયાને? નાણાવટી પરિવાર શંકાના દાયરામાં! આજ હેડલાઇન છપાય છે ને?‘ કૌશલના સવાલનો જવાબ કશિશ પાસે ન હતો. પણ એને ‘અમે બદનામ થયા‘ એવા કૌશલના શબ્દો ખૂંચ્યા. આખરે એ ય નાણાવટી પરિવારની સભ્ય છે અને કૌશલ એને હવે પોતાના પરિવારની સભ્ય પણ ગણતો નથી?

‘કૌશલ...મેં માત્ર મેટર મોકલાવ્યું હતું. તારા પરિવારનુ તો નામ પણ એમાં ન હતું .એ લોકોએ આખી વાતને ટ્ટવિસ્ટ કરીને છાપી છે...નાણાવટી ફેમિલિને બદનામ કરવાનો મારો કોઇ ઇરાદો ન હતો.‘ ધ્યેયએ વિગતવાર ખુલાસો કર્યો જેથી કૌશલનો ગુસ્સો ઓછો થાય.

‘ઓહ...રિયેલી? માત્ર તારા કારણે જ કશિશ કોર્ટે ચડી છે. તે જ એને ચડાવી. ત્યારે જ રોકી હોત તો આજે અમે બદનામ ન થયા હોત! તું અને કશિશ બન્ને આ પાપમાં સરખા ભાગીદાર છો.‘ કૌશલ કશું જ જાણતો ન હતો કે ધ્યેયએ કશિશને કેસ કરતી અટકાવવા માટે કેટલાં પ્રયત્ન કર્યા હતા. પણ આજે આમ ભાન ભૂલીને એણે ધ્યેય પર આરોપ લગાવ્યા તે કશિશને ન ગમ્યું,

‘ધ્યેય જ મને આ પગલું લેતા અટકાવી હતી. એટલે તો એ મારો કેસ નથી લડતો.‘ ધ્યેયનો બચાવ કરતાં કશિશે કહ્યું એટલે કૌશલનું દિમાગ છટ્કયું,

‘એમ? એના બદલે એનો જુનિયર લડે છે....તું મને શું દૂધ પીતો બાળક સમજે છે કે આવો વાહિયાત બચાવ કરે છે? તારા ધ્યેયની બહુ ફેવર કરે છે તો પેલાં બે ટકાના એડિટરને કહે કે એ માફી માંગે. બોલો કરી શકશે તારો ધ્યેય?‘ કૌશલ કશુ જ સમજ્યા વિના બોલતો હતો. એના વાગ્બાણ કશિશના દિલ પર ઘા પર ઘા કરતાં હતા.

‘તારો ધ્યેય‘ ‘તારો ધ્યેય એમ કહીને એ જાણેઅજાણે ધ્યેય અને કશિશના સંબંધ પર સવાલ ઊઠાવતો હતો.

‘એમ કરવું યોગ્ય પણ ન કહેવાય. કૌશલ! એવું કરવાથી કદાચ વધુ બદનામી થાય. અને જે લોકો જાણતા ન હોય તે પણ જાણતા થાય.‘

કૌશલના અસહ્ય આક્ષેપને અવગણીને ધ્યેય પૂરી ધીરજથી કૌશલને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

‘હવે આ બાબતમાં હું કોઇ ચર્ચા કરવા નથી ઇચ્છતો...અને ધ્યેય તું અમારી પર્સનલ મેટરમાં માથું નહીં માર. કશિશ તું કેસ પાછો ખેંચ પછી જ હું તારી સાથે વાત કરીશ! યુ કેન ગો નાવ!‘ રણ મેદાનમાં હારવાની નોબત આવે ત્યારે કાયર લોકો રણ છોડીને ભાગે તમે કૌશલે ય એવું જ કર્યું. એ ફરી કેસ પાછો ખેંચવાની રઢ લઇને બેસી ગયો.

કૌશલે વાત કરવાની ના પાડીને જે રીતે સાવ છેલ્લે પાટલે બેસી ગયો એટલે કશિશ અને ધ્યેયને સમજાય ગયું કે હવે કૌશલ સાથે વાત કરીને સમજાવાનો મોક્કો જતો રહ્યોં છે. બન્ને અસહાય બનીને એકબીજા સામે તાકી રહ્યાં. જાણે બન્ને જીમમાં હોય જ નહીં તમે કૌશલ ટ્રેડમીલ પર દોડવા લાગ્યો. એટલે કશિશ અને ધ્યેય બહાર આવ્યા.

‘અત્યારે એ ગુસ્સામાં છે હું રાતે વાત કરી જોઇશ.‘ કશિશે કહ્યું,

‘ઓ.કે..ટેક કેર...હું જાઉ?‘

કશિશે બોલ્યા વિના હકારમાં માથું હલાવ્યું. ધ્યેય ગયો.

એ આખો દિવસ કશિશે ક્ષુબ્ધ અવસ્થામાં પસાર કરી. જે ઘટના બની હતી તે મગજમાં એટલી હદે છવાય હતી કે એની અસરમાંથી બહાર નીકળવું અઘરું હતું. એમાં ય દાઝ્યા પર ડામ જેવું કૌશલનું બેરુખ વલણ. કૌશલ આખો દિવસ પોતાના રુમમાં ભરાઇ રહ્યો, લંચ કે ડિનર માટે પણ નીચે ન આવ્યો. ઇવન રાતે સુવા માટે પણ બન્નેના કોમન બેડરુમમાં ન આવ્યો અને પોતાના પર્સનલ રુમમાં સુતો તેથી કશિશનું મન વધુ તરડાય ગયું.

સવારે બ્રેક્ફાસ્ટ સમયે કૌશલ આવ્યો એણે કશિશ સામે જોયું સુધ્ધાં નહીં. એટલે બોલવાની તો વાત જ ક્યાં આવે? ચૂપચાપ નાસ્તો કરતો રહ્યો, કશિશે જ પહેલ કરી,

‘આઇ એમ સોરી ફોર એવરીથીંગ!‘ કશિશે એક વધુ પ્રયત્ન કર્યો જેથી પરિસ્થિતિ સુધરે. એ બોલી એટલે કૌશલે એની સામે જોયું અને કહ્યું,

‘કેસ પાછો ખેંચ્યો?‘

કામિની સંઘવી

(ક્રમશ:)