Angat Diary - Ishwar Sparsh in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - ઈશ્વર સ્પર્શ

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

અંગત ડાયરી - ઈશ્વર સ્પર્શ

અંગત ડાયરી
============
શીર્ષક : ઈશ્વરસ્પર્શ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૧૭, મે ૨૦૨૦, રવિવાર

અમુક ઘટનાઓ આપણી ભીતરે અનોખા સ્પંદન શા માટે જગાવતી હશે? નવી નક્કોર નોટબુકના પહેલા જ પાના પર પ્રથમ અક્ષર લખતી વખતેની ક્ષણ કેટલી બધી સુખદ હોય છે, નહીં? પહેલા પગારની નોટો કે ચેક હાથમાં લેતી વખતે, પહેલી વખત કારની ડ્રાઈવિંગ સીટ પર બેસતી વખતે, પહેલી વખત કોઈ સુંદર પાત્ર સાથે આંખો ચાર થાય કે સ્મિતની આપલે થાય ત્યારે રૂંવાડે રૂંવાડા જે થનગનાટ અનુભવે છે એનું વર્ણન શક્ય છે ખરું...? શું આપણી ભીતરે રહેલા ઈશ્વરત્વનો એ સ્પર્શ હશે?

યાદ કરો એ પ્રથમ સ્મિત... એ પ્રથમ ત્રાટક.. એ પ્રથમ સ્પંદન...

‘એક દુજે કે લિયે’ ફિલ્મનું ‘સોલા બરસ કી બાલી ઉમર કો સલામ...’ ગીત તમારા એ મળેલા કે ન મળેલા પ્રથમ પ્રેમને યાદ કરી બંધ આંખે સાંભળી જોજો. આફરીન થઇ જશો, એના એક એક શબ્દ પર! પૃથ્વી પર જેણે પહેલી વખત કોઈને દિલ દીધું હશે એ સમર્પિત વ્યક્તિને, એ પ્રેમભરી પહેલી નજરને, એ યુવાનીના પ્રથમ અહેસાસને, એ વક્ત-ઘડી-સમયને સલામ, સલામ, સલામ.

આદિમાનવની દિનચર્યા આસપાસના પશુની દિનચર્યાથી જુદી ન હતી. જેમ આપણે ગાંઠીયા - ભજીયા ખાઈએ એમ જ આપણા પૂર્વજો શરૂઆતમાં સસલાં - હરણાંને ખાતાં. ગાય-કૂતરાની જેમ જ નિર્વસ્ત્ર રખડતા. વાર્તાઓ કે કાર્ટુનમાં ભલે પ્રાણીઓ સભા ભરતા કે ડિબેટ કરતા દેખાતાં હોય પણ વાસ્તવમાં શેરીમાં રખડતા કુતરાઓને સભ્યતાથી એક ઠેકાણે બેસી સંવાદ કરતા કોઈએ જોયા નથી. એવા આદિમાનવમાંથી કોઈ એકાદ વ્યક્તિએ પહેલી વખત મોટીવેશનલ સ્પીચ આપી હશે એ કેવી હશે? (મને તો લાગે છે કે એને તો કદાચ પ્રેક્ષકોએ ફાડી જ ખાધો હશે. પ્રેક્ષકો!) વર્ષોની મહેનત બાદ પહેલું આદિમાનવ યુગલ ‘લગ્ન’ કરવા તૈયાર થયું હશે એ પ્રથમ લગ્નનો અહેસાસ કેવો હશે? ભૂખ લાગી હોવા છતાં નજીકમાં પડેલા સસલાને જીવતો જવા દઈ ‘અહિંસા’નો પ્રથમ અનુભવ કરનાર એ પ્રથમ વ્યક્તિના દિલો-દિમાગમાં શું સંવાદો ચાલ્યા હશે? મને તો લાગે છે કે આદિમાનવોના નિર્વસ્ત્ર ટોળા કરતા પહેલી વખત જેણે વસ્ત્ર પહેર્યા હશે એ વધુ શરમાયો હશે. પહેલો વહેલો સંત કે ઋષિ બનેલ આદિમાનવ, કે જેણે માનવ્યની આચાર સંહિતાનું પહેલું સ્વપ્ન જોયું હશે એ સ્વપ્નને, એ થયેલી ઈશ્વરસ્પર્શની અનુભૂતિને અને એ પ્રથમ ડાહ્યા - ડમરા - ભલા ભાઈ (કે બહેન)ને જેટલા સેલ્યુટ કરીએ એટલા ઓછા.

કોઈ વિદ્યાર્થી પાસ થાય કે સારા ટકાએ પાસ થાય એ એની, એના પરિવારની અને સ્કૂલની મહેનત. પણ સ્કુલ, સેન્ટર કે બોર્ડ ફર્સ્ટ આવે ત્યારે એમાં ઈશ્વરસ્પર્શનો અહેસાસ હોય. કોઈ વિચારકે કહ્યા મુજબ ક્રિકેટમાં કોઈ બેટ્સમેન પહેલી સિક્સ મારે એ કદાચ અઠેગઠે લાગી ગઈ હોય, બીજી સિક્સમાં એની પ્રેક્ટિસ હોય, ત્રીજી સિક્સમાં આગલી બે સિક્સને લીધે વધેલું ફોર્મ એમાં ભળ્યું હોય, ચોથી સિક્સ વખતે પ્રેક્ષકોની સમૂહ પ્રાર્થના પણ એમાં ભળી હોય પણ પાંચમી અને છઠ્ઠી સિક્સ વખતે ઈશ્વરે એને ઉપાડી લીધો હોય. ખુદ ઈશ્વર એના સ્વરૂપે ઘડીક રમવા માંડ્યો હોય.

માર્ક ઝુકરબર્ગે એના કમ્પ્યૂટર પર બેઠાં-બેઠાં પહેલી વખત ફેસબુકના પ્રોગ્રામની પ્રથમ લીટી લખી હશે ત્યારે એને કલ્પના પણ હશે કે એનો પ્રોગ્રામ વિશ્વ આખામાં ફેલાઈ જવાનો છે? સચિન તેંડુલકરે બાળપણમાં પહેલી વખત બેટ પકડ્યું હશે ત્યારે એને ખબર હશે કે એ એક દિવસ ક્રિકેટની દુનિયામાં ભગવાનની જેમ પૂજાશે? અમિતાભ બચ્ચને પહેલું ઑડીશન આપ્યું હશે ત્યારે એણે વિચાર્યું પણ હશે કે અભિનયની દુનિયામાં એ એક જીવતી જાગતી યુનિવર્સિટી બની જશે?

મિત્રો, જીવનના શરૂઆતના શ્વાસ ભલે તમે અઠેગઠે લીધા હોય, શરૂઆતના દસકાઓ ભલે મહેનતથી પાસ કર્યા હોય, અત્યાર સુધીની સજ્જનતા અને ઈમાનદારી ભલે તમારી સમજણ અને વડીલોના આશીર્વાદથી ટકાવી રાખી હોય પણ હવેનો સમય ઈશ્વરસ્પર્શની અનુભૂતિ કરવાનો છે.

જ્યારથી લોકડાઉન શરુ થયું ત્યારથી વિશ્વ આખાના માનવસમાજને ઈશ્વરત્વની અનુભૂતિ શરુ થઇ ગઈ છે. આવનારા દિવસો-મહિનાઓ-વર્ષોમાં માનવ સમાજને અનેક નવી અનુભૂતિઓ અને આયામોનો સ્પર્શ થવાનો છે. બુદ્ધિ કરતાં શ્રદ્ધા (આઈ રિપીટ, અંધ શ્રધ્ધા નહીં, શ્રધ્ધા) પૂર્વક આવનારા ભવિષ્યને ઉજ્જવળ અને સુખમય બનાવવાની જવાબદારી આપણી સૌની છે. આજે
'અમને નાંખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવી દઈશું બાગમાં,
સર કરીશું, આખરી સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં..’
એ પંક્તિઓને દિલમાં ભરી, નિંદા, બેઈમાની કે ભ્રષ્ટાચારને આવનારા જન્મો પર રહેવા દઈ, આ જન્મે સજ્જનતા અને શિસ્ત પૂર્વક આપણી આસપાસના માનવ સમાજને મૉટિવેટ કરતા રહી, નવું સર્જન, નવું દર્શન અને નવું જીવન જીવવાની દિશામાં પ્રથમ ડગલું માંડશું તો ઈશ્વરસ્પર્શની, કૃષ્ણ કનૈયાની અનુભૂતિ સો ટકા થશે..
બાકી તમે ખુદ સમજદાર છો...
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)