dudhpiti in Gujarati Moral Stories by Nilkanth books and stories PDF | દૂધપીતી

Featured Books
Categories
Share

દૂધપીતી

ઘરમાં આજે બધા ખુશ હતા. દાયણે બહાર આવીને કહ્યું હતું કે, " બે દિવસમાં નિરુને પ્રસવનું દર્દ થઇ જશે!! " નિરુનો આ બીજો પ્રસવ પ્રસંગ હતો. પ્રથમ સંતાનરૂપે તો નિરુને દીકરીનો જન્મ થયેલો હતો જ, ત્યારથી તેની સાસુ કડવીના કડવા ઝેર જેવા મેણાં સાંભળી તેના કાન પાકી ગયા હતા.

એને તો રોજનું હતું કે,

"અભાગણી! મારા ઘરમાં આવી અને મારા ઘરમાંથી સુખ-ચેન જતું રહ્યું. મારા કુળને એક કુળદીપક નથી આપી શકતી. કરમ ફૂટ્યા મારા કે, તારા જેવી કાળમુખીને મારા એકના એક દીકરા સાથે પરણાવી.

પણ બા મારો તો શું દોષ? ભગવાન આગળ મારું શું ચાલવાનું!!

બસ! મુંગી મર! મારી સામે જીભ લડાવે છે, વેતરી નાખીશ આગળ એક શબ્દ બોલી તો....

બસ પછી તો નિરુ બંધ થઈ જતી પણ તેની આંખોમાંથી પાણીની ધારાઓ વહેવા લાગતી. નીરુની દીકરીનું નામ રૂપા રાખ્યું હતું આ નામ નિરુના સસરા એ રાખ્યું હતું. વજેસિંગ નીરુને દીકરીની જેમ રાખતા તેમની હાજરીમાં તો તેની સાસુ કડવી નીરુની સાથે ઝઘડો તો દૂર ઊંચા અવાજમાં બોલી પણ ન શકતા કડવીને આ બહુ જ ખટકતું કડવીને તો રૂપા દીઠીએ ગમતી ન હતું.

કરસન આ કડવીનો લાડકવાયો દીકરો અને નીરુનો પતિ. બાપા સાથે ખેતીનું કામ કરતો, રંગે શ્યામ પરંતુ તેના માથે આ કડવીના હાથ ફરેલા હતા, એટલે તે કડવીનું જ સાંભળતો. નીરુ ને બહુ જ ત્રાસ આપતો કડવી તેના મનની શાંતિ માટે બેઉ માણસ વચ્ચે ઝઘડા કરાવતી અને આનંદ લેતી.

કરસન તેના બાપુના કહ્યામાં રહ્યો ન હતો. તે દારૂની લતે પણ ચડેલો હતો. રોજ રાતે ઘરે આવે એટલે કડવી તેના કાન ભરે અને તે નિરુને ઓરડામાં પૂરી કુટી નાખતો. નીરુ મૂંગા મોઢે બધું જ સહન કરી લેતી, એ એમ વિચારતી કે, દીકરાનો જન્મ થશે તો બધું સરસ થઇ જશે.

રૂપાના જન્મ પછી છ સાત મહિને વજેસિંગને હદયનો દુખાવો ઉપડતા અવસાન પામ્યા, નિરુ માટે તો જાણે માથેથી તેના બાપુનો હાથ ગયો, નીરુને બહુ જ સંતાપ થયો રોઇ રોઇને તેની આંખોએ કાળા કુંડાળા થઈ ગયા..

હવે તો કડવી અને કરસનનો ત્રાસ વધી ગયો હતો. કુમળા ફૂલ જેવી રૂપાને પણ કડવી હેરાન કરતી આમને આમ સમય વીતી ગયો દોઢ-બે વર્ષ જેવું નીકળી ને નિરુને ફરી સારા દિવસો રહ્યા. કડવી તો ખુશ થઈ ગઈ, ખુશીનો પાર ન રહ્યો. મારા કુળનો ચિરાગ આવશે. મારા દીકરાનો જન્મ થશે મારા દીકરાનો વંશવેલો આગળ વધશે.

હવે તો નિરુના સારા દિવસો આવ્યા ઘરનું કોઇ જ કામ કડવી તેને કરવા ના દેતી. નીરુ માટે સારુ સારુ જમવાનું બનાવતી, સારી સારી વાતો કરતી. કરસન પણ નીરુને સાચવવા લાગ્યો. દીકરાની લાલસામાં મા-દીકરાએ નીરુને માથા ઉપર લીધી હતી. ધીમે ધીમે કરતાં સાત મહિના વીતી ગયા. હવે તો કડવી તેની આસપાસ રહેતી તેના ખાટલે બેઠી બેઠી વીંઝણો વીંઝાવતીને બોલતી તારા દીકરાનું નામ આપણે કાનો રાખીશું! આમ સરસ કાના જેવો રૂપાળો હશે, મારા કરસનનો દિકરો.

નિરુને મનમાં બહુ જ ડર રહેતો આટલી સેવા ચાકરી જીવનમાં ક્યારેય તેની સાસુએ કરી ન હતી અને દીકરી આવશે તો! તેવું વિચારીને જ તેનું શરીર ધ્રુજવા લાગતું.

બે દિવસ પુરા થયા ઘરની બહાર કરસન અને કડવી આમથી તેમ આંટા ફેરા મારતા હતા. આજુબાજુમાંથી પણ ઘણા બધા દીકરાના જન્મના સારા સમાચાર સાંભળવા માટે આતુર હતા. ગામનો ઢોલી પણ ઘરની બહાર ઊભો હતો અને દાનની આશા રાખીને બેઠો હતો.
ત્યાં બાળકનો રડવાનો અવાજ આવ્યો બધા જ ખુશ ખુશ થઈ ગયા. જાણે, ઘોર પાનખર પછી વસંતની કૂંપળો ફૂટી હોય એમ ખુશીની લહેર આવી ઢોલી પણ ઢોલ વગાડવા લાગ્યો.

દાયણ બહાર આવી તેના હાવભાવ ચિંતાતુર હતાં.
કડવી બોલી "એ દાયણ બોલ દીકરાનો જન્મ થયો છે ને! મારા કુળનો દિપક આવ્યો છે ને!"

દાયણ નીચું મોઢું રાખીને ઉભી હતી કાંઇ જ બોલી નહીં. કડવી બોલી. " જટ બોલને તુ! શું થયું છે?"
દીકરી જન્મી!! દાયણ બોલી...

અભાગણી!! બીજો સાપનો ભારો આવ્યો! કડવી કડવા વેણ બોલીને લમણે હાથ મૂકી જોરથી પોક મૂકી...

એકદમ સન્નાટો છવાઈ ગયો દીકરાની આશાના વાદળો વિખેરાઈ ગયા હોય એમ બધા જ વિખરાઈ ગયા ગુસપુસ કરતાં હતા કે, "આ નિરુ તો અભાગણી છે." ઢોલી પણ વીલા મોઢે પાછો વળ્યો અને કરમભમરાળી બોલીને નીકળી ગયો..

આમ તો પ્રસવ પછીના બાર દિવસ આદમી માણસ તેના ઓરડામાં જાય નહી. પરંતુ કરસન તો નિરુના ઓરડામાં ધસી ગયો નિરુને પ્રસવની પીડા બહુ જ થઈ હતી એટલે તેની આંખો બંધ થઇ ગઈ હતી, ત્યાં કરસન આવ્યો કરમભમરાળી! નિરુએ આંખ ખોલી પરંતુ બોલવાની હાલતમાં હતી નહી. કરસને તેના પેટ ઉપર ગધેડાની જેમ લાત મારી, નીરુના પેટમાં ખૂબ જ દુખાવો થવા લાગ્યો. તેના શરીરમાંથી ખૂન પડવા લાગ્યું. તેનું શરીર ધ્રુજવા લાગ્યું તેની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું. છતાં કરસનને તેના દર્દને ગણકાર્યું નહીં.

"અભાગણી! નાટક કરે છે. આજે તો તને જીવથી મારી નાખીશ. આ સાપના ભારાને મારે શું કરવાનો? તું મને દીકરો નથી આપી શકતી તો તારે જીવવાનો કોઇ અર્થ જ નથી." કરસન મારતો જાય અને બોલતો જાય, ત્યાં અચાનક નીરુના મોંમાંથી વજેસિંગને યાદ કરતા "એ બાપુ!" ની ચીસ નીકળી ગઈ અને બેભાન નિસ્તેજ થઈ ગઈ રૂપા તો આ બધું જોઈને રડવા લાગી.

કરસન બહાર આવી એની માને શાંત કરવા લાગ્યો થોડીવાર પછી કડવી ઊભી થઈ ઘરના પાછળના ચૂલે લાકડાં ભેગા કરી સળગાવી માથે મોટું કઢાઈ મૂક્યું ને કરસન એ ઘરના પાછળના વગડામાં એક ખાડો ખોદ્યો. કરસન ઘરમાંથી દૂધ ભરેલી બે તપેલીઓ લઈને આવ્યો કઢાઇમાં રેડ્યું. થોડીવારમાં તો દૂધ ધખ-ધખતુ ઊકળવા લાગ્યુ. કરસન નીરુના ઓરડામાં ગયો તેના હૈયામાં એક બાપની લાગણીઓ આજે મરી પરવારી હતી. નીરુ તો બેસુધ થઈને પડી હતી.

આ નવું ખીલેલું ગુલાબનું ફૂલ મધુર નિંદ્રામાં હતું. કરસને તેને હાથમાં લીધું ત્યાં જ તે રડવા લાગી, જાણે તેને ખબર પડી ગઈ હોય કે, તે એક રાક્ષસના હાથમાં આવી ગઇ છે. રૂપા તો રડવા લાગી મા.. મા.. કરવા લાગી. પરંતુ નીરુ એ કાંઈ સાંભળી શકી નહી.

કરસન તેની મા પાસે આવ્યો. દીકરીને કડવીના હાથમાં આપી. કડવી પોતે પણ એક મા હતી તો પણ તેના મોં પર કોઇ લાગણી નહોતી, પ્રેમ નહોતો, બસ એક તિરસ્કારની ભયાનકતાથી એણે એ કૂમળા ફૂલને કઢાઈમાં હોમી દીધું. દીકરીને દૂધપીતી કરી નાખી પળવારમાં આખું કઢાઈ લાલ લોહીના રંગમાં રંગાઈ ગયું.

માના ધાવણની મીઠું અમૃત પીવાના સમયે આ કૂમળા ફૂલને કડવીએ દૂધપીતી નાખી. આ ભયાનક દ્રશ્યો જોઈને તો રૂપા અવાક્ થઇ ગઇ. કરસને કઢાઈમાંથી બધું જ ખાડામાં નાખી અને ખાડો પૂરી લીધો.

સવાર થતાં જ નીરુને ભાન આવ્યું, પોતાની દીકરીને ના જોતા બુમાબુમ કરી. બાને બુમો પાડી મારી દીકરી ક્યાં ગઈ? રૂપાના બાપુ આપણી દીકરી અહીંયા નથી!

ત્યાં રૂપા અંદર આવી. " બેટા રૂપા! તે બહેનને જોઈ હતી" તો રૂપા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી, ડુસકા ખાતી બોલી: " મા મ.. મા દા.. દાદીએ બહેને ગરમ ગરમ દૂધમાં નાખી દીધી.

નહીં.. નહીં... ની હૈયાફાટ ચીસ નિરુના હૈયામાંથી નીકળી
આ શું કર્યુ તમે લોકોએ! આ એક ફૂલ જેવી દીકરીને તમે મારી નાખી, દૂધપીતી કરી નાખી. અરે બા! તમે પણ એક મા છો આવું ઘોર પાપ કરતાં તમારો જીવ કેમ ચાલ્યો??

હા! મારો જીવ ચાલ્યો તે કાંઈ ફુલ નહોતું સાપનો ભારો હતો, અભાગણી! આ એક કાળમૂઈ ઓછી છે, તે તને બીજી જોઈએ છે. કડવી એ ઝેર ઓક્યું

કરસને ફરી તેના પર હાથ ઉપાડ્યો હવે તો આ રોજનું થઈ ગયું હતું ધીરે-ધીરે સમય વીતવા લાગ્યો કરસન અને કડવી નો ત્રાસ દિવસેને દિવસે વધતો ગયો. નીરુ ના હૈયે પડેલા ઘા તો કોઈ ટાઢા ના કરી શક્યું પરંતુ સમયે તેના ઉપર આછી ધૂળની ચાદર ઓઢાડી દીધી હતી.

આજે હવે નિરુને ત્રીજા પ્રસવનો સમય હતો આ વખતે નવે-નવ મહિના તેને શરીરે બહુ જ તકલીફ રહી, તેના શરીરમાં તાકાત નહોતી, ખાવાનું પણ સારું મળ્યું નહતું. છેલ્લે મહિનો ડોઢ મહિનો તેની સાસુ કડવીએ નાછૂટકે તેની થોડી સારસંભાળ રાખી નિરુ એ આ વખતે માં અંબાનું વ્રત કર્યું હતું. તેની બહુ જ આરાધના કરી હતી અને તેની પાસે અન્યાય સામે લડવા માટેની શક્તિ માંગી હતી.

આજે બધા જ ઓરડાની બહાર રાહ જોતા હતા એમ કે, દીકરાના જન્મના સારા સમાચાર આજે તો મળશે જ! કડવી, રૂપા, કરસન અને કડવીની તેના જેવી જ બે ડોશીમિત્ર.

દાયણ બહાર આવી ધીમા સ્વરે કહ્યું: "દીકરી જન્મી!"

બધા ઉપર જાણે ઘોર નિરાશાનો પહાડ તૂટી પડ્યો હોય એમ નેહાકા નાખવા લાગ્યા કડવીની ડોશીમિત્ર બોલી: "કડવી તારી આ વહુ કરમભમરાળી છે, તેની કૂખે દીકરો નહીં જન્મે અને આ કાળમુખીને પણ દૂધપીતી કરી નાખ! એટલે સાપનો ભારો જાય તારા માથેથી..."

કરસન ઉભો થયો. રૂપાને તો જાણે અઢી વર્ષ પહેલાંનુ દૃશ્ય ફરી વખત એની આંખોની સામે તરતું દેખાઈ રહ્યું હતું. કરસને દીકરીને ઓરડામાંથી લીધી નિરુએ તેને રોક્યો પગ પકડ્યા એને કગરવા લાગી રૂપાના બાપુ! મારી દીકરીને દૂધપીતી ના કરો એ તો મા અંબાનો આશીર્વાદ છે.

કરસન નીરુની વાત સાંભળી નહિ તેને તરછોડી નાખી દૂર ભીંત સાથે અથડાઈ, કરસન દીકરીને લઈ બહાર આવ્યો. કડવીએ બહાર બધી જ તૈયારી કરીને રાખી હતી આ વખતે તો રૂપાએ પણ બાપુના પગ પકડે અને બોલે છે. " બાપુ મારી બહેનને એવું ના કરશો બહેન ને છોડી દો."

નીરુ ઊભી થઈ ઓરડામાંથી બહાર આવી ખુંટે ટેગાવેલુ દાંતરડુ હાથમાં લીધું. તેની અંદર આજે જાણે અદભુત દૈવીશક્તિ આવી હોય તેમ રણચંડી બની કરસનની પાછળ દોડી.

"એ કરસન!" ની બૂમ પડી. ઊભો રહી જા નહિતર...
કરસને દીકરી કડવીના હાથમાં આપી કરસન ઉદ્ધતાઈથી બોલ્યો નહીંતર! તું શું કરી લેવાની?
નિરુ એ રણચંડીની જેમ દાંતરડાનો ઘા કરસનની છાતી પર કર્યો કરસનની છાતીમાં ચીરો પડ્યો અને લોહીની સેર છૂટી તે પાછો પડી ગયો..

નીરુના આ રુદ્ર રૂપને જોઈ કડવી થથરવા લાગી.

"બા મારી દીકરી મને આપી દો! નહીં તો આજે મને આ દાતરડાથી તમારું કે તમારા દીકરાનું માથું વાઢતાં વાર નહીં લાગે.

કડવીની નજર હાથમાં રહેલી દીકરી પર પડી તેને ધુંધળુ દેખાવા લાગ્યું તેના આખા શરીરે બળતરા થવા લાગી ફોલ્લા પડી ગયા. નિરુ તેની દીકરીને કડવીના હાથમાંથી લ‌ઈ ઓરડામાં ચાલી રૂપા પણ તેની બહેન આજે બચી ગઈ તેવો હાશકારો કરતી તેની બહેનને જોવા નિરુની પાછળ ચાલી ગઈ.

કરસન ઊભો થયો એની માને ખાટલામાં બેસાડી પણ તેની માંને શરીરે લકવો પડી ગયો. શરીરે ફોલ્લા પડી ગયા, આંખે ધૂંધળું દેખાવા લાગ્યું. કરસન પણ હવે ઘણો ઢીલો પડી ગયો. કરસને ઘણી દવા કરાવી પરંતુ કડવી પર તેની કોઈ જ અસર નાં થઈ

એક દિવસની વાત છે, તેની નાની બહેન અંબાને રમાડતી હતી ત્યાં નીરુ એ રૂપાને બૂમ પાડતા રૂપા અંબાને કડવીના ખાટલામાં મૂકી ઘરમાં ચાલી ગઈ.

ત્યાં દીકરી અંબાનો હાથ કડવીના શરીરને અડ્યો તેના શરીરના બધા જ ફોલ્લાની દૂર થવા લાગ્યા. તેના શરીર પર પડેલો લખવો દૂર થઈ ગયો. કડવીનું હૃદય ગદગદિત થઈ ગયું. તે બેઠી થઇ, અંબાને ખોળામાં લીધી ત્યાં એક દિવ્ય પ્રકાશ જેવું ઉત્પન્ન થયું અને કડવીની ધૂંધળી આંખોમાં તેજ પાછું આવ્યું, તેને એકદમ સ્પષ્ટ અને ચોખ્ખું દેખાવા લાગ્યું જાણે કે, તેણે અંબા દિકરીમાં મા અંબાના સાક્ષાત દર્શન થયા હોય તેવો અનુભવ થયો.
કડવી તો ખાટલામાંથી ઊભી થઈ, અંબાને હાથમાં લઈ ઉછળવા લાગી, રમાડવા લાગી કડવીની આંખોમાંથી પાણીની અશ્રુધારા વહેવા લાગી, તે ગોળગોળ ફરવવા લાગી.

નિરુ અને રૂપા બહાર આવ્યા, કરસન પણ આવ્યો. બધા કડવીને ઊભી થયેલ અને અંબાને રમાડતાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા...

કડવીએ અંબાને ખાટલામાં સુવાડી તેના પગે લાગી નિરુ સામે જોઈ તેની પાસે જ‌ઈ. તેના પગે પડી હાથ જોડીને બોલી. " દીકરી મને માફ કરી દે મારી ભૂલ થઈ ગઈ આતો સાપનો ભારો નથી પણ સાક્ષાત માં અંબાનો અવતાર છે, જો માં અંબા એ મને માફ કરી દીધી હું સાજી થઈ ગઈ હું પાપી અભાગણી આ દીકરીને દૂધપીતી કરવા જતી ગઈ હતી"

કરસને પણ નિરુને હાથ જોડીને બોલ્યો: "હું પણ આ પાપનો ભાગીદાર છું. મને પણ માફ કરી દે."

નિરુ બોલી: " બા! રૂપાના બાપુ! હું તમને માફ નહીં કરી શકું મારી અંદર મા અંબા જેટલી દયા હવે મારામાં રહી નથી. મા અંબાએ તમને માફ કર્યા એ જ બહુ છે."

નિરુ તો અંબાને લઈ ઓરડામાં ચાલી ગઈ અને રૂપા તેની પાછળ હસતી હસતી દોડી ગઈ...