sakha in Gujarati Moral Stories by joshi jigna s. books and stories PDF | સખા

Featured Books
Categories
Share

સખા

સખા

મિત્રનો સબંધ એક એવો અનોખો સબંધ છે જે આ દુનિયાના બધાજ સબંધોથી પર છે. સુખ હોય કે દુ:ખ ગમે તે પરિસ્થિતિ હોય આખી દુનિયા સાથ છોડી દે પણ તે તો હંમેશા પડછાયાની જેમ સાથેજ રહે. મિત્ર બનાવવામાં કોઈ કેટેગરી પસંદ ન થઈ શકે અમીર, ગરીબ, નાત-જાત કંઈજ જોવાનું ન હોય. મિત્રતાજ ધર્મ છે અને મિત્રતા જ અહિં જાત છે. મિત્ર સાથેનો જ એક સબંધ એવો છે જે આપણે જાતે બનાવીએ છીએ બાકીનાં બધા સબંધતો આપણા જન્મથી જ બની જાય છે. મિત્રતા એક સબંધ એવો છે જે સગો ન હોવા છ્તા સગાથી પણ વિશેષ છે. અંકિત ત્રિવેદીનાં મતે “મૈત્રીને ભનિષ્યની ચિંતા નથી , હોય છે તો ફક્ત ચાલુ વર્તમાન કાળ.”
મિત્રતાનો સબંધ એક વિશ્વાસ અને નિષ્ઠાનાં પાયા પર બંધાયેલો સબંધ છે. કોઈ પણ ખુશીની વાતને વહેંચવા માટે મિત્રતો જોઈએ જ. સારા મિત્રોનાં સ્વભાવમાં કેટલીક એકરૂપતા હોય છે તે સિવાય જુદી-જુદી વિશેષતાઓ પણ હોય છે. સાચો મિત્ર જુઠા વખાણ કરીને આપણને ખુશ નથી કરતાં પણ મિત્રને સફળ બનાવવા તેની ખામીઓ વિશે પણ તેને સજાગ કરે છે. વિશ્વાસ, આત્મીયતા અને એકબીજાની સંભાળ લેવાની ભાવના મિત્રતાને મજબુત બનાવે છે. મિસ્કિનનાં મત મુજબ “ ઓરડામાં એકાદ ચિત્ર હોય પુરતું છે, જીવનમાં એકાદ મિત્ર હોય પુરતું છે.”
સાચો મિત્ર તમારા સારા સમયથી વધારે મુશ્કેલ સમયમાં હમેશા તમારી સાથે ઉભો રહે છે કેમકે સારા સમયમાં તો આપણી સાથે બધાજ હોય છે પરંતુ મુશ્કેલ સમયમાં એક સાચો મિત્રજ આપણી પડખે ઉભો રહે છે. સાચી મિત્રતામાં યોગ્ય સમજ, સંતોષની ભાવના, મદદરૂપ થવું અને વિશ્વાસએ ખુબજ જરૂરી છે. ગલી મહોલ્લામાં સાથે રમે, પરીક્ષામાં સાથે બેસીને વાંચે, મોજ મસ્તીમાં સાથ આપે પરંતુ આપણને ક્યારેય ખોટા રસ્તે ન જવા દે એનું નામ સાચો મિત્ર અને એનામાં રહેલી લાગણી એટલે મિત્રતા.
વર્ષોથી છુટા પડ્યા હોય તો ય મળે ત્યારે ઉમળકાભેર મળે તે સાચો દોસ્ત. જો સાચો દોસ્ત અને સારો મિત્ર મળી જાય તો સમજો જીવન સાર્થક થઈ ગયું કેમકે એ સાચો મિત્રજ આપણને પ્રગતિના પંથે આગળ વધવામાં મદદ કરે છે. મિત્ર સહારો નહિ બને પરંતુ વગર સહારે આગળ વધવા માટે આપણને સક્ષમ બનાવશે. દોસ્ત એ નથી જે રોજ ફોન કરે મળવા આવે પણ દોસ્ત તો એ છે જે આપણા ખરાબ સમયમાં સાથે ઉભો રહે અને કહે ચિંતા ન કર હું હમેંશા તારી સાથેજ છું.
સાચી અને ટકાઉ મિત્રતા માટે સારા વ્યકિત બની સાચો મિત્ર બનવું પડે, જેમકે ક્રુષ્ણ અને સુદામા. મિત્ર એટલે તમારું પ્રતિબિંબ , તમારા આત્માનો અવાજ. મિત્ર એવો હોવો જોઈએ જે તમારા શબ્દો કરતાં તમારા મૌનને વધુ સમજે, જ્યારે કોઈ વ્યકિત વિશે જાણવા માંગતા હોઈએ ત્યારે તેના મિત્રો તરફ નજર કરી લેવી. મિત્રતાનો સબંધ ફકત વિશ્વાસ અને લાગણીનાં આધારે ચાલતો હોય છે. દ્રૌપદી અને ક્રુષ્ણ પણ મિત્ર હતાં એટલેજ તો મિત્રતા નિભાવવા ક્રુષ્ણએ દ્રૌપદીનાં ચિર પુર્યા હતાં. તમારી લાગણીઓનાં ધબકારને પામી જાય એ સાચો મિત્ર.
મિત્રતો જીવનનો નશો છે, જે ખાલીપાને હસતાં હસતાં દુર કરે છે. મિત્રતા આપણને નિખાલસતા આપે છે. જેવા છીએ તેવાંજ રજૂ થવું અને જેવા છીએ તેવાજ સ્વીકારી લેવું એજ સાચી મિત્રતા આજના હરીફાઈના સમયમાં મિત્ર વગર જીવનની કલ્પના પણ ના થઈ શકે. જીવનભર આપણે જેનો ઋણ નથી ચુકવી શકતાં એ છે (1) મા (2) માતુભુમિ અને (3) મિત્ર. મિત્રતામાં જ્ઞાતિવાદ જોવા નથી મળતો, સમાજનાં વાડા નથી નડતાં, મિત્રતા કરવી એટલે હથેળીમાં પાણી લેવા જેટલું સરળ પણ મિત્રતા નિભાવવી એટલેએ હથેળીમાં પાણી જાળવી રાખવા જેટલું મુશ્કેલ. મિત્રતા સ્વાર્થી ન હોવી જોઈએ એમાંતો મનમાં પવિત્ર ભાવના અને સાફ દિલ જોઈએ. અંકિત ત્રિવેદીનાં મતે “ દોસ્તી એટલે મીરાનો એક્તારો, નરસિંહની કરતાલમાં સંભળાતો પ્રભાતિયાનો ગુંજારવ”.
મિત્ર નારાજ થશે પણ છોડી ક્યારે નહિં દે. મિત્ર ભગવાનનો દુતજ છે. તમે દુ:ખી હો અને તમને તમારું દુ:ખ કહેવાની સૌથી પહેલી કોઈને ઈચ્છા થાયતે મિત્ર. જે આપણી પીઠ પર હાથ મૂકીને એટલુંજ પૂછે સાચું કહે તો શું થયું છે? અને પોતાની કસમ આપીને પણ સાચું કહેવડાવે અને શાંતિથી સાંભળે અને પછે પીઠ પર હાથ મૂકીને એટલુંજ કહે બધુંજ બરાબર થઈ જશે હું છું ને? એજ મિત્રની મિત્રતા. ચિનુ મોદીનાં મતે “ દોસ્ત તારા દિલ સુધી પહોચ્યા, સ્વર્ગમાં પણ હવે ક્યાં જવું હતું?”

સસ્નેહ અર્પણ
મારાં મિત્રોને