Ek shabd ghayal kare, ek shabd tare - 3 in Gujarati Motivational Stories by SAVANT AFSANA books and stories PDF | એક શબ્દ ઘાયલ કરે, એક શબ્દ તારે. - 3

Featured Books
Categories
Share

એક શબ્દ ઘાયલ કરે, એક શબ્દ તારે. - 3

બધા પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત હોય છે. માત્ર આઠેક વિદ્યાર્થીઓ આવ્યા છે. આજે બધાને બેન્ચના બદલે રાઉન્ડ ટેબલના ફરતે બેસવાની સૂચના હતી. બધાં બેઠા છે. ભણવાનું ચાલુ થાય છે. અને સર ક્યાંક થોડીવાર બહાર જાય છે. બધા વાતો કરતા હોય છે.

ત્યાંજ એક છોકરી શાવેઝ સામે જોઇને બોલી, “જુઓ તો ખરા શાવેઝ આજે કેવો સરસ લાગે છે.” અને શાવેઝના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું. એને તો જાણે જીવનદાન મળ્યું. અરે હું પણ સારો છું!

અપાર ખુશી એના ચહેરા પર છલકાતી. ખૂબ ખુશ થઈ ગયો, આજે વર્ષો પછી આ શબ્દો સાંભળ્યા. કોઈકે તો મને સારો કહ્યો. હવે હું જીવીશ.

દોડતો દોડતો ઘરે જઈને એના રૂમમાં પ્રવેશે છે.. પંખા પર બાંધેલી રસ્સી ફેંકી દે છે. સ્યુસાઇડ નોટ ફાડી નાખે છે. અરે હું તો ખૂબ સારો છું. હવે હું મરવાનો નથી. હું કઈક કરી બતાવીશ! નિરાશાના વિચારોને દૂર કરી વાંચવા બેસે છે. બીજા દિવસે પરીક્ષા છે.

પરીક્ષા પુરી થાય છે, પરિણામ આવે છે – બે વિષયમાં નાપાસ છે. તો પણ નિરાશ નથી થતો. ફરી પરીક્ષા આપી પાસ થાય છે.

B.SC માં એડમિશન લે છે. ત્રણ વર્ષ ઉત્સાહથી ભણે છે. એનું જીવન તદ્દન બદલાઈ જાય છે. અપાર આત્મવિશ્વાસથી ભરપૂર નવા શાવેઝનો જાણે જન્મ થયો.

એ ઘટનાને વર્ષો વીતી ગયા. શાવેઝ એ છોકરીનો ખૂબ આભારી છે જેને એને નવું જીવન આપ્યું. એને શોધવા માટે ઘણો પ્રયત્ન કરે છે પણ એ મળતી નથી. એ તો ગામ છોડીને ચાલી ગઈ છે. એ જમાનામાં મોબાઈલ વોટ્સએપ કે ફેસબૂક ન હતા.

લગભગ ૨૦ વર્ષ સુધી શાવેઝ પ્રયત્ન કરે છે એ છોકરીને શોધવાનો. એને મળીને એનો આભાર વ્યક્ત કરવા કે આજે હું જે કાંઈ પણ છું એ તારા લીધે છું. આજે શાવેઝ એક સફળ બિઝનસમેન છે. પોતાની એકેડેમી ચલાવે છે. હજારો વિદ્યાર્થીઓનું જીવન બદલવામાં એનું ખૂબ મોટું યોગદાન છે. પરંતુ આજે પણ એ પોતાની કારકિર્દીનો શ્રેય એ પેલી છોકરીને આપે છે.

એકવાર ફેસબુક પર એ છોકરી મળી જાય છે. લગભગ વીસ વર્ષ પસાર થઇ ગયા છે. યાદો ધૂંધળી થઈ ગઈ છે. સંસારમાં પડયાં હોય છે બધા. પોતાના પ્રોફેશન અને ફૅમિલીમાં રચ્યાપચ્યા, શાવેઝ એ છોકરીને થેન્ક્યુ કહે છે અને પોતાની આખી વાર્તા કહે છે.. છોકરીને પણ અહોભાવ થાય છે..

શબ્દો જીવનમાં કેવી અસર કરે છે. કોઈક ના કરેલા વખાણ એને નવું જીવન આપી શકે છે.

શુ કર્યું હતું એ છોકરીએ? માત્ર બે સારા શબ્દો કહ્યા કે શાવેઝ આજે ખૂબ સરસ લાગે છે. પરંતુ આ શબ્દોએ કોઈના પ્રાણ બચાવ્યા. જીવન જીવવાનું બળ આપ્યું.


કંઈ કેટલાય શાવેઝ આ દુનિયામાં લાગણીના બે શબ્દોને ઝંખતા હશે. પ્રેમાળ શબ્દો, ખરા હ્રદયથી કરેલા વખાણ કોઈનું જીવન બદલી શકે છે.

માનવીની સૌથી મોટી જરૂરિયાત છે કોઈના પ્રેમને પામવાની. પ્રેમના અભાવે કંઈ કેટલાય બાળકો કિશોરાવસ્થામાં આત્મહત્યાના માર્ગે વળે છે. આપણા દેશમાં કિશોરોની આત્મહત્યા નો દર સૌથી વધુ છે. સતત વડીલો દ્વારા કરાતી ટીકા, બાળકના ગજા બહારની અપેક્ષા એના જીવનને રૂંધી નાખે છે.

નાની ઉંમરમાં માતાને ગુમાવી ચૂકેલા બાળકમાં અસલામતી અને આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે.

જીવન પ્રત્યેનો નકારાત્મક અભિગમ એમને આત્મહત્યા તરફ દોરી જાય છે. જો કોઇના પ્રેમાળ શબ્દો, કાળજી અને કદર મળે તો ચોક્ક્સ તેઓમાં પરિવર્તન લાવી શકાય.

આપણે પણ જયારે મોકો મળે મનભરીને કોઈને સાચા મનથી સન્માન આપીએ, એના વખાણ કરીએ, શુંં ખબર કોઈના સૂકા રણ જેવા હ્રદય પર આ શબ્દો અમીછાંટણા કરી જાય અને એનું જીવન પણ નવપલ્લવિત થઈ જાય!

કાંકરીના માર્યા ન મરીએ વાલા,

મેણાના માર્યા મરીએ......

(સમાપ્ત....)