Sapna advitanra - 61 in Gujarati Fiction Stories by Amisha Shah. books and stories PDF | સપના અળવીતરાં - ૬૧

Featured Books
  • एक कब्र का रहस्य

    **“एक कब्र का रहस्य”** एक स्कूल का मासूम लड़का, एक रहस्यमय क...

  • Kurbaan Hua - Chapter 45

    अधूरी नफ़रत और अनचाहा खिंचावबारिश अब पूरी तरह थम चुकी थी, ले...

  • Nafrat e Ishq - Part 24

    फ्लैट की धुंधली रोशनी मानो रहस्यों की गवाही दे रही थी। दीवार...

  • हैप्पी बर्थडे!!

    आज नेहा अपने जन्मदिन पर बेहद खुश थी और चहक रही थी क्योंकि आज...

  • तेरा लाल इश्क - 11

    आशना और कृषभ गन लोड किए आगे बढ़ने ही वाले थे की पीछे से आवाज...

Categories
Share

સપના અળવીતરાં - ૬૧

"આમ જ માર્યુ હતું ને એને પણ? વીંટી અંદરની બાજુ રાખીને... "

"હેં? "

દાનિશ અવાક્ થઈ ગયો. મેકવાનની માહિતી મેળવવા એની છોકરીને ઉઠાવી તો લીધી, પણ તે ટસની મસ થતી નહોતી. વારાફરતી બધાએ કોશિશ કરી લીધી, પણ કોઇ રિઝલ્ટ ન મળ્યું એટલે તેનો પિત્તો ગયો. એકદમ ગુસ્સામાં તે ગયો હતો એ છોકરી પાસે. આજે પણ એકદમ ઝીણામાં ઝીણી વિગત તેને યાદ હતી એ મુલાકાતની. કેવી રીતે પોતે રૂમમાં એન્ટર થયો, કેવી જોરથી દરવાજો પછાડીને બંધ કર્યો, એ ખુરશીને ઘસડવાનો અવાજ અને પોતાના ચહેરા પર ધારણ કરેલ કઠોરતા... બધુ ભેગા મળીને એક્ઝેટ એવોજ માહોલ સર્જાયો હતો જેવો તે ઇચ્છતો હતો. એ છોકરીના મનમાં ડર એટલી હદે ઘૂસી જવો જોઈએ કે તે પોપટની જેમ બધુ બોલવા માંડે. પણ...

જે રીતે તેણે હાથ ઉગામી એકદમ તેના ગાલની પાસે... તસુભાર જગ્યા છોડી રોક્યો હતો, ત્યારે તેની આંખોમાં ભય તેની ચરમસીમાએ જોઈ શકાતો હતો. પણ જેવો તેણે તમાચો માર્યો... હાથ તેના ગાલને સ્પર્શ થયો, ત્યારે એક ઝાટકા જેવું ફીલ થયું હતું... જાણે કે વિજળીનો હળવો કરંટ...!! અને પછી...

પછી આખું વાતાવરણ ફરી ગયુ. તેની આંખોમાં ભયના સ્થાને કોઇ અલગજ ભાવ સ્થિર થઇ ગયો હતો. એકદમ ઘુંટાઇને નીકળેલા અવાજમાં જે શબ્દો હતા, તે તેની માટે તમાચાથી કમ ન હતા. તેનો હાથ આપોઆપ પાછો ખેંચાઇ ગયો. ઈચ્છવા છતાં તેની સાથે થયેલ નજરનું અનુસંધાન તોડવા પોતે અસમર્થ બની ગયો હતો.

એ છોકરી... એની નજરનો તાપ વધતો જતો હતો, અને અવાજમાં અંગાર...

"કોની વાત કરે છે, છોકરી? "

દાનિશ અંદર સુધી ધ્રુજી ગયો હતો, પણ જે વાત તે એકજ જાણતો હતો એનો ઉલ્લેખ આ અજાણી છોકરીના મોં એ... કંઈ સમજાતું નહોતું.

"એ જ... સોનમ... એનો પણ ગાલ ચિરાઇ ગયો હતો ને! અને પછી ગળું??? "

"તું શું બોલે છે, છોકરી? તું કેવી રીતે ઓળખે છે સોનમને? "

દાનિશે બંને બાવડાં ઝાલી રાગિણીને આખી હચમચાવી નાંખી, પણ રાગિણી... જાણે ફરી એક સ્પાર્ક થયો અને રાગિણી બોલી પડી.,

"શી વોઝ નોટ અલોન હુ ડાઇડ... "

"વ્હોટ ડુ યુ મીન? "

ફરી રાગિણી આખી હલબલી ગઇ, પણ એક ભેદી મુસ્કાન સાથે તેણે પોતાના હોઠ ભીડી દીધા. દાનિશે ઘણી કોશિશ કરી રાગિણીનું મોં ખોલાવવાની, પણ પછી એક અક્ષર પણ ન નીકળ્યો... હારીથાકીને દાનિશ રૂમની બહાર નીકળી ગયો, દરવાજો વધુ જોરથી પછાડીને... અને બીજે દિવસે કોઇક રીતે એ છોકરી - રાગિણી ભાગવામાં સફળ થઇ હતી. ઘણા સમયે આજે ફરી પકડમાં આવી હતી, અને હવે દાદા બનેલો દાનિશ કોઈજ કસર રાખવા માંગતો નહોતો.

જાસૂસ બોબીએ આપેલી માહિતી, ફોટોઝ અને વિડીયો પરથી એટલો ખ્યાલ તો આવીજ ગયો હતો કે રાગિણી કંઈક અલગ છે. અને તેની પાસેથી એવી ઘણી માહિતી મળી શકશે જે ખૂબ કામ લાગશે. પણ, રાગિણી એમનેમ તાબે થાય એવી નહોતી. ડર અને માર તો તે પહેલા પણ અજમાવી ચૂક્યો હતો, હવે વારો હતો પ્રેમનો... રાગિણીના કેયૂર પ્રત્યેના પ્રેમનો... અને દાદાને પૂરો ભરોસો હતો કે આ વખતે તેનો વાર ખાલી નહિ જાય.

***

"કેટલે પહોંચ્યા? "

કેકેના હાથમાં રહેલા પોતાના મોબાઈલની સ્ક્રીન પર ઈમરાનનું નામ જોઈ રાગિણીએ રીતસર તરાપ મારી મોબાઇલ ઝુંટવી લીધો, પણ કેકેના ચહેરા પર નજર જતા સ્પીકર મોડ ઓન કર્યો. ઈમરાનનો સવાલ સાંભળી રાગિણીએ બારી બહાર નજર કરી જોઈ, ત્યા આદિનો અવાજ આવ્યો,

"હજુ મોસ્ટલી દોઢેક કલાક લાગશે. "

આદિનો જવાબ સાંભળી ઈમરાનના અવાજમાં ચિંતાનો વધારો થઇ ગયો.

"પ્લીઝ હરી અપ. મેં એ એમ્બ્યુલન્સનો પીછો કર્યો હતો. એ લોકો અહીં... , એક મોટી શીપમાં હોટેલ બનાવી છે, પણ બધી ગતિવિધિ કંઈક વિચિત્ર જણાય છે. તમે લોકો બનતી ઝડપે આવો. "

"ડોન્ટ વરી. મેં શિંદે સર સાથે વાત કરી લીધી છે. લોકલ પોલીસ પોતાની રીતે ગોઠવાઇ ગઇ હશે અને શિંદે સર પણ પોતાની ટીમ સાથે આવી જશે. ડોન્ટ પેનીક એન્ડ બી સેફ. "

આદિની વાત સાંભળી ઈમરાનને થોડી ધરપત થઈ અને તેણે કોલ કટ કર્યો. એકાએક તેને અહેસાસ થયો કે તેની પાછળ કોઇ છે. તેણે પાછળ ફરીને જોયું તો તેને ઘેરીને ત્રણ વ્યક્તિ, સંપૂર્ણ બ્લેક ડ્રેસમાં સજ્જ, હાથમાં ગન સાથે ત્યાં હાજર હતા. ઈમરાન ભોંઠો પડી ગયો. એમની ગનના ઇશારે તે એ શીપમાં પ્રવેશી ગયો...

***

"હલો, મિસ્ટર કેકે , શિંદે હીઅર. લીસન કેરફુલી. "

ગોવાની સરહદ પર પહોંચ્યા ને કેકેનો મોબાઈલ રણકી ઉઠ્યો. સબ ઇન્સ્પેક્ટર શિંદેનું નામ જોઇ કેકેએ સ્પીકર મોડ પર કોલ રિસિવ કર્યો. શિંદેનો અવાજ સાંભળી આદિના કાન પણ સરવા થયા.

"તમને એક એડ્રેસ મોકલું છું. ત્યાં ઇન્સ્પેક્ટર ડીસુઝાને મળજો. એમની ટીમે એ શીપની ઇન્ફોર્મેશન મેળવી લીધી છે. પ્લીઝ બી કેરફુલ. મને હજુ ત્યાં પહોંચવામાં થોડો સમય લાગશે. ટીલ ધેન, સ્ટ્રીક્ટલી ફોલો ઇં. ડીસુઝાસ ઇન્સ્ટ્રક્શન્સ.. "

રાગિણીના ચહેરા પર ઉચાટ સ્પષ્ટ દેખાઈ આવતો હતો. વીતી રહેલી એક એક મિનિટ તેના માટે અસહ્ય બની રહી હતી. એમાં વળી આ ઇં. ડીસુઝા... તે સમજી શકશે એની વાતને, એની પીડાને, એના સપનાને!!! શું તેની પાસે સમય હતો દરેક વ્યક્તિને અલગથી પોતાની વાત સમજાવવાનો? હવે શું કરવું? તેની નજરમાં લાચારી તરવરતી હતી, પણ જાણે કેકે એ દર્દ પારખી ગયો હોય એમ તેણે આંખોથીજ ધરપત આપી. રાગિણી જાણતી હતી કેકે અને કેયૂર વચ્ચે જોડાયેલા સ્નેહના તાંતણાને... અને કેકેનું સાથે હોવું એજ તેની માટે અત્યારે સૌથી મોટું સાંત્વન હતું.

બંને ગાડી શિંદેએ આપેલ એડ્રેસ પર પહોંચી ત્યારે ઈં. ડીસુઝાએ પોતાની રીતે બધી ગોઠવણ કરી દીધી હતી. કેટલાક ચુનિંદા કમાન્ડોની જાળ એ શીપ ફરતે ગોઠવાઇ ગઇ હતી. બસ, ડીસુઝાનો ઈશારો થાય એટલી વાર... એ લોકો ઓપરેશન શરૂ કરવા ટાંપીને બેઠા હતા. ડીસુઝા શિંદે સાથે સતત કોન્ટેક્ટમાં હતો. ડીસુઝાને પણ પોતાના ખબરી પાસેથી ટીપ મળી હતી દાદાના ગોવા આવવાની... ઘણા લાંબા સમય પછી ડીસુઝાને એક આશા જન્મી હતી, હાથમાંથી છટકી ગયેલ અપરાધીને ફરી ઝડપવાની... એમાંય ગોવા છોડ્યા પછી તો દાદા ઇન્ટરનેશનલ લેવલે ખૂબ સક્રિય અને પહેલા કરતાં પણ વધુ ડેન્જરસ બની ગયો હતો. આ સમયે જો તે દાદાને ઝડપવામાં સફળ થઇ જાય, તો ક્યા કહેને... તેનું પ્રમોશન તો પાક્કું.

ડીસુઝાએ કેકે અને આદિને પોતાનો આખો પ્લાન સમજાવ્યો. પછી એ લોકોને પોતાની ઓફિસ પર જ રહેવા જણાવી પોતે એ શીપ પાસે જવા તૈયાર થયો. કેકેએ અધ્ધરજીવે હા તો પાડી, પણ જેવો ડીસુઝાએ ઓફિસની બહાર પગ મૂક્યો કે રાગિણી બોલી પડી,

"વ્હોટ ઈફ યોર પ્લાન ડઝન્ટ વર્ક? "

ડીસુઝા હજુ ઉંબરામાંજ હતો. તેણે ફરી રાગિણી સામે પ્રશ્નાર્થ નજરે જોયું. અત્યાર સુધી તેણે માત્ર કેકે અને આદિ સાથે જ વાત કરી હતી. તેની ગણતરી મુજબ તેનો પ્લાન ફુલપ્રૂફ હતો. તો પછી આ મેડમ... ડીસુઝાને કંઈ સમજાયું નહિ.

"વ્હોટ ડુ યુ મીન? "

રાગિણીએ પોતાની અંદર ઉમટી રહેલા તોફાનને ખાળવાની કોશિશ કરતા કરતા આદિ સામે જોયું. તે જાણતી હતી કે ડીસુઝાને બધી વાત સમજાવવી અઘરી હતી, પણ આદિ... આદિ કદાચ તેની વાત સમજી શકશે કારણ કે છેલ્લી કેટલીક ઘટનાઓમાં તે પણ હાજર હતો. રાગિણીએ આદિની આંખમાં આંખ પરોવી મક્કમતાથી કહ્યું,

"આઇ હેવ ટુ બી ધેર. નહીંતર અનર્થ થઇ જશે... "

આદિએ પણ તેની વાતમાં પોતાની સંમતિ આપી એટલે કેકેએ પણ ડીસુઝા સાથે જવાની જીદ કરી. સમયના અભાવે ડીસુઝાએ પણ વધુ સમય ન ગુમાવતા તેમને સાથે આવવા મંજુરી આપી. ડીસુઝાના મગજમાં અત્યારે શિંદે સાથે થયેલી વાત રિવાઇન્ડ થઇ રહી હતી. શિંદેએ ખાસ ભલામણ કરી હતી કે રાગિણી કંઈ પણ કહે તો એકવાર એની પર વિચાર જરૂર કરવો.

ડીસુઝાએ પોતાના આગમનની જાણકારી ત્યા રહેલા ચીફ કમાન્ડોને આપી દીધી હતી. બધા એક્શન માટે તૈયાર હતા, પણ એક ગરબડ થઈ ગઈ. ડીસુઝા ત્યા પહોંચે એ પહેલાં જ એ કમાન્ડોની હાજરી છતી થઇ ગઇ. દાદાની અનુભવી આંખોએ અમાસની અંધારી રાત્રે પણ એ કમાન્ડોની હળવી હિલચાલ પકડી પાડી, અને ડીસુઝાના પ્લાન પર પાણી ફરી વળ્યું. એ લોકોએ વિચારેલા છાપો મારવાના પ્લાનને બદલે સામસામે લડાઇની પરિસ્થિતિ ઉભી થઇ ગઇ...

***

"બોસ, લગભગ કલાક પછી પેલાને હોંશ આવી જશે. ઇંજેક્શન આપી દઉં? "

"હંમ્.. "

દાદાની આંખો દૂરબીન સાથે જડાયેલી હતી અને આજુબાજુનું નિરીક્ષણ કરી રહી હતી. ઇંજેક્શન આપવા હોંકારો તો ભણી દીધો, પણ તરતજ તેને રોકી પણ દીધો. શીપની ફરતે થતી હલચલને કારણે દાદાના ચહેરા પર સ્મિતની એક હળવી રેખા ફરકી ગઇ.

"રહેવા દે. હવે એના જાગવાનો સમય થઇ ગયો છે. "

અને પછી દાદાએ બે ટુકડી બનાવી તેમને જરૂરી સુચનાઓ આપી દીધી. અને પછી નિશ્ચિંત થઇ ખુરશીમાં બેઠક જમાવી... એ જ ખુરશી... ડેવિડની ફેવરીટ...