નસીબ......વાર્તા...દિનેશ પરમાર નજર
--------------------------------------------------------------------------
એક બિન્દુ વિસ્તર્યું સરવર થયું,
ચાંચ લીધાં બે તણખલાં,ઘર થયું!
મ્હેકના સાતે સમુદ્રો ખળભળ્યા,
ચાંદની જેવું જ કૈં ઝરમર થયું!
- નયના જાની
--------------------------------------------------------------------------
ચાલુ ગાડીએ ઝીણી આંખે ડ્રાઇવરે, હાઇવે પર લાગેલા બોર્ડ તરફ જોયું. " બાલનંદન અનાથાશ્રમ" પાંચ કિલોમીટર બાકી રહ્યું હતું. ચાલુ ગાડીએ બાજુની સીટ પર બેઠેલા સૂર્યકાંત તરફ જોયું,તેઓ અમદાવાદ થી સવારે નીકળ્યા ત્યારથી જાગતા જ હતા. બન્નેની આંખો મળતા બસ હવે આપણે નજીકજ છીએ તેવો આંખથી સૂર્યકાંતે જાણે ઈશારો કર્યો.
પાછળ ની શીટ પર, થાકીને સૂઈ ગયેલ દંપતી, મોતીલાલ અને લલિતા બેન હાલ જાગી ગયા હતા. પાછળ, તેમની તરફ ફરી સૂર્યકાંત બોલ્યા, "આપણે આવી પહોંચ્યા છીએ, હવે થોડીક વાર માં આપણે પહોંચશું."
બન્ને જણા એ મંદ હાસ્ય સાથે ડોક હલાવી,
થોડી વાર પછી, આગળ ક્રોસ રોડ પર જમણી તરફ વળવા, ચંદ્રકાંતે જણાવ્યું. હાઇવે થી અંદરના ભાગે લગભગ અડધો કિલોમીટરના અંતરે "બાલનંદન અનાથાશ્રમ" ના બોર્ડ સાથેનો દરવાજો દેખાયો.
ડ્રાઇવરે નજીક પહોંચી હોર્ન મારતા, વિકેટ ગેટ ખોલી, સિક્યોરિટી ગાર્ડ, બહાર આવ્યો અને સૂર્યકાંત ને જોતા, અંદર જઈ ગાડી અંદર પાર્કિંગમાં લેવા, મોટો દરવાજો ખોલી નાખ્યો.
*********
અમદાવાદ ખાતે, શાહીબાગ વિસ્તારમાં રહેતા મોતીલાલ લછમન પ્રસાદ અગ્રવાલ ના લગ્ન, તેમના સમાજના જયપુર ના ખુબ મોટા બિઝનેસમેન ભૂરાલાલ અગ્રવાલની દીકરી લલિતા સાથે લગભગ અગિયાર વર્ષ અગાઉ થયા હતા.
મોતીલાલને સારંગપુર, ન્યુ ક્લોથ માર્કેટ માં, વર્ષોથી તેમના બાપ-દાદા દ્વારા જમાવેલો કાપડનો મોટો બિઝનેસ હતો. ખાવા પીવાની કોઈ ચિંતા નહતી, પરંતુ....
શહેરનાં પ્રખ્યાત ગાયનેક તબીબને સમય સમય પર બતાવી , તેમના માર્ગદર્શન અને સૂચનામુજબ વખતો વખત, મોંઘામાં મોંઘી, દવા અને ટ્રીટમેંટ કરવા છતાં, વળી સાધુ, મહારાજ, જ્યોતિષી, બાધા આખડી વિગેરેનો આશરો લેવા છતાં, અગિયાર વર્ષ જેવા પૂરતા દાંપત્ય જીવનના સહવાસ માં,કોઈ બાળક પ્રાપ્ત ન થતા તેઓ નસીબ પર છોડી શાંત થઈ ગયા હતા....
પરંતુ....
એકવાર એસ જી હાઇવેની હોટલમાં, વેપારીઓ ની ગેટ ટુ ગેધર પાર્ટીમાં, તેમની સાથે ભણતો કૉલેજ કાળનો દોસ્ત સૂર્યકાંતનો ભેટો થયો. ત્યારે બંને આનંદ અને આવેગમાં ભેટી પડ્યા. બીજી આડી અવળી વાતો કર્યા પછી, બાળગોપાલ શું કરે છે? ની વાતચીત થતા, કોઈ પણ પ્રકારના ભાવ ચહેરા પર લાવ્યા વગર, સહજતાથી, મોતીલાલ એટલું જ બોલ્યા, "કાંઈ નહિ."
"એટલે...? હું સમજ્યો ના." સૂર્યકાંત મોતીલાલ ના ચહેરા ને વાંચવાનો પ્રયત્ન કર્યો.
" એટલે એમ કે, નથી... બાળક... નથી." મોતીલાલ બોલ્યા.
"ઓહ... એમ છે....તો એમાં શું? કાંઈ વાંધો નહીં." કહેતા હાથ પકડીને હોટલના કાઉન્ટર સામેના સોફા તરફ લઈ જઈ,સૂર્યકાંતે, મોતીલાલ ને બેસાડ્યા અને પોતે પણ બેઠો.
પછી કાઉન્ટર પાસે ઉભેલા વેઇટર તરફ પાણીનો ઇશારો કરી મોતીલાલ તરફ ફરી બોલ્યા," જો મોતીલાલ મારી વાત ધ્યાનથી સાંભળ, તને ખબર નથી, અરે કૉલેજ કે સ્કૂલમાં મારી સાથે ભણેલા કોઈ મિત્રને ખબર નથી જે આજે તને જણાવું છું. કોઈ અજાણ્યા સ્ત્રી-પુરુષના દેહથી જન્મ મળ્યા પછી કચરા પેટી માં ફેંકાઈ ગયેલા શેર માટીના જીવતા ટુકડા જેવો હું, એક સરકારમાન્ય અનાથાશ્રમમાં, પાળી, પોષી, ઉછરીને મોટો થયો, ભણવાની પહેલેથી ધગશ, એટલે સરકારી સ્કુલમાં, પછી આશ્રમની અને સરકારી મદદથી હાઈસ્કૂલમાં અને પછી સ્વબળે કૉલેજ કરી, બેંકમાં નોકરી મળી.. "
એટલામાં વેઇટર પાણી લઈ આવ્યો અને સામેની ટીપોય પર મૂકી ચાલ્યો ગયો. સૂર્યકાંતે પાણીનો ગ્લાસ ગટગટાવી પાછી વાત આગળ વધારી," મારી સાથે બેંકમાં નોકરી કરતી સરોજ વિશે મને ખાનગીમાં ખબર પડી કે તે પણ મારી જેમ અનાથાશ્રમ માંથી દત્તક તરીકે મેળવાઈને ઉછરી છે, તો હું લાગણીવશ તેની તરફ ખેંચાયો અને મારી સઘળી વાત તેને જણાવતા તે પણ મારા તરફ એક વિશેષ દ્રષ્ટિથી ખેંચાતા, મેં લગ્નનો પ્રસ્તાવ મુકતા જ તેના પાલક માબાપ ખુશી ખુશી, સરોજના સુખમાં ભાગીદાર થવા તૈયાર થઈ ગયા. "
"લગ્ન કર્યા પછી, મેં અને સરોજે નક્કી કર્યા મુજબ, અમે એકમેકના શારીરિક મિલનથી નહીં, પરંતુ માનસિક અને લાગણી સભર એક વિચારથી, અનાથ બે બાળક, અને તે પણ બંને પુત્રીઓ જેની જવાબદારી સ્વીકારી છે. "
" બીજુ આ સિવાય એક કર્મ-યગ્ન ના ભાગરૂપે છેલ્લા કેટલાક સમયથી મેં, ઘણાં બાળક-ઇચ્છુક લોકોને અનાથાશ્રમમાંથી બાળક લેવામાં મદદ કરી છે. " બોલીને સૂર્યકાંત મોતીલાલ તરફ જોઈ રહ્યો.
મોતીલાલ સમજી ગયા કે મિત્ર તેને મદદકરવા માંગે છે, તે સૂર્યકાંત તરફ જોઈ બોલ્યા," આ અંગે તો મેં અને મારા પત્નીએ વિચારવાનું મુકી દીધું છે, પરંતુ આમ છતાં તું અને તારા પત્ની સરોજબેન મારા ઘરે આવો, ત્યાં આપણે સાથે મળીને આ અંગે વિચારીએ." આમ કહીને મોતીલાલે તેમનું કાર્ડ આપી, સૂર્યકાંતનો ટેલીફોન નંબર મેળવી ને છૂટા પડ્યા.
**********
તે પછીના રવિવારે શાહીબાગ ખાતે, મોતીલાલને ત્યાં તેઓ એકઠા થયા. મોતીલાલ અને લલિતા બેન સાથે, સૂર્યકાંત અને સરોજબેન ની દત્તક બાળ લેવા સબંધમાં ખાસી વિશદ ચર્ચાઓ થઈ. ચર્ચાના અંતે તેઓ બાળક લેવા તૈયાર થયા.
સરકારના સમાજ કલ્યાણ વિભાગમાં અને સરકાર માન્ય અનાથાશ્રમ માંથી મોતીલાલ અને લલિતાબેન માટે બાળક દત્તક લેવા,તેઓ શારીરિક રીતે કોઈ ઘાતક કે માનસિક અસાધ્ય બિમારી નથી ધરાવતા તે , તેમની ઉંમર, બલડગ્રૂપ, તેમની સંયુક્ત જંગમ, સ્થાવર મિલકત, તેમનું ફેમીલી બેકગ્રાઉંડ વિગેરે રજૂ કરવાની થતી વિગતો સાથેની ફાઇલ તૈયાર કરવામાં આવી.
ફાઇલ સબમિટ કર્યાને લગભગ મહિનો થયો હશે, ત્યાં પ્રાપ્ત થયેલી વિગતોના આધારે, સૂર્યકાંતે મોતીલાલને ફોન કરીને આશ્રમ જવાનું જણાવ્યું . જે અમદાવાદથી લગભગ ત્રણસો કિલોમીટરના અંતરે હોઈ, સવારે વહેલું નીકળવું પડશે તેમ જણાવી કાર્યક્રમ બનાવ્યો.
******************
" બાલનંદન અનાથાશ્રમ" માં ગાડી પાર્ક કરી,સૂર્યકાંત, મોતીલાલ અને લલિતાબેન અનાથાશ્રમના કાર્યાલય તરફ ચાલવા લાગ્યા કે, ગાડીનો અવાજ સાંભળીને બહાર આવેલા મેનેજર કલ્પનાબેન સૂર્યકાંતને જોઈ બોલી ઉઠ્યા, "આવો... પધારો.."
પોતાની કેબીનમાં દોરી જઈ કલ્પનાબેને બેલ મારી, એટલે એટેન્ડન્ટ ભીખાએ દરવાજો ખોલ્યો. "ભીખા, પહેલા તું પાણી લાવ"
પછી ત્રણે તરફ ફરી બોલ્યા, "શું ફાવશે? ચા કોફી કે ઠંડુ?"
સૂર્યકાંત બોલ્યા, "બેન અમે બધા ચા વાળાજ છીએ, અને અત્યારે ચા ની ઈચ્છા પણ છે.. બરોબર ને? "
ચા પાણી ની ફોર્માલિટી પત્યા પછી કલ્પનાબેન બોલ્યા, " જુઓ હાલ આ સંસ્થા માં બે જ છોકરા છે અને પાંચ દીકરીઓ છે, એક દીકરી તો, પાંચ દિવસ પહેલા જ, હાઇવે થી થોડે આગળ જતા અમદાવાદ તરફના રસ્તે એક ઉજ્જડ ઝાડીમાં રડતી હતી. અને પોલીસની વાન ત્યાંથી પસાર થતા અવાજ સાંભળીને તપાસ કરી અને તેને અહીં સુપ્રત કરી ગયા છે."
દીકરો લેવા માટે આવેલા મોતીલાલ અને લલિતાબેન તરફ જોઈ, સુર્યકાંતને કલ્પનાબેને જઈશું એવો ઇશારો કર્યો ને, બધા બાળકો ના રૂમ તરફ આગળ વધ્યા.
રૂમના દ્વાર પાસે જઈને જોયું તો, મોટા રૂમમાં બે બાળકો રમકડા રમતા હતા, જ્યારે બીજા એક બાળક ને ખોળામાં, ત્યાંની આયાબેન દૂધ પીવડાવતી હતી. બીજું સહેજ મોટું બાળક બેઠા બેઠા બિસ્કિટ ખાતું હતુ. આગળ ના ભાગે ઘોડિયામાં એક પાંચ દિવસ પહેલા જ મળી આવેલી રડતી બાળકીને છાની રાખવા બીજી આયા ઝૂલાવતિ હતી.
કલ્પનાબેને અંદર પ્રવેશી, તેને ઉંચકી લીધી. આયા બહેનો સતર્ક થઈ ગઈ. પછી સુર્યકાંત તરફ ફરી, બાળકો જોવા કહ્યું. મોતીલાલ અને લલિતાબેન દાખલ થઈ ઉભા રહી ને એક પછી એક બંને છોકરાને જોતા હતા,
ત્યાં....
અનાયાસ લલિતાબેનની પંખામાં ફરફરતી સાડીનો છેડો, બાજુમાં જ ઉભેલા કલ્પનાબેને તેડેલી છોકરી ના કોમળ પતંગિયા જેવા હાથમાં આવી ગયો. ને તેની મુઠ્ઠી બંધ થઈ ગઈ, લલિતા બેનનું ધ્યાન તે તરફ જતા, સહજતાથી હસતા હસતા તેમણે, કલ્પનાબેન પાસેથી છોકરીને લઈને તેડી, પછી... શું થયું કે, છોકરી એક્દમ શાંત થઈ ગઈ.
અને લલિતાબેનની હાલત !!!
વર્ષોથી એક ખૂણામાં મુકાય ગયેલ, સિતારના મૌન થઈ ગયેલા તાર પર કોઈ અગમ્ય હાથ ની નાજુક આંગળિયોનો સ્પર્શ થતાં આખીએ સિતાર કર્ણમંજુલ સૂરોથી રણઝણી ઉઠે......
પગથી છૂટી રેત માં ફંગોળાય જઈ ને મૌન થઈ પડેલા નૂપુર પર પ્રથમ વર્ષાબિંદુ ના અવતરણ થી,ધરા સાથે ઘૂઘરી પણ ધ્રૂજીને રણકી ઉઠે...
બસ એમજ...
વર્ષોની ઝંખના ના બંધ પડળના પહાડી થર ભેદીને, વાત્સલ્યનું ઝરણું લલિતાબેન માં સાંગોપાંગ વહેવા લાગ્યું.તેના તનબદનમાં વહાલ નો દરિયો ઉછાળા મારવા લાગ્યો.
તેનાં આંચલમાં પોતાની જાતને સુરક્ષિત જોતી બે કાળી કાળી નવજાત આંખો માં, લલિતાબહેને જે જોયું કે, સ્હેજ વધુ વહાલથી ભીડી તેના શરીર પર વાગેલા કાંટા ના લાલ ટસિયા, ને ઝાડીમાં ચટકેલી લાલ કિડીઓના ડંખ પર વહાલથી હાથ ફેરવતા, નાના લલાટ પર ચુંબન કરતા જ લલિતાબેનની આંખો હર્ષ અને કરૂણા થી છલકાઈ ઉઠી .
તેણે પાછળ ફરી સુર્યકાંત, કલ્પનાબેન અને પતિ તરફ જોયું. તે બધા અપલક નેત્રે આ બધું જોઈ રહ્યા હતા. તેણે મોતીલાલ તરફ જોયું તે ખુશ જણાયા, હવે તે કલ્પનાબેન તરફ ફરી
" બેન... આ.. મારી દીકરી...બની..શ... કે.." એટલું બોલતા તો તેનું હૈયું ભરાય આવ્યું.
કલ્પનાબેન નજીક ગયા, તેમની પીઠ પર હાથ ફેરવી બોલ્યા,
" કેમ નહીં, કદાચ.. તમારા નસીબમાં એ લખાઈ હશે."
**************
મે મહિના ના મધ્ય ભાગની,આગ ઓકતી બપોરે, ભઠિયારાના ભઠ્ઠા પાસે ઉભા હોય તેવી ગરમીમાં , ગીતામંદિર એસ ટી. સ્ટેન્ડમાંથી બહાર આવી, "બાલનંદન અનાથઆશ્રમ" ના બે સેવક સુભાષભાઈ જોષી અને દેવિકાબેન રાવલ,અમદાવાદ આવવા સવારે વહેલા નીકળેલા એટલે, અત્યારે ભૂખ કકડીને લાગી હતી. પણ ગરમીથી એવા કંટાળી ગયા હતા કે સામે ઉભેલી શેરડીના રસની રેંકડી પર જઈ બન્ને જણા બે બે ગ્લાસ ગટગટાવી ગયા..
સામે છાયામાં ગરાકની રાહ જોતા રીક્ષા ચાલકને બુમ પાડી, આવીને રીક્ષાચાલકે પ્રશ્નાર્થ નજરે જોતા, સુભાષભાઈ બોલ્યા, "શાહીબાગ આવશો?"
"શાહીબાગ કઈ જગ્યા એ જવું છે?"
સુભાષભાઈ એ ગજવામાંથી ચિઠ્ઠી કાઢી, જોઈ ને, રિક્ષાવાળા તરફ જોઈ કહ્યું "રાણીસતી માંના સ્થાનક ની પાછળના ભાગે, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય થી આગળ મુખ્ય રોડ પર, શ્રદ્ધા-દિપ કોમ્પ્લેક્ષ ની સામે, અગ્રવાલ હાઉસ છે ત્યાં... "
રિક્ષાના ભાડા-મીટર નો નોબ ફેરવી ઝીરો કરતા, "બેસો" કહેતા જ કીક મારી..દોડાવી મૂકી.
ભાડું ચૂકવી સામેની તરફ દેખાતા જાજરમાન મહેલ જેવા, ભવ્ય બંગલે પહોંચતા જ વિશાળ કમ્પાઉંડ ના દરવાજા પાસે ઝાડ નીચે ખુરશીમાં આરામ કરતો ગાર્ડ ઉભો થઈ ગયો.
તેણે સુભાષભાઈ અને બહેન દેવિકા તરફ પ્રશ્નાર્થ નજરે જોઈ કહ્યું. "કોનું કામ છે?"
સુભાષભાઈ બોલ્યા, " મોતીલાલ અગ્રવાલ...."
બંને ને ઉપરથી નીચે તરફ નિરખી રહેલા ગાર્ડે, વાત કાપતા કહ્યું, "શેઠ તો નથી..."
દેવિકાબેન બોલ્યા, "ભાઈ અમે ત્રણશો કિલોમીટર દૂરથી આવી રહ્યા છીએ. અમે લલિતાબેન હોય તો તેમને મળવું છે."
ગાર્ડ હવે થોડો ઢીલો પડ્યો અને આંખથી ઉભા રહેવાનો ઇશારો કરી, ગેટ પરથી ઇન્ટરકોમમાં વાત કરી, વિકેટગેટ ખોલી કહ્યું, " જાવ..."
સુભાષભાઈ અને દેવિકાબેન અંદર પ્રવેશતા જ જોતા રહી ગયા. મહેલ જેવા બંગલા આગળ વિશાળ, લીલીછમ ઘાસની લોન અને રંગીન ફૂલોના અઢળક કુંડા, કમ્પાઉંડ ને અડીને સમાંતર, ગુલમહોર, ગરમાળો ના રંગીન ફૂલો થી શોભતા હારબંધ વૃક્ષો.....
બગીચો વટાવી કમ્પાઉંડ ની ધારે ધારે, બોગનવેલ અને મધુમાલતી ની છાયામાં ચાલતા બંને, બંગલાના પગથિએ પહોંચ્યા તો ત્યાં, બહાર એક સુંદર કામવાળા બહેન આવકારવા ઉભા હતા.
દિવાનખંડમાં બેસાડી, શેઠાણી આવી રહ્યા છે કહી તે પાણી લેવા ગઈ.
બંને, દીવાનખંડની ભવ્યતાને નિરખી રહ્યા. વિશાલ ખંડ માં સીલીંગ માં લટકતા ઝૂમ્મર, દિવાલ પર કીમતી તૈલ ચિત્રો, ઠેરઠેર મૂકેલા એન્ટિક કીમતી સ્કલ્પચરો, મૂર્તિઓ...
"કેમ છો? જય શ્રી કૃષ્ણ... જય જીનેદ્ર..." લલિતાબેન રૂમમાં પ્રવેશતા જ બોલ્યા.
બંને એ સામે તેજ રીતે પ્રત્યુત્તર આપ્યો. પછી મૂળ વાત પર આવતા સુભાષભાઈ બોલ્યા, "માફ કરજો પણ સરકારી નિયમ અને અમારી સંસ્થાની ફરજના ભાગરૂપે, અમારે, દત્તક બાળકની કેવી કેર, લેવામાં આવે છે તેનું સરપ્રાઈઝ ચેકીંગ કરવાનું હોય છે."
"હા...બરાબર છે.. એક કામ કરો, જમવાનું તૈયાર છે, તમે પહેલા જમી લો"
"આભાર બેન... પણ અમે રસ્તામાં જમવાનું પતાવી ને આવ્યા છે " દેવિકાબેન, સુભાષભાઈ સામે જોઈ, તેમની સંસ્થાની પ્રણાલીને ધ્યાનમાં રાખી જૂઠું બોલ્યા.
એટલામાં કામવાળી બેન ઠંડો ગુલાબનો મિલ્ક-શૅઇક લઈ આવ્યા.
થોડી વાર પછી, લલિતાબેન બંને ને ઈશારો કરી, દત્તક લાવેલી દીકરી, કે જેનું નામ નિયતી પડ્યું હતું તેના અલાયદા રૂમ તરફ લઈ ગયા. ધીરે રહીને તેના રૂમનો દરવાજો ખોલી, અંદરનું દ્રશ્ય જોતા, સુભાષભાઈ અને દેવિકાબેનની આંખો ખુલ્લી જ રહી ગઈ...
નિયતી એસી ની ઠંડકમાં ઘસઘસાટ ઉંઘતી હતી...
લલિતાબેન બોલ્યા, "આ પારણું સ્પેશિયલ છે, ભૂલ થી નિયતી જાગી જાય ને તે હલે તો આ પારણું, ઓટોમેટિક ઝૂલવા નું શરૂ થઈ જાય છે"
બંને આશ્ચર્યથી લલિતાબેન ને સાંભળતા સાંભળતા દીવાનખંડમાં પરત આવ્યા , જરૂરી અહેવાલ તૈયાર કર્યો અને રજા લીધી.
*************
આજથી આશરે છ મહિના પહેલા, હાઇવે પર ની સુમસામ ઝાડીમાંથી, કાંટાઓ ના અને લાલચટક કીડીઓ ના ડંખમાં રીબાઈ ને, તેના દુ:ખથી સતત રૂદન કરતી,દુ:ખપૂર્ણ નસીબ લઈ જન્મેલી બાળકીના નસીબ પર દયા ખાતા, સુભાષભાઈ અને દેવિકાબેન.... ને
બંગલાની બહાર આવતા....જ
અસહ્ય તડકાના કિરણો, કાંટાની જેમ ભોકાંવા લાગ્યા ને ઊની લાહ્ય ગરમી, લાલચટક કીડીઓની જેમ ચટકતા...
શરીર અને મનને શાંતિ અને ઠંડક આપતા કુંજવિહાર જેવા બંગલામાં ઘાઢ નિંદરમાં પોઢેલી, નિયતી ના નસીબને મનોમન યાદ કરતા કરતા,ચહેરા પરનો પરસેવો નેપકિનથી લૂછતા સુભાષભાઈ એ ગીતામંદિર એસ ટી સ્ટેન્ડ તરફ જવા, સામે ઉભેલા રીક્ષા ચાલક ને જોરથી બુમ પાડી.......
**********************************************
પૂર્ણ.....