Angat Diary - Fand in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - ફંદ

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

અંગત ડાયરી - ફંદ

અંગત ડાયરી
============
શીર્ષક : ફંદ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૨૬, એપ્રિલ ૨૦૨૦, રવિવાર

જરા યાદ કરીને કહો તમે છેલ્લે ઘરેથી બહાર ‘રમવા’ ક્યારે ગયેલા? બાળપણમાં લંગોટીયો મિત્ર ઘરના ડેલા પાસે ઊભો રહી બૂમ પાડતો, "મોન્ટુ.. એ મોન્ટુ, ચલ રમવા" એ યાદ કરો. મોટા થયા પછી એ ‘ચલ રમવા’ની બૂમ તો ભૂલાઈ જ ગઈ. એ ક્રિકેટ, કબ્બડી, ચેસ, લૂડો, નવકાંકરી, સાપસીડી, વેપાર, ઇષ્ટો, બેઠી ખો, ઊભી ખો, લંગડી... ઓહોહો. બાળપણની આ રમતો બાળપણમાં આપણને એક અનોખી દુનિયામાં લઇ જતી, જ્યાં મજા હતી, આનંદ હતો, ઉત્સાહ હતો.

બાળપણમા ‘ફંદ’ કરવાની પણ એક અનોખી મજા હતી. પ્રતિસ્પર્ધીની નજર ચૂકવી કૂકરીનું ખાનું કે તાસનું પાનું બદલી નાખતી વખતે જે હોશિયારી કે ચાલાકીનો અનુભવ થતો એનો રોમાંચ સાવ અલગ જ હતો. ‘ફંદ’ કરીને જીતી ગયા પછી બિચારા હારી ગયેલા પ્રામાણિક અને ભોળા મિત્રની દયા પણ આવતી અને છેલ્લે એનો ખુલાસો પણ કરી દેતા અને માફીયે માંગી લેતા અને એ બિચારો ઉદાર દિલે માફ પણ કરી દેતો.

આજે તો આપણને ખબર છે કે રમત પાછળનો મૂળભૂત હેતુ આપણામાં સ્પોર્ટ્સમેનશિપ આવે એટલે કે ઝઝૂમવાની, નિયમપાલનની, હાર પચાવવાની, જીત માણવાની અને અંતે તો આ બધું માત્ર ‘ગેમ’ જ છે એવો સાક્ષીભાવ કેળવવાની વૃતિ વિકસે એ છે, પરંતુ બાળપણમાં આ ભારેખમ શબ્દો કે એના અર્થો તો ખબર નહોતી, છતાં એ બધાની અનુભૂતિ તો ચોક્કસ થતી.

જીતવા માટે કૅપેસિટી એટલે કે ક્ષમતા વધારવી એ મંત્ર રમત પાસેથી શીખવા જેવો છે. માણસ પોતાની કેપેસીટીને હંમેશા અન્ડરએસ્ટિમેટ કરતો હોય છે. અસામાન્ય સંજોગોમાં માણસને પોતાની અસલી કૅપેસિટીની ખબર પડતી હોય છે. કુતરું પાછળ પડ્યું હોય ત્યારે જીવ બચાવવા દોડતો વ્યક્તિ ક્યારેક દોડના કે ઊંચી કુદના વર્લ્ડ રેકર્ડ અજાણતાં જ બ્રેક કરી નાખતો હોય એવું ઘણી વાર બન્યું હશે. પોતાના બચ્ચા માટે સિહ સામેં બાથ ભીડનાર હરણીમાં એટલી બધી હિમ્મત ક્યાંથી આવતી હશે? પરિક્ષા નજીક હોય ત્યારે વંચાતા પ્રશ્નો મોટે ભાગે કેમ યાદ રહી જતા હોય છે? આ અસામાન્ય સંજોગોમાં વ્યક્ત થતી એક્સ્ટ્રા કૅપેસિટી સામાન્ય સંજોગોમાં આપણી અંદર કેમ દબાઈ જતી હશે? એ વાત વિચારવા જેવી છે હોં.

આજ-કાલ પદ, પ્રતિષ્ઠા અને પૈસો કમાવાની રમત જામી છે. જેની કૅપેસિટી વધુ એનું પદ ઊંચું, જેની કૅપેસિટી ઓછી એની પાસે પૈસો ઓછો. જોકે તમે તરત જ કહેશો કે આ વાત ખોટી છે. ઘણી જગ્યાએ નીચી કૅપેસિટી વાળો વ્યક્તિ ઊંચા પદ પર કે વધુ પૈસા કમાતો જોવા મળે છે અને ઘણી જગ્યાએ ઊંચી કૅપેસિટી વાળો માણસ બે છેડા માંડ-માંડ ભેગા કરી રહ્યો હોય છે. બાળપણમાં રમાતી રમતો વખતે જેણે ‘ફંદ’ કરવાનો ગુણ બહુ સારી રીતે ખીલવ્યો હોય એવો વ્યક્તિ નિયમોની ઐસી તૈસી કરીને વધુ પૈસા કમાતો હોય એવું બને. પણ યાદ રાખજો માપસરના કપડાં પહેરવામાં જ આનંદ છે, વધુ પડતા ઢીલા કે ફીટ કપડામાં અન-ઇઝીનેસ ફીલ થયા વિના રહેતી નથી. એટલે કે કૅપેસિટી મુજબના જ પદ પર બેસવામાં મજા છે. કૅપેસિટીથી બહુ ઊંચા કે બહુ નીચા લેવલે ‘હાલત બહુ વિચિત્ર’ થાય છે.

કહે છે કે ભણતર કે જ્ઞાન એ ત્રીજી આંખ છે. એસ.ટી. બસ સ્ટેન્ડ પર ઘણીવાર તમે જોયું હશે. કોઈ અભણ ગામડિયો, બસના બોર્ડ સામે જોઈ, બાજુમાં ઉભેલા ભણેલાને પૂછતો હોય છે, ‘આ બસ ક્યાં જાય છે?’ અભણ અને ભણેલો બંને એક સરખું જોઈ શકે છે. બસ અને બોર્ડ બંનેને દેખાય છે છતાં અભણને એ બોર્ડના શબ્દો ઉકેલાતા નથી. ભણેલો કાળા કે કેસરી શબ્દોને આધારે કહી શકે છે કે આ બસ અમદાવાદ, રાજકોટ કે સુરત જાય છે.

વર્ષો સુધી માનવ જાત સામે ‘સફરજન’ પછાડી પછાડીને કુદરત જે ‘ગુરુત્વાકર્ષણ’નો નિયમ લખતી હતી એ ન્યૂટન સિવાય કોઈ ‘વાંચી’ શક્યું નહીં, એના પરથી એટલું જ સાબિત થાય છે કે કુદરતના અક્ષરો ઉકેલવા માટે આપણું કક્કા-બારાક્ષરીનું અક્ષર જ્ઞાન કામ આવતું નથી. એ માટે જુદી જ ‘કૅપેસિટી’, જુદી જ ‘ભાવદશા’ અને જુદા જ ‘લોજિક’ની જરૂર પડે છે.

અને..
જિંદગીની રમતને ઊંધે કાંધ રમ્યે જતી માનવજાતને આજકાલ કુદરતે એક જુદી જ પરિસ્થિતિમાં મૂકી છે. લગભગ ૩૫-૪૦ દિવસથી આપણે જુદી જ ભાવદશામાં છીએ. રેફરી જેમ મોટી વ્હીસલ વગાડીને ખેલને અટકાવે એમ કુદરતે ‘આપણો ખેલ’ અટકાવ્યો છે. આપણને પણ ખબર છે કે ‘લોકડાઉન’ એ ‘ઉનાળુ વેકેશન’ કરતા જુદી વસ્તુ છે. પણ કુદરત આવડા મોટા ‘બ્રેક’ દ્વારા માનવ જાતને કયો અગત્યનો નિયમ શીખવવા માંગે છે એ હજુ કળાતું નથી.

સૌ વિચારી રહ્યા છે. ફેસબુક-વ્હોટસ્એપ પર મનન-ચિંતન ચાલી રહ્યું છે. એક મિત્રે કહ્યું, ‘એટલી તો ખાતરી થઇ ગઈ કે આ મકાનના માલિક આપણે નથી.' બીજા એકે કહ્યું ‘આ દિવસો બ્લેક ડેઝ નહિ કલરફૂલ સ્પેશ્યલ ડેઝ છે’. એક કહે ‘મારો નાથ ખીજ્યો છે, એટલે ઘરમાં પૂર્યા છે’ તો એક કહે ‘મારો નાથ રીજ્યો છે, એટલે પરિવાર સાથે રહેવાનો અવસર આપ્યો છે.’ મેડીકલ વાળા ‘પ્લાઝમા’ની વાતો કરે છે, કોમર્સ વાળા ‘અર્થતંત્રની’ અને આર્ટસ વાળા ‘ગીત-સંગીત’ની મહેફિલો મૂકી રહ્યા છે. (આ વાક્યને તમારી એકેડેમિક ડીગ્રી સાથે કોઈ સંબંધ નથી)

તમને શું લાગે છે? મને તો લાગે છે ‘ફંદ’ થયો છે. કોઈ કહે છે કે ચીને ફંદ કર્યો છે. કોઈ કહે છે કે વિશ્વના મોટાભાગના દેશો ફંદ પર ઉતર્યા હતા. કોઈ કહે છે કે રાજકારણીઓ-ધનવાનો-આતંકવાદીઓએ ફંદ કર્યા છે. કોઈ ઓફિસના બોસ, સમાજના અગ્રણી, સોસાયટીના ગુંડા કે પરિવારના કોઈ સભ્યનો ફંદ ગણાવી રહ્યું છે. હું, તમે અને આપણે સૌએ ક્યાંક ને ક્યાંક નિયમો, આચાર સંહિતાઓ તોડવાનો ‘ફંદ’ કર્યો છે. હવે, જયારે પકડાઈ જ ગયા છીએ ત્યારે ભીતરે બેઠેલા, આપણી સાથે શ્વાસોચ્છવાસની રમત રમતા ‘શ્રી કૃષ્ણ’ પાસે આપણો ‘ફંદ’ કબૂલી, સોરી કહી એને મનાવી લઈએ તો કેવું?

ધીરે-ધીરે કરતા આપણે લોકડાઉનના અંતિમ દિવસ અને લોકઓપનના પ્રથમ દિવસની નજીક પહોંચી ગયા છીએ. સૌ કૅપેસિટી બહાર રમ્યા છીએ, ખેલદિલીથી રમ્યા છીએ અને ખરું પૂછો તો ફેમિલી સાથે જિંદગીને ખૂબ માણી છે. આ દિવસો યાદ રહી જવાના છે. પેઢીઓ સુધી આ દિવસોની વાતો થવાની છે, કદાચ સિલેબસમાં પણ આ દિવસો ભણાવવામાં આવે. કદાચ આવનારા દિવસોમાં આપણે વર્ષના એકાદ અઠવાડિયાનો ‘સ્વયંભૂ લોકડાઉન’ પાળી ‘લોકડાઉન ઉત્સવ’ તરીકે ઉજવીએ પણ ખરાં.

આજના દિવસથી આપણામાં અને આપણી આસપાસના તમામ લોકોમાં ફંદ-ફ્રી જીવન જીવવાની કેપેસીટી વિકસે એવી પ્રાર્થના..
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)