Preet ek padchaya ni - 59 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રિત એક પડછાયાની - ૫૯

Featured Books
Categories
Share

પ્રિત એક પડછાયાની - ૫૯

આરાધ્યા સ્ટેજ પર આવી રહેલાં વ્યક્તિને જોવાનો પ્રયત્ન કરવાં લાગી. રોશનીની એ ઝબૂક ઝબૂકે એની આંખો અંજાવી દીધી છે... ત્યાં જ જેણે એની સાથે વાત કરી હતી એ વ્યક્તિ પોતે સ્ટેજ પર હતો અને સાથે જ એ વ્હીલચેરવાળી વ્યક્તિ પણ એની સાથે જ સ્ટેજ પર ઉપસ્થિત જોવાં મળી... આરાધ્યાએ કાન સરવા કર્યા ત્યાં જ માઈકમાં અવાજ શરૂં થયો.." હેલ્લો એવરીબડી !! હું છું ડૉ. નયન આહુજા ને આ મારાં ફાધર છે કૌશલ આહુજા..." ત્યાં જ તાળીઓના ગડગડાટથી લોકોએ એમને વધાવી લીધાં..ને હજુયે એ પડઘાં ત્યાં ગુંજી રહ્યા છે ત્યાં ફરી માઈકમાં બોલાયું, " વર્ષો પહેલાં મારાં ફાધર ધંધા માટે થઈને ફોરેન ગયાં હતાં... ત્યાં જ ઘણું કમાયા, મારો ઉછેર પણ ત્યાં જ થયો...પણ પોતાનાં દેશ પ્રત્યેની લાગણી અમને ફરી ઈન્ડિયામાં ખેંચી લાવી. કુદરતની મહેરબાનીથી અહીં મેં મારી હોસ્પિટલ શરૂં કરી હતી થોડાં વર્ષો પહેલાં પણ આજે એ અહીંનાં વિસ્તારમાં પ્રથમ ક્રમે આવતી ધમધમતી હોસ્પિટલ બની ગઈ છે.આ અમારાં વતનની નજીકની જગ્યાએ એક એનાંથી પણ બહું મોટી હોસ્પિટલ બનાવવાનું સપનું છે એ આજે આ જગ્યા મળી જતાં એ બહું જ જલ્દીથી પૂરૂં થશે...અને આ હોસ્પિટલ પણ પેલી હોસ્પિટલની જેમ ધમધમે ને લોકોને બંને તેટલી અધતન સારવાર અહીં જ મળે એવું બહું જ નજીકના ભવિષ્યમાં થશે...!!"

આરાધ્યા મનમાં બબડી, " પણ હોસ્પિટલનું નામ તો કહે ભાઈ ??"

નયન કૌશલનો હાથ પકડતો સ્ટેજ પરથી લોકોનાં અભિવાદનને ઝીલતો નીચે ઉતર્યો. ઘણાં લોકોનું ધ્યાન આટલી પુરૂષોની મેદનીમાં આવેલી એક સુંદર સ્ત્રી પર ગયું.. બધાં કંઈક અજમાવવા પ્રયત્ન કરતાં હોય એવું લાગવા લાગ્યું...પણ આરાધ્યા એ બધી જ વસ્તુને નજર અંદાજ કરતી ત્યાં ઉભી રહી....

***************

ઘનઘોર અંધારામાં અચાનક વરસાદ આવવાં લાગ્યો. અન્વય અને અપુર્વ ચિંતામાં આવી ગયાં. અચાનક અંધકાર છવાવા લાગ્યો. સાથે જ મોટાં કડાકા સાથે વીજળી પણ થવાં લાગી કે જાણે હમણાં જ પડશે...

અપુર્વ : ભાઈ હવે કોઈ અક્ષરો પણ દેખાવા મુશ્કેલ થઈ રહ્યાં છે.... ફક્ત એક કલાક છે આપણે એ બાદ એ સ્થળે પહોંચવા નીકળવું પડતાં જ્યાં આત્મા નયનની મુક્તિ દ્વારા પોતાની મુક્તિ ઈચ્છી રહી છે‌.

અન્વય ગાડીની ડીકીમાંથી એક મીણબતી કાઢીને ચાલું કરી પણ પવન અને ગાજવીજ સાથે વરસાદ એવો વરસી રહ્યો છે કે મીણબતી માંડમાંડ ઝોલાં ખાઈ રહી છે... એમાં પણ અન્વયે હાર્યા વિના વાંચવાનું શરૂઆત કર્યું.


****************

તમારી મંઝિલ હવે બહું દૂર નથી પણ એટલી સરળ પણ નથી. કૌશલને માત કરવો હવે બહું સરળ છે કારણ તે પોતાનાં જ પાપ કર્મોનાં લપેટામાં આવી ગયો છે...તેને ચામડીનું કેન્સર થયું છે અને એ હવે છેલ્લાં તબક્કામાં અને એટલી હદે પ્રસરી રહ્યું છે કે ક્યારે તેનો સુર્ય અસ્ત પામે એ કહી શકવું બહું મુશ્કેલ છે....ઘણી આધુનિક સારવાર પછી પણ એ એટલી હદે પીડાથી રિબાઈ રહ્યો છે કે હવે તે પોતાના મૃત્યુ માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો છે પણ કદાચ હજુંય એક પસ્તાવાના નામે શૂન્ય હોવાથી મૃત્યુ પણ કદાચ તેને તડપાવી તડપાવીને મારવાં ઈચ્છી રહ્યું છે....!!

અપુર્વ : " પણ નયન ?? "

"નયન સજા તો ભોગવી રહ્યો છે પણ એમાં પણ એ પોતાની દાક્તરી શકિતનો ગેરફાયદો ઉઠાવીને કેટલાંય લોકોની જિંદગી બરબાદ કરી રહ્યો છે. એણે એઈડ્સ નામનો રોગ થયેલો છે‌. હજું પણ કોઈને જાણ વિના કેટલાંય સાથે સંબંધો રાખીને એ રોગને ફેલાવી રહ્યો છે....પણ વિદેશમાં જઈને પોતાની આધુનિક સારવાર કરાવતો રહે છે. આ વાતની તેનાં પોતાનાં સિવાય કોઈ જ એને જાણતું નથી... ધીમેધીમે એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાનું શરૂ થવા લાગ્યું છે...એની પત્ની પણ હજું એને જાણી શકી નથી..."

અપુર્વ હવે અધીરો બનતાં બોલ્યો, " ભાઈ હવે જલ્દી કરો...કેન્ડલ બહુ થોડી બચી છે...આપણે જઈશું ક્યાં એ ક્યાં મળશે આપણને ?? ક્યાંય અણીએ ચુકી ન જવાય..
એક વાત કહું ભાઈ, " કોણ જાણે કેમ મને અત્યારે આરાધ્યા બહું યાદ આવી રહી છે... એવું લાગે છે જાણે એને મારી જરૂર છે. મેં તો જાણે આ બધામાં એ શું સ્થિતિમાં છે એ જાણવાં પણ પ્રયાસ નથી કર્યો...હવે મળીશ તો એ મારી સાથે બહું ઝઘડશે...પણ કોણ જાણે મન ગભરાઈ રહ્યું છે કે તે કોઈ બહું મોટી મુશ્કેલીમાં છે અને એ મને બોલાવી રહી છે..."

અન્વય : " તારી લાગણી હું સમજી શકું છું...પણ એ તો ઘરે હશે...આપણી પાસે કોઈની સાથે કોન્ટેક્ટ થાય એવું અત્યારે કંઈ જ નથી. બસ આ એક પુસ્તકની પૂર્ણાહુતિ ને આત્માઓની મુક્તિ એ આપણું જીવન છે કાલ સુધી તો....પછી ખબર નહીં બચીશું તો જોઈશું નહીં તો‌...."

અપુર્વ : " નહીં ભાઈ... એવું ના બોલો. મારે એકવાર આરાધ્યાને મળવું છે...બસ કેન્ડલ બુઝાય એ પહેલાં ઝડપથી નયન સુધી પહોંચવાનું સ્થાન શોધી લઈએ.."

અન્વય કંઈ આગળ શરૂં કરે એ પહેલાં જ મીણબત્તી બુઝાઈ ગઈને ચારેકોર અંધકાર છવાઈ ગયો... બધાં એકબીજાનો હાથ પકડીને બેસી ગયાં...થોડો સમય અજવાળું ક્યાંક દેખાશે એનાં ભરોસે બેસી રહ્યાં...સમય તો કોને ખબર ?? નહોતી હવે મોબાઈલની લાઈટ કે કેન્ડલ બસ કુદરત કોઈ ચમકારો કરે તો થાય.

એકાએક અન્વયનો હાથ લીપીનાં હાથમાંથી આપમેળે છૂટી ગયો...એણે લીપી લીપી બૂમો પાડી...પણ સામેથી કોઈ પ્રતિસાદ ન મળ્યો. ઘનઘોર બનેલાં અંધારામાં કંઈ જ દેખાતું નથી.

અપૂર્વ : "ભાઈ શું થયું ?? ભાભી ક્યાં ગયાં ?? કેમ તમે આમ બૂમો પાડો છો ??"

અન્વય કંઈ બોલે એ પહેલાં જ એકાએક ગાડી જાણે હવામાં ફંગોળાવા લાગી...જાણે પૃથ્વી કોઈ ગ્રહની આસપાસ પ્રદક્ષિણા કરી ન રહી હોય !! જોરજોરથી અટ્ટહાસ્ય રેલાવા લાગ્યું...એ ભયાનક અટહાસ્ય એ બંનેને જ સંભળાઈ રહ્યું છે કે પણ સામાન્ય રીતે બધાંને સંભળાતું હતું એ કોઈને સમજાયું નહીં.

ફરી એક પવનનાં સુસવાટા સાથે ગાડી ફંગોળાઈ ને ધબાક લઈને જાણે જમીન પર પછડાઈ...પડઘમ શાંત થતાં અન્વય અને અપુર્વએ આંખ ખોલી...તો સામે લીપીના શરીરમાં રાશિની આત્માએ પ્રવેશ કરી દીધો છે એવું સ્પષ્ટપણે વર્તાયુ...એ પીળા દાંત, આંખમાંથી લોહી રૂપે બહાર નીકળી રહેલાં આંસુ, લાંબા ભયાવહ નખને બિહામણો બનેલો ચહેરો... ભયંકર અંધારામાં પણ તેનું અડધું શરીર પ્રકાશિત દેખાઈ રહ્યું છે. તે ખડખડાટ હસતાં બોલી, " ખરેખર આજે મારી મહેનત સફળ બનશે એવું લાગી રહ્યું છે... મારાં અને વિવાદનો પ્રેમ મેં અન્વય તારો જોયો...આ જોઈને જ હું લલચાઈ... તું તારાં પ્રેમની ખુશી માટે થઈને કંઈ પણ કરીશ."

અન્વય : "હા બોલો, હવે શું કરીશ હું ?? એક અજવાળું પણ છીનવી લીધું..હવે આ અંધકારમાં હું એ નરાધમ નયન ક્યાં મળશે એ પણ કેમ જાણીશ ?? છેક કાંઠે આવીને ડૂબી જઈશ...પણ મારી લીપીને કંઈ ના કરતાં બસ... હું એ નયનને ક્યાં શોધીશ ?? હવે બસ હું હારી ગયો‌‌...તમારે મને જે કરવું હોય તે કરી દો...મારી લીપીનો દેહ છોડીને એને મુક્ત કરી દો... મેં એને હંમેશાં ખુશ રાખવાનું વચન આપ્યું હતું લગ્નનાં સાત ફેરામાં...." કહેતો અન્વય આજે પહેલીવાર આમ નાનાં બાળકની જેમ રડી પડ્યો.

લીપીમાં રહેલી રાશિની આત્મા અન્વયને આમ બે ઘડી જોઈ જ રહી. આત્માને આમ શાંત જોઈને અપુર્વ ગભરાયો કે કદાચ તોફાન પહેલાંની શાંતિ તો નહીં હોય ને ?? થોડીવાર શાંત રહ્યાં બાદ એ ખડખડાટ હસીને બોલી, " કેમ ગભરાય છે ?? પ્રેમ કરનારાં ડરે થોડાં ?? એકબીજાં માટે પોતાનો જીવ આપતાં પણ અચકાય નહીં..."

"હવે આ પુસ્તકનું આગળ વાંચનની જરૂર નથી. આજે ફરી મહા સુદ પાંચમનો દિવસ આવી ગયો છે. રાત્રિનાં બાર વાગી ગયાં છે. હવે પછીનો સમય મારો છે...મારો અને ફક્ત મારો...તમે મારી સાથે ચાલો.. હું તમને એ નરાધમ પાસે લઈ જઈશ.." કહીને લીપીમાં રહેલી રાશિની આત્મા અન્વયની જ ગાડીમાં ડ્રાઇવર સીટ પર બેસી ગઈ અને ગાડી સ્ટાર્ટ કરી દીધી. ભયાનક અંધકારમાં ગાડી શરું કરતાં અન્વય અને અપુર્વ બંને ગભરાઈ ગયાં...કે હવે શું થશે ?? આ આત્મા હવે આજનાં દિવસે આગળ જોયાં મુજબ બહું જ તાકાતવાન બની જાય છે...એને રોકવી કોઈ પણ રીતે મુશ્કેલ નહીં પણ અશક્ય છે....

અન્વય અને અપુર્વ ગાડીમાં પાછળ બેઠા છે. ગાડી એટલી સડસડાટ કરતી એ અંધારામાં પણ ચાલી રહી છે અન્વય અને અપુર્વને આજુબાજુ કંઈ જ દેખાતું નથી પણ જાણે રોડેરોડ ક્યાં લઈ જાય છે એ સમજાતું નથી... થોડું આગળ ગયાં બાદ અચાનક આગળથી લીપી જ ગાયબ છે.ગાડી એમ જ ચાલી રહી છે‌..ભયાવહ સુનકાર ભરેલાં રોડ પર કોઈ જ દેખાતું નથી. અન્વયે લોકો એ સમજી નથી રહ્યાં કે આ કેવો રસ્તો છે જ્યાં રસ્તો પાકો છે જેમ છતાં એક સ્ટ્રીટ લાઈટ પણ નથી કે એક પણ વ્યક્તિની અવરજવર નથી દેખાતી.

થોડીવાર રસ્તો કપાયાં પછી ખબર નહીં શું થયું કે અન્વય અને અપુર્વ બંનેની આંખો મળી ગઈ. બંને આંખો બંધ કરીને જાણે નિશ્ચિત બનીને સૂઈ ગયાં...ને રસ્તો આપમેળે જાણે મંઝિલ સુધી પહોંચવા માટે વધું ને વધું વેગ સાથે આગળ ધપી રહ્યો છે... થોડીવારમાં જ અચાનક ગાડીને જોરથી બ્રેક એવી આંચકા સાથે લાગી કે અન્વય અને અપુર્વ બંને ઝબકીને ઉઠી ગયાં...તો ગાડીની થોડે જ દૂર એક મોટો પથ્થર દેખાઈ રહ્યો છે... આગળની સીટ પર કોઈ ન દેખાયું. બંને ગભરાતાં ગભરાતાં ગાડીની બહાર નીકળ્યાં. એ સુનકાર ભરેલાં ભયાનક અંધકારમાં આછું આછું અજવાળું પ્રસરી રહ્યું છે... અન્વય આગળની સીટ પર બેઠો ગાડી શરૂં કરવા જાય છે... ત્યાં જ ગાડીમાં પેટ્રોલ ખાલી બતાવે છે. તે ગભરાયો કે હવે શું કરવું.... ગાડીમાં પાછળ ખોલીને જોયું તો અંદર અડધાં સ્પેરપાર્ટ જ ગૂમ છે...

અપુર્વ : "આ ગાડી કેવી રીતે ચાલતી હતી હજું સુધી??...મેઈન એન્જિન જ અંદરથી ગાયબ છે.. પેટ્રોલ પણ નથી"

એ ઠંડીના દિવસોમાં પણ બંને ત્યાં ઉભાં ઉભાં પરસેવે રેબઝેબ થઈ ગયાં છે... ત્યાં જ પાછળથી આ સુમસામ રસ્તા પર હોર્ન સંભળાતાં બંનેએ પાછળ જોયું. તો એક નવીનક્કોર બ્લેક કલરની ગાડી ઉભી છે. ગાડી ચાલું જ છે એમની સામે જ ગાડી ટર્ન પણ લે છે પણ અંદર કોઈ ડ્રાઇવર જ નથી... છતાં એક પુરૂષનો અવાજ આવ્યો, " આવી જાવ..તમારી મંઝિલ મને ખબર છે !! "

અન્વય અને અપુર્વ બંનેએ આજુબાજુ જોયું. પછી એકબીજાની સામે જોયું...કોઈ રસ્તો ન મળતાં બંને એ ગાડીમાં બેસી ગયાં. ગાડી સડસડાટ કરતી ચાલવા લાગી...ફરી એક જોરદાર પવનનો સુસવાટો આવ્યો... આંખો અંજાવા લાગી... એકદમ ચારેકોર ધુમ્મસ છવાઈ ગયું...બંનેની આંખો ખુલી જ નથી શકતી... ઘણીવાર સુધી આમ રહ્યું ગાડી પૂરવેગે ભાગતી રહીને અચાનક એક વીજળી જેવો કડાકો સંભળાયો ને બધું જ શાંત થઈ ગયું....બંને એ આંખ ખોલી તો આ શું ?? આગળ ડ્રાઇવર તરીકે એક સુંદર છોકરોને બાજુમાં રાશિનાં આત્મા સ્વરૂપે રહેલી લીપી...

અપુર્વ : " આ..આ.. ડ્રાઇવર તો ?? પેલાં હતો એ જ...જે જેક્વેલિનનાં ત્યાં હતો...ને આપણને હોસ્પિટલ મુકી ગયો હતો..."

અન્વય : " શિવાય ને ??"

ત્યાં જ લીપી રાશિનાં સ્વરમાં બોલી, " આ મારો શિવાય..."

બંને જણાં એકબીજાનાં હાથમાં હાથ પરોવીને બેઠાં છે...પણ ગાડી તો ચાલી જ રહી છે. ભલે આત્માનાં કારણે પણ પોતાની પત્નીને આવી રીતે બીજાં કોઈની સાથે બેસેલી જોઈને અન્વયે થોડું ખરાબ લાગ્યું..પણ એ બહું સારી રીતે સમજી રહ્યો છે કે આ બધું આત્મા દ્વારા જ ખેલાઈ રહ્યો છે બધો ખેલ...એ ચૂપ રહ્યો...ધસમસતી જતી ગાડીએ એકાએક રસ્તો બદલ્યો ને માર્ગ ફંટાઈ ગયો... મોટાં મોટાં બિલ્ડીંગ, ઓફિસો, ક્લબો, હોસ્પિટલ જેવું બધું જ દેખાવા લાગ્યું ને એક મોટાં 'મધુરજની' નામનાં વિશાળ બંગલા પાસે જઈને ગાડી ઉભી રહી ગઈ....ને હળવેકથી શિવાય અને રાશિની આત્માઓ જાણે કંઈ અંદર પ્રવેશવા ઈશારો કરતી બંગલાના મેઈનગેટ પાસે પહોંચીને અદ્રશ્ય થઈ ગઈ....!!

શું થયું હશે આરાધ્યાનું ?? એ ડૉ આહુજા અને કૌશલને શોધી શકશે ?? શું હશે મધુરજની બંગલામાં ?? ગાડી કેમ અહીં જ ઉભી રહી હશે ?? શિવાય અને રાશિની આત્માઓ ક્યાં ગાયબ થઈ ગઈ હશે ?? અન્વય અને અપુર્વ નયનને પકડી શકશે ?? એનું જીવન ખતમ કરીને રાશિ અને શિવાયની અતૃપ્ત આત્માઓને મુક્તિ આપી શકશે ??
જાણવા માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૬૦

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે...