Kshatipurti in Gujarati Motivational Stories by Author Mahebub Sonaliya books and stories PDF | ક્ષતીપૂર્તિ

Featured Books
Categories
Share

ક્ષતીપૂર્તિ

"ભાઈ મારે મરી જવું છે"

તે ઉદાસ હશે. તે કદાચ રડી રહી હશે પરંતુ વ્હોટસેપના તે મેસેજમાં હું તેની ખાતરી કરી શક્યો નહીં. છતાં પણ મને તેની એ ગમગીની મહેસૂસ થઇ રહી હતી. તેના આંસુઓની મને નિર્જીવ ફોનમાં અનુભૂતિ થઈ રહી હતી. આમ તો હું એને ઘણા સમયથી ઓળખું છું. પરંતુ મેં ક્યારેય પણ તેને જોઈ નથી. હું તેને રૂબરૂ મળ્યો નથી. કે ન તો એની સાથે કોઈ દિવસ ફોન ઉપર વાર્તાલાપ કર્યો છે. અમારો આ સંબંધ છે માત્ર લાગણીનો. એક સાહિત્યકારથી બીજા સાહિત્યકારનો. હું તેને કોઈ સ્ત્રી, કોઈ માં કે કોઈ વિદ્યા પિપાસુ તરીકે નહોતો જાણતો. હું જાણતો હતો તેના સબળ લખાણને, હું ઓળખતો હતો તેના જિંદગી પ્રત્યેના હકારાત્મક અભિગમને, હું ઓળખતો હતો તેની ખુદ્દારીને જે તેના લખાણમાંથી ઉપસી આવે છે. તે સ્ત્રી હતી,તે માં હતી અને એક નવોદિત લેખિકા પણ હતી. તેણે જીવન વિશે જે કંઈ લખ્યું છે, તે મારા હૃદયને સ્પર્શી ગયું છે. અને આજે એવું તો શું થયું કે તેણે મને આવો સંદેશ મોકલ્યો. હું ફોનના પટલને ફંફોસવા લાગ્યો. કદાચ પાછલા દિવસોની કોઈ વાતચીતના આધારે મને તેના કથનનો કોઈ તાળો મળી શકે.

મેં ઘણી મહેનત કરી પરંતુ મારા હાથ કશું ન લાગ્યું. તે હંમેશા મને શુભ સવાર, શુભ રાત્રી એવા ઔપચારીક સંદેશ મોકલતી હતી. મને તેના સાહિત્યને મઠારવું ગમતું હતું. હું એને મદદ કરતો. તેના લખાણને સારા શબ્દોના વાઘા પહેરાવી દેતો. જો કોઈ અયોગ્ય પરિછેદ હોય તો તેનો છેદ કરતો. મને જે યોગ્ય લાગતું તે મારા જ્ઞાન મુજબ તેના માટે સારું કરતો અને બદલામાં તે ખૂબ રાજી થતી. તે મને ભાઈ કહેતી અને ખરા અર્થમાં હું તેને મારી સગી બહેન જેમ માનતો હતો. તેના આવા પ્રકારના કથનનું કારણ મને જરા પણ સમજાયું નહીં. ઉપરાંત મારું મન વ્યાકુળ બની ગયું. મેં આટલા વર્ષના લાંબા ગાળામાં તેને મારી શિષ્યા તરીકે જોઇ હતી. મેં ક્યારેય પણ તેના વ્યક્તિગત જીવનમાં ડોકિયું કર્યું નહોતું. સાચું કહું તો મને તેના નામ સીવાય તેના વિશે કશું જ ખબર નહોતી. મેં તેને જોઈ હોય તો માત્ર તેના ડીપીમાં જ. મેં ક્યારેય પણ તેની પાસે તેની તસવીર જોવા માટે પણ મંગાવી ન હતી. તેના અંગત જીવનમાં શું ચાલી રહ્યું છે તેનો મને ખયાલ જ નહોતો.

હું એકદમ ચિંતાતુર બની ગયો. મને મનોમન એવું મહેસુસ થઇ રહ્યું હતું કે સાહિત્યનો એક ઉભરતો જીવ આમ આવી રીતે અસ્ત ન થવો જોઈએ. મારાથી જે બને હું તને મદદ કરીશ. પરંતુ હું તેને કશું જ બેવકૂફી ભર્યું કરવા નહીં દઉં. મેં ફોન પર ટાઈપ કર્યું
"પહેલા શાંત થઈ જા"
થોડા ક્ષણ બાદ સામે છેડેથી જવાબ આવ્યો
"હું કેવી રીતે શાંત થઈ શકું?"
હું વધારેને વધારે મુંઝાઈ ગયો. મને હવે તેના અંગત જીવનમાં ડોકિયું કરવાની ફરજ પડી. મેં ફરી ટાઈપ કર્યું
"પણ થયું શું છે?"
સામે છેડેથી તરત જ જવાબ આવ્યો.
"મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે. હું હવે થાકી ગઈ છું."
હું ફરી મૂંઝવણમાં હતો. હું એને કેવી રીતે, શું કરીને તેના બંધ થયેલા મનને ખોલી શકું. તે મારા માટે પ્રશ્ન હતો.
મેં ફરી ટાઈપ કર્યું. "તું મને વિસ્તારથી જણાવ, વાત શું છે?"

સામા છેડેથી ખાસ્સા સમય સુધી કશો ઉત્તર મળ્યો નહીં. હું જવાબની રાહ જોઈને મુંઝાયેલો હતો અને કદાચ સામા છેડે તેને પણ મુંઝવણ હશે કે તે વાત ક્યાંથી શરૂ કરે? કદાચ તે પોતાનું અતીત વાગોળવામાં વધારે દુઃખી થતી હશે પરંતુ દુઃખને મહેસૂસ કર્યા વગર સુખની કિંમત નથી સમજાતી.
હું બીજી ક્ષણે ડરી ગયો. કદાચ તેણે કશું આડુ અવળુ તો નહીં કર્યું હોય ને? તે બહુ હિંમતવાળી છોકરી હતી. પરંતુ મોટાથી મોટા જીગરવાળા વ્યક્તિને પણ તોડી પાડવું તે સમય માટે રમત વાત છે. મને તે વાતની ગ્લાની થઈ આવી. કદાચ થોડી ક્ષણોમાં તેનો રીપ્લાય આવે તો મને જગતની સૌથી વધારે ખુશી થવાની હતી. આમ પણ જો તેણે આવું કશું પણ કર્યું હોત તો કાયદાની આંટીઘૂંટીમાં સૌથી પહેલા હું ફસાઈ જાત. કારણકે મૃત્યુ સમયે તેણે સૌથી છેલ્લે મારી સાથે વાત કરેલી હતી. આ વાતથી હું સારી પેઠે વાકેફ હતો. જેથી મારા મનમાં પણ તે વાતનો ભયંકર ભય હતો. છતાં પણ મારું મન તે વાત માનવા તૈયાર નહોતું કે આવી હિંમતવાળી છોકરી કોઈ બીજો વિચાર કરી શકે ભલા? હું ડરના કારણે કેટલાય તર્ક વિતર્ક મારી જાત સાથે કરવા લાગ્યો. હું પણ તે સ્ત્રીની માફક જ વિચારોમાં ખોવાઈ ગયો. મને તેની ચિંતા થતી હતી. તેના દુઃખની લાગણી જાણવા મેં મેસેજ કર્યો હતો. સાથે સાથે મારા મનમાં ભય પણ હતો. જો મેં વિચારેલા બનાવોમાંથી કઈ પણ ઘટે તો મારી જિંદગી ખૂબ જ દુષ્કર થઈ જવાની હતી. છતાં પણ મારા મનમાં એ વિશ્વાસ હતો કે તે એવું કશું નહીં કરે હું ફોનની સ્ક્રીનને જોઈને થાકી ગયો હતો. ખાસ્સો એવો સમય વીતી ચૂક્યો હતો. ન તો કોઈ આવ્યો મેસેજ હતો. ન તો તેના નંબર નીચે 'ટાઈપિંગ' લખેલું આવતું હતું. મને બસ એ જ વાતનો ડર હતો. હું થાકી ગયો અને ડરી પણ ગયો.

મેં દરેક અવઢવનો અંત લાવવા માટે સીધો જ તે સ્ત્રીને પહેલી વાર કોલ કર્યો. કેટલી બધી રીંગ પૂર્ણ થઇ છતાં સામા છેડેથી કોઈએ પણ ફોન ઉપાડ્યો નહીં. મેં બીજી વખત તેને કોલ જોડ્યો પરંતુ તેનું પરિણામ પણ તેવું જ આવ્યું મારા ફોનની રિંગ વાગતી રહી પરંતુ કોઈએ મારા કોલનો જવાબ આપ્યો નહીં, મેં નિરાશા સાથે કોલ કરવાનું બંધ કર્યું મને મહેસુસ થયું કે ન ઘટવાનું કંઈક થઈ ગયું હશે હું ઉદાસ ચહેરે મારા કાઉચ પર બેસી ગયો. કાઉચ આમ તો મોડર્ન, ફેન્સી અને આરામદાયક હતો. છતાં પણ તે અવસ્થામાં મારો આરામ હરામ થઈ ચુક્યો હતો. મને દુઃખ એ વાતનું હતું કે હું મળવા જેવી વ્યક્તિ ને હવે ક્યારે મળી નહીં શકું.

હું સાવ અજબ પ્રકારની અવસ્થામાં હતો. અચાનક મારા ફોનમાં બીપ ટોનનો અવાજ સંભળાયો. હું તરત જ ઉભો થયો અને મેં મારા ફોનને તપાસ્યો. ફોનની સ્ક્રીન જોતાં મને ધરપત થઈ. તે સ્ત્રીનો મેસેજ આવ્યો હતો.
"હું તમારી સાથે શું વાત કરું?" તે મુંજવણ હશે. પણ બસ આટલું વાંચતા જ મારા જીવમાં જીવ આવી ગયો. મેં તરત જ ટાઈપ કર્યું,
"તારે જે કહેવું હોય તે કહેજે. હું તારો અવાજ સાંભળવા માટે રાહ જોઇશ." મેં તરત જ ફરીથી તેને કોલ જોડયો. આ વખતે માત્ર પ્રથમ રીંગ વાગતા તેણે ફોન ઉપાડ્યો. તે કંઈ પણ બોલે તે પહેલાં મેં પૂછ્યું,
"બોલ મારી બહેન, તને શું તકલીફ છે?" મારું વાક્ય તેને આશ્વાસનરૂપ લાગ્યું. તેના હૈયામાં કેટલું બધું ચાલી રહ્યું હતું. તે બહાર નીકળવા મથી રહ્યું હતું અને હું તે સાંભળવા માટે એ ઘડીએ સુસજ્જ હતો. તે સ્ત્રીએ મને પહેલીવાર માંડીને વાત કહી. વાત એમ હતી કે આજથી ૧૦ વર્ષ પહેલા તેના માતા-પિતાએ તેના લગ્ન તેની જ્ઞાતિના એક સારા કુળના છોકરા સાથે કરાવ્યા હતા. બંનેની કુંડળી મળી પરંતુ જીવ ન મળી શક્યા. છોકરાએ છોકરી સાથે સહવાસ તો કર્યો પરંતુ તે તેના હૃદય સુધી પહોંચી ન શક્યો. લગ્નના બે વર્ષ બાદ તે ગર્ભવતી બની. તે નવ મહિનાનો સમય તેના માટે સ્વર્ણિમ કાળ હતો. તેનો પતિ તેની ખૂબ જ કાળજી લેતો. એની સાસુ તેને જરા પણ કામ કરવા દેતી નહીં અને તેની ખૂબ જ સુશ્રુષા કરતી હતી. નવ મહિના આંખના પલકારા માફક વીતી ગયા. એ દિવસ તેને જિંદગીનું સૌથી મોટું સુખ પ્રાપ્ત થયું. સવારની ઉઘડતી કિરણની સાથે તેના ઘરે લક્ષ્મીનો જન્મ થયો. દીકરી બિલકુલ નાક નકશે તેની મમ્મી પર ગઈ હતી. વાન ઉજળો, જીણા જીણા વાળ, મોટી મોટી આંખો,ગુલાબી ગાલ. તેને કોઇપણ જુએ તો તેના પર મરી પરવારે. જાણે કોઈ પરી પરીલોકથી માર્ગ ભૂલીને તેના ઘરમાં આવી ન ગઈ હોય.

દીકરી ધીમે ધીમે મોટી થવા લાગી. જ્યારે દીકરી ચાલતા શીખી ગઈ. જાતે જમતા શીખી ગઈ અને મમ્મી- પપ્પા દાદા- દાદી ને ઓળખતા શીખી ગઈ. ત્યારે એક દિવસ અચાનક તેના પતિએ તેને ઘરમાંથી હાંકી કાઢી. તેણે ન તો તેના ઘરેણા, કપડા કશું સાથે લઈ જવા દીધું કે ન તો તેની દીકરી. આજે તો હદ થઈ ગઈ આટલા વર્ષ સુધી તે એ જ રાહ જોઈ રહી હતી કે ક્યારે તે તેની દિકરીને મળશે. મા અને દીકરી સાથે હળી મળીને પોતાનું જીવન વિતાવશે. પરંતુ આજે ફેમિલી કોર્ટે તેના જીવનનો સૌથી કડવો ફેંસલો સંભળાવ્યો હતો. કોર્ટે તેની દીકરીને તેના પતિ સાથે રહેવાનો હુકમ સંભળાવ્યો અને આની પાસે જીવવાની એક અંતિમ આશા પણ છીનવી લીધી. હવે જીવન તેના માટે નિર્થક હતું. તેને સાંભળવા વાળુ કોઈ નહોતું. તેના પર વ્હાલથી હાથ ફેરવવાવાળુ કોઈ નહોતું. તેને છાની રાખવા વાળુ કોઈ નહોતું. આવા સમયે તેને મારી યાદ આવી.

મેં તેની બધી જ વાત શાંતિપૂર્વક સાંભળી અને તેના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર કર્યો. હું તેનું દર્દ મહેસુસ કરી રહ્યો હતો. કોઈ માં થી તેનું સંતાન અળગું કરવું તે મારા મતે ઘોર અપરાધ છે. પરંતુ જિંદગી કોઈ બહાનાની મોહતાજ નથી. શું કોઈ એક વસ્તુ પર જ આપણું જીવન જીવવાનો મદાર હોય છે. મેં તેને બહુ પ્રેમથી સમજાવતા કહ્યું.

"જિંદગીનો અંત કરવા મોતને તો માત્ર એક બહાનાની જરૂર હોય છે. મરવા માટે એક એક કારણ પૂરતું છે પરંતુ જીવવા માટે તો હજાર કારણો છે. કોઈના મરી જવાથી માત્ર શરીર નથી મરતું. આપઘાત કરવાથી માત્ર એની પીડાનો અંત નથી આવતો. આપઘાત કરવાની સાથે મરે છે મા ની મમતા, પિતા નો પ્રેમ. ભાઈ, બહેન, કોઈ શિક્ષક કે કોઈ સારો મિત્ર એ જીવવાના બહાના છે. તને લાગતું હશે કે તારી જિંદગીમાં હવે કશું જ બાકી નથી રહ્યું. મેં ક્યારેય પણ તારી જિંદગીની અંદર ઝાંકવાની કોશિશ નથી કરી. જેમ મેં ક્યારેય પણ તારી અંગત વાતો નથી જાણી. તેવી જ રીતે તું પણ મારી તમામ બાબતથી અજાણ છો. હું જન્મથી સામાન્ય લોકોથી અલગ છે. મારા શરીરનો કમરથી નીચેનો ભાગ સંપૂર્ણ નિર્જીવ છે, તે સંપૂર્ણ જડ અને અચેતન છે. મારા પગ માત્ર હાડ માસનો અવ્યવ છે. હું મારા પગ વડે ચાલી નથી શકતો મારા હાથથી હું મારા શરીરને ઢસરડું છું. ત્યારે હું એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકું છું. ઉનાળામાં મારા હાથમાં ફરફોલ્લા પડી જાય છે. ચોમાસામાં હું ઘરેથી મારા કામના સ્થળે પહોંચું છું ત્યારે મારા શરીર કરતા કાદવ વધારે પહોંચે છે. મારી જિંદગી સામાન્ય લોકોથી અલગ છે. મારી સમસ્યાઓ સામાન્ય લોકોથી અલગ છે. છતાં પણ હું એટલું જરૂર કહીશ કે સમસ્યાઓ ક્યારે પણ આદમીના આત્મવિશ્વાસથી મોટી નથી હોતી. હું મારા અર્ધનિર્જીવ દેહને લઈને રોજ ચાર માળની ચડ ઉતર કરૂં છે. મને ઈશ્વરે જ્યાં સુધીનું જીવન આપ્યું છે. ત્યાં સુધીનું જીવન હું મારા હાથથી ચાલીને હસતા મુખે મારી સમસ્યાઓ સાથે વિતાવવા તૈયાર છું. બોલ હવે તારે મરી જવું છે?"

સામા છેડેથી ખાસ્સા સમય સુધી કશો ઉત્તર ન મળ્યો. બન્ને તરફ એક ડરામણું મૌન પથરાયેલું રહ્યું. થોડા સમય બાદ મને સામા છેડેથી રડવાનો અવાજ સાંભળાયો. તે ઘણાં સમય સુધી રડ્યા બાદ એક જ વાક્ય બોલી શકી.

"ભાઈ મારે જીવવું છે."

આ છેડેથી મારી આંખોમાં આંસુઓ વણનોતર્યા આવી ગયા. આજે પહેલી વખત મને મારી અપંગતા પર ગર્વ થયો. આજે મને સાચા અર્થમાં લાગ્યું કે મારી ક્ષતીપૂર્તિ થઈ છે !