Hawelinu rahashy - 2 in Gujarati Fiction Stories by Priyanka Pithadiya books and stories PDF | હવેલીનું રહસ્ય - 2

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

હવેલીનું રહસ્ય - 2

લિપ્તા વ્યવસાયે કંપની સેક્રેટરી હતી. એ સામાન્ય પરિવારમાંથી આવતી હતી. એના પરિવારમાં ચાર સદસ્ય હતા : લિપ્તા પોતે, એનાથી ચાર વર્ષ નાનો ભાઈ લક્ષવ, એના મમ્મી હાર્દિબેન અને એના પપ્પા હેતાંશભાઈ. હેતાંશભાઈ બેંકમાં કેશિયરની નોકરી કરતા હતા અને હાર્દિબેન હાઉસવાઈફ હતા. હેતાંશભાઈ સ્વભાવે ઈમાનદાર અને કાર્યનિષ્ઠ. હાર્દિબેન હસમુખા અને બોલકાં. હેતાંશભાઈ અને હાર્દિબેનના આ ગુણો લિપ્તાને વારસામાં મળ્યા હતા. લિપ્તાનો ભાઈ લક્ષવ નાનો હોવાથી ઘરમાં સૌનો લાડકો હતો. એમાં પણ બહેન લિપ્તા તો એને ખૂબ જ લાડ લડાવતી. બંને ભાઈબહેનને ઘડીભર પણ એકબીજા વગર ન ચાલે. લિપ્તા જ્યારે કોઈ પણ કામે બહાર જાય ત્યારે લક્ષવના મોઢે પાંચ પાંચ મિનિટે એક જ સવાલ સાંભળવા મળે, "દીદી ક્યારે આવશે?" એટલે આમ જોઈએ તો લિપ્તાનો પરિવાર સુખી હતો.

જીવનના બધા દિવસો સરખા થોડા હોય છે? લિપ્તાના પરિવાર સાથે પણ કંઈક આવું જ બન્યું. લિપ્તાના પરિવારનું વતન સીતાપર ગામ હતું. આખો પરિવાર આખા વર્ષમાં ત્યાં જાય કે ન જાય પણ લક્ષવને વેકેશન પડતા આખો પરિવાર અચૂક વતનની મુલાકાત લેતો. ત્યાં લિપ્તાના પપ્પાને વારસામાં મળેલું ઘર અને ખેતર હતા. લિપ્તા તથા લક્ષવને ગ્રામ્યજીવન ખૂબ જ પસંદ હતું. સીતાપરમાં એમના ઘણાં સગાંવહાલાં પણ રહેતા હતા. ગામડે જઈને લિપ્તા યુવતીમાંથી એકદમ નાની અને નટખટ બાળકી બની જતી. બંને ભાઈબહેન આખો દિવસ ગામમાં ફરે અને રાત પડતાની સાથે જમી પરવારીને અગાશી પર તારાને નિરખતા નિરખતા પોઢી જાય.

આ વખતે પણ જ્યારે લક્ષવને વેકેશન પડ્યું ત્યારે આખો પરિવાર નીકળી પડ્યો પોતાના વતનના રસ્તે. પણ એમને ક્યાં ખબર હતી કે એમની આ વખતની મુલાકાત એમને કેટલી ભારે પડવાની છે. એ વખતે પણ એ લોકો ગામમાં પહોંચીને બધાને મળીને એમના ગામના ઘરમાં ગયા. મુસાફરીના થાકના લીધે બધા હજી જંપીને માંડ બેઠા જ હતા કે હેતાંશભાઈના બાળપણના મિત્ર હર્ષવભાઈનો ફોન આવ્યો. હેતાંશભાઈએ ફોન ઉપાડ્યો.

"હેલ્લો."

"હેલ્લો હેતાંશ હું હર્ષવ બોલું છું."

"હા બોલ હર્ષવ ઘણાં વખતે તને મારી યાદ આવી."

"ના દોસ્ત એવું કંઈ નથી. મારે તારી સાથે જરૂરી વાત કરવી છે. તું બને એટલું જલ્દી મને મળ."

"હા ભાઈ બોલને શું કામ છે? હું હાલ જ ગામમાં આવ્યો છું અને તું આટલો ગભરાયેલો કેમ છે? બધું ક્ષેમકુશળ તો છે ને?"

"હું અત્યારે ફોનમાં તને કશું જ જણાવી શકું એમ નથી. તું જેટલું જલ્દી થાય એટલી જલ્દી મને મળ બસ."

"હા સારું. એક કામ કરીએ. કાલે હું તારા ઘરે આવું. પછી શાંતિથી વાત કરીએ."

"સારું."

"આવજે."

"હા આવજે અને સંભાળ તું એકલો ના આવતો. ભાભી અને છોકરાઓને પણ સાથે લેતો આવજે."

"હા ચોક્કસ."

ફોન કટ થયો અને સાથે જ હેતાંશભાઈના ચહેરા પર ચિંતાની લકીર ઉપસી આવી. હેતાંશભાઈએ બધાને હર્ષવભાઈ વિશે વાત કરી અને સાથે એ પણ જણાવ્યું કે કાલે એમના ઘરે જવાનું છે. બધા વાતમાં સંમત થયા. સાંજે હર્ષવભાઈના ઘરે જવાનું નક્કી થયું. લિપ્તા અને હાર્દિબેન સાંજની રસોઈ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા. હેતાંશભાઈએ પણ ટીવીમાં જીવ પરોવવાનો પ્રયત્ન કર્યો પણ એમનો જીવ એક કામમાં નહોતો પરોવાતો. એમને કંઈ અમંગળ હોવાનો ભાસ થતો હતો. જમવાનું મન તો એમને હતું જ નહીં છતાં પણ બે કોળિયા પરાણે ગળા હેઠે ઉતારીને એ ઉભા થયા અને પથારીમાં પડ્યા. પણ આજે તો ઊંઘ પણ એમનાથી રિસાય હતી. આખી રાત એમને પથારીમાં પડખાં ઘસવામાં જ કાઢી.

હર્ષવભાઈ અને હેતાંશભાઈ લંગોટિયા મિત્રો. બાળપણથી લઈને અત્યાર સુધી એમની મિત્રતા અકબંધ રહી હતી. હેતાંશભાઈ જ્યાં સુધી ગામમાં રહેતા હતા ત્યાં સુધી તો બંને મિત્રો દિવસમાં એકવાર તો અચૂક મળતા પરંતુ જ્યારથી હેતાંશભાઈ શહેરમાં જઈને વસ્યા હતા ત્યારથી એમનો સંપર્ક ઘટ્યો હતો. હર્ષવભાઈ ખેડુપુત્ર હતા અને એમણે પણ એમના વ્યવસાય તરીકે ખેતીને જ ન્યાય આપ્યો હતો. એમના પરિવારની સ્થિતિ મધ્યમ વર્ગની હતી. પરિવારમાં એ પોતે, એમના પત્ની હેમિષાબેન અને પુત્ર પર્વ એમ ત્રણ જણ હતા. પર્વ ફાર્મસીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો જ્યારે હેમિષાબેન ગૃહિણી હતા.

રાતનું અંધારું વીતી ગયું અને સૂર્યદેવે ટકોરા પાડ્યા. હેતાંશભાઈ રોજિંદી ક્રિયામાંથી પરવારીને મંદિરે ગયા. દર્શન કરીને ઘરે આવ્યા અને બધાને પ્રસાદ આપ્યો. હજી પણ એમના મનને શાંતિ નહોતી. રહી રહીને પણ એમને હર્ષવભાઈના જ વિચાર આવતા હતા. એ પણ જાણતા હતા કે જ્યાં સુધી એ હર્ષવભાઈને નહિ મળે ત્યાં સુધી એમને ચેન નહિ પડે.

સાંજનો સમય છે. ખેતરમાં પાક લહેરાય છે. પંખીઓ પણ થાકીને પોતાના માળે ફરવાની તૈયારી કરે છે. આવા મનોરમ્ય વાતાવરણમાં હેતાંશભાઈ એમના પરિવાર સાથે હર્ષવભાઈના ઘરે જવા નીકળ્યા.. હર્ષવભાઈ તારાપર ગામ કે જે સીતાપરની બાજુમાં જ આવેલું છે ત્યાં રહેતા હતા. સીતાપરથી તારાપર જતા અડધી કલાક જેવું થાય. હેતાંશભાઈ બસ દ્વારા હર્ષવભાઈના ઘરે પહોંચ્યા. હર્ષવભાઈના ઘરનું વાતાવરણ આશ્ચર્ય પમાડે એવું હતું. હર્ષવભાઈ અને હેમિષાબેન શોકમાં હોય એવું લાગતું હતું. હેતાંશભાઈ પોતાના મિત્રને આ પરિસ્થિતિમાં નહોતા જોઈ શકતા. એ બોલ્યા, "શું થયું? તું આટલો દુઃખી કેમ છે? મને જણાવ હું મારાથી બનતી બધી જ મદદ કરીશ." આ સાંભળીને હર્ષવભાઈ અને હેમિષાબેન રડી પડ્યા. હર્ષવભાઈ મહામુશ્કેલીથી પોતાના પર કાબુ કરતા બોલ્યા, " પ...પર્વ છેલ્લા ત્રણ મહિનાથી ગુમ છે." આ સાંભળીને હેતાંશભાઈના પગ નીચેથી તો જમીન સરકી ગઈ. એમને હવે લિપ્તા અને લક્ષવ સામે વાત કરવાની યોગ્ય ન લાગી આથી એમણે એ બંનેને બહાર મોકલ્યા. હર્ષવભાઈએ આગળ વાત વધારતા કહ્યું, "અમે પર્વને શોધવામાં કંઈ જ બાકી નથી રાખ્યું. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ અને પોલીસે પણ ઘણી કોશિશ કરી. અમે પણ અત્યાર સુધી એની કોલેજ, એના બધા મિત્રોને ત્યાં અને બધી જ લાગતી-વળગતીજગ્યાએ જઈ આવ્યા પણ એની ક્યાંય ભાળ નથી મળતી. હવે તો હું પણ હિંમત હારી ગયો છું. ખબર નઈ મારો પર્વ ક્યારે પાછો આવશે" અને હર્ષવભાઈથી ફરી રડી પડાયું.

આ બાજુ લિપ્તા અને લક્ષવને રૂમમાં બેઠાં બેઠાં કંટાળો આવતો હતો એટલે એ બંને બહાર ગામ જોવા નીકળી ગયા. એ લોકો ગામના પાદરે આવ્યા. ત્યાં એક તળાવ હતું. બંને જણ ત્યાં બેઠા. લિપ્તાને કુદરતી સૌંદર્ય માણવું ખૂબ ગમતું. પણ અત્યારે તો બંને ભાઈબહેનના મગજમાં એક જ વાત ચાલતી હતી કે પર્વ અચાનક કેવી રીતે ગુમ થઈ ગયો? પણ આ જવાબ કોઈની પાસે ન હતો. આથી કોઈ બીજી જગ્યાએ મનને વાળવા અને આ બધા વિચારોથી દુર જવા બંને ત્યાંથી ઉભા થયા અને થોડું આગળ ચાલ્યા હશે કે ત્યાં કે ત્યાં જ એમને એક હવેલી દેખાઈ. લક્ષવે લિપ્તાને એની અંદર જવાનું કહ્યું પણ અંધારું થવાનું હોવાથી લિપ્તાએ ના પાડી. લક્ષવે ખૂબ જ જીદ કરી પણ લિપ્તા એકની બે ન થઈ. લક્ષવ રિસાય ગયો. એવામાં જ એમને મંદિરની આરતીનો અવાજ સંભળાયો. લિપ્તા લક્ષવને ગમે એમ સમજાવીને આરતીમાં લઈ ગઈ. પણ લક્ષવનું મન તો હજી પણ પેલી હવેલીમાં જ હતું. બંને જણ મંદિરમાં આરતીમાં જોડાયા. લિપ્તા તો ભગવાનને બધું સારું થઈ જાય એમ પ્રાર્થના કરતી આરતીમાં લીન થઈ ગઈ.

આરતી પુરી થઈ. લિપ્તાએ આંખો ખોલી અને લક્ષવને બોલાવવા ગઈ તો લક્ષવ ક્યાંય ન હતો. એ આખું મંદિર ફરી વળી પણ લક્ષવ ક્યાંય નજરે ન ચડ્યો. એ જલ્દી દોડતી દોડતી મંદિરની બહાર ગઈ પણ ત્યાંય લક્ષવ ના દેખાયો. એ બંને અત્યાર સુધી ગામમાં જ્યાં પણ ફર્યા હતા એ બધી જગ્યાએ એ ગઈ પણ લક્ષવ ત્યાં પણ ન મળ્યો. હવે એને ડર લાગતો હતો અને લક્ષવની ચિંતા પણ થતી હતી. અંતે એ જલ્દીથી હર્ષવભાઈના ઘરે ગઈ અને હેતાંશભાઈ અને હાર્દિબેનને આ વાત જણાવી. આ વાત સાંભળી હર્ષવભાઈની ચિંતા વધી ગઈ. એમને લાગ્યું કે આ બધું એમના લીધે જ થયું છે. જો એ હેતાંશભાઈને અહીં ન બોલાવતા તો આ બધું થતું જ નહીં. હાર્દિબેન પણ ભાંગી પડ્યા. કોઈને સમજાતું નહોતું કે હવે શું કરવું. છેવટે બધાએ નક્કી કર્યું કે એ બધા પેલા આખા ગામમાં લક્ષવનો ફોટો લઈને એને શોધવા જશે.

લક્ષવ ક્યાં જતો રહ્યો હશે? શું એના અને પર્વના ગુમ થવા વચ્ચે કંઈ સંબંધ હશે? શું પર્વ અને લક્ષવ મળશે ખરા? અને આ બંનેના ગુમ થવા પાછળ હવેલીનું શું રહસ્ય હશે? આ બધા સવાલના જવાબ માટે વાંચતા રહો "હવેલીનું રહસ્ય."