Sukh no Password - 49 in Gujarati Motivational Stories by Aashu Patel books and stories PDF | સુખનો પાસવર્ડ - 49

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

સુખનો પાસવર્ડ - 49

પોતાની જાત પર શ્રદ્ધા હોય તો વિષમ સંજોગોમાં પણ અકલ્પ્ય સફળતા મળી શકે

એક એડિટરે એક નવોદિત લેખિકાને લેખન પર મદાર રાખવાને બદલે નોકરી શોધી લેવાની સલાહ આપી ત્યારે...

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

એક બ્રિટિશ યુવતી એક પત્રકારના પ્રેમમાં પડી. તે બંને વચ્ચે થોડી મુલાકાતો થઈ અને તે તેને પરણી ગઈ. એ લગ્નજીવનથી તેને એક દીકરી પણ થઈ. પરંતુ દીકરીના જન્મ પછી થોડા સમયમાં જ તેનું લગ્નજીવન ખરાબે ચડી ગયું અને તેણે છૂટાછેડા લઇ લીધા. તે હતાશામાં સરી પડી. તેની પાસે આવકનું કોઈ જ સાધન નહોતું અને તેના પર નાની દીકરીને ઉછેરવાની જવાબદારી પણ આવી પડી હતી. એ દિવસોમાં તે બ્રિટિશ સરકાર દ્વારા તેને મળતા બેકારી ભથ્થાથી પોતાનું ગુજરાન ચલાવતી હતી. તેની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી. મહિનાના છેલ્લા દિવસોમાં તેને ખાવાના પણ ફાંફા પડી જતા હતા.

એવી સ્થિતિમાં તે યુવતીએ એક નવલકથા લખવાનું શરૂ કર્યું. તેણે એ નવલકથા લખી લીધી એ પછી તેને પ્રકાશિત કરવા માટે જુદા-જુદા પબ્લિશિંગ હાઉસના ધક્કા ખાવા લાગી, પરંતુ દરેક જગ્યાએથી તેને નનૈયો સાંભળવા મળ્યો. એક ડઝનથી વધુ પ્રકાશકોએ દરવાજો બતાવ્યો એ પછી એક પ્રકાશન સંસ્થા તેની નવલકથા પ્રકાશિત કરવા માટે તૈયાર થઈ.

તેની નવલકથાને પ્રકશિત કરવા તૈયાર થયેલી પ્રકાશન સંસ્થાના એડિટર સાથે તેની મુલાકાતો થવા લાગી. આવી એક મુલાકાત દરમિયાન એ પ્રકાશન સંસ્થાના એડિટરે તે યુવતીને સલાહ આપી કે ‘આ રીતે કંઈ એક બુક લખીને એની રોયલ્ટીની આવકમાંથી તારું ગુજરાન નહીં ચાલે. એમાં પણ તેં નવલકથાનો જે પ્રકાર પસંદ કર્યો છે એની પ્રતો તો ઓછી જ વેચાશે. એટલે મારી સલાહ છે કે તું માત્ર આના આધારે બેસી રહેવાને બદલે કોઈ સારી નોકરી લઈ લે. તું ઘણું ભણી છે એટલે તને તો કોઈ કોર્પોરેટ હાઉસમાં પણ નોકરી મળી જશે.’

યુવતીએ કહ્યું, ‘મારે નોકરી તો નથી કરવી. અને મારી દીકરી પણ નાની છે એટલે મારે તેને સમય પણ આપવો છે.’

પ્રકાશન સંસ્થાના એડિટરે કહ્યું, ‘હું મારા અનુભવના આધારે કહું છું કે તારે નોકરી લઈ લેવી જોઈએ જેથી તને આર્થિક સલામતી મળે. અને તું સાથે-સાથે લખવાનું પણ ચાલુ રાખ.’

યુવતી પોતાના વિચાર પર મક્કમ હતી. તેણે કહ્યું, ‘મને મારી જાત પર અને મારી નવલકથા પર વિશ્ર્વાસ છે.’

એડિટરે નિરાશાથી માથું ધુણાવતા કહ્યું, ‘મેં તારા ભલા માટે સલાહ આપી, પણ તારા ગળે મારી વાત ઊતરતી નથી. મને લાગે છે કે તું મોટી ભૂલ કરી રહી છે. તું કોઈ નામાંકિત લેખિકા તો છો નહીં. લેખિકા તરીકે તને કોઈ ઓળખતું નથી એટલે તારી નવલકથાની બુક કંઈ મોટી સંખ્યામાં વેચાવાની નથી. હજી મારી સલાહ પર વિચારી જોજે.’

જો કે તે યુવતીએ એ એડિટરની સલાહ માની નહીં. એ પછી થોડા સમય બાદ 8 જુલાઈ, 2000ના દિવસે તે નવોદિત લેખિકાની પ્રથમ નવલકથા પ્રકાશિત થઈ. અને એ નવલકથાને અદ્ભુત સફળતા મળી. એ નવલકથા કલ્પનાતીત ઝડપે બેસ્ટસેલર લિસ્ટમાં આવી ગઈ. એક જ સપ્તાહમાં એની લાખો પ્રતો વેચાઈ ગઈ.

એ પછી તો તે લેખિકાએ ક્યારેય પાછું વળીને જોવું ન પડ્યું. તેને તેનાં લેખન થકી અને તેની નવલકથાઓ પરથી બનેલી ફિલ્મ્સ અને અન્ય વસ્તુઓ પરથી ચિક્કાર કમાણી થવા લાગી. તેની પ્રથમ નવલકથા પ્રકાશિત થઈ એ પછી માત્ર ત્રણ જ વર્ષમાં તે જગતની સૌપ્રથમ બિલિયનેર (અબજપતિ) રાઈટર બની ગઈ! (એ વખતના ડોલર સામે રૂપિયાની જે કિંમત હતી એની સરખામણી કરીએ તો તે ચાર હજાર કરોડ રૂપિયાની માલિક બની ગઈ હતી!) જગવિખ્યાત ‘ફોર્બ્સ’ મેગેઝિને 2004માં તેની બિલિયનેર રાઈટર તરીકે નોંધ લેવી પડી. એ સમય સુધી કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું કે લેખન થકી કોઈ વ્યક્તિ બિલિયનેર બની શકે. તે યુવતીએ એ સાબિત કરી બતાવ્યું.

તે યુવતીએ પેલા એડિટરની સલાહ ન માનીને નોકરી શોધીને આર્થિક સલામતી મેળવવાને બદલે લેખન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કર્યું. તે યુવતીને પોતાની જાત પર અને પોતાની સર્જનશક્તિ પર પણ શ્રદ્ધા હતી. તેની એ શ્રદ્ધાએ ચમત્કાર કરી બતાવ્યો.

તેને જેમણે નોકરી શોધી લેવાની સલાહ આપી દીધી તે એડિટર એટલે બેરી કનિંગહામ, જે એ વખતે બ્લુમ્સબરી પબ્લિશિંગ હાઉસમાં એડિટર તરીકે ફરજ બજાવતા હતા. 2000નાં વર્ષ સુધી તેમને ઈંગ્લેન્ડનાં લેખનજગત અને પ્રકાશનજગત સાથે સંકળાયેલા લોકો સિવાય કોઈ ઓળખતું નહોતું. હવે તેમનું નામ જગતના કેટલાય લોકો સુધી પહોંચ્યું છે, પણ ઈંગ્લેન્ડનાં લેખનજગત અને પ્રકાશનજગત સાથે સંકળાયેલા લોકો સિવાય બધા તેમને એ કારણે ઓળખે છે કે તેમણે એક લેખિકાને માત્ર લેખન પર મદાર રાખવાને બદલે નોકરી શોધી લેવાની સલાહ આપી હતી!

જે યુવતીને આજે આખું જગત ઓળખે છે તે યુવતી એટલે જે. કે. રોલિંગ, જેણે હેરી પોટર સિરીઝની નવલકથાઓ લખીને દુનિયાના કરોડો વાચકોની ચાહના મેળવી. અને પછી હેરી પોટર સિરીઝની ફિલ્મ્સે જગતભરમાં તહલકો મચાવી દીધો. એક ડઝનથી વધુ પ્રકાશન સંસ્થાઓ તરફથી રિજેક્શન મળ્યા પછી તેમની પ્રથમ નવલકથા પ્રકાશિત થઈ એ પછી માત્ર ત્રણ જ વર્ષમાં તેઓ જગતનાં સૌથી ધનાઢ્ય રાઈટર બની ગયાં.

સલામતીની પરવા કરીને જીવનારી વ્યક્તિઓ ઈતિહાસ સર્જી શકતી નથી. સલામતી ફગાવીને જોખમ ઉઠાવનારી વ્યક્તિઓ અણધારી સફળતા મેળવી શકતી હોય છે. જેનામાં સર્જનશક્તિ કે પ્રતિભા હોય એ વ્યક્તિએ પોતાની જાત પર શ્રદ્ધા રાખવી જોઈએ અને જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી તેણે ધીરજપૂર્વક પ્રયાસ ચાલુ રાખવા જોઈએ.

***