Sukh no Password - 38 in Gujarati Motivational Stories by Aashu Patel books and stories PDF | સુખનો પાસવર્ડ - 38

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

સુખનો પાસવર્ડ - 38

(આ પીસ લખવાની વધુ મજા એટલે આવી કે સૌમ્ય મારો અંગત મિત્ર છે. :)

પોતાને ગમતી જિંદગી માટે જોખમ ઉઠાવવાની તૈયારી હોવી જોઈએ

જોખમ ઉઠાવવાની તૈયારી હોય તો સફળતાની સાથે સંતોષ અને સુખ પણ મળી શકે છે એનો પુરાવો લેખક-દિગ્દર્શક-અભિનેતા સૌમ્ય જોશી છે

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

મુંબઈનાં ભારતીય વિદ્યાભવનમાં પડદો ખૂલે છે અને સ્ટેજ પર દોડતી લોકલ ટ્રેનના એક ડબ્બાના સેટમાં એક નાટકની ભજવણી શરૂ થાય છે. જયેશ મોરે અને જિજ્ઞા વ્યાસ અદ્ભુત અભિનયથી પ્રેક્ષકો પર જાણે સંમોહન કરે છે. પ્રેક્ષકો હસે છે, રડે છે, હસતાં હસતાં તેમની આંખો ભરાઈ આવે છે અને રડતાં રડતાં અચાનક તેમના હોઠ મલકાઈ પડે છે. નાટક પૂરું થાય છે અને કલાકારો તથા પ્રોડ્યુસર ઉમેશ શુક્લની ઓળખાણ અપાય છે અને જે ક્ષણે આ નાટકના આલેખક-દિગ્દર્શક પ્રેક્ષકો સામે હાજર થાય છે ત્યારે સતત એક મિનિટ સુધી તાળીઓનો ગડગડાટ થતો રહે છે.

યસ, આપણે અદ્ભુત નાટ્યલેખક-દિગ્દર્શક, અભિનેતા સૌમ્ય જોશીની વાત કરી રહ્યા છીએ. સૌમ્ય જોશીનાં નાટકો વિશે તો ઘણું લખાયું છે પણ આ અલગારી પ્રકૃતિના માણસ વિશે ઘણી વાતો જાણવા જેવી છે.

૧૯૭૩માં અમદાવાદમાં, અંગ્રેજીના પ્રોફેસર એવા, મહારાષ્ટ્રિયન પિતા જયંત જોશી અને ફિલોસોફીના પ્રોફેસર એવાં ગુજરાતી માતા નીલા જોશીને ત્યાં જન્મેલા સૌમ્ય જોશીને એકથી દસ ધોરણ સુધી ભણતર સાથે બાપે માર્યા વેર જેવો સંબંધ હતો. સૌમ્યને એકથી નવ ધોરણ સુધી તો ‘ચડાવ પાસ’ના લેબલ સાથે એટલે કે રહેમરાહે પાસ કરીને આગળના ધોરણમાં મોકલાતા હતા. સૌમ્ય હંમેશાં બે વિષયમાં નાપાસ થાય. એમાં એક વિષય તો ગણિત હોય જ, બીજો વિષય દર વર્ષે બદલાતો રહે. સૌમ્ય કહે છે કે "મેં સ્કૂલની જિંદગી દરમિયાન ક્યારેય શિક્ષકોએ આપેલું હોમવર્ક નથી કર્યું. શિક્ષક પૂછે કે "હોમવર્ક કેમ નથી કર્યું?” તો રીઢા ગુનેગારની જેમ ઊભા રહેવાનું અને જવાબ નહીં આપવાનો!”

સૌમ્યની આવી ખ્યાતિ તેમનાં પ્રોફેસર માતાપિતા સુધી પણ પહોંચી ગઈ હતી. "તમે આટલા વિદ્વાન પ્રોફેસર્સ અને તમારો દીકરો આવું કરે એ કેમ ચાલે? એવા સવાલો પણ સૌમ્યનાં માતાપિતાને થતા. એ રીતે તેમના પર માનસિક દબાણ આવતું, પણ સૌમ્યનાં માતાપિતાએ ક્યારેય સૌમ્ય પર એ દબાણનો ઓછાયો આવવા ન દીધો કે ન તો ક્યારેય તેમણે સૌમ્યને ભણેશ્રી બનાવવાની કોશિશ કરી. સૌમ્યના મોટા ભાઈ એટલે કે ‘થ્રી ઈડિયટ્સ’ ફિલ્મ ફેમ લેખક અભિજાત જોશી ભણવામાં બહુ હોશિયાર હતા, પણ સૌમ્યનાં માતાપિતાએ ક્યારેય સૌમ્યની સરખામણી અભિજાત સાથે ન કરી કે ન તો ક્યારેય તેનું એવું કહ્યું કે જો આ અભિજાત કેટલું સરસ ભણે છે અને તું રખડી ખાય છે.

નાની ઉંમરમાં સૌમ્યને ભણવા સિવાય તમામ પ્રવૃત્તિઓમાં રસ પડતો. તેને ક્રિકેટ રમવાનું કે લખોટી અને ભમરડાથી રમવાનું બહુ ગમતું. પોતે ઉચ્ચ મધ્યમ વર્ગનું સંતાન હોવા છતાં તેમણે ઝૂંપડપટ્ટીમાં રહેતા ઘણા છોકરાઓને મિત્રો બનાવ્યા હતા. સૌમ્યની શાળામાં મુકેશ નામનો એક છોકરો બકરી લઈને શાળાએ આવતો હતો. શાળામાં બીજા બધા છોકરાઓ તેની ટીખળ ઉડાવતા, પણ સૌમ્યને તેની સાથે ગાઢ દોસ્તી બંધાઈ ગઈ હતી. તે છોકરો અત્યંત ગરીબ કુટુંબમાંથી આવતો હતો અને તેનાં માતાપિતા કામ પર જતાં ત્યારે ઘરે બકરીને સાચવનારું કોઈ ન હોય એટલે તે છોકરાએ બકરીને લઈને શાળાએ આવવું પડતું હતું. સૌમ્ય જોશી આવા મિત્રો સાથે તેમની ઝૂંપડપટ્ટીમાં રમવા

પણ ઊપડી જતા, પણ તેમની આવી અલગારી પ્રવૃત્તિ માટે તેમનાં માતાપિતાએ ક્યારેય ઠપકો નહોતો આપ્યો. સૌમ્યની શેરીના કૂતરાઓ સાથે પણ જબરી દોસ્તી રહેતી.

આવી ભણવા સિવાયની બીજી બધી પ્રવૃત્તિઓનું સૌમ્યની પરીક્ષાના પરિણામ પર અસર કરતી. સૌમ્યને પરિણામ શું આવશે એની ક્યારેય ચિંતા ન રહેતી. અને એવો ડર પણ ન રહેતો કે પરિણામ જોઈને પોતાનાં માતાપિતા એવી પ્રતિક્રિયા આપશે કે મેરામણે માઝા મૂકી દીધી હોય, સૂરજ પશ્ર્ચિમમાં ઊગ્યો હોય, ધરતી રસાતાળ ગઈ હોય કે આભ ફાટી પડ્યું હોય. સૌમ્ય જોશી પાંચમા ધોરણમાં અંગ્રેજી વિષયમાં નાપાસ થયા ત્યારે અંગ્રેજીના પ્રોફેસર એવા પિતાએ સૌમ્યને ઘરે અંગ્રેજી ભણાવવાનું શરૂ કર્યું, પણ એય કોઈ જાતના દબાણ વિના. જોકે એનું ખાસ કંઈ પરિણામ આવ્યું નહોતું.

સૌમ્ય કહે છે કે "મારાં માતા-પિતાએ મારી જિંદગીનાં પહેલાં ચૌદ-પંદર વર્ષ સુધી મને આ બધા અનુભવો લેવા દીધા એ તેમનું મારા જીવનમાં બહુ મોટું પ્રદાન છે. મેં પંદર વર્ષની ઉંમર સુધી એકપણ પુસ્તક વાંચ્યું નહોતું અને સામે મારા મોટા ભાઈ અભિજાતનું વાચન અસામાન્ય કહી શકાય એટલું હતું. મારા નાના એટલે કે ખ્યાતનામ શિક્ષણશાસ્ત્રી યશવંત શુક્લ મને વાર્તાઓ કહેતા અને વાચન તરફ વાળવાની કોશિશ કરતા. તેમની વિશાળ લાઇબ્રેરી હતી. મને પ્રાણીઓ - પક્ષીઓ પ્રત્યે બહુ પ્રેમ હતો એટલે તેઓ જાતે લાકડાના ઘોડા ઉપર ચડીને મને પ્રાણી-પક્ષીઓનાં પુસ્તકો ઉતારી આપે. તેઓ મને ગીરનાં પક્ષીઓ અને એવાં બીજાં પુસ્તકો આપે, પણ હું પક્ષીઓનાં ચિત્રો જોઈને એ પુસ્તકો બાજુમાં મૂકી દેતો હતો. મારા નાના યશવંત શુક્લની સાથે બેસતા વર્ષના દિવસે હું દિગ્ગજ કવિ ઉમાશંકર જોશી અને બીજા સાહિત્યકારોના ઘરે જતો કે નાનાનો કાર્યક્રમ આકાશવાણી પર પ્રસારિત થવાનો હોય તો તેઓ મને રેડિયો સ્ટેશનમાં પણ લઈ જતા. મારાં માતા નીલા જોશી અને પિતા જયંત જોશીને વિખ્યાત ગુજરાતી કવિઓ રમેશ પારેખ અને અનિલ જોશીની સાથે ઓળખાણ એટલે તેમની અવરજવર અમારા ઘરે રહેતી તો મરાઠીના વિખ્યાત કવિઓ વિંદા કરંદીકર અને મંગેશ પાડગાંવકર તથા અન્ય સાહિત્યકારો સાથે પણ મારા પિતાને બહુ સારો પરિચય હતો. મારા પિતાના નાનાનું ઘર મુંબઈમાં હતું એના કારણે મારો મરાઠી રંગભૂમિ સાથે પરિચય થયો. મેં વસંત કાનેટકરનાં નાટકો સહિત ઘણાં મરાઠી નાટકો જોવા માંડ્યાં. બીજી બાજુ હું અમદાવાદના ઉસ્માનપુરાની વિદ્યાનગર હાઈ સ્કૂલમાં ભણતો હતો ત્યાં નાટકનું વાતાવરણ ભરપૂર હતું. આ દરમિયાન મારા ભાઈ અભિજાતે સત્તર વર્ષની ઉંમરે નાટક લખવાનું શરૂ કરી દીધું હતું.

સૌમ્ય જોશીને ચૌદ-પંદર વર્ષની ઉંમરે એક બાજુ નાટકો પ્રત્યે આકર્ષણ જાગ્યું અને બીજી બાજુ અભ્યાસ પ્રત્યે પણ તેઓ ગંભીર થયા. સૌમ્ય કહે છે કે, "હું એસ.એસ.સી.માં પહોંચ્યો એ પછી અંદરથી એલર્ટ થયો અને એસ.એસ.સી.માં હું બધાની ધારણા વિરુદ્ધ પાસ પણ થઈ ગયો. બારમા ધોરણમાં તો મને બહુ બધા ટકા આવ્યા. હું ૬૩ ટકા માર્ક સાથે પાસ થઈ ગયો! મેં કોલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારે વિચાર્યું કે હવે હું એકદમ ગંભીરતાથી ભણીશ. જોકે હું પંદર વર્ષની ઉંમર સુધી જે રીતે જીવ્યો એ માટે મને ક્યારેય અફસોસ નથી થયો. કૉલેજમાં આર્ટ્સ પ્રવાહમાં અંગ્રેજી સાથે પ્રવેશ લીધા પછી મેં એક બાજુ ગંભીરતાથી ભણવાનું શરૂ કર્યું અને બીજી બાજુ એ ઉંમરથી એટલે કે સત્તર-અઢાર વર્ષની ઉંમરથી મને નાટકની પણ લત લાગી અને એ દરમિયાન વાચનનો શોખ પણ જાગી ગયો હતો. કૉલેજના પહેલા જ વર્ષમાં મેં ઈન્ટર કૉલેજ સ્પર્ધા માટે નાટક લખ્યું: "રમી લો ને યાર! અને ત્યારથી નાટ્યકર્મી તરીકેની મારી સફર શરૂ થઈ.

સૌમ્ય જોશીએ પહેલા નાટકથી જ પોતાની પ્રતિભાની ઝલક આપી દીધી. તો બીજી બાજુ કૉલેજના બીજા વર્ષમાં વિદ્યાર્થી તરીકે પણ યુનિવર્સિટીમાં પહેલા નંબરે આવીને ગોલ્ડ મેડલ મેળવ્યો. નાટ્યપ્રવૃત્તિ અને અભ્યાસમાં ઓતપ્રોત રહેવા માંડેલા સૌમ્યએ ૫૮ ટકા માર્ક સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી. એ વખતે અમદાવાદમાં એમ.એ.ની પરીક્ષામાં ૫૫ ટકાથી વધુ માર્ક મેળવનારા માત્ર ચાર વિદ્યાર્થીઓ હતા અને એમાં બીજા નંબરે સૌમ્ય જોશી હતા. એ વખતે અમદાવાદની કોલેજોમાં અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર માટે સાત જગ્યા ખાલી પડી હતી અને સૌમ્ય જોશી સહિત ચાર વિદ્યાર્થીઓ ૫૫ ટકાથી વધુ માર્ક લાવ્યા હતા. સ્વાભાવિક રીતે સૌમ્યને પ્રોફેસર તરીકે નોકરી મળી ગઈ. ૨૨ વર્ષની ઉંમરે તેમને એચ. કે. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજી લિટરેચરના પ્રોફેસર તરીકે નોકરી મળી ગઈ, પણ સૌમ્યના નાના યશવંત શુક્લ અત્યંત આદર્શવાદી હતા. તેઓ એ કૉલેજના ટ્રસ્ટી હતા. તેમણે કહ્યું કે હું આ કૉલેજનો ટ્રસ્ટી છું એટલે તારે આ કૉલેજમાં પ્રોફેસર તરીકે નોકરી ન સ્વીકારવી જોઈએ. જોકે એ વખતે સૌમ્યના નાનાના નાના ભાઈ અને સ્વાતંત્ર્યસેનાની રહી ચૂકેલા વિનોદ શુક્લ સૌમ્યની વહારે આવ્યા. તેમણે યશવંતભાઈને કહ્યું કે, સૌમ્ય યુનિવર્સિટીમાં બીજા નંબરે આવ્યો છે અને તેને મેરિટ પર નોકરી મળી છે. એટલે તે નોકરી સ્વીકારશે તમને વાંધો હોય તો તમે ટ્રસ્ટી તરીકે રાજીનામું આપી દો! (બાય ધ વે, વૃદ્ધાવસ્થામાં યુવાન હોય એવું પાત્ર સૌમ્યના નાટક ‘૧૦૨ નોટ આઉટ’માં દર્શાવાયા છે એ પાત્રો સૌમ્યએ તેમના નાનાના નાના ભાઈ વિનોદ શુક્લ પરથી સર્જ્યાં છે. ૮૦ વર્ષની ઉંમરે કમ્પ્યુટર શીખનારા વિનોદ શુક્લનો સૌમ્ય પર બહુ પ્રભાવ રહ્યો છે.)

સૌમ્યએ ૧૨ વર્ષ સુધી પ્રોફેસર તરીકે નોકરી કરી અને અમદાવાદના વિદ્યાર્થીઓમાં ‘સૌમ્ય સર’ તરીકે બહુ લોકપ્રિયતા મેળવી. એ દરમિયાન સૌમ્યને નોકરીથી કંટાળો આવવા માંડ્યો. તેમને મનમાં થતું હતું કે, "બહુ થયું હવે આ નોકરી છોડી દેવી જોઈએ. તેમને આર્થિક સલામતીભરી જિંદગીની આદત નહોતી પાડવી. પ્રોફેસર તરીકે નોકરી કરતા કરતા ક્રિયેટિવ જોખમો લેવાનું મુશ્કેલ લાગતું હતું એટલે તેમણે એક વાર પોતાના પિતા સાથે વાત કરી કે "હું નોકરી છોડવાનું વિચારી રહ્યો છું. તેમના પિતાએ કહ્યું કે, "તું નોકરી છોડી દઈશ તો એ નહીં લખી શકે, જે તું લખવા ઈચ્છે છે. બીજા લખાવશે એ તારે લખવું પડશે!"

આ દરમિયાન સૌમ્ય જોશી ‘દોસ્ત, ચોક્કસ અહીં નગર વસતું હતું’ સહિતનાં અનેક સમાંતર નાટકો કરી ચૂક્યા હતા. એમનું ‘આઠમા તારાનું આકાશ’ નાટક પૃથ્વી ફેસ્ટિવલમાં પસંદ થયું હતું. ગુજરાતનું કોઈ નાટક પૃથ્વી ફેસ્ટિવલમાં પસંદ થયું હોય એવી એ પહેલી ઘટના હતી. પોતાનાં નાટકોને સરાહના મળતી હતી એ સાથે સૌમ્યને પ્રોફેસર તરીકેની જિંદગી વધુ કંટાળાભરી લાગવા માંડી હતી. તેમણે ‘વેલકમ જિંદગી’ નાટક લખવાનું શરૂ કર્યું. એ વખતે (કે બીજા કોઈ પણ નાટક વખતેય) તેમણે એવું નહોતું વિચાર્યું કે પ્રેક્ષકોને ગમે એટલે નાટકમાં જોક્સ નાખવા જોઈએ. તેમણે એ લખ્યા પછી પ્રોડ્યુસર્સનો સંપર્ક કર્યો અને ૨૦૧૦માં ‘વેલકમ જિંદગી’ નાટક ઉમેશ શુક્લ, હેમલ ઠક્કર અને ભરત ઠક્કરે પ્રોડ્યુસ કર્યું. તેજપાલ હૉલમાં એ નાટકનો પહેલો શો થયો અને પ્રેક્ષકોએ સ્ટેન્ડિંગ ઓવેશન સાથે જબરદસ્ત પ્રતિસાદ આપ્યો. જોખમી વિષય સાથે અને જાણીતા કલાકારો વિના એ નાટકનું જોખમ તેમણે અને નિર્માતાઓએ ઉઠાવ્યું. સૌમ્ય જોશીએ (હવે તેમનાં લાઈફ પાર્ટનર બનેલા) જિજ્ઞા વ્યાસ સાથે એ નાટકમાં અફલાતૂન અભિનય કર્યો. એ નાટકના ત્રીજા કલાકાર અભિનય બેન્કરનો અભિનય પણ ખૂબ વખણાયો.

૨૦૧૦માં પહેલા કમર્શિયલ નાટક સાથે રંગભૂમિમાં ઊતરેલા સૌમ્ય જોશીએ ૨૦૧૦ના વર્ષમાં જ મિત્રોની સલાહ અવગણીને પ્રોફેસર તરીકેની તગડા પગારની નોકરી મૂકી દીધી. ‘વેલકમ જિંદગી’ના ચારસો જેટલા શો થયા અને એ પછી ‘૧૦૨ નોટ આઉટ’ નાટક આવ્યું, એના પણ સાડાત્રણસો જેટલા શો થયા.

સૌમ્ય જોશીના ‘૧૦૨ નોટ આઉટ’ નાટક પરથી દિગ્દર્શક ઉમેશ શુક્લએ અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરને લઈને ફિલ્મ પણ બનાવી, એ ફિલ્મને પણ સફળતા મળી. સૌમ્ય કહે છે કે મેં અમિતાભ બચ્ચન સાથે સાડાત્રણ કલાક બેસીને એ ફિલ્મ માટે નરેશન આપ્યું ત્યારે મને ખૂબ સંતોષ થયો હતો.

પ્રોફેસર તરીકે સલામતીવાળી જિંદગીને કોરાણે મૂકીને પોતાને ગમતી જિંદગી જીવવા જોખમ ઉઠાવનારા સૌમ્ય જોશીને પોતાની જિંદગીમાં સંતોષ છે.

પોતાને ગમતી જિંદગી જીવવા માટે જોખમ ઉઠાવવાની તૈયારી હોય તો સફળતાની સાથે સંતોષ અને સુખ પણ મળી શકે છે એનો પુરાવો સૌમ્ય જોશી છે.

***