CHALO MANASPANU KELAVIE in Gujarati Moral Stories by HARDIK RAVAL books and stories PDF | ચાલો માણસપણું કેળવીએ

Featured Books
  • પ્રેમતૃષ્ણા - ભાગ 11

    “ હા ડો.અવની મલ્હોત્રા “ ખુશી બોલી .“ ઓકે , શાયદ ડો.મલ્હોત્ર...

  • આઈ વોન્ટ ટુ ટોક

    આઈ વોન્ટ ટુ ટોક- રાકેશ ઠક્કરઅભિષેક બચ્ચન પિતા અમિતાભનો અભિનય...

  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

Categories
Share

ચાલો માણસપણું કેળવીએ

સિંહના બચ્ચાને શિકાર કરતા શીખવવું નથી પડતું, મોરના ઈંડાને કોઈ ચીતરવા ગયું છે ખરું ? કોયલને ટહુકો કોણ જઈ શીખવાડતું હશે ? કે પછી ક્યા પંખીએ કોચિંગ ફોર ફ્લાઈંગ કલાસીસમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હશે ? પતંગિયું જાતે જ ફૂલો પાસેથી મહેક શોધી લાવતું હોય છે, ને જીમ જોઈન્ટ કર્યા વિના જ ગધેડો કસાય જતો હોય છે. માછલી પોતાના બચ્ચાને સ્વીમીંગ શીખવતી હોય એવું કોઈએ આજ સુધી જોયું કે સાંભળ્યું હોય તો જણાવજો.

આ જગત આખામાં માણસ જ એક એવું વિચિત્ર પ્રાણી છે કે, એને બધું જ શીખવવું પડે. આંગળી પકડી ચાલતા અને ચમચી પકડી ખાતા શીખવવાનું, ન્હાતા, ધોતા ઇવન જાતા પણ શીખવવાનું. બોલતા, લખતા, વાંચતા શીખવવાનું. અને ઉપરાંત ડ્રોઈંગ, ડાન્સિંગ, ડ્રાઈવિંગ, સ્કેટિંગ, સ્વીમીંગ આ બધાના કલાસીસ તો ખરા જ. અને આ બધું શીખવાડ્યા પછી પણ માણસ બને તો ઠીક નહિતર માણસનું બચ્ચું માણસ બન્યા વિના આખું જીવન જીવી કાઢે તો પણ કાંઇ નવાઈ નહિ.

ઘર – શાળા - કોલેજમાં નાનપણથી સતત વ્યવસ્થિતતાનાં પાઠ ભણાવવાના, નિયમો સમજાવવાના, રીતભાતો કેળવવાની ને તોય “અહીંયા કચરો ફેંકવો નહિ”, “કચરો કચરા પેટીમાં નાખો”,
“આ દિવાલ ઉપર કોઈએ લખવું નહિ”, ટ્રાફિકના નિયમોનું પાલન કરો”, “હોર્ન ન વગાડો”, “ડાબી બાજુએથી ઓવરટેઈક ન કરો” “શાંતિ જાળવો”, “અહીંયા થૂકવું નહિ”, “બૂટ ચંપલ બહાર ઉતારો” જેવા હજારો સુચનાના પાટિયા મારવાનાં ? શું વીસ પચ્ચીસ વર્ષના ઢાંઢાઓને અત્યાર સુધી જે શીખવ્યું એ બધું પાણીમાં ?

આઠ વર્ષનું પ્રાથમિક શિક્ષણ અને ચાર વર્ષનું માધ્યમિક શિક્ષણ, અઢાર વર્ષના માણસના બચ્ચાને માણસ ન બનાવી શકે, તો એવા શિક્ષણને શું ધોઈ પીવું છે ? માત્ર ગુજરાતની જ વાત કરીએ તો
ગુજરાતમાં ૧૦ યુનીવર્સીટી, ૫૫0 જેટલી કોલેજો, ૧,૦૨૮ જેટલી સરકારી હાઈસ્કુલ સને લગભગ ૩૨,૭૭૨ જેટલી પ્રાથમિક શાળાઓમાં ૨૦૧૯ નાં શૈક્ષણિક બજેટ મુજબ ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનાં ધુમાડામાંથી ગધેડા જેવા બોતડાઓ પાકે ત્યારે સાલું લાગી આવે.

મુરબ્બીશ્રી ગુણવંત શાહ લખે છે કે, “દસ કિલોમીટર થાક્યા વિના ચાલી ન શકે, એક કિલોમીટર દોડી ન શકે, સો મીટર તરી ન શકે અને નવું-નવું વાંચવામાં આળસ કરે તેવો વીસ વર્ષનો યુવાન પણ ડોસો ગણાય. ચેતન વગરની ચાલ અને ગાગરિયા પેટવાળા આળસુ લોકો દેશને ગરીબ રાખે છે.”
બે પુસ્તક ન વાંચ્યા હોય એવા એકવીસ વર્ષના યુવાનની સ્નાતક કે અનુસ્નાતકની ડિગ્રીઓને ફેંકવામાં આવે તો કચરાપેટય શરમાય જાય. શિક્ષણને ડીગ્રીઓ સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ નથી, શિક્ષણ ખીલતું હોય છે, ફૂલની માફક, પરીક્ષાઓનું પ્રેશર અને માતા-પિતાની અત્યંત વધુ પડતી અપેક્ષાઓનાં બોઝા હેઠળ ચગદાઈ જતા, કરમાઈ જતા બાળકમાં શૈક્ષણિક ક્રાંતિ થઈ ન શકે. શિક્ષણના નામે રળી ખાનારા લંપટો જેટલું દેશદ્રોહી બીજું કોઈ હોઈ ન શકે. ટેકનોલોજીના અંધાધુંધ અને વિવેકહીન ઉપયોગથી પોતાની આવનારી કાલ ઉપર કુહાડા મારનારા યુવાનો જાગો. વ્યસન અને ઉજાગરામાં સુવર્ણ જેવી ક્ષણોને વેડફી નાખનારા ડોબાઓનાં મનમાં જે કચરો ભર્યો છે, તે બહાર દેખાતી ગંદકી કરતા પણ વધુ ભયંકર છે.
માતા-પિતાએ આ સ્વચ્છતા અભિયાન ઉપાડવાની જરૂર છે.

રાત્રે ત્રણ વાગ્યા સુધી એન્ડ્રોઈડ ફોનમાં ગેમ રમીને ઉજાગરો વેઠનાર કહેવાતો યુવાન બપોરે અગિયાર વાગ્યે જાગીને માવો ચોળતા-ચોળતા બેરોજગારીની વાતો કરે ત્યારે સાલું લાગી આવે. કિટકેટ અને લોલીપોપ વર્ઝન વિશે કડકડાટ માહિતી બક્નારો તરુણ જ્યારે રાષ્ટ્રગીત અન રાષ્ટ્રીય ગીત વચ્ચે તફાવત ન પારખી શકે ત્યારે સાલું લાગી આવે.

શિક્ષણના નામ ઉપર આપણે શું પીરસી રહ્યા છીએ ? ઉજાગરા ? વોટ્સેપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ગળાડૂબ દૂનિયા ? પથારીમાં પડ્યા રહિને મેળવવાનો આળસનો ખિતાબ ? હાલરડાને બદલે મોબાઈલમાં ગીત સાંભળતા-સાંભળતા સુવાની ટેવ પાડનારા આપણે, બાળક ફોન મૂકતો નથી એવી ફરિયાદ કરીએ ત્યારે ભોંઠા નહિ પડતા હોઈએ ? સરકાર શિક્ષણની ઘોર ખોદી રહી છે, જે શિક્ષકોએ બાળક સાથે વ્યસ્ત હોવું જોઈએ એ પરિપત્રો અને મીટીંગોમાં ત્રસ્ત છે.

શિક્ષકને શિક્ષણથી દૂર રાખવાનો ક્રૂર પ્રયાસ દેશનાં પતનનો રાજમાર્ગ છે. કોઈ પણ દેશ ચાર પાયા ઉપર ઉભો હોય છે, ‘શિક્ષણ’, ‘સંરક્ષણ’ ‘ન્યાય’ અને ‘સ્વાસ્થ્ય’ અને દેશના સર્વાંગી વિકાસ અર્થે આ ચારેય પાયાઓ રાજનીતિથી જોજનો વેગળા હોવા જોઈએ. શિક્ષણની જવાબદારી પ્રાથમિક કે માધ્યમિક શિક્ષકોની માત્ર નથી, બાળકનું શિક્ષણ ઘોડિયાથી શરૂ થતું હોય છે. સમાજના એક-એક નાગરિકની ફરજ છે કે, તે પોતાની આવનારી પેઢીને ખરા શિક્ષિત બનાવે. ચાણક્ય કહે છે કે, “કોઈ પણ દેશનું પતન કરવું હોય તો ત્યાંની શૈક્ષણિક સંસ્થાનું પતન કરો, દેશ આપોઆપ ખોખલો થઇ જશે.

મોબાઈલના લોકને ખોલી નાખનારા બે વર્ષનાં બાળકને ઈન્ટેલીજન્ટ ન કહી શકાય, માણસ બનવાની લાક્ષણીકતા કેટલી છે એના આધાર ઉપર બાળકનું મૂલ્યાંકન થવું રહ્યું. વેલેન્ટાઈન ડે અને
મધર્સ ડે જેવા પશ્ચિમી સંસ્કૃતિનાં તહેવારોના ભૂત આપણા ઉપરથી ઉતરે તો દિવાળી, જન્માષ્ટમી અને ધૂળેટીની રંગત ખીલી ઉઠે. મૂળ ભારતીય શિક્ષણ અને સંસ્કૃતિનું સિંચન કરવું એ દરેક માતા-પિતાની અનિવાર્ય ફરજ છે. ટી.વી. સિરિયલ છોડી માતાએ હાલરડાં શીખવા પડશે, વોટ્સેપ છોડી પિતાએ વાર્તા કહેવી પડશે, શિક્ષકો પાંચ કલાક માત્ર શિક્ષણ કાર્યમાં વ્યસ્ત રહે તેવી વ્યવસ્થા ગોઠવવી પડશે, બાળક સાથે રમવું પડશે. ભારતના ભાવિનું સંવર્ધન કરવું પડશે. શિક્ષણને ચરિતાર્થ કરવા માટે શાળા પૂરતી નથી, ભ્રષ્ટ શિક્ષણ પધ્ધતિનાં ભરોસે, ભારતના ભાવિને મૂકી ન શકાય.

બાળકમાં ખીલી રહેલા બાળપણને તેમાં રહેલા માણસાઈના તત્વને બહાર લાવા સારું પ્રયત્નશીલ બનીએ, આપના આવનારા ભાવિનું ઘડતર આપના હાથમાં છે. વ્યસનથી તરડાઇ જતા તેને રોકવું એ આપણી નૈતિક ફરજ છે. ખરા અર્થમાં માણસપણું કેળવી શકાય, ભારતીય સભ્યતા અને સંસ્કૃતિને રોપી શકાય તો ભારતને સ્વચ્છ, સ્વસ્થ અને વ્યસનમુક્ત માણસોથી ભરવાના કેમ્પેઈનને સફળતા મળશે. આવો માણસ બનીએ, માનવતા અને સભ્યતાને આવતી પેઢીમાં રોપવાની, સંવર્ધિત કરવાની આપણી ફરજનું પાલન કરીએ.