Angat Diary - I, My, Me in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - આઇ, માય, મી

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

અંગત ડાયરી - આઇ, માય, મી

અંગત ડાયરી
============
શીર્ષક : આઈ, માય, મી
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૧૫, માર્ચ ૨૦૨૦, રવિવાર
પ્રાયમરી સ્કૂલમાં અમને ગોખાવતા : આય, માય, મી એટલે હું મારું મને.

અત્યારે લાગે છે કે આ વાત બહુ મોટી હતી. નાનપણમાં સીટીબસમાં બજાર જતા ત્યારે, બારી પાસે બેઠા બેઠા દુકાનોના બોર્ડ વાંચવાની મજા સૌએ માણી હશે. એમાંય જયારે પોતાના નામનું પાટિયું વાંચવા મળે ત્યારે તો જાણે એ નામ, એ દુકાનની માલિકી પોતાની હોય એવો અનુભવ થવા માંડે. સમજણા થઈએ ત્યારે ખબર પડે કે એ દુકાન આપણી નથી, એની માલિકી આપણી નથી કે એ નામ પણ આપણું નથી.

પણ આય, માય, મી..
કોઈ મિત્રના લગ્ન પ્રસંગનો આલ્બમ તમે જોયો હશે. એક પછી એક ફોટા ફેરવતા ફેરવતા જે જે જગ્યાએ આપણો ફોટો આવ્યો હોય ત્યાં આપણે બે ને બદલે ત્રણ કે ચાર સેકન્ડ, એ ફોટાને વધુ શા માટે જોતાં હોઈએ છીએ? કો'કના આલ્બમમાં પણ આપણે આપણને જ શોધતા હોઈએ છીએ.

પેલા ગીતની પંક્તિ ‘હું મને શોધ્યા કરું..’ સુધી તો આપણે સફળ થયા છીએ પણ ‘હું તને પામ્યા કરું..’નો રસ્તો હજુ કાપવાનો બાકી હોય એવું લાગી રહ્યું છે. સગાઈ કરેલા નવયુગલો કદાચ એમાં સફળ થતાં હોય છે. ‘જિધર દેખું તેરી તસ્વીર નજર આતી હૈ...’ એવી પંક્તિઓ આવા યુગલોને બહુ જીવંત લાગતી હોય છે.

લગ્નના ઇન્ટરવ્યુમાં ઉમેદવારો જયારે સામ સામે બેસે છે ત્યારે પોતાની ઉજળી બાજુ ખૂબ જ સુંદર રીતે રજૂ કરતા હોય છે. ખરેખર એમાં તેઓ સાચાય હોય છે. બંને પરિવારો પણ સંસ્કાર, ખાનદાની, સભ્યતાની એવી ડાહી ડાહી વાતો કરતા હોય છે કે તમે બોલી ઉઠો કે ‘રબ ને બનાદી જોડી...’ આ બંને ખાનદાન એક બીજા માટે જ સર્જાયા છે. સગાઈ દરમિયાન બંને પરિવારો જે ભાવાવસ્થામાં જીવતા હોય છે એ સંસારી માનવની એકદમ ઉચ્ચ કોટિની અવસ્થા હોય છે. એકબીજાને ખુશ કરવા, પ્રસન્ન કરવા જાત જાતના વિચારો-વર્તનો થતાં હોય છે, પ્રસંગો ગોઠવાતાં હોય છે.

લગ્ન પહેલા, પોતાની વાગ્દત્તા સાથે ફરવા નીકળતા યુવકના ઘરના બાળકો જો રમતાં હોય અને એના ઠેબે ચઢે તો ઉત્સાહી પુરુષ ‘અરે બકુડા, ક્યાંક લાગ્યું તો નથી?’ કહી એને તેડી વ્હાલથી ચુંબન વર્ષા કરી મૂકે અને એ જ બાળકો લગ્ન બાદ ઠેબે ચઢે ત્યારે ‘અલ્યા ભૂતડાઓ.. આઘા મરો ને!’ એમ તાડૂકે ત્યારે બાળકો એના આ વર્તનને આશ્ચર્યથી તાકી રહેતા હોય છે.

શું બદલાઈ ગયું? બકુડાઓ કેવી રીતે ભુતડાઓ થઇ ગયા? ભીતરે રોજ રોજ કૈંક ઘટી રહ્યું છે. તમે છેલ્લે ક્યારે ખડખડાટ હસેલા? બાળપણમાં હસતા હસતા પેટમાં દુખવા માંડતું. બાળપણમાં સાવ પાઈ પૈસામાં મળતું આ હાસ્ય વૃદ્ધાવસ્થા સુધીમાં ડોલરોની કિંમતનું કેમ થઇ જતું હશે? ખામી ક્યાં છે?

કેટલાક મિત્રો-સ્વજનો એવા હોય છે કે એમની સેન્સ ઓફ હ્યુમર ગજબ હોય છે. એની હાજરી એટલે હાસ્યની રંગીન પિચકારી. લાલ-ગુલાબી-પીળા એવા જાતજાતના કલર એ છુટ્ટા હાથે હવામાં ઉછાળતા હોય છે. અને અમુક લોકોની પિચકારીમાંથી, કોણ જાણે કેમ જ્યાં જાય ત્યાં ગમગીનીનો, ગંભીરતાનો ‘કાળો ડીબાંગ’ કલર જ છૂટતો હોય છે. ખૂબીની વાત એ છે કે જીવનના અમુક મુકામે પહોંચેલા આવા ગંભીર લોકોએ આ ગમગીની એમના પરાક્રમોથી પ્રાપ્ત કરેલી હોય છે, બાય બર્થ નહીં. ‘બકુડા’માંથી ‘ભૂતડા’ બની બેઠેલા આવા લોકો જો એક વાર ‘આય માય મી’ માંથી બહાર નીકળે અને ‘યુ યોર યોર્સ’ ની દિશા પકડે એટલે કે ‘હું જ સાચો છું’ ને બદલે ‘તમે સાચા છો’, ‘મારું કામ મોટું છે’ ને બદલે ‘તમારું કામ ઈમ્પોર્ટન્ટ છે’ અને ‘મને ભાવતી વાનગી બનાવો’ ને બદલે ‘આજ તને ભાવે એ જમીશું’ તો એમની અને એમની આસપાસના લોકોની આ વખતની હોળી સફળ થાય.

ખાસ નોંધ : મિત્રો, મારી વાતો કરતા તમારી કોમેન્ટ મને વધુ ગમે છે.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)