kalp manthan in Gujarati Moral Stories by ઝંખના books and stories PDF | કલ્પ મંથન

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

Categories
Share

કલ્પ મંથન

તાળીઓ ના ગડગડાટ થી આખો હોલ ગુંજી ઉઠ્યો." કલ્પ મંથન "સંસ્થા ને સમાજ માં સર્વ શ્રેષ્ઠ યોગદાન આપવા માટે સન્માન પત્ર મળી રહ્યું છે.. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે આ સન્માન પત્ર ગ્રહણ કરવા માટે એકસાથે બે સુંદર સ્ત્રીઓ મંચ પર હાજર થઇ.. સૌ ચકિત થઇ ગયા. આ ગેર સમજ દૂર કરવા માટે મંચ પરથી ફરી જાહેરાત થઈ. એક જ નામની બે સંસ્થાઓ બે અલગ અલગ શહેરોમાં હતી. એક અમદાવાદમાં અને બીજી સાપુતારામાં. અમદાવાદની સંસ્થા કલ્પના જોશી ચલાવતા હતા. જ્યારે સાપુતારામાં આ સંસ્થા મંથન મહેતા ના નામે હતી. મંથન મહેતા અત્યારે સંસ્થાના જ કોઇ કામથી વિદેશ પ્રવાસે ગયા હતા. એટલા માટે સન્માન પત્ર લેવા તેમના પત્ની રચના મહેતા હાજર હતા. અત્યારે આ એવોર્ડ કલ્પના જોશી ના નામે હતો. તેથી રચના મહેતાને વિનય પૂર્વક પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી કરાઈ.
*******

રચના એક અલ્લડ અને જીદ્દી સ્ત્રી હતી. એના હાથમાં આવેલો એવોર્ડ જ્યારે બીજી કોઈ સ્ત્રી લઈ ગઈ, ત્યારે તે અંદરથી ખૂબ જ છંછેડાઈ ગઈ પણ આટલા લોકો ની વચ્ચે તે કોઈ પણ પ્રકારનું ખરાબ વર્તન ના કરી શકી. અંતે હારી-થાકીને પગ પછાડતી પોતાના સ્થાન પર બેસી ગઈ. પ્રમાણમાં સારી એવી ઊંચાઈ અને ગૌર વર્ણ ધરાવતી રચના દેખાવમાં ઘણી સુંદર કહી શકાય એવી સ્ત્રી હતી. પાતળી અને કમનીય કાયા અને એનું આકર્ષક વ્યક્તિત્વ એના જાજરમાન દેખાવમાં ઘણો વધારો કરી રહ્યા હતા. પોતાના પિતા નું એકમાત્ર સંતાન હોવાથી નું રચનાની દરેક જીદ પૂરી થતી હતી. એમાં ને એમાં એ ઘણી જીદ્દી સ્વભાવની બની ગઈ હતી. હવે રચનાને જોઈતી દરેક વસ્તુ એ મેળવીને જ રહેતી હતી. અચાનક તેના માતા પિતાનું અકસ્માતમાં મૃત્યુ થવાથી તે ખૂબ એકલી પડી ગઈ હતી. આ સમયે તેને તેના પિતાના મિત્ર મહેશભાઈએ સાચવી લીધી હતી. નાનપણમાં જ મહેશભાઈએ તેમના દીકરા મંથન સાથે રચનાનું સગપણ નક્કી કર્યું હતું. અત્યારે રચના અને મંથન બંનેની ઉંમર પરણવાલાયક હોવાથી મહેશભાઈએ તેમના લગ્ન કરાવ્યા હતા.
મહેશભાઈ એ ક્યારેય પોતાના દીકરા મંથનની પસંદ જાણવાની કોશિશ કરી ન હતી. રચના દેખાવમાં તો ઘણી સુંદર અને આકર્ષક હતી પરંતુ એનામાં સ્ત્રી તત્વનો અભાવ હતો. અને મંથનને હંમેશાથી સ્ત્રીમાં રહેલી નિર્દોષતા, કોમળતા, શાલીનતા, લજ્જા આ બધી વસ્તુઓ આકર્ષિત કરતી હતી. જે રચનામા કયારેય પણ કયાંય પણ ન હતી. આજ કારણે મંથન હંમેશા રચનાથી દૂર રહેતો હતો. પરંતુ પોતાની અને પોતાના પિતાની સામાજિક પ્રતિષ્ઠા ના ખરડાઇ તે હેતુથી મંથન હંમેશા રચનાને સહન કર્યા કરતો. તેના માટે એની પોતાની સંસ્થા અને સંસ્થામાં રહેતા લોકો એ જ તેનો પરિવાર. મંથન ને બસ પોતાની જિંદગી બીજાને ખુશી આપવામાં અને બીજાનું જીવન સુધારવામાં વિતાવી ગમતી હતી. એ કયારેય રચના સાથે કોઈપણ જાતની માથાકૂટમાં પડતો નહી. પોતાના કામથી કામ રાખતો અને રચનાને ક્યારેય કોઇ પણ બાબતે રોકટોક કરતો નહીં. આમ ને આમ દસ વર્ષનું લગ્નજીવન વીતી ગયું. મંથન અને રચના હજુ સુધી માતા-પિતા બની ના શક્યા. આમ જ જિંદગીના પ્રવાહમાં મંથન અને રચના નું લગ્ન જીવન વહી રહ્યું હતું.
*******
મંથન ને અચાનક આ પ્રોગ્રામમાં આવવાનું આમંત્રણ મળ્યું. અને એનો વિદેશપ્રવાસ પહેલાથી જ નક્કી હતો. તેથી એ પ્રવાસે ગયો અને રચનાને એણે આ સંસ્થાના આ મેળાવડામાં મોકલી. સ્ટેજ પર જ્યારે કલ્પના જોશી ને એવોર્ડ અપાય રહ્યો હતો ત્યારે રચના સિવાયના દરેક વ્યક્તિ તાલી પાડી રહ્યા હતા. અભિમાન માં ને અભિમાનમાં કાર્યક્રમ પૂરો થયા પહેલા રચના ત્યાંથી પોતાના ડ્રાઈવર ને લઈને નીકળી ગઈ. આ પ્રોગ્રામ સુરતમાં હતો.રચનાને ત્યાંથી સાપુતારા જવાનું હતું જ્યારે કલ્પના જોશી ને અમદાવાદ આવવાનું હતું. કલ્પના જોશી ને જોઈને કોઈ પણ વ્યક્તિ એવું અનુમાન ના લગાવી શકે કે આ કોઈ ખૂબ જ મોટી હસ્તી હશે. જાજરમાન વ્યક્તિત્વની સાથે વિનમ્રતા, શાલીનતા અને તેના ચહેરા પર રમતું લાવણ્ય તેની સુંદરતામાં વધારો કરી રહ્યું હતું. કલ્પનાને બાળપણથી જ લખવાનો, વાંચવાનો અને સમાજ સેવા કરવાનો ખૂબ જ શોખ હતો. પોતાના વાંચન શોખ ને આધારે ક્યારેક કલ્પના જમવાનું પણ ભૂલી જતી હતી. તે બે કિશોર અવસ્થા ના બાળકો ની માતા અને એક વિધવા સ્ત્રી હતી. છતાં એણે ક્યારેય પોતાના જીવનની તકલીફો ને પોતાના ચહેરા પર દર્શાવવા દીધી ન હતી. સમાજ સેવા કરવાના આશયથી જ તેણે સંસ્થાની સ્થાપના કરી હતી. એની સંસ્થામાં ગરીબ, ત્યજાયેલી, વિધવા સ્ત્રીઓ હતી. તો ત્યજાયેલા વૃદ્ધો પણ હતા. રસ્તે ભીખ માંગતા અનાથ બાળકોને પણ તે હાથ પકડીને પોતાની સંસ્થા માં લઈ આવતી હતી. પોતાના બંને બાળકો સાથે તે પણ સંસ્થામાં જ રહેતી હતી. એના સંસ્થાના મોટા પરિવારમાં તે ખુબ જ ખુશીથી જીવન જીવી રહી હતી.
પોતાના વાંચન શોખ ને કારણે તે મંથન મહેતાના દરેક લેખ વાંચતી. પોતાને પણ લખવાનો શોખ હોય તે પણ ઘણા મેગેઝિનમાં કે સમાચાર પત્રમાં પોતાની કોલમ લખતી. ખૂબ જ ટૂંકા ગાળાના લગ્નજીવનમાં પોતાના સપનાઓને પૂર્ણ ના કરી શકેલી કલ્પના સતત કોઈકનો સાથ ઝંખતી. વાંચનને કારણે તેને એ સાથ મળી રહે તો. મંથન મહેતા ના લેખ વાંચીને તે સતત તેના વિચારોમાં ખોવાયેલી રહેતી. અને અજાણતા જ તે મંથન મહેતાને પ્રેમ કરી બેઠેલી. મંથન મહેતા એક સારો લેખક છે તે વાત તેની પત્ની રચના જાણતી ન હતી. રચના એ ક્યારેય પણ મંથન ના શોખ કે વિચારોને જાણવાના પ્રયત્ન કર્યા ન હતા. સામાપક્ષે મંથને પણ ક્યારેય પોતાની જાતને રચના સામે ખુલ્લી મૂકી ન હતી. ક્યારેક મંથન મહેતા ના લેખ પર પોતાના અભિપ્રાયો આપતા પત્રો પણ લખતી કલ્પના ક્યારે ઉંડે ઉંડેથી મંથન મહેતાને પ્રેમ કરવા લાગી હતી. કલ્પના અને મંથન બંનેના જીવનમાં જીવનસાથી હોવા છતાં પણ ક્યાંક ઊંડે ઊંડે પ્રેમ ની કમી હતી. જે કલ્પનાએ મંથન પાસેથી અને મંથન એ કલ્પના પાસેથી પૂરી કરી હતી.મંથન અને કલ્પના ને જીવન મા પ્રથમ વખત જ નિસ્વાર્થ પ્રેમ નો અનુભવ થઇ રહ્યો હતો. સામાપક્ષે મંથન મહેતા પણ કલ્પના જોશી ના બધા જ લેખ વાંચતો અને તેને અભિપ્રાય આપતો પત્ર દ્વારા. મંથન મહેતા નામના પ્રથમ અક્ષર ની સાથે પોતાનું નામ જોડીને "કલ્પમ" ઊપનામથી કલ્પના પોતાની લેખન કારકિર્દીને આગળ ધપાવી રહી હતી. "કલ્પમ "ના લેખ વાંચતા દરેક વ્યક્તિ એ વાત થી અજાણ હતા કે આ વ્યક્તિ કલ્પના જોશી છે.

સ્ટેજ પર અપાતા કલ્પના જોશીના એવોર્ડ ની સાથે સાથે "કલ્પમ"ના લેખની પણ વાત થઇ રહી હતી. ફૂલ સ્પીડમાં ચાલતી ગાડી ની સાથે સાથે રચનાના વિચારો પણ તેજ ગતિથી દોડી રહ્યા હતા. હોલમાં સાંભળેલો "કલ્પમ " શબ્દ રચના ને ક્યાંક સાંભળેલો કે વાંચેલો લાગ્યો. સૂરતથી સાપૂતારા પહોંચેલી ગાડી ની પહેલા રચનાના વિચારો પહોંચી ગયા હતા. નાનકડા શહેરના છેવાડે ખૂબ જ ઓછી વસ્તી ધરાવતા વિસ્તારમાં મંથન મહેતા ની સંસ્થા "કલ્પ મંથન" હતી."વિશાળ દરવાજો, ફરતે ઉંચી દિવાલો, દીવાલોની અંદરની બાજુ હાર બંધ વાવેલા વૃક્ષો, દરવાજેથી અંદર સીધો જતો લાંબો રસ્તો, રસ્તાની બન્ને બાજુએ ક્યારા પાડીને વાવેલી શાકભાજી, છૂટાછવાયા ફળ ના વૃક્ષો, નાનકડો સ્વિમિંગ પૂલ, એની સામેની તરફ બગીચો, અને છેલ્લે વિશાળ હવેલી જેવું મંથન મહેતાનું મકાન." એને મકાન એટલા માટે કહેવાય કે રચના એ ક્યારેય એને ઘર બનાવવાના પ્રયત્ન કર્યા જ ના હતા. અને ઘરની સામેની તરફ અલગ અલગ વિભાગોમાં સંસ્થા. દરેક વિભાગમાં દસ દસ રૂમ હતા. એક વિભાગ યુવતીઓ માટે એક વિભાગ અનાથ બાળકો માટે અને એક વિભાગ વૃદ્ધો માટે. અને ચોથી ઇમારત હતી એ મંથન મહેતા ની ઓફિસ હતી. ત્યાં બેસીને એ સંસ્થાનાં તમામ કામકાજ સાંભળતો હતો. ત્યાં અભ્યાસ રૂમ અને લાયબ્રેરી પણ હતી. બાળકો, વૃદ્ધો અને સ્ત્રીઓને સમયની સાથે ચાલતા શીખવા માટે એક કોમ્પ્યુટર રૂમ પણ હતો. સંસ્થામાં અલગ અલગ શિક્ષકો આવીને ત્યાં રહેતા લોકોને શિક્ષણ આપતા હતા.

આટલી લાંબી મુસાફરી કર્યા પછી થાકી હોવા છતાં, રચના દોડીને ઘરમાં પ્રવેશી. સીધી જ મંથન ના અભ્યાસ રૂમમાં જઈ એના બધા જ પુસ્તકો ફેરવવા લાગી. પણ તેને હાથમાં કંઈ આવ્યું નહીં. જ્યારે તે થાકીને બેસી ગઈ. ત્યારે અચાનક તેની નજર એક ફાઈલ પર પડી. ફાઈલ ખોલીને જોયું તો તેમાં "કલ્પમ" ના લખેલા દરેક લેખની કાપલી હતી. જે કોઈ ન્યુઝ પેપર કે મેગેઝિનમાં થી કાપેલી હતી. તેણે ઉતાવળે પણ બધા જ લેખ વાંચી નાખ્યા. અને એનો એક એક શબ્દ વાગોળવા લાગી. એ જ શબ્દો હતા અને એ જ વિચારો હતા જેની મંથન હંમેશા રચના પાસેથી અપેક્ષા રાખતો હતો. મંથન ની અપેક્ષાઓ ક્યારેય પૂર્ણ ન કરી શકવાનો અફસોસ રચનાને હતો. કારણકે જિદ્દી અને અલ્લડ હોવા છતાં પણ રચના એક સ્ત્રી હતી. અને એ મંથન ને બાળપણથી જ ખૂબ ચાહતી હતી. પોતાની જીદના કારણે મંથન ને એણે મેળવી તો લીધો હતો પણ ક્યારેય પામી શકી ન હતી. આ ફાઈલની સાથે જ રચનાને એક ડાયરી પણ મળી હતી. જે મંથનની પર્સનલ ડાયરી હતી. એ ડાયરીમાં ઉલ્લેખ હતો કે મંથન આ દુનિયામાં કલ્પમ ની સૌથી વધુ નજીક છે. એના દરેક વિચારો મંથન ના વિચારો સાથે મળતા આવે છે. "કલ્પમ" પણ હંમેશા એ જિંદગી જીવવા માંગે છે. જેની મંથન સતત ઝંખના કરતો આવ્યો છે.
આ બધું જોઈ અને વાંચીને રચના પોતાની જાતને લાચાર મહેસૂસ કરવા લાગી. રચનાને અચાનક માતૃત્વ ધારણ કરવાનો વિચાર આવ્યો. એને લાગ્યું કે આમ કરીને હું મંથન ને મારી નજીક લાવી અને દૂર થતો અટકાવી શકીશ. એ સમયે તો તે પોતાના રૂમમાં જઈને ફ્રેશ થઈને સુઈ ગઈ. બીજા દિવસે સવારે હોસ્પિટલ જવા નીકળી. એક પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ પાસે જઈને તેને પોતાની તપાસ કરાવી. ડોક્ટર ને પોતાની વિગત જણાવી કે, "દસ વરસ પછી પણ પોતે માતૃત્વ ધારણ ન કરી શકી". આખા દિવસના ઘણા બધા રિપોર્ટના અંતે ડોક્ટર એ નિષ્કર્ષ પર આવ્યા કે રચના ક્યારેય માં નહીં બની શકે. આના ગર્ભાશયમાં ચેપ લાગેલો હોવાથી ગર્ભાશય કાઢવું પડશે. આ સાંભળી રચના ચોધાર આંસુએ રડવા લાગી. મંથન ને પામવાની એની છેલ્લી ઈચ્છા પર પણ પાણી ફરી વળ્યું.
********

થોડા દિવસ પછી રચના "કલ્પ મંથન" સંસ્થા ની ઓફિસ માં કોઈની રાહ જોતી બેઠી હતી. આ ઓફિસ અમદાવાદ ની હતી. થોડી જ ક્ષણોમાં રચના ની સામે એક જાજરમાન અને સંપૂર્ણ સ્ત્રી ઊભી હતી. એણે ખુબ જ નમ્રતાપૂર્વક રચનાને બેસવાનો આગ્રહ કર્યો. એ જોઈને એને યાદ આવી ગયું. કે પોતે સમારંભમાં આ સ્ત્રી સાથે કેવો વ્યવહાર કર્યો હતો. છતાં તે નમ્રતા પૂર્વક પોતાને આવકારી રહી હતી. કલ્પના જોશી પાસેથી તેનો ભૂતકાળ અને મંથન મહેતા વિશેના અભિપ્રાયો જાણીને રચનાને ખૂબ જ આશ્ચર્ય સાથે આનંદ મહેસુસ થયો. રચના એ કલ્પના જોશી પાસે વાત કરવા માટે થોડા સમયની માગણી કરી. કલ્પનાના હા કહેવાથી રચના એ પોતાની વાત શરૂઆત કરી.
કલ્પના જોશી પાસેથી જાણવા મળ્યું કે તે પણ મંથન મહેતા ને ખૂબ પ્રેમ કરે છે. પરંતુ મંથન મહેતા નો પોતાનો પરિવાર અને કલ્પનાનું વૈધવ્ય સચવાઈ રહે તે માટે થઈને બન્ને અજાણ પ્રેમી બની રહ્યા. અને પોતાનો પ્રેમ પોતાની અંદર સમાવી ને જીવનમાં પ્રવાહ સાથે વહેતા રહ્યા. જોકે આજ સુધી કલ્પના જોશી કે મંથન મહેતા એકબીજાને રૂબરૂ માં જોયેલા ન હતા. બસ પત્રો દ્વારા અને એકબીજાના લેખો દ્વારા એકબીજાને પ્રેમ કરતા હતા. રચનાએ આજે કલ્પના જોશી પાસે એવી માંગણી કરી કે ચાહવા છતાં પણ કલ્પના એ વાત ને ના ન કહી શકી.
***********
માત્ર થોડા જ કલાકો પછી કલ્પના જોશી અને રચના મહેતા મંથન મહેતા ની સામે બેઠા હતા. રચના એ મંથન ને કહ્યું કે, " મંથન આમને તમે ઓળખો છો?" મંથન ના ના કહેવા પછી રચના એ કલ્પના જોશી ની "કલ્પમ" તરીકે ઓળખાણ આપી. મંથન તો કલ્પના ને જોઈને સ્થિર જ થઈ ગયો. એના પગ નીચેથી જાણે ધરતી ખસી ગઇ. અને રચના એ ઉભા થઇ ને મંથન નો હાથ પકડીને કલ્પના ના હાથ માં આપી દીધો. અને વિનંતીના સૂરમાં કહ્યું કે, " કલ્પના આજથી તું મારી મોટી બહેન છો!! આપણે એક જ નામની બે અલગ અલગ સંસ્થાઓના બદલે એક વિશાળ સંસ્થા સાથે મળીને ચલાવીશું. તારા બાળકોને હું મારા બાળકો સમજી મોટા કરીશ. તું મહેરબાની કરીને મંથન સાથે લગ્ન કરી લે!! અને મંથન ની પિતા બનવાની અધુરી ઇચ્છા પૂર્ણ કરી દે." આ સાંભળી થોડીવાર તો કલ્પના ના પગ પણ જમીન સાથે જકડાઈ ગયા. માત્ર થોડાક જ સમય ના વિચાર વિમર્શ બાદ મંથન એ કલ્પના ને પોતાની બાહો માં જકડી લીધી.
રચના એ પોતાની સમજદારી અને પોતાના પતિને પિતૃત્વ આપવા માટે એકબીજા માટે તરસતા પ્રેમીઓનું મિલન કરાવ્યું. બહારના આકાશમાં સંધ્યા પોતાના રંગોથી ખીલી રહી હતી. સુરજ આ ધરતી પરથી વિદાય લેવાની તૈયારીમાં હતો. ચંદ્ર નિશા ની સાથે આ ધરા પર પોતાની ઠંડક ફેલાવી રહ્યો હતો. અને "કલ્પ મંથન "સંસ્થામાં બે ઝુરતા પ્રેમીઓનું અચાનક જ મિલન થઈ રહ્યું હતું. આ આખીયે "કલ્પ મંથન "સંસ્થાના સભ્યો આ અપ્રતિમ પ્રેમની સાક્ષી પુરી રહ્યા હતા. બે ઘડાયેલા લેખકોની પ્રેમ કહાની એક સામાન્ય રચનાએ રચી હતી. આંખોમાં હર્ષાશ્રુ સાથે દરેક વ્યક્તિએ આ પ્રેમ કહાની ને ખરા દિલથી અપનાવી હતી.......
******* સમાપ્ત *******