Ant Pratiti - 11 in Gujarati Moral Stories by Neeta Kotecha books and stories PDF | અંત પ્રતીતિ - 11

Featured Books
Categories
Share

અંત પ્રતીતિ - 11

અંત પ્રતીતિ

નીતા કોટેચા

(૧૧)

મીઠો સંગાથ

લાગણીઓને ક્યાં કોઈ બંધન નડે છે? એ તો મુક્ત થઈને વિહરે છે.

સંગાથ મળે મનગમતો, સફળતા પણ સહજ રીતે ઉત્સવ બને છે.

ધ્વનિ પોતાની જાતને હવે પહેલાં કરતાં વધારે વ્યસ્ત રાખવા લાગી... જેથી તે ઘટનાને યાદ ના કરે. પણ કહેવાય છે ને મન એવું ચક્ર છે કે જે તમે ભુલવા માંગો છો એ વધારે યાદ આવે. મનની ઊંડાઈ સાગર જેવી છે તેના અમુક ઊંડાણમાં સંગ્રહાયેલી વાતો એવી રીતે બહાર આવે કે તમારા અસ્તિત્વને ઝંઝોળી મૂકે. ધ્વનિની મનોદશા પણ એવી જ હતી. અત્યારે એક બાજુ મનોજના વિરહની વેદના અને બીજી બાજુ આ બનેલી ઘટનાએ તેના અસ્તિત્વને હલાવી દીધી હતી. તે જાણતી હતી કે તેમાં સમીરનો કે તેનો કોઈ જ વાંક ન હતો. બંને તે સમયની નાજુક ક્ષણમાં ઓગળી ગયા હતાં. ધ્વનિ મનોજની યાદોમાં બહેકી ગઈ અને સમીર ભાંગના નશામાં... બંને જણ જોજનો દૂર હતા અને આ ઘટનાથી એકબીજાના સંપર્કમાં આવી ગયા હતાં. હવે તેનો જીવ વધારે ને વધારે સમીરને મળવા અધીરો બન્યો હતો. તેનો અવાજ સાંભળવા મન અધીર બનતું હતું. પરંતુ તે પછી સમીરે ઘરે આવવાનું જ ઓછું કરી દીધું હતું. અને સમીર ઓફિસમાં પણ કામ અર્થે જ ઓછો જ આવતો હતો.

આખરે, ધ્વનિએ સમીરને એક દિવસ ફોન કર્યો અને તેને કોફીશોપમાં મળવા બોલાવ્યો. “તમારે કોઈ ખાસ કામ છે?” સમીરે પૂછ્યું. “ખાસ કારણ છે, માટે તો મળવા બોલાવું છું. આવશો ને મને મળવા?” ધ્વનિએ કહ્યું. “હા, ચોક્કસ આવું છું.” સમીરે હા પાડતાં ધ્વનિ મનોમન ખુશ થઈ અને મનમાં ખુશ થતાં પોતાની મનગમતી ગઝલ ગણગણવા લાગી. આજે તે ઘણા દિવસ પછી ખુશ દેખાતી હતી. ફ્રેશ થઈને થોડો મેકઅપ કર્યો પછી પોતાની પર્સનલ સેક્રેટરી લવલીને બોલાવી તેને જરૂરી સૂચનાઓ આપી. ઝડપથી ઓફિસ છોડીને નીચે આવી. ડ્રાઈવરે જેવો કારનો દરવાજો ખોલ્યો, “કાકા, તમે રહેવા દો. હું આજે જાતે ડ્રાઈવ કરીને જઈશ.” એમ કહીને તેમના હાથમાં ચાવી લેતાં બોલી. “ખૂબ સારું બેટા.” પછી ગાડી ડ્રાઈવ કરીને ધ્વનિ મુંબઈની સડક પર પોતાની બી.એમ.ડબલ્યુ. સાથે મનથી દોડવા લાગી. આજે મુલાકાત થશે તે વિચારીને ખુશ થતી હતી. થોડા જ સમયમાં તેની કાર કોફીશોપ પાસે ઉભી રહી. કાર પાર્ક કરતાં જોયું તો સમીરની કાર હતી. તે મનમાં ખુશ થઈ કે સમીર પહેલેથી આવી ગયો છે. તે ખુશ થઈને કોફીશોપમાં દાખલ થઈ. જ્યાં સમીર બેઠો હતો તે તરફ ચાલવા લાગી. ધ્વનિને દાખલ થતાં સમીરે જોઈ લીધી હતી, પોતે શું બોલશે તેની ગડમથલમાં હજી તેનું મન અટવાતું હતું. હજી તો તેમાંથી બહાર નીકળે તે પહેલાં જ ધ્વનિ તેની સામે ઉભી રહી ગઈ. “હલ્લો સમીર...” ધ્વનિએ સામેથી જ સમીરને બોલાવ્યો. “હલ્લો ધ્વનિ...” એમ કહીને તેણે શેકહેન્ડ માટે હાથ લંબાવ્યો, પછી ખુરશી પર બેઠી. સમીરે પોતાની સાથે લાવેલ ફૂલોનો બુકે તેને આપતાં, ધ્વનિએ સ્વીકારીને હસીને કહ્યું, “લવલી!” બુકે લેતી વખતે તેની આંગળીઓ સમીરની આંગળીઓને સ્પર્શી ગઈ. તે મીઠો સ્પર્શ તેના દિલમાં એક અજબ હલચલ મચાવી ગયો... પછી સમીરે પૂછ્યું, “શું ચાલશે?” તરત જ સમીરના હાથ પર પોતાનો હાથ મૂકતાં તે બોલી. “સમીર, પ્લીઝ હવે તો આવું વર્તન નહીં કર. આ તમે તમે કહેવાનું બંધ કર. જે થયું છે તે અજાણતા થયું છે, માટે તેનો ભાર દિલ પર ના રાખ. હવે તારી અને મારી સ્થિતિમાં ફેર પડી ગયો છે. તે વાત કરવા આજે હિંમત કરીને બોલાવ્યો છે.”

ધ્વનિની આવી વાતો સાંભળીને સમીરનો સંકોચ દૂર થયો, તે બોલ્યો, “ધ્વનિ, મારો વિશ્વાસ કર. તે દિવસથી હું રાતે સુઈ શકતો નથી. દિલમાં જ ન જાણે કેમ ઉથલપાથલ થાય છે, તે મને ખુદને જ ખબર નથી. એક બાજુ વર્ષનો દ્રોહ કર્યો અને બીજી બાજુ તું... શું કરું? તું જ કહે મને, હું શું કરું?”

“સમીર, પ્લીઝ એ વાતને ભૂલી જા. શું પહેલાની માફક આપણે ફરીથી?” “ના ધ્વનિ, હવે એ શક્ય નથી. મને વારેવારે એ બધું યાદ આવે છે.” સમીરે કહ્યું. ધ્વનિએ કહ્યું, “સમીર, પણ જ્યારે મને મદદની જરૂર પડે ત્યારે તો મને હેલ્પ કરીશ ને? ત્યારે તો મને મળીશ ને?” સમીરે જવાબ આપ્યો, “હા, ધ્વનિ, હું સદાય તારી પડખે છું અને હવે તો મારી નૈતિક ફરજ પણ વધી ગઈ છે.” એટલામાં તો કોફી આવી જતાં તે બંને કોફીને ન્યાય આપવા લાગ્યાં. થોડી ઘણી બિઝનેસની વાતો કરી બંને ઉભા થયા અને પોતાની કારમાં બેસીને ઓફિસે જવા રવાના થયાં. ધ્વનિને એટલો સંતોષ હતો કે, ચાલો બંને વચ્ચે થોડો સંકોચ દૂર થયો... તેથી તે મનોમન ખુશ થઈ અને તેની આ ખુશી ચાલમાં પણ વર્તાતી હતી. ઘરે આવતાં જ ઉષાબહેને અનુભવ્યું, ઘણા દિવસો પછી ધ્વનિને આજે પહેલાની જેમ ખુશમિજાજ બનતાં જોઈને તે ખુશ થયા અને મનમાં ભગવાનનો આભાર માન્યો કે તેમની દીકરી ખુશ છે.

સમય ધીરે ધીરે પસાર થઈ ગયો હતો. ધ્વનિને હવે ધીરે ધીરે સમીરની દોસ્તી, તેની ચાહત પસંદ આવવા લાગ્યાં. ધીરે ધીરે તે સમીર તરફ વધતી જતી હતી. હવે તો બસ તેઓ ફોન પર વાત કરતાં અને મેસેજથી સંપર્કમાં રહેતાં હતાં. હવે ધ્વનિ અને સમીર ઘણી જ નજીક આવી ગયા હતાં. ન જાણે કેમ, પણ ધ્વનિ મનોમન સમીર તરફ ખેંચાતી જતી હતી. તેનું દિલ વારેવારે સમીરનું સામીપ્ય ચાહવા લાગ્યું હતું જ્યારે તેઓ ફોન પર બિઝનેસની વાતો કરતાં, ત્યારે પણ ધ્વનિ સમીરનો અવાજ સાંભળવામાં તલ્લીન થઈ જતી. તે શું બોલે છે? શું કહે છે? તે જાણે સાંભળતી જ ન હતી... ત્યાં સમીરની હાલત પણ એવી જ હતી. તે મનને ખૂબ રોકતો હતો એની સાથે વાત ન કરવા, તેનાથી દૂર રહેવા... પરંતુ તે નિષ્ફળ થતો અને ધીરે ધીરે બંને ખૂબ જ નજીક આવી ગયાં.

એક દિવસ સમીરનો ધ્વનિને ફોન આવ્યો. “ધ્વનિ, એક ફેવર કરીશ? જો તારી પાસે ફ્રી સમય હોય તો?” સમીરનો ફોન આવતાં જ એનું મન બેકાબુ બની ગયું. દિલને ખૂબ ખુશી થઈ. તેણે કહ્યું, “હા, સમીર બોલ, હું ફ્રી છું. આજે મારે ઓફિસમાં કોઈ મિટિંગ પણ નથી અને એવું ખાસ કંઈ કામ પર નથી.”

સમીર બોલ્યો, “તો સાંજે તું મારી સાથે આવી શકીશ? વર્ષા માટે થોડીક શોપિંગ કરીને સરપ્રાઇઝ આપવી છે.” ધ્વનિ બોલી, “ક્યાં જવું છે?” સમીરે કહ્યું, “હું ૬ વાગે તને ઓફિસ પરથી પીક કરું છું. તૈયાર રહેજે.” “ભલે.” તેણે જવાબ આપ્યો. સમીર સાથે વાત થયા પછી ધ્વનિનો સમય જતો જ નહોતો વારેવારે સમય જોતી હતી કે ક્યારે સાંજ પડે અને સમીર મળે? બરાબર છ વાગે સમીર ઓફિસમાં દાખલ થયો. તેને જોતાં જ ધ્વનિ ખુશ થઈને બોલી, “આવ, સમીર... શું લેશે?” સમીરે કહ્યું, “કંઈ નહીં, જો તું રેડી હોય તો આપણે નીકળીએ.” “હા, હું રેડી છું.” એમ બોલી ધ્વનિ સાથે નીકળી. સમીર કાર સ્ટાર્ટ કરવા લાગ્યો. ધ્વનિ બોલી, “આપણે ક્યાં જવાનું છે?” સમીર હસીને બોલ્યો, પહેલાં વર્ષા માટે ડાયમંડ રીંગ લેવી છે. માટે જવેલર્સ પાસે જઈશું અને પછી ડ્રેસ લેવા છે તો કોક સારા બુટિકમાં જઈશું.” થોડા જ સમયમાં તેની સમીરની કાર જ્વેલર્સના મોટા શોરૂમ પાસે આવીને ઊભી રહી.

ધ્વનિ અને સમીર દાખલ થયાં. ધ્વનિ ઘણા વખત પછી શોપિંગ માટે બહાર નીકળી હતી. તેને પણ મન થયું કે ચાલો, મમ્મી માટે, ભાભી માટે અને મહેક માટે ખરીદી કરું. સમીર અને ધ્વનિએ મળીને વર્ષા માટે સરસ મજાનો ડાયમંડ સેટ પસંદ કર્યો અને સમીરની દીકરી ઉદિતા માટે પણ સરસ ડાયમંડ રીંગ પસંદ કરી. ધ્વનિ જ્યારે પોતાના માટે ખરીદી કરતી હતી ત્યારે સમીરે ચુપકેથી પોતાની પસંદગીની બાલીની જોડી પર ખરીદી લીધી હતી અને તેનું પેમેન્ટ અલગથી કરી દીધું હતું. જેથી ધ્વનિને ખબર ન પડે. બધી વસ્તુઓ પેક કરાવીને બહાર નીકળ્યા પછી વર્ષા માટે સરસ ડ્રેસની ખરીદી કરી. ધ્વનિએ બાળકો માટે અને મમ્મી માટે પણ ખરીદી કરી પરંતુ સમીરે બધું જ બિલ પોતે ચૂકવી દીધું. ધ્વનિએ આનાકાની કરી, પરંતુ સમીર પાસે તેનું કંઈ ચાલ્યું નહીં.

ખરીદી પતી ગઈ સમીર બોલ્યો, “હવે ક્યાં જઈશું?” ધ્વનિ એક પળ તેની સામે જોઈ રહી. મનમાં થતું હતું કે સમીર સાથે બેસીને થોડો સમય વિતાવે. પર શરમની મારી બોલી ન શકી. તે આતુર નજરે અને સામે જોઈ રહી. સમીરે તેની આંખના ભાવ વાંચી લીધા હતાં. તે પણ જાણતો હતો કે બંને સાથે બેસીને થોડી વાતો કરે, તેથી તેને સામેથી ધ્વનિને કહ્યું, “ધ્વનિ, ચાલ... સાંજ પડી ગઈ છે, સરસ વાતાવરણ છે. દરિયાકિનારે ફરવા જઈશું.” બંનેના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તે કંઈ બોલી ન શકી. સમીરે તેની સામે જોઈને હસી લીધું અને ગાડી આગળ તરફ જવા લાગી.

થોડા સમયમાં તેઓ જૂહુ આવી ગયાં. પાર્કિંગમાં કાર પાર્ક કરી અને બંને જણા કારમાંથી ઉતર્યા તો “આગળ ચાલ, હું આવું છું” એવું સમીરે કહેતાં ધ્વનિ તેની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહી. સમીરે કહ્યું, “કશું નહીં, બે મિનીટ, હમણાં આવું છું. પ્લીઝ...” “ઓકે...” એમ બોલીને ધ્વનિ ગાડીથી થોડી આગળ ચાલવા લાગી. ઝડપથી સમીરે કારનો દરવાજો ખોલ્યો, ધ્વનિ માટે લીધેલી ડાયમંડ બાલીની ડબ્બીને પોતાની જીન્સના ખિસ્સામાં મૂકી, કારનો દરવાજો લોક કર્યો અને ઝડપથી ચાલતો ધ્વનિ સાથે થઈ ગયો. સમીરને આટલો ઝડપથી પાછો આવેલો જોઈને ધ્વનિ બોલી, “કામ પતી ગયું તારું?” “હા.” સમીર પહેલી વખત તેની આંખમાં આંખ પરોવીને બોલ્યો. સમીરની આંખમાંથી વહેતો મૂક સ્નેહભાવ ધ્વનિએ પણ વાંચી લીધો હતો, તેથી તે થોડી મલકાઈ. તરત સમીરે તેનો હાથ પોતાના હાથમાં લીધો. તે ક્ષણ ધ્વનિ ખૂબ જ વિચલિત થઈ. તેને થયું આ જ ક્ષણે તે સમીરના ગાઢ આશ્લેષમાં સમાઈ જાય... પણ સમાજ, બીજી મજબૂરીઓ તેને રોકી હતી. તેના હાથને સમીરના હાથનો સ્પર્શ મળતાં જ, તેની દિલ ની ધડકનો તેજ થઈ ગઈ. તેની આંખમાં પ્રેમનું ઈજન વાંચીને સમીર પણ ઉત્તેજિત થઈ ગયો હતો. બસ, બંને મૌન બનીને ચાલતાં હતાં, પણ બંનેના દિલ એકબીજાની લાગણીઓને વાચા આપી ચૂક્યા હતાં.

થોડીવાર સાથે ચાલ્યા પછી બંને રેતીમાં બેઠાં. સામે દરિયાની ઉછળતી લહેરો, મનમાં પ્રેમની લહેરો... ધીરે રહીને સમીરે એક નાની ડબ્બી કાઢી. ધ્વનિનો હાથ પોતાના હાથમાં લેતાં, ડબ્બી આપીને કહ્યું, “આ તારા માટે છે.” તેણે પ્રશ્ન કર્યો, “શું છે?” સમીર બોલ્યો, “કંઈ નહીં, તું જો તો ખરી.” અને ધ્વનિની નજીક આવ્યો. તેના શ્વાસ પોતાની સાથે મહેસૂસ કરતી હતી. ધીરેથી બોક્સ ખોલ્યું, તો ખૂબ જ સુંદર ડાયમંડની બાલી... જોઈને ધ્વનિ ખૂબ જ ખુશ થઈ અને પૂછ્યું, “શા માટે સમીર, બધું?” સમીરની આંખોમાં જોતાં જ શરમાઈ ગઈ. “શા માટે? આ બધા સવાલો ના કર. અને મને પણ હક છે તને કંઈક આપવાનો... છે ને?” એમ બોલીને સમીરે તેની આંખમાં જોયું. “હા, સમીર. તને બધો જ હક છે.” આમ બોલીને ધ્વનિએ મૂક સંમતિ આપી, એટલે ધીરેથી સમીરે તેને પોતાની નજીક ખેંચી, ત્યારે ધ્વનિએ આંખો મીંચી દીધી. બંને જણ ક્યાં સુધી દુનિયાથી અલિપ્ત પોતાની દુનિયામાં ખોવાઈ ગયા. થોડો સમય પછી સમયનો ખ્યાલ આવતાં જ પાછા ફરવાનો વિચાર આવ્યો. ત્યારે ધ્વનિએ કહ્યું, “પ્લીઝ આ સમયને કહો કે ઊભો રહે. જેથી હું તારી તારામાં સદાય માટે વિલીન થઈ જાઉં.” સમીરે તેને પ્રેમથી કહ્યું, “ધ્વનિ, ઘરે જવું જરૂરી છે ને?” ધ્વનિએ કહ્યું, “હા, તારી વાત સાચી છે.” બંને ચાલવાનો પ્રયત્ન કરતાં હતાં. બંનેના દિલમાં એક અજબ ઉથલપાથલ મચી ગઈ હતી. બંનેની હાલત એકસરખી હતી. બંને તડપતા હતા એકબીજા માટે... પણ ધ્વનિની આંખમાં આંસુ આવી ગયાં. તેની હાલત જોઈને સમીરે કહ્યું, “રડ નહીં, જે તારી હાલત છે એ જ મારી હાલત છે. આપણે હવે મળતા રહીશું.”

જેમ કાર ચાલતી હતી તેમ બંનેના મન પણ મૂક ભાષામાં અગણિત વાતો કરતાં હતાં અને આંખો મીઠી ભાષામાં દિલની વાતો કરતી હતી. સમીર વારેઘડીએ ધ્વનિ તરફ જોઈ લેતો હતો. આમ ને આમ જલદર્શન આવી ગયું.

ધ્વનિ ઉતરી કારમાંથી શોપિંગ બેગ્સ લઈને... સમીર પણ પાછળ પાછળ ગયો અને બંને બંગલામાં દાખલ થયાં. હોલમાં ઉષાબહેન મનસુખરાય તેની જ રાહ જોઈ રહ્યાં હતાં. બાળકો હોકવર્ક કરતાં હતાં. ધ્વનિને આજે મોડું થયું હતું, પણ સમીર અને શોપિંગ બેગ સાથે દાખલ થતાં જોઈને તે સમજી ગયા, ધ્વનિ સમીર સાથે શોપિંગ કરવા ગઈ હતી. મનોજના ગયાને ત્રણ વર્ષ પછી, આજે પહેલી વખત શોપિંગ કરીને આવી રહી હતી. તે ધીરે ધીરે પોતાની જિંદગીમાં સેટલ થાય છે, એ જાણીને મનસુખરાય અને ઉષાબહેન મનોમન ખુશ થયાં અને સમીર પપ્પાનો અવાજ સાંભળીને બંને બાળકો દોડતાં આવ્યાં અને તેને ભેટી પડ્યાં. પછી સમીરે બંનેને વારાફરતી સાથે લાવેલા કપડાં બતાવ્યા, બંને ખૂબ જ ખુશ હતાં. સમીરે ઉષાબહેન મનસુખરાય માટે લાવેલ શાલ અને સ્વેટર આપ્યાં. ત્યારે તો ધ્વનિને પણ આશ્ચર્ય થયું અને તે બોલી, “અરે સમીર આ ક્યારે ખરીદ્યું?” સમીર હસતાં હસતાં બોલ્યો, “જ્યારે મહેક માટે ખરીદી કરતી હતી ત્યારે.” ઉષાબહેન અને મનસુખરાય સમીરે લાવેલા સ્વેટર અને શાલ પ્રેમથી લીધાં અને આભાર માન્યો. ત્યારે સમીર બોલ્યો, “ દીકરાનો આભાર માનવાનો ના હોય, એ તો તમારે હક્ક છે.” અને બીજી એક બેગ આપી જેમાં અવિનાશભાઈ અને મીનાક્ષીભાભી માટે પણ શાલ અને સ્વેટર લઈ આવ્યો હતો.

ઉષાબહેનના હાથની ચા પીધી. સમીર બધાની રજા લઈને ઘરે જવા નીકળ્યો. ધ્વનિએ પોતે લાવેલા બુટ્ટી મમ્મી, મહેક અને મીનાક્ષીભાભીને આપ્યાં ઉષાબહેન જોઈને ખુશ થયા, અને કહ્યું, “બેટા, મારા માટે શા માટે લાવ્યા? હું ક્યાં પહેરીને જવાની?” “કેમ મમ્મી, દીકરી લાવે તો ના ગમે?” એમ કહીને તેણે ખોટો ખોટો ગુસ્સો કરીને મોઢું ચડાવી દીધું. તેની આ હરકત પર બધા જ હસી પડ્યાં અને ઘરનું વાતાવરણ ધીરે ધીરે પહેલાં કરતાં નોર્મલ થવા લાગ્યું હતું, જાણે કે ઉદાસી ધીમે ધીમે જવા લાગી હતી અને ખુશીઓ પાછી ટકોરા મારતી હતી.

છોકરાઓ હવે કોલેજમાં આવી ગયાં હતાં. ચારે છોકરાઓ એક જ કોલેજમાં હોવાથી, તેમને એકબીજાની કંપની મળી રહેતી હતી. ધ્વનિએ પોતાની આગવી સૂઝબૂઝથી બિઝનેસને ખૂબ જ સમજી લીધો હતો. અને તે એક પછી એક સફળતા હાંસિલ કરી રહી હતી. સમીર તેને પૂરેપૂરો સાથ આપતો હતો. બંને જણા ઘણી વખત બિઝનેસ, મીટીંગ કે પાર્ટીમાં સામે મળી જતાં, ત્યારે તેઓ કંપનીના કર્તાહર્તા તરીકે મળતાં, કદી પણ તેમના અંગત સંબંધો વચ્ચે આવતા ન હતાં. બંનેનું બિઝનેસ વર્લ્ડમાં એક અલગ નામ હતું,

ધ્વનિ ખૂબ જ ટૂંકા સમયમાં મનોજની પોઝીશન પર પહોંચી ગઈ હતી. તેની પ્રગતિ જોઈને મનસુખરાય અને અવિનાશભાઈને ખૂબ જ ખુશી હતી. મનોજની ગેરહાજરીમાં પણ ધ્વનિએ પોતાની જાતને આ મુકામ પર પહોંચાડી દીધી હતી. અઠવાડિયામાં બે દિવસ સમીર અને ધ્વનિ બહાર મળતા હતાં. પોતાનો અંગત સમય સારી રીતે પસાર કરતાં હતાં. બંને કબૂલ્યું હતું કે આમાં વર્ષાને દુઃખ આપી રહ્યાં છે. પરંતુ વર્ષાને બધી વાત કહેવાની બંનેમાંથી કોઈની હિંમત પણ ન હતી.

આજે ધ્વનિ ઓફિસથી જલ્દી આવી ગઈ હતી... કેમકે જાપાનથી ખાસ ડેલિગેટ્સ આવવાના હતાં. તેમની સાથે તાજમાં બિઝનેસ મિટિંગ હતી. જો આ મીટીંગ સફળ નીવડે તો પોતાની કંપનીને ખૂબ જ મોટો ઓર્ડર મળવાનો હતો અને તેમની કંપની ભારત ખૂબ જ ઊંચા સ્થાન પર પહોંચી જાય. ધ્વનિએ બધું સમજવા માટે આજે દિવસે સમીરને બોલાવ્યો હતો. પછી મનસુખરાય, અવિનાશભાઈ અને સમીર સાથે બેસીને બધી જ માહિતી અને ચર્ચા કરીને પ્રેઝન્ટેશન તૈયાર કરી રાખ્યું હતું. સમીરે એ બધા પ્રેઝેન્ટેશનના બેકઅપ પણ કરી લીધા હતા. જેથી બીજે દિવસે જઈને કોઈ પણ કામમાં તકલીફ ન પડે. ખૂબ જ બારીકાઈથી કંપનીના રિપોર્ટ તૈયાર કરીને તેણે બધી જ તૈયારી કરી હતી. અવિનાશભાઈ, મનસુખરાય અને સમીરે ધ્વનિને કહ્યું, “બસ, તારી સફળતા માટેની ચાવી તૈયાર છે.” મનસુખરાય પાસેથી ફાઈલ લેતાં બોલી, “પપ્પા, તમારા બધાના આશીર્વાદ છે તો સફળતા મળવાની જ છે.” એમ કહીને તે પગે લાગી. સમીરે પણ તેને એડવાન્સમાં બેસ્ટ ઓફ લક કહ્યું હતું. પછી બધાની રજા લઈને સમીર જવા માટે નિકળ્યો, ત્યારે મનસુખરાયે કહ્યું, “સમીર, તારે કાલે કંપનીમાં કોઈ મહત્ત્વનું કામ ન હોય, તો ધ્વનિ સાથે મિટિંગમાં જઈશ, બેટા? એ પહેલી વખત આટલી મોટી કંપનીના મેમ્બર્સને મળે છે. તું હશે તો તેને માનસિક ટેકો પણ મળશે. જો તમને વાંધો ન હોય તો.” સમીરે કહ્યું, “મને કોઈ જ વાંધો નથી. પણ હું જાણું છું કે જીવનની સફળતા પોતાની જાતે મેળવે. તે આ બધા માટે કાબેલ છે જ. છતાં પણ સાથે જઈશ. પણ મિટિંગમાં એક્ટિવ નહીં રહું. મનસુખરાયે કહ્યું, “બરોબર છે, પણ આટલું ચોક્કસ કરજે. મારી વિનંતી છે.” સમીરે કહ્યું, “ભલે, તમે કોઈ પણ ચિંતા નહીં કરતાં.” સમીરના ગયા પછી ધ્વનિએ ફરીથી એકવાર આખી ફાઈલના મુદ્દાઓ જોઈ લીધા. અને કેવી રીતે પ્રેઝન્ટેશન કરવું, તેની તૈયારી પણ કરી લીધી. એક વખત મનસુખરાય પાસે બધું બોલીને પણ પ્રેઝન્ટેશન બતાવી ગઈ. મનસુખરાય તેને સાંભળીને ખૂબ જ ખુશ હતાં કે ધ્વનિ ખૂબ જ આગળ આવી ગઈ હતી. તેઓ બોલ્યાં, “અરે વાહ, બેટા... ખૂબ જ સારી રીતે તૈયારી કરી છે. બેટા, મને ખાતરી છે કે તારી મિટિંગ ખૂબ જ સફળ રહેશે. પછી તો તે પોતાના રૂમમાં આરામ કરવા ચાલી ગઈ. તેના ગયા પછી ઉષાબહેન બોલ્યાં, “જોયું, ધ્વનિ, આજે આપણા માટે એક દીકરાની ગરજ સારે છે. ખરેખર નવનીતરાય અને સવિતાબહેનના સંસ્કાર ખૂબ જ સારા છે કે તેમની પુત્રી આજે એક એવા મુકામ પર પહોંચી છે, જ્યાં બધાને તેની માટે ગર્વ થાય.” મનસુખરાયે કહ્યું, “તારી વાત સાચી છે.”

બીજે દિવસે સવારે તેની કાર તાજ હોટેલમાં દાખલ થઈ. કાર પાર્ક કરીને જોયું તો સમીર પહેલેથી જ ત્યાં હાજર હતો. તેણે કહ્યું, “વેલકમ એન્ડ બેસ્ટ ઓફ લક.” અને બંને જણા મીટીંગ રાખી હતી તે કોન્ફરન્સ રૂમમાં પહોંચ્યા. અગાઉથી સૂચના આપી દીધેલી હતી, તેથી તેની પર્સનલ સેક્રેટરી તથા કંપનીના જનરલ મેનેજર, લીગલ એડવાઈઝર, કંપનીના ડિરેક્ટર બધા અગાઉથી આવી ગયા હતાં. સમય થતાં જ જાપાનના ડેલિગેટ્સ પણ આવી ગયાં. ધ્વનિએ સ્વયં બધાને રીસીવ કર્યાં.

આપસમાં પરિચય થઈ ગયા પછી ધ્વનિએ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું. ધ્વનિએ ખૂબ જ સફળતાથી આજની મિટિંગના મુદ્દાઓની ચર્ચા કરી, બધા ખૂબ જ ખુશ હતાં. વચ્ચે થોડીવાર માટે બ્રેક રાખવામાં આવ્યો હતો. સમીર અને ધ્વનિ બધાને ડાઈનીંગ હોલ તરફ લઈ ગયા. મોકો મળતાં જ ધ્વનિએ પૂછ્યું, “આજની મિટિંગ બરોબર છે? બરોબર હેન્ડલ કર્યું.” સમીર ખુશ થતાં બોલ્યો, “તું જ્યારે બોલતી હતી, ત્યારે જ બધાં તને જ એક નજરે જોતાં હતાં અને એક ધ્યાનથી તને સાંભળતા હતાં. તેં ખૂબ જ સારી રીતે બધું કામ કરી બતાવ્યું છે. હું તો જોતો જ રહી ગયો.” લંચને ન્યાય આપીને ફરીથી બધા કોન્ફરન્સ રૂમમાં ગયાં. જાપાનની કંપની વતી આવેલા મિસ્ટર હિટાચી ઊભા થયાં. પહેલા તો તેમણે ધ્વનિની કંપની અને મહેમાનગતીની પ્રશંસા કરીને પછી પોતાની રજૂઆતમાં કંપનીના મુદ્દા રજૂ કર્યાં. તેમને કઈ રીતે માલનો ખપ છે? અને એ બધી ચર્ચા કરી છેવટે તેઓ બોલ્યા કે આ કંપનીની બધી જ બાબતો સરસ છે. તેથી ફાઈનલ જવાબ આપતાં કહ્યું કે અમારી કંપની આ ઓર્ડર તમારી કંપનીને આપે છે અને જે પણ શરતો હશે તે કબૂલ છે. ધ્વનિને એક પળ માટે વિશ્વાસ ન બેઠો કે તેમની કંપનીને આટલો મોટો ઓર્ડર મળ્યો છે.. પરંતુ પછી સ્વસ્થ થઈ અને તેણે પણ બધાનો આભાર માનતાં કહ્યું કે તમારી પણ શરતો અમને મંજૂર છે. અને ધ્વનિએ આટલું કહેતાં જ બધાએ તાળીઓ પાડીને અભિનંદન આપ્યાં. પછી બંને કંપનીના લીગલ એડવાઈઝર, મુખ્ય મેનેજર ઓર્ડરની તમામ બાબતોની ચર્ચા કરીને સહી કરી. અને ડિલમાં ફાઈનલ સહી કરતી વખતે ધ્વનિને મનોજ ખૂબ જ યાદ આવ્યો. ત્યાં જ તેની નજર સમીર પર ગઈ. તેણે પણ આંખથી અભિનંદન આપતાં સ્મિત કર્યું.

ધ્વનિએ ફોન કરીને મનસુખરાયને સમાચાર આપી દીધાં. તેઓ પણ ખૂબ જ ખુશ થયા, પછી ધ્વનિએ બધાને પોતાની કંપની તરફથી સુંદર ગિફ્ટ આપી અને પ્રેમથી વિદાય કર્યા. તેમની આ મહેમાનગતીના ખૂબ જ વખાણ કર્યાં. જાપાનની કંપનીના ડેલિગેશનને આ બધા આદર, અતિથિસત્કાર ખૂબ જ ગમ્યાં. તેમના ગયા પછી ધ્વનિ, કંપનીના સ્ટાફ બધા ખૂબ જ ખુશ હતાં. ધ્વનિ પણ બધાનો સ્નેહ જોઈને ખૂબ જ ભાવુક બની ગઈ. બધાનો દિલથી આભાર માન્યો અને કહ્યું કે જો તેઓએ સાથ ન આપ્યો હોત તો આ સફળતા ન મળી હોત... તો તેની આવી મહાનતા જોઈને બધાને ખૂબ જ સારું લાગ્યું. હવે બધાના ગયા પછી સમીર અને ધ્વનિ જ રહ્યાં. બધાના જતાં જ ધ્વનિ દોડીને સમીર પાસે આવી અને ઉત્સાહમાં ભેટી પડી. સમીર પણ તેની સફળતાથી ખુશ હતો અને બહુ જ પ્રેમથી અભિનંદન આપ્યાં. ધ્વનિએ કહ્યું, “સમીર, જો તારું આટલું બધું માર્ગદર્શન ન હોત અને મારે પડખે ઉભો ના હોત તો આજે આ સફળતા ન મળત. તું આ સફળતાનો હકદાર છે.” અને પછી બંને પ્રેમથી ઘરે જવા નીકળ્યા.

ઘરે જઈને ધ્વનિ ભગવાનને પગે લાગી. મનોજની તસ્વીર પાસે જઈ સફળતાની વધાઈ આપી અને ઘરમાં બધાના આશીર્વાદ લીધાં. પછી મનસુખરાય, અવિનાશભાઈ સમીર અને ધ્વનિ વાતો કરતાં હતાં. ઘરે જઈને સમીરે વર્ષાને આ સફળતાની વાતો કરી. વર્ષા આ સાંભળીને જ ખુશ થઈ ગઈ અને તરત જ તેણે, સમીરે અને મનસુખરાયે બધા સાથે મળીને સરપ્રાઈઝ પાર્ટી આપવાનો પ્લાન કર્યો. અને રાતના બધાએ જલદર્શનમાં સફળતાની ઉજવણી કરી. ધ્વનિને આ સરપ્રાઈઝ મળતાં ખૂબ જ ખુશી થઈ. તે ગમે એટલી ખુશ રહેતી હતી, સફળતા મેળવતી હતી. પરંતુ મનોજને ડગલે અને પગલે ખૂબ જ યાદ કરતી હતી. બીજે દિવસે સવારે બધા ન્યૂઝપેપરમાં આ સફળતાની વાતો છપાઈ હતી. બધા જ ન્યૂઝપેપરમાં તેમની કંપનીના વખાણ થતાં હતાં. સવારથી જ મનસુખરાય અને અવિનાશભાઈને પણ અભિનંદનના ફોન આવતાં હતાં. તેમની હરીફ કંપનીઓને થોડી ઈર્ષ્યા પણ થતી હતી કે એક સ્ત્રી ખૂબ જ થોડા સમયમાં આટલા ઊંચા સ્થાને પહોંચી... અને જાપાનની આટલી મોટી કંપનીનો ઓર્ડર મેળવી લીધો અને સફળતા પ્રાપ્ત કરી. પરંતુ મોઢું હસતું રાખીને બધાએ બિઝનેસ રિલેશન સચવાયેલા રહે એ હેતુથી ધ્વનિને અભિનંદન પાઠવ્યા.

***