Preet ek padchayani - 37 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રિત એક પડછાયાની - ૩૭

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

પ્રિત એક પડછાયાની - ૩૭

પ્રિયંવદા આજે રાજા વિરાજસિંહને ખુલ્લુ આહવાન આપી રહી છે કે આજે મારાં હાથ બંધાયેલા છે તારે જે કરવું હોય તે કર... કામાંધ અને મતિભૃષ્ટ બનેલો વિરાજસિંહ પ્રિયંવદાની નજીક આવ્યો..અને એક રાક્ષસની જેમ અટ્ટહાસ્ય કરવાં લાગ્યો...આજે પ્રિયંવદાની નજીક જતાં જ બોલ્યો, " તું દિવસે ને દિવસે વધું સુંદર બનતી જાય છે...તારી આ માદકતાનું રહસ્ય શું છે ?? વર્ષોથી અધુરી રહેલી મારી ઈચ્છાને આજે હું સંતૃપ્ત કરીશ..."

પ્રિયંવદાનાં ચહેરાં પર જરાય ડર નથી દેખાઈ રહ્યો. તે જાણે રાજાને વધારે નજીક આવે એવું ઈચ્છી રહી છે. તે બોલી, " કુદરત પણ ઘર જોઈને દીકરીઓ મોકલે છે...નસીબદારને ત્યાં જ દીકરી જન્મે છે. જોને પોતાનાં દીકરાની ખુશીને નામે પોતાની વાસનાઓ સંતોષવાનો તારો શોખ આટલી ઉંમરે પણ પુરો ન થયો ??"

છતાંય માનવતાને ભુલાવી બેઠેલો એ પ્રિયંવદાની નજીક ખસક્યો ને એ સાથે જ પ્રિયંવદાએ તેનો પાછળથી બંધાયેલા હાથને કુનેહથી છોડી દીધાંને એનાં કેશ પકડીને જોરથી એને ખેંચ્યો...એ એટલી પ્રચંડ તાકાતવાન હતો કે વિરાજસિંહ બમણી તાકાત સાથે દૂર જઈ પડ્યો...પ્રિયંવદાએ મહામહેનતે પોતાનાં પગને છોડ્યાં....ને કક્ષનો દ્વાર ખોલીને તે બહાર રહેલાં ચોકીદારો સામે લડત આપીને તે ભાગી‌.

પોતાનાં પતિની ઈચ્છાને કારણે પ્રિયંવદા એ આત્મરક્ષા માટે આ લડાઈ શીખી હતી. વર્ષો બાદ આજે પહેલીવાર આ કૌશલ્યએ તેનું ચારિત્ર્ય પર કલંક લાગતાં બચાવી...અને તે ત્યાંથી દોટ મુકીને ભાગી... વિરાજસિંહ એક જગ્યાએ અથડાતાં બાદ થોડી વારે ભાનમાં આવ્યો તો ખબર પડી કે પ્રિયંવદા ભાગી ગઈ છે...તે ફરી તેની શોધમાં પાછળ ભાગ્યો...

******************

પ્રિયંવદા હાંફળીફાફળી થતી એક ઉમદા વ્યક્તિનો સહારો લઈને તે પાછી સુવર્ણસંધ્યાનગરી પહોંચી... ત્યાં તો ઘણું બધું શાંત થયેલું દેખાય છે પણ શું ઠેરઠેર લાશોનાં ઢગલાં દેખાય છે. કેટલાંય તો હજું કણસી રહ્યાં છે...પ્રિયંવદા તો ડઘાઈ જ ગઈ... એની આંખો ભીની થઈ ગઈ...મારી પ્રજાની આવી દશા ?? આ શું મારી હસતી રમતી આ પ્રજા એક જ ઝાટકે શુન્યમનસ્ક બની ગઈ છે.... હું અમે ખરેખર તેમનાં પાલનહાર ન બની શક્યાં..

તેને આજુબાજુ નજર કરી થોડે દૂર તેને ચેલણારાણી જેવું દેખાયું . તે પહોંચી ને જોયું તો રાજા વિશ્વજીત અને રાણી ચેલણા બંને પડેલાં છે... કદાચ હવે તેમની જિંદગી પણ તેમનાં હાથમાંથી જતી રહી છે. તેને ધન્વંતરિરાજાને જોવાં માટે નજર દોડાવી...પણ ક્યાંય ન દેખાયાં...તે રાજમહેલ તરફ ચાલવા લાગી.. તેને થયું કે કંઈ નહીં આખરે અમારાં સંતાનો તો અહીંથી દૂર થઈને એમની જિંદગી તો સારી રીતે વીતાવી શકશે...એમ વિચારીને આંસુ સારતી તે ફરી ચાલવા લાગી... ત્યાં જ તેને કોઈનો રડવાનો અવાજ આવી રહ્યો છે...તેણે અવાજની દિશામાં કાન સરવા કર્યા. કોઈ દૂર જગ્યાએથી કલ્પાંત સંભળાતાં તે એ દિશામાં ચાલવા લાગી...


****************

સૌમ્યાકુમારી અને સિંચનકુમાર ચાલતાં ચાલતાં કદાચ બહું દુર આવી ગયાં છે...કુણી માખણ જેવી ચામડીવાળા આ પગ પર છાલાં થઈ ગયાં છે...કોઈ દિવસ જીવનમાં આવતાં તડકા છાંયા જોયાં નથી એને આવું સહન કરવું પડશે ક્યારેય વિચાર્યું નહોતું....પણ હજું કોઈ શહેર કે ગામ જેવું કંઈ જ દેખાતું નથી... ત્યાં થોડો ડુંગર જેવું દેખાય છે દૂરથી...પણ કદાચ ત્યાં સુધી પહોંચવાની પણ તાકાત નથી... અંધારૂં પણ ઘેરાઈ રહ્યું છે...કુમારને સૌમ્યાકુમારીની ચિંતા થવા લાગી. આવાં જંગલ વિસ્તારમાં એમને લઈ રાત પણ પસાર કેમ કરવી ?? સૌમ્યાકુમારી તો થાકીને લોથપોથ થઈ ગઈ છે. એક તો આખું રાજ્યને આટલું દૂર આવવાનું ને વળી ને વળી એક રાજકુમારી ક્યારેય આટલું ચાલવાની આદત નહીં...તે તો નીચે બેસી જ ગયાં..કુમાર બોલ્યાં, " રાજકુમારી તમે ઠીક તો છો ને ??"

સૌમ્યાકુમારીએ હકારમાં માથું તો ધુણાવ્યું પણ થોડી જ વારમાં તે બેભાન થઈને ઢળી પડ્યાં. કુમારે ધીમેથી તેમને પોતાનાં ખોળામાં સુવાડી દીધાં...આવી અણધારી આફતમાં તો જ્યાં પાણી કહો ત્યાં દૂધ હોય એવાં રાજમહેલમાં રમનારાઓને પાણી પણ નસીબ નથી...

કુમાર રાજકુમારીનાં એ પાલવથી જ પવન નાંખવા લાગ્યાં. સંધ્યા ઢળી ગઈ પણ પવન પણ જાણે આ સ્થિતિ જોઈને થંભી ગયો છે..‌.સુમસામ જગ્યાએ કુમાર કરે પણ શું ?? તેમણે કંઈક મનમાં વિચાર્યા પછી પોતાનાં અને રાજકુમારી જે ઘરેણાંઓથી લદાયેલા છે તેમને એકપછી એક ઉતારીને રાજકુમારીની એ માથે ઓઢવાની ચુંદડી ધીમેથી નીકાળીને તેમાં મુકી દીધાં...અને પછી પોતાની કમરે યોગ્ય રીતે બાંધીને તે ઉભાં થયાં અને રાજકુમારીને ખભે નાખી અને ધીમેથી ચાલવા લાગ્યાં.... ઘણું ચાલ્યાં બાદ તે પણ હાંફી ગયાં છે‌... એક સાદા અલંકાર રહિત શરીરને કારણે એક રાજા તરીકે ઓળખવા અજાણ્યા લોકો માટે સરળ નહોતાં.

તેમણે ડુંગર નજીક એક સરોવર જેવું દેખાતાં ત્યાં પહોંચ્યા...કોઈ પાત્ર તો નહોતું. તેથી રાજકુમારીને ખોબાથી પાણી લઈને એમનાં મોં પર છાંટ્યું... અજાણી જગ્યાએ એ પાણી લઈને રાજકુમારીને પીવડાવવું યોગ્ય ન લાગ્યું... થોડીવારમાં રાજકુમારી ભાનમાં આવ્યાં...તો રાજકુમાર એમને પ્રેમથી કપાળ પર પસવારી રહ્યા છે...

રાજકુમારીની આંખો ભરાઈ આવી...ને બોલ્યાં, " આપણે તો એક થઈ ગયાં પણ દુનિયા આપણી વિખરાઈ ગઈ..હવે શું કરીશું ?? આખું જીવન આમ એકબીજાંના સહારે જ વીતાવવુ પડશે ને ??"

" પણ કોઈ એક રાજા થઈને આટલી કુટિલનીતિ કેવી રીતે કરી શકે ?? પ્રેમ એ કોઈ છીનવાની થોડી વસ્તુ છે એ તો ત્યાગ અને સમર્પણથી ભરપૂર હોય... એનું એક અદમ્ય સ્થાન હોય.."

રાજકુમારી : "ત્યાં શું થયું હશે ?? માતાપિતા ભાઈ, નંદિનીકુમારી અને આપણી પ્રજા... કદાચ મા એ આપણને તેમની કસમ ન આપી હોત તો આપણે ક્યારેય ન નીકળત ત્યાંથી. જે સહુનું થાત એ આપણું થાત...હવે ક્યારેય આપણે ત્યાં નહીં જઈ શકીએ ?? "

" ચિંતા ન કરો આપ...આપણે જરૂર જઈશું પાછા પણ તમારા ભાઈ અને નંદિનીકુમારી આપણી સાથે નીકળ્યાં હતાં તો કેમ ન આવ્યાં...?? એ કોઈ મુશ્કેલીમાં તો નહીં હોય ન??

રાજકુમારી :" હા હું પણ એટલે જ ચિંતિત છું...અને અહીં તો કોઈ જ માનવવસ્તી કેમ નથી દેખાઈ રહી. આ યોગ્ય કોઈ જગ્યા તો હશે ને ??"

આ વાતચીત ચાલું છે ત્યાં જ એ શાંત વાતાવરણમાં કોઈનાં પગરવનો ધીમો અવાજ સંભળાયો...

બંનેએ એ તરફ જોયું ને એમને થોડીક શાંતિ થઈ હોય એવું લાગ્યું....


****************

પ્રિયંવદા રાણી પહોંચ્યા તો જોયું કે એ કલ્પાંત કરનાર બીજું કોઈ નહીં પણ નંદિનીકુમારી છે...તેઓ નજીક પહોંચ્યા ત્યાં બાજુમાં પડેલા સૌમ્યકુમાર દેખાયાં...તેઓ તો જાણે પાગલ જ થઈ ગયાં... પોતાનાં એકનાં એક દીકરાનું આવી રીતે મૃત્યુ જોઈને તેઓ અધમુઆ થઈ ગયાં. નંદિનીકુમારી તો રૂદન હજું ઓછું જ નથી થઈ રહ્યું...એક પોતાનાં પતિ અને એક પોતાનાં પુત્ર માટે રડી રહ્યાં છે...

નંદિનીકુમારીએ કૌશલકુમારે પાછળથી કરેલા હુમલાની વાત કરી...ને હવે તો એક મા જાણે એક રણચંડી બની અને એ જ તલવાર જેનાંથી તેણે સૌમ્યકુમારનાં પ્રાણ હર્યા છે તે જ તલવાર અને નંદિનીકુમારીને લઈને તે કોપાયમાન બની અને તેનો હાથ પકડીને ત્યાંથી દોરવા લાગી....ને રાજમહેલમાં પહોંચી. એકદમ સુમસામ બનેલાં આ રાજમહેલમાં હજું પણ કોઈનો અવાજ સંભળાઈ રહ્યો છે... ત્યાં પણ ઘણી શબો ની હારમાળા દેખાઈ રહી છે આથી કપટની એ અસર અહીં સુધી પણ વર્તાઈ છે એવું દેખાયું...

પ્રિયંવદા પોતાનાં કક્ષ તરફ વળી નંદિનીકુમારી હાથે...ને ત્યાં જ એણે ધન્વંતરિરાજાને બંધાયેલા જોયાં ને સામે અટહાસ્ય કરી રહેલાં કૌશલકુમારને જોયાં. તેઓ જેવાં તલવારનો રાજન પર વાર કરવાં જાય છે ત્યાં જ નંદિનીકુમારીએ પ્રિયંવદા પાસેથી તલવાર લઈને સીધો કૌશલકુમાર પર વાર કરી દીધો.. એ કૌશલકુમારની આરપાર નીકળી પણ હજું તેનો જીવ તો ન જ ગયો...પણ કૌશલકુમારનાં હાથમાંથી છુટેલા તલવારના હુમલાની રાજાનાં પ્રાણ નીકળી ગયાં.....

પ્રિયંવદા ભાગતી ત્યાં પહોંચી રાજન્...રાજન્.. શબ્દો જાણે હોઠમાં જ રહી ગયાં ને રાજા પોતાની પ્રિયંવદાને એકલી મુકીને અનંતયાત્રાએ નીકળી ગયાં.... આખાં રાજ્યમાં કદાચ હવે પ્રિયંવદારાણી અને નંદિનીકુમારી બે જ બચ્યાં છે....દોડતો દોડતો પાગલની જેમ વિરાજસિંહ ત્યાં પહોંચ્યો...ને રાક્ષસની માફક અટહાસ્ય કરતાં બોલ્યો, " મારી વ્હાલી હું તો પહોંચી ગયો... હું તો હવે તને નહીં મુકું...આ જો તારો વ્હાલો રાજન્ પણ હવે આ દુનિયામાં નથી. તારાં સિંદુરને ભુસાવા ન દેવું હોય તો મારી સાથે વિવાહ કરી લે. અને તારી આ વહુંને મારાં દીકરાને સોંપી દે... તું પણ ખુશ અને હું પણ ખુશ" કહીને હા..‌હા... કરવાં લાગ્યો...

તેણે સૈનિકો સાથે પ્રિયંવદા અને નંદિનીકુમારીને બંદી બનાવ્યા... પોતાનાં રાજ્યમાં લઈ ગયો....ને પોતાનાં બીજાં લગ્ન અને પુત્રનાં લગ્ન માટે તૈયારી કરવા આખા રાજ્યમાં ફરમાન જાહેર કરાવી દીધું...ને બીજાં દિવસે લગ્ન કરવાનો નિર્ણય કરી દીધો...


*****************

આરાધ્યા તેનાં પપ્પા સાથે મહાપરાણે દીદાર હવેલી પહોંચી... ત્યાંનાં બધાં દ્રશ્ય અને ભયંકર અટહાસ્ય અને અવાજો સાંભળીને આરાધ્યા ગભરાઈ ગઈ...આખરે ગભરાતાં પણ મક્કમ પગલે તેઓ હવેલીમાં પ્રવેશ્યાં...

ભયંકર અવાજો વચ્ચે ત્યાં તે અંદર પહોંચ્યાં તો સામે જ એક જગ્યાએ ખુણામાં બેઠેલા નિમેષભાઈ અને દીપાબેન દેખાયાં. તેઓ આરાધ્યાને સિંદુર અને ગળામાં મંગળસૂત્ર ને જોઈને ગભરાઈને ઉભાં થઈ ગયા ને પુછવા લાગ્યાં," બેટા તે ક્યારે લગ્ન કરી લીધાં કોની સાથે ??"

આરાધ્યાએ બધી વાત જણાવીને કહ્યું, "હું તમને લોકોને મદદ કરવાં આવી છું...પણ અપુર્વ અને ભાઈભાભી ક્યાં છે ?? તમારી આવી સ્થિતિ ??"

નિમેષભાઈએ બધું કહ્યું...અને હવે આરાધ્યાએ પોતાનાં સાથે લાવેલી એક વસ્તુ બહાર નીકાળી...ને બધાં એને જોઈ રહ્યાં....

શું લાવી હશે આરાધ્યા પોતાની સાથે ?? સૌમ્યાકુમારી અને સિંચનકુમાર હવે ક્યાં જશે ?? તેમની નવી દુનિયા કેવી રીતે બદલાશે ?? શું પ્રિયંવદા અને નંદિનીકુમારી વિરાજસિંહ અને કૌશલકુમાર સાથેનાં વિવાહને સ્વીકારશે ?? આ માટે પોતાની જાતને સોંપશે ખરાં....

જાણવા માટે વાચતા રહો, પ્રિત એક પડછાયાની - ૩૮

મળીએ બુધવારે હવે એક નવાં રહસ્ય, રોમાંચ અને રોમાન્સ સાથે....