શાંતિલાલ પોસ્ટમાસ્તર સ્વભાવે હસમુખા, સીધુ સાદુ અને સરળ વ્યક્તિત્વ. વર્ષો પહેલા મંગુકાકી જોડે લગન થયા અને પછી મહિનામાં ભારતીય ડાક વિભાગ માં ડાક સેવકો ની મોટી ભરતી આવી હતી. એમાં ગુજરાત મંડલ માં પંચમહાલ વિભાગ માં સણસોલી ગામે પોસ્ટમાસ્તર તરીકે લાગ્યા. આમતો એ હાલોલ નજીક ધનતેજ ગામના વતની પણ સણસોલી ગામ માં એક વાણીયા નું ઘર ભાડે લઇ લીધું, મોટાભાગે આ લાઇન ના ત્રણે ઘર છેલ્લા સાતેક વર્ષ થી બંધ જ રહેતા, શેઠ કિશનલાલ એમના બંને ભાઈઓ સાથે મુંબઇ શિફ્ટ થયા હતા. અને હમણાં બે વર્ષ પહેલાં જ ત્રણે ઘરો ના તાળાં તૂટ્યા હતા. આમતો મકાન બંધ હતા અને વળી પાછા વાણીયા ના એટલે તાળાં તોડવાની મજૂરી તસ્કરો ને માથે પડી હતી. પરંતુ પોલીસ ફરિયાદ કરવા અને નવા તાળાં દેવા શેઠ ને મુંબઇ થી ધક્કો થયો હતો. પછી એમણે સરપંચ શંકરભાઇ ને ઘર ની ચાવી અને વહીવટ સોંપી દીધો હતો. હવે આ ગામ માં શાંતિલાલ પોસ્ટમાસ્તર બની ને આવ્યા અને આ ગામમાં જ રહેવાનું નક્કી કર્યું હતું એટલે શંકરભાઇ સરપંચે એમને શેઠ કિશનલાલ નું મકાન બતાવ્યું, જુનવાણી બાંધકામ, સરસ રાચરચીલું, લાકડા જડિત મેડો અને લાકડા ની સીડી વાડા માં નાની પરંતુ સાઠ સિત્તેર ફૂટ ઊંડી કૂવી અને એના માથે લોખંડ ની જાળી ભરી નાનો દરવાજો મુકેલો ડોલ અને દોરડું રાખવાનું એટલે પાણી ની કોઈ તંગી નહીં. શાંતિલાલ ને મકાન જોતાવેંત ગમી ગયું અને બે દિવસ પછી મંગુકાકી ને મકાન જોવા લઈ આવ્યા અને બસ પછી તો આ દંપતી એ આ મકાન અને આજ ગામ માં રહેવાનું નક્કી કરી નાખ્યું.
શાંતિલાલ સરળ સ્વભાવ ને કારણે ગામલોકો માં ઘણા પ્રિય વ્યક્તિ બની ચુક્યા હતા. ગામમાં સારા નરસા દરેક પ્રસંગો માં એમની હાજરી રહેતી હતી. એમના સુરીલા કંઠ ને કારણે ગામની ભજન મંડળી માં પણ એમણે એક અલગ ઓળખ ઉભી કરી હતી. સાકી અને દોહા લલકાર્યા બાદ " ખાખ મેં ખપ જાના રે બંદે પવન સે ઉડ જાના મત કરો ને અભિમાન એકદીન મિટ્ટી સે મિલ જાના" ભજન જ્યારે ગાતા હોય ત્યારે લોકો વાહ વાહ પોકારી ઉઠતા. ભારત સરકાર ની દરેક યોજનાઓ તેમજ ભારત પોસ્ટ ની દરેક યોજનાઓ લોકો સુધી પોહચાડતા, અને એજ કારણે આજે સણસોલી ગામના દરેક વ્યક્તિ નું પોસ્ટ માં ખાતું હતું. શાંતિલાલ અને મંગુકાકી સુખેથી પોતાના દિવસો પસાર કરતા હતા, આજે કિશનલાલ મુંબઇ થી ગામ આવ્યા હતા એમણે શાંતિલાલ વિશે શંકરભાઇ પાસેથી ઘણું સાંભળ્યું હતું. એટલે કિશન શેઠે સામેથી શાંતિલાલ ને કહ્યું જુવો ડાક બાબુ આમતો આપડે મુંબઇ માં લીલાલેર છે, ગાડી બંગલા નોકર ચાકર બધું મારે મકાન વેચુ એવી કોઈ જરૂરિયાત ઉભી થઇ નથી અને વળી ગામમાં આવવું હોય તો આ ભાઈઓ ના મકાન પણ છેજ તો તમારે આ મકાન રાખવું હોય તો આપડે આપી દેવું છે બોલો. અને ત્યારે કિશન શેઠે મકાન ની પચાસ હજાર કિંમત મૂકી હતી પણ શંકરલાલ ની મધ્યસ્થી થી શાંતિલાલે એ મકાન એકતાલીસ હજાર ને એકાવન રૂપિયા માં રાખી લીધું. આમ જે ભાડા ના મકાન માં રહેતા હતા એ મકાન ને એમણે ઘર નું ઘર કર્યું હતું. શાંતિલાલ ના જીવન માં સુખ જ સુખ હતું પણ એક શેર માટી ની ખોટ એમને સાલતી હતી. મંગુકાકી સાથે સંસાર શરૂ કર્યે બાર વરસ થઈ ગયા હતા પણ મંગુ કાકી એમને સંતાનસુખ આપી શક્યા નોહતા.
ભલે વર્ષો થયા પરંતુ મંગુકાકી ને માં પાવાવાળી પર અનન્ય શ્રદ્ધા હતી, છેલ્લા પાંચ વર્ષ થી નિયમિત પૂનમ ભરવા વેજલપુર સુધી ચાલી ને આવતા અને ત્યાંથી બસ પકડી પાવાગઢ જતા. દરેક પૂનમે આ નિત્યક્રમ જળવાતો કોઈવાર શાંતિલાલ જોડે હોય અને ક્યારેક કામ વધુ હોય તો તે ના કહે અને મંગુકાકી એકલા પાવાગઢ જઈ આવે.
શંકરલાલ સરપંચ નું ઘર ફળિયા માં જ હતું શંકરલાલ નો દીકરી રીટાઅને દીકરો સુરેશ આખો દિવસ મંગુ કાકી ના ઘરે રમ્યા કરતા હોય, મંગુકાકી આ બંને ભાઈ બહેન પર પોતાના જ સંતાનો હોય એટલું હેત રાખે.
શાંતિલાલ ના બાર વર્ષ ના લગ્નજીવન બાદ એક દિવસ એવો આવ્યો કે મંગુકાકી નો ખોળો ભરાયો, અને રૂપરૂપ ના અંબાર સમી એક સરસ રાજકુમારી નું એમના જીવનમાં આગમન થયું. અને એની ખુશી માં શાંતિલાલે પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિ ધનતેજ અને સણસોલી બંને ગામ જમાડ્યા. મંગુકાકી એ દીકરી સવા વર્ષ ની થઈ એટલે પાવાગઢ જઇ ને પગથિયે પગથિયે દીવડા પ્રગટાવી માથું ટેકવી માતાજી ના દર્શન કરી માનતા પુરી કરી.