ખીચોખીચ ભરેલી બસમાં ચડતાંવેંત જ રિદ્ધિએ પહેલા બસમાં આગળ જોયું અને ત્યાર બાદ બસની બીજી તરફ. હા, એ જગ્યા શોધી રહી હતી. પણ બસમાં ક્યાંય જગ્યા ના દેખાણી. થોડું નિરીક્ષણ કર્યા પછી છેલ્લે એક સીટ ખાલી દેખાણી અને ત્યાં પહોંચી. ત્યાં જઈને જોયું તો બારી પાસે એક પોતાનાથી કદાચ ચારેક વર્ષ મોટો લાગતો એક યુવાન બેઠો હતો. થોડો સંકોચ તો થતો હતો પણ રિદ્ધિ જાણતી હતી કે આગળ જતાં આ બસ હજુ ખીચોખીચ ભરાવાની છે અને ઊભી રહેશે તો વધારે તકલીફ થશે.
ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ પોતાના ગામમાં જ પૂરું કરીને રિદ્ધિ, કોલેજ કરવા પોતાના ગામડેથી શહેરમાં અપ ડાઉન કરતી. અજાણ્યા સાથે વાત ના કરવી, કામથી કામ રાખવું અને બિનજરૂરી સંબંધ ના રાખવાની કેટલીય સલાહો એક બાંધ્યા વગરના પડિકામાં લઈને ફરતી રિદ્ધિ બસમાં બેસીને મોબાઈલમાં હેન્ડ્સ ફ્રી ચડાવીને બેસી જતી. પણ આજે કોલેજેથી નીકળવાંમાં મોડુ થઇ ગયું હોવાથી પોતાના ગામની બસ ફૂલ થઈ ગઈ હતી.
પેલું Jab We Met માં નથી કહેતા કે એકલી છોકરી ખૂલી તિજોરી જેવી હોય છે. એવુજ કઇંક દરરોજ રિદ્ધિ સાથે બનતું, કેટલાક લવરમૂછિયાઓ રોજ તેને હેરાન કરતાં. પાછું તેનું સૌદર્ય આસપાસના બધા લોકોનું ધ્યાન ખેંચતું. રૂપાળો એવો ચેહરો, રજામાં ખેતરે કામ કરીને સહેજ ઘઉંવર્ણો લાગતો. આંખોમાં સહેજ પિંગળી ઝાય પડતી. ભૂરાશ પડતાં વાળ તેની આંખો સાથે મેચ થઈ જતાં. ચેહરા પર મેકઅપનું ક્યાય નામ નિશાન ના હોય છતાં જોવા વાળાને એમ લાગે કે એક કલાક બ્યુટી પાર્લરમાં જઈને આવી હશે. કપડાં મોટેભાગે વેસ્ટર્નથી વિરુદ્ધ સાદા જ હોય. પણ કહેવું હોય તો કહી શકાય કે રિદ્ધિની સાદગી જ એની ખૂબસૂરતી હતી. એટ્લે દરરોજ બીજી એક કોલેજના છોકરાઓ જે બીજા સ્ટોપ પરથી ચડતા તે રોજ તેને હેરાન કરતાં, વાત વાતમાં ખરાબ કોમેંટ્સ પાસ કરતાં. એક વાર હદ તો ત્યારે થઈ જ્યારે રિદ્ધિ ભીડને કારણે ઊભી હતીને પાછળ ચાઈને એક છોકરો ધક્કા લગાવવા લાગ્યો. ત્યારે પોતાના બે દાત વચ્ચે હોઠને ભીંસીને તેણે હોઠમાંથી લોહી કાઢી નાખ્યું હતું એટલો ગુસ્સો આવ્યો હતો. પપ્પાને કહેશે તો કોલેજ બંધ થશે એ ખાતરી હતી એટ્લે બીકના માર્યા કોઈને ઘરે કશું ના કહ્યું. પાછું પોતાના ગામની કોઈ છોકરીનો સથવારો નહોતો.
આજે પણ રિદ્ધિએ બેસતા વેંત જ બાજુમાં કોણ બેઠું છે તેને ધ્યાનમાં લીધા વગર પોતાના પોકેટમનીના પૈસે લીધેલ મોબાઈલ બેગ માથી કાઢ્યો અને મ્યુઝીક સાંભળવા લાગી. જેવો બીજો સ્ટોપ આવ્યો અને બારીએ થીજ પેલા છોકરાઓ ચડે છે.....એ જોઈને રિદ્ધિનો શ્વાસ અદ્ધર થઈ ગયો. તેણે કલ્પના કરી હતી એવું જ થયું. પેલા પાંચ સાત છોકરાઓ તેની સીટ બાજુ જ આવ્યા. રિદ્ધિને તેની સામે નહોતું જોવું, ઇગ્નોર કરવા હતા તેવું તેણે મનમાં નક્કી કર્યા છતાંય તેની તરફ જોવાઈ ગયું. અને જેમ સાપની પૂંછડી પર પગ દીધો હોય તેમ હુરાયા ઢોરની જેમ રિદ્ધિ જે સીટ પર બેઠી હતી ત્યાં ટેકો દઈને એક છોકરો ઊભો રહી ગયો. એક તેની સામે અને બીજો તેની પાછળ ઊભો રહ્યો. બસ ઉપડી અને ભીડ વધવા લાગી તેમ તેમ પેલા રિદ્ધિની વધૂ નજીક આવવા લાગ્યા. રિદ્ધિના પગ પાસે એક છોકરો પગ અડાડવા લાગ્યો કે તરત રિદ્ધિએ પગ બીજી બાજુ ઝડપથી ખસેડયો. જે બાજુ વાળા યુવાનને લાગ્યો. પોતાનું ધ્યાન બારી તરફ કરીને બેઠેલ તે યુવાન જબક્યો અને આસપાસની પરિસ્થિતીને સમજી ગયો. રિદ્ધિ sorry કહેવા માગતી હતી પણ પરિસ્થિતિ અલગ હોવાથી ના કહ્યું. તે યુવાનની ઊંચાઈ 6 ફૂટ જેટલી હશે કદાચ. ચહેરો આકર્ષક તો નહીં પણ સ્માર્ટ જરૂર લાગતો હતો. હાથની મજબૂતાઈ, શરીરનો બાંધો એક દમ કસાયેલો લાગતો હતો. માથા પર હાથમાં પણ ના આવે એટલા ટૂંકા વાળ. હમણાજ ઉગેલા હોય તેવી આછી મૂંછો અને ચહેરા પર દાઢીની આછેરી ઝાય પડી રહી હતી.
રિદ્ધિની આંખો તરફ જોતાં જ એક વાક્ય મૂક રીતે મદદની માંગ કરતું હોય એવું લાગતાં જ તે યુવાને કહ્યું કે એક કામ કરો બહેન અહીં બારી પાસે આવતા રહો. રિદ્ધિ બારી પાસે બેઠી અને હવે તે અજાણ્યો યુવાન રિદ્ધિની જગ્યા એ બેઠો. રિદ્ધિએ કાન માથી હેન્ડ્સ ફ્રી કાઢી.
પેલા લવરમૂછિયામાથી એક રિદ્ધિ તરફ ધ્યાન રાખીને ગાવા લાગ્યો,
‘પહેલી નજરમે કૈસા જાદુ........”
પણ આ બધાને ધ્યાનમાં લીધા વગર હવે રિદ્ધિ પોતાના બેગ માથી કાઢેલ કૌટિલ્ય વાંચવા લાગી. પોતાના ગામ તરફના અડધા રસ્તે પહોંચતા એક લાવરમૂછિયાએ તો હદ જ કરી, રિદ્ધિ જે બારી પાસે બેઠી હતી ત્યાં છેક પોતાનું માથું લઈ જઈને બોલ્યો, “આજે તો બસ બહુ ઝડપે હાલે છે હો.” એટલો નજીક આવી ગયો હતો કે રિદ્ધિનો શ્વાસ છેક એના માથા પર અથડાય. આ જોતાજ પેલા યુવાને તેને કાંઠલેથી પકડીને એવો ધક્કો લગાવી દીધો કે પેલો છોકરો બાજુ વાળાની સીટ પર જઈને પડ્યો. આ જોતાં જ તેના ભાઈબંધોમાથી એકે તેને ઊભો કર્યો અને બીજાઓ એ પેલા યુવાનને મુક્કો મારવાની કોશિશ કરી. પણ વ્યર્થ....., મારતા પહેલા જ તેને અધવચ્ચે જ પકડીને સામે એક તમાચો પેલા યુવાને એ છોકરાને ચડાવી દીધો. ચાલુ બસમાં પણ ટાયર ફાટયું હોય એવો અવાજ આવ્યો. બસ ઊભી રહી. પાંચેય છોકરાઓ સહેજ ડરી ગયા હતા એટ્લે સામે બાથ ભીડવાને બદલે કહેવા લાગ્યા,
“ એય.... તું અમને ઓળખતો નથી, મારા પપ્પા ગામના સરપંચ છે અને અમારું ગામ આવીજ રહ્યું છે, હાડકાં ભાંગીને ક્યાય ફેકી દઈશું કોઈ ધડો નહીં કરે સમજ્યો”
પેલા યુવાને પ્રત્યુત્તર આપ્યો, “તમારા ગામમાં પોલીસ સ્ટેશન તો છે ને ?”
“હા, પણ એમાં કોઈ તારું નહીં સાંભળે. ગામમાં અમારું જ ચાલે અને ત્યાં કોઈ થાનેદાર પણ નથી.”
“બસ તો એ થાનેદારની જગ્યા જ હું ભરવા આવી રહ્યો છું. તમારા ગામનો હું નવો થાનેદાર છું. ગામમાં પગ મૂક્યા પહેલા જ મને મારો પહેલો કેસ આ બસ માં જ મળી ગયો.”
આ સાંભળતાજ પેલા બધાના ચહેરાઑના રંગ જ ઊડી ગયા. ભાઈસાબ બાપા કરતાં કરતાં ક્યાં ખોવાઈ ગયા ખબર જ ના પડી. આ દ્રશ્ય ફાટેલ આંખે જોતી રિદ્ધિ પાસે જઈને તેમણે કહ્યું, “હવે તમે સેફ છો હવે તમને નહીં હેરાન કરે અને કરે તોય આ મારા નંબર છે એની ટાઈમ કોલ મી.”
રિદ્ધિએ આશ્ચર્ય વશ પૂછ્યું કે,”તમે ખરેખર અમારા ગામના પોલીસવાળા તરીકે આવ્યા છો ?”
“હા”
“પણ તમારી ઉંમર જોતાં તો......!” રિદ્ધિએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.
“હા. મે હજુ એક અઠવાડીયા પહેલા જ મારી ટ્રેનિંગ પૂરી કરી અને મારી આ પહેલી પોસ્ટિંગ છે.”
રિદ્ધિએ કહ્યું, “આ બધા મને કેટલાય સમયથી હેરાન કરતાં હતા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર.”
“આવા લોકો એક રાડ પડ્યે ઊભી પૂછડીએ ભાગી જાય છે. એનાથી ડરવાની કોઈ જરૂર નથી પણ તમારે પણ થોડી સ્વ બચાવની પ્રયુક્તિઓ શીખવી જોઈએ.”
રિદ્ધિએ કહ્યું, “હવે આપના જેવા અફસરો અહી પોસ્ટિંગ પામ્યા છે તો ડરની તો વાત જ ક્યાં આવી !
~ નરેશ પરમાર