Sukh no Password - 14 in Gujarati Motivational Stories by Aashu Patel books and stories PDF | સુખનો પાસવર્ડ - 14

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

સુખનો પાસવર્ડ - 14

કોર્ટની બહાર ચા વેચનારાની દીકરી એ જ કોર્ટમાં જજ બની!

મક્કમ ઈરાદા સાથે આગળ વધનારાઓને સફળતા મળતી જ હોય છે

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

પંજાબના જલંધર શહેરમાં એક તેજસ્વી યુવતી શ્રુતિ કુમારે જજ બનવાનું સપનું જોયું હતું. તે કોલેજમાં ભણતી હતી એ વખતથી જ તેણે જજ બનવાનું નક્કી કર્યું હતું. જજ બનવા માટે શું કરવું જોઈએ એ વિશે તેણે માહિતી મેળવી લીધી હતી. તેણે પંજાબ યુનિવર્સિટીમાં કાનૂનનો અભ્યાસ કર્યો. તેને એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી લીધા પછી તરત જ પંજાબ સિવિલ સર્વિસીસ કમિશનની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. શ્રુતિને ઘણા મિત્રો અને પરિચિતોએ કહ્યું હતું કે સિવિલ સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરવી એ બહુ અઘરું કામ છે. થોડી જગ્યાઓ માટે હજારો ઉમેદવારો પરીક્ષા આપતા હોય છે. જો કે શ્રુતિ કુમારે એવી સલાહો કે હતાશાજનક વાતો મન પર લીધા વિના પરીક્ષાની તૈયારીઓ ચાલુ રાખી હતી.

શ્રુતિ કુમારે ૨૦૧૪માં ૨૩ વર્ષની ઉંમરે પંજાબ સિવિલ સર્વિસીસ કમિશનની જ્યુડિશરી એટલે કે ન્યાયિક ક્ષેત્રની સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને પહેલા જ પ્રયાસમાં તેણે તે પરીક્ષા પાસ કરી લીધી. પરીક્ષામાં પાસ થયા પછી તેણે એક વર્ષની તાલીમ લીધી અને તેની જલંધરની જિલ્લા અદાલતમાં જજ તરીકે નિમણૂક થઈ.

શ્રુતિ કુમારે જજ બનવામાં સફળતા મેળવી એ પછી તેના સન્માન માટે એક સમારંભનું આયોજન થયું. એ સમારંભમાં શ્રુતિ કુમારે કહ્યું કે કોઈ સપનું સાચું પડવા જેટલી ખુશી હું અનુભવી રહી છું. આજે મારું જ નહીં, મારા પિતાનું સપનું પણ સાકાર થયું છે.

અહીં સુધી તો વાત સામાન્ય લાગે, પણ ખરી રોમાંચક અને રસપ્રદ વાત હવે આવે છે. શ્રુતિના પિતા સુરેન્દ્ર કુમાર જલંધર જિલ્લા અદાલતની બહાર ચા વેચીને કુટુંબનું ગુજરાન ચલાવતા હતા. તેમણે પોતાની પુત્રીને ઉચ્ચ અભ્યાસ કરાવવાનું નક્કી કર્યું હતું. દરેક પિતાની જેમ તેમની પણ ઝંખના હતી કે તેમની પુત્રી કોઈ ઉચ્ચ સ્થાન પર પહોંચે. શ્રુતિએ પહેલા જ પ્રયાસમાં પંજાબ સિવિલ સર્વિસીસ કમિશનની પરીક્ષા પાસ કરી ત્યારે તેમને રોમાંચ થયો હતો, પણ એક વર્ષની તાલીમ બાદ શ્રુતિની નિમણૂક જલંધર જિલ્લા અદાલતમાં જ જજ તરીકે થઈ ત્યારે તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા હતા. તેઓ જે અદાલતની બહાર ચા વેચતા આવ્યા હતા એ જ અદાલતમાં તેમની પુત્રી જજ તરીકે બિરાજમાન થઈ હતી.

માણસ સપનું જુએ અને મક્કમ ઈરાદા સાથે એ સપનું સાકાર કરવા માટે મચી પડે તો તેને સફળતા મળતી જ હોય છે એ શ્રુતિ કુમારે સાબિત કરી બતાવ્યું.