APRADH in Gujarati Moral Stories by Jayesh Soni books and stories PDF | અપરાધ

Featured Books
Categories
Share

અપરાધ

વાર્તા-અપરાધ લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775

સત્યનારાયણ ભગવાન ની કથા ચાલુ હતી.હોલ મહેમાનો થી ખીચોખીચ ભરેલો હતો.વાસુદેવભાઇ અને અરુણાબેન કથામાં બેઠા હતા.ગોર મહારાજ ની કથા કહેવાની શૈલી એવી હતીકે દરેકને રસ પડે.સામાન્ય રીતે સત્યનારાયણ કથા એટલે મહાપ્રસાદ ખાવા જવાનું એવું જ મોટાભાગના માનતા હોય છે.પણ અત્યારે મહેમાનો શાંતિથી રસપૂર્વક કથા શ્રવણ કરી રહ્યા હતા.કથા કરતાં કરતાં ગોર મહારાજને એવું લાગ્યું કે વાસુદેવભાઇ બેચેની અનુભવી રહ્યા છે.ચહેરા ઉપર હતાશા અને ઉદાસી હોય એવું તેમને લાગી રહ્યું હતું.હસમુખા સ્વભાવના વાસુદેવભાઈ આજે આવા શુભ દિવસે કેમ ઉદાસ દેખાય છે એ મહારાજને ખૂંચતું હતું.આ કુટુંબ સાથે ગોર મહારાજના પેઢીઓ જુના સંબંધો હતા એટલે મહારાજનો જીવ બળતો હતો.છેવટે તેમનાથી રહેવાયું નહીં એટલે પૂછ્યું ‘ યજમાન તબિયત બરાબર છે?’ વાસુદેવભાઈ એ ફિક્કું હસતાં કહ્યું ‘ હા એકદમ સારી છે.કેમ પૂછવું પડ્યું મહારાજ?’ ‘બસ અમસ્તું જ’ મહારાજે વાત ટૂંકાવી.પણ અરુણાબેન ને ચિંતા થઇ.તેમણે વાસુદેવભાઇ સામે ધારીને જોયું તો મહારાજની વાતમાં થોડું તથ્ય હોય એવું લાગ્યું.

અમદાવાદ સાયન્સસીટી ના પોશ એરિયા માં વાસુદેવભાઇ નો 3BHK નો લગભગ દોઢ કરોડની કિંમતનો ફ્લેટ હતો.સંતાનમાં એક દીકરો સમર્થ જે એન્જીનીયરીંગ ના છેલ્લા વર્ષમાં હતો.અને એક દીકરી અમી જેને ગયા વર્ષે ધામધૂમ થી પરણાવી હતી.નરોડા ઔધોગિક એરિયા માં પોતાનું એન્જીનીયરીંગ વર્કશોપ હતું.ધીકતી કમાણી હતી.જિંદગીના પાંત્રીસ વર્ષ કારમી ગરીબીમાં વિતાવ્યા પછી છેલ્લા પંદર વર્ષથી વેળા વળી હતી.સમર્થ માટે કન્યાઓ ના માગા આવવાનાં ચાલુ થઇ ગયા હતા.પણ સમર્થે ઘરમાં કહી દીધું હતું કે તેને એક છોકરી પસંદ છે તેની સાથે જ લગ્ન કરશે.બધાએ સંમતિ આપી દીધી.અભ્યાસ પૂરો થાય પછી લગ્ન કરવા એવું નક્કી કર્યું હતું.છોકરી બીજી જ્ઞાતિની હતી.

છેલ્લા થોડા સમયથી વાસુદેવભાઇને ઉદાસી ઘેરી વળી હતી.અરુણાબેન ને એમકે ધંધાકીય ટેન્શન હશે એટલે તેઓ માથું મારતા નહોતા.બે એવી ઘટનાઓ બની હતી.

વાસુદેવભાઇ દસ વર્ષના હતા ત્યારે તેમના પિતાજી નું અવસાન થઇ ગયું હતું.ત્રણ નાનાભાઇ અને બે બહેનોની જવાબદારી તેમના માથે આવી હતી.કોઈ સગા કાકા કે મામા નહોતા એટલે બધો ભાર પોતાના ખભે હતો.પણ તેઓ ભણવામાં હોશિયાર હતા એટલે એન્જીનીયરીંગ માં એડમીશન મળી ગયું.સ્કોલરશીપ મળી હતી એટલે આર્થિક રાહત હતી.તેમનું ઘસાઇ ગયેલું કુટુંબ હતું એટલે કન્યા માટે કોઈ પૂછતું નહોતું.તેવામાં તેમની જ્ઞાતિની એક છોકરી સાથે તેમને પ્રેમ થયો.બંને એકબીજાને ખૂબજ પસંદ કરતા હતા.સમાજમાં બધાને ખબર જ હતી કે બંનેના લગ્ન થશે જ.કન્યાની મમ્મીને છોકરો તો ગમતો હતો બધી રીતે લાયક હતો પણ આ સગપણ મંજૂર નહોતું.કારણ એકજ હતું કે છોકરાના માથે જવાબદારી છે.મારી દીકરી કૂટાઈ જાય.કન્યાને બીજે પરણાવી દીધી.વાસુદેવભાઇ ને દુઃખ એ વાતનું હતું કે હું સંપૂર્ણ લાયક હોવા છતાં ફક્ત આર્થિક પ્રશ્ન ના કારણે આ લગ્ન ના થઇ શક્યા.આજે તો આ પ્રસંગને ત્રીસ વર્ષ વીતી ગયા હતા.અરુણાબેન ને પરણીને તેઓ સુખી થયા હતા.

અઠવાડિયા પહેલાં રસ્તામાં કોલેજ કાળ નો એક મિત્ર મળ્યો તેણે સમાચાર આપ્યા કે તું જે કન્યા ને પ્રેમ કરતો હતો તેનું ગયા મહીને જ અવસાન થઇ ગયું.ભૂતકાળના સુવર્ણકાળ ના દિવસો યાદ આવી ગયા.આંખો ભરાઇ આવી.મનોમન શ્રદ્ધાંજલિ આપી.ઉદાસી નું એક કારણ આ હતું.

વાસુદેવભાઇ રાત્રે બગીચામાં બેસવા જતા.પરમદિવસે બગીચામાં તેમના પડોશી અને મિત્ર ઘનશ્યામભાઇ મળ્યા.બાંકડા ઉપર બેઠા અને કશી વાતચીત થાય એ પહેલાં તેઓ રડવા લાગ્યા.વાસુદેવભાઇ એ તેમને દિલાસો આપ્યો અને રડવાનું કારણ પૂછ્યું.ઘનશ્યામભાઇ એ કહ્યું ‘તેમની દીકરી પ્રેમલગ્ન કરવા માગેછે.છોકરો અન્ય જ્ઞાતિનો છે.મારી આબરૂ ના ધજાગરા થઇ જાય ‘ વાસુદેવભાઇ એ તેમને સમજાવ્યા કે ‘દીકરી સુખી થતી હોય,છોકરો લાયક હોયતો લગ્ન કરાવી દેજો.અત્યારે સમયજ એવો છે.’ ઘનશ્યામભાઇ ને આશ્વાસન જેવું લાગ્યું.છૂટા પડતી વખતે તેમણે કહ્યું કે ‘તમારી વાત સાચી છે.દીકરીના નિઃસાસા નહીં લઉં.’ઘનશ્યામભાઇ તો નીકળી ગયા પણ તેમનો આત્મા રૂંધાયો.મેં આવી સલાહ ઘનશ્યામભાઇ ને આપી પણ મેં કેવું પાપ કર્યું હતું?આવી સલાહ આપવાનો મને શો અધિકાર હતો?

લાડકી દીકરી અમી ભણવામાં ખૂબજ હોશિયાર હતી.વીસ વર્ષની થઇ એટલે તેના માટે મુરતિયા જોવાનું ચાલુ કર્યું.એકવાર અમી એ પપ્પાને બંધ કવર આપ્યું.વાસુદેવભાઇ એ જોયુકે દીકરીની આંખમાં આંસુ છે.તેમણે કવર ખોલીને વાંચ્યું ‘પપ્પા મને એક છોકરો ગમે છે હું તેની સાથે લગ્ન કરવા માગું છું.પણ તમે સંમતિ આપો તો જ.આપણી જ્ઞાતિનો નથી.’ વાસુદેવભાઇ એ અરુણાબેન સાથે ચર્ચા કરીને અમી ને પ્રેમલગ્ન કરવાની ના પાડી અને જ્ઞાતિના મુરતિયા જોડે પરણાવી.

છેલ્લા ત્રણ દિવસથી થી તેઓ અપરાધભાવ થી પીડાઈ રહ્યા હતા.પોતાના પ્રેમલગ્ન ના થયા ત્યારે દુઃખ થયું હતું,દીકરા સમર્થને પ્રેમલગ્ન કરવાની છૂટ આપી પણ દીકરી અમી ને કેમ મંજૂરી ના આપી? દીકરી સમજદાર અને આમન્યા રાખનારી હતી એટલે તેની માંગણી ના સ્વીકારી? જો છોકરાને લઈને ભાગી ગઇ હોતતો? પોતે જુવાનીમાં પ્રેમલગ્ન કરવા તત્પર હતા છતાં દીકરીના પ્રેમનો કેમ વિરોધ કર્યો? તેમની ઊંઘ હરામ થઇ ગઇ હતી.પોતાની જાતને તેઓ માફ કરી શકતા નહોતા.સંતોષ એક જ વાતનો હતો કે દીકરી સાસરિયામાં સુખી હતી.પણ રહી રહીને તેમને પ્રશ્ન થતો હતો કે દીકરીએ મને માફ કર્યો હશે?

કથા સંપન્ન થઇ ગઇ હતી.હવે આરતી ચાલુ થઇ.વાસુદેવભાઇ એ સત્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી ‘ હે પ્રભુ મારી દીકરી સુખી રહે અને મને માફ કરીદે અને મારા મન ઉપરથી આ પાપકર્મ નો ભાર હટે એવી કૃપા કરજો’