મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
સંન્યાસ
આખા ઘરને માથે ઉપાડવાની કોઈજ જરૂર ન હતી એવી આ વાત હતી પરંતુ દીનદયાળજીએ આખા ઘરને માથે લીધું હતું. ન પત્ની, ન દીકરા વહુ કે પછી ન દીકરી જમાઈની, તેઓ કોઈની પણ વાત સાંભળી રહ્યા ન હતા. તેઓ બસ એક જ વાતને પકડીને બેસી ગયા હતા કે મને સંસારથી મુક્તિ જોઈએ છીએ, આ બધી મોહમાયા ત્યાગીને સંન્યાસી બનવું છે. આ કાર્ય સંપન્ન કરવા માટે તેમણે સ્વામી રામાધારજીને હરદ્વારથી અહીં આવવા માટે સંદેશ પણ મોકલવી દીધો હતો. તેમણે પોતાના વકીલ પાસે પોતાની બધીજ બચત અને આવક પોતાના વિવેક અનુસાર પોતના લોકો વચ્ચે સરખે હિસ્સે વહેંચી દીધી હતી.
“સ્વામીજી પધારી રહ્યા છે...” દરવાજામાંથી સૂચના આવી તો તેઓ દોડીને બહારની તરફ ગયા. સ્વામીજી પોતાના લાવલશ્કર સાથે દરવાજે ઉભા હતા. દીનદયાળજી આગળ વધ્યા અને તેમના ચરણોમાં સુઈ ગયા.
“ઉઠો વત્સ! પ્રભુ તારું કલ્યાણ કરશે.” સ્વામીજીએ તેમને પોતાના ચરણોમાંથી ઉભા કરીને પોતાનો હાથ તેમના માથા પર મૂકી દીધો અને પોતાના લાવલશ્કર સાથે લોનમાં પડેલી ખુરશીઓમાં બેસી ગયા.
“વત્સ! શું તે સંન્યાસ લેવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો છે?” રામાધારજીએ ગુરુને છાજે તેવા ગંભીર સ્વરમાં પૂછ્યું.
“જી ગુરુદેવ! મેં મારા ગૃહસ્થ જીવનના સાઈઠ વર્ષ પૂર્ણ કરી લીધા છે. સંન્યાસ લેવાનો આ ઉચિત સમય છે.” દીનદયાળ હાથ જોડીને ઉભા હતા.
“સંન્યાસ લીધા પછી ક્યાં રહેવાનું નક્કી કર્યું છે?”
“સંન્યાસ પછી તમારો આશ્રમ જ મારો આશ્રય હશે ગુરુદેવ!”
“હમમ...” સ્વામી રામધારજી ચિંતનમાં લીન થઇ ગયા.
“તારી સંપત્તિનું તે શું કર્યું વત્સ?” થોડીવાર પછી તેમની આંખો અને વાણી એકસાથે ખુલ્યા.
“મેં મારી બધી જ સંપત્તિને પત્ની, દીકરા-દીકરી અને આશ્રિતો વચ્ચે સરખા ભાગે વહેંચી દીધી છે ગુરુદેવ!”
“આશ્રમ માટે શું વ્યવસ્થા કરી છે વત્સ...” સ્વામીજીની દ્રષ્ટિ દીનદયાળના ચહેરા પર સ્થિર થઇ ગઈ.
“હેં...?” દીનદયાળ હતપ્રભ થઇ ગયા, “એના વિષે તો મેં કશું વિચાર્યું જ નથી ગુરુદેવ!”
“વિચારી લેવું હતું વત્સ!” સ્વામી રામાધારજીએ બસ આટલું જ કહ્યું.
હવે મોટી મોટી ગાડીઓવાળું સ્વામીજીનું લાવલશ્કર ફરીથી હરદ્વાર તરફ પરત થઇ ગયું હતું.
***