Fareb yane dago in Gujarati Detective stories by Abid Khanusia books and stories PDF | ફરેબ યાને દગો

Featured Books
Categories
Share

ફરેબ યાને દગો



રવિ દેશપાંડે પૂણેનો ઉત્સાહી અને સાહસિક યુવાન હતો. તેણે પૂણે યુનીવર્સીટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરી એક લીડીંગ ન્યુજ ચેનલમાં ક્રાઈમ રિપોર્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. માસ્ટર્સ પૂર્ણ કરી તે ગુનેગારોની મનોદશા પર રીસર્ચ કરી રહ્યો હતો. પી.એચ.ડી. ની થીસીસ લખવા માટે મહારાષ્ટ્ર સરકારે રવિને વિવિધ જેલોમાં જઈ ગુનેગારો સાથે વાર્તાલાપ કરવા તેમની ગુના પહેલાંની અને સજા પછીની મનોદશા જાણવા તેમજ જેલ અધિકારીઓને મળવા અને ગુનેગારોની ફાઈલોનો અભ્યાસ કરવાની ખાસ મંજુરી આપેલ હતી.

આજના સમાચાર પત્રમાં આવેલ એક જાહેરાતે તેના મગજમાં ઉત્સુકતા પેદા કરી હતી. મહારાષ્ટ્ર અને ગોવા રાજયની સરહદોને અડીને આવેલા જંગલોમાં એક જુનું પુરાણું મકાન અને તેની આસપાસની લગભગ એક એકર જેવી જમીન વેચવા માટેની જાહેરાત હતી. જાહેરાત આપનારે તે મકાન અને જમીનની ખુબ ઉંચી કિમત દર્શાવેલ હતી. ન્યુજ ચેનલ માટે રવિએ એક ક્રિમિનલ સ્ટોરી કવર કરવા આ સ્થળની અથવા તેની આસપાસની મુલાકત લીધી હોવાનું તેને યાદ હતું. અહિયાં જમીન બિલકુલ બિનઉપજાઉ અને ઢોળાવવાળી છે. તેવા સ્થળે એક જુના પુરાણા ઘર અને એક એકર જમીન માટે કરોડોની કિંમત ખુબ વધારે હતી તેથી ઉત્સુકતા થઇ હતી. તેણે આ જાહેરાત ખુબ ચીવટથી વાંચી. જાહેરાત આપનારે પોતાનું નામ અને કોઈ કોન્ટેક્ટ નંબર આપેલ ન હતો. રસ ધરાવતા વ્યક્તિએ સ્થળની મુલાકાત કરી રૂબરૂ સંપર્ક કરવાની શરત હતી. તેના મગજમાં ઉથલ પાથલ થઇ રહી હતી. તે આંખો બંધ કરી વિચારવા લાગ્યો.

થોડીવાર પછી કંઇક વિચારી રવિ પૂણે સીટી પોલીસ સ્ટેશન તરફ પોતાની કાર હંકારી ગયો. પોલીસ સ્ટેશનમાં ખુબ શોર બકોર હતો. કોઈ ચેઈન સ્નેચર પકડાયો હતો. ગુનેગારને સજા કરાવવા લોકોનું ટોળું પોલોસ સ્ટેશનમાં ધસી આવ્યું હતું. પોલીસ અધિકારી તપન ગોખલે ટોળાને નિપટાવી પોતાની ખુરશી પર બેઠો. તેના ચહેરા પર તણાવ હતો. તપનને રવિ સાથે મિત્રતા હતી. એક હવાલદારે ચાના બે કપ લાવી તેમની સામે મુક્યા. તેઓ ગરમ ગરમ ચાની ચુસ્કીઓ લેવા માંડયા. થોડી ક્ષણો પછી રવિએ તપન પાસેથી ગોવાના જંગલોની માહિતી જાણવા ચાહી. તેની પાસેથી કોઈ વિશેષ જાણકારી ન મળી. તે ત્યાંથી યરવડા સેન્ટ્રલ જેલ તરફ રવાના થયો.

યરવડા સેન્ટ્રલ જેલના જેલર સુભાષ ગોડબોલે લગભગ નિવૃત્તિની ઉમરે પહોચેલા બાહોશ અધિકારી હતા. તેમની પાસેથી રવિને ગુનેગારોની વિગતો, તેમની જેલમાંની હરકતો અને મનોદશાની ખુબ ઉપયોગી માહિતી મળતી રહેતી હતી. તેમણે રવિને સસ્મિત આવકાર્યો. રવિએ આજની જાહેરાત અને તે વિષેની ઉત્સુકતા અંગે તેમની સાથે ચર્ચા કરી. દરમ્યાન કોઈ કેદીને આજે સજા પૂરી થવાથી છૂટો કરવાનો હોવાથી સુભાષ ગોડબોલે તેની કાર્યવાહીમાં પરોવાયા. જે કેદીને આજે જેલમાંથી રજા આપવાની હતી તેને મળવા રવિ તેની બેરેકમાં ગયો. તે ગોવાનો વતની હતો અને તેનું નામ જગતાપ ગાયતોંડે હતું. તે એક ધાડના કેસમાં તેને થયેલી સજા ભોગવી આજે છૂટો થતો હતો. તેના મોઢા પર આઝાદીની ખુશી સ્પષ્ટ દેખાતી હતી. તેની સાથે ઔપચારિક વાતચિત કરી રવિએ યરવડા જેલથી પ્રસ્થાન કર્યું.

રવિના મગજમાંથી આજની જાહેરાત નીકળતી ન હતી. ઘરે આવી તેણે ઇન્ટર નેટ પર જાહેરાતવાળા જંગલમાં આવેલ સ્થળ માટે સર્ચ કર્યું. કોઈ ઉપયોગી માહિતી મળી નહિ પરંતુ તેનું ધ્યાન એક રીલેટેડ સ્ટોરીની લીંક પર ગયું. સને ૧૯૯૩ના વર્ષમાં હૈદરાબાદના કોઈ એક રજવાડાનો ખજાનો લુંટાયો હતો અને લુંટારાઓએ તે લુંટેલો ખજાનો તે જંગલોમાં છુપાવ્યો હોવાની પોલીસને શંકા હતી. ગોવા અને હૈદરાબાદની પોલીસે ત્યાં સઘન તપાસ કરી હતી પરંતુ લુંટેલો માલ કે ગુનેગારો પકડાયા ન હતા.

રવિ બીજા દિવસે સવારે ગોવાના પોલીસ સ્ટેશનમાં બેસી હૈદરાબાદની લૂંટ ફાઈલનો અભ્યાસ કરી રહ્યો હતો. લૂંટમાં ૩-૪ વ્યક્તિઓ સંડોવાએલા હોવાની શંકા હતી. તેમનો કોઈ ક્રિમિનલ રેકર્ડ ફાઈલમાં ઉપલબ્ધ ન હતો. ગોવાના જંગલોમાંથી લૂંટની કોઈ કડી મળતી ન હતી. આ કેસની તપાસ કરનાર પોલીસ અધિકારી નિવૃત્ત થઇ ગયા હતા. રવિ તેમને મળ્યો અને હકીકત જાણવાની કોશિશ કરી પરંતુ ખાસ કઈ હાથ ન લાગ્યું. તેમનું માનવું હતું કે લુંટેલો માલ ત્યાંજ દટાયેલો હોવો જોઈએ પરંતુ તે હાથ ન લાગતાં આ કેસની ફાઈલ “ Un Solved ” ના શેરા સાથે રેકર્ડ રૂમમાં ગોઠવાઈ ગઈ હતી.

બે દિવસ પછી રવિ જાહેરાતના સરનામાવાળા સ્થળે પહોચ્યો. ખુબ ગાઢ જંગલ વચ્ચેથી પસાર થતી એક કાચી સડક મારફતે રવિ તે સ્થળની નજીક પહોચ્યો. દર્શાવેલ સ્થળ સડકથી થોડુક દુર હતું. વચ્ચે વાંઘુ (વાંકળો) હતું જેમાં ખુબ રેતી અને પથ્થરો હોવાથી ગાડી જઈ શકે તેમ ન હતી. ગાડી વાંઘા પાસે પાર્ક કરી તે ચાલતો તે સ્થળ સુધી પહોચ્યો. અવાવરું જેવું દેખાતું જુનું પણ મોટું ઘર હતું. અહિયાં લાઈટની કોઈ વ્યવસ્થા જણાતી ન હતી. કદાચ જનરેટરનો ઉપયોગ કરવામાં આવતો હશે તેવું તેણે અનુમાન લગાવ્યું. તેણે ચોકસાઈપૂર્વક આજુ બાજુ નજર નાખી ઘરનો દરવાજો ખખડાવ્યો. “કોણ ?” અવાજ આવ્યો, રવિ શું જવાબ આપવો તે વિચારતો હતો ત્યાંજ એક યુવતીએ દરવાજો ખોલી રવિ સામે પ્રશ્નાર્થ નજર ફેકી. “ મકાનની જાહેરાત બાબતે... “ રવિ તેનું વાક્ય પૂરું કરે તે પહેલાં તે યુવતીએ દરવાજો પૂરો ખોલી રવિ ને ઘરમાં દાખલ થવા રસ્તો આપ્યો અને એક વિશાળ દિવાનખાનામાં દોરી ગઈ. તે પાણી લેવા ગઈ ત્યારે વચ્ચે એક રૂમમાં કોઈની સાથે ગુપસુપ કરતી હોવાનું રવિને સંભળાયું. પાણીના ગ્લાસની ટ્રે મૂકી એક ચોપ્પન પંચાવન વર્ષની એક આધેડ સ્ત્રી સાથે તેણે ફરીથી દીવાનખાનામાં પ્રવેશ કર્યો. રવિ વાતની શરૂઆત કેમ કરવી તેના વિચારોમાં હતો ત્યારે તે આધેડ સ્ત્રી બોલી “ તો તેમે ઘર ખરીદવા આવ્યા છો, એમ ને ..?” રવિએ હકારમાં માથું હલાવ્યું. બંને એ પરિચય મેળવ્યો. તે સ્ત્રીનું નામ માર્ગારેટ હતું. તે ગોવાનીઝ ખ્રિસ્તી વિધવા હતી. તેનું એક ઘર મુંબઈ વિલે પાર્લેમાં પણ હતું. તેને કોઈ બાળકો ન હતા. પેલી યુવતી તેની કોઈ સગી ન હતી પરંતુ થોડાક વર્ષો પહેલાં તે મુંબઈમાં તેના ઘરમાં નોકરી માગવા આવી હતી. માર્ગારેટને પોતાના સહારા માટે એક ભણેલી અને કામગરી યુવતીની જરૂરીયાત હતી. તેણે તે યુવતીને તેના ઘરની દેખરેખ અને સહારા માટે નોકરીમાં રાખી લીધી. તે યુવતીનું નામ કામિની હતું. હવે તે તેની નોકર નહિ પરંતુ દિકરી તરીકે માર્ગારેટની સાથે રહેતી હતી.

માર્ગારેટ સીધી વાત પર આવી. તેણે એક રજીસ્ટર રવિ સામે ધરી તેમાં વિગતો ભરવા જણાવ્યું. રવિએ વિગતો ભરી રજીસ્ટર ટીપોય પર મુક્યું. રવિને ઘર ખરીદવામાં કેમ રસ છે તે માર્ગારેટે જાણવા ચાહ્યું. તેણે રવિનો કૌટુંબિક ઈતિહાસ જાણી લીધો. રવિએ જણાવ્યું કે તે એક વૈજ્ઞાનિક છે અને રીસર્ચ માટે લેબોરેટરી ઉભી કરવા તેને આવા શાંત વિસ્તારની જરૂરીયાત છે. રવિએ ભાવ બાબતે રકજક કરી તો તેણે ભાવ ઘટાડવાની ચોખ્ખી ના પાડી દીધી. માર્ગારેટે કહ્યું મિ.રવિ,” રીસર્ચ માટે સરકાર સહાય કરતી હોય છે માટે સરકારનો સંપર્ક કરો.” કહી તેણે રવિ સામે અછડતી નજર કરી. રૂમની છતાં સામે તાકી રહી. તેણે પોતાની જમીન વેચવામાં કોઈ રસ ન દાખવ્યો. માર્ગારેટ રવિને વિદાય લેવાનો સંકેત આપી દીવાનખંડ છોડી પોતાના રૂમ તરફ ચાલી. રવિ ઉભો થઇ બહાર નીકળ્યો. કામિનીએ એક રહસ્યમય સ્મિત સાથે રવિને વિદાય આપી દરવાજો બંધ કરી દીધો. રવિ મોડી રાત્રે પૂણે પરત ફર્યો.

બીજા દિવસે રવિ ફરીથી યરવડા જેલ પહોચ્યો. જેલર સુભાષ ગોડબોલે પાસેથી ગયા અઠવાડીયે ધાડના કેસમાં સજા ભોગવી છુટા થયેલા કેદીની ફાઈલ મેળવી તેનું ગોવાનું સરનામું મેળવી રવિ ગોવા જવા રવાના થયો. રવિને હતું કે તે વ્યક્તિ પાસેથી જરૂર તેને કોઈક ઉપયોગી માહિતી મળશે. રવિએ જગતાપ ગાયતોંડેને ગોવા બીચ નજીકની ઝુપડપટ્ટીમાંથી શોધી કાઢ્યો. તે દેશી થર્રો પી રહ્યો હતો. તેની આંખો લાલઘૂમ હતી. હજી તેણે હોશ ગુમાવ્યો ન હતો. રવિએ તેની સામે રૂ. ૫૦૦૦ ની નોટો મૂકી. જગતાપની આંખોમાં ચમક આવી. રવિએ હૈદરાબાદની લૂંટ બાબતે જાણવા માગ્યું. તેની ખંધી આંખોમાં લાલચ દેખાઈ. રવિએ બીજા રૂ. ૫૦૦૦ તેની સામે ધર્યા. જગતાપ બોલ્યો, “ બોલો, શું જાણવું છે? ” રવિએ કહ્યું “તે બધું, જે તું જાણતો હોય.”

જગતાપે કહ્યું “ યરવડા જેલમાં ત્રણ વર્ષ પહેલાં એક કેદી આવ્યો હતો. તેનું નામ તુકારામ બરડે હતું. તેની સામે ખૂનનો ખટલો ચાલતો હતો. ખરેખરતો તેણે કોઈ ખૂન કર્યું જ ન હતું પરંતુ પોલીસે શંકા પરથી તેની ધરપકડ કરી. તે હૈદરાબાદની લુંટમાં સામેલ હતો. તેણે તે લુંટમાં સામેલ તેના બાકીના સાથીદારોના નામો મને કહ્યા હતા પરંતુ મને અત્યારે યાદ નથી. લૂંટ પછી ચારે જણા એક વાનમાં લુંટના માલ સાથે નાસી છૂટ્યા હતા.પકડાઈ જવાની બીકે ગફલતભરી રીતે હંકારવાના કારણે રસ્તામાં એક વળાંક પાસે વાન ફંગોળાઈને નદીના વહેણમાં પડી. પાણીનું વહેણ તેજ હોવાથી તેઓ તણાવા લાગ્યા. દરેક જણ પોત પોતાની રીતે જીવ બચાવવા હવાતિયાં મારવા લાગ્યા. સવારે કિનારા પર ત્રણ જણા ભેગા થયા અને ચોથાને શોધવા લાગ્યા. ચોથો ન મળ્યો. એ લોકોએ માન્યું કે કદાચ તે તરવાનું નહીં જાણતો હોય તો પાણીમાં તણાઈ ગયો હશે. બે દિવસમાં બધું શાંત થયે સાથે મળી લુંટેલ ખજાનો શોધવાનું નક્કી કરી ત્રણેય છુટા પડ્યા.

જગતાપે થર્રાની બોટલમાંથી એક નાનકડો ઘૂંટડો ભરી આગળ ચલાવ્યું “ બે દિવસ સુધી સ્થાનિક સમાચારપત્રોમાં લુંટના સમાચાર છપાયા. પછી બધું શાંત પડી ગયું. અઠવાડીયા પછી ત્રણેય જણા નદી કિનારે મળ્યા. ચોથાનો કોઈ પત્તો ન હતો. આ સ્થળે ખુબ ઓછી અવર જવર હતી. તેમણે માછલીઓ પકડવાનો ઢોંગ રચી માંડ માંડ ડૂબેલી વાન શોધી કાઢી. એક જણ ડૂબકી મારી વાનની પાસે પહોચી ગયો. વાનની ડીકી ખુલ્લી હતી. લુંટેલો ખજાનો ગાયબ હતો. ત્રણે જણા ત્યાંથી ચોથાને શોધવા ગોવા ગયા. તેનું ઘર બંધ હતું. ઘણા સમય સુધી અવાર નવાર તેઓ ચોથાને શોધવાનો પ્રયત્ન કરતા રહ્યા પરંતુ તેના કોઈ સગડ મળ્યા નહિ. દરમ્યાન ત્રણ પૈકી બે જણા એક અન્ય સ્થળે લુંટ કરી ભાગતા હતા ત્યારે પોલીસ ફાયરીંગમાં માર્યા ગયા હતા. હવે ફક્ત તુકારામ બરડે અને ચોથો વ્યક્તિ હયાત હતા.” જગતાપ થોડી વાર રોકાયો અને બોલ્યો” તુકારામ પુણેની ઝુપડપટ્ટીમાં રહેતો હતો અને પરિણીત હતો તેમજ એક બાળકીનો પિતા પણ હતો. તેને તેની ઝુપડપટ્ટીમાં એક માછણ સાથે પ્રેમ હતો અને લગ્નેતર શારીરિક સબંધો પણ હતા. ઝુપડપટ્ટીમાં બધાને તેમના આ સબંધની ખબર હતી. એક દિવસે તે માછણના પતિનું ખૂન થઇ ગયું. પોલીસે શંકા પરથી તુકારામની ધરપકડ કરી હતી. અંડર ટ્રાયલ કેદી તરીકે તે જેલમાં હતો ત્યારે તેને હાર્ટ એટેક આવતાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. આથી વિશેષ કોઈ માહિતી મારી પાસે નથી.”

ઉપર મુજબની માહિતી આપી જગતાપ દારૂની બોટલમાં બચેલ દારુ એક ઘૂંટડે પી સુઈ ગયો. રવિ પૂણે પરત આવી ગયો. રવિ પૂણેની ઝુપડપટ્ટી ફેદી વળ્યો પરંતુ તુકારામ બરડે વિષે કોઈ માહિતી તેને ન મળી. તેણે ઝુપડપટ્ટીના દારૂના પીઠાના માલિકને તુકારામ વિષે પૂછ્યું. પીઠાનો વૃદ્ધ માલિક થોડુક વિચારીને બોલ્યો “ તુકારામ બરડે એક ખૂન કેસમાં જેલમાં હતો ત્યારે તેની પત્ની તેની દિકરી સાથે અહીંથી ચાલી ગઈ હતી પછી તેનું શુ થયું તેની કોઈ વિગતો નથી.” રવિ નિરાશ થઇ ઘરે પરત ફર્યો.

થોડાક દિવસ પછી રવિને મુંબઈ જવાનું થયું ત્યારે તેણે કુતુહલ વશ વિલે પાર્લે બાજુ પોતાની ગાડી હંકારી. વિલે પાર્લેના પોશ એરીયામાં તેણે માર્ગારેટના ઘર બાબતે પૃચ્છા કરી. એક બહેને આંગળી ચીંધી દિશા નિર્દેશ કર્યો. તેણે ગાડી સ્ટાર્ટ કરી તે સમયે તેણે સામેથી કામિનીને આવતી જોઈ. કામિનીની પણ તેની પર નજર પડી. આશ્ચર્યસહ તેણે રવિ સામે પરિચિત હાસ્ય વેર્યું. રવિ ગાડીની બહાર નીકળ્યો. કામિની બોલી , “ મિસ્ટર રવિ, માર્ગારેટ મેડમને મળવા આવ્યા છો....?” રવિ ગેંગે ફેંફે થયો. ફરીથી કામિની બોલી “ મેડમ ઘરમાં જ છે પરંતુ એપોઇન્ટ વિના કોઈને મળતાં નથી.” રવિએ કામિનીને કોફી પીવાની ઓફર કરી જે તેણે સહર્ષ સ્વીકારી લીધી. બંને જણા બાજુના કાફેટોરીયામાં દાખલ થયા. આમ તેમની વાતો કરી બંને જણાએ એક બીજા પાસેથી વાતો મેળવવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળ ન થયા. બંને જણા જાણતા હતા કે તેઓ એક બીજાને રમાડી રહ્યા હતા. રવિને કામિની ખુબ હોશિયાર અને કાબેલ લાગી. કોફી પી બંને જણા છુટા પડ્યા. રવિ પૂણે પરત આવી ગયો.

રવિની કામિની સાથેની મુલાકાત પછી તેને કામિનીમાં રસ પાડવા લાગ્યો. કામિનીની ચપળતા અને તેની રીતભાત ખુબ સરસ હતી. તે એકદમ સુશિક્ષિત, કેળવાયેલી અને રહસ્યમય લાગી. તેણે ફેસબુક પર કામિની માટે સર્ચ કર્યું. ઘણી કામિનીની વિગતો હતી પરંતુ રવિને જે કામિનીની વિગતો જોઈતી હતી તે ન મળી. થોડાક દિવસ પછી રવિને મુંબઈની સી.આઈ.ડી. (ક્રાઈમ)ની ઓફિસે જવાનું થયું. તે જયારે દરવાજામાં દાખલ થયો ત્યારે એક યુવાન છોકરી તેની પાસેથી સડસડાટ પસાર થઇ ગઈ. તેને તે છોકરી કામિની જેવી લાગી. તેની ખરાઈ કરવા તે બહાર આવ્યો પરંતુ તેને તે છોકરી ક્યાંય દેખાઈ નહિ. પરત ફરી તેણે અધિકારીને તે છોકરી બાબતે પૂછયું. તેમણે કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો.

રવિએ ફરી જંગલમાં આવેલ પેલા મકાનની મુલાકાત લીધી. કામિની અને માર્ગારેટ મુંબઈ હોવાથી મકાન બંધ હતું. કોઈ ચોકીદાર પણ જણાતો ન હતો. તેણે ઘરની તલાશી લેવા ઘરમાં દાખલ થવાનો પ્રયત્ન કર્યો પરંતુ દાખલ ન થઇ શકયો. તેણે ઘરની બહાર એક મોટી ભઠ્ઠી જોઈ. તેને આશ્ચર્ય થયું. રવિ પૂણે પરત ફરતા પહેલાં પાછો ગોવા જઈ જગતાપને મળ્યો. તેની પાસેથી કોઈ વિશેષ માહિતી ન મળી પરંતુ તેણે જણાવ્યું કે ગુમ થયેલા ચોથા વ્યક્તિની હયાતી બાબતે તુકારામ અવઢવમાં હતો. રવિએ પણજી પોલીસ સ્ટેશનમાં જઈ સને ૧૯૯૩-૯૪ ના વર્ષમાં ચોરાયેલા વાહનોની ફરીયાદ અંગેની યાદી જોવા માગી. ખુબ થોડા વાહનો ગુમ થયાની ફરિયાદ હતી પરંતુ તે યાદીમાં કોઈ વાન ન હતી. તેણે પણજી આર.ટી.ઓ. કચેરી જઈ નોધાયેલા વાહનો પૈકી વાનના માલિકોના નામ જાણવા રજીસ્ટર ફેદયા. ગોવા ટુરીસ્ટ સ્થળ હોવાથી ટુરીસ્ટને સાઈટ સીઈંગ માટે વાનનો ઉપયોગ થતો હોવાથી ઘણી બધી વાન નોધાયેલી હતી. કોઈ જાણવા જેવી માહિતી ન મળી. તેણે પણજીની ગેરેજોમાં પણ ખોખાંખોળા કરી જૂની વાનની માહિતી મેળવવા પ્રયત્ન કર્યો. ગોમ્સ મોટર ગેરેજના માલિકે જણાવ્યું કે તે અરસામાં એક માણસ જૂની વાન ખરીદવા તેની પાસે આવ્યો હતો. ત્યારે તેની પાસે વેચવા માટે કોઈ વાન ન હતી પરંતુ તેનો એક ગ્રાહક જેનું નામ એન્થોની હતું અને જેને પોતાની જૂની વાન વેચવી હતી તેનું સરનામું આપી તેણે તે માણસને એન્થોનીને મળવા જણાવ્યું હોવાનું તેને યાદ હતું. ગોમ્સ પાસેથી એન્થોનીનું સરનામું મેળવી રવિ એન્થોનીને મળ્યો. તેણે તેની વાન કોઈ વિલિયમ્સ નામના માણસને રોકડા પૈસે વેચી હતી. એન્થોની પાસે વિલિયમ્સનું સરનામું ન હતું. વાહનનો રજીસ્ટ્રેશન નંબર મેળવી રવિએ ઈન્ટરનેટ પર વાહન નંબર નાખી સર્ચ કરતાં તે વાન હજુ એન્થોનીના નામે જ નોધાયેલી હોવાનું જણાયું. વિલિયમ્સે હજુ તે વાન તેના નામે ટ્રાન્સફર કરાવી ન હતી. રવિ પૂણે પરત ફર્યો.

રવિએ મુંબઈની મહાનગરપાલિકામાં જઈ ચકાસણી કરતાં માર્ગરેટ વિલિયમ્સના નામે એક મકાન વિલે પાર્લમાં નોધાયેલું હોવાનું જણાયું. તેના મગજમાં વીજળી ઝબકી. તેનું દિમાગ ત્વરિત ગતિએ કામ કરવા માંડ્યું. ખુબ વિચાર કરતાં તેની સમક્ષ ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું પરંતુ હજુ કેટલીક કડીઓ મળતી ન હતી. તે ફરીથી ગોવા ગયો. મામલતદાર કચેરીમાં જઈ તેણે જંગલમાં આવેલ જમીનનો માલિકી હક તપાસ્યો. તે જમીન કોઈ જગદીશ અઠવલેના નામે બોલતી હતી. નામ સરનામું મેળવી તે જગદીશને મળ્યો. જગદીશે આ જમીન અને મકાન ઘણા વર્ષો પહેલાં કોઈકને વેચી દીધું હતું. તેને તેનું નામ અત્યારે યાદ ન હતું પરંતુ તેણે તેને પાવર ઓફ એટર્ની કરી આપેલ હતી. રવિ સંતોષ પૂર્વક પરત ફર્યો.

રવિને હવે થોડાક કામો ઝડપથી પતાવવાના હતા. તેણે ત્રણ દિવસ માર્ગરેટનાં ઘર પર વોચ રાખી અને તેમની દિનચર્યા જાણી લીધી. કામિનીને રવિની આ હરકતની જાણ થઇ ગઈ હતી. એક સાંજે તેણે કામિની અને માર્ગારેટને શોપિંગ માટે જતાં જોયા. તેને મોકો મળી ગયો. તેણે માર્ગારેટના મકાનના પાછળના ભાગે એક ખુલ્લી બારી જોઈ. જાણે કોઈકે તેના માટે જાણી જોઈ બારી ખુલ્લી રાખી હતી તેવું તેણે લાગ્યું. તે ખુલ્લી બારી મારફતે માર્ગારેટના ઘરમાં દાખલ થયો. તેણે ઘરની તલાશી લેવા માંડી. એક ફાઈલમાંથી તેને જોઈતી વિગતો મળી ગઈ. કામિની તેના મોબાઈલ પર ઘરના સી.સી.ટી.વી. નું મોનીટરીંગ કરી રહી હતી. રવિએ ફાઈલ જોઈ અને કેટલાક દસ્તાવેજોની તેના મોબાઈલમાં ફોટો કોપી લીધી તેના ઉપરથી કામિની સમજી ગઈ કે રવિ સાચા માર્ગે આગળ વધી રહ્યો છે. રવિના ગયા પછી થોડાક સમય પછી કામિની અને માર્ગરેટ ઘરે પરત આવ્યા. ઘરે આવી તક મળતાં કામિનીએ સી.સી.ટી.વી. કેમેરામાંથી રવિની મુલાકતના ફૂટેજ દુર કરી દીધા.

એક અઠવાડિયા સુધી રવિ ખુબ વ્યસ્ત રહ્યો. એક દિવસે રવિના ઘરના લેટર બોક્ષમાં કામિની અને માર્ગરેટની એક અઠવાડીયા પછીની પોર્ટુગલ જવાની વિમાનની ટીકીટોની નકલ મળી. રવિના મગજમાં ઝબકારો થયો. હવે તેને કેટલાક બાકી કામો ઝડપથી પતાવવાના હતા.

બીજા દિવસે રવિ હૈદરાબાદ પોલીસ સ્ટેશના એસ.એસ.પી. મિસ્ટર રેડ્ડી સાથે ઘહન ચર્ચા કરી રહ્યો હતો. તેણે કેટલાક દસ્તાવેજો તેમની સમક્ષ મૂકી આગળની સ્ટ્રેટેજી નક્કી કરી. રવિ પૂણે પરત ફર્યો.

સ્પાઇસજેટ કંપનીનું વિમાન ગોવા ઇન્ટરનેશનલ એરપોર્ટ થી પોર્ટુગલની રાજધાની લિસ્બન જવા તૈયાર ઉભું હતું. બોર્ડીંગ પાસ ઇસ્યુ કરવાની કાર્યવાહીમાં હજુ થોડીક વાર હતી. માર્ગરેટ અને કામિની તેમનો સમાન ટેક્ષીમાંથી ઉતારી એરપોર્ટમાં દાખલ થયા. વેઈટીંગ લોજમાં બહુ ભીડ ન હતી. થોડાક સમય પછી લિસ્બન જવા વાળા યાત્રીઓ માટે બોર્ડીંગ પાસ મેળવી લેવા માટેની સૂચના એરપોર્ટના મોનીટર પર ફ્લેશ થઇ. કામિનીની નજર એરપોર્ટમાં કોઈકને શોધી રહી હતી. માર્ગરેટ હળવેકથી ઉભી થઇ અને માલસામાનની ટ્રોલી લઇ લગેજ ટેગિંગ માટે આગળ વધી. કામિની પણ પાછળ દોરવાઈ. વજન અને લગેજ ટેગિંગ પછી બંનેના માલસામાનની બેગો સ્ક્રીનિંગ યુનિટમાંથી પસાર થઇ ગઈ. તેઓ બંને બોર્ડીંગ પાસ બતાવી ઈમિગ્રેશન માટે આગળ વધ્યા. ઈમિગ્રેશન કાઉન્ટર પરની મહિલા અધીકારીએ સસ્મિત તેમનું સ્વાગત કરી તેમના પાસપોર્ટ હાથમાં લીધા. તેમને થોડો સમય રાહ જોવાની સૂચના આપી તે તેના ઉપરી અધિકારીની ચેમ્બરમાં દાખલ થઇ. પરત આવી તેણે માર્ગરેટ અને કામિનીને તેમની સાથે આવવા ઈશારો કર્યો. તે તેમને એરપોર્ટ સ્થિત સ્થાનિક પોલીસ કચેરીમાં લઇ ગઈ. ત્યાં ગોવાની સ્થાનિક પોલીસ ઉપરાંત હૈદરાબાદના એસ.એસ.પી. મિસ્ટર રેડ્ડી, મુબઈ સી.આઈ.ડી. (ક્રાઈમ)ના વડા સ્વરૂપ રાનડે તેમજ ત્રણ-ચાર પુરુષ અને મહિલા પોલીસ અધિકારીઓ અને રવિ હાજર હતા. કામિનીની નજર રવિ પર પડતાં તે બધું સમજી ગઈ.

હૈદરાબાદના એસ.એસ.પી. મિસ્ટર રેડ્ડીએ માર્ગારેટને કહ્યું “ હૈદરાબાદના રજવાડાના લુટ કેસની વિગતો છુપાવવા અને તમારા પતિ દ્વારા લુંટેલ માલસામાન સંગ્રહવા બદલ હું તમારી ધરપકડ કરું છું.” માર્ગારેટે તે પોતે તે લુંટ બાબતે કંઈ જાણતી ન હોવાનું જણાવ્યું. એસ.એસ.પી. મિસ્ટર રેડ્ડી બોલ્યા “ તમારા ગળામાં નિલમનો જે અદ્વિતિય હાર છે તે હૈદરાબાદના રજવાડાની માલિકીનો છે “ માર્ગારેટનો હાથ પોતાની છાતી પર ઝૂલતા અદભૂત અને મોંઘા હાર પર ફરી વળ્યો. તેની મુઠ્ઠી બંધ થઇ ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે પડી ભાગી. કામિની હળવેકથી સરકી ગઈ. રવિએ એસ.એસ.પી. મિસ્ટર રેડ્ડી સામે કામિની ગઈ હતી તે દિશામાં જોઈ ઈશારો કર્યો. મિસ્ટર રેડ્ડી મર્માળુ હસ્યા. અને આગળની કાર્યવાહીમાં પરોવાયા. પાંચ મિનિટમાં કામિની પોલીસ ડ્રેસમાં આવી મુબઈ સી.આઈ.ડી. (ક્રાઈમ)ના વડા સ્વરૂપ રાનડેને સલામ ઠોકી બોલી “સી.આઈ.ડી. (ક્રાઈમ) પી.આઈ. કામિની બરડે રિપોર્ટિંગ સર.” રવિ કામિનીને પોલીસ ડ્રેસમાં જોઈ આશ્ચર્યચકીત થઇ ગયો. ચુસ્ત ડ્રેસમાં કામિની ખુબ સુંદર દેખાતી હતી. રવિ તેની સામે તાકી રહ્યો. કામિની રવિ સામે અછડતી નજર નાખી આગળની પોલીસ કાર્યવાહીમાં જોડાઈ ગઈ.

રવિ પણ પોલીસ બેડા સાથે જોડાઈ ગયો. પોલીસને હજુ કેટલીક કડીઓ ખૂટતી હતી. તેમણે માર્ગારેટને લુંટ બાબતની સિલસીલાવાર માહિતી આપવા જણાવ્યું. માર્ગારેટે આપેલ વિગતો અનુસાર આ લુંટનો આખો તખ્તો તુકારામે બરડેએ ગોઠવ્યો હતો. તેણે વિલિયમ્સને લુંટમાં સામેલ થવા લલચાવ્યો. વિલિયમ્સ તે વખતે બેકાર હતો અને પૈસાની ખેંચ અનુભવતો હતો તેથી તે તુકારામ સાથે લુંટમાં સામેલ થયો. વિલિયમ્સે એક વાન ખરીદી તેમાં લુંટનો માલ ભરવા એક ગુપ્ત ખાનું બનાવરાવ્યું. વિલિયમ્સ અને તુકારામે બીજા બે સાથીઓ સાથે મળી લૂંટ કરી. તુકારામ અને વિલિયમ્સે પેલા બે સાથીઓને કોઈ ભાગ આપવો ન પડે તે માટે વાનને નદીમાં નાખવાનો પ્લાન બનાવ્યો હતો અને તે પ્લાન મુજબ વાન ચલાવવાની જવાબદારી તેણે પોતે સ્વિકારી. કુશળતા પૂર્વક તેણે નિયત સ્થળે વાનને નદીમાં નાખી. વિલિયમ્સ લુંટનો માલ લઇ રાતના અંધારામાં ત્યાંથી નીકળી ગયો અને પ્લાન મુજબ થોડાક દિવસ તે મહારાષ્ટ્ર અને ગોવા રાજયની સરહદોને અડીને આવેલા જંગલોમાં એક જુનું પુરાણું મકાન અને તેની આસપાસની લગભગ એક એકર જેવી જમીન ખરીદી ત્યાં ગુપ્તવાસમાં ચાલ્યો ગયો.

દરમ્યાન તુકારામે બાકીના બે સાથીઓ સાથે મળી વળી એક લુંટ કરવાની યોજના ઘડી. છેલ્લી ઘડીએ તુકારામ બીમારીનું બહાનું કાઢી તે લુંટમાં સામેલ ન થયો. તેણે પોલીસને લુંટ થવાની બાતમી પૂરી પાડી. પોલીસે ઘેરા બંદી કરી લુંટની યોજના નિષ્ફળ બનાવી. પોલીસ ફાયરીંગમાં તે બંને માર્યા ગયા. હવે લુંટનો માલ તુકારામ અને વિલિયમ્સ વચ્ચે વહેંચવાનો રહેતો હતો તે દરમ્યાન તુકારામ એક ખૂન કેસમાં ફસાયાની વિલિયમ્સને જાણકારી થઇ એટલે લુંટેલો તમામ માલ પોતાની પાસે રાખી લેવાની તેને લાલચ થઇ. તુકારામ જેલમાં હતો તે દરમ્યાન વિલિયમ્સે સોનાના ઘરેણાઓને ઓગાળવાની પ્રકિયા શીખી લીધી. ધીરે ધીરે તેણે થોડાક થોડાક ઘરેણા ઘરમાંજ ઓગાળવાનું શરુ કર્યું. એક દિવસે ઓગાળેલા ઘરેણાની સફાઈ વખતે અકસ્માતે એસીડનો કેરબો વિલિયમ્સ પર પડવાથી તે ખુબ દાજી ગયો અને થોડાક દિવસોમાં તેનું મૃત્યુ થઇ ગયું. વિલિયમ્સના મુત્યુ બાદ માર્ગારેટ એકલી પડી ગઈ. તેને લુટેલો માલ સાચવવાની ફિકર થવા લાગી. પકડાઈ જવાની અને તુકારામની બીકે તેણે મુંબઈમાં વસવાટ કરી લીધો.

રવિએ માર્ગરેટને પૂછ્યું “ જંગલવાળું મકાન અને જમીન વેચવાની જાહેરાતનું શુ પ્રયોજન હતું ?” થોડીક પળો વિચારી માર્ગારેટે કહ્યું “ તુકારામના કોઈ સમાચાર ન હતા એટલે તેની જાણકારી મેળવવા અને તેની સાથે સમાધાન કરી લુંટનો હિસાબ સરભર કરવા અથવા જો મોકો મળેતો તેનો કાંટો કાઢી નાખવા માટે સમાચાર પત્રોમાં જાહેરાત છપાવી તેને તે સ્થળ પર બોલાવવાનો પેંતરો રચ્યો હતો.”
રવિએ માર્ગારેટને કહ્યું “તુકારામનું જેલમાં હાર્ટ એટેકથી મૃત્યુ થઇ ગયું છે.” માર્ગારેટ રવિનું કથન સાંભળી એકદમ આશ્ચર્યચકિત થઇ ગઈ. જયારે સી.આઈ.ડી. (ક્રાઈમ)ના વડા સ્વરૂપ રાનડેએ માર્ગારેટને કહ્યું કે, કામિની તુકારામની દીકરી છે, ત્યારે માર્ગારેટ એકદમ મૂઢ થઇ ગઈ. કામિની બોલી “ મેડમ માર્ગારેટ, તમોને એ જાણીને તેનાથી પણ વધુ આશ્ચર્ય થશે કે “ રવિ દેશપાંડે, ભોળાનાથ દેશપાંડેનો દીકરો છે જે હૈદરાબાદની લુંટમાં સામેલ હતા ” એક પછી એક રહસ્યો જયારે માર્ગારેટની સમક્ષ ખુલ્યા ત્યારે તે એકદમ અવાક રહી ગઈ. થોડાક સમય બાદ તેની આંખોમાંથી અવિરત આંસુ વહેવા લાગ્યા. તેણે આગળ વધી કામિની અને રવિને પોતાની બાથમાં સમાવી ચોધાર આંસુએ રડવા લાગી. સ્ત્રી સહજ લાગણી વશ કામિની પણ રડી પડી અને રવિની આંખોના ખૂણા પણ ભીના થઇ ગયા.

લાગણીઓ પર તરતજ કાબુ મેળવી કામિની સ્વથ થઇ ગઈ. કામિનીએ રવિને કેવી રીતે ઓળખી લીધો તે બાબત વિષે તે કામિનીને પૂછે તે પહેલાં સી.આઈ.ડી. (ક્રાઈમ)ના વડા સ્વરૂપ રાનડે બોલ્યા, “ હૈદરાબાદનો લૂંટ કેસ પોલીસ ખાતા સામે પડકાર રૂપ હોવાથી સરકારે તેની સી.આઈ.ડી. (ક્રાઈમ) મારફતે તપાસ ચાલુ રાખી હતી. અમોએ હૈદરાબાદ, મુંબઈ, પુના, ગોવાના ઝવેરીઓને લુંટનો માલ વેચાવા આવે ત્યારે પોલીસને જાણ કરવાની તાકીદ કરી હતી. મેડમ માર્ગારેટે જે હાર પહેરેલો છે તે હાર હૈદરાબાદના રજવાડા દ્વારા સને ૧૯૨૦માં સ્વીત્ઝર્લેન્ડમાં બનાવરાવવામાં આવ્યો હતો. તે વખતે તેની કિંમત ૧૦ લાખ રૂપિયા હતી. દુનિયામાં આવો કોઈ બીજો હાર નથી. અમે દરેક ઝવેરીઓને તેનો ફોટો આપી તેની માહિતી આપવા તાકીદ કરી હતી. એક વખતે માર્ગરેટ મેડમ તે હાર પહેરી મુંબઈના મશહુર જવેલરીના સ્ટોરમાં ગયા ત્યારે તે સ્ટોરના માલિકે અમોને તેની જાણ કરી. તે સમયે કામિનીનું પ્રોબેશનરી પી.આઈ. તરીકે મુબઈ સી.આઈ.ડી. (ક્રાઈમ)માં પોસ્ટીંગ થયું. અમે તેને માર્ગારેટના ઘરમાં પ્લાન્ટ કરી. કામિનીએ ધીરે ધીરે માર્ગારેટ પાસેથી વિગતો મેળવી ખાતાને પહોંચાડવા માંડી. માર્ગરેટના ઘરના જુના આલ્બમમાં એક દિવસે કામિનીએ એક ગ્રુપ ફોટો જોયો જેમાં તેના પિતાનો પણ ફોટો હતો. તેના પ્રોફેશનલ દિમાગે ઘણું બધું સમજી લીધું. ત્યાં રવિની એન્ટ્રી થઇ. રવિ પોતાના ઇન્વેસ્ટીગેશનમાં આગળ વધવા લાગ્યો ત્યારે કામિનીએ રવિના ભૂતકાળની તપાસ કરવા ખાતાને સૂચના આપી. રવિ પોલીસ ખાતા સાથે સંકળાયેલો હોવાથી તેની વિગતો સરળતાથી મેળવી શકાઈ. રવિના કુટુંબની વિગતો મેળવતાં તેના પિતાનો ફોટો હાથ લાગ્યો જેના ઉપરથી માર્ગારેટના ઘરના જુના આલ્બમમાં કામિનીના પિતાની બાજુમાં રવિના પિતાનો ફોટો હોવાનું પ્રમાણિત થયું.

દરમ્યાન માર્ગારેટે ભારત છોડી પોર્ટુગલ સ્થાઈ થવાનું વિચાર્યું. ગોવાનીઝ ખ્રિસ્તી હોવાના નાતે તેને પોર્ટુગલમાં સ્થાઈ થવામાં કોઈ તકલીફ પડે તેમ ન હતી. તેણે કામિનીને તેની સાથે પોર્ટુગલ આવવા રાજી કરી. તે પણ અમારી સ્ટ્રેટેજીનો એક ભાગ હતો. હવે કેટલાક કામો ઝડપથી અને ખાનગી રીતે પુરા કરવા જરૂરી હોવાથી કામિનીએ તેમની વિમાનની ટિકીટોની એક નકલ મુંબઈ સી.આઈ.ડી. (ક્રાઈમ) અને રવિને પહોંચાડી. રવિએ હૈદરાબાદ પોલીસને પૂરી પાડેલી માહિતીના આધારે હૈદરાબાદ પોલીસ અને મુંબઈ સી.આઈ.ડી. (ક્રાઈમ) દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી અમે માર્ગારેટની ધરપકડ કરી છે.

માર્ગરેટ ભાવુક થઇ બોલી , “સ્ત્રી સહજ આભુષણો પત્યેના આકર્ષણના કારણે હું નિલમનો જે અદ્વિતિય હાર પહેરવાની ભૂલ કરી બેઠી અને કામિનીના વિશ્વાસઘાતના કારણે હું પકડાઈ ગઈ ” તેના જવાબમાં કામિની બોલી, મેડમ મેં તમારી સાથે કોઈ વિશ્વાસઘાત કર્યો નથી મેં ફક્ત મારી ફરજ બજાવી છે પરંતુ યાદ રાખજો કે “ Crime always pays”. મને કામિનીના કૃત્યથી ખોટું લાગ્યું નથી કેમકે તેને હું મારી દીકરી જ ગણું છું તેમ કહી માર્ગારેટે ફરી એકવાર કામિનીને પોતાની છાતી વળગાડી વહાલ કરી હૈદરાબાદ પોલીસ સાથે રવાના થઇ ગઈ.