દિવાળીનું મીની વૅકેશન પછી ઉનાળુ વૅકેશન શરૂ થતાં જ મારા પગ વતનની વાટે જ ચડતા.આર્થિક રીતે પછાત અલબત્ત ઘરની જવાબદારીઓના ભારથી સહેજ હળવો થવા શહેરના ધમાલ્યા જીવનને કમને તો પોતાનામાં ઉતારું પણ એક વસવસો રહી ગયો એ મારા વતનનો. મારી જનેતા,ધૂળ,વાડી, ખેતરો,ચોતરો,બાળપણ,કોતરો,નદીના મીઠા નીર,ભાઠાની હૂંફાળી રેત,વાંકાચૂક રસ્તા કંઈકને કંઈક નાની અમથી વસ્તુઓ,પ્રસંગો તો મારી આંખમાં,અંતરના કોઈ ખૂણામાં મઢાયેલ છબીરૂપે તો કાયમ સચવાયેલી જ પણ એ યાદોને યાદ કરીને વતનનું ચિત્ર મારી નજર સમક્ષ ખડું કરી શકતો પણ મારી જનેતાનો પ્રેમ અને વતનની હૂંફ હું ક્યારેય આ દોડતા શહેરમાં ન જ પામી શકું.એવા કઈક વિચારો સાથે સવારની ચા પીતો હું વાડામાં લીમડાના ઘનઘોર છાંયડે ઢળાયેલા ખાટલે નાના ભાઈ રણજીત પાસે બેઠો હતો.એનું ધ્યાન વાંચતા પુસ્તકમાં કેન્દ્રીત હતું.છોકરાઓ વાડાની હદમાં હડપાર વિનાના વધેલા થોરના પાંદડાને વચમાંથી વાળીને કઈક રચાતી ભાત જોવામાં સૂરજ,રવિ અને પ્રભા મશગુલ તો વળી ત્રણેયની માઁ જમના ગારમાટીના ઘરની અંદર માઁ સાથે વાતોએ વળગી હતી.
ચાની રકાબી નીચે મૂકી.સહેજ મુસાફરીનો થાક ઉતારવાના હિસાબે સુતર ભરેલા ખાટલે જાત ઢાળી.ઉપર લહેરાતો લીમડો પીળા પર્ણોને મુક્ત કરતો હતો.તો વળી પાકી લીંબોડીઓ વારંવાર મારતો હતો.
વરસે એકાદ-બે વખત વતને આવવાનો મોકો મળે છે.અને હું આમ લીમડાની ઓથે પગ પર પગવાળી પડ્યા રહેવું મને ન ખપે.ભલે ઉનાળો રહ્યો.સૂર્યની જ્વાળાઓ ભલે બાળી નાખે અલબત્ત પરિચિતોથી વિખૂટા પડયાની બળતરા આગળ આ સૂર્યની જ્વાળાઓ ફીકી પડે છે છતા પણ જો એ જ્વાળાઓ મારા દેહને તપવશે તો મારી ઓળખીતી નદીના ખોળામાં એકાદ ડૂબકી મારો બધોજ સંતાપ એના વહેતા નીરની સાથે વહી જશે.કિનારાની રેતમાં એકાદ હાથના માપના ખાડે એકત્ર થયેલ નીર વરસોની તરસ્યા મનની તરસ છીપાવશે.વાડીઓના આંબા મારી ભૂખ ભાગશે તો વળી કોતરોના સર્પાકાર રસ્તા એને પચાવશે.વરસો પહેલા ખેતરે કરેલ કામોથી કસાયેલી કાયાને મેદસ્વીતા ફરી વળેલી જોઈ મીઠો ઠપકો આપશે.આવા કંઈક વિચારો મને હસાવતાં હતાં.ત્યાંજ મારી વ્હાલી જનેતાના હેતાળ સ્વરે મારા વિચારો તૂટતા. આવ્યો માં કહી હું ઘરમાં પ્રવેશ્યો.
ચૂલાના અંગારે તપતી લોઢી પરથી ઉતરતા દૂધીના થેપલાની સુવાસે મારી ભૂખ જગાડી.
માએ વાંસમાંથી ગૂંથાયેલ છાબડીમાં ગોઠવેલ થેપલા મારી સમક્ષ ધર્યા એના મુખ પર બાળપણમાં જોયેલી મમતા આજ પણ એની એજ કાયમ હતી.બાજરાના લોટ મસળતી માઁએ કહ્યું,બેટા શે'રમો બરોબર ફાવેશેને?
માડીને ખુશ રાખવા મેં હા જ ભળી.એના ચહેરા પર મારા જવાબનો રંગ ઘેરાયો.માઁને ખુશ કરવા મારે જૂઠું બોલવું પડ્યું એ વાતનો મને અફસોસ ન હતો. કેમકે મારા જૂઠા બોલે મારી જનેતાના કાળજે ટાઢક વાળી હતી. વાતવાતમાં બે થેપલા આરોગી ઊભો થયો અને માઁની રજા લઈ હું મારા પરિચિતોને મળવા નીકળી પડ્યો.
આગળના આંગણામાંથી શેરીમાં પ્રવેશતા જ મારા ભેરુઓએ મારા ખબર અંતર પૂછ્યા અને કોઈ કોઈ તો વાતો કરતા કરતા ગામની ભાગોળના ચોતરા સુધી આવ્યા.ચોતરે વડીલોનું ટોળું જામ્યું હતું.એમાં જુવાનિયાઓ એમના અનુભવનું જ્ઞાન મેળવતા હતાં.હું પણ ટોળામાં ભળ્યો. ઝવેરકાકાના ઝભ્ભાના ખિસ્સામાંથી રાજકમલ બીડીની જુડી નીકળી. બીડી સળગાવી કસ માર્યો અને એ જ જુડી ટોળામાં વારાફરતી ફરતી ફરતી મારા હાથમાં આવી.બીડી પીવાની તલપ તો હતી એટલે ફટાફટ સળગાવી એક સળાકો માર્યો.એ ઝેર જ હતું પણ ભેરુઓના સંગાથે બીડીનો કસ મારે મન તો એક લ્હાવો હતો અને એકાદ બીડી વધારે લઈ હું પીતો પીતો આગળ વધ્યો.
ખેતરોએ લહેરાતો મૉલ મારા ભેરુઓના પરસેવો પી અલમસ્ત થયો હતો. વાડીઓએ ગિલોળા,પરવર,કાકડીના વેલાઓ જોતો હું ભાઠાની રેતમાં થોડો આરામ કરી કોતરોનો વાંકોચુકો રસ્તો પકડયો.
રસ્તાની બંને ધાર પર ઉગેલી કાંટાળી વનસ્પતિઓ એકલી એકલી હવાના જોરે હીંચકા ખાતી હતી.ખેરી બાવળનો વસ્તીનું પ્રમાણ બીજા વૃક્ષો કરતા વધુ હોવાથી ઠેર ઠેર એની ક્ષમતા મુજબ પહોળો થઈ પડ્યો હતો.શહેરમાં જવલ્લેજ જોવા મળતા લેલ્લા, તેતર,હોલા,દેવચકલીઓ માળા ગૂંથતી હતી.રતાશ પડતી ધૂળમાં ચકરવા લેતો પવન રસ્તાની ધૂળનુ સ્થળાંતર કરવામાં મશગુલ હતો તો વળી વરસાદી પાણીથી થતા ધોવાળથી કોતરોને રક્ષણ પૂરું પડતા પર્ણો વિનાના વૃક્ષો વસંતની કાગડોળે રાહ જોતા હતા.
ઊંડા કોતરોમાં વળાંક લેતા રસ્તાઓ ઉતરવા સરળ હતા હું નિરાંતે પગલાં પાડતો આગળ ધપતો હતો નજર પરિચિતોને મળતી આમતેમ ફરતી હતી.દૂર કોઈ માજી ઘાસનો ભારો લઈ સહેજ વિસામો ખાતા બેઠા હતા કે કોઈ આવે ને ભારો માથે ચડાવે એવી કંઈક આશાએ આમતેમ વળતા માર્ગે જીર્ણ આખો પર હાથનું છજું બનાવી કોઈ મુસાફરને શોધતા હતા.
વરસો પછી કોઈને ભારો ચડાવાનો લાગ મળ્યો. એમાં પણ મારો સ્વાર્થ હતો કે માજી બે વેણ ઉચ્ચારી મને આશિષ આપે એ હિસાબે હું એ તરફ સરકયો.પણ માજીની નજરે હું ન ચડ્યો.એમની નજર તો ફરતી જ હતી. હું નજીક પહોંચી કહ્યું,
માજી ભારો ચડાવી દઉં.
હા બેટા ચડાવી દે પણ થોડી વાર પછી થાક લાગ્યો.
હા કહી હુંય માજી જોડે બેઠો.માજી સાલ્લાના પાલવે કરચલીઓથી ઉભરાયેલા ચહેરે બજેલો પરસેવો લૂછતાં હતા.
મેં પૂછ્યું, માજી તમે કઈ જગ્યાએ રહો છો?
અલ્યા દીકરા તે મને ન ઓળખી ?
ના માજી, ઓળખાણ નઈ પડતી.
પણ હું તો તને ઓળખું છું. સવિતાનો દીકરો નઈ.શે'રમોથી ક્યાર આયો.
કાલ જ આયો માજી પણ મેં તમને ના ઓળખ્યા.
હું તારા ભૈબંધની માં શારદા.
કોન્યાના ?
હા,બેટા કોન્યાની.
તો કોન્યો કઈ ગયો દેખાતો નથી.
એ તો ગોમમાંજ રેહશે.એની બાયડી જોડે.
અને તમે?
હું તો માર ખેતરે ઝૂંપડું બોધી દા'ડા ગણું હુ.કે ક્યારે મારો ભોળોભગવોન ભૂલો પડે ને મને આ જંજાળ માંથી છોડાવે.
માજીના આક્રંદભર્યા શબ્દોએ મારુ મન હચમચી ગયું. મેં વાતને પડતી મૂકી ભારો ચડાવાની વાત કરી.માજી ઉભા થયા.હું ભારો ચડાવા જતો હતો ત્યાંજ મારી નજર રડતી આંખોને જોઇ.હું રડમસ થઈ ગયો. માજીને ચડાવા ઉપડેલો ભારો મેં માથે ઉપાડી લેતા કહ્યું, માજી તમે આગળ ચાલો હું ભારો તમારી ઝૂંપડીએ પોહચાડી દઉં.
માજીએ મને રોક્યો પણ હું એકનો બે ન થયો.આખરે માજી મારી સાથે ચાલ્યા.માજીનું ખેતર દૂર હતું હું ખૂબ થાકી ગયો હતો. ઘણો પરસેવો વળ્યો હતો.અંતે ખેતરમાં ચાડીયાની માફક એકલી ઉભેલી ઝુંપડીએ પહોંચતા. જ મારા જીવમાં જીવ આવ્યો.
ભારો નાખી થોડો ચારો ભેંસને નીરી લીમડે પડેલી માજીની ખાટલીએ જઇ બેઠો.માજીએ પાણી પાયું.અને નિરાંત અનુભવતા મેં વાત આગળ ચલાવી.
માજી કેટલા દા'ડાથી અહી રહો છો?
દા'ડા નઈ બેટા વરસોથી રહું છું.જ્યાર હુધી કોન્યો કુંવારો હતો ત્યારે માવડીયો હતો પણ મે'નત કરી પરણાયો એના છો મહિનામાં તો કોન્યો બૈરા વખું થઈ ગયો.ને મારે ખેતરે ઝૂંપડું બોધવું પડ્યું કહેતા માજી રડી પડ્યા.
માજીનું દુઃખ અસહય હતું.માઁની આશભરી નજર પુત્રપ્રેમ જંખતી હોય ને નફરતમાં પરિવર્તિત થઈ જાય તો એના જેવું દુઃખ વળી બીજું કયું.
મારી આંખો સાગરમાં આવતી જવાળની માફક ઉભરાતી હતી.આગળ વાત કરું તો માજી વધારે રડશે એમ વિચારી હું રજા લઈ ત્યાંથી આગળ નીકળ્યો.
માજીના આર્શીવાદ મળ્યા.હરખ હતો.પણ વહેતી મહિસાગરના આશીર્વાદ આખાય ચરોતરના એકએક જીવને ફળ્યા એ માઁને મળવા ન જાઉં તો હું ચરોત્તરવાસી શેનો.એના વહેતા ખોળામાં એકાદ ડૂબકી તો આ વરસની બળતરાનો અંત આવે એ વિચારે હું નદીના કિનારે પહોંચ્યો.નિરંતર બેકાંઠે વહેતી નિર્મળ માવલડીને હાથ જોડી પ્રણામ કરી પહેરેલ લૂગડે જ છલાંગ મારી એના ખોળામાં જઇ પડ્યો.
પંદરેક મિનિટ માઁના ખોળામાં આળોટી બહાર આવ્યો. કિનારાની રેતમાં પડતા પગલાંની છાપ મારી ચાલનું નિરૂપણ કરતા પડ્યા હતા.ભીના લૂગડેથી પાણી ટપકતું હતું. ઝાડ કાપવાનો સિલસિલો હજુ ચાલુ હતો એવું મેં એક કપાયેલા ઝાડ પરથી અનુમાન લગાવી હું બુઠ્ઠા પડેલા થડના બચેલા ભાગ પર જઈ બેઠો.શાંત વહેતી નદીમાં હવાની લહેરોની અસરે પાણી નાની લહેરો લઈ કિનારા તરફ આગળ વધતું હતું. નદીની માફક શાંત ચિત્તે બેસવાનો પ્રયત્ન કર્યો છતાં હું સફળ ન થયો આખરે એ નિષ્ફળ પ્રયાસ પડતો મૂકી હું અને નદી વરસોથી વિખૂટા પડેલા મિત્રોની માફક એકબીજાને એકીટશે તાકી રહ્યા. એમાં કોઈના આવવાના અણસારે મારી નજર આવતા અવાજો તરફ ગઈ. દૂરથી આવતો કોઈ ભેરુ નદીના નીરે તરસ છીપવા આવી રહ્યો હતો.એ સીધો નદીએ પહોંચી પાણી પી મારી જ તરફ આવતા થોડું અંતર ઘટ્યુંને મારી આંખોએ એને ઓળખ્યો પણ હું કઈ ન બોલ્યો.
એણે નજીક આવતાજ મારા ખબરઅંતર પૂછ્યા.થોડી ક્ષણો અમારી વચ્ચે વાતચીત ચાલી પણ હું આ કોન્યાને પાઠ ભણાવા કંઈક યુક્તિપ્રયુક્તિઓ મનોમન ગોઠવતો એની વાતોમાં હ.... હ....ના સુર પૂરતો હતો.આજુબાજુ નજર કરી દૂર પડેલા ગોળ પથ્થર જોઈ કોન્યાને કહ્યું,
કોન્યા એક કોમ કરીશ?
હા ભૈ બોલને શું કોમ છે.
મેં પથ્થર તરફ આંગળી ચીંધીને કહ્યું, પેલો પથ્થર મારા ઘર સુધી ઊંચકી લઈશ હું તને સો ની નોટ આપીશ.
એ સોની લાલચે તૈયાર થઈ ગયો અને પથ્થર ઉચકી મારી પાસે આવી બોલ્યો, હેંડો ભઈ.
કેટલું વજન છે? મેં પૂછ્યું.
વધારે નઈ બે કિલો હશે.
ઠીક છે કહી અમે બન્ને વાતો કરતા ગામ તરફ ચાલ્યા.નદી કિનારો,કોતરો એના ઢાળવાળો વાંકોચુકોરસ્તો વટાવી અડધે પહોંચ્યા ત્યાંતો કોન્યાએ ડાબો જમણો હાથ બદલવાની ક્રિયા ચાલુ કરી દીધી.છતાં મેં એને આગળ ચલાવ્યો.પણ એ ઘટાદાર વૃક્ષની છાંય જોઈ બેસતા બેસતા બોલ્યો,
ભઈ રાજુ થોડું બેસ.
મને જોઈતો લાગ મળતા. ઉશ્કેરીભર્યા વેણ ઉચ્ચાર્યા,
મારા હારા બાયલા. થાકી ગયો.તારા કરતો તો તારી માઁ સો દરજે હારી. તને ગર્ભમા લઈ નવ મહિના આ કોતરો વટાવતી રહી ને તું પાછો આ બે કિલોના પથ્થરાનો ભાર એક કલાક ન વેઠી શક્યો.ધિક્કાર છે તારી જાતને કહી હું એના ગુસ્સાનો સામનો કરવાની તૈયારી કરી આગળનો જવાબ ગોઠવતો હતો પણ મારું અનુમાન ખોટું પડ્યું.
કેમ ભઈ એવું બોલ્યો.
તો બીજું શું બોલું?
મને ખોટું લાગ્યું ભઈ.
સાચી વાત તો કડવી જ હોય કોન્યા યાદ રાખજે.
પણ મારા ભઈ મારો શુ ગુનો?
એજ કે માને ખેતરે રઝળતી મેલી બૈરાંની હોડમાં પેસી ગયો. જ્યારે નો'તો પરણ્યો ત્યારે તો મારી માઁ મારી માઁ કહેતા તારું મો નો'તું સુકાતું તો હવે એ તારી માઁ કેમની વિસરાઈ ગઈ.મારી વાતોની અસર કોન્યાના ચહેરા પર વર્તાતી હતી.મેં આગળ ચલાવ્યું,
જ્યારે બૈરું નો'તું ત્યાર તને તારી માઁના રોટલા બહું ભાવતા હતા.અને શારદાકાકીને મૂકી તું એક કોળિયોય મોંમાં નો'તો મુકતો તો કેમ આજ તારી માઁને આ ઉંમરે રોટલો રળી ખાવા મજબૂર કરી?કેમ હવે માઁ વગર રોટલો ગળે ઉતરે છે.તારું બૈરું તને આજ સુધી એક કોળિયોય એના હાથે ખવડાવ્યો છે સાચું બોલ કોન્યા.
ના ભઈ.
અને તારી માઁએ માથે હાથ ફેરવી ફેરવીને ભરપેટ એના હાથે ખવડાવ્યું છે કે નઈ.
ખવડાવ્યું ભઈ.
તો એના ગુણ કેમનો ભુલ્યો મારા ભઈ.માવતર તો નસીબ- વાળાને મળે.જગતમાં બધુંજ બીજી વાર મેળવી શકાય પણ માઁબાપ એક જ વખત મળે.જા ઉભો થા અને તારી માનાં પગે પડી માફી માંગજે.એ દયાનીમૂર્તિ તને માફ કરી દેશે.એની આંતરડી ઠરશે તો એના આશિષ ફળશે તો બધુજ સારું થઈ જશે.કહેતા કોન્યાના ખભે હાથ મુક્યો.
મોં છુપાવી બેઠેલા કોન્યો મારા તરફ ફર્યો અને નાના ભાઈ રણજીતની માફક મને ભેટી પડ્યો.
મેં એને છુટા મોએ રડવા દીધો.મારો હાથ એના વાંસામાં ફરતો હતો.હું મારું કામ આટોપી ચૂપચાપ ઉભો રહ્યોં. બસ એ જે રીતે મને ભેટ્યો એ રીતે એની જનેતાને ભેટી ધ્રુસકે ધ્રુસકે રડી પડે એ માટે એક જ વાક્ય રજૂ કરવાનું હતું
જા ભઈ માઁને લઈ આવ.
મારા શબ્દો કાને પડતાં જ કોન્યાએ મુઠ્ઠીઓવાળી દોટ મૂકી.હું પણ મારું વજનદાર શરીર લઈ એની પાછળ દોડ્યો.મને વરસો પછી છુટા પડેલા માઁ-દીકરાના મિલનની ક્ષણ જોવાની અધીરાઈ મને કોન્યાની હરોળમાં દોડવામાં મદદરૂપ થઇ અને આખરે દોડનો અંત આવ્યો.કોન્યો ઝૂંપડીએ પહોંચી માઁ માઁની બૂમો પડતો લીમડે ખાટલીમાં સુતા શરદાકાકીના પગમાં જઇ પડ્યો.એના આક્રંદભર્યા વચનો ઉચ્ચારતો કોન્યો પોક મૂકીને રડતો હતો.શારદાકાકીએ કોન્યાને બેટા કહી ઉભો કર્યો ને કોન્યો માઁને ભેટી પડ્યો.માજી પણ પુત્રને રડતો જોઈ રડી પડ્યા છતાં એમના બે હાથ પ્રણામની મુદ્વામાં મારી તરફ જોડાયેલા રહ્યા.
આ અનેરી ક્ષણે મારા મુખેથી આશિષરૂપી વચનો ઝરતા હતા.મારી માઁના હાથે ઘડાયેલા રોટલા ખાવાની ઉતાવળ મને ઘર તરફ ખેંચતી હતી. છતાં પરિચિતોને ફરી મળવાની બાંહેધરી આપતો હું ધૂળ ઉડાડતો ચાલી નીકળ્યો.
સંપૂર્ણ..........