જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો
પ્રકરણ - ૬
પૂરાં ત્રણ મહિનાનાં પિયરનાં વસવાટ બાદ પોતાની સ્થૂળતામાં થોડો વધારો કરી સૂર સાથે પાછી ફરેલી સૌમ્યાનું સ્વાગત ઉઘડતા દરવાજે કામ્યાએ કરેલું. સૌમ્યા પોતાનાં ઘરમાં કામ્યાને જોઈ મૂઢ બની ગયેલી. અંદરખાનેથી એના હૈયે ઊંડો ધ્રાસ્કો પડેલો.
આખો દિવસ ઘરમાં ધુંધવાતી - અકળાતી ફરી રહેલી સૌમ્યા, કામ્યા સાથે એક શબ્દ ન બોલી હતી. ઘરમાં દરેક જગ્યાએ એને કામ્યાનો સ્પર્શ દેખાઈ રહેલો. એ ગૂંગળામણ અનુભવી રહી.
લાચાર સૌમ્યા સમજી રહેલી કે આખરે તો એને કાર્તિકની ઈચ્છા પ્રમાણેની વ્યવસ્થા સ્વીકારીને જીવવું પડશે. ગમે તેમ તોય એ એક પત્ની હતી. એમ પોતાના પતિ પર સીધો અન્ય કોઈનો હક કે ભાગ કઈ રીતે સ્વીકારી શકે ?
સાંજે કાર્તિક આવ્યો હતો. સૌમ્યાને જોઈ એણે સામાન્ય સ્મિત આપેલું. સૌમ્યા મનમાંને મનમાં સોસવાઈને રહી ગઈ. એનાં મનમાં કંઈ કેટલીય રંગીન કલ્પનાઓ હતી કે એનો રસિક પતિ એને મહિનાઓ બાદ જોતાની સાથે ભરપૂર પ્રેમથી નવડાવી દેશે ; પણ કામ્યાની હાજરીથી આવું કશું બનેલું નહીં.
કામ્યાએ સમજી-વિચારીને પોતાની પથારી દીવાનખંડમાં કરેલી. મોડી રાત્રે પતિ -પત્ની એકલા પડ્યા ત્યારે સૌમ્યા ધ્રુસકે -ધ્રુસકે રડી પડી. એની આંખો અનરાધાર વરસતી રહી. એને હકીકત સમજાઈ ચુકેલી કે એની ગેરહાજરીમાં કામ્યા એની શોક્ય બની ઘરમાં પ્રવેશી ચુકી છે.
કાર્તિક જાણતો હતો કે સૌમ્યા માટે આ ઘા કારી નીવડશે. એણે જયારે જણાવ્યું કે આ રીતની વ્યવસ્થા માટે સમ્યક સંમતિ આપી ચુક્યો છે અને એનો આ બાબતે કોઈ વિરોધ નથી, ત્યારે સૌમ્યાની મતિ તદ્દન બહેર મારી ગઈ. એણે કકળતા હ્ર્દયે કાર્તિકને પ્રશ્ન કરેલો, ' પણ કાર્તિક, મારો જરા પણ વિચાર કર્યા વગર તું કામ્યાને સ્વીકારવા શી રીતે તૈયાર થઇ ગયો ?'
' એટલા માટે સૌમ્યા કે હું પણ એને એટલો જ ચાહું છું. તું માત્ર પત્ની છે. શું કહું તને ? મને તારા જેવી બે ટાઈમ જમવા આપે અને રાત્રે ઉભડકપણે પથારી સાચવી, પત્ની તરીકેની ફરજ બજાવ્યાનો સંતોષ માને એવી સીધી-સાદી ગૃહિણી નથી ખપતી ; મારી જોડે ડિબેટિંગ કરી શકે, મને એનાં પ્રત્યે સતત આકર્ષિત રાખે એવી પ્રેયસી જોઈએ છે. હું જિંદગી જીવવા માંગુ છું, જીવી નાખવા નથી માંગતો. '
સૌમ્યાને કંઈ જ સમજાતું ન હતું કે કાર્તિક શું બોલી રહ્યો છે. કદી કલ્પના પણ ન કરી હોય એવું કાર્તિક કહી રહેલો.
કાર્તિક શ્વાસ લેવા પૂરતો થંભેલો. પછી આગળ બોલ્યો, ' શું તું એ જાણે છે કે મને પામવા માટે કામ્યાએ એનું જીવન દાવ પર લગાવી દીધું હતું ? એનું એ પગલું સરાસર ખોટું હતું, તે હું માનું છું. પણ એક વાર તારાં હૃદય પર હાથ મૂકીને, સૌમ્યા મને સાચેસાચું કહેજે કે જો હું તને ઘર-બહાર કરી દઉં તો તું મરવાનું વિચારે ? કદાચ મને કંઇક થાય, ધારી લે કે અકસ્માત થાય અને હું મરી જઉં તો તું મારી પાછળ મરી શકે ?'
સૌમ્યા આંચકો ખાઈ ગઈ. એવું શી રીતે થઇ શકે ? મરનારની પાછળ કોઈ મરતું નથી. ચાહે એ પ્રિય પાત્ર હોય, પતિ -પત્ની હોય, માતા-પિતા હોય કે ખુદનું સંતાન પણ કેમ ન હોય !
સૌમ્યાના મૌનમાંથી જવાબ કળી લેતા કાર્તિક ગંભીર સ્વરે બોલ્યો, ' હું જાણું છું કે સૌમ્યા તું એમ ન કરી શકે. તું સૂરની માતા છે. તારાં માતા-પિતાની વ્હાલી પુત્રી છે. ના સૌમ્યા, હું તારી ટીકા પણ નથી કરતો કે ન કામ્યાની પ્રશંસા કરવાનો મારો કોઈ ઈરાદો છે. પણ જે સ્ત્રી - પુત્રી, પત્ની, માતા કે બહેન એમ બધા જ રોલ સારી રીતે ભજવતી હોય એ પ્રેયસી ન બની શકે. કોઈ સ્ત્રીનું જીવનપર્યન્ત પ્રેયસી બની રહેવું જેટલું કપરું છે, એટલું જ તેનું કોઈ પુરુષને મળવું અઘરું છે. કામ્યાનો જન્મ ફકત માંરી પ્રેયસી બનવા માટે થયો છે. હા, એ વિધિની વક્રતા છે કે અમારા બંનેનો મેળાપ, બંનેયનાં લગ્ન બાદ થયો છે. પણ એથી કરીને હું મને સાપડેલું મહામૂલું સદ્દભાગ્ય ખોવા નથી ચાહતો. '
કાર્તિકની વાતનો મર્મ સમજતા સૌમ્યા સ્તબ્ધ બની ગઈ. હા, તે પ્રેયસી નહોતી બની શકતી ; પણ એથી શું એનાં પત્ની તરીકેનાં અધિકારો છીનવી લેવાના ? એ ક્યાંનો ન્યાય ? એક જ ઘરમાં કામ્યા સાથે કઈ રીતે રહી શકાય ?
પોતાનાં હથિયાર હેઠા નાંખી દેતા એ હારી ગયેલા સ્વરે બોલી, ' કામ્યા સાથે હું એક ઘરમાં નહીં રહી શકું. એ માટે બીજી કોઈ વ્યવસ્થા કર કાર્તિક. '
કાર્તિકને ક્ષણભર માટે અનુકંપા થઇ આવી પણ વાસ્તવિકતાનો ખ્યાલ આવતા બોલ્યો, ' પચીસમી તારીખ આવતા પહેલાં તો પગાર પૂરો થઇ જાય છે, એમાં બે ઘર કેવી રીતે ચલાવવા એ તું મને સમજાવી શકીશ ?'
દિવસો સર્યે જતા હતા. સૌમ્યા અંદરોઅંદર સોસવાતી જતી હતી. કાર્તિક અને કામ્યાની દુનિયામાં આમ જુઓ તો એનું કોઈ સ્થાન ન હતું. અલબત્ત, એ બન્ને એને હડસેલતા નહોતાં કે તુચ્છકારતા નહોતાં. એમનો વર્તાવ સામાન્ય હતો. પણ સૌમ્યાને એ વાતનો પળેપળ અહેસાસ થતો રહેતો કે એનું સ્થાન આ ઘરમાં ધણિયાણી તરીકેનું નથી રહ્યું. કામ્યા જેવી રૂપરમણી પ્રેયસીરૂપે મળ્યાં બાદ એનાં પતિને એનો કોઈ ખપ નહોતો રહ્યો. એને લાગી રહેલું કે સ્ટોરરૂમમાં પડી રહેલા વધારાના સમાન જેવી એની હાલત છે.
અત્યાર સુધી એ પોતાના સામાન્ય પરિવાર અને અભ્યાસ માટે માત્ર લઘુતાગ્રંથિ અનુભવતી પણ હવે તો એને તિરસ્કાર આવી ગયેલો. એ વિચારતી કે, કાશ.. એ પગભર યુવતી હોત અથવા તો એનાં મા-બાપ પહોંચતા - પામતા હોત તો એ આ ઘર છોડી હિંમતપૂર્વક ચાલી જાત. કમ સે કમ આવું સહેવાય નહીં એવું લાચારીભર્યું જીવન તો ન જીવવું પડત !
એક સાંજે એ ઘરે એકલી હતી. કામ્યા અને કાર્તિક બહાર ગયા હતા. ફ્લેટની ડોરબેલ રણકી ઉઠેલી. એણે દરવાજો ખોલ્યો. સમક્ષ ઉભેલી વ્યક્તિને જોઈ તત્ક્ષણ એ કશું બોલી શકી ન હતી. એની સામે સમ્યક ઉભો હતો. એ સમભાવે સૌમ્યાને જોઈ રહેલો.
કહે છે કે દરેક અંધારી રાત પછી નવી ઉઘડતી સવાર હોય છે. શું એ સૌમ્યાના જીવન માટે લાગુ પડે એમ હતું ખરું ?
ક્રમશ :
પ્રકરણ – ૭ની …. રાહ જોશો.