Khel - 29 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | ખેલ : પ્રકરણ-29

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ખેલ : પ્રકરણ-29

બોરીવલી આર.ટી.ઓ. ચેક પોસ્ટથી થોડેક આગળ ટર્ન લઈને આદિત્યએ મોન તોડ્યું.

"પૃથ્વી, જરા ટોમને ફોન લગાવી જો ક્યાં છે એ અને ક્યાં છે રાજીવ દીક્ષિત?"

પૃથ્વીએ ટોમને ફોન લગાવ્યો. તરત જ ટોમે ફોન લીધો.

"ટોમ ક્યાં છે તું?"

"અરે હું અહી એક વાર નાસ્તો અને બે વાર ચા પી ચુક્યો છું. કંટાળ્યો છું હવે.”

“અરે પણ અમે આવી ગયા છીએ.” પૃથ્વીએ હસીને કહ્યું.

“ઓકે, હું રાજીવ દીક્ષિતના ઘરની આસપાસ છું, એડ્રેસ મુકું છું એસ.એમ.એસ.થી જલ્દી આવી જાઓ."

"ઓકે......." કહી પૃથ્વીએ ફોન મુક્યો. થોડીવારમાં અદિત્યના મોબાઈલમાં એસ.એમ.એસ. ટોન વાગી. એસ.એમ.એસ. જોવા અદિત્યએ ગાડી ઉભી રાખી. એડ્રેસ જોઇને રાજીવ દીક્ષિતના ઘર તરફ તરત જ રવાના થયા.

*

નવાગાવથી આગળ દેવકી નગર પાસે ગાડી પુલ ઓફ કરી આદિત્ય, પૃથ્વી અને રુદ્રસિંહ ઉતર્યા. ટોમ ત્યાં એ લોકોની રાહ જોતો જ ઉભો હતો. ટોમ બધાને થોડેક આગળ પગપાળા લઈ ગયો.

"પેલું સામે રહ્યું એ જ ઘર છે સર." ટોમે એક મોટા ઘર તરફ ઈશારો કરી કહ્યું.

"ઠીક છે." અદિત્યએ કહ્યું અને રાજીવ દીક્ષિતના ઘર તરફ ચાલવા લાગ્યા.

વકીલને ત્યાં જવાનું હતું એટલે આદિત્યએ પહેલેથી જ ઇન્કમટેક્સ અધિકારીનું આઈ.ડી. રુદ્રસિહને આપ્યું હતું. રાજીવ દિક્ષિતના ઘરના ગેટ પાસે પહોંચ્યા એટલે કાળી સફારી જેવા ડ્રેસવાળો અને હાથમાં દંડો લઈને પ્લાસ્ટિક ચેરમાં દરવાજાની પાસેની ઓરડી આગળ બેઠો ચોકિયાત દોડી આવ્યો.

“કોન હો આપ લોગ?” હાથમાં રાખેલો દંડો દરવાજે ખખડાવી એ બોલ્યો.

“યે દેખલો....” કહી રુદ્રસિહે કશુંક હિન્દીમાં અને અગ્રેજીમાં લખેલું ફેક આઈડી બતાવ્યું.

“ઠીક હે સાબજી.....” સલામ કરીને ઓફિસર જેવા લાગતા રુદ્રસિહને એણે પરવાનગી આપી દરવાજો ખોલ્યો. બધા અંદર દાખલ થયા.

ગાર્ડનમાંથી પસાર થઈ દરવાજે બધા પહોંચ્યા. અદિત્યએ દરવાજે લગાવેલી ડોર બેલની સ્વીચ ઉપરા ઉપર બે વાર દબાવી લીધી અને બધા તરફ એક નજર કરી. એ નજર હતી કશુંક તૈયાર છો? એવું બોલ્યા વગર જ પૂછવા માટે. બધાએ હકારમાં માથું નમાવ્યું.

થોડીવારે દરવાજો ખુલ્યો. દરવાજો ખુલતા જ અદિત્યએ કહ્યું, "ગુડ ઇવનિંગ વકીલ સાહેબ.."

ઘડીભર સફેદ જભ્ભા લેઘામાં હાથમાં ચશ્માં લઈને આવેલો રાજીવ દિક્ષિત બધાના ચહેરા સામે તાકી રહ્યો. પણ કાઈ ઓળખાણ ન પડી. એક માત્ર ટોમને તેણે ઓળખ્યો.

"ટોમ આ બધું શુ છે? કોણ છે આ બધા? તું... તું અહીં કેમ આવ્યો?" રાજીવ દીક્ષિતે ચશ્મા ચડાવતા ગભરાયેલા અવાજે પૂછ્યું.

"સર આ બધા સી.બી.આઈ. એજન્ટ છે." ટોમે ગપ્પુ ફેંકી રાજીવ દીક્ષિતને ઓર ગભરાવ્યો.

"સી.બી.આઈ? મારા ઘરે કેમ?" સ્વસ્થ થવાનો નકામો પ્રયત્ન કરતા એ બોલ્યો ખરા પણ તેની આંખો અને ચહેરા ઉપર ચોખ્ખી બીક દેખાઈ એટલે આદિત્યએ ધાર્યું બાણ વાગ્યાના આનંદમાં હસીને કહ્યું.

"એ બધું ઘરમાં આરામથી સમજાવું છું તમને મી. રાજીવ, જરા અંદર આવવા દેશો કે કઈ છુપાવેલ છે અંદર?" અદિત્યએ કહ્યું એ સાથે જ રાજીવ દીક્ષિત ખસી ગયો.

"હ.... આવો અંદર આવો, હું ચા બનાવી લાવું...."

"ચા મા હાઇડ્રો સિયાનીક એસિડ નાખવાનો ઈરાદો તો નથી ને મી... રાજીવ દી... ક્ષી....ત....." અદિત્યએ શબ્દો ઉપર વજન આપી રાજીવ દીક્ષિત તરફ ફેંક્યા ત્યાં રાજીવ દીક્ષિતના પગમાં જાણે એ શબ્દો સાંકળ બનીને બંધાઈ ગયા હોય એમ અટકી ગયા.

"મી. તમે....."

"મી. આદિત્ય." ફોયરના સોફા ઉપર જાણે અહી સો વાર આવેલ હોય તેમ બેઠક લેતા એ બોલ્યા. બોલતી વખતે રાજીવ તરફ નજર પણ કરી નહિ.

"હા મી. આદિત્ય તમે મજાક તો નથી જ કરતા જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી... ખરું ને?" રાજીવે કહ્યું અને સ્વસ્થ છું એમ બતાવવા બાકીના લોકોને હસીને કહ્યું, “અરે તમે બેસોને બધા.... ટોમ દીકરા તું પણ બેસ..” કહી એ કિચન તરફ ગયો.

"ગુનેહગાર સાથે હું મજાક કરતો જ નથી દીક્ષિત સાહેબ." અદિત્યએ ફરી તિર ફેંક્યું.

રાજીવ દીક્ષિત હવે ચોક્કસ કઈક વાત છે એ સમજી ગયો હોય એમ આવીને આદિત્ય સામે ગોઠવાઈ ગયો, "ગોળ ગોળ વાત કરવાનો શુ મતલબ મી. આદિત્ય? સાફ સાફ બોલોને..."

"સાફ સાફ કહું તો બસ ખાસ કઇ કામ નથી, માત્ર અર્જુન ક્યાં છે એટલું જ જાણવું છે."

"કોણ અર્જુન?"

અદિત્યએ એને જવાબ આપવાને બદલે પૃથ્વી અને રુદ્રસિંહ સામે નજર કરી અને તે સાથે જ બંનેએ પોતાની ગન નીકાળી.

"મી. દીક્ષિત આ મારા માણસો બહેરા છે, ગોળીનો અવાજ પણ એમને સંભળાતો નથી. મારી કે તમારી ચીસ પણ નહીં જ સાંભળે મને ખાતરી છે."

"વોટ ધ હેલ ઇઝ ધીસ? આ શું બદતમીજી છે મી.? હું ઈજ્જતદાર આદમી છું કોઈ ચોર ડકેતિ નહિ." રોષે ભરાઈને રાજીવ દીક્ષિત ઉભો થયો કે તરત પૃથ્વીએ ગનને સાયલન્સર લગાવવા માંડ્યું.

રાજીવ દીક્ષિતે પૃથ્વીના ચહેરા અને સાયલન્સર લાગેવલ ગન તરફ જોયું, પછી દાંત કચકચાવીને આદિત્ય તરફ જોઈ કહ્યું, "તમે ચાહો છો શુ? મને ડરાવો છો?"

અદિત્યએ હેટ ઉતારી બાજુ પર મૂકી. "મી. દીક્ષિત તમે અહીં નહિ બોલો, ખેર ચલો ચોકીયાતના કેબિનમાં ફોન લગાવો અને એને રજા આપો."

એ ચુપચાપ થોડીવાર આદિત્યની અરધી સફેદ દાઢી મૂછ અને લાલ આંખો તરફ જોઈ રહ્યો.. પૃથ્વીએ ગનની સેફટી કેચ હટાવી એનો અવાજ સાંભળી તેના હોઠ આપમેળે બોલી ઉઠ્યા, "એક.... એક મિનિટ.... કરું છું ફોન.... કરું છું...."

તેણે ટેબલ નજીક જઈ રીસીવર ઉઠાવી ચોકીયાતની કેબિનમાં ફોન લગાવ્યો એને રજા આપી ઘરે જવા કહ્યું. ફરી આવીને આદિત્ય જોડે આવીને પકડાયેલા ગુનેગારની જેમ માથું જુકાવીને ઉભો રહ્યો.

“રાજીવ મને લાગે છે તારો ખેલ આ માણસે બગાડ્યો છે..” આદિત્ય ઉભા થયા અને મોબાઈલમાં એક ફોટો ખોલીને રાજીવ સામે સ્ક્રીન કરી.

રાજીવ દિક્ષિતે એ ફોટો જોયો અને તેની આંખો પહોળી થઇ, તેના જડબા તંગ થયા.

“વોટ એ પ્લાન! એકસલેન્ટ રાજીવ, પણ તારા નસીબ ખરાબ હતા. આ જે ફોટોમાં તારો માણસ દેખાય છે તે એક છોકરીના હાથે માર્યો ગયો છે. કોણ છોકરી તે નામ આપવાની જરૂર તો નહિ જ હોય ને?” આદિત્ય થોડા હસ્યા.

પૃથ્વી અને રુદ્રસિહને પણ હવે જ સમજાયું હતું. તે બંનેએ રાજીવનો ચહેરો જોયો તે કશું બોલ્યો નહિ પણ તેના ચહેરાના ભાવ બધું સ્પસ્ટ કહેતા હતા કે અર્જુનને તેણે જ પકડ્યો છે અને શ્રીને મારવા કે પકડવા તેણે જ માણસ મુક્યો હશે.

"પૃથ્વી ચલો હવે કામ ઉપર લાગી જાઓ.” અદિત્યએ કહ્યું અને પૃથ્વીએ ઉભા થઈને રાજીવ દીક્ષિતની કમર ઉપર ગનની અણી દબાવી.

ગનની અણીએ રાજીવ દીક્ષિત આદિત્યની પાછળ ચાલવા લાગ્યો. બહાર આવી જ્યાં ગાડી હતી ત્યાં પહોંચી બધા ગાડીમાં ગોઠવાયા.

"રાજીવ હવે તારે જીવવું હોય તો રસ્તો બતાવ, અર્જુનને જ્યાં રાખ્યો છે એ જગ્યાએ ગાડીને દોરી જવાની છે."

હવે રાજીવ દીક્ષિત જોડે કોઈ રસ્તો બચ્યો નહોતો. એણે ગાડી ભીવંડી (ભીમંડી) તરફ લેવરાવી. લગભગ કલાક ગાડી ચાલી પછી હાઇવે ઉપર એક ફાર્મ હાઉસ આગળ ગાડી રોકાવી.

"કેટલા માણસો છે અંદર?" ગાડીને બ્રેક કરતા જ આદિત્યએ પૂછ્યું.

"બે...." રાજીવ દીક્ષિતે મંદ અવાજે કહ્યું.

“તો તારી પાસે માત્ર ત્રણ માણસો જ હતા. એમાંથી એક કે બે અર્જુન પાછળ લગાવ્યા તેને ઉઠાવ્યો અને એ બંનેને અહી રાખ્યા. શ્રીને પકડવા તે તાજો જ જેલમાંથી છૂટેલો માણસ રોક્યો...” આદિત્યએ તેને હળવો ધક્કો માર્યો. તે થોડો લથડ્યો એટલે તેને બાવડેથી પકડ્યો. તે મનમાં દાંત ભીંસીને બધાને ગાળો દેતો રહ્યો પણ હવે કશું ચાલે તેમ ન હતું.

રાજીવ દીક્ષિતને આગળ કરીને બધા અંદર ગયા. વ્રુક્ષોની હારમાળ વચ્ચે ડ્રાઈવ વે પર ખાસ્સું ચાલ્યા પછી એક મકાન હતું. મકાનની આગળ જ ટેબલ ઉપર ચંદુ અને શકીલ પત્તા રમતા હતા. એમણે રાજીવ દિક્ષિતને અને સાથે આવેલા માણસોને જોયા.

અદિત્યએ રાજીવ દીક્ષિતના લમણા ઉપર ગન મૂકી, એ સાથે જ પેલા પત્તા રમતા અનુભવી માણસોએ ટેબલ ઉપર ગન મૂકી હાથ ઊંચા કરી લીધા.

"રુદ્ર બાંધી નાખો બધાને..... અર્જુનની જેમ જ."

રુદ્રસિંહ અને ટોમે ચંદુ અને શકીલના હાથ પગ બાંધી લીધા અને ટોમ ગન સાથે એ બંને ઉપર નજર રહે તેમ નજીક એક ખુરશી ખેંચીને ગોઠવાઈ ગયો. રુદ્રસિંહ, પૃથ્વી, આદિત્ય અને રાજીવ દીક્ષિત અંદર દાખલ થયા. રાજીવ દીક્ષિતે એક રૂમનો દરવાજો ખોલ્યો અને ભયાનક દ્રશ્ય છતું થયું. જો શ્રી સાથે હોત તો દ્રશ્ય જોતા જ એ બેહોશ થઈ જાય તેમાં બેમત ન હતા.

બંને હાથ અને પગ બાંધેલો અર્જુન લોહી લુહાણ હાલતમાં ખુરશીમાં બાંધેલો પડ્યો હતો. લાઈટની સ્વીચ દબાવતા જ અર્જુનના લોહી ખરડાયેલા કપડાં દ્રશ્યને વધુ ભયાનક બનાવવા લાગ્યા. આદિત્યએ અર્જુનના પગ જોયા, એક એક આંગળી હથોડીથી કચડી નાખવામાં આવી હતી. એની આંખો ઉપર સોજા હતા, ગરદન, લમણા અને કપાળ ઉપર બ્લેડના ચિરા મારેલ હતા. રાજીવ દિક્ષિતની ક્રુરતા અર્જુનને જોતા જ દેખાઈ આવી. બહાર રાજીવ દિક્ષિતની મજાક ઉડાવતો પૃથ્વી થથરી ઉઠ્યો, આ માણસ જોડે એકલા હોવ તો શું હાલત થાય? એ પ્રશ્ન એના મનને ખળભળાવી ગયો.!

પૃથ્વીએ લાત ઠોકીને રાજીવ દીક્ષિતને બેવડો વાળી દીધો. એની ગરદન દબોચીને એના માથા ઉપર ત્રણ ચાર મુક્કા લગાવી દીધા. રુદ્રસિંહે પણ રાજીવ દીક્ષિતના ચહેરા ઉપર હથોડા જેવા હાથના ત્રણ ચાર મુક્કા લગાવી દીધા. એક જ મિનિટમાં રાજીવ દીક્ષિત લોહી લુહાણ થઈ ગયો. એની આંખો સોજાઈ આવી, એના હોઠ ચિરાઈ દડદડ કરતું લોહી વહેવા લાગ્યું.

"રુદ્ર, પૃથ્વી બસ કરો...... અર્જુનને હોસ્પિટલ લઈ જવો પડશે તત્કાળ..." અદિત્યએ કહ્યું ત્યારે રુદ્રસિંહ અને પૃથ્વીનો આવેગ થોડો શાંત થયો.

અદિત્યએ અર્જુનના હાથ પગ ખોલ્યા એવો તરત છાતી ઉપર ઢળી પડ્યો.

"સ... શ્રી..... શ્રી....." ફાટેલા હોઠમાંથી અર્જુન બસ એટલું જ બોલી શક્યો. તેના મગજના કોઈ તંતુ કોઈ કોષ કામ કરી શકે તેવી તેની હાલત ન હતી. બટ લવ ઈઝ બ્લાઈંડ ! આ હાલતમાં તેને શ્રી યાદ હતી એ જોઇને જ પૃથ્વી તો સ્તબ્ધ થઈ ગયો. તેના હાથ પગ અને ચહેરાની હાલત જોતા એ આટલો સમય કેમ જીવી શક્યો એ પ્રશ્ન ઉભો થવા લાગ્યો.

“શ્રી..... સ...રી.....” તે ફરી બબડ્યો. તેના ડોળા આંખોમાં ઉપર ચડી ગયા હતા. કાઈ પણ સ્પસ્ટ શબ્દો એ બોલી ન શક્યો. પણ સ...રી.... પરથી એ શ્રી કહેવા માંગે છે તે આદિત્યને સમજાયું.

"શ્રી સેફ છે, તું પણ હવે સેફ છે, રાજીવ દીક્ષિત પકડાઈ ગયો છે હવે હાલત કાબુમાં છે, ડોન્ટ વરી અર્જુન....." અદિત્યએ તેની પીઠ ઉપર હાથ મુક્યો અને કઈક એવા વ્હાલથી કહ્યું જેથી તેને રાહત થાય. માણસને કાબુમાં લાવવાના કેટલાક મનો વિજ્ઞાનિક તરીકાઓ હોય છે. તેમાં સહાનુભૂતિ અને બધું જ બરાબર થઇ ગયું છે એ કહીને માણસને શાંત કરવો એ સૌથી સફળ તરકીબ છે.

આદિત્યએ તેને એમ જ પકડી રાખી પૃથ્વી તરફ જોઈ ઈશારો કર્યો. પૃથ્વીએ અર્જુનને ઊંચકીને બેડ ઉપર સુવડાવ્યો. તેનો એક હાથ પણ ભાગી નાખ્યો હતો, જેમાં પારાવાર વેદના થતી હતી.

પૃથ્વી અને રુદ્રસિંહ જેવા માણસોના પણ રુવાડા ઉભા થઇ જાય એવું દ્રશ્ય હતું. કમકમાટી ભર્યા દ્રશ્ય જો શ્રી દેખે તો કદાચ એને હૃદયનો હુમલો થઈ આવે કે મગજમાં સુળ ઉપડી એ પાગલ થઈ જાય. અર્જુને કેટલુ સહન કર્યું એની કોઈ સીમા નહોતી. ફિલ્મોમાં જોયેલા દ્રશ્ય અને હકીકતમાં આંખ સામે લોહી લુહાણ અર્જુન બેમાં ઘણો ફેર હતો. પૃથ્વીને થઈ આવ્યું છ એ છ બુલેટ રાજીવ દીક્ષિતના માથામાં ઉતારી દે.

"પૃથ્વી તું અને ટોમ અહીં રોકાવ આ લોકો ઉપર નજર રાખજો. હું અને રુદ્ર અર્જુનને હોસ્પિટલ લઈ જઈએ."

"હું ત્યાં સુધી આ બધાની ખાતીરદારી કરું છું." પૃથ્વીએ રાજીવ સામે જોઈ કહ્યું, કોલરથી એને પકડી પેલી ખુરશીમાં એને બેસાડ્યો. મા બહેનની ગાળો દેતો પૃથ્વી રાજીવ દીક્ષિતને ખુરશીમાં બાંધવા લાગ્યો. વચ્ચે વચ્ચે અર્જુન તરફ જોઈ લેતા એના હાથ અનિચ્છાએ રાજીવ દીક્ષિતના ગાલ ઉપર સ્પર્શી લેતા હતા.

આદિત્યને થયું પૃથ્વી જો રાજીવને વધારે મારશે તો એ અહીં જ મરી જશે. ક્રુર માણસો શારીરિક રીતે નબળા હોય છે એ વાત તેમણે અનુભવથી શીખી હતી.

"પૃથ્વી રાજીવ દીક્ષિત જીવતો રહેવો જોઈએ... હજુ ખેલ પૂરો નથી થયો." અદિત્યએ પૃથ્વીને હાથથી પકડીને જોરથી કહ્યું.

"હા પૃથ્વી અર્જુન હોશમાં ન આવે ત્યાં સુધી એની જરૂર પડશે." રુદ્રસિંહે પણ ટેકો આપ્યો, "જોશથી નહિ ઠંડા મનથી કામ લેજે...."

પૃથ્વીએ ડોકું હલાવ્યું. અદિત્યએ અર્જુનને ઊંચકી લીધો, રુદ્રસિંહ બહાર ગાડી લેવા દોડી ગયા. ટોમ ચંદુ અને શકીલને અંદરના રૂમમાં જ્યાં રાજીવ દીક્ષિતે બાંધી રાખ્યો હતો ત્યાં લઈ ગયો.

તરત જ રુદ્રસિંહ બહારથી ગાડી અંદર લઈ આવ્યા, અર્જુનને ગાડીમાં સુવડાવી બંને હોસ્પિટલ માટે રવાના થઈ ગયા.

*

મનુંએ ફોન ઉપર બીજી તરફની બધી વિગતો મેળવી લીધી. હવે એક છેલ્લો ખેલ ખેલવાનો બાકી હતો પણ હજુ સુધી એના ફોન ઉપર કોઈ ફોન આવ્યો નહોતો.

એ થોડોક નર્વસ બન્યો. લમણે હાથ મૂકી ટેબલની કિનાર ઉપર બીજા હાથની આંગળીઓ ફેરવતો કઈક વિચારવા લાગ્યો. આજે વર્દીમાં તે ઓર વધારે શોભતો હતો. પણ તેના હસતા ચહેરા ઉપર આજે થોડી નર્વસનેસ તરી આવી હતી.

તેણે પોતાના સ્પાઈસી હેરમાં હાથ ફર્વ્યો અને એકવાર ફરી ઉભા થઇ ચાર્જ કરવા મુકેલ મોબાઈલમાં નજર કરી પણ કોઈ ફોન આવેલો નહોતો.

હજુ સુધી ડી.એસ.પી. કે બલભદ્રનો ફોન કેમ ન આવ્યો? વેલજી સાથે કરેલું નાટક ફેઈલ તો નહીં ગયું હોય ને?

મનુને ચિંતા થવા લાગી. ના ના ફેઈલ ન થાય. મેં બરાબર પ્લાનીંગ કર્યું હતું. હોટેલમાં વેલજી સાથે કરેલી ડિલ બરાબર વાસ્તવિક જ હતી. એ પછી મેં વેલજીના માણસોને સોંપી ત્યારે પણ પેલી રેડ ગાડી ત્યાં હતી. એ લોકોએ આ ડિલ સાચી જ માની હશે.

બેબાકળા થઈ મનુંએ ટેબલ ફરતે બે ત્રણ ચક્કર લગાવી દીધા. એ સામેથી ફોન કરીને ડિલ કરવા માંગતો નહોતો. આ બાબતે ધીરજ ધરવી મુશ્કેલ હોય છે પણ એ તેટલી જ જરૂરી હોય છે. ધીરજ વગરનો માણસ પોલીસમાં કે અન્ડરવર્લ્ડમાં એક દિવસેય ટકી ન શકે. દસેક મિનિટ ચક્કર લગાવ્યા પછી મનુનો ફોન રણકી ઉઠ્યો.

તરત મોબાઈલ હાથમાં લઈ ફોન ઉઠાવવા બટન ઉપર હાથ મુક્યો. ના ના એમ પહેલી જ રિંગ સાથે ફોન કોઈ અર્ધી રાત્રે ન ઉઠાવે. મનુએ ઠંડા દિમાગથી કામ લીધું, રિંગ વાગવા દીધી પણ ફોન ઉઠાવ્યો નહિ. ફરી એકાએક શાંતિ છવાઈ ગઈ. બહારથી કુતરાનો ભસવાનો અવાજ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. ફરી મોબાઈલ ધ્રુજયો અને રિંગ વાગી.

બે ત્રણ રિંગ વાગી એ પછી મનુએ ફોન લીધો.

"ઇન્સ્પેકટર મનું હિયર....." ઠંડા અવાજે મનુએ કહ્યું.

"ભાગવત બોલું છું મી. મનું."

"ઓહ મી. ભાગવત! બોલો સાહેબ હવે શું થયું?" જાણે પોતે સાચોસાચ ઊંઘમાંથી ઉઠ્યો હોય તેમ બગાસાં ખાતા એણે ઘડિયાળમાં જોયું. એ પણ એક મનોવૈજ્ઞાનિક તરીકો જ હતો. માણસ જયારે કોઈ પણ ભાવ લાવવા માંગતો હોય ત્યારે તેને એ મુજબ અભિનય કરવો પડે જેથી અવાજમાં એ મુજબ રણકો આવે.

"એક ડિલ કરવી છે." થોડા ખચકાટ સાથે ભાગવત બોલ્યો એ સમજતા મનુને વાર ન લાગી.

"કેવી ડિલ?" તેણે અજાણ્યા બની પૂછ્યું.

"મી. મનું તમને ખબર જ છે હું શાની વાત કરું છું, દેખો તમારે હવે વધારે દિવસ એ બોઝ સાચવવાની જરૂર નથી. મો માંગી રકમ મળશે તમને."

"હું તો વિસ લાખ માંગીશ."

"વિ.....સ..... લા.....ખ.... ?" ડી.એસ પી. જાણતો હતો કે શ્રીના બદલે વિસ લાખ કઈ મોંઘા નથી પણ મનુને શક ન જાય એ માટે એણે પણ એક્ટિંગ કરી. પણ તેનીં કોઈ અસર મનુ પર થઇ નહિ કારણ બે એક જેવા ખેલાડી ડીલ કરે ત્યારે બંને તરફથી અભિનય પૂરતા જ કરાય છે. આમ પણ અર્જુન હાથમાં તેવી કોઈ શક્યતા ભાગવતને કે બલભદ્રને લાગતી ન હતી. શ્રી એક જ મદાર હતો.

"હા સાહેબ, છોકરી છે કોઈ ઇલીગલ વસ્તુ, દારૂની ટ્રક કે માલ સામાન નથી. જેવો માલ એવો ભાવ." મનુએ એક અચ્છા દલાલની માફક ટોન વાપર્યો.

"ઠીક છે પંદરમાં ડન..." ડી.એસ.પી.એ બારગેનિંગ ચાલુ કર્યું.

એ વાત પર મનુ કાઈ બોલ્યો નહિ. એ ઉભો થયો બારી પાસે જઈને બહારનું વાતાવરણ જોયું. અંધારઘોર રાત્રે બહાર કુતરા ભસતા હતા. મનુ એ બધું જોવા ઉભો નહોતો થયો પણ એ જવાબ ન આપે તો ભાગવત ગીન્નાસે એ માટે જ એણે એમ કર્યું.

“આર યુ ધેર મી. મનુ?” ધાર્યા મુજબ જ ભાગવતે બે વાર મોટેથી પૂછ્યું, “મી. મનુ......”

"ઓગણીસ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું પણ નહીં ચાલે..... મારી ડિલ મારો ભાવ, છે મંજુર તો ડન કરો બાકી સોદો કરવા કોઈ બીજી પાર્ટી પણ હશે જ વહેલા મોડા મળી જશે." મનુએ પાક્કા દલાલની ભાષા પકડી લીધી હતી જેમાં થોડો ગુસ્સો કે અણગમો બખૂબી ભેળવ્યો.

"ઓકે ઓકે કુલ ડાઉન, ડન એકાઉન્ટ નંબર એસ.એમ.એસ. કરો પચાસ ટકા પૈસા ખાતામાં આવી જાય પછી એડ્રેસ એસ.એમ એસ. કરજો સોદો કાલે રાત્રે થઈ જશે. અર્ધા પૈસા હમણાં જ મળી જશે. ઈઝ ઈટ ક્લીયર નાઉ?"

"ઓકે. ગુડ નાઈટ કમસેકમ આજે શાંતિથી ઊંઘજો સાહેબ સ્વીટ ડ્રિમ્સ." મનુએ હસીને ફોન કટ કરી દીધો. સકસેસ એટીટ્યુડ સાથે એ ખુરશીમાં ગોઠવાયો. વેલજીને જે એકાઉન્ટ નંબર આપ્યો હતો એ જ એકાઉન્ટ નંબર એસ.એમ.એસ.માં ભાગવતને મોકલી તેણે આરામથી ચેરમાં ટેકો લીધો. સૂઝવાળા પગ પાસેના સ્ટુલ ઉપર મુકીને લંબાવ્યા. ફરી તેના સ્પાઈસી વાળમાં હાથ ફેરવ્યો અને વિજયી સ્મિત તેના ચહેરા પર ફરી વળ્યું.

એ તેની આદત હતી, સ્ટાઈલ હતી. એ સિગ્નેચર સ્ટાઈલ...!!

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky