Khel - 24 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | ખેલ : પ્રકરણ-24

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ખેલ : પ્રકરણ-24

પૃથ્વી, શ્રી અને રુદ્રસિંહ એજન્ટ-એની રાહ જોતા એક ફોયરમાં બેઠા હતા. લગભગ એકાદ કલાક રાહ જોયા પછી રુદ્રસિંહે અકળાઈને પૂછ્યું, "પૃથ્વી આ બધું શુ છે? આ બધા એજન્ટ કોણ છે અને આ જગ્યા?"

પૃથ્વીએ એમની સામે જોઇને સ્મિત વેર્યું. રુદ્રસિહને એજન્ટ જોઇને ખ્યાલ આવવો જોઈએ કે આ બધું આદિત્યનું કામ હશે પણ જે વ્યક્તિને પોતાની આંખ સામે વિસ્ફોટમાં મરતા જોયો હોય તે માણસ વર્ષો પછી ભૂતની જેમ સામે આવે તેવી કલ્પના પણ કોણ કરી શકે?

"અંકલ કહ્યુંને સરપ્રાઈઝ છે, કિપ કવાઈટ, વેઇટ એન્ડ વોચ."

"પણ આ અન્ડરગ્રાઉન્ડ સેફ હાઉસ છે કોનું? ફાર્મ હાઉસ ઉપર આ બધું ચાલે છે અને કોઈને હજુ ખબર નથી? સરકારને પોલીસને કોઈને નહિ? અહી કોમ્પ્યુટર લેબ છે, હેકર છે, એટલા હથિયાર છે, એટલા માણસો છે.. આ બધું જ?"

"અંકલ જી અહીં એવું કઈ ઇલીગલ કામ તો થતું નથી ને? તો ગવર્નમેન્ટ શુ કરી શકે? અને આમ પણ આ ફાર્મ હાઉસમાં શુ ચાલે છે કોણ અહીં છે એ કોઈને ખબર નથી. દૂર દૂર સુધીના ફાર્મ ખરીદી લીધા છે એજન્ટે."

"અરે પણ આ એજન્ટ છે કોણ?" રુદ્રસિહે એકનો એક સવાલ ફરી કર્યો પણ આ વખતે પૃથ્વીએ આગળ કઈ બોલવાની જરૂર ન પડી. દરવાજે એજન્ટ એ આવી ગયા હતા.

"અંકલ જી ખુદ જોઈ લો આ રહ્યા એજન્ટ." પૃથ્વીએ દરવાજા તરફ ઈશારો કર્યો.

રુદ્રસિંહે દરવાજા તરફ જોયું. લોન્ગ કોટ અને હેટમાં એક અરધી સફેદ દાઢી મૂછવાળો માણસ ઉભો હતો. રુદ્રસિંહ એને જોઈ રહ્યા. એ જ જાણીતો ચહેરો બસ થોડો ઘરડો, સમય સાથે ઘસાઇ ગયેલો. રુદ્રસિંહ સફાળા ઉભા થઇ ગયા. હોઠ ફફડાવ્યા પણ જીભ જાણે જાડી થઇ ગઈ હોય તેમ કાઈ શબ્દો નીકળ્યા નહિ. બારેક વર્ષ પહેલાની એ જીવંત મૂર્તિ... એ જ આદિત્ય આમ એક દાયકા પછી સામે આવીને ઉભો રહે તે શક્ય ન હતું.

"આદિત્ય..... આદિ તું......?" કહેતા એ એજન્ટ તરફ ધસ્યા.

"રુદ્ર..... હું આદિત્ય જ છું, અને હું જીવતો છું, તારી સામે કોઈ સપનું નથી....." એક હાથમાં હેટ લઈને બે હાથ ફેલાવીને આદિત્યએ સ્મિત વેર્યું.

"આદિ....." રુદ્રસિંહની આંખમાંથી આંસુ સરી પડ્યા, એક દાયકાથી જે મિત્રના મોત માટે પોતાની જાતને સજા આપતા હતા એ મિત્ર સામે ઉભો હતો.

"દૂર ઉભો રહીશ કે ગળે લગાવીશ?" હસીને મી. આદિત્યએ કહ્યું, "પેલી છોકરી માટે કઈક કરવાનું છે જો આપણું ભરત મિલાપ પૂરું થાય તો...."

"આદિ...." કહી રુદ્રસિંહ એ તરફ ધસ્યા. એ દ્રશ્ય અદભુત હતું. રુદ્રસિહના પગ લથડવા લાગ્યા. નાનું બાળક રડ્યા પછી જે રીતે ડગમગાતા પગે મા તરફ દોટ મુકે તે રીતે જ તદ્દન તે રીતે જ બાળકની જેમ રડતા રડતા લથડતા પગે વિશાળ હોલના એક છેડેથી બીજા દરવાજા તરફ રુદ્રસિહ દોડયા.

પૃથ્વી અને આદિત્ય બંને તે જોઈ રહ્યા. શ્રીએ રુદ્રસિહના ઘરમાં આદિત્યના ફોટા ઉપર ફૂલોનો હાર જોયો હતો તેથી તેને પણ આ બધું કઈ રીતે શક્ય થયું તે સમજાયું નહિ.

જેમ જેમ રુદ્રસિહ નજીક આવતા ગયા તેમ તેમ આદિત્યની મક્કમતા પીગળવા લાગી. આંસુઓ વહેવા લાગ્યા. અને બે ડગલા આગળ ભરીને જીગરજાન રુદ્રને ઉઠાવી લીધા.

“રુદ્ર તું ડોશો થઇ ગયો લાગે છે.” બાથમાં ભીડીને આદિત્યએ એક હાથે આંસુ લૂછતાં કહ્યું પણ આવજમાં હાસ્ય સાથે રુદન સ્પસ્ટ વરતાયું.

“આદિ.... આમ એક દાયકા પછી તું મને....” રુદ્રસિહને બોલવામાં તકલીફ પડવા લાગી. બાળકની જેમ મોઢામાંથી લાળ પડવા લાગી. છાતીમાં હાંફ ભરાઈ. ચશ્માં ઉપર ગરમ આંસુથી દ્રશ્ય ધૂંધળું થાય તેવી વરાળ બાજી ગઈ.

પૃથ્વી એ જોતો રહ્યો. શ્રી પણ આમ આ મિત્રોને જોઇને અવાક બની જોઈ રહી. સુદામા અને કૃષ્ણના મિલન જેવું જ એ દ્રશ્ય રચાયું. તેમાં દોસ્તીની ચરમ સીમા હતા. તેના નિસ્વાર્થ પ્રેમ હતો. કૃષ્ણએ જયારે સુદામાને બાથમાં લીધો ત્યારે કદાચ રુદ્રસિહને જે સંવેદન થયા તેવા જ કોઈ ભાવ જાગ્યા હશે.

મીનીટો પછી બંને છુટા પડ્યા. રુદ્રસિહે ચશ્માં અને આંખો લુછી. ફરી એકવાર તે આદિત્યને ભેટ્યા. પૃથ્વીની આંખમાં પણ પાણી આવ્યું. શ્રી માટે આ બધું કાઈ સમજાય એવું ન હતું. એ તદ્દન કોઈ કરુણ ફિલ્મ જોતી હોય તેમ જડ બનીને જોતી રહી. એઝ ઈટ વોઝ નોટ એ મુવી.....!

પૃથ્વીએ હોલમાં નજર ફેરવી તેની નજર દીવાલે હારબંધ લગાવેલા ફોટાઓ ઉપર પડી. તે બધા શહીદ થયેલા એજન્ટ હતા તેમાંથી એક ફોટામાં જે વ્યક્તિ હતી અને તેની આસપાસ બીજા ત્રણ ફોટા હતા તેને પૃથ્વી ઓળખતો હતો.

ખાસ્સો દેખાવડો જેકેટમાં એક યુવાનનો ફોટો જોઈ પૃથ્વી તેની નજીક સર્યો તે તસ્વીરમાં અરુણ બબરીયા હતો. તેની બાજુમાં સફેદ બનીયનમાં મજબુત સ્નાયુબદ્ધ હાથોમાં મશીનગન લઈને ઉભેલા વિજયનો ફોટો હતો. તેની નીચે વિજયના બંને સાથીદારોના ફોટા હતા.

“વિજય આઈ મિસ યુ..... તું ખુબ બહાદુર હતો....” પૃથ્વીની આંખમાં ભીનાશ વળી. તેણે અગ્નિહોત્રી કેસમાં પોતાની નજરે વિજય, અરુણ અને તેના બંને સાથી એજન્ટસને શહીદ થતા જોયા હતા. તેણે ચારેય તસ્વીર ઉપર હાથ ફેરવ્યો અને દ્રશ્યો તાજા થવા લાગ્યા.

*

અર્ધાએક કલાક પછી રુદ્રસિંહ સ્વસ્થ થયા. અદિત્યએ શ્રીને પોતાની વાત કહેવા કહ્યું. શ્રીએ મુંબઈથી વડોદરા સુધીની સફર અને પછી જેલ સુધી કઈ રીતે પહોંચી, પેલા અજાણ્યા માણસનું પોતાના હાથે કઈ રીતે ખૂન થયું એ કહ્યું. પૃથ્વીએ સ્ટેશન ઉપર થયેલા હુમલાની અને ત્યાંથી અહીં સુધીની સફર કહી સંભળાવી. દરમિયાન ચાની વ્યવસ્થા થઇ.

બધી વિગત સાંભળ્યા પછી મી. આદિત્ય કપ ઉઠાવીને વિચારવા લાગ્યા. હોલમાં પીન ડ્રોપ સાઈલન્સ ફેલાઈ ગઈ. શ્રી એમની સામે જોઈ રહી.

"એજન્ટ શું લાગે છે તમને?" પૃથ્વીએ આખરે ચા પૂરી કરીને મોન તોડ્યું.

"પૃથ્વી અહીં મને આદિત્ય કહીશ તો કોઈ નહિ સાંભળે."

"ઓકે મી. આદિત્ય તો શું લાગે છે એ તો કહો હવે." પૃથ્વીએ સિગારેટ સળગાવી અને રુદ્રસિહને બોક્સ ધર્યું.

"શ્રી બલભદ્રના પૈસા ઉઠાવી લેવાનો આઈડીયા સો ટકા અર્જુનનો હતો કે તારા મનમાં પણ એવો કોઈ વિચાર હતો?" અદિત્યએ શ્રીને પૂછ્યું પણ એ સવાલ કોઈને સમજાયો નહિ.

"ના મારો એવો કોઈ ઈરાદો હતો જ નહીં, મેં બધું અર્જુન માટે કર્યું છે, એમાં હું ફસાઈ ગઈ અને એ પૈસા લઈ અર્જુન એકલો જ ચાલ્યો ગયો ક્યાંક."

"મગજ ઉપર ભાર આપીને વિચાર થોડુ, કદાચ તારા મનમાં પણ એ વિચાર આવ્યો હોય?"

"મી. આદિત્ય, મેં કહ્યુંને મને એવો કોઈ વિચાર ક્યારેય આવ્યો જ નહોતો, હા એકવાર મેં ફાઇલ હાથમાં લીધી ત્યારે થયું હતું કદાચ આ પૈસા અમારી પાસે હોય તો મારી અને અર્જુનની લાઈફ બની જાય પણ મેં એ વિચાર મનમાંથી કાઢી નાખ્યો હતો, હું બસ અર્જુન સાથે ખુશ હતી, એવા ખતરાથી હું ડરતી હતી."

આદિત્ય દાઢીમાં હાથ ફેરવતા કઈક વિચારવા લાગ્યા પછી ફરી બોલ્યા.

"નદી કિનારે તારા ઉપર હુમલો કરનાર માણસ એકલો હતો, અને સ્ટેશન ઉપર હુમલો કરનાર માણસો ત્રણથી વધારે હતા. કેમ કે ત્રણ માણસોને મનુ અને પૃથ્વીએ શૂટ કર્યા એ સિવાય ત્યાં એક ગાડી હતી જેમાં ઓછામાં ઓછો એક માણસ તો હોય જ. કદાચ વધારે હોઇ શકે પણ ઓછા નહિ."

"મતલબ?" પૃથ્વીએ પૂછ્યું.

"પૃથ્વી નદી કિનારે શ્રી ઉપર હુમલો કેટલા વાગ્યે થયો?"

"લગભગ નવ અને દસની વચ્ચે." શ્રીએ જ જવાબ આપ્યો.

"અને બીજા દિવસે રાત્રે સ્ટેશન ઉપર હુમલો થયો રાઈટ?"

"હા તો?" પૃથ્વીએ પૂછ્યું.

"તો જરા વિચાર કે એ લોકો વડોદરાના તો હતા જ નહીં ને? જે માણસ શ્રીના હાથે મર્યો અને જે માણસો મનુ અને તારા હાથે શૂટ થયા એ બધા વડોદરાના નથી."

"હા મી. આદિત્ય એ બધા બહારના હતા કદાચ મુંબઈના હોય, કોઈ ગેંગના."

"બહારના હતા, મુંબઈના જ હતા પણ એ બધા કોઈ એક જ ગેંગના નહોતા." આદિત્યે એક ચોકાવનારું નિવેદન આપ્યું.

"મતલબ? એવું તું કઈ રીતે કહી શકે?" રુદ્રસિંહને કઇ સમજાયું નહીં.

"મતલબ એ રુદ્ર કે જો એ બધા માણસો એક જ ગેંગના હોય તો બધા સાથે જ હોય. જયારે શ્રી ઉપર હુમલો કરે ત્યારે પણ સાથે જ હોય ને?"

"એટલે શ્રી ઉપર હુમલો કરનાર માણસ અને સ્ટેશન ઉપર હુમલો કરનાર માણસો કોઈ અલગ અલગ વ્યક્તિ માટે કામ કરે છે? પણ મી. આદિત્ય એવું કઇ રીતે શક્ય છે? જે લોકોએ સ્ટેશન ઉપર હુમલો કર્યો એ લોકોએ શ્રી માટે જ હુમલો કર્યો હતો ને?"

"પૃથ્વી મદારીના ખેલ જેવું છે આ બધું ધ્યાનથી દેખો તો ખબર પડે બાકી બધું એક જેવું જ લાગે. કદાચ એવું પણ શક્ય છે કે શ્રી પાછળ બે અલગ અલગ વ્યક્તિના માણસો હોય. શ્રી ઉપર નદી કિનારે હુમલો કરનાર માણસ કોઈ એક વ્યક્તિ માટે કામ કરતો હોય અને સ્ટેશન ઉપર હુમલો કરનાર માણસ કોઈ બીજા વ્યક્તિ માટે કામ કરતો હોય."

"મને તો કઈ સમજાતું નથી સર, નદીમાંથી જે બોડી મળી છે એ માણસ મુંબઈ જેલમાં હતો એની તપાસ કરતા જાણવા મળ્યું છે કે એ સવારે જ જેલમાંથી બહાર આવ્યો અને સાંજે શ્રી ઉપર હુમલો કર્યો અને ત્યાં શ્રીના હાથે ડિફેન્સમાં માર્યો ગયો, એક તરફ સ્ટેશન ઉપર હુમલો થયો ત્યાં ત્રણ માણસો માર્યા ગયા અને ડી.એસ.પી. ખુદ એ લોકો સાથે છે. તો શ્રીના હાથે માર્યો ગયો એ માણસ ડી.એસ.પી.એ જ જેલમાંથી બહાર મોકલ્યો હોય એ શક્ય નથી? અમે તો એવી જ ધારણા કરીએ છીએ."

"પૃથ્વી ધ્યાનથી બધી બાબતો વિચારીએ તો પાતળી ભેદ રેખા છે. જે માણસે શ્રીને નદી કિનારે કિડનેપ કરવાની કોશિશ કરી એ માણસ એકલો કેમ હતો? જેની પાસે ગન હોય, જે સવારે જેલમાંથી બહાર આવ્યો હોય, એની પાસે શુ કોઈ બીજો માણસ ન હોય? શુ એ મુંબઈથી વડોદરા એકલો આવે? જો એ શ્રીને કિડનેપ કરી શકે તો પણ શું કોઈ એકલો માણસ શ્રીને મુંબઈ સુધી લઈ જઈ શકે ખરા? અને એ પણ શક્ય છે ને કે એ જેલમાંથી છૂટ્યો હોય એ જ દિવસે એને એ કામ મળ્યું હોય."

"છતાં એ એકલો જ હતો આદિ." રુદ્રસિહે કહ્યું.

"રુદ્ર એ જ સવાલ મહત્વનો છે કે છતાં એ એકલો જ હતો પણ કેમ?"

"કેમ?"

"કેમ કે બંને વખતે હુમલો કરનાર માણસો બે અલગ અલગ વ્યક્તિ માટે કામ કરતા હોવા જોઈએ અને મને ખાતરી છે કે સ્ટેશન ઉપર હુમલો કરનાર માણસો બલભદ્ર નાયકના હશે."

"કેમ? એવી શુ ખાતરી?"

"પૃથ્વી ખાતરી હોવાનું ઠોશ કારણ છે, કેમ કે બીજી વ્યક્તિ સ્ટેશન ઉપર હુમલો કરવાનું રિસ્ક શુ કામ લે? જેના પૈસા ગયા હોય એ જ એવું જોખમ લઈ શકે."

"તો પછી પેલો નદી કિનારે કોનો માણસ હશે?"

"નદી કિનારે એ જ માણસ હોઈ શકે જેને ખબર હોય કે બલભદ્રના પૈસા ઉઠાવવામાં શ્રીનો હાથ છે." આદિત્ય શ્રીની વાત ઉપરથી એક એક તારણ તર્કબદ્ધ રીતે તારવ્યા લાગ્યા.

"એ તો માત્ર અર્જુનને જ ખબર હતી." શ્રી બોલી, "તો અર્જુન મને મારી નાખવા માંગતો હશે? જેથી હું ક્યારેય કોઈને કહી ન શકું."

"ના, શ્રી અર્જુન તને મારવા જ માંગતો હોય તો એ બીજી રીતે તને ક્યાંક બોલાવીને મારી શકે, તું એના ઉપર વિશ્વાસ કરતી હતી ને? તો એ શું કામ તને ગનથી મારવા માટે કોઇ માણસ મૂકે? તું તો અર્જુનના હાથે કોઈ રેસ્ટોરેમાં કે હોટેલમાં ડિનરમાં કે પાણીના ગ્લાસમાં એના હાથે ઝેર પણ ખાઈ જ લોત ને? તો એ શું કામ એવું રિસ્ક લે? મને નથી લાગતું કે અર્જુન તને મારવા માંગતો હોય.."

શ્રીને એક પળ માટે તો એ વાત માનવામાં ન આવી પણ તર્ક એવું જ કઈક કહેતા હતા અને મી. આદિત્ય પણ મક્કમ હતા.

"રાઈટ, અંદાજ સ્યોર છે અર્જુન ગમે ત્યારે ગમે ત્યાં તને કોઈ પણ ઝેરી દવા આપીને મારી શકે એ તને મારવા માટે કોઈ ગન કે કોઈ માણસની મદદ ન જ લે." પૃથ્વીએ શ્રીને ખાતરી આપવા ઉમેર્યું.

"તો કોણ હશે એ? અર્જુન સિવાય કોને ખબર હોય કે હું બલભદ્રના પૈસા ઉઠાવી લેવામાં અર્જુનની મદદ કરતી હતી?"

"રજની દેસાઈ...." પૃથ્વીએ અચાનક કહ્યું, "રજની દેસાઈ હોઈ શકે શ્રી, કેમ કે એને તારા ઉપર શક થયો જ હશે કે આ બધું તે કર્યું છે એટલે એ તને ઉઠાવી લઈ અર્જુનને બ્લેક મેઈલ કરવા માંગતો હશે, તું રજનીના કબજામાં હોય તો રજની અર્જુનને પૈસા પાછા આપવા માટે મજબૂર કરી શકે."

"તારો અંદાજ સાચો પણ છે અને ખોટો પણ છે પૃથ્વી." પૃથ્વીની વાત સાંભળી આદિત્યએ કહ્યું.

"મતલબ?"

"સાચો એટલા માટે છે કે શ્રી જેના કબજામાં હોય એ અર્જુનને મજબુર કરીને પૈસા મેળવી શકે કેમ કે અર્જુન આ બધું શ્રી માટે કરતો હતો પણ એ માણસ રજની જ હોય એની શુ ખાતરી?"

"પણ રજની સિવાય આ બધું કોને ખબર હોય સર?"

"પૃથ્વી કેસ નાજુક છે છતાં ભેદ રેખા છે, કોઈ પણ ગુનેગાર કોઈને કોઈ ભૂલ કરે છે અને મેં મારી લાઈફ એમાં જ નીકાળી છે, જરા વિચાર જે માણસ સ્ટેશન ઉપર હુમલો કરી શકે, ખુદ ડી.એસ.પી. મનુને ફોન ઉપર ધમકી આપી શકે, મનું ન માને તો એને મળવા છેક મુંબઈથી ભાગવત વડોદરા આવી શકે છે મતલબ બલભદ્રની પહોંચ કેટલી ઊંચી હશે?"

"આદિ એની પહોંચ ઊંચી છે એટલે જ પૃથ્વી શ્રીને તારી જોડે લઈ આવ્યો છે ને? કેવા સવાલ કરે છે તું?"

"રુદ્ર જરા વિચાર તો ખરા યાર જે માણસની પહોંચ ડી.એસ.પી. સુધી હોય એનો અર્થ તો એ જ થાયને કે બલભદ્ર ઉપર કોઈ નેતાનો હાથ છે નહિતર એક મામુલી માણસ માટે ડી.એસ.પી. ખુદ એક છોકરીનો કેસ હાથમાં લે ખરા? પોતાની જાતે વડોદરા આવે ખરા?"

"હા પણ એનાથી શુ ફરક પડે આદિ? સવાલ તો એ છે ને કે હવે આપણે શું કરવું? કઈ રીતે પતો કરવો?" કંટાળી જતા રુદ્રસિહે સિગારેટ સળગાવી. રૂમમાં બ્લેક સિગારેટની ઈલાયચીની સુગંધ ફેલાઈ.

"હું એજ કરું છું રુદ્ર, જે માણસની પહોંચ એટલી હોય એ માણસને અર્જુનને શોધતા કેટલો સમય લાગે? અર્જુન કોઈ જાસૂસ તો નથીને? બલભદ્ર પાસે પોલીસ અને ગુંડા બંને છે જ તો અર્જુન એવી કોઈ સેફ જગ્યાએ ન રહી શકે જ્યાં પોલીસ અને ગુંડા એક પણ ન પહોંચી શકે..."

"મતલબ અર્જુન? મી. આદિત્ય શુ તમે એ જ વિચારો છો જે હું વિચારું છું?" પૃથ્વીના મનમાં એક ઝબકારો થયો.

"હા પૃથ્વી અર્જુનને શોધવાને બદલે શ્રીની પાછળ એ લોકો શુ કામ પડે?"

"મતલબ કે અર્જુન એમના હાથમાં આવી શકે એમ જ નથી, પણ કેમ?"

"કેમ એ પ્રશ્નનો પણ જવાબ છે પૃથ્વી, જો અર્જુને શ્રીને અહીં બોલાવી ખરા પણ એ ખુદ ન આવ્યો, માની લઈએ કે અર્જુન શ્રીને મારવા માંગતો હતો છતાં એ કેમ ન આવ્યો? એ શ્રીને ક્યાંક લઈ જઈ ઝેર આપી શકોત છતાં એ ન આવ્યો એનો મતલબ એ કે ખુદ અર્જુન જ કોઈ મુસીબતમાં હશે, એ માણસ જે શ્રીને કિડનેપ કરવા આવ્યો એ અર્જુને નહિ પણ કોઈ બીજી વ્યક્તિએ જ મોકલ્યો હશે."

"માય ગોડ મી. આદિત્ય આ બધું એટલું ગૂંચવાડાવાળું હશે એની મને કલ્પના પણ નહોતી થઇ, ઇન્ફેક્ટ મનુને પણ આવો કોઈ વિચાર આવ્યો જ નહોતો." પૃથ્વીની ભમરો તંગ થઇ ગઈ. તે ઉત્સાહમાં ક્યારેક આદિત્યને સર કહેતો ક્યારેક મી. આદિત્ય કહેતો.

"કલ્પના અને હકીકતમાં ફરક હોય પૃથ્વી, પણ હવે બધું ચિત્ર સ્પષ્ટ છે. અર્જુન ખુદ કોઈ મુસીબતમાં છે મતલબ અર્જુને બધા પૈસા ક્યાંક છુપાવી લીધા છે પણ શ્રીને એ લેવા આવે વડોદરા એની પહેલા અર્જુનને કોઈએ કિડનેપ કરી લીધો." આખરે આદિત્યએ નવી જ દિશા ખોલી અને બધા સ્તબ્ધ થઇ ગયા.

"કિડનેપ? મતલબ અર્જુનને મારી નાખ્યો હશે?" અર્જુન નિર્દોષ છે અને મુસીબતમાં પડ્યો એ જાણતા ફરી શ્રી ઢીલી પડી એની આંખમાંથી આંસુ સરવા લાગ્યા.

"ના શ્રી અર્જુન જીવે છે, એનું કિડનેપિંગ થયું, કિડનેપરે એને પૈસા ક્યાં છે એ જાણવા કિડનેપ કર્યો પણ અર્જુને કહ્યું નહિ, અર્જુને કહ્યું નહિ એટલે એ માણસે તને કિડનેપ કરવાનું વિચાર્યું જેથી તને મારવાની ધમકી સામે અર્જુન ઢીલો પડીને પૈસા ક્યાં છે એ બધું કહી દે. અત્યારે આ એક જ ધારણા મને મજબુત લાગે છે."

"જો આ ધારણા સાચી હોય તો એ લોકોએ અર્જુનને ઓછો ત્રાસ ન જ આપ્યો હોય ને? અર્જુને થર્ડ ડિગ્રી સહન કઈ રીતે કરી? એ એક સામાન્ય માણસ છે કિડનેપરની માર એ સહન કઈ રીતે કરી શકે?" રુદ્રસિંહને નવાઈ લાગી કેમ કે મોટા ગુનેગાર પણ થર્ડ ડિગ્રી સહન નથી કરી શકતા.

"એ જિદ્દી છે મી. રુદ્રસિંહ." શ્રી એ કહ્યું, "એ જિદ્દી છે, ક્યારેય નહીં બોલે કે પૈસા ક્યાં છે, એને સહન કરવાની આદત છે, દુનિયા માટે નફરત છે એના મનમાં."

"એ બધું ઠીક છે એ નથી બોલ્યો એણે નથી જણાવ્યું કે પૈસા ક્યાં છે એટલે જ એ જીવતો છે." રુદ્રસિંહે કહ્યું.

"હવે સમજાયું મી. આદિત્ય અર્જુનને કિડનેપ કરનાર માણસે શ્રીને કિડનેપ કરવા માટે એક જ માણસ મુક્યો કેમ કે એની પાસે માઈન્ડ પાવર હતો બોડી પાવર નહિ, એ એકલો હશે અથવા એની પાસે બે ત્રણ માણસો જ હશે, અને શ્રીને એક સામાન્ય છોકરી સમજી એણે ભૂલ કરી અને જોગાનુજોગ શ્રીએ ડિફેન્સ કરતા કરતા એ માણસને મારી નાખ્યો..."

"હા પૃથ્વી, એટલે શ્રી પણ બચી ગઈ અને અર્જુન પણ હજુ જીવે છે."

"એક મિનિટ આદિ, તે કહ્યું કે એ માણસ પાસે વધારે માણસો નહિ હોય તો સ્ટેશન ઉપર હુમલો કઈ રીતે કર્યો?"

"રુદ્ર મારો આગળનો અંદાજ પણ સાચો જ હતો કે સ્ટેશન ઉપર હુમલો કરનાર માણસો અલગ હતા અને અર્જુનને કિડનેપ કરનાર માણસ પણ જાણતો જ હશે કે બલભદ્ર અર્જુનને શોધશે, એ નહિ મળે એટલે શ્રીને શોધશે એટલે બલભદ્ર શ્રીને પકડી પાડે એ પહેલાં જ એ શ્રીને પકડી લેવા માંગતો હતો પણ શ્રી બચી ગઈ." આદિત્યએ સ્પસ્ટતા કરી.

"પણ તો પછી રજની કેમ ગાયબ છે?"

"રજની ગાયબ નથી એને ગાયબ કરવામાં આવ્યો હશે..."

"રજનીને કોઈ શુ કામ ગાયબ કરે?"

"કેમ કે રજની ગાયબ હોય, ગાડી ગાયબ હોય તો બલભદ્રને પહેલો શક રજની ઉપર જાય અને અર્જુન વિશે કોઈને ખબર ન પડે પણ બલભદ્ર પાસે ડિટેકટિવ હતો એટલે એને અર્જુન ઉપર શક ગયો પછી શ્રી ગાયબ હતી એટલે શ્રી ઉપર ગયો."

"વાહ એજન્ટ એ વાહ, પ્રાઉડ ઓફ યુ સર....." હસીને પૃથ્વીએ કહ્યું, "આખો કેસ સોલ્વ કરી નાખ્યો." પૃથ્વી ઉત્સાહમાં આવી બોલ્યો.

"પૃથ્વી આ કોઈ નવલકથા નથી કે સસ્પેન્સ ક્રિએટ કરવા માટે લેખકને વાહ વાહ મળી જાય એટલે બસ, અહી મગજ કે કલમ જ નહીં ગન ચલાવવાની છે, આ રિયલ લાઈફ છે અહીં સસ્પેન્સ ખુલ્યું છે પણ કેસ નથી પત્યો." આદિત્યની વાત સાંભળતા ફરી પૃથ્વીનો ઉત્સાહ ગાયબ થઇ ગયો.

"હા અર્જુનને કિડનેપ કરનાર કોણ હશે એ પ્રશ્ન હવે નવો ઉદ્દભવ્યો છે પૃથ્વી, એક ગૂંચ ખુલ્યું એટલે બીજું પડ્યું." રુદ્રસિહે સિગારેટ હોલવતા કહ્યું.

"રુદ્ર ગૂંચ બરાબર ઉકેલાઈ ગયું છે, શ્રીના કહ્યા મુજબ અર્જુનને ન કોઈ બહારનો મિત્ર છે ન કોઈ એના પરિવારમાં છે એટલે અર્જુને આ વાત કોઈને કહી હોય એ શક્ય નથી તો પછી કિડનેપર ઓફિસમાંથી જ કોઈ હશે."

"શુ? ઓફિસમાંથી? પણ ઓફિસનમાંથી કોણ હોઈ શકે?" શ્રીની આંખો પહોળી થઇ ગઇ. તેણે આદિત્યના ચહેરા સામે નજર સ્થિર કરી તેમાં તેને આશા દેખાઈ.

“એ તપાસ કરવાનું કામ હવે મારું છે દીકરા...” આદિત્યએ હસીને કહ્યું અને ઉભા થયા. “રુદ્ર તમેં લોકો બેસો હું જમવાની વ્યવસ્થા કરાવું છું.”

આદિત્ય હોલ બહાર નીકળી ગયા. બાકીના ત્રણેય હોલમાં જ રહ્યા. પણ હવે શ્રીને અર્જુન માટે પારાવર ચિંતા થવા લાગી હતી.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky