Mahabaleshwar na Pravase - a family tour - 12 in Gujarati Travel stories by Pratikkumar R books and stories PDF | મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-12)

Featured Books
Categories
Share

મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-12)

બપોરે 4:00 વાગ્યા આસપાસ અમારા પહેલા પોઇન્ટ પર પહોંચ્યા પણ ત્યાં પાર્કિંગ પાસે થોડો ટ્રાફિક હતો એટલે ત્યાં જ રસ્તા પર બાજુ મા ગાડી ઊભી કરી ને અમે બધા ત્યાં જ ઉતરી ગયા અને જે રસ્તા પર ઉતર્યા ત્યાં બાજુ માં જ ઊંડી ખીણ હતી પરંતુ ત્યાં રસ્તા પાસે વૃક્ષો હતા એટલે વધુ ભય ન હતો છતાં નાના છોકરા ને સાંભળી ને આગળ ચાલતા થયા.

અમે જે પોઇન્ટ પર પહોંચ્યા તેનું નામ હતું "લોડવિક પોઇન્ટ (Lodwick Point)". આ પોઇન્ટ સમુદ્ર ની સપાટી થી 4067 ફૂટ ઊંચાઈ પર છે અને આ પોઇન્ટ નું નામ કરી રીતે પડ્યું તેનો ઇતિહાસ ત્યાં બોર્ડ લખ્યો હતો. આજ થી લગભગ 200 વર્ષ પહેલા, 1824 ની સાલ માં એક જનરલ પીટર લૉડવિક નામ ના અંગ્રેજ વ્યક્તિએ મહાબળેશ્વર ની આ ટેકરી પર પગ મૂક્યો હતો અને તેના નામ પરથી આ પોઇન્ટ લૉડવિક પોઇન્ટ તરીકે ઓળખાય છે

હવે આ પોઇન્ટ નું વર્ણન કરું તો, આગળ જતાં સૌથી પહેલા ત્યાં ખીણ ની બાજુમાં નાના ખુલ્લા મેદાનમાં પાર્કિંગ બનાવ્યું છે. તે પાર્કિંગ થી આગળ જઈએ એટલે સામે જ પોઇન્ટ પર જવા માટે માટી અને પથ્થર થી બનેલો રસ્તો અને આ રસ્તાની બંને બાજુ વૃક્ષો, એટલે વૃક્ષોના પાંદ ખરી ને રસ્તા પર પડેલા દેખાઈ સાથે રસ્તાની એક બાજુ ખીણ અને બીજી બાજુ ભેખળ, ઉપર વૃક્ષો એટલે ધૂપ પણ લાગે નહિ આ નજરો જોતા જ પોઇન્ટ પર જવા માટે ઉત્સાહ વધી જાય.

આ રસ્તા પર એન્ટર થતાં જ બધા એ સેલ્ફી અને ગ્રુપ ફોટા પાડવાનું શરૂ કર્યું આમ ફોટા પાડતા-પાડતા ને મજાક મસ્તી સાથે આગળ વધતા રહ્યા ને આ જ રસ્તા પર આગળ બે અલગ અલગ સાંકળા રસ્તા દેખાયા એટલે અમે પહેલા ડાબી બાજુ ના રસ્તા પર ગયા જ્યાં આગળ જતા નાનું મેદાન અને આ મેદાનમાં વચ્ચે પથ્થર માંથી બનાવેલો એક નાનો સ્તંભ અને તેની ઉપર કોતરણી કામ કરી ને બનાવેલી નાની મિસાલ દેખાઈ અને આ સ્તંભ પર ઇ.સ.1803 નો કંઇક ઇતિહાસ લખ્યો હતો સાથે આ નાના મેદાનની બાજુમાં જ મોટી અને ઊંડી ખીણ એટલે આ મેદાનની કિનારી પર એક નાની 4-5 ફૂટ ઊંચી દીવાલ (પાળી) બનાવેલી અને ત્યાંથી નીચે જોઈએ એટલે ઊંડી ખીણ અને પર્વતો ની હારમાળા દેખાય સાથે બરાબર નરી આંખે જોઈએ તો બાજુના પર્વત મા એક રસ્તો દેખાય, આ રસ્તો એ જ હતો જ્યાંથી અમે સવારે મહાબળેશ્વર હિલ સ્ટેશન ચડ્યા હતા. સાથે આ રસ્તા પર જતી કાર જાણે મેળા માં મળતી રમકડાંની કાર જેવી દેખાય કારણ કે અમે ઘણી ઊંચાઈ પર ઊભા હતા.

પેહલા તો બધાએ ખીણ પાસે ની પેલી 4-5 ફૂટ ઊંચી દીવાલ (પાળી) પર બેસી ને ગ્રુપ અને કપલ માં ફોટા પડાવ્યા ત્યારપછી દીવાલ ને છોડી ને પેલા મિસાલ વાળો સ્તંભ પકડ્યો ને ત્યાં ફોટા પાડયા, હકીકતમાં અમારા આ ગ્રુપ માં સૌથી વધુ ફોટા પાડવાનો શોખ હોય તો એક મારી વાઇફ, નાનો ભાઈ જીગ્નેશ અને મામાનો છોકરો કેવિન આ ત્રણ, કેમકે કોઈ નવું લોકેશન દેખાય કે આ ત્રણ ની સેલ્ફી અને ફોટા શરૂ, કેવિન તો ફોટા પાડવા માટે નવી સેલ્ફી સ્ટિક પણ લાવ્યો હતો જેમાં જીગ્નેશ કે કેવિન આ બંને માંથી કોઈ એક નો મોબાઈલ લગાવીને જ રાખ્યો હોય સેલ્ફી માટે....

"અલા તમે બધા ફોટા પાડવા આવ્યા કે ફરવા" થોડીવાર પછી અંકિતભાઈ એ કહ્યું

આમ થોડીવાર ફોટા પાડ્યા પછી ત્યાં દીવાલ પાસે બેસી ને ખીણ માં થતી હલન-ચલન અને પેલી રમકડાં જેવી દેખાતી કાર જોઈ અને ફરી પેલા બે સાંકળા રસ્તામાંથી બીજા રસ્તા પર એટલે કે જમણી બાજુ ના રસ્તા તરફ જે પર્વત ની મેઈન ટોચ તરફ જતો હતો...

આ બીજા રસ્તા પર આગળ જતાં એક મોટું ખુલ્લું મેદાન દેખાયું જેની બંને બાજુ ખીણ અને સામે થોડે દૂર દેખાતી નાની અને ઊંચી પર્વતની ટોચ, આ મેદાન પર દેખાતા છૂટા છવાયા નાના - મોટા વૃક્ષો, લીલું ને થોડું સુકાયેલું ઘાસ, સામેથી સફેદ - પીળો પ્રકાશ ફેંકતો સૂર્ય, સાથે આ સૂર્ય બરાબર પર્વતની ટોચથી થોડે ઉપર હોવાને કારણે સૂર્યના બેકગ્રાઉન્ડ ને લીધે ટોચ પર ઉભેલા ને નાના - પડછાયા માફક દેખાતા લોકોએ આ દ્રશ્ય ને અદભૂત બનાવ્યું હતું અને આ રમણીય કુદરતી દ્રશ્ય નો પાડેલો ફોટો આજે પણ હું ઘણીવાર મારા મોબાઇલ ના મેઈન સ્ક્રીન પર રાખું છું

આ ખુલ્લા મેદાન ની બંને બાજુ ઊંડી ખીણ તેથી મેદાનની બંને બાજુ લગાવેલી 4-5 ફૂટ ઊંચી રેલીંગ (ઝાળી) પાસે ઉભા રહી, ખીણ ના દર્શન કરી, થોડા ફોટા પાડી ને અમે એ જ મેદાન મા આગળ આવેલી પર્વતની મેઈન ટોચ પર જવા આગળ વધ્યા. હવે જેમ-જેમ આગળ જઈએ તેમ તેમ મેદાન સાંકળું થતું જાય અને છેલ્લે ટોચ પાસે સાંકડું થતાં થતાં માત્ર 5-8 ફૂટ જેટલો સાંકડો રસ્તો થઈ ગયો જેની બંને બાજુ નાની 4-5 ફૂટ ઊંચી રેલીંગ (ઝાળી) લગાવેલી ને આ સાંકળા રસ્તાની બંને બાજુ ઊંડી ખીણ....

આ રસ્તા પર આગળ 8-10 પગથિયાં આવ્યા ને એ ચડતા જ પર્વત ની ટોચ. હવે આ ટોચ પર જગ્યા એટલી નાની અને ઊંચી હતી કે જાણે આપણે 100 માળ ઊંચી બિલ્ડિંગ પર નાની 10 બાય 10 ની રૂમ બનાવી હોય. આ ટોચની બધી બાજુ ખીણ પણ કોઈ ભય જેવું ન હતું કેમકે આ નાની ટોચ ની ચારે બાજુ 4-5 ફૂટ ઊંચી દીવાલ હતી જ્યાં ઉભારહી ને ચારે બાજુ નો નજરો જોઈ શકાય...

આ ટોચ પર ઊભા રહી પાછળ જોઈએ એટલે ખુલ્લું મેદાન દેખાય જેના પરથી આપણે આવ્યા, ટોચ ની ડાબી બાજુ જોઈએ એટલે ઊંડી ખીણ, વૃક્ષો થી છવાયેલો ઊંચો પર્વત, પર્વત પર આવેલ રસ્તો અને રસ્તા પર ની રમકડાં જેવી ગાડી દેખાય, ટોચ ની સામેની બાજુ ઊંડી ખીણ અને સામે આવેલા ને સૂર્ય ના પ્રકાશ થી ચમકતા પર્વતો દેખાય, ટોચ ની જમણી બાજુ સામે થોડે દૂર આવેલી પર્વત ની હારમાળા અને તેના પર ઉગેલા વૃક્ષો, અમે ઉભેલા તે ટોચ અને સામેની પર્વત ની હારમાળા વચ્ચે દેખાતી ઊંડી ખીણ જેમાં નજર કરીએ એટલે ખુબજ નાના દેખાતા હાથેથી બનાવેલા છૂટા છવાયા મકાનો અને તેની બાજુમાં બનાવેલા નાના-મોટા ને ચોરસ-લંબચોરસ ખેતરો. આ નજરો જીવન માં ક્યારેય ભૂલાય નહિ તેવો હતો.....

બધા ત્યાં ફોટા પાડતા હતા, ભાવિન ભાઈ ત્યાં બાજુ માં ઊભા હતા ને હું ત્યાં ટોચ પર જમણી બાજુ રેલીંગ પાસે જઈને ઊભો રહ્યો અને ત્યાં ખીણ મા દેખાતા નાના, કાચા અને છૂટા છવાયા મકાનો જોઈને વિચારતો હતો કે, "આ લોકોનું જીવન આપણા કરતા કેટલું સાદું ને સિમ્પલ હશે, ન કોઈ ટેકનોલોજી, ન કોઈ ઇન્ટરનેટ કે ટીવી કનેક્શન, ન મોબાઇલ ફોન કે ટેલિફોન ની ઝંઝટ, એકરીતે તો ત્યાં વીજળી (ઈલેક્ટ્રીસીટી) પણ નહિ, તેમના માટે સૂરજ ઊગે ત્યાંથી સવાર ને આથમે એટલે રાત, ન સવાર નું એલાર્મ, ન મોબાઇલ ફોનની રીંગ, થોડે દૂરથી કોઈ ને બોલાવવા માટે ઊંચેથી પાડેલી બૂમ પર્વત મા પડઘા પડી ને સંભળાય એ જ એમના માટે મોબાઇલ ફોન ને સવાર માં પક્ષીઓ નો કલરવ એ જ એમનું એલાર્મ, ન કોઈ પીઝા - બર્ગર કે ફ્રેન્કી પરંતુ ઘર ની બાજુમાં જ ખેતરમાં જાતે મેહનત કરી જાતે ઉગાડેલો ખોરાક, ન કોઈ કપડાંની ફેશન કે ન કોઈ હેર-સ્ટાઇલ, ન કોઈ વાહન કે ન કોઈ પ્રદૂષણ પરંતુ આખો દિવસ કુદરત ના ખોળે ને કુદરતી હવા...." ત્યાં પાછળથી અવાજ આવ્યો, "અલા... ફોટો પાડવો હોય તો ચાલ ઝડપી" આમ હું પણ કુદરત ના ખોળે થી ઉભો થઇ ફરી આપણી ટેકનોલોજી વાળી દુનિયા મા આવી ગયો, ફોટો પડાવવા............

આમ ત્યાં પર્વત ની ટોચ પર ને સાંકડા રસ્તા પર રેલિંગ અને પગથિયાં પાસે ફોટા પાડ્યા ને આખરે ઘડિયાર માં જોયું તો સાંજ ના 5:30 ઉપર થઇ ગયું હતું અને અમારો આગળ નો પોઇન્ટ હતો "સનસેટ પોઇન્ટ" જ્યાં સૂર્ય આથમતો દેખાય પરંતું સાંજ ના 5:30 ઉપર થઇ ગયું હતું ને શિયાળા ની ઋતુ માં સૂર્ય પણ વહેલો આથમે એટલે અમારે સૂર્ય આથમે તે પહેલા જેમ બને તેમ ઝડપી આ બીજા પોઇન્ટ પર જવાનું હતું ....

આ પોઇન્ટ પર ક્યારે અને કઈરીતે પહોંચ્યા અને તે પહેલા શું શું થયુ એ આગળ જોઈએ...




ક્રમશ: (આગળ વાંચો ભાગ-13)