Khel - 17 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | ખેલ : પ્રકરણ-17

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ખેલ : પ્રકરણ-17

"અર્જુન, આપણું જીવન કેવું વિચિત્ર છે?" બીચ ઉપર અર્જુનના ખભા ઉપર માથું ઢાળી શ્રી બોલતી હતી.

"કેમ?"

"બસ એમ જ આપણું જીવન બધા કરતા અલગ છે. જે ઉંમરે બીજા લોકો જીવનને સમજતા જ નથી એ ઉંમરે આપણે આપણા ફેસલા જાતે જ કરવાના હતા, ન કોઈ સલાહ આપનાર ન કોઈ રોકનાર, ન કોઈ ટોકનાર.. કેવું વિચિત્ર?"

"એ બધું હવે યાદ કરીને શુ લેવાનું?" અર્જુને તેની આંખોમાં જોયુ, એમાં ભૂતકાળના દુઃખ સ્પષ્ટ દેખાતા હતા.

"પણ અમુક સવાલ તો જીવન સાથે જ પુરા થાય અર્જુન." શ્રીનો અવાજ પણ મંદ હતો.

"એવા સવાલ ભૂલી જવામાં જ ભલાઈ હોય છે શ્રી, ભૂતકાળમાં નજર કરીને ભવિષ્ય ઝાંખું કરવાનો શો અર્થ? એમ પણ ત્યાં જઈને કઈ બદલી શકાય એ શક્ય નથી હા ભવિષ્ય જરૂર બદલી શકાય." અર્જુન એને સમજાવતો હતો.
બીચના પાણીમાં પગ બોળતી શ્રી મૂંગી જ બેસી રહી.

"શ્રી હવે તો આપણે એક બીજાને સલાહ આપીએ છીએ, નિર્ણય લેવામાં વાત કરી શકીએ છીએ, એક બીજાને સમજી શકીએ છીએ. હવે એ બધું યાદ કરીને શુ લેવાનું? શુ કામ આ સુંદર પળ વેડફી દેવાની?"

"એ બધું તું નહિ સમજે અર્જુન પણ મારી વાત અલગ છે. જ્યારે પણ હું કોઈ પરિવાર દેખું છું તો દરેકના ઘરમાં એક વડીલ હોય, ભાઈ, બહેન, મા બાપ, દાદા દાદી હોય આપણે શું? દરેક ઘરમાં ગુસ્સો કરનાર એક પિતા હોય, પક્ષ લેનાર એક મા હોય, પિતા સામે સાવ ખોટી રીતે બચાવ કરનાર દલીલ કરનાર એક દાદી હોય, જ્યારે મારે તો....." શ્રીની આંખમાં આંસુ આવી ગયા.

અર્જુન પાસે એના સવાલોના કોઈ જવાબ હતા નહિ. શ્રી પાણીમાં નજર કરી બેસી રહી. એકાએક એના પગમાં કઈ અથડાયું હોય એમ લાગ્યું. કોઈ ભારી વસ્તુ. કે પછી જીવ. દ્રશ્યને ધૂંધળું કરતા આંસુ લૂછી શ્રીએ નજર કરી તો એના પગમાં એક લાશ તરતી હતી.

શ્રી એ ચીસ પાડી. "અર્જુન...... આ લાશ?"

આજુબાજુ નજર કરી તો અર્જુન દેખાયો નહિ. પોતે કોઈ બીચ ઉપર નહોતી, બેડ ઉપર હતી, હોટેલના રૂમમાં. તો આ સપનું હતું. ઘડિયાળમાં નજર કરી તો હજુ રાતના બાર વાગ્યા હતા. પોતે એકાદ કલાક ઊંઘી હશે. અણધાર્યું એના હાથે ખૂન થયેલું એ વિચાર મનમાં ભરાઈ રહ્યો અને સપનામાં અર્જુનની યાદ સાથે પાણીમાં ફેંકેલી એ લાશ તરીને એના પગ નજીક આવી.

દીવાલનો ટેકો લઈ બેઠી થઈ. માથું ભારે થયેલું હતું. કોણ હશે એ માણસ જે મને કિડનેપ કરવા માંગતો હતો? અહીં હું પહેલીવાર આવી છું મારો કોણ દુશ્મન હોય અહીં? તો શું ઓફિસમાં મારી ગેરહાજરી જોઈ બલભદ્ર કે પેલા ડિટેકટિવને મારા ઉપર શક ગયો હશે? એમનો કોઈ માણસ મારી પાછળ આવ્યો હશે? પણ આ બધી વાત, હું અહી આવીશ એ તો માત્ર અર્જુનને જ ખબર હતી તો પછી એ લોકો કઈ રીતે મારી પાછળ આવી શકે? એ અર્જુનનો જ કોઈ માણસ હશે? અર્જુન પૈસા લઈ ગયો, મારો ઉપયોગ કરી ગયો છતાં હજુ એ મારી સાથે શુ કરવા માંગતો હશે?

અર્જુનનો ફોન બંધ છે, બીજા કોઈ નંબર કે એસ.ટી.ડી.માંથી પણ એનો કોઈ ફોન કેમ ન આવ્યો? એણે મને અહીં બોલાવી તો એની પાછળ કોઈ કારણ તો હશે જ ને? એ પોતે જ ત્યાં હાજર નહોતો તો પછી એ માણસ મુકવાનો શુ અર્થ? એણે મને ફોન કરીને ગમે ત્યાં આવવાનું કહ્યું હોત તો હું જવાની જ હતી તો પછી એ માણસને ગન સાથે મૂકીને મને કેમ બોલાવી હશે?

તેને કઈ સમજાતું નહોતું. એ અજાણ્યો માણસ કોણ હશે, કોનો માણસ હશે? કેમ આવ્યો? એક પણ સવાલનો જવાબ એને મળતો નહોતો.

ઓફિસમાંથી મારા ઉપર કોઈનો ફોન કેમ ન આવ્યો? રાજીવ દીક્ષિત તો મને થોડું મોડું થઈ જાય તો પણ ફોન કરી લેતા, તો આખો દિવસ મારી ગેરહાજરી એમને કેમ ન દેખાઇ? કે પછી રાજીવ દીક્ષિતને બલભદ્ર નાયક ઉઠાવી ગયો હશે? ઓફીસ જ બંધ હશે?

શ્રી ઉભી થઇ. બાથરૂમ જઇ મો ધોઈ લીધું પણ એ બધા વિચાર ગયા નહિ. અરીસામાં પોતાનો જ ચહેરો જોઈ એ હસી પડી કેટલી મૂર્ખ છે તું શ્રી? ક્યાંથી ક્યાં આવી ગઈ? અને હજુ આગળ શું થશે એ પણ તને ક્યાં ખબર છે? અજાણ્યું શહેર જ્યાં તું આવી ત્યાં તારા હાથે એક અજાણ્યા માણસનું ખૂન થયું છે. કેટલા દિવસ તું બચીશ? એ લાશ ક્યારેક તો પોલીસને મળશે જ ને? તું કોઈ પ્રોફેશન કિલર નથી પોલીસને કોઈને કોઈ સબૂત મળી જશે.

હજુ એ વિચારતી હતી ત્યાં દરવાજે ટકોરો પડ્યો. હૃદય જાણે બેસી ગયું. કોણ હશે? રાતના બાર વાગ્યે અહીં હોટેલ સુધી કોણ આવે? હોટેલના કોઈ માણસ તો ન જ આવે. જરૂર ફરી કોઈ મારો પીછો કરનાર હશે. પણ અહીં એ મને કિડનેપ ન કરી શકે, એ શક્ય નથી.

હળવે પગલે તે દરવાજા સુધી ગઈ. ઘડીભર ઉભી રહી ત્યાં ફરી ટકોરા પડ્યા. દરવાજો ખોલી જોયું તો બહાર પોલીસ હતી. એ જ પોલીસ અફસર પૃથ્વી જે પેલી અકસ્માત થયેલી ગાડીની તપાસ કરીને ચાલ્યો ગયો હતો. તો એ અહીં કેમ આવ્યો હશે? શુ પેલી લાશ મળી હશે? સવાલ ઘણા હતા પણ શ્રીને હવે ડરવાનું કોઈ કારણ નહોતું, એ ખૂન કરી ચુકી હતી એના માટે હવે પોલીસ કઈ નહોતી.

"બોલો સર." સ્વસ્થતાથી શ્રીએ પૃથ્વીને કહ્યું.

પૃથ્વી ઘડીભર એને જોઈ રહ્યો પછી કહ્યું, "તમે તો પેલા પ્રકૃતિવાળા મેડમ ને?"

"જી હા." શ્રીએ હસવાનો પ્રયત્ન કર્યો.

"તો તમને પ્રકૃતિ જોવા સિવાય આ શોખ પણ છે એમને?" પૃથ્વીએ જે પૂછ્યું એનો અર્થ શ્રી સમજી ન શકી કેમ કે એ જાણતી નહોતી કે આ હોટેલ ઉપર અવાર નવાર પોલીસની રેડ પડતી, ડી. કેટેગરીની હોટેલમાં પોતે આવી ચડી હતી એની જાણ શ્રીને હતી જ નહીં.

"સોરી?" તે બોલી, “મને કાઈ સમજાયું નહી સર.”

"તમારું આઈ.ડી. બતાવો મેડમ." પૃથ્વીએ કડક સ્વરે કહ્યું.

"આઈ.ડી.?" એકાએક શ્રીને યાદ આવ્યું કે પોતે કોઈ આઈ.ડી. લઈને નહોતી નીકળી. પૃથ્વી સામે એ ચૂપચાપ ઉભી રહી, શ્રી જાણતી હતી કે પોલીસ આઈ.ડી ક્યારે માંગે છે.

"મેડમ તમારી આઈ.ડી. બતાવો મને, નહિતર પોલીસ સ્ટેશન ચાલો." ફરી પૃથ્વીએ ઉતાવળા અવાજે કહ્યું.

"જી સર આઈ.ડી. નથી."

"તમારું નામ?"

"જયશ્રી."

"પૂરું નામ?" દરવાજામાં દાખલ થતાં આમ તેમ નજર કરી પૃથ્વીએ પૂછ્યું.

"પૂરું નામ જય શ્રી જ છે."

પૃથ્વીને થયું આ છોકરી એમ નહિ માને. "આ હોટેલમાં શુ કરો છો?" પૂછીને એણે બેડ ઉપરથી શ્રીનો મોબાઈલ ઉઠાવી લીધો.

શ્રી પાસે હવે કોઈ જવાબ નહોતો. એ મૂંગી ઉભી રહી. પૃથ્વીએ હવાલદારને ઈશારો કર્યો અને એ સાથે લેડીઝ કોન્સ્ટેબલ શ્રીને હાથથી પકડી રૂમ બહાર ખેંચી ગઈ. તે પૂછવા માંગતી હતી કે કેમ મને સ્ટેશન લઈ જવામાં આવે છે પણ રૂમ બહાર નીકળી નીચે આવતા એને એ સવાલનો જવાબ દ્રશ્ય જોતા જ મળી ગયો.

નીચે કાઉન્ટર ઉપર લગભગ છ જેટલી છોકરીઓ અને બીજી બે લેડીઝ કોન્સ્ટેબલ ઉભી હતી. એક ચેરમાં રુદ્રસિંહ બેઠા હતા અને એમની જોડે નીચે બંને ગાલ ઉપર હાથ ઢાંકી રિસેપ્સનિસ્ટ ઉતરેલા ચહેરે બેઠો હતો. શ્રી સમજી ગઈ કે અહીં શુ થયું છે અને પોતે શેમાં ફસાઈ છે. પેલા ડ્રાઇવરે બમણું ભાડું કેમ લીધું એ પણ સમજાઈ ગયું.

“તમારા જેવા ભડવાઓને લીધે શહેરમાં રહેવા જેવું નથી રહ્યું ***” રુદ્રસિંહે પેલા રિસેપ્સનિસ્ટને કોલરથી પકડી ઉભો કર્યો અને ગાળો દેતા બહાર ખેંચી ગયા, એની પાછળ બધી લેડીઝ કોન્સ્ટેબલ અને ચહેરો ઢાંકેલી પેલી છોકરીઓ ગઈ, શ્રીને પણ પેલી કોન્સ્ટેબલ ખેંચી ગઈ. બહાર પોલીસ વેન હતી એમાં બધાને પુરવામાં આવ્યા.

"બેશરમ ચહેરો પણ નથી ઢાંકતી." પેલી કોન્સ્ટેબલ મોઢું બગાડીને બબડી અને દરવાજો બંધ કર્યો. શ્રી એ જોયું પેલી બધી દુપટ્ટો બાંધેલી છોકરીઓ તેને જોઈ રહી હતી.

જ્યારે પણ હોટેલમાંથી કોઈ પકડાય ત્યારે ચહેરા ઢાંકી લે છે પણ શ્રીએ એવું કંઈ કર્યું નહિ એ જોઈ બધાને નવાઈ થઈ. વેન ઉપડી ત્યારે પેલી છોકરીઓમાંથી એકથી રહેવાયું નહિ, "સારું થયું મીડિયાવાળા નથી આવ્યા નહિતર આ છોકરીનો ફોટો બધા છાપામાં ધૂમ માચાવત..."

એના એ વાક્ય પાછળ બાકીની બધી ખડખડાટ હસી.

“બંધ થઈ જાઓ વેશ્યાઓ....” લેડીઝ કોન્સ્ટેબલની આંખો કરડી થતા એ કટાક્ષ હાસ્યને બ્રેક લાગી.

અનિચ્છાએ પણ શ્રીના હોઠ મલકી ઉઠ્યા. ક્યાંથી ક્યાં આવી, અર્જુનનો વિશ્વાસ પોતાના ચારિત્ર્ય સુધી પહોંચી ગયો. પહેલા રજની સાથે એ બધું પછી પેલા અજાણ્યા માણસનું ખૂન અને હવે પોલીસ. આગળ એનાથી પણ કઈક વધારે થશે એની ખાતરી થઈ ગઈ હોય એમ શ્રી મજબૂત મન સાથે હસતી બેસી રહી. તેને પણ હવે નસીબના ખેલ સમજાઈ ગયા હતા.

*

સાઈરન વગાડતી વેન સ્ટેશન આગળ ઉભી રહી, દરવાજો ખોલી કોન્સ્ટેબલ ઉતરી અને તુચ્છ રીતે બોલી, "ચલો ઉતરો તમારું સસુરાલ આવી ગયું."

શ્રી અને બાકીની બધી છોકરીઓ નીચે ઉતરી એટલે કોન્સ્ટેબલે ઈશારો કરી પાછળ આવવા કહ્યું. વેન બીજી તરફ ગઈ. શ્રી કોન્સ્ટેબલ પાછળ સ્ટેશનમાં દાખલ થઈ. અંદર જઈને મુખ્ય રૂમમાં બધાને હાથના ઈશારે ઉભા રાખી એ બોલી, “અહી બેસો બધી....” અને અંદર એક રૂમમાં ગઈ.

શ્રીએ દરવાજે લટકતું બોર્ડ જોયું, 'ઇન્સ્પેકટર મનું' નામ વાંચી તેને થયું આ કોઈ વૃદ્ધ ઇન્સ્પેકટર હશે અને મારી એક પણ દલીલ નહીં સાંભળે. એ બીજી બધી છોકરીઓની જેમ બાંકડા ઉપર બેઠી. બીજી છોકરીઓ તેને વિચિત્ર રીતે જોઈ રહી હતી. તેને જોઇને એક બે અંદરો અંદર ધીમા અવાજે ગણગણી, “આનો ભાવ તો ઉંચો હશે....”

“હમમમમ....” એક જાડી શ્યામ રંગની છોકરીએ ટેકો આપતા કહ્યું.

બીજી એક સાવ કાળી, શરીરમાં પાતળી અને ઉંચી છોકરીએ કઈક અદેખાઈથી શ્રી સામે જોયું. શ્રીએ બધું ન દેખ્યું ન સાંભળ્યું કરીને બેસી રહી.

થોડીવારે દરવાજો ખુલ્યો પેલી કોન્સ્ટેબલ બહાર આવી અને કડક અવાજે બોલી, “ચાલો અંદર...”

સૌથી પહેલા શ્રી ઉભી થઇ અને અંદર ગઈ. શ્રી સાથે બધી છોકરીઓ અંદર દાખલ થઈ, શ્રી સિવાય બાકીની બધી જાણે કાપતી હતી. અંદર દાખલ થતા શ્રીનું અનુમાન સાવ ખોટું ઠર્યું. ઇન્સ્પેકટર મનું કોઈ આધેડ નહોતો પણ એક યુવાન હતો. ફીટ બોડી, હસમુખ ચહેરો છતાય એકદમ કડક લાગતો. મોડર્ન હેર સ્ટાઈલ અને મૂછો. હાફ સ્લીવ પોલીસ યુનિફોર્મના શર્ટમાં તેના મજબુત કસાયેલા બાવડા દેખાતા હતા.

“બધાને લાઈનમાં ઉભા રાખો મેડમ...” ઇન્સ્પેકટર મનુએ કહ્યું એટલે બધાને એક લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા.

"આ બધા ચહેરા બતાવો મને." મનુએ કોન્સ્ટેબલ તરફ ઈશારો કરી ઢાંકેલા ચહેરા બતાવવા કહ્યું પણ કોન્સ્ટેબલે કોઈ એક્શન લેવી ન પડી દરેકે પોતાના ચહેરા ઉપરથી દુપટ્ટા ખોલી દીધા.

"આ બધાના ફોટા લઈ લો, દરેકની આઈ.ડી. ચેક કરીને જવા દો." ઇન્સ્પેકટર મનુએ કહ્યું એ સાથે જ બધી જ છોકરીઓના ચહેરા ઉપર હળવું સ્મિત છુટકારાનું સ્મિત ફેલાયું. કોન્સ્ટેબલ કઈક ધિક્કારથી બધા સામે જોઈ આંખ બતાવી એટલે એ બધી ફરી ગંભીર થઈને ટટ્ટાર ઉભી રહી.

"મી. મનું આ બધાના આઈ.ડી. જોઈ લીધા છે સિવાય કે પેલી પ્રકૃતિ પ્રેમી..." પૃથ્વીએ કહ્યું.

"પ્રકૃતિ પ્રેમી?" મનુએ કઈક વિચિત્ર વાત હોય તેમ પૂછ્યું.

"જી આ મોડર્ન દેખાય છે બધાથી અલગ પડે છે એ શ્રી છે જેની પાસે કોઈ આઈ.ડી. નથી." પૃથ્વીએ શ્રી તરફ ઈશારો કર્યો.

"અને આ છે રિસેપ્સનિસ્ટ..." કોલરથી પકડી પેલા રિસેપ્સનિસ્ટને ઇન્સ્પેકટર મનું આગળ લાવતા રુદ્રસિંહે તેના ગાલ ઉપર કચકચાવીને તમાચો ઠોકયો. બધી છોકરીઓ સમસમી ગઈ. રીસેપ્નીસ્ટ ગાલ ઉપર હાથ દબાવીને ઉભો રહ્યો. રુદ્રસિહનો હાથ ખુબ ભારી હતો અને તે હોટેલથી સ્ટેશન સુધી આઠ લાફા ખાઈ ચુક્યો હતો. તેના બંને ગાલમાં ડાબા ગાલ ઉપર ચામડી લાલચોળ થઇ ગઈ હતી. તેની આંખમાં ઝળઝળીયા આવી ગયા.

"આ બધાને આજની રાત નજર કેદ રાખી જવાદો, હોટેલના માલીકને એરેસ્ટ કરો." મનુએ કહ્યું.

"જી સર." કહી પેલી કોન્સ્ટેબલ બધી છોકરીઓ અને પેલા રિસેપ્સનિસ્ટને લઈ બીજા રૂમમાં ગઈ. શ્રી પણ એની પાછળ જવા લાગી.

"તમે નહિ મેડમ." મનુએ કહ્યું અને શ્રી ઉભી રહી ગઈ. પાછળ ફરી અને મનું આગળ જઇ ઉભી રહી ગઈ.

"પૂરું નામ?"

"જય શ્રી."

"પૂરું નામ એટલે જાત હોય બાપનું નામ હોય." પૃથ્વીએ કડક થઇ કહ્યું.

"હું અનાથ છું, પૂરું નામ જયશ્રી જ છે." શ્રીએ જરાય ભૂતકાળમાં જોયા વગર કહ્યું. બીજી કોઈ જગ્યા અને પરિસ્થિતિ હોત તો તે રડી પડી હોત પણ હવે શ્રી એ શ્રી નહોતી રહી.

"વેલ આઈ.ડી. તો હશે ને? રાઈટ?"

એ સવાલ ઉપર શ્રી ચૂપ રહી એટલે પૃથ્વીએ કહ્યું, "કોઈ આઈ.ડી. પ્રુફ નથી એની પાસે."

"અહીં હોટેલમાં શુ કરો છો? ક્યાંથી આવો છો?"

"મુંબઈ. હું મુંબઈથી અહીં આવી છું, અને હોટેલમાં રાત રોકાઈ હતી મને ખબર નહોતી કે આ હોટેલ..."

"ઓકે...." એને વચ્ચે રોકી મનુએ કહ્યું, "અહીં કેમ આવ્યા? કોઈ કામ? કોઈને મળવા? જેને મળવા આવ્યા હોવ કે જે કામથી આવ્યા હોવ એનો કોન્ટેકટ તો હશે ને?"

તે કહી ન શકી કે એ અર્જુનને મળવા અહીં આવી હતી. એ કહેવાનો કોઈ અર્થ પણ નહોતો કેમ કે પોલીસ સબૂત માંગે જ્યારે અર્જુન તો એક એવું પાત્ર હતું જે પોલીસ માટે કાલ્પનિક હતું. માસીનું નામ એડ્રેસ આપીને એને આ મુસીબતમાં મુકવી પણ યોગ્ય ન લાગ્યું. માસી ખર્ચ આપતી એ ખબર પડતા જ માસાએ માસીને ઢોરની જેમ મારી હતી. હવે ફરી આમ તેના લીધે માસી ઉપર આફત આવે અને કદાચ પેલી ડેડબોડી પોલીસને મળે તો માસી એમાં સંડોવાય એવું તે ઇચ્છતી નહોતી.

શ્રી આગળના એક પણ સવાલનો જવાબ આપી ન શકી એ સુનમુન ઉભી રહી.

“પૃથ્વી એના મોબાઈલ, પૈસા, પર્સ જે પણ તેની પાસે હોય એ બધું કલેક્ટ કરીલો અને લોકઅપમાં પૂરો.”

પૃથ્વીએ મોબાઈલ તો પહેલા જ લઇ લીધો હતો. બાકીની વસ્તુઓ પણ તેની પાસેથી લઇ લેવામાં આવી. કોઈ પણ બચાવ કર્યા વગર શ્રીએ તેની પાસે જે હતું તે બધું જ પૃથ્વીને આપી દીધું. પૃથ્વીએ તેને લઇ જઈને લોકરમાં પૂરી.

“એન્જોય ડીયર....” કહી એણે લોક કર્યું અને રવાના થયો. શ્રી ખૂણામાં જઈને બેઠી. દીવાલમાં ઉંચે એક નાનકડી બારી જેવી એક ઈંટની જગ્યા હતી. ત્યાંથી આકાશમાં તારા દેખાતા હતા. તે મનોમન હસી. આખરે દરેક ગરીબની જિંદગી આ રીતે જ પૂરી થાય છે શ્રી. નો વન કેન ચેન્જ ડેસ્ટીની...! તે મનોમન બબડી જેકેટ ઉતાર્યું અને તેનું ઓશીકું કરીને માથા નીચે મૂકી પગ લંબાવી એ આડી થઇ.

હવે હું અહીંથી ક્યારેય બહાર જવાની નથી. જયારે ત્યારે પેલા માણસની બોડી પોલીસને મળવાની તો છે જ. કેટલા દિવસ પહેલા ખૂન થયું હશે તે પણ તપાસમાં ખબર પડવાની છે. અને આ પૃથ્વી જાણે છે કે હું નદી કિનારે હતી. એટલે ચોક્કસ મારા ઉપર તપાસ થશે. કદાચ મારા રિમાન્ડ લેવાય. એવું ન બને તો પણ પોલીસને ચોક્કસ બોડી પરથી કોઈ સબુત કોઈ કલુ તો મળી જ જશે જેથી હું ખૂની સાબિત થઈશ. હું કોઈ પણ કાળે સમજાવી નથી શકવાની કે આ ખૂન સ્વરક્ષણમાં થયું છે.

આઈ હેટ યુ અર્જુન... તે ફરી બબડી અને તેની આંખમાંથી પાણી તેના લમણા ઉપર વહેવા લાગ્યું...!

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky