શતરંજના મોહરા
પ્રકરણ - ૮
અંતિમ પ્રકરણ
શાંતિથી ઊંડો શ્વાસ લઇ રહેલ અમેય - આંખો બંધ કરી, ટિપોઈ પર પગ લાંબા કરી,એનાં માથાની પાછળ બંનેય હાથ મૂકી સોફા ચેરમાં ગોઠવાયેલો હતો. એનાં પિતાએ આપેલ લિસ્ટ પ્રમાણે આજે એ શીલના જન્મ નિમિત્તનું છેલ્લું રહેલું મીઠાઈનું બૉક્ષ પણ આપી આવેલો.
શીલ બે મહિનાનો થયો હતો. જિંદગી ફરી ગોઠવાતી જતી હતી- એવું લાગી રહ્યું હતું.
દેવયાની એનાંથી ખુશ હતી. કેમ ન હોય? ગઇકાલની દેવયાની સાથે થયેલ વાત એને યાદ આવી.
'અમેય, આમાં તારી સહીની જરૂર છે.. ' દેવયાની એક પેપર લઇ એની સમક્ષ ઉભેલી.
'શું છે આ ?' કહેતા અમેય સહી કરી રહ્યો.
'તારા અને મારા માટે ડેડ જે રકમ છોડી ગયા છે એ... ' દેવયાનીએ કહેલું.
'મને તારા ડેડની મિલકતમાંથી એક પાઇ નથી જોઈતી, દેવયાની. ભલે આપણું જોઈન્ટ એકાઉન્ટ રહ્યું પણ હું એને કયારેય હાથ નહીં લગાડું. જે કંઈ છે , એ બધું જ તારું છે. ' અમેયે કહેલું.
દેવયાની અમેયની નિ:સ્પૃહતા જોઈ સ્થિર થઇ ગઈ હતી. એનાં હોઠેથી સરી પડેલ શબ્દ ' થેન્ક યુ ' સાથે અજાણતા હ્ર્દયના એક ખૂણે તીવ્ર કસક પણ અનુભવાયેલી.
અચાનક રૂમ પરફ્યૂમની સુગન્ધથી મહેકી ઉઠેલો. અમેયની આંખો ખુલી ગયેલી. સમક્ષ દેવયાની ઉભી હતી - હાથમાં એટેચી લઈને !
'ક્યાં જાય છે દેવયાની... ?' અમેયે થોડા આશ્રર્ય અને હળવા ધ્રાસ્કાસહ પૂછેલું.
દેવયાની શીલને જન્મ આપ્યાં બાદ અને ખાસ તો અમેયના એનાં તરફ રહેલાં માર્દવભર્યા વર્તાવને લીધે પહેલા જેટલી કઠોર નહોતી રહી. એ વિચારી રહી કે એને લીધે અમેય કેટલો શોષવાયો અને હેરાન થયો હતો. એ શબ્દો ગોઠવી રહી. જેથી કરીને અમેયને ફરી વારનો આઘાત ઓછામાં ઓછો લાગે.
થોડીવારે એનાં હોઠ ફફડ્યા,' અમેય, મારે લીધે તું ઘણો હેરાન થયો. એ માટે આયમ રિઅલી સૉરી. તું મને નિ:શંક સ્વાર્થી કહી શકે છે. આઈ નૉ કે , મારી વિચારસરણી ઘણી બૉલ્ડ અને જોખમી છે. હું તારી સાથે ખુશ નથી રહી શકું એમ, કેમ કે સીધી -સાદી જિંદગી મને નથી ખપતી... '
અમેય અપલક નેત્રે દેવયાનીને જોઈ રહેલો. પણ દેવયાની લગીર વિચલિત થયા વગર કહી રહેલી,' ડોન્ટ ગીવ મી ધીઝ લૂક.., હું પહેલેથી બાળકની ઝંઝટમાં પડવા નહોતી માંગતી. બટ, માય ડેડ - મિસ્ટર જયરાજ તન્નાએ- વીલ જ એવું કર્યુ કે મારાં માટે બાળકને જન્મ આપવો ફરજીયાત બની ગયો. '
અમેય કહેવા ગયો, ' દેવયાની, હંમેશા આપણે ઇચ્છીએ એમ જિંદગી નથી જીવી શકાતી.. '
પણ દેવયાનીએ એની વાત કાપતા કહેલું, ' હું તારા જેવી ફિલોસોફર નથી. મને ન ગમતી પરિસ્થિતિ અને સંજોગો સાથે તારી માફક અનુકૂળ થવાનું નથી ફાવતું કે નથી ગમતું. મારાં જેવી નિર્બન્ધ જીવન જીવવા ઇચ્છતી યુવતીને માથે લગ્નબંધન ફરજીયાત લાદવામાં આવે, એટલું જ નહીં -બાળકને જન્મ આપવાનું પણ ફરજીયાત બનાવામાં આવે ત્યારે એ મને કેવું અકારું લાગ્યું હશે એ તું સમજી શક્યો હોઈશ. '
થોડી પળો બંનેય વચ્ચે મૌન પથરાઈ ગયું. બંનેય વચ્ચે એમણે સાથે પસાર કરેલો પોણા ત્રણ વર્ષ જેવો સમયગાળો - અલપઝલપ યાદો સાથે ઝબકી રહેલ .
અમેય વધુ ભાવુક બને, એ પહેલાં દેવયાનીએ કહ્યું, ' મારી હકની મિલકત મને મળી ગઈ છે. હું ફરી જોસેફ પાસે જઈ રહી છું. આજનું તને મારું છેલ્લું અને સાચું પ્રોમિસ આપું છું કે હવે ભવિષ્યમાં કદી તારી જિંદગીમાં મારો પડછાયો સુધ્ધાં નહીં પ્રવેશે. શીલ ફકત તારો છે. એની ' મોમ ' એને જન્મ આપીને મરી ગઈ હતી, એમ કહીશ તો પણ ચાલશે. ગુડ બાય.. '
દેવયાનીના આટલા સ્પષ્ટ ખુલાસા પછી અમેય કંઈ બોલી નહોતો શક્યો. દેવયાનીએ જતા પહેલાં અમેયને એક આલિંગન આપેલું. અમેય વળતી કોઈ પ્રતિક્રિયા વ્યક્ત ન કરી શકેલ.
પોતે ઇચ્છતી નહોતી એવી પોણા ત્રણ વર્ષની જિંદગી એ પરાણે જીવી અને એનો ભોગ અમેય બન્યો- એ બંનેય બાબતનું દુ:ખ એની આંખોમાં સ્પષ્ટપણે તરવરી રહેલ.
એ અમેયે અનુભવ્યું હતું. એટ્લે જતી દેવયાનીને એણે ફકત એટલું કહ્યું, ' ટેક કેર એન્ડ ગુડ બાય દેવયાની.. '
જવાબમાં પીઠ ફેરવી નીકળી ગયેલી દેવયાની- એકવાર પણ પાછું જોયા વગર સડસડાટ ત્યાંથી નીકળી ગયેલી.
***
અમેયના મોઢે વિસ્તારપૂર્વક એનાં જીવનમાં દેવયાનીનું અચાનક આગમન - ગમન અને બાળકના જન્મની વાત સાંભળી એક વાર ગુસ્સે થઈ ગયેલાં જય - નિધિ શાંત બની ગયા હતા. અમેય માટે એમનાં મનમાં આદર વધી ગયો હતો.
જયે પૂછ્યું, ' અમેય, તેં આ વાત આરઝૂને કરી ? '
જવાબમાં અમેયે આરઝૂના લગ્નની કંકોત્રી દેખાડતા કહ્યું, ' આરઝૂનાં લગ્ન નક્કી થઇ ગયા છે. સાંભળ્યું છે કે એનો ફિયાન્સ ખૂબ દેખાવડો અને સમૃદ્ધ છે. આરઝૂ માટે આમ પણ મારા જેવો છૂટાછેડાવાળો અને એક પુત્રનાં બાપવાળો પુરુષ કોઈ રીતે યોગ્ય નથી. '
'અમેય, તારી યોગ્યતા- અયોગ્યતાનો વિચાર આરઝૂએ કરવાનો હોય, તારે નહીં. ' નિધિએ કહેલું.
***
'મંજૂર છે, પણ મારી એક શરત છે. મારી ઘરવાળી તરીકે આરઝૂ નહીં તો સાળી જોઈએ ! અર્થાત તમન્ના મારી ઘરવાળી બનવાનું સ્વીકારતી હોય તો બંદા તૈયાર છે. ' સહજનાં આવા રમતિયાળ જવાબ સાથે જ વરરાજાના રૂમમાં હળવાશ પ્રસરી ગઈ અને તમન્નાના ચહેરા પર લાલી.
જોગાનુજોગ આજે જ આરઝૂ અને સહજનાં લગ્ન હતા. આરઝૂનાં એપાર્ટમેન્ટના ભોંયતળિયે આવેલાં હોલમાં લગ્ન યોજાયેલા. જય અને નિધિ પરાણે અમેયને, આરઝૂનાં ઘરે ખેંચી ગયા હતા.
અમેયને જોતા જ તમન્નાનો ચહેરો વંકાઈ ગયો હતો. પરંતુ, નિધિ એને એક રૂમમાં ખેંચી ગઈ હતી. એણે ત્યાં અમેયની દુર્દશાનો સાચો ચિતાર આપેલો. પણ તમન્ના હજી અમેયને એની 'દિ' માટે સ્વીકારવા તૈયાર ન હતી. અત્યાર સુધી તો અમેયને પ્રેમ કરી એની દિ હેરાન જ થઈ હતી.
બધાની સમજાવટ પછી એણે કુણા પડતા કહ્યું, ' જો સહજ ' હા ' પાડે અને અમેય આજના દિવસે - આ જ લગ્નમંડપમાં પોંખાવા તૈયાર હોય તો જ 'દિ 'નાં લગ્ન અમેય સાથે થાય એમાં મારી સંમતિ છે, અન્યથા નહીં. '
સહજ અને અમેય બંનેય તમન્નાની વાત માનવા તૈયાર થઈ ગયેલાં. કેમ ન થાય ? બંનેયને એમણે મન મૂકીને ચાહેલા પાત્ર મળી જો રહેલાં. અમેયે તરત એનાં માતા -પિતાને કોલ કરી બોલાવી લીધેલા.
તમન્ના ખુશ હતી. એ આતુરતાથી બ્યુટીપાર્લરમાં તૈયાર થવા ગયેલી આરઝૂનાં પાછા ફરવાની રાહ જોઈ રહેલી. એ વિચારી રહેલી કે સહજને બદલે અમેયને જીવનસાથીનાં પાત્રમાં જોઈ આરઝૂ કેટલી ખુશ થઇ જશે !
પણ આરઝૂ ક્યાં હતી ? દુલ્હનનો શણગાર સજવા ગયેલી આરઝૂ બ્યુટીપાર્લરના બીજા દરવાજેથી બારોબાર નીકળી ગઈ હતી. એની સાથે ગયેલી બે યુવતીઓ એનાં વગર પાછી ફરી હતી.
દરમિયાન તમન્નાને આરઝૂના રૂમમાંથી એને ઉદેશીને લખાયેલો લેટર મળી ગયેલો.
મારી વહાલી તમન્ના,
પ્રેમીઓ પ્રેમીને જલ્દી ઓળખી લે છે. હું જાણું છું કે તું સહજને અપાર ચાહે છે અને સહજ પણ તને ચાહે છે. છતાંય તું મારા માટે ચિંતિત બની સહજ સાથે મારાં લગ્ન કરાવવા ઉત્સુક છે અને તારી ખુશી માટે સહજ મારી સાથે પરણવા તૈયાર છે.
પણ હું રાજી નથી. ગમતું પ્રિયજન ન મળે એની વેદના શું છે, એ મારાથી વધારે કોણ જાણે છે ?એટલે હું તને મળનારા સાચા સાથી અને પ્રેમથી દૂર નથી રાખવા માંગતી. ભલે, તું આજે સહજને મારાં પર કુરબાન કરવા તૈયાર છે અને સહજ પણ તારી લાગણીને માન આપી રહ્યો હોય, પણ જિંદગી એમ નથી જીવાતી.
કેમ કે જયારે હકીકતમાં તેં શું ગુમાવ્યું છે, એનો તને અહેસાસ થશે ત્યારે ખૂબ મોડું થઇ ચૂક્યું હશે અને તું પસ્તાઈશ-હિજરાઈશ. મારાં માટે તું આટલી મોટી ભૂલ કરી જિંદગીભર પસ્તાય એમ હું ક્યારેય ન ઇચ્છું કે ન સ્વીકારી શકું.
તું કહીશ કે આમ હતું તો તું લગ્ન માટે કેમ તૈયાર થઇ ? એટલા માટે કે તારી જીદ હતી કે 'દિ'નાં લગ્ન પછી જ હું લગ્ન કરીશ. તેથી,હું અત્યારે આવા સમયે નાછૂટકે જઈ રહી છું.
મમ્મી - પપ્પા, તમને વિનંતી કરું છું કે મારાં માટે તમન્ના અને સહજના પ્રેમનું બલિદાન માન્ય ન રાખતા તમે તમન્નાને માંડવે બેસાડી ક્ન્યાદાનનું પુણ્ય કરશો. હું જયારે આ જાણીશ તો ખૂબ રાજી થઈશ.
ન છૂટકે મારાં આ લીધેલા પગલા બદલ મને માફ કરશો.
તમારા બધાની.... આરઝૂ
લેટર વાંચી તમન્ના રડી પડેલી,' દિ.. ’
'તમન્ના.. ' આરઝૂનો અવાજ સાંભળીને તમન્ના ચમકી પડેલી. અશ્રુભરી આંખો ઉંચકીને જોયું તો રૂમનાં દરવાજે આરઝૂ ઉભી હતી.
***
'તમે દેવયાની ?'
મુંબઈનાં રેલવે પ્લેટફોર્મ પર દેવયાનીને એક ઊંચા - દેખાવડા યુવકની બાંહોમાં -બાંહો પરોવીને ચાલી આવતી જોઈ આરઝૂ ચમકી હતી. એ બ્યુટીપાર્લરમાંથી સરકી જઈ પોતાની પરિણીત સખીને ત્યાં વડોદરા જઈ રહેલી.
'યા, આયમ દેવયાની... ' દેવયાનીએ એની આગવી અદામાં એનાં રેશમી વાળને પસવારતા કહેલું.
' દેવયાની અમેય રાજા ? ' આરઝૂએ વધુ સ્પષ્ટતા કરતા પૂછ્યું.
' નો, આયમ ઓન્લી.. દેવયાની.. ! બાય ધ વે, તું આરઝૂ છે ? ' દેવયાનીએ એની તરફ ધ્યાનથી જોતાં પૂછ્યું હતું.
પછી દેવયાની પાંચ જ મિનિટમાં આરઝૂ સાથે ઊંડી વાતમાં ઊતરી ગયેલી. દેવયાનીએ જયારે જાણ્યું કે આરઝૂ એનાં લગ્નમંડપને સૂનો મૂકીને ચાલી આવી છે તો એ સડક થઇ ગયેલી. અમેય માટેની આરઝૂની લાગણીને એ અનુભવી શકેલ.
જોસેફને થોડો દૂર લઇ જઈ એણે એની સાથે કંઈક ગુફતેગો કરી હતી. પાછી એ આરઝૂ પાસે ફરી હતી. એ આરઝૂને એની સાથે પરાણે ટેક્ષીમાં ખેંચી ગયેલી. રસ્તામાં તેણે આરઝૂની અમેય માટેની બધી સાચી-ખોટી ભ્રમણાઓ દૂર કરી દીધેલી.
ટેક્ષી આરઝૂના એપાર્ટમેન્ટના દરવાજે આવીને ઉભી રહી ગયેલી. ઊભી રહેલી ટેક્ષીમાંથી એકસાથે ઊતરી રહેલ આરઝૂ અને દેવયાનીને બધા સ્તબ્ધપણે જોઈ રહેલાં.
દેવયાનીએ એક હુંફાળું સ્મિત અમેય સામે ફરકાવેલું. અમેય એને કંઈ કહે કે પૂછે એ પહેલાં તો એ જેમ આવી હતી એમ એ જ ટેક્ષીમાં બેસી રવાના થઇ ગયેલી.
અંતે એ સાંજે - સગા સંબધીઓની હાજરીમાં - લગ્નમંડપમાં એક સાથે બે કન્યાઓ તમન્ના - આરઝૂએ 'કુર્યાત સદા મંગલમ' સ્ત્રોતનાં ગુંજારવ સાથે પોતાના મનભાવન પ્રિયતમ સાથે દામ્પત્યજીવનનાં પ્રથમ ખંડમાં પદાપર્ણ કરેલું.
[ સંપૂર્ણ ]